કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલા ૧૪ રત્નોમાંનુ એક રત્ન છે.”કામ” એટલે ઇચ્છા અને “ધેનુ” એટલે ગાય. અર્થાત્ કામધેનુ એટલે “ઇચ્છા પુરી કરનારી ગાય”.નામ પ્રમાણે કામધેનુ એક એવી ગાય છે જે જેની પાસે હોય તેની બધી ઇચ્છા પૂર્ણ કરે છે.પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે કામધેનુ એ દિવ્ય ગાય છે. જેનું દુધ અમૃત સમાન મનાય છે. યાચકની કોઇપણ ઇચ્છા પૂર્ણ કરવાને આ ગાય સમર્થ છે.
કહેવાય છે કે જેમ દેવોમાં વિષ્ણુ, ક્ષેત્રોમાં કેદાર, ભક્તોમાં નારદ, સરોવરોમાં સમુદ્ર, નદીઓમાં ગંગા, પર્વતોમાં હિમાલય અને પુરીઓમાં કૈલાસપુરી શ્રેષ્ઠ છે તેમ જ ગાયોમાં “કામધેનુ” શ્રેષ્ઠ છે. કામધેનુ ગાયની પુત્રી નંદિની પણ તેમની માફક વરદાયિની છે.કામધેનુ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
કામધેનુ અને પરશુરામ –
કહેવાય છે કે, કામધેનુ પરશુરામના પિતા જમદગ્નિના આશ્રમમાં હતી. આથી,કામધેનુના પ્રતાપે જમદગ્નિ પાસે અખુટ પ્રતાપી શક્તિ હતી. મહર્ષિ હતાં એટલે ધનલોભ માટે કામધેનુની સેવા નહોતા કરતાં. અને જેણે ધન અને સંપત્તિ માટે કામધેનુની માંગણી કરી છે તેની પાસે કદી કામધેનુ ગઇ નથી, ઉલ્ટાનો એવી માંગણી કરનારનો જ સર્વનાશ નીકળ્યો છે….!
એકવાર પરશુરામ તપશ્વર્યામાં લીન હતાં ત્યારે નર્મદાકિનારાના માહિષ્મતી નગરનો સમ્રાટ સહસ્ત્રાર્જુન જમદગ્નિના આશ્રમે આવ્યો. સહસ્ત્રાર્જુનને હજાર હાથ હતાં અને તેણે રાવણને પણ બંદી બનાવ્યો હતો….!તેણે કામધેનુને જોઇ અને તેના મનમાં લાલચ જાગી.તેણે કામધેનુનું અપહરણ કર્યું. પરશુરામ આશ્રમે આવ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી. ક્રોધથી નસો ફાટવા લાગી અને પોતાનો મહાકાળ જેવો કુહાડો લઇ તે સહસ્ત્રાર્જુન સામે મેદાને ઉતર્યા. પલક જપકતાં જ સહસ્ત્રાર્જુનના હજારેય હાથ કાપી નાખ્યાં અને તેને મોતને ઘાટ ઉતાર્યો. પછી કામધેનુને આઝાદ કરી.[ સહસ્ત્રાર્જુન વિશે વધુ માહિતી માટે આ જ વેબસાઇટ પરનો લેખ જુઓ – “માહિષ્મતીસમ્રાટ સહસ્ત્રાર્જુન” ].
વશિષ્ઠ અને કામધેનુ –
મહર્ષિ વશિષ્ઠ સર્વશ્રેષ્ઠ મહર્ષિ હતાં. એક મહાન સંતને શોભે તેવા બધાં જ ગુણોના તેઓ ગ્રહણકર્તા હતાં. તેમના આશ્રમમાં કામધેનુએ વાસ કર્યો હતો. એકવાર વિશ્વામિત્ર પોતાનો સૈન્ય કાફલો લઇને વશિષ્ઠના આશ્રમે આવ્યા. [નોંધ – અહિં સૈન્ય કાફલો એટલા માટે લખ્યું છે કારણ કે,વિશ્વામિત્ર એના પૂર્વજીવનમાં ક્ષત્રિય હતાં અને સમ્રાટ હતાં.] વશિષ્ઠએ કામધેનુની મદદથી આખા સૈન્યને બત્રીસ પ્રકારનું રસદાયી ભોજન કરાવ્યું. કામધેનુની આ શક્તિ જોઇ વિશ્વામિત્રએ વશિષ્ઠ પાસે કામધેનુની માંગણી કરી. વશિષ્ઠ માટે કામધેનુ જરૂરી હોવાથી તેમણે ના પાડી. આથી ક્રોધે ભરાઇ વિશ્વામિત્રએ યુધ્ધનું આહ્વાન કર્યું. આ બાજુ વશિષ્ઠની વિનંતીથી કામધેનુએ વિશાળ સેનાનું નિર્માણ કર્યું, જેની સામે વિશ્વામિત્રના સૈન્યનું કાંઇ આવે તેમ નહોતું. વિશ્વામિત્ર હાર્યા અને નાસી જવા માટે મજબુર બન્યાં. તેમણે શિવની પ્રખર આરાધના કરી અને “દિવ્યાસ્ત્ર” મેળવી ફરી વશિષ્ઠ પર આક્રમણ કર્યું. પણ વશિષ્ઠના “બ્રહ્મદંડ” આગળ તેમના દિવ્યાસ્ત્રનું કાંઇ ન ચાલ્યું. આખરે વિશ્વામિત્ર પોતાની ક્ષાત્રશક્તિને ધિક્કારી “બ્રહ્મર્ષિ” બનવા માટે અઘોર તપ કરે છે.
કામધેનુ અને અયોધ્યાસમ્રાટ દિલિપ –
અંશુમાનપુત્ર દિલિપ એ રામના પૂર્વજ હતાં. તેઓ અયોધ્યા પર રાજ કરતાં અને એટલા શક્તિશાળી હતાં કે દેવાસુર સંગ્રામોમાં ઇન્દ્ર પણ તેની મદદ લેતાં. એકવાર દાનવો સામે વિજય મેળવીને વિજયના નશામાં ચકચુર તે અયોધ્યા પરત ફરી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમને કામધેનુ મળી. વિજયના નશામાં માણસ ભાન ભુલે છે આથી તેઓએ કામધેનુને નજરઅંદાજ કરી તેમને પ્રણામ પણ ન કર્યા. દિલિપની આવી ઉધ્ધતાઇથી ગુસ્સે થયેલ કામધેનુએ શ્રાપ આપ્યો કે,તને સંતાનપ્રાપ્તિ થશે નહિ….! આખરે દિલિપ રાજાને પોતાની આડોડાઇનું ભાન થયું. તેમણે કામધેનુ સામે હાથ જોડ્યા અને શ્રાપ પાછો લેવા વિનંતી કરી. કામધેનુએ શ્રાપ પાછો ખેંચવામાં અસમર્થતા દાખવી અને કહ્યું કે, જ્યારે તું મારા સંતાનની સેવા કરીશ ત્યારે એના આશિર્વાદથી તને સંતાનપ્રાપ્તિ થશે.
વશિષ્ઠની કૃપાથી દિલિપ અને તેમના ધર્મપત્નીને કામધેનુની પુત્રી નંદિનીની સેવા કરવાનો અવસર મળે છે.અને તેના આશિર્વાદથી દિલિપરાજાને પુત્ર જન્મે છે. જેનું નામ – “રઘુ” કે જેના પરથી અયોધ્યાનો રાજવંશ “રઘુવંશ” તરીકે ઓળખાય છે.રઘુ પછી અજ અને અજ પછી દશરથ અને રામ – આમ રઘુવંશની પ્રગતિ થાય છે.
આમ, કામધેનુ એ એવું સમુદ્રરત્ન હતું જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વઇચ્છા પુરી કરવાની શક્તિ હતી.
વણમાગી સલાહ : આ યુગમાં કામધેનુ મળે ન મળે પણ હરેક ગાય કામધેનુ જ છે. આજે એ કામધેનુ રસ્તે રઝળે છે અને કપાય છે ત્યારે એની રક્ષા કરવી એ આપણા સર્વેની ફરજ છે. અત્યારે અમુક લોકો આવી વાતોને કૂપમંડુકતા ગણીને હસ કાઢે છે પણ એવા “નબીરા” ઓની પરવા કર્યા વગર આપણાથી જે બને એ કરવાની આપણી ફરજ છે.
– Kaushal Barad
જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ