🐎 હાદા ખુમાણ નો બાવળો 🐎

ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ,
ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ.

એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા ખુમાણે પોતાના જોધરમલ બેટડા ગેલા ખુમાણ, જોગીદાસ ખુમાણ ને ભાણ ખુમાણ સાથે બહારવટુ આદર્યું છે અને ગોહિલવાડ ની ધરતી ધમરોળી નાખી છે.

એક વાર ઉમરાળા ના રાજ્ય ની તિજોરી ભાવનગર જાય, હાદા ખુમાણે તિજોરી ના રખેવાળો ને મારી ને તિજોરી લૂંટી. બહારવટિયા વાંહે ભાવનગર ની વાર ચડી. બહારવટિયા અને વાર ને ૫-૭ ગાઉનું અંતર પડી ગયેલું. બહારવટિયાએ ગીર તરફ ઘોડા વહેતા કર્યા. બપોર ના ૧૨ થયા છે. ખરેખરો તડકો જામ્યો છે ત્યારે બહારવટિયા ક્રાંક્રચ પાસે શેત્રુંજીમાં ઉતર્યા, ઘોડા થાક અને તરસ થી રઘવાયા થઇ ગયેલા. હાદા ખુમાણ ની ઘોડીએ આંધળી થઇ પાણી પીવા દોટ મૂકી, હાદા ખુમાણે ઘોડી પાણી ન પીએ એ માટે લગામ ખુબ ખેંચી પણ ઘોડી તરસે વ્યાકુળ થઇ ગયેલી. એ તો પરાણે પાણી પીવા માંડી, વધારે પાણી પીતા ઘોડી ફાટી પડી. હાદા ખુમાણ ઉભા રહ્યા. પોતાના પ્રાણ થી પ્યારી ઘોડી ને તરફડતા અને ઘડીક માં ઘોડી નું પ્રાણ પંખેરું ઉડતા જોઈ ઘોડી માથે પોતાની પછેડી ઓઢાડી પોકે પોકે રોવા લાગ્યા.

“બાપુ ઘોડી પાછળ આમ રોવાય?” જોગીદાસ ખુમાણે આશ્વાસન આપતા કહ્યું.
“બાપ જોગીદાસ, આ ઘોડી માથે મેં કેટલા ધીંગાણા ખેલ્યા છે, એનો ક્યાં વાંક હતો. એની આપણે જરાય સંભાળ ના રાખી, એની ભૂખ સામેય ના જોયું, એની તરસ સામેય ના જોય. હાદા ખુમાણે આંસુ લૂછતાં કહ્યું.

“બાપુ, બહારવટિયા ના ઘોડા ની આવી જ હાલત રહેવાની” જોગીદાસે કહ્યું.
“ઇ તો હું ય જાણું છું. પણ આજ આ ઘોડી જાતા મને કેટલું વસમું લાગ્યું છે એ તને કેમ સમજાવું! કાઠીયાણીએ ગામતરું કર્યું તે દી પણ મને આટલું વસમું લાગ્યું ન હતું. “હાદા ખુમાણે ગળગળા થઇ કહ્યું.
“લ્યો બાપુ, મોઢું ધોઈ લ્યો. અહીં ઘોડીનો ખરખરો કરશુ ત્યાં વાર આવી પહોંચશે” ભાણ ખુમાણે હાદા ખુમાણ ને વાર ની યાદ આવતા કહ્યું.

પાછળ વાર આવે છે એની યાદ આવતા હાદા ખુમાણે મોઢું ધોઈ પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી, ઘોડી તરફ થી બીજે નજર ફેરવતા શેત્રુંજીને કાંઠે ચરતા ૫૦૦ બકરા વચ્ચે એક ઊંટ જેટલો ગજાળો ઘોડો જોયો.

“ભાઈ જોગીદાસ! ઓલ્યો ઘોડો સારો લાગે છે” હાદા ખુમાણે કહ્યું.

“બાપુ! આટલા ઘોડા અહીં છે, છતાંય ઘોડો ખાંભાની જેમ ઉભો છે એટલે ટાઢો લાગે છે” જોગીદાએ કહ્યું.

“ના ભાઈ ના! ઘોડાનો રંગ એની પૂંછડી, એની પશમ વગેરે બતાવે છે કે ઘોડા માં ઘણું પાણી છે, હાલો એને જોઈએ”

“એલા આયડુ(ગોકળા) આ ઘોડો ઝોલે કાં ગયો? હાદા ખુમાણે ગોવાળ ને પૂછયું.

“બાપુ! એને દૂધ મીણો ચડ્યો છે, નાનો હતો ત્યારથી આ બકરા ભેગો રહે છે. જેટલી દૂઝણી બકરી હોય એને ધાવે છે, બકરી ધાવા નો દે તો પાડીને ધાવે છે” ગોવાળે જવાબ આપતા કહ્યું.

“તયે તો એની નળિયું સાજી. ચડાવ કર્યો છે?” હાદા ખુમાણે કહ્યું.

“ના બાપુ! ક્યારેક ચોકડું ચડાવીએ છીએ.” ગોવાળે કહ્યું.

“તયે તો કામ થયું, સૂરજદાદા એ સામેથી જ ઘોડો મોકલ્યો. એલા જાવ, આપણી ઘોડી નો સામાન લઇ આવો.” પોતાની સાથેના બહારવટિયા ને ઘોડી નો સામાન લઇ આવવા કહ્યું.

“એલા ગોકળા! ઘોડો કોનો છે?” હાદા ખુમાણે પૂછ્યું.

“બાપુ! મેરામ ખુમાણ નો”

“તયે તો આપણો જ ગોકળી! મેરામ ભાઈને કહેજે કે હાદા ખુમાણની ઘોડી મરી જતા આ બાવળો લઇ ગયા છે, મેરામ ભાઈ કહેશે આ કિંમત મોકલી દેશું”

“પણ બાપુ! મને મેરામ ભાઈ ખીજાશે તો?”
ગોકળીએ મુંઝાતા મુંઝાતા પૂછ્યું.

“આ લે ૫૦ રૂપિયા, મારૂં નામ દેજે છતાં મેરામભાઈ કેહેશે તો ઘોડો પાછો મોકલી દેશું”

આમ વાત કરતા હતા ત્યાં માણસ ઘોડીનો સામાન અને લગામ લઇ આવ્યો, બાવળા માથે સામાન માડી લગામ ચડાવી તો ય ઘોડા એ આંખ ન ખોલી.

ખગાક જબ કરતા હાદા ખુમાણ બાવળા માથે ચડ્યા અને એડી મારી એટલે બાવળો ઊંઘમાં ને ઊંઘ માં ઉપડ્યો.

“બાપુ! આ બાવળો હજી આંખ ઉઘડતો નથી, ધ્યાન રાખજો” જોગીદાસે હાદા ખુમાણને કહ્યું.

“બાવળો આંખ ઉઘાડે નહિ એ તો ઊંઘ મા ને ઊંઘ માં ૧૦ ગાઉ જાય એવો છે” એમ કહી ને જોરથી એડી મારતા બાવળા એ આંખ ઉઘાડી.
પોતાની માથે કઈંક બેઠું છે એનું બાવળા ને ભાન થયું ને દોડતા દોડતા આંખ મીંચી ને દોડવા લાગ્યો, થોડી વાર માં સેંજળ અને મેવાસા ના ડુંગર આવ્યા, ડુંગર માં બહારવટિયા અલોપ થઇ ગયા.

હાદા ખુમાણે દોઢ-બે મહિનામાં તો બાવળા ને ફેરવી ફેરવી ને સારી તાલીમ આપી દીધી પણ તેની આંખ મીંચીને ચાલવાની ટેવ ન ગઈ ત્યાર થી જે માણસ ઊંધું ઘાલી ને હાલે એને લોકો કહેતા “કા ભાઈ હાદા ખુમાણ ના બાવળા ની જેમ આંખો મીંચીને ચાલે છે”

બહારવટામાં બાવળો બહુ સારો નીવડ્યો. હાદા ખુમાણ બાવળાના પાણી ઉપર વારી જાય છે. રાજુલાથી ઠેઠ ઘોઘા સુધી ભાવનગર ના ગામડા રોજ ભાંગે છે, હાદા ખુમાણ નું નામ સાંભળતા ગામડા ધ્રૂજે છે.

એક વાર ખાપરા ના ડુંગર માં હાદો ખુમાણ પોતાના ૫૦ સાથીદારો સાથે પડ્યો છે. જોગીદાસ ખુમાણ સૂરજ સામે માળા ફેરવતા સૂરજ ના જાપ જપે છે, જાપ પુરા કરી હાદા ખુમાણ પાસે આવ્યા. હાદા ખુમાણે કહ્યું “બાપુ! આમ ગામડા ભાંગવા થી લોકો ત્રાસે છે એમાં ભાવનગર રાજ નું રૂવાડું ય ફરકતું નથી અને આપણે પાપના પોટલાં બાંધીએ છીએ.

“ગરાસ ના મૂળ માં જ પાપ ના પોટલાં છે પાપ ના પોટલાં નો વિચાર કરીએ તો ગરાસ ઘરે ન આવે” હાદા ખુમાણે કહ્યું.

“પણ બાપુ! આપણે આટલા ગામ ભાંગ્યા તોય મહારાજ વજેસંગ ના દિલ મા જરાય થ’કો લાગ્યો હોય એવું લાગતું નથી, હવે તો મને ગામ ભાંગતા ત્રાસ થાય છે” જોગીદાસે કહ્યું.

રૈયત ના ત્રાસ ની રાજને પડી હોતી નથી, રાજ ની તિજોરી લૂંટાય, રાજ ની પોલીસ ને ધબેડીએ તોજ રાજ ની આંખ ઉઘડે” હાદા ખુમાણે કહ્યું.

“મહારાજ વજેસંગ ની આંખ ઉઘાડવા હવે કાંઈક કરવું જોઈએ, નકર મહારાજ કાંઈ ગરાસ પાછો આપશે નહિ, નાવલી માં નાવા નું તો એક કોર રહ્યું, નાવલી ના કાંઠે મરીયે તો સારું.” ભાણ ખુમાણે કહ્યું. કુંડલા અને નાવલી ની વાત આવતા હાદા ખુમાણ ના ચેહરા નો રંગ બદલાઈ ગયો. પોતાના કલેજા ના ટુકડા જેવા કુંડલાને મહારાજે વગર વાંકે આંચકી લીધું છે.

વાત યાદ આવતા તેમના ડીલ માં વેર, વેર એમ પોકાર ઉઠ્યો. વેર ની આગ સળગી ઉઠી.

“મહારાજ વજેસંગ આજ ક્યાં છે?” જોગીદાસને હાદા ખુમાણે પૂછ્યું.
“બાપુ! આજે મહારાજ શિહોર છે એવા વાવડ મળ્યા છે.” જોગીદાસે જવાબ આપ્યો.

હાદા ખુમાણ ની દાઢી અને મૂછ ફરક ફરક થવા લાગ્યા. ક્રોધમાં સમ સમ કરતા રૂંવાડા ઠરડાઇ ને બેઠા થઇ ગયા. ક્રોધે આંખમાં લોહીની ટશરો ફૂટી. આંખ્યું ધગેલ ત્રાંબા જેવી લાલઘૂમ થઇ ગઈ.

હાદા ખુમાણે બહારવટિયા ને ઘોડા તૈયાર કરવા કહ્યું. બાવળા માથે સામાન મંડાઈ ગયો હાદા ખુમાણે બાવળા માથે સવાર થઇ શિહોર તરફ ઘોડો વહેતો કર્યો. પાછળ જોગીદાસ અને ભાણ ખુમાણે ઘોડા સપેટાવ્યા. જોતજોતામાં શિહોર આવ્યું.

“બાપુ! આ શિહોર છે.” સાથીદારે કહ્યું.

“કેમ બા! શિહોર ભાળી પગ પાછા પડવા માંડયા?” હાદા ખુમાણે મહર કર્યો.

“આ પગ પાછા પડવાની વાત નથી, મહારાજા વજેસંગ આજ શિહોર માં છે.” સાથીદારે જવાબ આપ્યો.

“મને ખબર છે, તેથી જ મહારાજા શિહોર માં હોય અને શિહોર ભાંગીએ તો જ કોઠાને ટાઢક થાય.” હાદા ખુમાણે કહ્યું.

સાથીદારો આજ હાદા ખુમાણ ને ઉતાવળિયું પગલું ન ભરવા સમજાવે તે પહેલા હાદા ખુમાણે બાવળા ને એડી મારી ફેટાવ્યો. પાછળ જોગીદાસ અને ભાણ ખુમાણ પણ જોડાયા.

“બહારવટિયા આવ્યા, બહારવટિયા આવ્યા, એમ શિહોર માં બૂમ પડી. દરવાણી દરવાજો બંધ કરે એ પહેલા દરવાણી અને ચોકીદાર ને ભાલે પરોવી દીધા. દરવાજા નો કબજો ૧૦ જણા એ લઇ લીધો અને બહારવટિયાઓએ શિહોર ની બજાર માં લૂંટ ચલાવી.

ભયંકર વાવાઝોડું પળવાર માં ત્રાહિમામ પોકરાવે એમ શિહોર ને ત્રાહિમામ પોકરાવી, શિહોર માં લૂંટ ચલાવી વંટોળિયાની જેમ હાદો ખુમાણ પાછો ફર્યો.

મહારાજ વજેસંગ હજી પોઢ્યા હતા ત્યાં મહાજને પોક મૂકી: “મહારાજ! ગજબ કર્યો. આપની હાજરી માં હાદા ખુમાણે શિહોર ભાંગ્યું.”

“હેં!” કહેતા મહારાજે પોતાની સમશેર સંભાળી ફોજ સાબદી કરવાનો હુકમ કર્યો. હુકમ થતા અમલ થયો.

રણીબંબ ટટા ટટૌ ટં, રણીબંબ ટટા ટટૌ ટં અને ઘોડા ઘોડા થાતા ફોજ તૈયાર થઇ. પલવાર માં ૩૦૦ માણસો ની ફોજ લઇ મહારાજ વજેસંગે હાથી માથે સવારી કરી. વાર હાદા ખુમાણ ની વાંહે ઘૂઘવતા પૂરની જેમ વહેતી થઇ. “જો જો હો! આજ ખુમાણ જાવો ન જોઈએ!” મહારાજે હુકમ કર્યો. વારે ઘોડા મારી મૂક્યા. ભાગતા બહારવટિયાએ બાગડદા બાગડદા બાગડદા બાગડદા ડાબલા ની બહબહાટી અને બઘડાટી સાંભળી.
જોગીદાસ ખુમાણે પાછુ વળીને જોયું. મહારાજ વજેસંગને હાથી માથે બેઠેલા જોયા. વાર ચડીચોટ બહારવટિયા ની વાંહે માર માર કરતી ઘૂઘવતા પૂરની જેમ દોડી આવે છે.

“બાપુ! ભાગો, આજ મહારાજ વજેસંગ આપણી વાંહે ચડ્યા છે. કાળે કટકેય મૂકે નહી.” જોગીદાસે હાદા ખુમાણ ને ચેતવતા કહ્યું.

“સૂરજ લાજ રાખશે.” હાદા ખુમાણે અથર્યા વગર ટાઢા કોઠે જવાબ આપ્યો.

“બાપુ! વાર માં જાજા માણસો છે આપણે થોડા.” ભાણ ખુમાણે અથર્યા.

“હોય, સૂરજ લાજ રાખશે.” હાદા ખુમાણે ફરી એ જ જવાબ આપ્યો.

“બાપુ! આજ નો રંગ જુદો છે, પછી જેવી તમારી ઈચ્છા.” જોગીદાસ ખુમાણે કહ્યું.

“તારે મહારાજ વજેસંગ ની ઊંઘ હરામ કરવી હતી ને!” હાદા ખુમાણે દાઢ માં થી કહેતા બાવળા ને એડી મારી, જોર થી એડી મારતા બાવળાએ આંખ ઉઘાડી.

વાંહે ડાબલા ની બઘડાટી સાંભળી ભાથા માંથી તીર છૂટે એમ છૂટ્યો. વાંહે જોગીદાસ અને ભાણ ખુમાણ તથા ૫૦ સવાર. પાછળ મહારાજ વજેસંગ ની વાર, આમ પાંચેક ગાઉ ગયા, પણ બહારવટિયા વાર ને કેમેય આવવા દેતા નથી. બહારવટિયા ભેગા એક રૂખડ અરડુ નામ ના ગઢવી પણ હતા, એની ઘોડી આમ તો પાણીદાર પણ વછેરી ઘોડી, એણે આવી રમત જોઈ નહતી, એ ધીરી પડવા માંડી, અને બહારવટિયા ની પાછળ રહેવા લાગી. રૂખડ અરડુ ને થયુ આજ મારી ઘોડી બહારવટિયા સાથે પૂરું નહિ કરે અને આપણે તળ મા રોકાઈ જાશું.
એણે પોતાની ઘોડીના ત્રીગ માં ભાલા ની અણી ગુસ્સા માં દબાવી અને ઘોડી હાદા ખુમાણ પાસે પહોંચી ગઈ. ઘોડી હાદા ખુમાણ પાસે પહોંચતા મેણો મારતો એક દુહો લલકાર્યો.

“સો વાર શિહોર તણી, લીધી લોમે લાજ;
પારોઠ ના પગ આજ, (કા) હાથી ભરે હાદીઓ!”

(હે હાદા ખુમાણ! લોમા ખુમાણે ૧૦૦ વાર શિહોર ના રાજા ની લાજ લીધી વહહે. આજ તું મરદ જેવો મરદ થઇને અને હાથી જેવો હોવા છતા કા પારોઠ ના પગલાં ભર?)
“ભણે આપા રૂખડ! હવે ઝાઝા વેણ ભણતો નહીં. હું સામું મેદાન આવે એની વાટ જોતો હતો” એમ કહી હાદા ખુમાણે બાવળાને મેદાન તરફ ખરાડ્યો. મેદાન માં ઘોડાને કુંડાળે નાખ્યો, વાંહે બહારવટિયા ના ઘોડા પણ કુંડાળે પડ્યા. એક કુંડાળું લીધું, બીજા કુંડાળા માં બહારવટિયાઓએ અર્ધ ચંદ્રાકાર વ્યૂહ રચ્યો, અને વાર ની સામે ઉભા રહ્યા. હાદા ખુમાણ ની એક બાજુ જોગીદાસ ખુમાણ અને બીજી બાજુ ભાણ ખુમાણ ગોઠવાઈ ગયા. હાદા ખુમાણે ભાલા ને સીધો વાર સામે કરીને બગલ માં દબાવ્યો, પોતાની તલવાર ને ગાળાચંડી કરી જમણા હાથ માં લીધી. બધા બહારવટિયાઓએ હાદા ખુમાણ નું અનુકરણ કર્યું અને સૂરજ સામે જોઈ પ્રાર્થના કરી કે “હે, સૂરજ! હે દાદા! આજ તારા પોતરાની લાજ રાખજે.”

મહારાજ ની ફોજ બહારવટિયા સાથે ભેટો કરવાની ઉતાવળ માં અવ્યવસ્થિત થઈને વાર ના સવારો દાણો દાણો થઈને છૂટા પડી ગયેલા. ફોજ બહારવટિયા નો વ્યૂહ સમજે અને વ્યવસ્થિત થાય એ પહેલા પોતાના સાથીદારોને વ્યવસ્થિત કરીને દરેક બહારવટીયે જૂદા જૂદા સવારોને લક્ષ માં લીધા.
“શાબાશ બાવળા!” કહીને હાદા ખુમાણે બાવળાને એડી મારી, એડી પડતા બાવળો જાગી ગયો, તોપ ના ગોળા ની જેમ બાવળો છૂટ્યો. હાદા ખુમાણે ફોજના સરદારને ભાલે પરોવી દીધો, બીજા હાથે એની બાજુ ના સવાર ને ધૂળ ચાટતો કર્યો. દરેક બહારવટીએ પલવાર માં ૨-૩ સવારો ને લહાણ માં લઇ લીધા, પલવાર માં ઝાકઝીક કરતી, બટાઝટી બોલી ગઈ અને મહારાજ ની ફોજ નો બહરવટિયાઓએ મોથ વાળી દીધો.

માર માર કરતા હાથી ઉપર બેસીને આવતા મહારાજા વજેસંગ આગળ પોતાનો બાવળો લાવી, હાદા ખુમાણે મહારાજા ને કહ્યું ” એ વજા મહારાજ! આજ આ બુઢિયાનો ખેલ જોવો હોય તો હાથીને એક બાજુ ઉભો રાખી જોઈ લ્યો!”

પોતાની હાજરી માં શિહોર ભાંગેલું અને પોતાની નજર સામે પોતાની સેનાનો સોથ વળતો જોઈને મહારાજાને રોમરોમ અગનઝાળ લાગી ગયેલી.

“હવે જોયા જોયા!” કહીને મહારાજાએ રિસમાં સોઈ ઝટકી ને હાદા ખુમાણને હણવા સાંગ ઝીંકી. સાવધ હાદા ખુમાણે ભાલા ની બૂડી થી બાવળાના આગલા પગે ઈશારો કરતા બાવળો ગોઠણભેર થઇ ગયો. મહારાજ નું નિશાન ખાલી ગયું. સાંગ જમીન માં ખૂંપી ગઈ.

“તયેં તમારે ય રંગ જોવા લાગે છે, જોઈ લ્યો!” કહી બાવળાની કનોટી પાસે પડેલી શંખવાઘ ને ખેંચતા બાવળો કુદ્યો. ડાબા હાથી ના કુંભસ્થળે પહોંચ્યા. હાદા ખુમાણે હાથીના મહાવતને ભાલે પરોવી હેઠો પછાડ્યો. હાથી ના પડખામાં ભાલા નો ગોદો માર્યો.

હાથી મહારાજા સોંતો ભાગ્યો. મહારાજાએ હાથીને વાળવા ઘણી મહેનત કરી પણ હાથી હાદા ખુમાણ ના ભાલાનો સ્વાદ ચાખી ગયેલો, એટલે કેમેય પાછો ફર્યો નહીં. મહારાજના હાથી પાછળ ફોજ પણ ભાગી.

આગળ લાદોડા વેરતો હાથી, પાછળ ભૂંડી લાગતી વાર. હાદા ખુમાણે ભાગતા મહારાજને સંભળાવ્યું કે: “મહારાજ! આ હાદાનો હાથ વાયડો છે. એની વાંહે ચડવાની ભૂલ કરતા નહીં, નહીંતર ઈ ફરીને સખણો નહીં રહે.”

રૂખડ અરડુએ મહારાજા ના ભાગતા હાથીને ભાળ્યો. ભાગીને ભૂંડી લાગતી વારને ભાળી, વાંહે ડાલા મથ્થા સાવઝ ની જેમ ડણકતા હાદા ખુમાણ ને જોયો. હાદા ખુમાણને પાછો વાળવા પહેલા મેણું મારતો દુહો કહેલો, તેમાં હાથી જેવી ઉપમા આપેલી તે બદલી ને દુહો લલકાર્યો:

કુંડળ ગઢના કેસરી, તું ડણકે જ્યાં ડાઢાળ;
(ત્યાં) છાંડે ગાઢ સોંઢાળ, હું સૂણીને હાદલા.

(“હેં કુંડલા ના હાદા ખુમાણ! તું ડાઢાળા કેસરીની જેમ આજે ડણક નાખે છે, ત્યારે સૂંઢવાળા હાથી જેવા સરદારો પણ ગાઢ છોડીને તારી હૂક સાંભળતા ભાગવા લાગે છે.” )

લેખક: સુરગ ભાઈ વરુ (નાગેશ્રી)
સંપાદકઃ જયમલ પરમાર(ભલ ઘોડા વલ વંકડા)
#કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

ચિત્રાકંનઃ પ્રભાતસિંહ બારહટ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!