ஜ۩۞۩ஜ મહારાજા મિહિર ભોજ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૮૩૫ – ઇસવીસન ૮૮૫)
———- ભાગ – ૪ ———-
અત્યારે ઈતિહાસ એ કઈ જાતિ-ધર્મના રાજવંશો હતાં એના પર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતનો ભવ્ય ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રાચીનકાળથી તે છેક અત્યારના સમય સુધી ક્ષત્રિયો અને રાજપૂતોએ જ વધારે રાજ કર્યું છે એમાં કોઈ શક નથી. ભારતવર્ષમાં કેટલાંક પ્રતાપી બ્રાહ્મણવંશો થઇ ગયાં હતાં જરૂર. પણ સૌથી વધારે ક્ષત્રિયો અને રાજપૂતોએ જ રાજ કર્યું છે. આમેય લડવાની તાકાત તો એમની જ. ગૌતમીપુત્ર સતકર્ણિના જણાવ્યા મુજબ ભારત પર રાજ તો ક્ષત્રિયો જ કરી શકે ! આ વાત મનમાં ઠસાવીને રાખો તો સારું છે નહીતો વારતહેવારે મૂળ અને કૂળનાં ઝગડા તો થતાં જ રહેવાના જ છે ! એ ઝગડાઓ અંતહીન છે. આમેય ગુજરાતમાં ૧૮મી સદીમાં બિનરાજપૂત વંશો સ્થપાયાં હતાં એ પહેલાં નહીં. આરબો-મુસ્લિમ શાસકોની આમાંથી બાદબાકી જ કરવી રહી ! હા …. ગુર્જર પ્રતિહાર વંશનો એક ફાંટો બ્રાહ્મણ પત્નીમાંથી જરૂર ઉત્પન્ન થયો હતો પણ જયારે ગુજરાત પર વંશનો કબજો થયો ત્યારે એ બન્ને ફાંટાઓ એક થઇ ગયાં હતાં બ્રાહ્મણ પત્નીથી જન્મેલો માણસ એ ક્ષત્રિય ના હોઈ શકે એવું કયા શાસ્ત્રમાં કહ્યું છે કે કયા ગ્રંથમાં લખ્યું છે ? આ વાત ખાલી “ગુર્જર પ્રતિહાર વંશ” પુરતી જ માર્યાદિત છે સમગ્રતયા નહીં જ !
આગળ આપણે નાગભટ અને વત્સરાજનાં પરાક્રમો જોયાં હવે આગળ વધીએ તો જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી જ સ્તો ! પણ આગળ વધતાં પહેલાં થોડો ક્રમમાં ફેરફાર કરી લઈએ. ઇતિહાસમાં નાગભટ્ટ બીજાં પછી રાજા રામભદ્ર થયો હતો પણ આપણે એનાં વિષે પછીથી જોઈશું . આ આખો લેખ એ “ગુર્જર પ્રતિહાર વંશ”નાં સૌથી શક્તિશાળી અને મહાપ્રતાપી રાજા – મહારાજા મિહિર ભોજને સમર્પિત છે. ઇતિહાસમાં ઘણી ચર્ચાઓ થઇ કે રાજા મિહિર ભોજ એ ક્ષત્રિય છે કે બ્રાહ્મણ ! પણ આ રાજાનો શાસનકાળ, એમની અપ્રતિમ શક્તિ , એમની આવડત અને એમનું જ્ઞાન જ એટલું બધું સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે કે આમનાં વિષે અલગ લેખ કરવો જ ઘટે. આમના વિષે ઘણું બધું ઘણે બધે ઠેકાણે લખાઈ જ ચુક્યું છે તો પણ હું એમને અગ્રીમ સ્થાન આપું છું કૈંક તો નવું જાણવા મળશે જ તમને એમનાંમાંથી . ખરેખર આ રાજા તો અત્યારની યુવાપેઢી માટે પ્રેરણાસ્રોત છે. જો આપણે એમની પાસેથી પ્રેરણા નહીં લઈએ તો લ્યાનત છે આપણા આ મનુષ્યાવતાર પર ! આમેય આ રાજને ઇતિહાસે જોઈએ તેટલું મહત્વ આપ્યું જ નથી . મારો આ પ્રયાસ માત્ર છે કે હું એમને મહત્વ આપું એથી વિશેષ બીજું કઈ નહિ !
મહારાજ મિહિર ભોજ ——-
રાજા રામભદ્રનાં તેઓ પુત્ર હતાં અને રાજા નાગભટ્ટ બીજાના પૌત્ર. તેમનો જન્મ કઈ સાલમાં થયો હતો તેની તો ખબર નથી પણ કેટલાંકનું એવું પ્રતિપાદિત કરવું છે કે એમનો જન્મ ૧૮ ઓક્ટોબરે થયો હતો. પરંતુ તેમણે ઇસવીસન ૮૩૫થી ઇસવીસન ૮૮૫ સુધી સુદ્રઢ શાસન કર્યું હતું “ગુર્જર પ્રતિહાર વંશ”ના શાસક તરીકે. તેઓ ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહાન અને સૌથી મહત્વપૂર્ણ શાસક મનાય છે. તેઓ રાજા રામભદ્ર અને એમની પત્ની અપ્પાદેવીનાં પુત્ર હતાં. પ્રાપ્ત અભિલેખોમાંથી એમનાં બીજાં બે નામ (ઉપાધિઓ) પ્રભાસ અને આદિવરાહ મળે છે. જો કે કેટલાંક એમનનો શાસનકાળ ઇસવીસન ૮૩૬થી ઇસવીસન ૮૮૫નો ગણે છે. રાજા મિહિર ભોજ વિશેષરૂપે ભગવાન વિષ્ણુનાં વરાહ અવતારનાં ઉપાસક હતાં. એમનું મૂળ નામ મિહિર હતું અને ભોજ એ તો એમનું કુલનામ અથવા ઉપનામ હતું તેઓ પરમ વરાહભક્ત હોવાથી અત: એમને પોતાનાં સિક્કાઓ પર આદિ-વરાહને ઉત્કીર્ણ કરાવ્યા હતાં.
રાજા મિહિર ભોજ વિષે પ્રારંભિક જીવનનાં કોઈ પણ લિખિત દસ્તાવેજ ઉપલબ્ધ નથી આ જ કારણ છે કે આપણને એમની પ્રારંભિક જાણકારી પ્રાપ્ત નથી થતી. સમ્રાટ મિહિર ભોજ પ્રતિહાર અથવા પરિહાર વંશના ક્ષત્રિય હતાં. ક્ષત્રિય વંશની આ શાખામાં મૂળ પુરુષ ભગવાન રામના ભાઈ લક્ષ્મણ મનાય છે. લક્ષ્મણનું ઉપનામ પ્રતિહાર હોવાના કારણે એમનો વંશ પ્રતિહાર કાલાંતરમાં પરિહાર કહેવાયા. કેટલીક જગ્યાએ એમને અગ્નિવંશી પણ કહેવામાં આવ્યાં છે પણ એ મૂલત: સૂર્યવંશી જ છે.
રાજા મિહિર ભોજની રાજકીય કારકિર્દી ———–
રાજા રામભદ્ર પછી તેમનો પુત્ર પ્રખ્યાત મિહિર ભોજ ગાદીએ બેઠાં. જેમનાં અનેક અભિલેખો પ્રાપ્ત થયા છે. પ્રખ્યાત ગ્વાલિયર પ્રશસ્તિ આ રાજા ભોજની જ છે. ઘટિયાલાના કક્કુકના લેખમાં જણાવેલા કક્કુકના પરાક્રમો આ સમ્રાટ ભોજદેવના સામંત તરીકે થયેલા નોંધવામાં આવ્યાં છે.
તેમણે પાલ રાજા દેવાપાલ અને રાષ્ટ્રકૂટ રાજા અમોધવર્ષ પહેલાની પ્રતિસ્પર્ધાનો સફળ સામનો કર્યો. એ આર્યાવર્તના યશસ્વી રાજાધિરાજ બન્યાં !
રાજા મિહિર ભોજના ગુજરાત પરના આક્રમણ વિશેનો એક આનુશ્રુતિક વૃત્તાંત સ્કંદપુરાણમાં મળે છે. સ્કંદપુરાણના પ્રભાસખંડના વસ્ત્રાપથક્ષેત્ર મહાત્મ્યમાં એક એવી આખ્યાયિકા આપી છે કે કાન્યકુબ્જના રાજા ભોજે રૈવતફવનમાં મૃગોના જૂથમાં એક મૃગમુખી નારી ફરતી હોવાના સમાચાર જાણતાં પોતે દશ હજાર અશ્વો અને પત્તિઓ (પગપાળા સૈનિકો) લઇ, અશ્વ પર આરૂઢ થઇ ત્યાં ગયો ને પર્વતને વાગુરા (જાળ)વડે ઘેરી તે નારીને પકડી કાન્યકુબ્જ લઇ આવ્યો ને તેના વિલક્ષણ સ્વરૂપનું રહસ્ય જાણી તેના દોષનું નિવારણ કરાવી તેને માનવ મુખી કરી તેની સાથે પરણ્યો ને તેને પોતાની પટરાણી બનાવી.
આ પૌરાણિક કથામાં કઈ ઐતિહાસિક તથ્ય રહેલું હોય તો કનોજના આ રાજા ભોજનું શાસન છેક સૌરાષ્ટ્ર સુધી પ્રવર્તતું હોવાનું એ રાજાએ રૈવતક પ્રદેશની કોઈ સુંદરીને પ્રાપ્ત કરી હોવાનું, તે પ્રદેશ પર આક્રમણ કરીને તે સુંદરીને પ્રાપ્ત કરી હવાનું તથા તેને પોતાને અગ્રમહિષી (પટરાણી) બનાવી હોવાનું સૂચિત થાય છે.
નાગભટ્ટ બીજાના સમયથી શરુ થયેલું ને રાજા ભોજના વંશજોના સમયમાં ચાલુ રહેલું સૌરાષ્ટ્ર પરનું પ્રતિહાર રાજાઓનું આધિપત્ય રાજા ભોજના સમયમાં ચાલુ રહ્યું હોય એ સ્વાભાવિક છે. મહારાજ ભોજ ( ઇસવીસન ૮૩૫ થી ૮૮૫) ના સમયમાં ઉત્તર સૌરાષ્ટ્રના ચાપ વંશમાં પુલકેશી (લગભગ ઇસવીસન ૮૮૦-૯૧૪)નું અને દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય વંશમાં અવનિવર્મા પહેલા (લગભગ ઇસવીસન ૮૪૫-૮૮૭નું રાજ્ય ચાલતું હતું
રાજા ભોજ વિષે એમનો સર્વપ્રમુખ લેખ ગ્વાલિયરથી મળે છે જે પ્રશસ્તિના રૂપમાં છે. લેખો અતિરિક્ત કલહણ તથા અરબ યાત્રી સુલેમાનનાં વિવરણોમાંથી આપણને એમનાં કાલની ઘટનાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાજા બનવા ઉપરાંત મિહિરભોજનું ચરમલક્ષ્ય સામ્રાજ્યનું દ્રઢીકરણ હતું.
સર્વ પ્રથમ એમણે પોતાનાં પિતાનાં નિર્બળ શાસનકાલમાં સ્વતંત્ર થયેલાં પ્રાંતોને પુન: પોતાની અધીન્તામાં લીધાં. એમણે મધ્ય ભારત તથા રાજપુતાનામાં પુન:પોતાની સ્થિતિ સુદ્રઢ કરી લીધી. એમને કલચુરિ, ચેદિ તથા ગુહિલોત વંશો સાથે મૈત્રી સંબંધ સ્થાપિત કર્યો. અ વંશના રાજાઓ એ એમનાં અભિયાનોમાં સહાયતા કરી. ગ્વાલિયર લેખમાં એવું કહેવાયું છે કે —- અગસ્ત્ય મુનિએ તો કેવળ વિંધ્ય પર્વતનો વિસ્તાર અવરુદ્ધ કર્યો હતો પ્પરંતુ રાજા ભોજે કેટલાંય રાજાઓ પર આક્રમણ કરીને એમનો વિસ્તાર કબજે કરી લીધો હતો.
ઉત્તર ભારતમાં કરવામાં આવેલાં એમનાં અભિયાનોમાં ગુહીલોતવંશી હર્ષરાજ જે એમનો એક સમાંત હતો એમને રાજા ભોજની સહાયતા કરી હતી. ચાટસુ લેખ અનુસાર એમને ઉત્તર ભારતના રાજાઓને પરાસ્ત કરીને રાજા ભોજને ઘોડા ઉપહારમાં આપ્યાં હતાં. એ પણ વર્ણિત છે કે એમણે ગૌડનરેશને પરાસ્ત કર્યા હતા તથા પૂર્વી ભારતના શાસકો પાસેથી કર વસુલ્યો હતો. કલચુરિવંશી ગુણામ્બોધિદેવ ઘો એમનો સમાંત હતો. પહેવા (પૂર્વી પંજાબ) લેખ એ સૂચિત કરે છે કે હરિયાણા પ્રદેશ એમનાં રાજ્યમાં શામિલ હતો. રાજા હોજનો એક ખંડિત લેખ દિલ્હીના પુરાણા કિલ્લામાંથી મળ્યો છે જે ત્યાં પણ એમનુ આધિપત્ય હતું તે દર્શાવે છે.
બી એન પૂરીનો મત છે કે ઉણાલેખમાં ઉલ્લેખિત બલવર્મા મિહિરભોજનાં કાઠિયાવાડમાં સામંત હતો. જેણે પોતાનાં તરફથી યુદ્ધ કરીને હૂણોને હરાવ્યાં હતાં. દેવગઢ(ઝાંસી) તથા ગ્વાલિયરના લેખોમાં ભોજનું મધ્ય ભારત પર અધિપત્ય પુષ્ટ થાય છે. આ પ્રકારે પોતાના રાજ્યારોહણ પશ્ચાત મિહિરભોજે પોતાની રાજનીતિક સ્થિતિ વિભિન્ન ક્ષેત્રોમાં ઘણી સુદ્રઢ બનાવી લીધી હતી.
મિહિર ભોજના સમયમાં પણ પ્રતિહારોની પાલો તથા રાષ્ટ્રકૂટો સાથે પુરાણી પ્રતિદ્વાન્દ્વીતા ચાલતી હતી. મિહિર ભોજ બે પાલ રાજાઓ દેવ પાલ તથા વિગ્રહપાલના સમકાલીન હતાં. એક તરફ જ્યાં પાલ લેખ પ્રતિહારો પર વિજયનું વિવરણ આપે છે ત્યાં બીજી તરફ પ્રતિહાર લેખ પાલો પર વિજયનો દાવો પ્રસ્તુત કરે છે
પાલકાલીન બાદલ લેખમાં કહેવામાં આવ્યું છે કે દેવપાલે ગુર્જર નરેશને પરાજિત કર્યા. એનાથી વિપરીત ગ્વાલિયર લેખમાં વર્ણિત છે કે — જે લક્ષ્મીએ ધર્મ (પાલ)નાં પુત્રનું વર્ણન કર્યું હતું એણે જ પછથી ભોજને બીજા પતિના રૂપમાં પસંદ કર્યો !
અત: વસ્તુસ્થિતિ એવી પ્રતિત થાય છે કે પ્રારંભિક યુધ્ધમાં તો દેવપાલને મિહિરભોજની વિરુદ્ધ સફળતા પ્રાપ્ત થઇ પરંતુ એનાં મૃત્યુ ઉપરાંત એનાં ઉત્તરાધિકારી નારાયણપાલના સમયમાં અથવા દેવ્પાલના શાસનના અંતિમ દિવસોમાં જ મિહિરભોજે પોતાનાં પરાજયનો બદલો લઇ લીધો. પાલ સામ્રાજ્યના પશ્ચિમી ભાગો પર એન્મનો અધિકાર થઇ ગયો.
મહારાજ મિહિર ભોજના બીજાં શત્રુ રાષ્ટ્રકૂટ હતાં. પાલો સાથે નીપટયા પછી તેઓ રાષ્ટ્રકૂટો તરફ વળ્યા. મિહિરભોજે બે રાષ્ટ્રકૂટ રાજાઓ – અમોધવર્ષ તથા કૃષ્ણ દ્વિતીયના સમકાલીન હતા. અમોધવર્ષ શાંત પ્રકૃતિના શાસક હતાં. એમનાં સમયમાં મિહિરભોજે ઉજ્જૈન પર આધિકાર પ્રાપ્ત કરીને નર્મદા નદી સુધી ધાવા બોલ્યા.
બગ્રુમા લેખ થી એ વિદિત થાય છે કે ધ્રુવે એમની સેનાને પરાજિત કરીને ભગાવી દીધી હતી. એ ધ્રુવ રાષ્ટ્રકૂટોની ગુજરાત શાખાનાં ધ્રુવ દ્વિતીય હતાં જે અમોધવર્ષના સામંત હતાં. આ અભિલેખમાંથી માત્ર એટલો જ નિષ્કર્ષ નીકળે છે કે રાંજા ભોજને રાષ્ટ્રકૂટ ક્ષેત્રોમાં કોઈ જ સફલતા પ્રાપ્ત નહોતી થઇ, તથા એમણે ક્ષણિક પરાભવનો પણ સ્વાદ ચાખવો પડયો હતો .
અમોધવર્ષના પુત્ર કૃષ્ણ દ્વિતીયના સમયમાં પણ આ બન્ને રાજવંશોનો સંઘર્ષ ચાલતો રહ્યો. આ સમયે રાષ્ટ્રકૂટ નરેશ કૃષ્ણ દ્વિતીય (ઇસવીસન ૮૭૮-૯૧૪) ચાલુક્યો સાથે યદ્ધ કરવામાં રોકાયેલા હતાં. મહારજ બરાબર આ જ તકનો લાભ લઈને એમનાં પર આક્રમણ કર્યું અને એમને નર્મદા નદીના કિનારા પર પરાસ્ત કાર્ય. આ વિજયના ફલસ્વરૂપ માલવા પર એમનો અધિકાર સ્થાપિત થઇ ગયો.
આનાં પછી રાજા ભોજ ગુજરાત તરફ આગળ વધ્યા તથા ખેટક (ખેડા)ની આસપાસના ભૂભાગને જીતી લીધો. ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટોનો ઇસવીસન ૮૮૮ પછી કોઈ જ ઉલ્લેખ મળતો નથી જો કે ગુજરાતમાં ઘણા એવાં રાજવંશો છે કે જેમનો ઇસવીસનની નવમી સદી પછી કોઈ જ ઉલ્લેખ ક્યાંય પણ થયેલો જોવાં મળતો જ નથી.આ વાત એ દર્શાવે છે કે આ પરદેશ કદાચ પ્રતિહારોએ જીતી લીધો હતો. રાષ્ટ્રકૂટ અભિલેખો દેવલી તથા કરહાટથી એ જાણકારી પ્રાપ્ત થાય છે કે રાજા ભોજ તથા રાજા કૃષ્ણ વચ્ચે ઉજ્જયિનીમા એક ભીષણ યુદ્ધ થયું હતું જેમાં રાજા કૃષ્ણએ રાજા ભોજને ભયાક્રાંત કરી દીધો હતો.
પરંતુ એવું લાગે છે કે આ યુદ્ધનું કોઈ નિર્ણાયક પરિણામ નહોતું નીકળ્યું તથા માલવા પર મહારાજા ભોજનો અધિકાર બનેલો રહ્યો. આનાં પછી પણ આ બન્ને વંશો વચ્ચે ઉજ્જૈન પરનાં અધિકારપ્રાપ્તિ માટે યુદ્ધ થતાં રહ્યા. પણ ખેત્કની આસપાસના ભાગ ઉપર પુન: રાષ્ટ્રકૂટોના હાથમાં જતો રહ્યો.
ઇસવીસન ૯૧૦માં ઉત્તર ગુજરાતમાં બ્રહ્મવલોક વંશના પ્રચંડ નામના એક નવા સામંતને શાસન કરતો જોવાં મળે છે. ઇન્દ્ર તૃતીય (ઇસવીસન ૯૧૪-૯૨૮)ના સમયમાં ગુજરાતનું શાસન સીધેસીધું માન્યખેટથી થવાં લાગ્યું . ઇસવીસન ૯૧૫માં રાજા ઇન્દ્રે ત્યાં એક બ્રાહ્મણને કરવામાં આવેલાં દાનની પુષ્ટિ કરી છે જે એમનાં અધિકારનું સૂચક છે.
આ પ્રકારે રાજા ભોજે ઉત્તર ભારતમાં એક વિશાળ સમ્રાજ્ય સ્થાપિત કરી લીધું. ઉત્તર- પશ્ચિમમાં એમનું સામ્રાજ્ય પંજાબ સુધી વિસ્તૃત હતું. પૂરવામાં ગોરખપુરના કલચુરિ એમના સામંત હતાં તથા સંપૂર્ણ અવધ ક્ષેત્ર પણ એમને જ આધીન હતો. કહલ લેખ (ગોરખપુર) જિલ્લા)થી એ માહિતી મળે છે કે કલચુરિશક ગુણામ્બોધિએ ભોજ પાસેથી કેટલીક ભૂમિ પ્રાપ્ત કરી હતો. બુન્દેલખંડના ચંડેલ એમની અધીનતાનો સ્વીકાર કરતાં હતાં.
દક્ષિણમાં એમનું સાંરજ્ય નર્મદા નદી સુધી જ વિસ્તૃત હતું. એમણે કન્નૌજને આ વિશાળ સામ્રાજ્યની રાજધાની બનાવી તથા લગભગ ૫૦ વષો સુધી સુવ્યવસ્થિત શાસન કર્યું.
ભોજના શાસનકાલનું અરબ યાત્રી સુલેમાન બહુ જ સારાં શબ્દોમાં વર્ણન કરે છે. એમનાં જણાવ્યા અનુસાર —- ” આ રાજા પાસે બહુજ મોટી સેના છે. અન્ય કોઈપણ રાજા પાસે એમનાં જેટલી અશ્વસેના નહોતી. એ આરબોના સૌથી મોટા શત્રુ છે. યદ્યપિ એ આરબો ના રાજાને સૌથી મોટા રાજા માને છે. ભારતના રજાઓમાં એમનાથી વધારે ઇસ્લામ ધર્મનો કોઈ બીજો શત્રુ નથી. એ અપાર ધન એવં ઐશ્વર્ય યુક્ત છે. ભારતમાં એના સિવાય કોઈ અતિરિક્ત એવું રાજ્ય હતું જ નહીં કે જે ચોર -લુંટારાઓથી આટલું સુરક્ષિત હોય !”
મહારાજ ભોજના લેખોમાં તથા મુદ્રાઓ પર અંકિત “આદિવરાહ” ઉપાધિ એ સૂચિત કરે છે કે દેશને મલેચ્છો (આરબો)થી મુક્ત કરાવવાનું એમનું પરમ કર્તવ્ય સમજતા હતાં આરબો એમનાથી સૌથી વધુ ડરતાં હતા.
ઇસવીસન ૯૧૫ -૯૧૬માં સિંધની યાત્રા કરવાંવાળા મુસ્લિમ યાત્રી અલ-મસૂદીએ એટલે સુધી લખ્યું છે કે —- “પોતાની શક્તિના કેન્દ્ર મુલતાનમાં અરવીએ એક સૂર્યમંદિરને તૂટતાં બચાવ્યું હતું અને એની અખંડિતતા સાચવી રાખવી હતી. જયારે પણ પ્રતિહારોના આક્રમણનો ભય ઉત્પન્ન થતો ત્યારે તેઓ એ મંદિરની મુખ્ય મૂર્તિને નષ્ટ કરી દેવાનો ભય ઉત્પન્ન કરીને પોતાની રક્ષા કરી લેતાં હતાં.
વિલાદુરી લખે છે કે અરબોને પોતાની રક્ષા માટે કોઈ સુરક્ષિત સ્થાન મળવું અત્યંત કઠિન હતું. એમણે એક ઝીલનાં કિનારે અલહિન્દ સીમા પર અલમફફૂજ નામનું એક શહેર વસાવ્યું જેનો અર્થ જ સુરક્ષિત થાય છે. આ વિવરણોમાંથી એ તો સ્પષ્ટ થઇ જાય છે કે મહારાજા મિહિર ભોજે પશ્ચિમમાં આરબોના પ્રસાર પર રોક લગાવી દીધી હતી. પોતાનાં આ વીર કૃત્ય દ્વારા એમણે ભારત ભૂમિની મહાન સેવા કરી હતી.
એમનું રાજ્ય ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં નર્મદા, પૂર્વમાં બંગાળ અને પશ્ચિમમાં સતલજ સુધી વિસ્તૃત હતું જેને સાચા અર્થમાં એક વિશાળ સામ્રાજ્ય કહી શકાય છે. રાજા મિહિર ભોજ પ્રતિહાર રાજવંશના સૌથી મહાન રાજા ગણાય છે. એમને લગભગ ૫૦ વર્ષ સુધી રાજ કર્યું હતું. એમનું આ સામ્રાજ્ય એટલું બધું વિશાળ હતું એનાં અંતર્ગત આધુનિક ભારતના રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ , પંજાબ , હરિયાણા , ઓરિસ્સા , ગુજરાત અને હિમાચલ આદિ રાજ્યો આવતાં હતાં.
મહારાજા મિહિર ભોજના સિક્કાઓ ——–
મહાન ગુર્જર સમ્રાટ મિહિર ભોજના સિક્કાઓ પર વરાહ ભગવાન જેઓ ભગવાન વિષ્ણુનાં અવતાર તરીકે ઓળખવામાં આવે છે. વરાહ ભગવાને હિરણ્યાક્ષ નમન રાક્ષસણે મારીને પૃથ્વીને પાતાળમાંથી બહાર કાઢી હતી. ગુર્જર સમ્રાટ મિહિર ભોજનું એક નામ “આદિ વરાહ” પણ છે . આવું થવાં પાછળના બે કારણો છે
[૧] જે રીતે વરહ ભગવાને પૃથ્વીની રક્ષા કરી હતી અને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો બરોબર એ જ રીતે મિહિર ભોજે મલેચ્છોણે મારીને પોતાની માતૃભૂમિની રક્ષા કરી હતી.
[૨] બીજું કારણ એ છે કે ગુર્જર સમ્રાટ મિહિર ભોજનો જન્મ વરાહ જયંતિએ થયો હતો જે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બીજે આવે છે. સનાતન ધર્મ અનુસાર આ દિવસે ચંદ્રમાના દર્શન કરવા બહુ જ શુભ ફલદાયક માનવામાં આવે છે. આ દિવસના બે દિવસ પછી મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થનો ઉત્સવનો પ્રારંભ થાય છે. જે સ્થાનો પર સમ્રાટ મિહિર ભોજના જન્મદિવસની ખબર છે એ લોકો વરાહ જયંતિ ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે
લાગલગાટ ૫૦ વરસ સુધી રાજ કરીને પશ્ચાદ એ પોતાના સુપુત્ર મહેન્દ્રપાલને રાજ સિંહાસન સોંપીને સન્યાસવૃત્તિઅર્થે વનમાં ચાલ્યા ગયાં
થોડુંક વિગતવાર ———-
સમ્રાટ મિહિર ભોજના મિત્ર કાબુલના લલિયા શાહી રાજા કાશ્મીરના ઉત્પલ્વાંશી રાજા અવંતિવર્મન તથા નેપાળના રાજા રાઘવદેવ અને આસામના રાજા હતા. સમ્રાટ મિહિર ભોજના એ સમયના શત્રુ પાલ વંશી રાજા દેવપાલ, દક્ષિણના રાષ્ટ્રકૂટ મહારાજ અમોધવર્ષ અને અરબના ખલીફા મૌતસિમ વાસિક, મુત્વકકલ, મુન્તશિર, મૌતમિદાદી હતાં.
સિંધના અરબ શાસક ઇમરાન બિન મુસાને સંપૂર્ણ રીતે પરાસ્ત કરીને સમસ્ત સિંધ ગુર્જર સામ્રાજ્યનું અભિન્ન અંગ બનાવી દીધું હતું. કેવળ મંસૂરા અને મુલતાનના બે સ્થાનો અરબો પાસે સિંધમાં એટલાં માટે રહી ગયાં હતાં કે આરબોએ ગુર્જર સમ્રાટના ભયંકર તુફાની આક્રમણોથી બચવા માટે અનમહફૂઝનામની ગુફા બનાવી હતી જેમાં ગુપાઈને અરબો પોતાની જન બચાવતાં હતાં. સમ્રાટ મિહિર ભોજ ન્હોતાં ઇચ્છતાં કે આરબો આ બે સ્થાનો પર પણ સુરક્ષિત રહે. અને આગળ જતાં કોઈ મોટા સંકટનું કારણ બને. એટલાં જ માટે એમને ત્યાં ઘણાં મોટાં સૈન્ય અભિયાન મોકલીને ઇમરાન બિન મુસાના અનમહકૂઝ નામની જગ્યાને જીતીને ગુર્જર સામ્રાજ્યની પશ્ચિમી સીમાઓ સિંધ નદીની સેંકડો માઈલ દૂર પશ્ચિમ સુધી પહોંચાડી દીધી અને આ પ્રકારે ભારત દેશને આગલી ઘણી શતાબ્દીઓ સુધી આરબોના બર્બર, ધર્માંધ તથા અત્યાચારી આક્રમણોથી સુરક્ષિત કરી દીધો. આ રીતે ગુર્જર સમ્રાટ મિહિર ભોજના રાજ્યની સીમાઓ કાબુલથી રાંચી અને આસામ સુધી, હિમાલયથી નર્મદા નદી અને આંધ્ર સુધી, કાઠિયાડથી બંગાળ સુધી સુદ્રઢ અને સુરક્ષિત કરી દીધી.
આરબ યાત્રી સુલેમાન ભારત ભ્રમણ દરમિયાન લખેલા પુસ્તક “સિલસિલીઉત તુઆરીખ” ઇસવીસન ૮૫૧માં સમ્રાટ મિહિર ભોજને ઇસ્લામના સૌથી મોટાં શત્રુ ગણાવ્યા છે – જણાવ્યા છે. સાથે સાથે મિહિર ભોજની મહાન સેનાની તારીફ પણ કરી છે. એ સાથે તેઓ એમ પણ જણાવે છે કે — મિહિર ભોજના રાજ્યની સીમાઓ દક્ષિણમાં રાષ્ટ્રકૂટોનાં રાજ્ય, પૂર્વમાં બંગાળના પાલ શાસક અને પશ્ચિમમાં મુલતાનના શાસકોની સીમાઓને સ્પર્શતી બતાવી છે.
ઇસવીસન ૯૧૫માં ભારત આવેલા બગદાદના ઈતિહાસકાર અલ -મસૂદી એ પોતાનાં પુસ્તક “મરૂજુલ મહાન)માં પણ મિહિર રાજા મિહિર ભોજની ૩૬ લાખની પરાક્રમી સેના વિષે પણ વિસ્તૃત માહિતી આપી છે ( ઇસવીસન ૯૧૫). એમનું રાજાશાહી નિશાન “વરાહ” હતું અને મુસ્લિમ આક્રમણકારીઓના મનમાં એટલો બધો ભય વ્યાપી ગયો હતો કે વરાહ એટલે કે સુવ્વરથી તેમને નફરત હતી. મિહિરભોજની સેનામાં સમાજની બધી જાતિઓ અને વર્ગનાં લોકોએ હથિયાર ઉઠાવ્યાં હતાં. આ કોઈ નાની સિદ્ધિ ના જ ગણાય ! કે કે જેમણે આરબ આક્રાંતાઓ સાથે લડાઈ કરી !
ગુર્જર સમ્રાટ મિહિર ભોજ દ્વારા અમલી બનાવવામાં આવેલા સિક્કાઓ વિષે અરબ યાત્રી સુલેમાન અને અલ-મસૂદીએ પોતપોતાનાં યાત્રા વિવરણોમાં લખ્યું છે કે — “ગુર્જર સમ્રાટ જેનું નામ વરાહ (મિહિર ભોજ) છે. એમનાં રાજ્યમાં ચોર -ડાકુઓનો ભય નથી સતાવતો લોકોને !એમની રાજધાની કન્નૌજ ભારતનું પ્રથમ નાગર છે જેમાં ૭-૭ કિલ્લાઓ અને અને ૧૦૦૦૦ મંદિર છે.
રાજા મિહિર ભોજે પોતાનાં જીવનના ૫૦ વરસ યુધ્ધના મેદાનમાં ઘોડાની પીઠ પર બેસીને યુદ્ધો કરવામાં જ ગાળ્યા હતાં. એમની ચાર સેના હતી એમાંથી એક સેના કનકપાલ પરમારનાં નેતૃત્વમાં ગઢવાલ નેપાળના રાઘવદેવ દ્વારા તિબ્બતના આક્રમણો સામે રક્ષા કરતી હતી. આ જ પ્રકારે એક સેના વર્તમાન ગુજરાજ નગર સમીપ નિયુક્ત હતી જે કાબુલના લલિયાશાહીન રાજાઓને તુર્કસ્તાન તરફથી થતાં આક્રમણોથી બચાવતી હતી. એમની પશ્ચિમની સેના મુલતાનના આરબ શાસક પર નિયંત્રણ કરતી હતી. એમની દક્ષિણની સેના માનાકિના રાજા બલ્હારાથી તથા અન્ય બે સેનાઓ બે બે દિશામાંમાં યુદ્ધરત રહેતી હતી. સમ્રાટ મિહિર ભોજ આ ચારેય સેનાઓનું સંચાલન, માર્ગદર્શન તથા નિયંત્રણ સ્વયં કરતાં હતાં.
મહારાજા મિહિરભોજ એક પરાક્રમી શાસક હોવાની સાથે એક વિદ્વાન એવં કલાના ઉદાર સરક્ષ્ક હતા પોતાની વિદ્વત્તાને કારણે એમને “કવિરાજ”ની ઉપાધિ ધરણ કરી હતી. પોતાનાં પૂર્વજ ગુર્જર પ્રતિહાર સમ્રાટ નાગભટ પ્રથમની જેમ સમ્રાટ મિહિર ભોજે પોતાના પૂર્વજોની જેમ સ્થાયી સેના ઉભી કરી દીધી હતી જે અરબ આક્રન્તાઓ સાથે જોરદાર લેવાં માટે આવશ્યક હતી. જો નાગભટ પ્રથમ પશ્ચાતનાં અન્ય સમ્રાટોને સ્થાયી, પ્રશિક્ષિત , કુશળ તથા દેશભક્ત સેના જો ના રાખી હોત તો ભારતનો ઈતિહાસ કૈંક ઓર જ હોત તથા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા નામની કોઈ ચીજ બચી જ ના હોત !
મહારાજ ભોજનું એક વિશેષ ચુંબકીય વ્યક્તિત્વ હતું. એમની બહુજ વિશાલ ભુજાઓ હતી અને વિશાળ નયન હતાં. એમનો લોકો પર એક વિચિત્ર પરાભવ પડતો હતો . તેઓ દરેક ક્ષેત્રમાં નિપુણ હતાં. એવું કહેવાય છે કે તેઓ એક પ્રબળ પરાક્રમી,મહાન ધાર્મિક, રાજનીતિમાં નિપુણ અને એક મહાન સમ્રાટ હતાં આપણે એવું કહી જ શકીએ છીએ કે તેઓ ભારતના એક સાચા દેશભક્ત અને નિષ્ઠાવાન શાસક હતાં. એમનું રાજ્ય સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી હતું. એમનાં સમયમાં લોકો આર્થિક સંપન્ન હતાં. આજ સમયને ભારતને “સોનાની ચિડિયા” કહેવામાં આવે છે.
મહારાજ ભોજે ગ્વાલિયરનું પ્રખ્યાત ‘તેલીનું મંદિર” અને બીજાં અનેક શિલ્પ-સ્થાપત્યો બાંધ્યા હતાં
સન્માન ——–
રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૪ જે દિલ્હીથી લખનૌને જોડે છે એનું નામ દિલ્હી સરકારે ગુર્જર સમ્રાટ મિહિર ભોજના નામ પર રાખ્યું છે અને દિલ્હીમાં નિજામુદ્દિન પુલ છે ત્યાંથી આ રાજમાર્ગ શરુ થાય છે ત્યાં પણ દિલ્હી સરકારે એક મોટો પત્થર લગાવ્યો છે જેના પર લખ્યું છે કે —- આ રાજમાર્ગ મિહિર ભોજ રાષ્ટ્રીય માર્ગ છે. આ જ રાજમાર્ગ પર સ્થિત પ્રખ્યાત સ્વામીનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર છે. અક્ષરધામ મંદિરમાં સ્થિત ઉપવનમાં સમ્રાટ મિહિર ભોજ મહાનની ધાતુની પ્રતિમા મુકવામાં આવી છે જેનાં પર લખવામાં આવ્યું છે —- મહરાજા ગુર્જર મિહિર ભોજ મહાન !
ઈતિહાસકારો અને ખુદ ઈતિહાસ આ રાજાને પરમારવંશના રાજા ભોજ સાથે જોડતાં પાછીપાની નથી કરતો . જે વાસ્તવિકતા છે જ નહીં. આ બંને રાજાઓ જુદાં હતાં રાજા ભોજનો સમયકાલ છે ઇસવીસન ૮૩૫ થી ઇસવીસન ૮૮૫. જયારે પરમાર વંશના રાજા ભોજ પ્રથમનો સમય છે ઇસવીસન ૧૦૧૦થી – ૧૦૫૫. એકે લગભગ ૫૦ વરસ રાજ કર્યું હતું જ્યારે બીજાએ લગભગ ૪૫ વરસ. આ બે વચ્ચે ૧૨૫ વરસનો જ ગાળો છે . મિહિર ભોજે આરબોને હરાવીને અને પછી ગુજરાત વિજય કર્યો હતો જયારે રાજા ભોજ પ્રથમ એ સોલંકીયુગના રાજા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સામે હાર્યા હતાં. એવી કોઈ જ સાબિતી નથી મળતી કે મહારાજ ભોજે પોતાની રાજધાની ધારાનગરી (ધાર ) ખસેડી હતી . ઉજજયિની નગરી શક્ય છે …. ધાર નહીં ! આ બેને સાંકળવાની ગુસ્તાખી ઇતિહાસે કરવી જોઈએ નહીં . એક સરખાનામ હોવાને કારણે વંશ અને ઈતિહાસ બધું જ બદલાઈ જતું હોય છે.
બાકી , આ રાજા મિહિર ભોજના જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે કારણકે એમણે ત્યાર પછી લગભગ ૨૦૦ વરસ સુધી આરબ આક્રમણથી મુક્ત કર્યું હતું ઇસલામ ધર્મ તો ઇસવીસનની સાતમી સદીથી અસ્તિત્વમાં આવી જ ચુક્યો હતો પણ રાજા મિહિર ભોજના સમયમાં કોઈ મુસ્લિમ આક્રમણકારો નહોતાં . ભારત પર આક્રમણ તો લૂંટના ઈરાદે મહમૂદ ગઝનવીએ ઇસવીસન ૧૦૦૦માં કર્યું હતું. એક ઐતિહાસિક સચ્ચાઈ જણાવું છું મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પરમારવંશી શાસક રાજા ભોજ નહોતાં થયાં કારણકે મહારજ સિદ્ધરાજ જયસિંહનો જન્મ જ ઇસવીસન ૧૦૯૧માં થયો છે. તેમને ત્યાર પછીના પરમારવંશી રાજાઓને હરાવ્યાં હતાં નહીં કે રાજા ભોજને !
મહારાજા મિહિર ભોજ પણ હાર્યા હતાં ૨-૩ વાર તેમ છતાં તેમની સીધ્ડી ભૂંસાઈ નથી જતી ભારતીય ઈતિહાસમાંથી. તેઓએ હાર પછી હિંમત નહોતી હારી એમને એ હારને મનમાંથી કાઢી બીજે મન વાળ્યું હતું અને ત્યાં અપ્રતિમ જીત હાંસલ કરી હતી અને આરબોને ખદેડયા હતાં . ઈતિહાસ કે આપણે આ વાત ના ભૂલવી જોઈએ અને આ જ એમનાં કાર્યોને આપેલું સાચું અર્ઘ્ય છે
મિહિરભોજ ભારતીય ઇતિહાસમાં સદાય અમર છે અને સદાય અમર રહેવાનાં છે !
ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!
——— જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..