લાખણશી અને ગોરાંદે

મિત્રો આ એજ પ્રેમીઓના પાળીયા છે જેને પ્રેમ મા પોતાના પ્રાણ આપી સ્વર્ગ સીધાવી અમરાપર મા મળ્યા.. છાણાં ઉપર છાણું ગામ નગીચાણુ

કાઠીયાવાડ ની ધીંગી ધરામા આવા અવનવા કોયડા ખુબજ પ્રચલિત હતાં. જેનાં દ્વારા કયું ગામ કે કયાં ના રહેવાશી છે તે દર્શાવવુ ખુબજ સહેલું હતું પણ સમજદાર માટે…..આવું જ કોયડા રૂપી પણ સમજદાર ને ઝટ સમજાય તેવું ગામ એટલે લાખાદે અને ગોરાંદે ની પ્રિતના પાળીયા સંગ્રહી બેઠેલું આ એજ નગીચાણુ ગામ જ્યાં લાખણશી અને ગોરાંદે ના પ્રિતના પડઘા સંભળાય છે

..લાખણશી એ ધોરાજી પાસે મોટી મારડ ગામ ત્યાંનો રહેવાશી હતો ને ગોરલ નગીચાણુ જે જુનાગઢ ના તાબે છે ત્યાંની રહીશ હતી. બન્ને આયર કોમનાં હતાં. આગળ ના જમનામાં ખેતીને વધારે મહત્વ અપાતું જેની ખેતી સારી એની બોલબાલા ને તેની કદર થતી એવું જ કામ લાખણશાનુ હતું જે ખેતી ખંતથી કરતો કાઇ કહેવાપણું નહીં .હવે એક દિવસ નગીચાણા ની આયરાણીઓ મોટી મારડ ગામ કોઇ પ્રસંગો પાત ગઇ હતીં એમા ગોરલ પણ હતીં પ્રસંગ પતાવીને વળતાં જ્યારે વેલડુ મારડ ની સીમમાં ઉભું રાખ્યું ત્યારે ગોરલનુ ધ્યાન સાહ(સાહ આ શેઢે બેઠાં હોય અને સામા શેઢે સોપારી મુકી હોય તોય દેખાય એવા દોરીસટ સાહ) કરતા ખેડૂતને જોયો એનું મન આ ખેડુમા પરોવાયુ વાહ તારી ખેતી રંગ તને વાહ ખેડુતતો અવળા મોઢે જતો હતો પણ બધી સ્ત્રીઓ વચ્ચે બોલાવવો કેમ પણ ગમે તેમ કરી મારે મારું ગામ ને એંધાણ આપવા જ જોઇએ કારણ કોઈ પ્રસંગે તેને આવીને મળે તો કેવી રીતે આપું. થોડીવાર વિચાર કરી કાટો કાઢવાને બહાને બેસી ગઇ ને બે અડાયા છાણા લીધા ને ઉપરા છાપરી મુકી તેમા બાજુંમા પીપળાનુ ઝાડ હતું એમાંથી પાન તોડીને છાણા વચ્ચે મુકયું પ્રસંગમાં ગયાં હોવાથી ચોખ્ખા કંકુ સાથે હતા તે મુક્યા ને ચુંદડી નો કડકો મુકી ગાડે બેસી ગઇ. થોડુંક હાલ્યા ત્યાં લાખણ આ શેઢે આયો તેને અજબ કોયડો જોઇ ગાડા તરફ નજર કરી તો ગોરાંદે એ ચુદડી ઉંચી કરીને ઇશારાથી સમજાવ્યો કે આ વસ્તુ મારી છે. તમે સમજી જજો.

લાખણશી જાણ સુજાણ

હવે જે છાણું ઉપર છાણું ગામ નગીચાણુ એટલે એ વખતમાં આ કહેવત પ્રખ્યાત હતી તે સમજી ગયો કે મને ચુંદડી બતાવી તેનું નગીચાણા ગામ છે બીજું પીપળાનુ પાન એટલે ગોરલનુ ઘર પીપળાની નીચે છે ને ચુદડી ને ચોખા ને કંકુ તમારા નામની ચુંદડી ઓઢવા માગું છું.

લાખણશી પણ ચતુર હતો સમજી ગયો ટુંકમાં બન્ને કુદરતી મનમેળ થયાં ને લાખો મોટી મારડ થી નગીચાણા દરરોજ મળવા જતો એટલે કે રોજનું વીસ ગાઉં નુ અંતર કાપતો. આવું ઘણો સમય ચાલ્યું પણ એક દિવસ ગોરલના ફઈ નો દિકરો રત્નો જે નગીચાણા મા રહેતો એને પણ ગોરલ સાથે લગ્ન કરવાની ઈચ્છા હતીં એને આ વાતની ખબર પડી કે મારડ ગામનો લાખણશી રોજ ગોરાંદે ને મળવા આવે છે આ તેને સહન ન થતા એક દિવસ તેને લાખાને આડો ફર્યો તેનાં મિત્રો સાથે લાખા સાથે ધીંગાણું થયું જેમાં લાખાને માથામાં વાગી જાય છે ને પાઘડી લોહીયાળ થઇ.

આમ લાખો લોહી વાળી પાઘડીએ મોટી મારડ આયો લાખાને એક ભાઈ અને ભાભી હતાં લાખાને પેટનાં દિકરા કરતાં પણ વધારે હેત ને વ્હાલ આપ્યું હતું. ઘણે સમયે એના ભાભીના હાથમાં લાખાની લોહીયાળ પાઘડી મળે છે લાખા આ પાઘડી લોહીયાળ કેમ પુછ્યુ. કાઇ નથીં જરા ધીંગાણું થઇ ગયું. ભાભીએ પુછયું કયાં? નગીચાણાના રત્ના હારે ને પછી બધી વાત કરી, ગોરલ નામ છે, વિરા આયરની દિકરી તેની ભાભીએ લાખાના ભાઇને વાત કરી કે વિરા આયરની દિકરીનું માગું નાખવા નગીચાણા જાવ. લાખા માટે પણ તેના ભાઈએ ના કહી કે હું માંગું લઇને નહીં જાવ કયાં આપણે ને કયાં ઇ, કયાંક અપમાનિત કરે તો તમેજ જાવ. ઠીક કંઇ તેના ભાભી નગીચાણા તરફ ચાલતાં થયાં. નગીચાણા આવ્યા જતા જ ઓરડે પહોચ્યા ને ગોરલનો ભેટો થયો વાત કરી કે મળવાને બ્હાને લાખાને તે મારા ખવરાવ્યો ગોરલ વાત કરે છે પછી તેની ભાભીએ લાખાની સગાઇ ની વાત લઈને આવીશું પણ ચુદડી નથીં લાવી પણ આ લાખાની પાઘડી છે. ગોરલ ચુંદડીની કોઈ જરૂર નથી પણ ગોરલના પિતાએ લાખાના ભાભીનું અપમાન કર્યું, ન કહેવાનું કહ્યું ધુતકારી કાઢયા પણ ગોરલે આ વાતમા ધ્યાન ન આપતા ભાભીને કહ્યું કે હુ લાખાની છું ને આ લોહીયાળ પાઘડી મારાં માંટે ચુદડી.

ગોરલ નુ આવું વર્તન જોઈ તેનાં પિતા એ સગાઇ અને લગ્ન ટુંકા ગાળાની અંદર લઇ લીધા આ બાજુ રત્ના અને ગોરલના લગ્ન લેવાયા આ બાજું લાખો ખુબ મુંઝાય છે કે કેવી રીતે ગોરલને મળવું આમ લાખણશી ગોરાંદે ને નગીચાણા ના શિવમંદિરે મળે છે લાખાએ ગોરલ ને નાશી જવાનું કહ્યું પણ ગોરલે ના કહીં એમાં મારા અને તારા બન્નેના પિતાની આબરૂ જાય તો પછી લાખાએ ગોરલને કીધું હું લગ્નનાં દિવસે આવીશ અને તને લઇ જઈશ ઇ પાકું મારા પર વિશ્વાસ રાખજે મારી વાટ જોજે. આ વાતની જાણ થતાં તેનાં ઘરવાળા એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો. ગોરલદેના સાસરિયાં વાળાં આવ્યા હતા સવારે ગોરલ સાસરીએ જવાની છે. હવે તેને લાખણશીએ મળવું જોઈએ ને તે નગીચાણા આવ્યો. બધી બાજું મહેમાનોથી ભરચક ફળીયામાં બેઠા હતા. પણ લાખો દબાતા પગલે પાછલી પછીતથી ઘર પર ચડ્યો, વાસડા ને નળીયા આઘા કરી વળીઓ પકડી ટીંગાઇને ઉતરવા લાગ્યો, પણ કુદરત ને જુદુજ મંજૂર હશે કાળના પંજા જેવી તેનાં કેડે બાંધેલ કટાર મ્યાનમાથી છટકી ને ગોરલના શરીરને સુંવાળી છાતીમાં આરપાર નીકળી ગઇ, પણ લાખો આ વાતથી અજાણ હતો નીચે ઊતર્યો બન્ને મળ્યા ચાલ ગોરલ નીકળી જવી. ના ગોરલ કહ્યું કે અહીં ગણેશ સ્થાપન છે તેની સાક્ષીએ ફેરા ફરી લેવી બન્ને ગણેશ ની સાક્ષીએ ફેરા ફર્યા. લાખો કહે ચાલ ગોરલ નીકળી જવી ના બસ હવે વચન આપ્યું હતું એ પુરૂં થયુ હવે મળશુ આવતાં ભવમાં મારે તો સવારે સ્વર્ગ સિધાવવાનુ છે. ગોરલ આ શુ બકે છે! પ્રેમમાં મશગુલ લાખણશી કાઈ સમજી શક્યો નઇ વહાલી ના હ્રદય માં કાટાર પેસી ગઈ છે તેના કપડાં થોડે થોડે લોહીથી ભીનાં થતા જાય છે. પ્રેમઘેલા લાખણશી ને ગોરલે કહ્યું.

લાખણશી જાણ સુજાણ સનસેય સમજ્યો નહીં
ફેરવી ફેંટો બાંધ્ય લાખણશી લોયાળો થયો

આમ લાખણશી ના હાથમાં લોહી આવતાં બોલ્યો કે મે તને વચન આપ્યું હતું કે હું તને લઇ જઈશ તો પણ કટાર શુ લેવાં ખાધી. અરે મારા લાખા કટાર મારી નહીં પણ તારી છે, લાખાનો હાથ કેડે જાય છે ને કટાર ખરેખર ન મળે ગોરલે તેનાં શરીરમાં આરપાર કટાર બતાવી લાખાને માથું ચકરાવા લાગ્યું, ખુબજ અફસોસ થયો પણ હવે કટારને જે કરવાનું હતું તે કરી નાખ્યું. લાખો ગોરલ સાથે મરવા તૈયાર થાય છે પણ ગોરલે કોઈ કારણોસર ના કહીં અને ભાગી જવાનું કહે છે આ બાજું ઓરડા મા આવતો આવજ સાંભળી લોકો જાગી ગયા ને ગોરલે લાખાને કહ્યું જવું હોય તો જાવ પણ મરતા મુખે થી મારૂં વેણ સાંભળો.

જાવું હોયતો જાવો રૂદો અમારો છે રાજી
બોલ્યું ચાલ્યુ માફ કરજો પ્રીત રાખજો તાજી

અદ્ભૂત હિમ્મત વાળી બહાર થતાં શોરબકોર મા લાખો હિમ્મત ના હારે એટલાં માટે કહ્યું કે સામે ચૂલામાંથી રાખની જોળી ભરીલે ને બહાર નીકળી જા સામે આવે એની આંખોમાં નાખજે તેથી તુને કોઈ વાંધો નહિ. આમ બહાર આવેલા લોકોને ઘરના સર્વ ગોરલને ઓરડે પહોચ્યા ન દેકારો થયો. કમાડ ખેડવો ને ઉપરથી ઉતરો આવી વાત ચાલતી હતી ત્યાં ગોરલના શરીરમાં થી કટાર કાઢીને હલ્લો કર્યો અને જતા જતાં વ્હાલી ને રામ રામ કહેતો ગયો આમ લાખણશી છંલાગ મારી રાખ ઉડાડતો વીર ફળીયા બહાર નીકળી ગયો સર્વ જુવાન હાથમાં તલવાર સાથે જોતા રહ્યા ને લાખો નીકળી ગયો એક જણ બોલ્યો.

દાદા કરો દાખડો વીર ચડાવો વાર
જે નર ન મુઓ ઘરને આંગણે મારવો ઝાંપાબાર

આમ લાખણશી મારડના માર્ગે ચડે છે પણ એ જમાનામાં વેકળા એટલાં સાકડા હતાં કે એક ગાડું આવતું હોયતો સામે ઘોડુ પણ ન તારવી શકાય એટલાં સાકડા ને લાખણશી જે રસ્તે ભાગ્યો તે જ રસ્તામા સામે ગાડું આવતું હતું. હવે જો પાછો વળે તો પંદર ઘોડેસ્વાર ભેટી જાય હવે શું કરવું? સામે ગયાં વિના કોઈ ઉપાય નહતો તેથી ઘોડીને એડી મારતાં ઉપડી ને ગાડું ઠૈકી ગઇ પાછળ પડેલાં ઘોડેસ્વારોએ ગાડું સામે આવતું જોયું ઉભાં રહ્યાં વિનાં છૂટકો નથી થોડીવારમાં ગાડું આવ્યુ ને સમાચાર લિધા કે કોઈ ઘોડેસ્વાર સામો મળ્યો કેમ એને પુરો કરવો છે ઝટ વાવડ આપો તે દુહા મા બોલ્યો

દાદા મ કરો દાખડો વીરા મ ચડજો વાર
જે નર ન મુઓ ઘરને આંગણે. નૈ મરે ઝાંપા બાર

હવે તમે પાછાં વળો ઇતો માટીયાર હતો કે ગાડું ઠૈકી નીકળી ગયો તમારૂં ગજું નહીં. ભૌઠા પડેલ લડવૈયા વિલે મોઢે પાછાં ફર્યાં ને ગોરલને ઓરડે આવ્યા ને આવી અંદર જુએ તો ગોરાંદે ના કાળજું ચીરાઇ ગયું હતું. સર્વ વિસ્મિત શ્વરે બોલી ઉઠ્યા કે એ ખુન કરી નાશી ગયો. લાખણશી લોહીયાળ કપડે રઝળતો વગડામાં ગોરલ માંટે ઝુરતો જાય છે ત્યાં સુરજના અજવાળા થયાં પોતાની વહાલી ગોરાંદેના ગામ માથે નજર કરી તો તાપણી જેવું જોયું તને થયું નક્કી કટાર કામ કર ગઇ લાગે છે. ગોરલ નક્કી સ્વર્ગે સીધાવી લાગે છે. સામે આવતાં ગોવાળને પુછયું સામે સોના જેવી ઉજળીયાત ચિતા કોની બળે છે. ત્યારે ગોવાળ બોલ્યો

સોના જૈશી શે બળે રૂપા જેશી ધુંસ
જે ઘેર લાખણશી માણતો માઢું મઉછ

જે ઘેર લાખણશી માણતો તેના ઘરનુ માણસ મર્યુ છે

લાખે દિધી દોટ ભણેણી ભેગાં થયા
કીધા કિર્તીના કોટ પ્રિત્યુની રીત રાખવાં

હવે લાખણશી ઘરે જીવતો જાય ખરો લાખણશી ગોરલ ની ચિતા ભણી હાલી નીકળ્યો. જેમ જેમ ચિતા વધારે નજરે પડતી ગઇ એમ એમ ભડભડ બળતી ચિતાનો અવાજ સંભળાવા લાગ્યો, તેમ તેમ તેની ચિતની સ્થિત અકથ્ય થવા લાગી પોતાની વહાલી ગોરાંદે ની તેજ ચિતામા પડી જવા પોતાના શરીર પર ઘી છાંટી દોટ દીધી. કોઈ પકડે તે પેહેલા ચિતા મા કુદી ગોરાંદે ને ભેટયો અને મોતની મીઠી નીંદરમા બન્ને નિર્દોષ પ્રેમી ચાલ્યા ગયા. સર્વ જણ જોઇ રહ્યા છે અને પ્રેમી હૈયાં ભસ્મ થયા ને પોતાના પ્રેમનો અમર ઇતિહાસ આપી સદાય ને માટે પોઢી ગયા …..

કોઈ કહેછે કે લાખણશી મોટી મારડ ગામ જઇ ઘી લઇ પાછો આવી ગયો હતો વીસ ગાઉં નો પંથ એને જોત જોતામાં કાપી નાખી નગીચાણા આવ્યો હતો..

ઘણાં વર્ષો સુધી ગામનાં લોકો આ બાબતની વાત ન કરતાં કારણ ગામની આવી વાત કરી ગામનું થોડું અવળું દેખાય એટલાં માટે ઘણાં સમય વાત દબાવી રાખી. કોઈ આવીને પુછે કે આ લાખા અને ગોરાંદે નુ ગામ નગીચાણુ તો લોકો ના પાડી દેતાં, ના આ નહીં એ બીજું પણ થોડે થોડે તેમનાં નિર્દોષ પ્રેમની સૌને ખબર પડી કે તેમનાં મા લેશ માત્ર પણ વિકાર ન હતો આતો આવાં પ્રેમીઓ પર તો ગર્વ લેવો જોઈએ કારણ ઇતિહાસ તો પ્રેમમાં બલિદાન દેવવાળાના છે નહીં કે લેવાં વાળાના.

ઘણાં વર્ષો પછી ગામ લોકોએ હમાણા હમણાં જ એ લાખાદે અને ગોરલનુ સ્મારક જાહેર કર્યું. જે પાળીયા ઉપર નાની દેરી કરી નાંખી છે. લાખણશી ને ગોરલ જ્યાં મળતા હતાં એ શિવાલય પણ એ પ્રેમીઓની યાદ આપતું અડીખમ ઉભું છે જે આપ જોઇ શકો છો.

-નોંધ ÷ હાલમાં પણ નગીચાણા ના પાદરમાં આ બન્ને પ્રેમીઓ ના પાળીયા પોતાના પ્રેમની અમર વાત ને વાગોળતા ઊભાં છે આ સિવાય બીજા ઘણાં પાળીયા ઉભા છે.જે ધુળ ધોયાં ની વાટ જુએ છે ..

આના પર ફિલ્મ પણ બની છે લાખણશા ની કટાર કે ચુંદડી નો રંગ તેમ છતાંય હજું ઘણાં આંકડા ખૂટે છે. ગામમાં વાવ પણ ખુબ જ પુરાતન છે આ સિવાય ૧૪૪૦ની આસપાસ ના ઘણાં જુનાં પાળીયા પણ છે જે છતરડી મા ઉભાં છે. ગુજરાત પુરાતત્વ ધારે તો ઘણું કરી શકે એમ છે.

..આ કથાની સમગ્ર માહિતી નગીચાણા ગામનાં વતની મારા મિત્ર એવાં ઇતિહાસ ચાહક એવા ગોપાલભાઇ સોનારીયા તેમજ તેમનાં પિતા નરેન્દ્રકુમાર (બટુકભાઈ)સોનારીયા એ આપેલ છે તે સહકાર બદલ તેમનો હ્રદય પુર્વક આભાર વ્યકત કરૂં છું

……વિરમદેવસિહ પઢેરીયા………..

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!