શ્રીકરણી માતાનું ભવ્ય મંદિર રાજસ્થાનમાં બીકાનેરથી ૩૦ કિમી દૂર દેશનોક ગામમાં આવેલું છે. જેની ખ્યાતિ ભારત ઉપરાંત વિશ્વભરમાં પ્રસરેલી છે. દિવસભર દેશ-પરદેશના પર્યટકો તથા શ્રદ્ધાળુઓ દેશનોકના શ્રી કરણી માતાજીના મંદિરે અવશ્ય આવે છે. આ સ્થાન ઉંદર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં ભક્તોથી વધારે કાળા ઉંદર જોવા મળે છે (જેને શ્રદ્ધાભાવથી ‘કાબા’ કહે છે) અને કાળા ઉંદરો વચ્ચે જો તમને સફેદ ઉંદર જોવા મળી જાય તો સમજી લેજો કે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ જશે. આ જ અહીની માન્યતા છે.
ઈતિહાસ પર ઉડતી નજર કરીએ તો જણાય છે કે મહાભારતના સમયમાં દ્વારિકાથી દિલ્હી જવાના માર્ગમાં વેપારીઓનો પડાવ મારવાડના દેશનોક નગરમાં રહેતો. તેની આજુબાજુમાં પંવાર રાજાઓએ પોતાના ઘોડા ચરાવવા માટે છ કી.મી. વિસ્તારમાં ઘાસિયું જંગલ ઊભું કર્યું હતું. કરણજીએ તપશ્ચર્યા કરીને આ સ્થળને ગરીમા બક્ષી હતી. આજે કરણી માતાજીના સમયના કોઈ ઐતિહાસિક અવશેષો પ્રાપ્ય નથી પણ બિકાનેરના મહારાજા શ્રી સર ગંગાસિંહજી બહાદુરે બંધાવેલું કરણી માતાજીનું મંદિર યાત્રાળુઓ માટે તીર્થસ્થળ બની રહ્યું છે. લોકગાથાઓમાં અને જનશ્રુતિઓમાં માતાજીના જીવનની અને પરચાની વાતો સચવાઈ છે.
દેશનોકના કરણીદેવી આજે તો રાજસ્થાન ઉપરાંત મઘ્યભારત, ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સુપ્રસિદ્ધ છે. બિકાનેર રાજ્યની સ્થાપના કરનાર બિકાજી રાઠોડ ઉપર શ્રી કરણજી પ્રસન્ન થયાં અને તેમની કૃપાથી જ બિકાજી મહારાજા બન્યા હતા. બિકાજીથી માંડીને આજ સુધીના તેમના રાજકુટુંબો અને રાજા કરણીમાતાને પોતાની કૂળ દેવી તરીકે પૂજતા આવ્યા છે. તો ચાલો જાણીયે શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ પ્રાચીન ઇતિહાસ.
શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ પ્રાચીન ઇતિહાસ
ચારણદેવી કરણજીનો જન્મ જોધપુર તાબે શેરગઢ પરગણાના સુવાય ગામમાં કિનિયા શાખાના ચારણ મોહાજીનાં ધર્મપત્ની દેવલબાઈ-આઢીજીની કૂખે વિ.સંવત ૧૪૪૪ના આસો સુદી સાતમને બુધવારના રોજ થયો હતો. તેમની સાથે જોડાયેલા દૂહા, ગીતો, અને પરજો અને જનશ્રુતિ અનુસાર તેમના જન્મ પહેલા મેહાજીનું ખોરડું અત્યંત ગરીબાઈમાં ગણાતું. માતાજીના જન્મ પછી ઉત્તરોત્તર તેમનો વૈભવ વધવા માંડ્યો. એ એટલો તો વઘ્યો કે એ કાળના ૪૦-૫૦ હજારના જાગીરદારો એની આગળ ઝાંખા પડવા લાગ્યા.
મેહાજી ચારણને છ દિકરીઓ હતી. જેમાંનીં કરણીબાઈ છઠ્ઠી-દિકરી હતાં. નાનપણથી જ તે વિચારશીલ અને આઘ્યાત્મિક વલણ ધરાવતાં હતાં. આમ તો આ કન્યાનું નામ રિધુબાઈ હતું, પણ જનકલ્યાણ કરવાના કારણે કરણી માતાના નામથી તેને પૂજવામાં આવે છે. લગભગ 6 વર્ષની ઉમરમાં કન્યાના ચમત્કારો અને જનહિતમાં કરવામાં આવેલા કાર્યોથી પ્રભાવિત થઈને ગામલોકો એ આ નામ દીધું. લગ્ન અને સંસારી જીવનમાં તેમને ઝાઝો રસ નહોતો.
મોટી ઉંમર સુધી લગ્ન ન કર્યા તેથી સમાજમાં તેમની વાતો થવા માંડી. લોકાપવાદથી બચવા કે પછી બીજા કોઈ કારણસર કરણજીએ જાતે જ પોતાનું લગ્ન મારવાડના દીપાજી સાથે કરવા જણાવ્યું. એ મુજબ ધામઘૂમથી લગ્ન લેવાયાં પણ કરણજીને સંસાર માંડવામાં રસ પડ્યો નહીં. આખરે એમણે દીપાજીને પોતાની નાની બહેન ગુલાબબાઈ સાથે લગ્ન કરવા સમજાવ્યા અને પોતે જ એમનાં લગ્ન કરાવ્યા. બહેન સાથે એમના પતિનું લગ્નજીવન સુખી થયું તેથી કરણજીને અપાર આનંદ થયો. કરણી માતાજીની બહેન ગુલાબબાઈ ને પુનો, નગો, સિંહો અને લાખન નામના પુત્રોનો જન્મ થયો જે કરણીજીના વંશજ દેશનોકમાં હાલમાં વસે છે.
એક સમયે લાખન પોતાના મિત્રો સાથે કોલાયત ગામે મેળો જોવા ગયેલો. તે વખતે તળાવમાં નહાવા પડતાં ડૂબી જવાથી લાખનનું મૃત્યુ થયું. પરિવારના બધાં સભ્યોએ માતાજીને પ્રાર્થના કરી કે લાખનને સજીવન કરો. સમગ્ર પરિવારનું રુદન સાંભળી શ્રી કરણી માતાજી લાખનના મૃત શરીરને મંદિરના ગભારામાં લઈ ગયાં અને ત્રણ દિવસ ઉગ્ર તપસ્યા કરી. તેથી યમરાજા આવ્યા. માતાજીએ યમરાજાને કહ્યું કે, “આ લાખનને સજીવન કરો.” ત્યારે યમરાજાએ કહ્યું કે, “મા, તમે શક્તિનો અવતાર છો. તમારા પછી પણ ઘણી શક્તિઓ જન્મ લેશે. દરેક શક્તિઓ જો પોતાનો પરિવાર પાછો માગશે તો સૃષ્ટિના જન્મ-મરણના નિયમનું શું થાય?”
ત્યારે માતાજીએ કહ્યું કે, “હે યમરાજા, તમે લાખનને સજીવન કરો. મારા પરિવારની ચિંતા ના કરો. હું તમને વચન આપું છું કે, આજથી મારા વંશજ દેપાવત (દેપાવત શાખના ચારણ)ના મરણ પછી તમારે દ્વારે નહીં આવે કે તમારે લેવા આવવાની જરૂર નહીં રહે, કારણ કે મારા દેપાવત (ચારણ)ના મરણ પછી દેશનોકમાં કાબા (ઉંદર) બનશે અને ‘કાબા’ મરશે તે અહીંયાં દેપાવત (ચારણ) બનશે.” આમ, યમરાજાને વચન આપી ચોથા દિવસે મૃત લાખનને સજીવન કરાવી પરિવારને સોંપ્યો અને કહ્યું કે, “જ્યાં સુધી હું જીવિત રહીશ ત્યાં સુધી મારી સામે કોઈ પણ પુત્રનું મરણ નહીં થાય.”
કરણીજી આવડમાતાના પરમ ઉપાસિકા હતાં. જનસમાજ એમને આવડ માતાનો બીજો અવતાર પણ માને છે. પંદરમી સદીમાં જાટ, મુસલમાન અને નાના મોટા રજવાડાઓએ પ્રજા પર અત્યાચાર ગુજારી લૂંટફાટ કરીને પ્રજાને પીડવા લાગ્યા ત્યારે કરણીજીએ મહાશક્તિરૂપે અવતાર ધારણ કર્યો અને પ્રજાને જુલમથી બચાવવા માટેનું મહાન કાર્ય કર્યું. આ મહાશક્તિએ જોધપુર અને બિકાનેર જેવા રાજ્યોની સ્થાપના કરાવી દુર્ગો અને કિલ્લાઓનો પાયો સ્વહસ્તે નંખાવ્યો. ત્યારથી કરણદેવી આ રાજવીઓના કૂળદેવી તરીકે પૂજાવા લાગ્યા.
રાજસ્થાનનાં સુપ્રસિદ્ધ લોકમાતા ગણાતાં કરણીદેવીને રાજપૂતો, ચારણો અને બ્રાહ્મણોથી માંડીને પછાત ગણાતી ચમાર આદિ જાતિઓ તેમને શ્રદ્ધાપૂર્વક પૂજે છે. દેશનોકના સારંગ અને બિશ્નોઈ પણ એમને માને છે. અરે અહીંના મુસ્લીમ ઘાંચીઓ માતાના મંદિરે દીપમાળા પ્રગટાવવા માટે શ્રદ્ધાપૂર્વક પોતાની ધાણીનું તેલ પૂરું પાડે છે. કલિયુગમાં કરણીદેવીના નામે જાણીતાં થયેલાં જ્યોતિસ્વરૂપા જગદંબા ભગવતી દિનદુઃખિયાના દુઃખો દૂર કરનાર દેવી મનાતાં હોવાથી રાજસ્થાની પ્રજા આસ્થાપૂર્વક માતાના મઢે જાય છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ તેમના ઉપાસકોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે.
કરણીદેવીનું મંદિર આમ તો અન્ય દેવમંદિર જેવું જ છે પણ ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે મંદિરમાં સેંકડોની સંખ્યામાં ઉંદરો બિન્ધાસ્ત ફરે છે. અહીંના નગરવાસીઓ એને ‘કાબા’ તરીકે ઓળખે છે. જ્યારે બિકાનેર રાજ્યમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો ત્યારેય કરણીદેવીના મંદિરના આ કાબાની સંખ્યા સ્હેજે ય ઘટી નહોતી. યાત્રાળુઓ મંદિરમાં માતાજીના દર્શને આવે છે ત્યારે આ કાબા-ઉંદર એમના અંગ ઉપર ચડી જાય છે. માથે બેસીને લાડું ટટકારે છે. ઉંદર માથા પર ચડે એને શુભ માનવામાં આવે છે. એટલે માથા ઉપર ચડેલા ઉંદરો સ્વેચ્છાએ ઉતરી ન જાય ત્યાં સુધી એને ઉતારવામાં આવતાં નથી. અહીં ઉંદરોની આદરપૂર્વક સંભાળ રાખવામાં આવે છે.
એવું પણ કહેવાય છે કે, માતાજીએ કાબાઓ માટે સ્વર્ગ અને નર્ક અહીંયાં બનાવ્યું છે. જે દેપાવત (ચારણ) મનુષ્ય અવતારમાં ધર્મકાર્યો, સારા આચાર-વિચારવાળા હશે તેમને કાબા બન્યા પછી માતાજીના મંદિર-ગર્ભગૃહમાં સ્થાન મળશે. જ્યાં તેમને દૂધ, લાડુ, મીઠાઈ વગેરે જમવા મળશે, પણ જો ધર્મધ્યાનમાં નહીં હોય, સારાં કર્મો નહીં કર્યાં હોય તેને તેના મૃત્યુ પછી મંદિરના ચોકમાં જ રહેવાનું. તેને યાત્રિકો જે કાંઈ ચણા, અનાજ આપે તે ખાવાનું. આ નિયમનું કાબાઓ સંપૂર્ણ પાલન કરે છે. મંદિરના ચોકમાં ફરતા અસંખ્ય કાબાઓ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા નથી અને ગર્ભગૃહમાં રહેતા કાબાઓ બહાર નીકળતા નથી.
મંદિરના ચોકમાં એક ખૂણામાં શ્રાવણ-ભાદો નામ આપેલ બે મોટાં કડાયાં છે. તેમાં ૧૫૦૦૦ કિલોનો મહાપ્રસાદ બને છે. મંદિર તરફથી દરરોજ ૨૧ લીટર દૂધ અને યાત્રિકો કે સેવાભાવી વ્યક્તિઓ તરફથી ૫૧ લીટર દૂધ દરરોજ કાબાઓને આપવામાં આવે છે. આખા મંદિરમાં કે મંદિરના ચોકમાં આ કાબાઓ તેમના માટે દર બનાવતા નથી. ગમે ત્યાં આરામ ફરમાવે છે. ચોકમાંથી બહાર પણ નીકળતા નથી. જ્યારે તેમનો અંતઃકાળ આવવાનો હોય ત્યારે એકાએક ગાયબ થઈ જાય છે. કાબાઓની પ્રજનનલીલા પણ જોવામાં આવી નથી કે મૃત કાબો ક્યાંય નજરે પડતો નથી. મંદિરના ટ્રસ્ટ દ્વારા કાબાઓની સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રખાય છે.
સંવત 1595ની ચૈત્ર સુદ નવમી ગુરુવારના કરણી દેવી ૧૫૧ વર્ષનું આયુષ્ય ભોગવી જ્યોતિસ્વરૂપ થયા. શ્રી કરણી માતાજીની ર્મૂતિની સ્થાપના સંવત 1595ની ચૈત્ર સુદ 14 ના રોજ કરવામાં આવી હતી. અહીંયાં યાત્રિકોને રહેવાની સગવડ અને મંદિર તરફથી ભોજન-પ્રસાદ અપાય છે. શ્રી કરણી માતાજીનો મેળો આસો માસની નવરાત્રિ દરમિયાન યોજાય છે. આસો સુદ સાતમ દેશનોકમાં કરણી માતાજીના પ્રાગટય દિવસ તરીકે ઉજવાય છે.
આ સ્થાન દૈવીય શક્તિને સમર્પિત છે. આજે પણ કેટલાક રહસ્યો વણઉકેલ્યા છે. જે કોઈ માટે શ્રદ્ધા તો કોઈ માટે શોધનો વિષય છે. લોકો આ મંદિરમાં આવે છે, કરણી માતાના દર્શન માટે પણ તેની નજરે ચઢે છે ઉંદર. તેથી કહી શકાય કે આસ્થા તથા વિજ્ઞાનનો ચમત્કારી તાલમેલ આ મંદિરમાં જોવા મળે છે.
તો મિત્રો આ હતો શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ પ્રાચીન ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા
– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન
– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો