વટલાયેલા કાશ્મીરી પંડિતો ફરી હિન્દુ બનતા બનતા રહી ગયા.

કાશ્મીર ઘણી સદીઓથી મુસ્લીમ આક્રમણોનો ભોગ બનતું આવ્યું છે. હજારો કાશ્મીરી પંડિતો સહિતના હિંદુ પરીવારોને આ આક્રમણકારીઓના આંધળા ધર્મઝનુનને વેઠવાનો વારો આવ્યો છે. તેમને એકદમ બળજબરીથી પોતાના ધર્મનો ત્યાગ કરી અને મુસ્લીમ બનવા કહેવાતું અને બનાવી પણ દેવાતા. આમાં જે વિરોધ કરે તે પોતાના જીવનથી હાથ ધોઇ બેસતો એતો બહુ જાણીતી વાત છે. અફઘાન શાસક અહમદશાહ અબ્દાલીથી લઇને શાહજહાં, ઔરંગઝેબ સુધીના બધાં જ શાસકોએ કાશ્મીરી પંડિતો સહિતના હિંદુઓ પર ક્રુર અત્યાચારો કરેલા અને લગભગ મોટાભાગના હિંદુઓને વટલાવી અને મુસ્લીમ બનાવી દીધાં….!

આજે કાશ્મીરના મોટાભાગના મુસ્લીમો એ પહેલાંના હિંદુ જ હતાં….! એમની વેદ પારંગત પેઢીઓના જ તેઓ સંતાન છે જે આજે સમય અને સલ્તનતની આંધીમાં પોતાની અસલી ઓળખ ગુમાવી બેઠા છે. જેને મહોરાના પ્યાદાં બનાવીને પાકિસ્તાન જેવા દેશો કાશ્મીરમાં ભારતવિરોધી “પ્રોક્સી વાર” ચલાવી રહ્યાં છે. અને જે થોડા કાશ્મીરી પંડિતો ધર્મપરિવર્તનની આંધીમાંથી બચી ગયેલા તેઓ પર સ્વતંત્રતાના દાયકાઓ પછી પણ ભયંકર અત્યાચારો થતાં રહેલા છે અને તેમના મુળ વતન કાશ્મીરને છોડીને બીજે ભટકવાને તેઓ મજબુર બન્યાં છે. મુસ્લીમ સંગઠનો દ્વારા તેમના પર થતાં અત્યાચારોને લીધે તેમને કાશ્મીર છોડવું પડ્યું એ તો જાણે ચોખ્ખી વાત છે પણ કરુણતા એ છે કે એ સંગઠનોમાંના મોટા ભાગના મુસ્લીમો તો પહેલાં હિંદુઓ જ હતાં….!

અને કદાચ સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે – આ જ ધર્મપરિવર્તીત થયેલા મુસ્લીમ પરિવારોએ એક વખત ફરીથી હિંદુ બનવાની માંગણી મુકી હતી અને કહ્યું હતું કે – “અમને ફરીવાર હિંદુ ધર્મમાં અપનાવી લો”….!! પણ એ વખતે એક લેશમાત્રની આડોડાઇને લીધે આ ઘટના બનતાં બનતાં રહી ગઇ અને એનું પરીણામ આજે પણ હજારો કાશ્મીરી પંડિતો ભોગવી રહ્યાં છે….! વાંચો આ અજાણી ઘટનાનો હેરતજનક ઇતિહાસ કે જેમાં ઇતિહાસ ફરતા ફરતા રહી જાય છે….

વાત છે ૧૯મી સદીના મધ્યભાગની કે જે વખતે કાશ્મીર માંડ ધર્મઝનુની શાસકોની શુંગાલમાંથી આઝાદ થયું હતું. અત્યાર સુધીના મુસ્લીમ શાસકોના અંધ અને ક્રુર રાજમાં હજારો ધર્મપરિવર્તનો થયાં હતાં, લાખો હિંદુઓ જીવતા સળગ્યા હતાં અને રીતસરની કત્લેઆમ મચી હતી. પણ હવે કાશ્મીર પરથી એ શાસનનો અંત આવ્યો હતો. દિલ્હીના મુઘલોની લીલા પણ સંકેલાઇ ગઇ હતી.

આ એ વખતની વાત છે જ્યારે કાશ્મીર પર રાજપૂત રાજા રણવીરસિંહ ડોગરાનું શાસન હતું. માત્ર કાશ્મીર નહિ, લદ્દાખ પણ એના કબજામાં હતું અને ચીન જેની સામે જોવાની હિંમત નહોતું કરતું એવું આ શાસન હતું….! તેમના પિતા ગુલાબસિંહ ડોગરા પંજાબસમ્રાટ રણજીતસિંહજીના સેનાપતિ હતાં અને તેમના વતી કાશ્મીર પર શાસન કરતાં. ઉલ્લેખનીય છે કે,તેમણે ચીન અને તિબેટની સંયુક્ત સેનાને માનસરોવર નજીકના યુધ્ધમાં હાર આપી હતી….! [ વધુ માહિતી માટે આ જ વેબસાઇટ પરનો લેખ “પંજાબસમ્રાટ રણજીતસિંહ” વાંચો ]

તો રણવીરસિંહ પણ પિતાથી સવાયા શાસક હતાં. તે પણ બહાદુર, રણકુશળ, પ્રખર રાજનીતિજ્ઞ અને પ્રજાવત્સલ રાજવી હતાં. હવે કાશ્મીરના બચેલા હિંદુ પરીવારોને વટલાવાનો કોઇ ભય નહોતો. અને એ જ વખતે જે પરીવારો મુસ્લીમ બની ગયેલા અને જેમના બાપ-દાદા કોઇ વખતે હિંદુ હતાં તેમને ફરીથી હિંદુ બનવાના અભરખાં જાગ્યા. કારણ હવે રણવીરસિંહજી જ ચક્રવર્તી હતાં. આ એક પ્રકારના રામરાજમાં હવે કોઇ ડર નહોતો અને આ એક જાતની તક પણ હતી, પછી શું થાય એ કોને ખબર ? હજારો વટલાયેલા લોકોએ ફરી હિંદુ બનવા માટે મહારાજા રણવીરસિંહજી સમક્ષ માંગણી મુકી. રણવીરસિંહ મુંઝાયા. કુશળ રણયોધ્ધા અને રાજનીતિજ્ઞ મહારાજાને ધર્મની આવી પેચીંદી બાબતમાં શું કરવું એ ના સમજાયું. મુસ્લીમ બનેલાને ફરી હિંદુ ધર્મમાં અપનાવાય કે નહિ ? આ પ્રશ્ન તેમને મુંઝવી રહ્યો.

આખરે તેમણે તે વખતના ભારતશ્રેષ્ઠ મહર્ષિ એવા સ્વામી દયાનંદ સરસ્વતીની સલાહ લીધી. સ્વામી દયાનંદે જણાવ્યું કે,એમાં કાંઇ ખોટું નથી ! માત્ર થોડી ઘણી ક્રિયાવીધી કરીને તેમને ફરી હિંદુ તરીકે સ્વીકારી શકાય. અને રણવીરસિંહજીએ દયાનંદજીની સલાહ પ્રમાણે તેમને ફરી હિંદુ તરીકે સ્વીકારવાનું મંજુર રાખ્યું.

પણ નહિ….! ભારતના બદનસીબે ઇતિહાસને આ મંજૂર નહોતું. માંડ સીધે રસ્તે વળેલ ઇતિહાસ પલક જપકતાં બીજે રસ્તે વળી ગયો. હોઠ અને કટોરા વચ્ચે નિમિષમાત્રનું અંતર રહ્યું ને દૂધ ઢોળાઇ ગયું….! વાત એમ બની કે, કાશ્મીરમાં જે ધર્મપરિવર્તન ન પામેલા બ્રાહ્મણો હતાં તેમને આ કદાપિ મંજુર નહોતું. આ રૂઢિચુસ્ત બ્રાહ્મણો માનતા હતા કે,જે મુસ્લીમ બની જ ગયાં છે તેવા પરિવારોને જો હિંદુ બનાવાય તો તો મહાઅનર્થ સર્જાય….! અપવિત્રતાની હદ વટાવી કહેવાય….! એવા પરિવારોને ફરી હિંદુ બનાવવાની માંગણી જો રાજા સ્વીકારશે અને આમ થશે તો અમે બધાં નદીના પાણીમાં સામુહિક આત્મહત્યા કરીશું એવી ચોખ્ખી ધમકી તેમણે રણવીરસિંહજીને આપી….!

આ કુપમંડુક બ્રાહ્મણોએ હોડીઓમાં નદીની મધ્યે જઇ અને પછી હોડી ડુબાડી ડુબી મરવાની ધમકી આપી હતી. રણવીરસિંહ મુંઝાયા. હવે શું કરવું ? એક બાજુથી સ્વામી દયાનંદ જેવી વિદ્વાન વ્યક્તિ જેનું સમર્થન કરતી હતી એ પહેલાંના હિંદુ પરિવારોને ફરી હિંદુ બનાવવાની વાત હતી તો બીજી બાજુ બ્રાહ્મણોનો સામુહિક વિરોધ અને “બ્રહ્મહત્યા” ની ધમકીઓ….!

રણવીરસિંહજીને ભય પેઢો કે આ બ્રાહ્મણો જો આમ ખરેખર સામુહિક આત્મહત્યા કરીને જળસમાધિ લેશે તો હાહાકાર મચી જશે અને બ્રહ્મહત્યાનું મહાપાતક લાગશે. આથી આખરે તેમણે મુસ્લીમ પરીવારોને ફરી હિંદુ બનવાની આપેલી મંજૂરી પાછી ખેંચી. બસ,થઇ રહ્યું….! પછી ફરી ક્યારેય એ દિવસ ન આવ્યો. અને પછી એ જ કાશ્મીરી બ્રાહ્મણોની માઠી દશા બેઠી….! નહિં તો આજે ‘સળગતા કાશ્મીર’નો પ્રશ્ન જ ન હોત….! આજે એમાંના મોટાભાગના પરિવારોને પરિણામે ઘણું ખરું કાશ્મીર પણ મુળભુત ધર્મનું અનુયાયી હોત….!

પણ તક એક જ વાર આવે છે અને એ છટકી ગઇ પછી હાથ ઘસવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. જેનું લંગર ઉપડી ગયું છે એવા સમયના વણથંભ્યા વહાણ બ્રહ્માંડરૂપ સમુદ્રમાં ફરી પાછાં ક્યારેય એકને એક બંદરે આવતાં નથી….!

[ નોંધ – આ લેખ સત્યતા જણાવવા માટેનો છે, કોઇની ધાર્મિક લાગણી દુભાવવા માટેનો નહી. ]

– Kaushal Barad.

error: Content is protected !!