કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે. અહીં બિરાજતાં દેશદેવી માઁ આશાપુરાના દર્શને લાખ્ખો ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. માઁ આશાપુરાના સ્થાપન, પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેર જણાવે છે કે, મંદિરમાં રહેલી માઁની આ મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઈ હતી. મઢમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવર્તે છે.
કહેવાય છે કે, કચ્છની ધનીયાણી માં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વરસ પહેલા હતું. દેવચંદ નામે મારવાડનો એક વૈશ્ય (જૈન વાણીયા) વેપાર અર્થે કચ્છ આવેલ હતો. વેપાર માટે કચ્છ આવેલા વેપારી વાણીયો કચ્છની ધરા પર ફરી રહ્યો હતો. ફરતા ફરતા વેપારી વાણીયો કચ્છની તે જગ્યાએ આવી પહોંચે છે જ્યાં આજ તાજેતરમા આશાપુરા માતાજી બિરાજમાન છે. વેપારી ત્યા પહોંચ્યા ત્યારે આસો મહિનાનો નવરાત્રીનો સમય ચાલતો હોવાથી વેપારી વાણીયાયે તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિભાવપુર્વક માતાજીની આરાધના કરવા લાગે છે.
માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણીયો આખો દિવસ માતાજીની ભકિત કરવામા લીન રહે છે, માતાજી વેપારી દેવચંદ વાણીયાની ભકિત આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણીયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે.., દિકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવી છું, અને જે જગ્યા પર મારી રોજ પુજા-ભકિત કરે છે, એજ જગ્યા પર મારૂ મંદિર બનાવી મારી પુજા-ભકિત કરજે, પરંતુ મારુ મંદિર બનાવ્યા બાદ છ મહીના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહી. વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતા ખુશ ખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગે છે.
વેપારી વાણીયો માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી, પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે, મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો, એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે. મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણિયો માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે, મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણીયાને અલૌકિક અહેસાસ થાય છે, માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવી માઁ ની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે.
વેપારી વાણીયા માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે, તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી, માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું., પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. દેવીએ વેપારી વાણીયાને વરદાન માંગવા કહ્યું.., વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી, માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણીયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.
ભાસે ભલેને તારા રૂપ અધૂરાં, કામ સવાયા કીધાં,
અધીર વણિક ની સાંભળી ને પ્રાર્થના, દેવળ દર્શન દીધાં,
સ્વયંભૂ માડી તુંતો પાષાણે પ્રગટી, જગ આખા માં ઓળખાણી..!!
માઁએ એની આશાપુરી કરી અને તેમને પુત્રરત્ન પ્રાપ્ત થયો એટલે આશાપુરી કહેવાયા માતાની મૂર્તી સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરિર છે તથા સાત આંખવાળી છે. અનેક ભક્તોની આશા પુરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત રાજસ્થાન સહિત દેશમા જાણીતું છે.
બીજી દંતકથા પ્રમાણે સીંધમાં સુમરાનું રાજ હતું. જે કાબુ લુંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો, જેમની સામે જામ લાખીયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના ભાયાત જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતાં. તેમને માઁ આશાપુરા સ્વપ્ને આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળીયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું જામ ભારમલ રાજપુત હતા તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળીયો એક સાથે જોવા મળ્યા જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યો ત્રણ દિવસ પછી માઁ આશાપુરા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધુપ કરવા જણાવ્યું બાદમાં માઁ એ આશિર્વાદ આપ્યા કે હું તારી કૂળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કૂળદેવી છે.
૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
હાલ અંહી રાજાબાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતી તરીકે છે અને સવાર સાંજની આરતીથી માંડીને તમામ વહીવટ તેના નેજા હેઠળ,થાય છે. તેમજ પૂરાણોમાં ઉલ્લેખ છે કે, નારાયણ સરોવર-કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં રોકાયેલાં અહીં 9 દિવસ સુધી માતાની પૂજા કરેલી. એક અન્ય કથા પણ પ્રવર્તે છે કે, જેમાં સિંધના બાદશાહ ગુલામશા કલોરાએ મંદિર પર હુમલો કરેલો પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું. આ કાપાલિક ભક્તોનું નામ અપભ્રંશ થઈ આજે કાપડી તરીકે ઓળખાય છે.
નવરાત્રિ દરમ્યાન સાતમ આઠમના પર્વે કચ્છના મહારાવ ચાચરકુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પતરી ચઢાવે છે. આ એક વિશિષ્ટ પૂજા છે. નવરાત્રીના નવ દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે. જેમાં ગાયકવૃંદ પણ મઢના લોકો જ હોય છે. માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યાં છે. એટલે જ વર્ષોવર્ષ માઈભક્તોની સંખ્યા વિસ્તરતી રહી છે.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
- – શ્રી ધેલા સોમનાથની સ્થાપના નો ઈતિહાસ
- – સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
- – સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ
- – તુલસીશ્યામ પ્રાગટ્ય કથા
- – સંત શ્રી ભોજલરામબાપા ની જીવન કથા
- – આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
- – બાબા અમરનાથની સંપૂર્ણ કથા