ગુર્જર પ્રતિહાર વંશ ભાગ – ૨

ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬)
———- ભાગ – ૨ ———-

ઈતિહાસ સોનાની લગડી જેવો છે – મોંઘો અને અતિઆકર્ષક …….. એને બેન્ક્લોકરમાં જિંદગીભર સાચવીને ન રખાય એને તો કિમતી ઘરેણા બનાવીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનાવીને એમની વાહ વાહ મેળવાય. આગળ ધપે તે ઈતિહાસ અને પાછળ રહી જાય તે ભૂતકાળ ! પણ આપણી એક ખામી એ પણ છે કે આપણને ભૂતકાળના પોપડા ખોતરવાની બહુ ખરાબ ટેવ છે. પણ એમાં જો સાચો ઈતિહાસ ઉત્ખનન અને ગહન સંશોધન દ્વારા જો બહાર લાવી શકાતો હોય તો એમાં ખોટું પણ શું છે. ઈતિહાસ એક એવો વિષય અને સામગ્રી છે કે જેની ચર્ચા રાજકારણ કે ક્રિકેટની જેમ ચાની કીટલી કે બગીચામાં બેઠાં બેઠાં ખારીસિંગ ખાતાં ખાતાં ન જ કરાય ! ઈતિહાસને મમળાવવાનો ન હોય એને તો પચાવવાનો જ હોય અને એ પણ સમજી વિચારીને ! ઈતિહાસ એટલે આમ તો વીર રસ પણ ક્યારેક ક્યારેક તે શાંત રસ પણ બનતો જ હોય છે. ઇતિહાસમાં આમ તો હાસ્ય રસ સિવાયના બાકીના બધાં જ રસો સામેલ છે. જરૂરત છે ક્યાં કયો રસ વધારે વપરાયો છે તે જાણવાની અને સમજવાની ! ઈતિહાસ ક્યારેય નીરસ હોતો જ નથી.

ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ તો ભારતના ગૌરવશાળી અને સંસ્કૃતિસભર ઇતિહાસનો જ એક ભાગ છે. પ્રાગ ઐતિહાસિક યુગમાં પણ ગુજરાત એ ભારતનો જ એક હિસ્સો હતું . યાદવો પણ મૂળે ગુજરાતી ન્હોતાં. પછી મૌર્યકાળમાં ભારતનો જ એક હિસ્સો હતું ગુજરાત એના કોઈ અલગ રાજાઓ ન્હોતાં પછી ગુપ્તકાલનો હિસ્સો બન્યું ગુજરાત. મૌર્યકાળથી ગુજરાતમાં બે ધર્મોએ પોતાના પગરણ માંડી દીધાં હતાં માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં – બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. મુસ્લિમ ધર્મ તો એ વખતે અસ્તિત્વમાં જ નહોતો આવ્યો કારણકે મુસ્લિમ ધર્મ તો છેક આઠમી સદીમાં આવ્યો છે જ્યારે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર એ બંને આમ તો સમકાલીન છે કારણકે એમનો જન્મ ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થયો હતો આને આ બે ધર્મોનો જન્મ થયો હતો. પણ ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો સમ્રાટ અશોકે જયારે જૈન ધર્મ તો અપનેઆપ આવી ગયો હતો ગુજરાતમાં અને ઠરીઠામ થઇ ગયો હતો અને આ જ કારણે આજે ગુજરાતમાં જૈનો વધારે છે.

ઈતિહાસને આ ધર્મો સાથે કોઈ લેવાદેવા નહોતી પણ રાજવંશો અને આક્રમણકર્તાઓને જરૂર હતી. મૌર્યકાળમાં સમ્રાટ અશોકે ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રસાર વિપુલ પ્રમાણમાં કર્યો. જૈનધર્મ તો પહેલેથી જ ગુજરાતી બની ગયો હતો. જો કે એ સમયે ગુજરાતમાં કોઇ ઉથલપાથલ નહોતી થઈ. પણ બૌદ્ધ સ્થાપત્ય કલા અને જૈન સ્થાપત્યકળાને લીધે ગુજરાત ભારતીય શાસકોનું કેન્દ્રબિંદુ બની ગયું. યાદવોની સત્તા માત્ર દ્વારિકા સુધી જ મર્યાદિત હતી પણ તોય વૈષ્ણવ મંદિરો શૈવ મંદિરો જેનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે તે પણ અસ્તિત્વ તો ધરાવતાં જ હતાં અને ભારતનાં લોકોની ઈર્ષ્યા નું કારણ પણ બન્યાં હતાં. શક્તિની ભક્તિપણ વિશાળપાયે થતી હતી. સિકંદર તો ગુજરાતમાં આવ્યો જ નહોતો પણ યવનોએ ભારત પર આક્રમણ જરૂર કર્યા હતાં પણ તેઓ પણ ગુજરાત તો આવ્યાં જ નહોતાં. કુષાણ વંશના અસ્ત પછી હૂણોએ ભારત પર બહુ આક્રમણ કર્યા પણ ગુજરાતને છઠ્ઠી સદીમાં નુકસાન પહોંચાડયું આરબોએ. આ આરબ આક્રમણને કારણે જ મૈત્રક વંશનો અસ્ત આવ્યો. મૈત્રકકાલમાં વલભીમાં અસંખ્ય બૌદ્ધ મઠો અને જૈન મંદિરો હતાં. જેનો દ્વંશ કરવામાં આવ્યો. મૈત્રકકાલની શરૂઆત જ ગુપ્તવંશના પતન પછી તેના પ્રધાન સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા થઇ હતી અને આ જ બન્યો ગુજરાતનો પ્રથમ શાસક જો કે તે રાજા નહોતો બન્યો પણ તેણે સેનાપતિ તરીકે જ રાજ કર્યું હતું તેણે અને તેનાં પુત્રે . પણ ત્યારપછીના મૈત્રકવંશી અનુગામીઓ ગુજરાતના સ્વતંત્ર શાસકો થઇ બેઠાં.

સિંધ ઉપર આક્રમણ થતાં કેટલાંક ક્ષત્રિયો ગુજરાત આવીને વસ્યાં હતાં તો કેટલાંક સમ્રાટ અશોકના સમય પછી ગુપ્તકાળમાં ગુજરાત આવ્યાં. તો કેટલાંક મૈત્રકકાલ દરમિયાન જ ગુજરાત આવીને વસ્યા હતાં. ક્ષત્રપોએ ગુજરાતની બૌદ્ધ પ્રજાને બહુ જ હેરાન કરી હતી અને બૌદ્ધ ધર્મને નામશેષ કરવાની કોશિશ કરી હતી જેમાં તેઓ મહદ અંશે સફળ પણ રહ્યા. પણ તેનાં પર અંતિમ મહોર વાગી મૈત્રકકાળના પતન વખતે. મૈત્રકકાલનાં પતન પછી અનુમૈત્રકકાળમાં ગુજરાતના ઘણાં રજવાડા માથું ઊંચકીને સ્વતંત્ર થયાં અને ગુજરાતને પોતાના કહી શકાય એવાં રાજપૂતવંશો મળ્યાં. પણ તોય ભારતના ક્ષત્રિય રાજાઓએ પણ ગુજરાત પર રાજ કરવાની પોતાની સોનેરી તક જવા નહોતી દીધી ! આજ સમયે ગુર્જર પ્રતિહાર વંશનું શાસન પણ શરુ થયું હતું ગુજરાત પર ! પણ ગુર્જરોનું લક્ષ્ય હતું કન્નૌજ પર અધિપત્ય જમાવવાનું આ જ કારણે તેમને ઘણાં વર્ષો સંઘર્ષમાં ગાળ્યાં હતાં.

મથાનદેવના રાજોર શિલાલેખમાં “ગુર્જર -પ્રતિહાર “શબ્દને ગુર્જર દેશ”નાં રૂપમાં વ્યાખ્યા કરવામાં આવી છે . એમાં એક વાક્યાંશ પણ સામેલ છે — “ગુર્જર દ્વારા ખેતી કરવામાં આવેલાં બધાં જ ક્ષેત્રો .” ડી સી ગાંગુલીનું માનવું છે કે “ગુર્જર” શબ્દનો પ્રયોગ બાસીનામનાં રૂપમાં કરવામાં આવે છે — “ગુર્જર દ્વારા ખેતી”. આનાં સમર્થનમાં ગાંગુલીએ બનાના કાદમ્બરીમાંથી એક કવિતાનો હવાલો આપ્યો છે જેમાં ઉજ્જૈનની મહિલાઓનું વર્ણન કરવાં માટે “માલવી” (માલવાની મહિલાઓ) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે માલવા ક્ષેત્રમાં સ્થિત હતી. કનૈયાલાલ મુનશીએ એવો તર્ક રજૂ કર્યો છે કે “ગુર્જર દેશ”માં રહેતાં લોકો જ્યારે પણ દેશમાં ક્યાંય પણ જતાં હતાં તો એ લોકો ગુર્જર તરીકે ઓળખાતાં હતાં. વી. બી. મિશ્રાનો તર્ક છે કે “ગુર્જર પ્રતિહારનવહ”ની અભિવ્યક્તિનો અર્થ ગુર્જર દેશનાં પ્રતિહાર પરિવાર તરીકે લઇ શકાય તેમ છે. ગાંગુલી આગળ પણ જણાવે છે કે કંઈ કેટલાંય પ્રાચીન સ્રોત્ર “ગુર્જર”ને સ્પષ્ટરૂપે એક દેશનાં નામના રૂપમાં ઉલ્લેખ કરે છે. એમનાં કહ્યાં અનુસાર આ સ્રોત્ર પુલકેશીન બીજાંનાં ઐહોલનાં શિલાલેખ અને અલ બાલાધુરી અલ જુનાદનાં અભિયાનો (ઇસવીસન ૭૧૯-૭૨૩)નાં કાલક્રમોને શામિલ કરે છે. તો કેટલાંક અન્ય પ્રાચીન સ્રોત્રોમાં એક દેશનાં નામના સ્વરૂપમાં ગુર્જરનો ઉલ્લેખ થયેલો છે. એ ઉદયનસુરીના “કુવલયમાલા”(ઇસવીસનની આઠમી સદી- જાલોર)માં રચાયેલું એક સુંદર દેશના રૂપમાં વિસ્તારપૂર્વક વર્ણિત છે. જેનાં નિવાસીઓને પણ ગુર્જરો કહેવામાં આવે છે. પંચતંત્રનાં ચોથા પુસ્તકમાં એક સારથીની વાર્તા છે જે ઉન્તોની તલાશમાં ગુર્જર દેશના એક ગુર્જરા ગામમાં ગયો હતો.

ગલાકાનાં ઇસવીસન ૭૯૫ના શિલાલેખમાં કહ્યું છે કે નાગભટ્ટ પહેલો શાહી પ્રતિહાર વંશના સંસ્થાપકે “અજેય ગુર્જરસ”પર વિજય પ્રાપ્ત કર્યો. ગંગા વંશના સત્યવાક્ય કોન્ગુંનિવર્મનને રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજા માટે ઉત્તરી ક્ષેત્રો પર વિજય પ્રાપ્ત કરીને ગુર્જર અધિરાજનાં રૂપમાં જાણવામાં આવે છે. ગુર્જરના ભૌગોલિક ક્ષેત્રોમાં દર્શાવ્યા જેમાં રાજસ્થાન અને ગુજરાતના કેટલાંક ભાગો સામેલ હતાં. જગન્નાધિરા મંદિરના શિલાલેખમાં મુઝફરશાહ દ્વિતીય પર રામ સાગની જીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહી ગુજ્રાત્નના સુલતાનને ગુર્જરેશ્વર કહેવામાં આવ્યો છે. જો કે એ તો અતિસ્પષ્ટ જ છે કે “ગુર્જર ” એ જાતિ દર્શાવતો જ શબ્દ છે જેઓ ઇસવીસનની પાંચમી સદીમાં ભારત આવ્યાં હતાં અને પછી બસો વરસ પછી આ લોકો શાસક બન્યાં હતાં.

ભારતમાંના ગુર્જરોના પ્રાચીન ઇતિહાસમાં જે જાણવા મળ્યું છે તે એમના આગમનનો સમય પાંચમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અથવા તો છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં (ઇસવીસન ૪૭૦ -૫૨૦ ) દર્શાવે છે. અર્થાત ગુર્જરો એક મોટા અમૂહનો ભાગ હતા જેમાં જુઆન -જુઆન અથવા અગારો અને એફલાઈતો, હિઅ તિલહો, યેતો અથવા સફેદ હૂણો અગ્રીમ તત્વો હતાં. હવે પ્રશ્ન એ ઉભો થાય કે છઠ્ઠી સદીની શરૂઆતમાં ગુર્જરોના ભારતમાં થયેલા આગમનનો ઈતિહાસ જે જાણવા મળે છે તેની સાથે ક્યાં સુધી મેળ બેસે છે ?

“ખઝર” નામ પણ કેટલાંક રૂપોમાં દેખા દે છે – ચીનાઓમાં કોસા, રશીયનોમાં ખવાલિસીઓ, બાયઝન્ટાઈનોમાં ચોઝ્રો અથવા ચ્ઝરો, આર્મેનિયનોમાં ખઝિરો અને આરબોમાં ખોઝર અને “ખુરલુપ”ન્તાથા “ખઝલજ”નાં બહુવચનનાં રૂપ છે – બન્નેમાં. બીજાં રૂપાંતર ‘ગુર્જરો’ને વધુ મળતાં આવે છે. આ છે ગઝર. “ખઝર” રૂપ અસોફના સમુદ્રની ઉત્તર તરફનું છે. “ઘિસર” આ નામ યહુદીઓ બની બેઠેલાં ખઝરો માટેનું છે અને ‘ઘૂસર” ક્રોકેસ્સના લેસધિયનોમાં પ્રચલિત “ખઝર “નું રૂપ છે.આને જ સફેદ હૂણો કહેવાય છે એવો એક મત પ્રવર્તે છે. ઇસવીસનની પાંચમી સદીના મધ્ય ભાગમાં ભારતમાં આવેલા સફેદ હૂણો કારગીઝનાં મેદાનોમાંથી ઉતરી વાસતોમાથી સમરકંદ થઇ બાલ્ખ આવ્યા લાગે છે. ઓક્સસની ખીણમાં આ સફેદ હૂણોએ જુઆન – જુઆન લોકો વરહરન પાંચમા (ઇસવીસન ૪૨૦-૪૪૦) બહેરામ ગોરનાં વિજયોને લીધે નિર્બળ થઇ ગયાં હતાં અને તેઓએ એમને ઈરાન ઉપરની તાજી ચડાઈમાં લીધાં લાગે છે. એનું પરિણામ એ આવ્યું કે એમનાં મહાન નેતા યુ-ચીને (સુખદાયકે} પાંચમી સદીના અંતમાં સાસાનીઓને ખંડની ભરવાની ફરજ પાડી. ઈરાન ઉપરના આધિપત્યને લીધે જ યુ-ચીને પોતાના ચીની બિરુદ “શુલો-પૂચીન”(સુખદાયક)નું ઈરાની રૂપ “ખુશનવાઝ” અપનાવ્યું હતું. આમ છતાં એમનું બલ્ખમાં આવવું અને ભારતમાં દાખલ થવું એ બે વચ્ચે એટલો ઓછો ગાળો રહે છે કે આ વિભાગ ઈરાનની અસર નીચે બહુ આવી ગયો હોય એવું ભાગ્યે જ બને. આ પૂર્વના અથવા ઓક્સસની ખીણના સફેદ હૂણોને ચીનના લોકો “યેત” તરીકે ઓળખતા. “યેત” એ તેઓના રાજ્કૂળના નામ “યેત -ઈ -લિ -તો”નો આરંભિક ભાગ છે. પશ્ચિમી પ્રાજાઓએ એનું “હિઅતિલહ” અને “એકથલિત” રૂપાંતર કર્યું. આર્મેનિયનો, ઈરાનીઓ અને અરબોમાં “ખઝર” નામ કેટલીક વાર ઓક્સસ ખીણના એકથલિતો માટે વપરાતું હોવા છતાં મુખ્યત્વે તો એ જાક્સતીર્સની ઉત્તરે રહ્યા અથવા કાસ્પિયન સમુદ્રના પશ્ચિમતટના માર્ગે દક્ષિણમાં ફેલાયા તે સમૂહના વિભાગો માટે વપરાય છે. મહાન સફેદ હૂણ આક્રમણકારોના અભ્યુદયને લગતા ભારતીય ઉલ્લેખોમાં “ખઝર “નામ દેખા દેતું નથી. ભારતીય લખાણોમાં આ આક્રમણકારોણે હૂણો તરીકે અથવા મિહિરો એટલે કે મેરો તરીકે વર્ણવેલા છે. સફેદ હૂણોનું એક ઝુંડ ઓક્સસ પાર કરીને દક્ષિણે ભારતમાં દાખલ થયું એ જાણવામાં આવ્યું છે.

પાંચમી સદીના અંતમા સફેદ હૂણોના બે વિભાગ ઉત્તર ઈરાનમાં સ્થિર થયા હતા. આમાંના એક હતા દક્ષિણ આર્મેનિયામાંના અમન્હ અને અઝરબાઈજાનના ખઝરો. કાસ્પિયન અથવા ખાઝાર સમુદ્ર ઉપર સત્તા ધરાવતી તબરી (ઇસવીસન ૮૩૮- ૯૨૨)નો ખઝર દેશ હતો. બીજી વસાહત હતી સફેદ હૂણોની જે હિઅતિલહો કે યેતો તરીકે ઓળખાતા ને જેમની રાજધાની હેરાતની ઉત્તરે આવેલી બદેઘીઝ હતી. આ લોકો સફેદ હૂણ હતા.

ખઝરો કાળા કે કારા- ખઝર હતાં. કારા ખઝર બાંધી – બેઠી દડીના, કુરૂપ અને ભારતીય જેવાં કાળા હતાં. એ મેદાનોના ઉગરિયન ભ્રમણકાર હતા, જે લશ્કરના સામાન્ય સિપાહીઓ બનતા. સફેદ ખઝર અથવા સફેદ હૂણો ગોરી ચામડીના, કાળા વાળવાળા અને ખુબ જ દેખાવડા હતા (નવમા અને દસમા સૈકામાં). એમની સ્ત્રીઓની બગદાદ અને બાઈઝન્ટીયમમાં ભારે માંગ હતી. કલપ્રોથના મત પ્રામાણે સફેદ ખઝરો ઈસુની પહેલાંના સમયથી કાસ્પિયનની આસપાસ વસ્તી ગોરી પ્રજાનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. સફેદ હૂણ એકથલિતો, સફેદ ઊગરિયનો, સરોગોનો અને સફેદ બુલગ્રો તરીકે આ ગોરી જાતિ યુરોપ અને પૂર્વ એશિયા વચ્ચેની કડીરૂપ હતી. તેઓ તાર્તાર આક્રમણોના અગ્રેસર હતા

આ ગોરી પ્રજામાંથી ઇસવીસનની બીજી સદીના અંતમાં ખઝરોએ નામ કાઢ્યું, મોરીઝ (ઇસવીસન ૪૫૦) પ્રમાણે ઇસવીસન ૧૭૮ અને ૧૯૮ની વચ્ચે ખઝરોએ બઝિલિયનોની સાથે ભળી જઈ આર્મ્ર્નિયનો ઉપર હુમલો કર્યો અને સારી પેટે માર ખાધો. આર્મેનિયન લેખકો ઇસવીસન ૩૫૦મ પશ્ચિમ કાસ્પિયન પરના દર્બંદ થઈને ખઝરોએ ઇસવીસન ૩૫૦માં કરેલા હુમલાનો ઉલ્લેખ કરે છે.

પાંચમી સદીના અંતમાં સફેદ હૂણોના બે વિભાગ ઉત્તર ઈરાનમાં સ્થિર થયાં હતાં. આમાંના એક હતા દક્ષિણ આર્મેનિયામાંના અમનહ અને અઝરબૈજનનાં ખઝર. કાસ્પિયન અથવા ખઝર સમુદ્ર ઉપર સત્તા ધરાવતાં તબરી(ઇસવીસન ૮૩૮-૯૨૨)નો ખઝર દેશ હતો.

આની અર્વાચીન નિશાની “ઉજરિસ્તાનમાં રહી લાગે છે જેમાં આદ્ય “ગ”નો લોપ થયો છે. એ હઝારાની પશ્ચિમે અર્ધદાબની પાર આવેલું છે. મેર્વ અને બલ્ખની વચ્ચેનોનો એક બીજો પ્રદેશ બારમી સદીમાં “જુઝજન” તરીકે ઓળખાયો લાગે છે. હેલમંદની દક્ષિણે યોર્નટનણે સીસ્તાનના માર્ગ પર ગુજરિસ્તાન અને ગુજર- ઈ-ખશી મળ્યું છે. ગુજરિસ્તાન ગઝની પાસે છે. કા તો આ હેલમંદ ગઝર હ્યુ-એન-ત્સંગ (ઇસવીસન ૬૪૦)નું “હોસલો” હોય જેમાં કંઠય લુપ્ત છે ને “ર”નો “લ” થયો છે. બીજું બ્રહુઈઓ, જેમના ટૂંકા જાડાં અસ્થિ, ચપટા અંગ અને સખ્ત કામ અને ભારે આહારવાળી તંદુરસ્તી કરા અથવા નીચલા વર્ગના ખઝર સૂચવે છે. તેઓમાં મિંગલો (મિનો) નગ્રીઓ એક જાણીતો ગુર્જર પેટાવિભાગ, મેરવારી (મેરો)અને મેહરાની (મેહિરો-મિહિરો)તથા શંકાસ્પદ ગુર્ગનનીઓ કે ગુર્જરો છે. આ નામોની બીજી કોઈ સમજુતી અપાઈ ન હોઈ તેઓ ભારતવર્ષમાં બમિયન થઈને અને સીસ્તાન અને અફઘાનિસ્તાન થઈને બંને માર્ગે ખઝરો કે ગુર્જરોએ કરેલા ગમનન માર્ગની નિશાનીઓ રૂપ છે.ડૉ બર્ડ એમ કહે છે કે અફઘાનોને યુરોપિયન પ્રજા સાથે જોડતી અંતરાલ શાખા તે ખઝરોની જાતિ છે. જેઓની સાથે સાતમી સદી દરમ્યાન ઘણાં યહુદીઓ તથા ખ્રિસ્તીઓ સંલગ્ન હતાં. આ સૂચવે છે કે હઝારો, જે હેલમંદની પશ્ચિમે ઉપલા સિંધુદેશમાં અને રાવલપિંડીની ઉત્તરે જોવામાં આવે છે ને જેના મોંનાં લક્ષણ અને પ્રકાર મોંગલ તરફ ઢળે છે તે કર કે ઉતરતા ખઝરોના અવશેષ હશે !

આ જે એક માન્યતા પ્રવર્તે છે કે ગુર્જરો એ મૂળ ખઝરો છે તે વિષે થોડીક વિસ્તૃત માહિતી આપી છે.

ડૉ. ભગવાનલાલનાં મત મુજબ “મૈત્રક” અને “મિહિર” એ “મેડ”નું સંસ્કૃત રૂપ છે. ડૉ. હુલ્શે એવી માહિત આપી કે વાલ્ભીઓ મૈત્રકોના વિરોધી નહોતા એટલું જ નહીં પોતે ખુદ મૈત્રકો હતાં. આ પરથી એવું ફલિત થાય છે કે ગેહલોતો અને બીજા રાજપૂતો જે પોતાની ઉત્પત્તિ વલભીના બાળાઓ અથવા વાળાઓમાંથી હોવાનું જણાવે છે તેઓ પણ મિહિરો એટલેકે ગુર્જરો હતાં, કેમ કે “મિહિર” એ ગુર્જર માટેનું માનવાચક નામ છે,

અલ -બરુનીનાં જણાવ્યા અનુસાર જયપુર પાસેનું નારાયન કે બરાનનું મોટું વેપારમથક તાજેતરના સમય સુધી ગુર્જર પાટનાગર હતું ને એની પડતી થતા ગુર્જરો એ પોતાનું પાટનગર જહવઢ (જાવરા)માં ખસેડયું હતું દરમ્યાન ભીનમાલમાં પણ ગુર્જર સત્તાની પડતો થતી હતી. લગભગ ઇસવીસન ૯૫૦માં ૧૮૦૦૦ ગુર્જરોના સમૂહે ભીનમાલ છોડયું ને જૂની મધ્ય એશીયાઇ રીતે શકટોમાં પ્રવાસ કરી દક્ષિણ માળવામાં તથા ઉત્તર -પૂર્વ ખાનદેશમાં તાજી વસાહતો સ્થાપી ત્યાં કાયમી વસવાટની શરૂઆત કરી !

આ જાતિના લોકોએ ભારતની અને ગુજરાતની ધૂરા કેવી રીતે સંભાળી તેની વાત ભાગ – ૩ માં આવશે અને ત્યાંથી જ ઈતિહાસ શરુ થશે !

ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!