⚔ ભારત પર થયેલું પહેલું આક્રમણ ⚔
ஜ۩۞۩ஜ ઈરાની આક્રમણ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૫૫૮થી ઇસવીસન પૂર્વે ૪૬૫)
ભારતે ક્યારેય વિશ્વવિજેતા બનવાની ખ્વાહીશ નથી રાખી. એનું કારણ એ ભારતની આબાદી અને એની સમૃદ્ધિ છે. સંસ્કૃતિનું જતન કરવું એજ ભારતની નેમ હતી. ભારતની પ્રજા ધાર્મિક હતી નહી આજે પણ છે જ જે કેટલાંકના મનમાં ખૂંચતું હતું. વૈદિકકાળથી આર્યો જે રસ્તે ભારતમાં આવ્યાં અને ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કર્યો એ વિશ્વનાં દેશોને ગમ્યું નહોતું જ ! વિશ્વ સંસ્કૃતિમાં ભારત પ્રાચીન છે એ વેદકાલથી જ સાબિત થઇ ચુક્યું હતું. વિશ્વની પાંચ પ્રાચીન સંસ્કૃતિઓ —
- (૧) ભારતીય સંસ્કૃતિ
- (૨) ચીની સંસ્કૃતિ
- (૩) ગ્રીક સંસ્કૃતિ
- (૪) ઈજીપ્તની સંસ્કૃતિ
- (૫) રોમન સંસ્કૃતિ
આ બધી સંસ્કૃતિમાં ભારતને જરૂર નહોતી પોતાની સર્વોપરિતા સાબિત કરવાની. ચીનને જે પેટમાં દુખતું હતું તે ભારત હતું એને બીજી સંસ્કૃતિ સાથે એને કોઈ જ લેવાદેવા નહોતી. બાકીની ત્રણમાં ઈજીપ્ત સર્વોપરિતાની હોડમાંથી બહાર થઇ ગયું હતું. કારણકે એને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હતું. બાકી એને પોતાને પણ ખબર નહોતી કે એની સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે તે! પણ પિરામીડનું ગૌરવ લઇ તેણે સંતોષ માની લીધો. બાકી એ સંસ્કૃતિ પણ સમૃદ્ધ અને પ્રાચીન તો ખરી જ! બાકીની બે જ પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવામાં અને વિશ્વવિજેતા બનવાના સપનાઓ જોતી હતી. આમાં રોમનોએ વિશ્વ વિજેતા બનવાના સપના પછીથી જોયાં અને ગ્રીકોએ એ પહેલાં. આમાં કોણ પહેલી એ પ્રશ્ન અસ્થાને છે અને કોણ અત્યાર સુધી અવિરત ચાલુ રહી છે એ પણ પ્રશ્ન નથી. ભારત બધાની આંખમાં ખૂંચતું હતું તે હકીકત છે.
ભારત તરફ બધાનું ધ્યાન ખેંચવાનું કારણ સિંધુ સંસ્કૃતિ અને સભ્યતા હતું. તેઓ એને પશ્ચાતયના રંગે રંગવા માંગતા હતાં. કહો કે એના પર પોતાનું અધિપત્ય જમાવવા માંગતા હતાં. ભારત એટલું બધું સમૃદ્ધ અને સુસંકૃત હતું કે કોઈ પણ તેના તરફ આકર્ષાય જ. કોઈક વ્યાપાર સંબંધે આ બધાં એકબીજાં સાથે જોડાયેલાં જ હતાં એ તો સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલાં અવશેષોમાંથી સાબિત થી જ ચુક્યું છે. આ અવશેષો તો હમણાં પ્રાપ્ત થયાં છે પણ એ સમયે આ ધીખતાં – નગરો હતાં. મોહેન -જો -દરો અને હડપ્પા એનાં જીવતાં જાગતાં નમુના છે. સમગ્ર ભારત એકબીજા સાથે જોડાયેલું હતું તો વિશ્વ સાથે પણ વ્યાપાર સંબંધે જોડાયેલું હતું. ભારતની સમૃદ્ધિ તે સમયે પણ એટલી બધી હતી કે લોકો એનાથી બળી જ જાય !
એ સમયમાં ઈરાન એટલેકે પર્શિયા એ પણ એની સિદ્ધિના શિખરે હતું. થોડીક ભૌગોલિક વાત કરીએ તો ઈરાન ની પૂર્વીય સરહદો હાલનું અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પડતાં હતાં ઉતરમાં અઝરબૈઝાન અને તુર્કમેનીસ્તાન સ્થિત છે. તો પશ્ચિમે ઈરાક અને પર્શિયન ગલ્ફ (અખાત) આવેલાં છે. ટૂંકમાં ઈરાન પર્શિયા એ બૃહદ ભારતને અડીને જ આવેલો દેશ છે.
ઈરાન સાથે પણ ભારતને વ્યાપારિક સંબંધો હતો. ઈરાન સાથે સંબંધ રાખનાર ભારતીયો દ્વારા ત્યાંની રાજકીય સ્થિતિ -પરિસ્થિતિ વિષે બહુ જ સાંભળ્યું હતું. ભારત નાનાં નાનાં રાજ્યોમાં વિભાજીત થયેલું છે અને કોઈ એક નથી. દરેક રાજ્ય-ગણરાજય પોતાનું જ સંભાળીને બેસી રહે છે અને એકબીજાનું રાજ્ય હડપી લેવાની જ પેરવી કર્યા કરતાં હોય છે સદાય. મહાજન પદોનો ઉદય થઇ ગયો હતો. આ મહાજનપદ પર કબજો જમાવવાની ઈરાનની પણ મહેચ્છા હતી. તે વખતે મગધ પોતાનામાં વ્યસ્ત હતું. એ પોતે આજુબાજુના વિસ્તારો જીતવાની અને રાજદ્વારી અને સામાજિક સંબંધો બાંધવામાં જ રચ્યુંપચ્યું હતું. મગધમાં રાજવંશો સ્થપાવાની શરૂઆત થઇ ગઈ હતી. તેવામાં ઈરાને ભારત પર પહેલું આક્રમણ કરી દીધું .
મગધના સામ્રાજ્યવાદના ઉદય સિવાય ભારતમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીથી ઇસવીસન પૂર્વે ચોથી શતાબ્દીની મધ્યમાં ઘટિત થવાંવાળી ઘટના હતી વિદેશી આક્રમણ (The Foreign Invasion). આ સમય દરમિયાન મગધમાં સામ્રાજ્યવાદનો ઉદય પૂર્વમાં થઇ રહ્યો હતો. જ્યારે પશ્ચિમોત્તર પ્રદેશમાં વિદેશી આક્રમણનો ક્રમ જારી હતો. વિદેશી આક્રમણોથી યદ્યપિ કોઈ વિશેષ રાજનીતિક લાભ વિદેશીઓને થઇ ના શક્યો. કારણકે ભારતમાં તેઓ પોતાની સત્તા પ્રસ્થાપિત કરવામાં નાકામયાબ રહ્યાં.
ઈરાન દ્વારા થયેલું પ્રથમ આક્રમણ ———–
સાયરસ (ઇસવીસન પૂર્વે ૫૫૮થી ઇસવીસન ૫૩૦)
આ એમના રાજ્યકાલની સાલવારી છે. હવે ઈરાન એ આખો દેશ તો હતો જ નહીં બેકટ્રિયા અને પર્શિયા એ એનાં જ રાજ્યો હતાં. એક વાત અત્યારે જેટલું નાનું ઈરાન છે એટલું તે સમયમાં વિશાળ હતું. એને વિશાળ પર્શિયન સમ્રાજ્ય બનવવાનો શ્રેય એનાં મહાન રાજા સાયરસને જાય છે. એમની સાલવારી ઇસવીસન પૂર્વે ૬૦૦થી ઇસવીસન પૂર્વે ૫૩૦ છે. કદાચ એમની જન્મથી મૃત્યુ સુધીની સાલવારી છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ઇસવીસન પૂર્વે ૫૫૯માં થઇ હતી એવું મનાય છે. સાયરસ એ પારસી રાજા હતાં એટલે કે પર્શિયન. સાયરસ બે થયાં હતાં સાયરસ પ્રથમ અને સાયરસ દ્વિતીય. સાયરસ ધ ગ્રેટ એ સાયરસ દ્વિતીયને કહેવાય છે. જો સાલવારીમાં કંઈ લોચાલાપસી ના હોય તો પૂર્વમાં એટલેકે ભારતના ગણરાજ્યો પર આક્રમણ કરનાર એ સાયરસ દ્વિતીય હતો (ઇસવીસન પૂર્વે ૫૫૮થી ઇસવીસન પૂર્વે ૫૩૦) હતો.
આચમેનિડ (હખામની) સામ્રાજ્ય જેને ફારસી – પારસી – પર્શિયન સામ્રાજ્ય કહેવાય છે એ ઇસવીસન પૂર્વે ૫૫૦ – ઇસવીસન પૂર્વે સ્થપાયું હતું. એ પશ્ચિમી એશિયામાં સ્થાપિત એક પ્રાચીન ઈરાની સામ્રાજ્ય હતું. “સાયરસ મહાન”એ પૂર્વમાં સિંધુઘાટીની પશ્ચિમે બાલ્કન અને પૂર્વી યુરોપની અમુક સીમાઓ સુધી એટલે કે લગભગ ૫.૫ મિલિયન ચોરસ માઈલમાં ફેલાયેલું પાછલા કોઈપણ સમ્રાજ્ય કરતાં વધું વિશાળ હતું. વિભિન્ન મૂળ અને આસ્થાઓના વિભિન્ન લોકોને સામેલ કરીને એ એક કેન્દ્રીકૃત, નોકરશાહી પ્રશાસન રાજાઓના રાજા સુધી ક્ષત્રપોનાના માધ્યમથી એક સફળ સમ્રાજ્યના ઉત્તમ દ્રષ્ટાંત માટે ઉલ્લેખનીય છે.
ઇસવીસનની સાતમી શતાબ્દી પહેલાં પારસી લોકો ઈરાની પઠાર નાં દક્ષિણ – પશ્ચિમી હિસ્સામાં વસી ગયાં હતાં જે એમનાં હૃદયનો એક મોટો હિસ્સો બની ગયો હતો. આ ક્ષેત્ર પર આક્રમણ કરી સાયરસે જે પર્શિયનો દક્ષિણી ભાગ અને પૂર્વી ભાગ હતો તે જીતી લીધો. આ જીતીને જ સાયરસ મેડસ, લિડિયાઅને નિયો બેબીલોનિયન સામ્રાજ્યને હરાવવા માટે એમણે અચમેનિડ સામ્રાજ્યની સ્થાપના કરી. ખુદ સિકંદર પણ આ મહાન સાયરસનો પ્રશંસક હતો. પણ એનાં વખાણ ભવિષ્યમાં ખાલી કરવાં પૂરતાં જ હતાં અને કહેવાં પૂરતાં હતાં તે સાબિત થવાનું જ હતું એની તો આ સાયરસને ખબર ક્યાંથી હોય ? મહાન સાયરસ એ પહેલો કે બીજો એની કોઈ ચોક્કસ સાલવારી પ્રાપ્ત થતી નથી. પણ આ સાયરસે એટલું મોટું સમ્રાજ્ય ઉભું કર્યું હતું કે તે સમયનો વિશ્વવિજેતા કહેવાતો હતો !
મેસિડોનિયા, લિબયા, ઈજીપ્ત, સીલીસીયા, સીરિયા. મેસોપોટેમીયા. આર્મેનિયા, અસીરીયા, બેબીલોનિયા, મીડિયા, પર્સિયા, સુસીઆના, માર્જીઆના,પાર્થિયા, બેકટ્રિયા આર્કોસિયા અને ગેડ્રોકસિયા વગરે એ આચમેનિડ (હખામની) સામ્રાજ્યના જ ભાગ હતાં. હવે એ બધાં રાજ્યો સાયરસ પછી આવેલા ડેરિયસે પણ જીત્યાં હોય. પણ ઇતિહાસમાં તો આ બધાં રાજ્યો એ મહાન સાયરસે જ જીત્યાં હતાં.
સાયરસે ઇસવીસન પૂર્વે ૫૫૩માં મદી – મડીયા સામ્રાજ્ય વિરુદ્ધ વિદ્રોહ કર્યો અને ઇસવીસન પૂર્વે ૫૫૦માં મેદેસને હરાવીને અને એસ્ટીજ પર કબજો કરી લીધો. ત્યારબાદ સાયરસે ઇકેટોનાની મેદિયાઈ રાજધાની પણ લેવામાં સફળ રહ્યાં. એક વખત ઇકબાટાનાના નિયંત્રણમાં સાયરસે પોતાને જ એસ્ટીજનાં ઉત્તરાધિકારીનાં રૂપમાં પ્રસ્થાપિત કર્યો અને સમગ્ર સામ્રાજ્યને નિયંત્રણમાં લેવાનું શરુ કર્યું. એસ્ટીજનાં સામ્રાજ્યની વિરાસત પ્રાપ્ત કર્યા પછી એમણે લિડિયા અને નિયો-બેબીલોનિયન સાથે મેદેસનાં ક્ષેત્રીય સંઘર્ષ પણ વિરાસતમાં મળ્યાં.
લિડિયાનાં રાજા ક્રાઈસસે એશિયા માઈનોરમાં પૂર્વ મેડિયન ક્ષેત્રનાં રૂપમાં આગળ આવીને નવી આંતરરાષ્ટ્રીય સ્થિતિનો લાભ ઉઠાવવાની માંગ કરી હતી. સાયરસે પલટવાર કર્યો. જેનાથી ન માત્ર ક્રાઈસસની સેના સાથે યુદ્ધ થયું પણ ઇસવીસન પૂર્વે સાર્ડીસ પર કબજો લઈને અને લિડિયન સામ્રાજ્યના પતનનું કારણ પણ બન્યો. લિડાને એક વખત છોડી પણ દેત પરંતુ જ્યારે એક વખત સાયરસે પૈકટિસને છોડી દીધો હતો તો એણે સાયરસની સામે પડીને વિદ્રોહ કર્યો હતો.સાયરસે વિદ્રોહનું શમન કરવાં માટે મેડિયન જનરલ મજારેસને મોકલ્યો અને એણે પૈકટિસને પકડી લીધો. જેમણે પણ આ વિદ્રોહમાં ભાગ લીધો હતો એ બધાંને સાયરસે મોતને ઘાટ ઉતાર્યા. લીડને સાયરસને અધીન થવામાં બીજા ચાર વર્ષ લાગ્યાં.
જયારે ઇકબાટાનામાં સત્તા પારસીઓના હાથમાંથી મેદસ પાસે આવી ગયાં પછી મેડિયન સામ્રાજ્ય અને એના સહાયક રાજ્યોની સ્થિતિ બદલાઈ ગઈ અને એમણે પણ વિદ્રોહ કર્યો હતો. આનાં પરિણામે સાયરસે બેકટ્રિયાઅને મધ્ય એશિયામાં ખાનારબદોષ સાકાની વિરુદ્ધ યુદ્ધ લડવા માટે મજબુર કર્યા. આ યુધ્ધો દરમિયાન સાયરસે મધ્ય એશિયામાં સાઈરોપોલિસ સહિત ઘણાં ગૈરીસન શહેરોની સ્થાપના કરી.
ઇસવીસન ૫૪૭ અને ઇસવીસન ૫૩૯ વચ્ચે પારસી અને બેબીલોન સંબંધો વિષે કોઈને જ કશી ખબર નથી. પરંતુ સંભાવના એવી છે કે બંને સામ્રાજ્યો વચ્ચે કેટલાંય વર્ષો સુધી દુશ્મનાવટ રહી હતી અને ઇસવીસન પૂર્વે ૫૪૦-૫૩૯ છેક બાબુલના પતન સુધી યુદ્ધ થયું. ઓક્ટોબર ૫૩૯ ઇસવીસન પૂર્વે સાયરસે ઓપિમાં બેબીલોનિયની વિરુદ્ધ યુદ્ધ જીત્યું. પછી ૧૨ ઓક્ટોબરે બાબુલ શહેર પર કબજો કરતાં પહેલાં વિના કોઈ લડાઈ લડે એમણે સંધિ કરી લીધી. જ્યાં બેબીલોનના રાજા નબોનિડસને કૈદી બનાવી દીધો. શહેરને નિયંત્રણમાં લીધાં પછી સાયરસે પોતાની જાતને એ ઈશ્વરીય આદેશને બહાલ કરવાં માટે ધર્મના પ્રચારમાં લગાવી દીધી. જે નબોનિડસ દ્વારા બાધિત કરવામાં આવ્યો હતો. જેનાથી મર્દુકની જગ્યાએ સીનના પંથને પ્રોત્સાહન મળ્યું પોતાની જાતને પણ ઈશ્વરને સમર્પિત કરી દીધી. સાયરસે પોતે પોતાને અસીરિયન રાજા અસુરબેનીપાલ સાથે તુલના કરીને નવું અસીરીયન સામ્રાજ્ય બહાલ કર્યું. હિબ્રુ બાઇબલે પણ ખુબ વરસી જઈને એમનાં બેબિલોન વિજયમાં એમની પ્રશંસા કરી છે. એમને યહૂદી લોકોને અને એમનાં નિર્વાસનથી મુક્ત કરીને બીજાં અનેક મંદિરો સહિત જેરુસલેમના આનેક સ્થાનકોનાં પુનર્નિર્માણને અધિકૃત કરવાં માટેનો શ્રેય આપવમાં આવે છે.
હવે તમને થતું હશે કે આમ ભારત પર આક્રમણ ક્યાં આવ્યું ! તો એની વાત હવે આવે છે ઉપરમાં અમુક રાજ્યોની વાત આવી જ ગઈ છે. સાયરસે મકરાનના રસ્તે ભારતમાં પ્રવેશ કર્યો. બેકટ્રિયા, સિસ્તાન, મકરાન, કપિશા એવં હિંદુકુશ પર્વતમાળા સુધીનાં ક્ષેત્રોપર એમનો અધિકાર થઇ ગયો. એમને કાબુલ ઘાટીમાં પણ સફળતા પ્રાપ્ત થઇ. કાબુલ ઘાટી કબજામાં આવે એટલે ખૈબરઘાટ પણ એમાં જ આવી જાય. આ રીતે ખૈબરઘાટ સુધી સાયરસ પહોંચી ગયો હતો. આ જ ખૈબરઘટના રસ્તે બીજાં આક્રમણો ભારત પર નજીકના અને દૂરના ભવિષ્યમાં થવાનાં હતાં. આમ આ રસ્તો શોધનાર હતો સાયરસ નહીં કે સિકંદર. ગાંધાર મહાજનપદ કે જેની રાજધાની તક્ષશિલા હતી તે પણ આજ ક્ષેત્રમાં સ્થિત હતું . જે તે સમયે ભારતનું અવિભાજ્ય અંગ હતું. આ ગાંધાર પર ઈરાનનો એટલે કે સાયરસ કે ડેરિયસનો કબજો ગાંધારના ઈરાન- પર્શિયા સામેના પરાભવ પછી થઇ ગયો હતો. તે છેક મૌર્યકાલ સુધી ચાલુ રહ્યો હતો. બીજું એને અડીને જે કબોજ મહાજનપદ હતું તેને વિષે આમ તો બહુ વિગતો પ્રાપ્ત થતી નથી એટલે તેના પર કોનો કબજો તે નક્કી કરી શકાતું નથી.
સાયરસના આ વિજયી અભિયાનથી હખામની (પારસી) સામ્રાજ્યની પૂર્વી સીમા પશ્ચિમી સીમા સાથે મળી ગઈ હતી.
ડેરિયસ પ્રથમનું ભારત પર આક્રમણ ———–
(ઇસવીસન પૂર્વે ૫૨૨ – ઇસવીસન ૪૮૬)
આમ તો ડેરિયસ પ્રથમ એ સાયરસ પછી એજ વંશમાં થયેલો ચોથો રાજા છે. સાયરસ પછી ૮ વર્ષમાં ૩ રાજા બદલાયા ચોથો આ ડેરિયસ પ્રથમ ! એમનો રાજ્યકાળ લાંબો છે લગભગ ૩૬ વર્ષ. આ સમય દરમિયાન સાયરસે સ્થાપેલું મહાસામ્રાજ્ય બહુ તૂટ્યું નહોતું પણ ડેરિયસ પ્રથમના મનમાં સાયરસ જેવાં મહાન થવાની જ હતી. આ ડેરિયસ પ્રથમ પણ સાયરસ મહાનની જેમ ડેરિયસ મહાન કહેવતો હતો. ડેરિયસ પ્રથમ Hystaspesનો સૌથી મોટો દીકરો હતો અને તેણે ચાર ભાઈઓ હતાં. એણે એના પ્રતિદ્વંદી ગૌમતા ને મારીને રાજગાદી પ્રાપ્ત કરી હતી.
પર્શિયાના અનેક પ્રાંતોમાં વિદ્રોહ થયો હતો એ બધાં વિદ્રોહ શમાવીને ડેરિયસ પ્રથમ જે ઇતિહાસમાં દારા પ્રથમને નામે ઓળખાય છે તેણે બધે વિજય પ્રાપ્ત કર્યો હતો આમાં બેબીલોનિયા, મીડિયા, અર્મેનિયા, લિડિયા અને મિસ્ર તથા પર્શિયા પણ સામેલ છે. દારાને આ વિદ્રોહ શમાવતા લગભગ ૩ વર્ષ લાગ્યાં.
દારાના સામ્રાજ્યમાં ૨૦ પ્રાંત હતાં. પ્રાંતનો શાસક સત્રપ અથવા ક્ષત્રપ કહેવતો હતો. દારા પ્રથમની ગણતરી ગણ્યાગાંઠયા મહાન વિજેતાઓમાં કરવામાં આવે છે.
એમણે પણ ભારત પર ચઢાઈ કરી હતી અને પંજાબ અને સિંધનો બહુ મોટો ભાગ પોતાના અધિકારમાં લઇ લીધો હતો. આ સાલ હતી લગભગ ઇસવીસન પૂર્વે ૫૧૨ ! હવે અંતત: એના ૨૦ પ્રાંતોમાં પંજાબ અને સિંધના ક્ષેત્રો પણ ભળ્યાં. આની અતિરિક્ત પશ્ચિમી ગાંધાર, કંબોજ પર પણ ડેરિયસ પ્રથમે વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતીય પ્રાંતોમાંથી રાજસ્વ એટલેકે કર પેટે એને લખલૂટ સોનું પ્રાપ્ત થતું હતું. ભારતમાંથી દરવર્ષે ઈરાનને ૩૬૦ ટન સોનું પ્રાપ્ત થાઉં હતું.
એમ કહેવાય છે કે દારાના યુનાની સેનાપતિ સ્કાઈલક્સ (SCYLAX)એ સિંધુનદીથી સમુદ્રમાં જઈને આરબ અને મકરાનના કિનારાઓનો પતો લગાવ્યો હતો. દરની રાજધાનીઓ સુસા, પર્સીપૌલીસ, ઇક્બતના (હમદાન)અને બેબીલોન હતી. એ જરથોસ્તી ધર્મ પાળતો હતો.
એણે નાઇલ નદીથી લઈને લાલ સમુદ્ર સુધી એક નહેર પણ બનાવી હતી. સમગ્ર સામ્રાજ્યમાં તેણે રસ્તાઓ પણ સરસ બનાવ્યા હતાં.
દારાની વિરુદ્ધ એશિયા માઇનોરમાં આયોનિયન યુનાનીઓએ વિદ્રોહ કર્યો હતો પણ આ વિદ્રોહનું દમન કરી નાંખ્યું હતું દારા એ. વિદ્રોહના કેન્દ્ર માઈલેતસ નગર પર કબ્જા કર્યા પછી ઈરાનીઓએ સમસ્ત પુરુષોને હણી કાઢ્યાં અને સ્ત્રીઓ તથા બાળકોને બંદી બનાવીને લઇ ગયાં ઈસવીસન પૂર્વે ૪૯૯થી ઇસવીસન પૂર્વે ૪૯૪.
એશિયા માઈનોરના યુનાનીઓને એથેન્સના યુનાનીઓએ વિદ્રોહ કરવાં માટે ભડકાવ્યા હતાં. ઇસવીસન પૂર્વે ૪૯૦માં દારાએ એથેન્સને દ્વસ્ત કરવાં માટે એક વિશાળ સેના લઈને યુનાન પર ચઢાઈ કરી દીધી. પણ આ આક્રમણમાં દારાને સફળતા મળી નહીં અને મેરેથોનના યુધ્ધમાં ઇસવીસન પૂર્વે ૪૯૦માં દારાને પરાજિત થઈને ઈરાનીઓએ પાછાં ફરી જવું પડયું હતું. પણ દારા આ મેરેથોનની હારને નહોતો ભૂલ્યો અને બદલો લેવાં માટે એ ફરીથી જોરદાર તૈયારીઓ કરવાં લાગી ગયો પણ આ તૈયારીઓ દરમિયાન જ ઇસવીસન પૂર્વે ૪૮૬માં એનું મૃત્યુ થઇ ગયું.
ક્ષહર્યાશ અથવા ક્ષયાર્પનું ભારત પર આક્રમણ —————
(ઇસવીસન પૂર્વે ૪૮૬ -ઇસવીસન પૂર્વે ૪૬૫)
ક્ષહર્યાશ અથવા ક્ષયાર્પ (ઇસવીસન પૂર્વે ૪૮૬ – ઇસવીસન પૂર્વે ૪૬૫) એ ડેરિયસ કે દારા દ્વારા નિમાયેલો પ્રથમ ઉત્તરાધિકારી હતો. એને વિષે ગ્રીકમાં ઘણી દંતકથાઓ પ્રચલિત છે ખાસ કરીને યુનાની સૈન્ય સાથેના યુદ્ધની.
આમના આક્રમણ દરમિયાન એમણે અનેક મંદિરો તોડયા અને ભારતીય દેવતાઓની પૂજા કરવાનો નિષેધ કર્યો. આ સાચું નથી કઈ તોડયા બોડયા નથી. પૂજા પર નિષેધ એમને ફરમાવ્યો હોય તો રાજ સત્તા એમનાં હાથમાં હોય જે નહોતી એ સ્પષ્ટ જણાઈ આવે છે. આ ઇતિહાસકારોની નિપજ જ છે. ક્ષહર્યાશ અથવા ક્ષયાર્પએ બળપૂર્વક જબરજસ્તીથી ઈરાનના પ્રધાન દેવતા અહુરમજદા એવં ઋતમ (પ્રકૃતિની પૂજા)નો આરંભ કર્યો આ વાત સાચી માની શકાય એમ છે બાકી નહીં !
આ યુનાની સાથેનો પારસી સંઘર્ષ બહુ જ પુરાણો છે. તે વખતે ક્ષહર્યાશ અથવા ક્ષયાર્પની સેના ૩ લાખ જેટલી હતી અને યુનાનીઓની સેના ૧ લાખની હતી છતાં આ ક્ષહર્યાશ અથવા ક્ષયાર્પ હાર્યો હતો અને તેમાં કારણભૂત એની સ્ત્રીઓની નબળાઈ હતી એ જ કારણભૂત બન્યું હતું એવી કથા પ્રચલિત થઇ છે. પણ એ કથા એ કથામાત્ર જ છે જે સચ્ચાઈથી વેગળી છે અને આવી કથાઓ એ ગ્રીક સાહિત્યે જ પ્રસરાવી છે. ગ્રીકો વિષે તમને થોડો ખ્યાલ આવે એટલે આ વાત અહીં કરું છું. આ જ વાત સિકંદર વખતે કામ પણ લાગવાની જ છે.
ત્યાર પછી કે દારા તૃતીય (ઈસ્વીસન પૂર્વે ૩૫૦ થી ઇસવીસન પૂર્વે ૩૩૫) સુધી આ સીમાવર્તી ક્ષેત્રોમાં અને ભરતના ગાંધાર -કંબોજ પર ઈરાની આક્રમણનો પરાભવ રહ્યો. પછી શું થયું તે આપણે સિકંદરમાં જોઈશું !
ઈરાની આક્રમણના પરિણામ ———
ઈરાની આક્રમણના ૨૦૦ વર્ષોમાં ભારતની રાજનૈતિક, સાંસ્કૃતિક, આર્થિક, કળા એવં પ્રશાસનિક ગતિવિધિઓમાં અત્યધિક અંતર દ્રષ્ટિગોચર થયું. ભારતના પશ્ચિમોત્તર ક્ષેત્રમાં ઈરાની સભ્યતા-સંસ્કૃતિ નું સ્વરૂપ પરિલક્ષિત થવા લાગ્યું હતું. ઈરાની આક્રમણના સંભવિત પરિણામ આ પ્રમાણે હતાં ——-
(૧} ઈરાની આક્રમણથી સીમાંત પ્રદેશની રાજનીતિક દુર્દશાની પોલ વિદેશીઓની સમક્ષ ખુલી ગઈ. અપ્રત્યક્ષ રૂપે યુનાની સમ્રાટે આ સ્થિતિથી પરિચિત થઇને ભારત પર આક્રમણ કર્યું એવં વિજયી રહ્યાં.
(૨) ઈરાની આક્રમણથી આર્થિક પરિદ્રશ્ય પ્રભાવિત થયું. ભારત અને ઈરાન વચ્ચે વ્યાપારિક સંબંધો સંબંધો દ્રઢ થઇ ગયાં. ભારતમાં ચાંદીના સિક્કાઓનું પ્રચલન ઈરાનીઓના આગમન પૂર્વે જ પ્રારંભ થઇ ચુક્યું હતું.
(૩) ઈરાની આક્રમણથી ઈરાની પ્રશાસનિક તત્વોની સમાવિષ્ટિ ભારતીય પ્રશાસનમાં થઇ. મૌર્ય શાસનમાં ઈરાની પ્રશાસન તત્વોને સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. જો કે તેની વાત તો મૌર્યકાળ વખતે કરવી ઉચિત ગણાય. સમ્રાટ અશોકની રાજાજ્ઞાઓની પ્રસ્તાવના એવં મેગેસ્થેનીસનાં “ઈન્ડીકા”માં આ વિવરણ ઉપલબ્ધ છે.
(૪) ઈરાની આક્રમણથી અરામાઈક લિપિ, ખરોષ્ઠી લિપિનો ભારતમાં વિકાસ થયો. આ કંઈ નાનીસુની સિદ્ધિ તો નથી જ !પવિત્ર અગ્નિમાં જલાવવાની પ્રથાનો આવિર્ભાવ ઈરાનીઓ પાસેથી જ ભારતીયોએ શીખ્યું.
(૫) ઈરાની આક્રમણથી ભારતીય કલાને અધિક પ્રોત્સાહન મળ્યું. અશોકને શિલાલેખ કોત્રવવાની કળા, પત્થરને લીસો બનવવાની કલા, અશોકના સ્તંભો પર ચિત્રિત ઘંટાનુમા આકૃતિઓ ઈરાની કાલથી જ પ્રસ્ફુટિત થઇ. એમ કહેવાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે પત્લીપુત્રમાં પોતાનો રાજપ્રાસાદ પર્સીપોલિસના રાજમહલનાં ઢાંચા પર જ તૈયાર કર્યો હતો.
પારસીઓનો ઈતિહાસ ઇસવીસન પૂર્વે ૯૦૦ કે ઇસવીસન પૂર્વે ૭૦૦થી શરુ થયો હતો એમ કહેવાય છે . જયારે ઉત્તર વૈદીક્કાલીન સાહિત્ય અને કેટલાંક ઈતિહાસકારોના માટે આર્યોનો ભારતમાં વસવાટ એ ઇસવીસન પૂર્વે ૧૫૦૦ થી શરુ થયો હતો એવું કહેવાય છે. આ આર્યોને ઇન્ડો આર્યન કે ઇન્ડો ઈરાનીયન પ્રજા પણ કહેવાય છે એવું આપણને ભણવામાં પણ આવ્યું હતું. આ આર્યોનો પ્રદેશ એ વખતે હિંદુકુશથી માંડીને તે પંજાબ-સિંધ અને કાશી સુધી ફેલાયેલો હતો. કેટલાંક એને માત્ર ભારતના ઉતરી ભાગ સુધીનો જ ગણે છે.
ઋગ્વેદમાં જે સાત નદીઓ વર્ણિત થઇ છે એને જ આ વિશ્વેજેતા બનવાની ખેવના રાખનાર શાસકોએ કેન્દ્રમાં રાખી છે. એ સાત નદીઓ આ પ્રમાણે છે —–
- [૧] સિંધુ
- [૨] સરસ્વતી
- [૩] શતુદ્રિ (સતલજ)
- [૪] વિપાસા (બિયાસ)
- [૫] પરુણી (રાવી)
- [૬] અસ્કિની (ચિનાબ)
- [૭] વિતસ્તા (ઝેલમ)
એક વાત ખાસ કહી દઉં કે સિંધુ નદીનું નામ આ વેદકાળના સાહિત્યના ભાષાંતર કરનાર એ પહેલાં ઈન્દુસ નદી હતું જેને આજે આપણે સિંધુ નદી કહીએ છીએ તે . વેદકાલીન સાહિત્યમાં કદાચ આ “ઈન્દુસ” શબ્દ ના પણ હોય એવું પણ બને ! એમ તો વૈદિક સાહિત્યમાં સરસ્વતી નદીનું નામ સરસુતી છે. વેદમાં ગોમલ (ગોમતી)નદીનો પણ ઉલ્લેખ થયેલો છે. જેને પાશ્ચાત્ય સાહિત્યકારોએ સ્થાન જ નથી આપ્યું ! એ સિવાય સ્વાત, ધગ્ધર,કુર્રમ પણ નદીઓના ઉલ્લેખ વેદકાલીન સાહિત્યમાં થયેલાં જોવાં મળે છે. ગંગા અને યમુના નદીનો પણ થયેલો જ છે. પાટલીપુત્ર (પટના) અને કાશી ગંગા કિનારે વસેલા શહેરો છે. આર્યો મૂળ ક્યાંના હતાં તે વિષે પણ ઘણાં બધાંમાં ઘણાં જ મતમતાંતરો જોવાં મળે છે.
આ આર્યોનો જ્યાં વસવાટ હતો ત્યાં આક્રમણ કર્યું હતું. હવે ઈતિહાસકારો અને આક્રમણકારીઓ ત્યાં થાપ ખાઈ ગયાં કે માત્ર આર્યોનો વસવાટ એ જ ભારત નથી. ભારત તો ઘણું વિશાળ છે. ભારતમાં તો ઘણાં નાનાં નાનાં રાજતંત્રિક અને ગણતંત્રિક રાજ્યો છે. જે બહુજ નજીકના ભવિષ્યમાં મહાજનપદ કહેવાના હતાં તેની એમને ખબર નહોતી! ખબર પડી ત્યારે શું થયું એની વાત આપણે સિકંદરમાં કરશું અહીં નહીં ! ઈરાનની સરહદ નજીક હોવાથી તેણે આક્રમણ કર્યું હતું એવું એક તારણ જરૂર કાઢી શકાય પણ એમાં સચ્ચાઈ કેટલી છે તે પણ તપાસવી જોઈએ !
બીજી વાત કે ભારતનો તામ્રપાષાણ યુગનો જે વિસ્તાર છે ઇસવીસન પૂર્વે ૧૨૦૦ની આસપાસનો તેજ તેના પછી ૬૦૦ વરસે પણ એનો એ જ છે. તેમાં કોઈ વૃદ્ધિ નહોતી થઇ. લોહ યુગના જે અવશેષો પ્રાપ્ત થયાં છે ગાંધાર, બલુચિસ્તાન પૂર્વી પાકિસ્તાન વગરે જગ્યાએથી તે પણ આ ઈરાની આક્રમણોનો જ વિસ્તાર છે. કદાચિત આ આક્રમણો એ લોહયુગની સમૃદ્ધિ જ કારણભૂત છે. સિંધુ સંસ્કૃતિમાં વિસ્તાર વધ્યાં અને પાકિસ્તાન અફઘાનીસ્તાનના પણ કેટલાંક ભાગો પણ બૃહદ ભારતના અવિભાજ્ય અંગો બની ગયાં.
આર્યો જ્યાંથી આવ્યાં એ જ રસ્તે ઈરાનીઓ આવ્યાં એમ કહેવું પણ ઉચિત નથી જ ! કારણકે આર્યો ભારતમાં ક્યાંથી આવ્યાં એ વિષે દરકે જુદો જુદો મત પ્રદર્શિત કરે છે. પણ ઘાણા બધાં એમ માને છે કે આર્યોનો મૂળનિવાસ એ હિમાલય હતો. આજ કારણ છે કે હિંદુકુશ પર્વતમાળાનાં વિસ્તાર એવાં ગાંધાર પર આક્રમણ કરવાનું. આ રસ્તો તો પહેલેથી જ હતો. નથી ઈરાનીઓએ શોધ્યો કે નથી ગ્રીકોએ શોધ્યો ! સવાલ એ છે કે કોણે ભારતભૂમિ પર પહેલો પગ મુક્યો ! તો જવાબ એ છે કે ઈરાનીઓ તો ગાંધાર સુધી જ સીમિત રહી ગયાં હતાં. ગાંધારમાં તેઓની સત્તા પ્રવર્તતી હતી એવું ઈરાની -યુનાની સાહિત્યકારો તો કહે છે. હેરિયોડોટસ જેને ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે તેઓ થયા છે ઇસવીસન પૂર્વે ૪૩૫માં. એ આ ત્રણે આક્રમણ પછી થયો છે તો પછી એને ક્યાંથી ખબર ? આ ત્રણે આક્રમણની અને સિકંદરના આક્રમણ પહેલાં થયો હતો. તો પણ તે ઇતિહાસનો પિતા તો રહે જ છે. એક વાત છે કે ઈતિહાસ પણ ઈરાની રાજવૈદનાં ભારત દર્શનની નોંધ લેતો જ નથી.
ઈતિહાસ આમ તો હેરિયોડોટસને જ પ્રાધાન્ય આપે છે એનું કારણ એમનો પ્રખ્યાત ગ્રંથ “હિસ્ટોરિકા” છે. જેના ત્રીજા, ચોથા અને સાતમાં ખંડમાં પ્રાચીન ભારતના ઉત્તરપથ એવમ હખમી સામ્રાજ્યના રાજનૈતિક, આર્થિક અને સામાજિક સંબંધોને અભિવ્યક્ત કર્યા છે. પરંતુ આ કેટલું સાચું તે એક સવાલ બનીને ઉભું રહે છે કારણકે હેરિયોડોટસ એ ઈરાની આક્રમણ અને સિકંદરના આક્રમણ પહેલાં એટલે એ બંનેની વચમાં થયાં છે . તેઓ ભારતમાં કોનાં મહેમાન થયાં હતાં તે એક પ્રશ્ન છે કારણકે તેઓના વર્ણન મુજબ ભારતમાં તે વખતે હિંદુ ધર્મની સાથે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જે ફૂલ્યોફાલ્યો હતો તેનો ઉલ્લેખ સુધ્ધાં પણ નથી કર્યો બીજું કે એમનું ભારતનું ભૌગોલિક જ્ઞાન ઓછું છે જે હું આ અગાઉ પણ જણાવી ચુક્યો છું એટલે દ્રષ્ટાંતો હું અહીં આપતો નથી.
તેમણે જે ભારતના ઉત્તરપથનું વર્ણન કર્યું છે એ વેદકાળના ક્ષેત્રોનું જ છે. સંભવ છે કે એમને વેદકાલીન સાહિત્યને પોતાની રીતે એક અલગ અંદાજમાં રજુ કરવાં પ્રયત્ન કર્યો હોય જેમાં તેઓ નિષ્ફળ ગયાં છે. કારણકે એમને અને આક્રમણકારોને ભારત વિશેનો ખ્યાલ અતિવામણો છે. ભૂલો તો કરી પણ માત્ર ગાંધારને કેન્દ્રમાં રાખી એમને ભારતને મુલવવાની જે કુચેષ્ટા કરી તે ખરેખર નીંદનીય છે. આટલાં જ માટે ભારતના ઈતિહાસકારો હેરિયોડોટસને ઇતિહાસનો પિતા કહેતાં ખચકાય છે. ત્રીજું કે એમને માત્ર ઈરાનીઓ-પારસીઓ અને યવનોને જ પ્રાધાન્ય આપ્યું છે. ભારતની પ્રજાને બિલકુલ જ પ્રાધાન્ય આપ્યું નથી.
તેમના દ્વારા જ આપણને ખબર પડે છે કે ભારતમાં ઈરાનીઓ વસતાં હતાં અને ગાંધારમાં તેનું રાજ્ય હતું !
“India Cnstituted The Twentieth And Most Populous Strapy Of The Persians Emire And It Paid A Tribute Proportionately Larger Than All The Rest— 360 Talents Of The Gold Dust.
—— Herodotus
બીજું —-
If TYhe Achaemenian brougt The Indian Bowmen And Lancers To Hellenic Soil, They Also Showed The Way Of Conquest To The Peoples Of Greece And Macedon.
—– Political History Of Ancient India (page 214)
——— H.C. Ray Chaudhary
આ બંને વિધાનોમાં અતિશયોક્તિ જરૂર છે પણ એનાં દ્વારા જ આપણને ઈરાનીઓના ભારત પરના આક્રમણ અને એમનાં ભારત પરના અમુક રાજ્યો પરના કબજાની વાત ખબર પડે છે. જો કે ભારતમાં આની કોઈ રાજકીય અસર નહોતી પડી અલબત્ત તે સમયમાં. પણ આર્યો (ઈરાનીઓ) જે યુરોપમાંથી આ સિંધુ સંસ્કૃતિ તરફ આવ્યાં હતાં અને વસવાટ શરુ કર્યો હતો તેનાં પુરાવાઓ અવશ્ય મળે છે. જે અગલ જતાં ખતરનાક સાબિત થવાનું હતું સમગ્ર ભારત માટે !
તેમનું ભારતમાં આગમન કેવી રીતે થયું તે એક આશ્ચર્ય જરૂર છે . મુસાફરો ભારત આવતાં હતાં ખરાં એમાં સૌ પ્રથમ એક ઈરાની રાજવૈદ ભારતમાં આવ્યો હતો. તેના પછી જ બધાં મુસાફરો અને ઈતિહાસકારોના ભારતભ્રમણનો સિલસિલો શરુ થયો. આ ઈરાની રાજવૈદે ભારતનું બહુ ખોટું વર્ણન કર્યું છે એટલે એ વિશ્વસનીય માન્ય જ નહીં. તે સમયે ભારતનો ખ્યાલ એમના મનમાં એ ઉત્તરભારતનો પશ્ચિમી ભાગ જ હતો. ત્યાં એટલાં બધાં નાનાં રાજ્યો -ગણરાજ્યો હતાં જેની એમને ખબર જ નહોતી. એમની નજર મગધ પર હતી પણ ત્યાં સુધી પહોંચવું એમને માટે આસાન નહોતું. એ વિષે ખાલી સાંભળ્યું હતું બસ અને આ તો હજી શરૂઆત જ હતી. રાજવંશો તો આવવાના બાકી જ હતાં.
વૈદિક કાળમાં માત્ર આટલાં જ રાજ્યોનો ઉલ્લેખ થયેલો જોવાં મળે છે——–
- (૧) કાશી
- (૨) કોશલ
- (૩) વિદેહ
- (૪) ગાંધાર
- (૫) કૈકેય
- (૬) મદ્ર
- (૭) મત્સ્ય
- (૮) મગધ
- (૯) અંગ
આ બધાં રાજ્યોનો ઉલ્લેખ રામાયણ – મહાભારતમાં પણ થયેલો જોવાં મળે છે. પણ તે બધાં એ પછી પણ ચાલુ જ રહ્યાં હતાં. કોક રાજતંત્રિક ગણરાજ્ય બન્યું તો કોક ગણતંત્રિક રાજ્ય બન્યું. આમાં ગાંધાર જ આક્રમણનો ભોગ બન્યું હતું !
રસ્તાને બાજુ પર મુકીએ તોય ઈરાન એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અડીને જ આવેલો દેશ છે એટલે સહેલાઈથી ત્યાં આવનજાવન થઇ જ શકે. જો આવનજાવન વિના રોક થઇ શક્તિ હોય તો ત્યાં આક્રમણ કરવું સહેલું પડે. જે ઈરાને કર્યું. એક નહીં ત્રણ વાર એમ ઈતિહાસકારો તો નોંધે જ છે.
સાયરસની સાલવારી કોઈ ચોક્કસ દિશાનિર્દેશ કરી નથી અને એપણ અસ્પષ્ટ જ છે કે એણે આક્રમણ કર્યું ક્યારે? અને કર્યા પછી ત્યાં એણે શું કર્યું ? જો કે સાયરસનું આક્રમણ એ રાજા બિંબિસારના સમયમાં થયેલું અવશ્ય ગણી શકાય. કારણકે રાજા બિંબિસારનો સમય છે ઇસવીસન પૂર્વે ૫૪૪થી ઇસવીસન પૂર્વે ૪૯૨ . જયારે રાજા સાયરસનો રાજ્યકાળ સમય છે ઇસવીસન પૂર્વે ૫૫૮થી ઇસવીસન પૂર્વે ૫૩૦. આ બધાં સમયે સાયરસે વિજયો જ મેળવ્યાં હતાં તો એણે ઇસવીસન પૂર્વે ૫૪૪થી ઇસવીસન પૂર્વે ૫૩૦ દરમિયાન ભારત પર આક્રમણ કર્યું હશે ગાંધાર પર પોતાનો કબજો જમાવ્યો હશે. આ ગાંધારનો પ્રખ્યાત રાજા પુષ્કરસરીન તે ભારતનો હતો કે ઈરાનનો તે નક્કી થઇ શકાતું નથી. નામ પ્રમાણે તો એ ભારતીય જ લાગે છે એટલે ઈરાને તેમનાં પછી ગાંધાર પર કબજો મેળવ્યો હશે કેમકે ત્યાર પછી જ ગાંધાર પર ઈરાનીઓ -પારસીઓ રાજ કરતાં હશે.
સાયરસની એક ખાસિયત હતી તે જીતેલાં રાજ્યો જે તે રાજાને પાછાં આપી દેતો હતો. જો કે ગાંધારની બાબતમાં આવું બન્યું નહીં ! ગાંધાર સંપૂર્ણપણે ઈરાનીઓના કબજામાં આવી ગયું અને તેની રાજસત્તા પણ પારસીઓએ પોતાનાં હાથમાં લઇ લીધી. પણ કોઈ જ નામ પારસી રાજાનું ત્યાંથી મળ્યું નથી અને ઈતિહાસકારો એમાં ય ઈરાનીઓ અને યવનો સિવાય આ વાતને કોઈ જ મહત્વ આપતું પણ નથી . તાત્પર્ય એ કે કોઈ ભારતીય સાહિત્યકાર -ઈતિહાસકાર પણ આની કોઈ પ્રતિક્રિયા આપતાં નથી. ભલે આપણે એમ કહીએ કે આનથી કોઈ ફેર પડયો નહીં અને ભારત પર આક્રમણ થયું જ નથી એ વાત તાર્કિક રીતે તો સાચી પણ આની દુરગામી અસર પડવાની હતી અને વ્યાપાર અને વસવાટમાં ત્યાં પડી પણ હતી એ વાતને પણ આપણે નજરઅંદાજ તો ના જ કરી શકીએ. ઈરાનીઓએ બેકટ્રિયા અને પાર્થિયામાં પોતાની સત્તા પ્રસારી હતી તથા તેની આજુબાજુના નાના નાના રાજ્યોમાં પણ. આ બધાં રાજયોમાં સાયાર્સની ધાર્મિક વૃત્તિને કારણે ત્યાં યવનો – ગ્રીક સૈનિકોનો જમાવડો થઇ ગયો . ઈરાનીઓ પણ ત્યાં વસવાટ કરતાં તો હતાં પણ રાજસત્તામાં દખલ ન્હોતાં કરતાં આ બન્ને વસવાટ એ આમ તો સાયરસના સમયથી જ શરુ થઇ ગયો હતો.
પણ પછી ત્યાં યવનોએ વિદ્રોહ કર્યો જે હતાં તો સાયરસના જ સૈનિકો પણ તેમના પછી આવેલ ડેરિયસે વિશ્વીજેતા બનેલા સાયરસના બધાં જ પ્રાંતોમાં વિદ્રોહ શમાવ્યો. જોકે આ આઠ વરસમાં વિદ્રોહે જોર પકડ્યું હતું તે આ ડેરિયસે શમ્યું એટલે એપણ વિશ્વવિજેતા કહેવાયો. એને પંજાબ અને સિંધ પ્રાંત પર કબજો જમાવ્યો એવું જે છાતી થીકીને ઈતિહાસકારો કહ્યાં કરે છે તેમાં બહુ તથ્ય તો લાગતું નથી પણ આ બધાં વિસ્તારોમાં પણ ઈરાનીઓએ વસવાટ શરુ કર્યો. આ સમય પણ રાજા બિંબિસારનો જ હતો જે મહાપરાક્રમી હતો તેના સમયમાં આ સિંધ અને પંજાબ એ પારસીના હાથમાં તો નહિ જ ગયાં હોય પણ ઈરાનીઓ અને ગ્રીકો -યવનોએ ત્યાં પોતાનો અધિકાર જમાવી દીધો હતો અલબત્ત કાયમી વસવાટ કરીને ભારતમાં ઘુસણખોરી કરી ત્યાં પોતાનો વ્યાપર સંબંધ વધારવા જ સ્તો. આ રીતે તેમનો પગપેસારો ભારતભૂમિમાં થઇ ગયો એમ સહેજે કહી જ શકાય તેમ છે.
ભારત આવવાનો મકરનથી જે સમુદ્રી માર્ગ હતો તે તો શોધ્યો હતો સાઈરસે. જેનો યશ દારાના યુનાની સેનાપતિ સ્કાઈલક્સ લઇ ગયો ખાલી ખોટો . આ વાત ફેલાવનાર છે હેરિયોડોટસ જેના પર જરાય વિશ્વાસ કરાય તેમ નથી. ઈરાનીઓ અને ગ્રીકોનું એમ માનવું હતું હતું મિસ્ર અને મેસેપોટીમિયા પ્રમાણે જ સિંધુ સંસ્કૃતિ વિકસી હતી. જે તેમણે ત્યાં જઈને જાતે જોઇને આ મારું છે એવો હક્ક જતાવવો હતો. મારાં ખ્યાલ પ્રમાણે તો એ સમયે આ સિંધુ સંસ્કૃતિના અવશેષ જ બચ્યાં હતાં. આખા નગરો તો દટાઈ જ ગયાં હતાં નહીં તો મોહેંજો-દરો અને હડપ્પા સુધી તેઓ ના પહોંચ્યા હોત ! જે તે સમયે હતાં જ નહીં તો પહોંચે પણ ક્યાંથી ? પણ એ રસ્તો આર્યોના આગમને એમને માટે ખુલ્લો કરી આપ્યો ખાસ કરીને કાબુલઘાટી એટલે કે ખૈબરઘાટનો . જે હિંદુકુશ પર્વતમાળામાં છે એટલે જ ઈરાનીઓએ હિન્દુસ્તાન અને ગ્રીકોએ સિંધુ નદીને indus કહીને india એવું નામ આપ્યું છે. આ ઈરાનીઓએ પણ સિંધુ નદીની ખીણમાં જ પોતાનો વસવાટ શરુ કર્યો અને એની આસપાસના રાજ્યો એ પોતાનાં છે એવું પ્રસ્થાપિત કરી દીધું.
સાયરસની ઉદારતાનો લાબ લીધો સાયરસની સેનામાં રહેલાં યવનો એટલેકે ગ્રીકોએ. તેઓએ મોટાં પાયે ત્યાં વસવાટ કરી ત્યાની રાજકીય અસ્થિરતાનો લાભ લઇ વિદ્રોહ કર્યો. જે દબાવ્યો ડેરિયસ પ્રથમ દારાએ પણ એના યુનાની સેનાપતિ સ્કાઈલક્સે એમ જે કહેવાય છે તે એની ચલ માત્ર હતી ત્યાં સુધી ગ્રીક સત્તા સ્થાપવાની . સ્ત્લ્જનો નદીનો રસ્તો પણ એણે જ શોધ્યો હતો પણ ભારતમાં કોકકારણસર ઘુસી શક્યો નહીં અને ભારત એના પ્રકોપથી બચી ગયું આ વાતની દારા અજાણ જ હતો એને એમ કે ભારતનાં પંજાબ અને સિંધ પર મારો કબજો થઇ ગયો છે. પણ હકીકત તો કંઈ ઓર જ હતી કોઈ આક્રમણ ભારત પર થયું જ નહોતું એમને તો પોતાનું સ્થાનક ઉભું કરવું હતું તે કરી લીધું. સિયાલકોટ પણ આ જ આરસમાં વિકસ્યું હતું ઈરાનીઓ અને ગ્રીકોને કારણે જ ! પણ યવનોની સત્તા ત્યાં પ્રવર્તતી નહોતી કારણકે સાયરસ અને દારા એ વિશ્વવિજેતા હતાં . એટલે તેઓ ત્યાંના ક્ષત્રપ બનીને રહ્યાં . આ ભૂલ બહુ જ નજીકના ભવિષ્યમાં અને પછી આવનારી સદીઓ સુધી નડવાની હતી. પણ તેમને બહોળા પાયે ત્યાં વસવાટ કર્યો એટલુંજ નહીં પણ રાજકીય અસ્થિરતાનો લાભ લઇ વિસ્તારવાદ પણ કર્યો. જેનો લાભ સિકંદર ખાટી ગયો. આ લોકોની વસ્તી ક્યાં ક્યાં અને કેટલી હતી એની વાત સિકંદર વખતે !
આક્રમણ કર્યું હોય તો ક્યાંક લડાઈ થાય. ક્યાંક મુકાબલો થાય, ક્યાંક થોડીઘણી તોડફોડ થાય, રાજકીય સત્તામાં ઉથલપાથલ થાય, કોક રાજવંશ અસ્ત પામે નવો રાજવંશ સત્તા પર આવે. આક્રમણકારીઓ સત્તાનાં સુત્રો પોતાનાં હાથમાં લે. તેઓ ત્યાંથી બીજો પ્રદેશ કબજે કરવાની ખેવના રાખે ! પ્રજા આ બધું સાંખી પણ ન જ લે ! પ્રજાના વ્યાપાર પર અને તેમની ધર્મપરાયણતા અને રહેણીકરણી પર મોટી અસર પડે ! આવું તો કશું થયું જ નથી નવા શહેરો જરૂર બનાવ્યાં હતાં પણ તેમાં માત્ર ઈરાનીઓ અને યવનો જ વસવાટ કરતાં હતાં તે વાત સાવ ખોટી. આ વાત સંસ્કૃતિના પ્રસ્થાપન માટે જ કરાયેલી કે થયેલી છે. જો કે એ વખતે કઈ સંસ્કૃતિ શિરમોર હતી તે એક પ્રશ્ન છે. રસ્તો જુનો હોય તો સદીઓ સુધી કંઈ થયું નહીં અને છેક ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં જ કેમ આક્રમણ કરવામાં આવ્યું ? કેમકે તે સમયે મગધમાં અને બીજે બધે રાજ્યોદય થઇ ગયો હતો અને બૌદ્ધ ઉપદેશ અને બૌદ્ધ ધર્મ એમને ત્યાં ન પ્રસરે એવું તેઓ ઈચ્છતા હતાં સાથેસાથે જૈન ધર્મ પણ. પણ તેઓ ભૂલી ગયાં કે હિંદુ ધર્મતો વ્યાપક છે એને પ્રસરતો અટકાવવામાં તેઓ નાકામયાબ નીવડયા એટલે એમણે એ ભારતના તાબાના પ્રદેશો જીતવાની કોશિશ કરી પણ જીતી શક્યાં નહીં શું ઈરાનીઓ કે શું યવનો ? એટલે સાર એ કાઢી શકાય કે આક્રમણ તો થયાં જ નથી બસ ખાલી એ પ્રદેશો સુધી આવી જઈ ત્યાં વસવાટ શરુ કર્યો હતો . આ બધામાં ગાંધાર હજી પ્રશ્નાર્થ બનીને ઉભું હતું તેનો જવાબ તો આપણને ચાણક્ય અને ચંદ્રગુપ્તમાં જ મળવાનો છે. બાકી હિન્દુકુશને નામે એ લૂ ખાલી ખોટાં ચરી ખાય છે. સાંસ્કૃતિક રીતે તેમને ભારતના વિકાસમાં સાથ જરૂર આપ્યો છે એમ તો ચોક્કસપણે કહી જ શકાય તેમ છે.
બાકી…… આ આક્રમણ – ફાક્રમણની વાત હું સહેજે સ્વીકારતો નથી. માત્ર ઈરાનીઓની જ નહિ કોઈ પણ આક્રમણની ! જે આક્રમણકારીઓ ભારતમાં સત્તા પ્રાપ્ત કરી ભારતના ઈતિહાસને નામશેષ કરવાની કોશિશ કરી હતી કે અમુક રાજવંશો સમાપ્ત કર્યા હતાં તેનાં કારણો જુદાં છે.ભારતે એક થવું જોઈએ એનો પાયો આ ઈરાની કથિત આક્રમણથી જ નંખાયો એ સારી બાબત હતી જે ૧૫૦ વરસ પછી કામ લાગવાની જ હતી . બાકી જો કોઈ એમ કહે કે આક્રમણ કરી ભારતના ભાગો પચાવી પાડયા હતાં તો એ વાત સદંતર ખોટી જ છે !
આમ તો આ ત્રણે આક્રમણોથી ભારતને કોઈ જ નુકશાન થયું નહોતું. ઈતિહાસ પણ એમ જ કહે છે. આ આ અક્રમણોને પોતાની સફળતામાં ખપાવવાની કોશિશ માત્ર છે. પણ સસંકૃતિક દ્રષ્ટિએ આ ઈરાનીઓ – પારસીઓનો ફાળો નોંધપાત્ર છે અને ભારત સદાય એમનું ઋણી રહેશે !
અહી જે રાજ્યો -પ્રદેશો બેબીલોન, ગાંધાર, બેકટ્રિયા, પાર્થીયા આર્કોસિયા અને ગેડ્રોકસિયા અને સિયાલકોટ તથા હિંદુકુશ પર્વતમાળાનાં ક્ષેત્રો જેમ કે કાબુલઘાટી વગરે એ બધાં યાદ રાખજો ખાસ આ બધાં જ નામો એ સિકંદરના કથિત આક્રમણ વખતે કામ લાગવાનાં જ છે !
સ્રોતો પ્રમાણે ગાંધાર પર ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ઈરાને આ જીત્યું હતું તે પણ સાયરસે જ !કંબોજ વિષે કંઈ ખ્યાલ નથી આવતો એટલે એને આપણે અધ્યાહાર જ રહેવાં દઈએ. પણ આ વાત સિકંદરના કથિત આક્રમણ પહેલાં કરવી અત્યંત આવશ્યક હતી. આ વાત યાદ રાખજો બધાં ઉપર જે જણાવેલા રાજ્યો-દેશો છે તે પણ સિકંદરના કથિત આક્રમણ વખતે એ કામ લાગવાનાં જ છે. આને ખાસ સાચવીને રાખજો
કારણકે આ જ તો સિકંદરના કથિત આક્રમણની પૂર્વભૂમિકા છે.
મારો હવે પછીનો લેખ સિકંદર મહાન નહોતો ! એનાં પર આવશે !
***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****
——— જનમેજય અધ્વર્યુ.
અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- હર્યક વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔
- શિશુનાગ વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔
- નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – ૧
- નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – ૨
- આર્યો નો પ્રાચીન ઈતિહાસ ⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..