⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔
ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ )
સંસ્કૃતિ એટલે ઈતિહાસ અને ઈતિહાસ એટલે આપણી સંસ્કૃતિ ! આ બંને એ અવિભાજ્ય અંગ છે એમાંથી એકમેકને ક્યારેય પણ છૂટાં ન પાડી શકાય. આ પ્રાચીન સંસ્કૃતિ પણ અજબ છે હોં. દરેકને એકબીજાં માટે ગૌરવ લેવું જોઈએ તેની જગ્યાએ એ પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં લાગી ગઈ. ઇતિહાસનું ભલું પૂછવું ક્યારે કરવત બદલે તે કહેવાય નહીં. આવું જ મિસ્ર-રોમન અને ગ્રીક સંસ્કૃતિમાં બન્યું. ભારતીય સંસ્કૃતિ તો સ્થિતપ્રજ્ઞ જ હતી એને પોતાની સર્વોપરિતા સાબિત કરવાની જરૂર જ ના પડી. ચીનને તો ભારતનું બધું પોતાને નામે કરવું હતું પણ એ એની સંસ્કૃતિ સાચવીને બેસી રહ્યું. એણે અટકચાળા કર્યા પણ એ ઇસવીસનની સાતમી સદીમાં….. આ સમયમાં તો નહીં જ !
કોઇપણ ભોગે ભારતને નીચું પાડવું અને એને હરાવવું એજ આ લોકોની નેમ હતી. સંઘર્ષ શરુ થયો યુરોપમાં જ અને એ લાંબો પણ ચાલ્યો. એમાં ઈરાન અને મેસિડોનિયા વચ્ચે ઘણાં યુધ્ધો થયાં. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ તો એમાં ગ્રીકોનો વિજય થયો. પણ એ કહેવાતો વિજય હતો જે ખાલી વાર્તામાં જ શોભ્યો. કારણકે ઈરાનીઓ એટલે કે પારસીઓ -પર્શિયનોનું ગચિયું પણ ના ખર્યું. પરિણામ એ આવ્યું કે ઈરાનીઓ એક પછી એક રાજ્યો જીતતાં ગયાં અને વિશ્વવિજેતા બનતાં ગયાં. પહેલાં સાયરસ પછી ડેરિયસ વગેરે. સાયરસને તો ખુદ સિકંદર પણ મહાન વિશ્વવિજેતા ગણતો હતો. સાયરસ છેક ભારત સુધી આવી ગયો હતો અને એણે બેકટ્રિયા અને પાર્થીયા જીત્યાં હતાં અને અનેક નવાં શહેરો બનવ્યા હતાં. ડેરિયસ તો છેક સિંધુ સતલજ જ્યાં દરિયામાં મળે છે એ સિંધ પ્રાંત એટલેકે હાલના કરાંચી સુધી પહોંચી ગયો હતો. પણ સિંધ પંજાબમાં ઘણાં નાનાં નાનાં રાજ્યો હતાં તે તે જીતી શક્યો નહોતો.
વાસ્તવમાં તેઓ સિંધુ સંસ્કૃતિ – હડપ્પા સંસ્કૃતિની આજબાજુ જ રમ્યાં કરતાં હતાં. તેમને એમ કે આ સંસ્કૃતિ અમારી જ છે. ઈરાનીઓની એક ભૂલ એ થઈ કે તેમણે યુનાની સેનાપતિ અને યુનાની સૈનિકોનો સહારો લીધો. બીજું કે ઈરાનીઓને તેમની ઉદારતા નડી. જેનો ભરપુર ગેરલાભ લીધો આ ખંધા યુનાનીઓએ. થોડીક નજર આ સિંધુ સંસ્કૃતિ અને આર્યોના આગમન પર કરી જ લઈએ !
સિંધુ સંસ્કૃતિનાં વિકાસના ક્રમિક ચરણ ———–
ફેયર સર્વિસ નામક પુરાતત્વવિદે ઇન્ડો -ઈરાની સીમાવર્તી ક્ષેત્ર એવં બલુચિસ્તાન ક્ષેત્રમાં થયેલા ઉત્ખનોમાંથી પ્રાપ્ત સક્ષ્યોના આધાર પર સિંધુઘાટી સભ્યતાના ક્રમિક વિકાસને નિમ્ન ચરણોમાં વર્ગીકૃત કર્યો છે ——
- પ્રથમ ચરણ – ઇસવીસન પૂર્વે ૩૩૦૦
- દ્વિતીય ચરણ – ઇસવીસન પૂર્વે ૩૩૦૦ – ઇસવીસન પૂર્વે ૨૫૦૦
- તૃતીય ચરણ – ઇસવીસન પૂર્વે ૨૫૦૦ – ઇસવીસન પૂર્વે ૨૨૦૦
- ચતુર્થ ચરણ – ઇસવીસન પૂર્વે ૨૨૦૦ – ઇસવીસન પૂર્વે ૧૭૦૦
- પંચમ ચરણ – ઇસવીસન પૂર્વે ૧૭૦૦ – ઇસવીસન પૂર્વે ૧૨૦૦ / ૮૦૦
જયારે આર્યોનો વસવાટ એ ઇસવીસન પૂર્વે ૧૫૦૦ની આસપાસ થયો હતો. એ વિષે પછી આપણે જોઈશું જ ! દક્ષિણી અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન એ પ્રથમ ચરણમાં આવે છે. જ્યાં આર્યો ક્યાંય પણ નજરે જ ના પડે એ સ્વાભાવિક છે. દ્વિતીય ચરણમાં પેરિયાનો ધુન્ડઈ, કુલીનાલ, સુર જંગલ, કીલી ગુલ મોહંમદ વગેરે આવે. મોહેન – જો – દરો અને રાજસ્થાનના અવશેષો એ તૃતીય ચરણમાં આવે. તૃતીય ચરણમાં ઈરાની સભ્યતાનું ભારતીયકરણ થઇ ગયું હતું. સ્થાયી અને ગ્રામ્ય સંસ્કૃતિનું સ્વરૂપ પ્રસ્ફૂતીત થઇ ચુક્યું હતું. ચતુર્થ ચરણ પૂર્ણ વિકસિત ચરણ હતું. ગુજરાત, રાજસ્થાન, સિંધ, બલુચિસ્તાન, પૂર્વી પંજાબ આ કાળના સાક્ષ્ય પ્રમાણ છે. સ્ટુઅર્ટ પિગોત અનુસાર સિંધુ સભ્યતાની બે રાજધાનીઓ હડપ્પા અને મોહેન – જો – દરો હતી જેનું શાસન પુરોહિત સંભાળતા હતાં. આ લોકો તો ઈરાનીયન કે યુનાની તો નહોતાં જ ને !
સિંધુ ઘાટી સભ્યતા નગરીય સભ્યતા છે અને એ દ્રવિડો સાથે મેળ ખાતી નથી અત: ઘણા વિદ્વાનો દ્રવિડોને પણ સિંધુ સંસ્કૃતિના સ્સંસ્થાપક નથી જ માનતાં !
તો વળી સર વ્હીલરના મત મુજબ —
“ભારતમાં નાગરિક સભ્યતાનું કારણ મેસોપોટેમીયા સભ્યતા છે એની સાથે સહમત થઇ શકાય એમ જ નથી.આ મતને સમર્થન કરનારા ઘણા વિદેશી ઈતિહાસકારો છે તો વળી કેટલાંક સિંધુ ઘાટીની સભ્યતાના વિકાસમાં ઈરાનીઓ – બલુચિસ્તાનીઓનો હાથ છે એમ કહેનારા પણ ઘણાં છે પણ એનો વિકાસ ભારતમાં ઘણે ઠેકાણે અરે ગુજરાતમાં પણ ઘણે ઠેકાણે થયો છે એ કોઈ જોતું નથી !
એક વાત તરફ ધ્યાનદોરવા માંગું છું કે સિંધુ સંસ્કૃતિ અને હડપ્પા સંસ્કૃતિનું પતન તેની હયાતીમાં જ થઇ ગયું હતું એ પછીથી પણ પણ ભારતમાં બે સંસ્કૃતિઓ ફૂલીફાલી હતી —-
(૧) સિંધુ ચનહુદાડોની ઝૂકર સંસ્કૃતિ
(૨) પંજાબની કબ્રિસ્તાન એચ સંસ્કૃતિ
આ બંને સંસ્કૃતિઓ વિષે ઈરાનીઓ અને યુનાનીઓ અજાણ જ હતાં ! પણ તોય તેમનેઆ બધાં સ્થળો પોતાનાં નામે ચઢાવવા હતાં અને આ મારું છે એમ સાબિત કરવું હતું,
આમાંના અમુક સ્થળો મકરન સમુદ્ર તટથી ૫૬ કિલોમીટર જ દૂર હતાં અને કરાંચીથી ૪૮૦ કિલોમીટર. આ બધાં પ્રદેશો પર કબજો જમાવવાની ઈરાનીઓ અને યુનાનીઓમાં રીતસરની હોડ લાગી હતી. જ કે કોઈ જીત્યાં ન્હોતાં એ અલગ વાત છે. બસ ત્યાં રહી પડયા હતાં બધાં !
સિકંદરનાં કથિત આક્રમણ પહેલાં ભારતની સરહદો સુરક્ષિત નહોતી અરે એટલે સુધી કે ભારતનાં રાજ્યો અંદરોઅંદર લડયા જ કરતાં હતાં તેઓ એકબીજાં પર પોતાની સર્વોપરિતા સાબિત કરવાં મથ્યાં જ રહેતાં હતાં લડાઈ ના થાય તો ધર્મના પ્રચાર અર્થે અને જો તેમ ન થાય તો સામાજિક સંબંધે એકબીજાં સાથે જોડાયેલાં જ રહેવાં માંગતા હતાં. એ બહાને તેઓ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવાં માંગતા હતાં. તે સમયે કોઈ એક મોટું સામ્રાજ્ય હતું જ નહીં. હા….. જો કે મગધ મહાસામ્રજ્ય બનવા અગ્રેસર હતું તેની સૈન્ય તાકાતના બળ ઉપર. મગધ પાસે અતિ વિશાળ સેના હતી અને તે વખતે મગધનો નો સર્વસત્તાધીશ રાજા ધનનંદ હતો. પણ તેની સેના કેટલી વિશાળ હતી તેની તો સિકંદરને ભડક સુધ્ધાં પણ નહોતી. આ સમયે ભારત આમ તો અનેક નાનાં નાનાં રાજ્યોમાં વિભાજીત હતું. એકતાનું નામોનિશાન નહોતું તે વખતે અને સિકંદર આનો ગેરલાભ ઉઠાવવા માંગતો હતો પોતાનાં વિશ વિજેતા બનવાના સપનાં સાકાર કરવાં માટે !
સિકંદર અતિ મહત્વાકાંક્ષી હતો. તેની પહેલાં ઈરાનીઓ – પારસીઓ વિશ્વવિજેતાઓ બની જ ચુક્યા હતાં અરે એટલે સુધી કે સિકંદરના પિતા ફીલીપે પણ વિશ્વના ઘણાં પ્રદેશો જીતી તેને પોતાની જાતને વિશ્વવિજેતા ઘોષિત કરી દીધો હતો. જો ફિલિપ વિશ્વવિજેતા હોય તો પછી સાયરસ અને ડેરિયસે જે પ્રદેશો જીત્યા હતાં તે સિલસિલો તો ડેરિયસ ત્રીજા સુધી ચાલુ જ રહ્યો હતો. તો પછી ફિલિપને પણ વિશ્વવિજેતા કઈ રીતે ગણી શકાય ! જો ફિલિપ ખોટો હોય તો સિકંદર પણ ખોટો જ હોય ને એ તો સાવ સીધીસાદી અને દીવા જેવી સ્પષ્ટ બાબત છે. સિકંદરને મહાન ગણવામાં તે સમયથી તે આજના શોશિયલ મીડિયાનો પણ બહુ મહત્વનો ફાળો છે. તેઓ કોઈ પણ રીતે સિકંદરને મહાન બનાવવા માટે જ તુલ્યા રહેતાં હોય છે. સિકંદર મહાન નહોતો એ વાત તેઓ સ્વીકારવા જ તૈયાર નથી ! સિકંદર ખરેખર મહાન નહોતો જ ! એ મહાન હતો એવી વાત એનાં પીઠ્ઠુ ઈતિહાસકારો અને કેટલાંક વાર્તાકારોએ ઉપજાવી કાઢી છે ! હું અગાઉ જણાવી જ ચુક્યો છું કે સિકંદરનો ઈતિહાસ એ એનાં મૃત્યુ પછી ૨૫૦-૪૦૦ વરસ પછી લખાયેલો છે. જેમાં સચ્ચાઈનો રણકાર ઓછો અને ખોટી પ્રશસ્તિ વધારે છે . આજ વાત મારે આ લેખમાં કરવાની છે વિગતવાર !
સિકંદર ———–
સિકંદરનો જન્મ ઈસ્વીસન પૂર્વે ૩૫૬મા મેસીડોનીયામાં રાજા ફિલિપ અને રાણી ઓલંપિયાને ત્યાં થયો હતો. રાજા ફિલિપને ઘણી રાણીઓ હતી. એમ કહેવાય છે કે સ્ત્રીઓ તેની નિર્બળતા હતી. રાણી ઓલંપિયા એ રાજા ફિલિપ દ્વિતીયની ત્રીજી કે ચોથી પત્ની હતી. સિકંદર જ્યારે ૧૯-૨૦ વરસનો હતો ત્યારે એમ કહેવાય છે કે રાણી ઓલંપિયા કે જે સિકંદરની માતા હતી તેણે ઝેર આપીને રાજા ફિલિપની હત્યા કરાવી નાંખી. આ વખતે રાજા ફિલિપ એ કથિત વિશ્વવિજેતા જ હતો તેમ છતાં તે તેની સિદ્ધિના શિખરે હતો ત્યારે જ તેની હત્યા કરાવવામાં આવી આ વાત ગળે ઉતરે તેવી તો નથી જ ! મને તો શક છે કે સિકંદરનો પણ એમાં હાથ હોઈ શકે છે !
કારણકે પોતાના પિતાના મૃત્યુ પશ્ચાત સિકંદરે પોતાનાં ઓરમાન ભાઈઓ અને ચચેરા ભાઈની પણ હત્યા કરી નાંખી પોતે મેસીડોનિયનો રાજા બની બેઠો ! રાજગાદી પ્રાપ્ત કરવાં માટે પિતાની હત્યા કરવાનું આ પણ એક કારણ હોઈ શકે છે !
સિકંદર વિષે આ પણ એક દંતકથા બહુ પ્રચલિત છે જેણે ઇતિહાસે સાચી માની લીધેલી છે.
સિકંદર મેસિડોનિયાના શાસક ફિલિપ બીજાનો પુત્ર હતો. “પુત્રના લક્ષણ પારણામાં” એ અનુસાર તેનામાં બાળપણથી જ મહાન બનવાના ગુણ હતાં. પોતાનાં પિતા ફિલિપને ખુબ બધાં વિજયો મેળવતા સાંભળીને તે ખુશ થવાને બદલે રડી પડયો હતો કારણકે તેને એમ ડર હતો કે જો પિતા બધું જ જીતી લેશે તો તેના માટે જીતવાનું કશું જ બાકી રહેશે નહીં અને તો તેને પોતાની શક્તિ કે યોગ્યતા કઈ રીતે પુરવાર કરી બતાવવી ? નાનપણથી જ આવી મહત્વાકાંક્ષા સેવનાર બાળક સિકંદર યુવાન થતાં વિશ્વવિજેતા બનવાની મહેચ્છા ધરાવે તે જરાય અસ્વાભાવિક નથી, પિતાની હત્યા કરાવવા પાછળનું આ પણ એક સબળ કારણ માનવામાં આવે છે.
સિકંદરના પિતા રાજા ફિલિપ વિષે આ વાત પણ બહુ પ્રચલિત કરવામાં આવી છે —–
જ્યારે ફિલિપ યુદ્ધ જીતીને પાછો ફરતો હતો ત્યારે તેને સેના પતી એટલાસની ભત્રીજી ક્લિયોપેટ્રા ઈર્રીડિઇસ સાથે પ્રેમ થઇ ગયો અને એની સાથે લગ્ન પણ કરી લીધાં. આ લગ્ન પછી સિકંદરનું ઉત્તરાધિકારીપણું સંકટમાં આવી ગયું. કારણકે ક્લિયોપેટ્રા ઈર્રીડિઇસથી ઉત્પન્ન દિકરો એ સંપૂર્ણપણે મેસીડોનિયન ઉત્તરાધિકારી બનત, જ્યારે સિકંદર એ માત્ર અડધો જ મેસીડોનિયન ઉત્તરાધિકારી હતો લગ્ન પછીના એક સમારંભમાં શરાબના નશામાં એટલાશે સાર્વજનિક રીતે દેવતાઓને પ્રાર્થના કરી કે હવે મેસીડોનિયાને સાચો વારસ મળશે !
ક્લિયોપેટ્રા ઈર્રીડિઇસ જેની સાથે ફિલિપ વિવાહ કરી રહ્યો હતો એ બહુ જ યુવાન હતી. જેનાં કાકા એટલાસે શરાબના નશામાં લોકોને અગ્રહ કર્યો કે — હવે મેસીડોનિયન લોકોને તેમનો સાચો વારસદાર મળશે.” જેનાથી સિકંદરે ગુસ્સે થઈને એટલાસને “તમે બદમાશ છો !” કહીને એમના માથાં ઉપર શરાબનો ગ્લાસ ફેંકે છે.અને પૂછે છે —- તો શું હું એક અવૈધ સંતાન છું?” ફિલિપ એટલાસની બેઈજ્જતીથી ક્રોધિત થઈને સિકંદરને મારવાં માટે ઉભો થઇ જાય છે પણ ઊભાં થતા એનાં પગ લપસી પડે છે શરાબના અતિસેવનને કારણે સ્તો ! પછી ફિલિપ જમીન પર ગબડી પડે છે. જેનાથી સિકંદરે એને અપમાનિત કરીને કહ્યું કે —- “આ જુઓ આ વ્યક્તિ આપણને યુરોપથી એશિયા લઇ જવાનો હતો જે પોતાની જાતે એક સીડી પરથી બીજી સીડી પર ચડતાં તો ગબડી પડે છે. !”
——- આ વર્ણન પ્લુટાર્ક દ્વારા ફીલીપના લગ્નના વર્ણનનું છે.
સિકંદર પોતાની માં સાથે મેસીડોનિયાથી ભાગીને પોતાનાં મામા એપિયસનાં રાજા એલેક્ઝાંડર પ્રથમની પાસે આવતાં રહ્યાં. માતાને ત્યાં મૂકી પોતે ઇલિયારિયા જતો રહ્યો. જ્યાં એને ઈલિયાઈ રાજા પાસે સંરક્ષણની માંગ કરી. કેટલાંક વર્ષો પૂર્વે સિકંદર સાથે લડાઈમાં પરાજિત થવાં છતાં એમણે સિકંદરને અતિથિ તરીકે સ્વાગત કર્યું. જો કે ક્યાંક ક્યાંક એવું પ્રતીત થતું લાગે છે કે રાજા ફિલિપ પોતાનાં રાજનીતિજ્ઞ અને સૈન્ય પ્રશિક્ષિત દીકરાનો અસ્વીકાર કરવાં નહોતો માંગતો. તદાનુસાર સિકંદર એક પારિવારિક દોસ્ત ડેમરાતુસનાં થાગ પ્રયાસોના પરિણામ સ્વરૂપ ૬ મહિના પછી સિકંદર મેસીડોનિયા પાછો આવી જાય છે.
ત્યાર પછીના જ વર્ષે પિક્સોડારસકે જે કારિયાનો ફારસી ગવર્નર હતો એની સોથી મોટી પુત્રીનો સિકંદરના સૌતેલા ભાઈ ફિલિપ એહર્દિયસ સાથે વિવાહ પ્રસ્તાવ આવ્યો. ઓલંપિયસ અને સિકંદરના ઘણાં મિત્રોએ સુઝાવ કર્યો કે રાજા ફિલિપે ફિલિપ એહર્દિયસને પોતાનો ઉત્તરાધિકારી બનવવાનો પાક્કો ઈરાદો કરી દીધો સિકંદરે પિક્સેલરસને પોતાનો એક દૂત થિસ્સલુસને મોકલીને કહેવડાવ્યું કે એણે પોતાની દિકરીનો હાથ અવૈધ બેટાને આપવાની જગ્યાએ સિકંદરના હાથમાં તેનો હાથ સોંપવો જોઈએ. જ્યારે રાજા ફિલિપે આ વિષે સાંભળ્યું તો એણે આ પ્રસ્તાવ રોકી દીધો.અને સિકંદરને ચિલ્લાઈને કહ્યું કે તું કેમ પિક્સોડારસની દિકરી જોડે લગ્ન કરવાં માંગે છે ” એમણે સમજાવ્યું કે – તારાં માટે તો આનાથી વધારે સારી અને દેખાવડી દુલ્હન મળશે. આની પ્રતિક્રિયા રૂપે રાજા ફિલિપે સિકંદરના ચાર મિત્રો હર્પાલુસ, નારકુસ, ટોલમીઅને એરિજિયસને નિર્વાસિત કરી દીધા અને કોરિથિયંસ અને થિસ્સલુસ જજીરોમાં જકડી લેવા હુકમ કર્યો.
રાજા ફીલીપે મેસિડોનિયા, થ્રેસ, મોલોસ્સિય, થેસાલી અને સ્પારટા તથા પર્શિયન રાજ્યના અમુક ભાગો જીત્યાં હતાં એવું ઇતિહાસમાં નોંધાયેલું છે અને આ બધાં પ્રદેશોમાં અનેક નગરો વસાવ્યા હતાં જેની સાલવારી પણ આપવમાં આવી છે. બાકી હતાં પર્શિયન સ્મ્રાજ્યમાં આવતાં રાજ્યો અને પૂર્વીય દેશો અને રાજ્યો !
સિકંદરનો રાજ્યાભિષેક ————
ઇસવીસન પૂર્વે ૩૩૬માં ગરમીની ઋતુમાં એયરોમાં પોતાની દિકરી ક્લિયોપેટ્રાનાં લગ્નમાં ભાગ લેતાં ફિલિપને એનાં અંગરક્ષકોના ઉપરી અધિકારી પોસનીસ દ્વારા હત્યા કરી દેવામાં આવી.જયારે પોસનીસે ભાગવાનો પ્રયત્ન કર્યો તો સિકંદરના બે સાથીઓ પેર્દિકસ અને લેઓનાટસનો એમનો પીછો કરીને એમણે મારી નાંખ્યા. એ સમયે સિકંદરની ઉંમર માત્ર ૨૦ જ વરસની હતી. આટલી ઉમરે પણ સિકંદરને અમીરો અને સેના દ્વારા રાજા ઘોષિત કરી દેવામાં આવ્યો. ઇતિહાસમાં ક્યાંક એવું પણ લખાયું છે કે રાણી ઓલંપિયાએ પતિ રાજા ફીલીપની હત્યા કરી નાંખી હતી !
સિકંદરની મહત્વાકાંક્ષા અને એની ક્રુરતા ———-
રાજ સિંહાસન સંભાળતા જ સિકંદર પોતાનાં પ્રતિદ્વન્દ્વીઓને વીણી વીણીને ખતમ કરવાં લાગ્યો. એની એક પ્રકારની કુરતા જ કહેવાય. આનું કારણ એક એ પણ હતું કે સિકંદર ભવિષ્યમાં જે ખોટું કાર્ય કરવાનો હતો અને પોતાને જે વિશ્વ વિજેતા બનવાની અતિ ઘેલછા હતી તેમાં કોઈ બાધારૂપ ના બને અને એ વાતનો કોઈ સાક્ષી ન રહે એ માટે તે આવું પગલું ભરતો હતો.
આની શરૂઆત સિકંદરે પોતાનાં ચચેરા ભાઇઓથી જ કરી.પૂર્વ અમીનટસ ચોથાની પણ હત્યા કરાવી નાંખી. એણે લેંકેસ્ટીસ ક્ષેત્રના બે મેસેડોનિયન રાજકુમારોની પણ હત્યા કરાવી નાંખી. જો કે એણે ત્રીજા એલેક્ઝાંડર લેંકેસ્ટીસને છોડી દઈને જીવનદાન બક્ષ્યું હતું એમ કહેવાય છે. ઓલમ્પિયસે ક્લિયોપેટ્રા ઇરીડિયસ અને યુરોપાને જે ફિલિપની બેટી હતી એને જીવતાં સળગાવી દીધાં. આ રીતે એને પોતાના પિતા પરની દાઝ કાઢી. કોઈ એના રસ્તામાં આવું જ ન જોઈએ અને કોઈ ચૂં ક ચા ન કરવું જોઈએ એવું એ માનતો હતો. આમ જોવાં જઈએ તો એ દુનિયાનો પહેલો સરમુખત્યાર રાજા ગણાય જેણે પ્રજા પર પણ દમન કર્યું એ કરતા વધારે એણે પોતાનાં રાજઘરાનાને જ ખત્મ કર્યું. કહેવાય છે શું કે સિકંદર આ સાંભળીને ક્રોધિત થયો હતો પણ વાસ્તવિકતા એ છે કે એણે જ આ બધાં કુટુંબીઓને ખત્મ કર્યા હતાં. એનાં ભોપાળાં બહાર નાં પડે અને કોઈ એનામાં છીંડા ન શોધે માટે સિકંદર આવું કરતો હતો. આ વાતની રહી રહીને ઈતિહાસકારો અને વિદ્વાનોને પડી. સિકંદરે વિશ્વાસુ મદદગાર સેનાપતિ એટલાસને પણ મારી નંખાવ્યો હતો જે ક્લિયોપેટ્રાનાં કાકા અને એશિયા અભિયાનની સેનાનાં અગ્રીમ સેનાપતિ હતાં.
એશિયા અભિયાન એ સૈન્ય અભિયાન હતું જ નહીં એ એક સંધિ હતી જે ઈરાન અને મેસેડોનિયા વચ્ચે થઇ હતી જેમાં સિકંદરે ધાકધમકીથી બધો પ્રદેશ પોતાને નામે કરી દીધો હતો અ સંધી પર ઈરાનીઓના હસ્તાક્ષર લીધાં છે એવી વાતો સિકંદરે જ સમગ્ર વિશ્વમાં જાહેર કર્યું. પોતે જીત્યો હતો એ દર્શાવવા એને પોતે જીત્યો હતો એ પ્રસ્થાપિત કરવાં એને આ સંધિનો સહારો લીધો હતો. બાકી એ કીન એશિયા માઈનોર, ઈરાન,સીરિયા,ફિનીશિયા, જુદઆ, ગાઝા, બેકહેટ્રિયામાં જીત્યો નહોતો જ. બેબીલોન પણ એને આ આ જ રીતે પોતાનાં નામે કરી લીધું જેણે આજે આપને ઈરાન-ઈરાક કહીએ છીએ એ. સિકંદરના આ કરતુત પ્રજા સમક્ષ જાહેર ના થાય એ માટે જ એણે એટલાસને મારવી નાંખ્યો હતો !
સિકંદર ૧૯ -૨૦ વર્ષની વયે રાજગાદી પર આવ્યો ઇસવીસન પૂર્વે ૩૩૬માં એ રાજા ફીલીપની સાલવારી ઇસવીસન પૂર્વે ૩૮૨થી ઇસવીસન પૂર્વે ઓક્ટોબર ૩૩૬ સાથે મેળ જરૂર ખાય છે કારણકે સિકંદર એ ઈસવીસન પૂર્વે ૩૫૬માં જન્મ્યો હતો તે ઇસવીસન પૂર્વે ૩૩૬માં ૧૯ ૨૦ વરસનો તો હોય જ !
પણ આટલી નાની વયે આવીને ઈસવીસન પૂર્વે ૩૩૬માં ત્યાર પછી બે જ વર્ષમાં તેને ગ્રીસના નગર રાજ્યો પર પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. આ પ્રદેશો તો તેના પિતાએ જીતેલા જ હતાં તો એમાં સર્વોપરિતા ક્યાં આવી ? એથેન્સ અને થેબ્સ તો રાજા ફિલિપે જીત્યાં હતાં નહીં કે સિકંદરે ! એનાં પિતાજીએ સ્પાર્ટા સુધી અને પર્શિયન સામ્રાજ્યના અમુક ભાગો તો પહેલેથી જ જીતેલા હતાં. બાકીના આઠ વરસના ગાળામાં તેને એશિયા માઈનોર, સીરીય, ઈજીપ્ત અને ઈરાન જીતી લીધાં. આરે આ પ્રદેશો તો એણે બારોબાર ઈરાની – પારસી નબળા રાજા ડેરિયસ ત્રીજા પાસેથી પડાવી લીધાં હતાં, એ એણે જીત્યાં જ નથી ! એને બરોબર પોતાના નામે કરી લીધાં છે. ત્રણ ગ્રીકો -પર્શિયન યુધ્ધોનો જે ઉલ્લેખ થયો છે એમાં સિકંદરનું નામ ક્યાંય પણ આવતું નથી. ગ્રીકો એ યુદ્ધ જીત્યાં હતાં એ વાત ગ્રીકોએ જ ફેલાવેલી – હાંકે રાખેલી છે.
બાલ્કન કેમ્પેઈન ઈસ્વીસન પૂર્વે ૩૩૮માં રાજા ફીલીપના નેતૃત્વમાં થયું હતું. સિકંદરને એક કુશળ યોદ્ધો બતાવવા માટે એને રાજા ફિલિપ સાથે જોતરવામાં આવ્યો છે. એને ત્યાં વિદ્રોહ શમાવ્યા જેનું કોઈ સાક્ષ્ય પ્રમાણ મળતું જ નથી ! પોતાની જીત પ્રસ્થાપિત કરવાં માટે એણે ફરીથી બાલ્કન અભિયાન છેડયું હતું એમ કહેવાય છે.
સિકંદરને એમ હતું કે હું જીવતે જીવત તો વિશ્વ વિજેતા કહેવાવો જોઈએ એવાં ખયાલી પુલાવો રાંધ્યા કરતો હતો એ.
વળી જ જે લોકો સિકંદરને આ ખોટું છે એવું સમજાવવા ગયાં એ બધાંને જ સિકંદરે મોતને ઘાટ ઉતાર્યા હતાં. પોતે સારો યોદ્ધો છે એ દર્શાવવા જ એને વિદ્રોફની અફવા ફેલાવી હતી. આ વાત એને ઈરાની-પારસીઓની વાત પોતાને નામે કરી લીધી હતી. પ્રદેશો તો પચાવ્યા જ પચાવ્યા સાથે સાથે પારસીઓનો ઈતિહાસ પણ પોતાને નામે કરી લીધો. પારસીઓની ધર્મપરાયણતા અને ઉદારતાનો એને બહુ જ મોટો ગેરલાભ ઉઠાવ્યો હતો. નામ આપ્યું યુદ્ધનું કે એણે પારસી રાજા ડેરિયસ ત્રીજાને હરાવ્યો છે અને એના પ્રદેશો જીતી એ છેક ભારતની વાયવ્ય સરહદે પહોંચી ગયો હતો. આની વાત આપણે સિકંદરના ભારત પરના કથિત આક્રમણમાં કરવાની હોવાથી અહી મેં એનો માત્ર આછડતો ઉલ્લેખ જ કર્યો છે.
વાસ્તવમાં રાજા ફિલિપની હત્યાના સમાચાર દેશમાં અને વિદેશમાં વાયુવેગે પ્રસરી રહ્યાં હોવાથી ત્યાં બધે વિદ્રોહ શરુ થઇ ગયો હતો. આ વિદ્રોહની અફવા એ સિકંદરે જ ફેલાવી હતી જેથી એ વિદ્રોહનું દમન કરી વિશ્વવિજેતા બની શકે અને પોતે જ પોતાના પિતાના હત્યાના આરોપમાંથી બચી શકે. આમ એક કાંકરે બે પક્ષીઓ મારવા હતાં સિકંદરે એમાં એ સફળ પણ રહ્યો. બાલ્કન અભિયાન પણ આવી જ એક ઉપજાઉ વાર્તા છે. એશિયા માઇનોર જીતીને એને પૂર્વના દેશો જીતવાં હતાં જે એનું સ્વપ્નું હતું
આ વિશ્વ વિજેતા બનવાનું સપનું સિકંદરને એનાં ગુરુ એરિસ્ટોટલે દેખાડયું હતું, સિકંદર ૧૩ વર્ષના હતો ત્યારે તેમના શિક્ષકોમાં એરિસ્ટોટલ જેવા તત્વજ્ઞાનીનો પણ સમાવેશ થતો હતો. બ્રિટનની રીડિંગ યુનિવર્સિટીમાં ક્લાસિક્સનાં વ્યાખ્યાતા રેચલ માયર્સનું કહેવું છે કે સિકંદરને એ સમયે સર્વોત્તમ શિક્ષણ આપવામાં આવ્યું હતું.
રેચલ માયર્સ કહે છે કે “સિકંદરે અરસ્તૂ પાસેથી ગ્રીક સંસ્કૃતિ પર આધારિત શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેમને તત્ત્વજ્ઞાનના પાઠ ભણાવવામાં આવ્યા હતા અને ગ્રીસના બધા લોકોની માફક તેઓ પણ ઈલિયડ અને ઓડિસી જેવી કવિતાઓ લખનારા પ્રાચીન ગ્રીક કવિ હોમરની બાબતમાં સર્વજ્ઞાની હતા.”
“સિકંદર માટે હોમરની કવિતાઓ બહુ જ મહત્વની હતી. યુદ્ધ દરમિયાન સિકંદર એ કવિતાનો કેટલોક હિસ્સો પોતાના ઓશીકા નીચે રાખીને ઊંઘતા હતા.”
ઈલિયડ એક મહાકાવ્ય છે. તેમાં ટ્રોય શહેર અને ગ્રીસના લોકો વચ્ચેના યુદ્ધનાં અંતિમ વર્ષોની કહાણી કહેવામાં આવી છે. સિકંદર અને એ કથાના નાયક એક્લેસ વચ્ચે એક મજબૂત માનસિક સંબંધ બંધાઈ ગયો હતો.
એ ઉપરાંત સિકંદર ગ્રીસના દૈવી પાત્ર હરક્યૂલિસથી પણ બહુ પ્રભાવિત હતા. યુદ્ધ દરમિયાન સિકંદરના દિમાગમાં આ પાત્રો હતાં.
સિકંદરની ઉદારતા અને એની બુદ્ધિમત્તા અંગે બે દંતકથાઓ પણ પ્રચલિત છે. એમાંની એક છે એના પ્રખ્યાત ઘોડા બ્યુસેફેલસની એનો આપને અહીં ઉલ્લેખ નથી કરતાં કારણકે એ વાત અત્યંત ચવાઈ ગઈ છે. પણ બીજી વાતનો અહીં ઉલ્લેખ કરવો હું જરૂરી સમજુ છું.
“સિકંદર ગ્રીસના કોરિન્થ શહેરમાં વિખ્યાત તત્ત્વજ્ઞાની ડાયોજીનેસને મળવા ગયા હતા, જેથી તેમને તેમના કામ માટે શુભેચ્છા પાઠવી શકાય. સિકંદર ત્યાં પહોંચ્યા ત્યારે ડાયોજીનેસ બેઠા હતા.”
“સિકંદરે ડાયોજીનેસને પૂછ્યું કે હું તમારા માટે શું કરી શકું? જવાબમાં ડાયોજીનેસે કહ્યું કે મારી સામેથી હઠી જાઓ, કારણ કે તમારા લીધે સૂર્યનો પ્રકાશ મારા સુધી પહોંચતો નથી.” પછી સિકંદરે તેને સેનાપતિ અને સલાહકાર બનાવી દીધો. આ વાત પણ રિયલ માયર્સે જ કહી છે.
અંગ્રેજોને મન તો સિકંદર એક અતિમહાન વિશ્વવિજેતા હતો આ વાત કહેતાં -લખતાં-પ્રસ્થાપિત કરતાં તેઓ થાકતાં નથી અને એજ વાત આપણા મગજમાં ઠોકી બેસાડાય છે અને ભણાવાય છે જયારે હકીકત કંઈ ઓર જ છે.
સિકંદરે ક્યારેય કોઈની સાથે ઉદારતા નથી બતાવી. એ હંમેશા બધાંની સાથે ક્રુરતાપૂર્વક જ વર્ત્યો છે. એને પોતાનાં અનેક સહયોગીઓને પોતાની એક નાનકડી ભૂલ ખાતર તડપાવી – તડપાવીને મારી નંખાવ્યા હતાં. એક વાર માત્ર સાચી સલાહ સિકંદરને આપી અને સિકંદરને તે ગમ્યું નહીં એટલે એણે પોતાનાં ખાસ અંગત મિત્ર કલીટોસને મારી નાંખ્યો. પોતાનાં પિતાના પરમ મિત્ર પર્મીનિયનને પણ એને મરાવી નાંખ્યા. એણે પોતાના ગુરુ એરિસ્ટોટલનાં ભત્રીજા ક્લાસ્થનીજને પણ મારી નંખાવ્યો. આ ક્લાસ્થનીજ એ એશિયા પર સિકંદરની ચાંદીમાં મુખ્ય સેનાપતિ હતો.
ઇતિહાસકાર એર્રીયર નોંધે છે કે —- જયારે બેકટ્રિયાના રાજા બસૂસને બંદી બનાવીને લઇ જવામાં આવતો હતો ત્યારે એને કોડેને કોડે મારવામાં આવ્યો અને એનાં નાક -કાન કાપીને ત્યારબાદ એની હત્યા કરી નાંખવામાં આવી. સિકંદરે આવું તો દરેકની સાથે કર્યું હતું એની પોલ ખુલી ન જાય અને કોઈ પોતાના કરતાં આગળ નીકળી ન જાય માટે સિકંદર આવાં ક્રૂર અત્યાચારો કરતો હતો.
સિકંદર એ ગ્રીક હતો અને એ પોતાને ગ્રીક દેવતા ગણાવતો હતો કારણકે સિકંદરની આસ્થા કોઈ દેવતામાં હતી જ નહીં એને બસ એક જ ઈચ્છા હતી કે લોકો પોતાને જ ગ્રીક દેવતા માને. એ પોતાના ધર્મને સિકંદરનો ધર્મ કહેવડાવતો હતો અને લોકોને તે માનવા મજબૂર પણ કરતો હતો.
આગળ સિકંદરનાં જે ચાર મિત્રોની વાત કરી છે એ જ એની સાથે ભારત પરના કથિત આક્રમણ વખતે પણ હતાં. સિકંદર ૨૦ ઈતિહાસકારો તો નહોતો જ લાવ્યો પણ જે લાવ્યો હતો એ એનાં જ ગુણગાન ગાય અને હારને જીતમાં બદલે એવું ઈચ્છતો હતો. એનું પરિણામ એટલે જ તો જુઠમૂઠનો ઈતિહાસ ! જે કામ પછીથી યુરોપીય ઈતિહાસકારો અને વિદ્વાનોએ કર્યું ! અંગ્રેજોએ જ ભારતનું નીચૂં પાડવા એને મહાન ચીતર્યો છે બાકી એ કંઈ મહાન-બહાન નહોતો !
હજી સિકંદરને ધોવાનો બાકી જ છે એ ભારત પરનાં કથિત આક્રમણ વખતે વાત, આ ભાગ એ એની ખાલી પૂર્વભૂમિકા રૂપ જ છે !
ભાગ -૧ સમાપ્ત
ભાગ – ૨ હવે પછીના લેખમાં !
***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****
——— જનમેજય અધ્વર્યુ.
અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- હર્યક વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔
- શિશુનાગ વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔
- નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – ૧
- નંદવંશ- ⚔ ભારતના રાજવંશો ⚔ ભાગ – ૨
- આર્યો નો પ્રાચીન ઈતિહાસ ⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔
- ⚔ ભારત પર થયેલું પહેલું આક્રમણ ⚔ ઈરાની આક્રમણ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..