ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬)
———- ભાગ – ૫ ———-
ઈતિહાસ એટલે ઉત્ખનનનું મનન. ઈતિહાસ આપણને ઘણી બધી બાબતોથી અવગત કરાવે છે પણ એ અવગતિયાઓ માટે જરાય નથી. અવગત થવું સારું પણ અવગતિયા થવું જરાય નહીં. ગુજરાત એક એવું રાજ્ય છે જેના પ્રાચીન ઇતિહાસમાં દરેક રાજવંશે એની રાજધાની જુદી હતી. આમ તો ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની ભીન્ન્માલ (શ્રીમાલ) હતી પણ તેઓએ જયારે ગુજરાતની ધુરા સાંભળી ત્યારે તેમની ગુજરાતની રાજધાની ભડોચ (ભરૂચ) હતી. આ રાજવંશે ગુજરાત પર ૩૦૬ વરસ સુધી રાજ કર્યું હતું. તે રાજવંશ આમ તો રાજસ્થાનનો હતો એટલે કે મૂળ ગુજરાતનો તો હતો જ નહીં પણ પૂર્વીય ઈતિહાસ જોતાં માલૂમ પડશે કે ગુજરાત પર તો બધાં બહારના – ભારતના રાજવંશોએ જ રાજ કર્યું હતું. વિજય દ્વારા જ સત્તા પરિવર્તન આવ્યું હતું ગુજરાતની પ્રજાએ કોઈ વિદ્રોહ નહોતો કર્યો અને તેમ કરવાનું કોઈ કારણ પણ નહોતું . પહેલાં યાદવવંશ પછી મૈત્રકકાલ અને હવે ગુર્જર પ્રતિહાર વંશ. ગુર્જર પ્રતિહાર વંશે કોઈ ગુજરાતના રાજાઓને નહોતાં હરાવ્યાં પણ એ જ સમયે રાષ્ટ્રકૂટો સાથે થયેલી અથડામણોમાં તેમનો વિજય થયો હતો બીજું કે આરબોની નજર ગુજરાત પર હતી તેઓ પણ વારંવાર ગુજરાત પર આક્રમણ કરતાં હતાં તેમને ગુજરાતમાંથી ખદેડવાનું કામ કર્યું સૌ પ્રથમ ગુર્જર પ્રતિહાર વંશના સંસ્થાપક નાગભટ્ટ પ્રથમે પછી મહાન શાસક મહારાજા મિહિરભોજે . એ વખતની રાજકીય સ્થિતિ -પરિસ્થિતિ જ એવી હતી કે ગુજરાત પર પોતાની સત્તાની ધક જમાવવી જ પડે ! એ જમાવવા તો રાજ તો કરવું પડે કે નહીં ! તે એમણે કર્યું લગભગ ૩૦૬ વરસ !
દરેક રાજવંશની એક ખાસિયત હોય છે કે એનો સંસ્થાપક ઉત્તમ હોય અને પછી કોઈ ૨-૩ જ સારાં રાજાઓ આવે કે જેમની વિગતો ઈતિહાસમાંથી પ્રાપ્ત થાય પણ ઇતિહાસની એક ખામી એ પણ છે કે અમુક રાજાઓના માત્ર નામ જ મળે છે પણ એમનાં વિષે પુરતી વિગતો પ્રાપ્ત નથી કરાવી શકતો આપણો ગૌરવશાળી ઈતિહાસ આનુ કારણ એ દાનપત્રો, તામ્રપત્રો, અભિલેખો અને ગ્રંથસ્થ સાહિત્ય જ છે જે ગુર્જર પ્રતિહાર વંશમાં પણ બન્યું છે. આ વંશમાં ઘણા બધાં એવાં રાજવીઓ પણ છે કે જેમના વિષે કશી જ વિગતો પ્રાપ્ત થતી નથી. માત્ર એટલી જ જાણકારી આપણને મળે છે કે આ રાજવીઓએ અમુક-તમુક વર્ષો સુધી રાજ કર્યું હતું.
આ વંશમાં કુલ ૧૭ રાજાઓ થયાં. જેમાં નાગભટ્ટ બીજાં સુધી આપણે જોયું પછી એક રાજા વછે રહી ગયો હતો રામભદ્ર એ વિષે આપણે થોડુંક જાણી લઈએ. એટલેકે જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી આગળ વધીએ !
રાજા રામભદ્ર ———–
રાજા નાગભટ્ટ બીજા પછી તેનો પુત્ર રામ્ભાદ્ર ગાદીએ આવ્યો. જેનો સમય ઇસવીસન ૮૩૪થી ૮૩૬ આંકવામાં આવ્યો છે એટલે કે માત્ર ૩ જ વર્ષ ! આટલાં વર્ષમાં તો કોઈ પણ રાજા કશું જ ના કરી શકે. તેના વિષે કોઈ પરાક્રમ કર્યાનો કયાંય પણ ઉલ્લેખ થયેલો જોવાં મળતો નથી. તેમ જ તેણે બહુ અલ્પસમય માટે ગાદી સંભાળી હોવાનું માલૂમ પડે છે.
પ્રબંધચિંતામણિમાં આપેલા વૃત્તાંત અનુસાર આ રાજાનું નામ “દંદુક” હતું. એને વેશ્યા આસક્તિને લીધે પોતાનાં રાણી – કુંવરને છોડયાં હતાં. ને કુમાર મિહિર ભોજે મોટા થતાં પિતાને મારી નાંખીને ગાદી પ્રાપ્ત કરી હતી.
આ રાજાના ગુજરાત પરના આધિપત્ય વિષે કંઈ ઉલ્લેખ મળતો નથી. પરંતુ એના અનુગામીઓના સમયમાં એ આધિપત્ય ચાલુ રહ્યું હોઈ, નાગભટ્ટ બીજાએ સ્થાપેલું ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પરનું આધિપત્ય આ રાજાના સમયમાં પણ ચાલુ રહેલું હોવું જોઈએ.
સૈન્ધવ વંશના રાજા કૃષ્ણરાજ બીજાથી જાઈક પુત્ર અગ્ગુક સુધીના ચાર રાજાઓની પ્રશસ્તિમાં રામની સેવામાં ભરત …… વગેરે પ્રશસ્તિ ઉપરથી તેમને પ્રતિહાર રાજા રામભદ્રનાં સમાંત ગણવામાં આવ્યા છે. પરંતુ તેમાં એવો કોઈ ઉદ્દિષ્ટ રહેલો નથી. ક્યાંક એવો ઉલ્લેખ જરૂર થયો છે કે એમની પત્નીનું નામ અપ્પાદેવી હતું. આ સીવાય તેમની કોઈ જ વિગત પ્રાપ્ત નથી થતી.
મહારાજા મિહિર ભોજ એ આ રામભદ્ર અપ્પદેવીનો જ પુત્ર થાય એજ રાજા રામભદ્ર પછી રાજગાદી સંભાળે છે. મહારાજા મિહિર ભોજ વિષે આપણે આગળ જોયું જ છે એટલે એમને વિષે બીજી કોઈ વાત ન કરતાં આપણે મિહિર ભોજના સુપુત્ર મહેન્દ્રપાલ ગાદી સંભાળે છે.
રાજા મહેન્દ્રપાલ ———
મિહિર ભોજ પછી એમની પત્ની ચંદ્રભટ્ટારિકા દેવીથી ઉત્પન્ન થયેલ પુત્ર મ્હેન્દ્રપાલ પ્રથમ (ઇસવીસન ૮૮૫ – ઇઅસવિસ્ન ૯૧૦) શાસક બન્યો. એમણે ન કેવળ પોતાના પિતાથી ઉત્તરાધિકારમાં પ્રાપ્ત સામ્રાજ્યને અક્ષુણ્ય બનાવી રાખ્યું, અપિતુ પૂર્વમાં પણ એનો વિસ્તાર પણ કર્યો.
મહેન્દ્રપાલ પ્રથમના શાસનકાળ સંબંધિત ઘટનાઓની સુચના પ્રાપ્ત થવાંવાળા લેખ મિહિર ભોજના લેખમાંથી અધિક માત્રામાં પ્રાપ્ત થાય છે. એમના ઘણા સામંતોના પણ આ રાજાનો ઉલ્લેખ થયેલો જોવાં મળે છે. લેખોમાં એમને પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર કહ્યા ગયાં છે. દક્ષિણી બિહાર તથા બંગાળના ઘણાં સ્થળોમાંથી એમનાં લેખ મળી આવ્યાં છે.
એમાં બિહારશરીફ (પટના)માંથી એમના શાસનકાળના ચોથા વર્ષના બે લેખ, રામગયા તથા ગુનરિયા (ગયા)માંથી પ્રાપ્ત થયેલા આઠમા તથા નવમા વર્ષના લેખ, ઈટખૌરી (હજારીબાગ)નો લેખ તથા પહાડપુર (રાજશાહી -બંગાળ )માંથી પ્રાપ્ત પાંચમાં વર્ષનો લેખ આદિ વિશેષરૂપે ઉલ્લેખનીય છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાજા મહેન્દ્રપાલના પિતા મિહિર ભોજના કોઈ પણ લેખો આ ક્ષેત્રોમાંથી નથી મળ્યાં. અત: એ નિષ્કર્ષ કાઢવો સ્વાભાવિક છે કે આ સ્થાનો પર વિજય મહેન્દ્રપાલે મેળવ્યો હતો. એમનો પાલ સમકાલીન રાજા નારાયણપાલ એક નિર્બળ રાજા હતો. મગધ ક્ષેત્રમાંથી એમના શાસનકાલનાં સત્તરમા વર્ષ સુધીના પણ લેખો મળી આવ્યાં છે. પરંતુ એ પછી છેક ચોપ્પનમા વર્ષનો લેખ મળી આવ્યો છે. એનાથી એ સૂચિત થાય છે કે આ અવધિ (૧૭ -૬૪ વર્ષ)માં મગધ ક્ષેત્ર પર પ્રતિહારોનો અધિકાર થઇ ગયો હતો. મહેન્દ્રપાલે આગળ વિજય કરતાં કરતાં છેક બંગાળ સુધીનો પ્રદેશ પણ જીતી લીધો હશે એવું એમના પહાડપુર ના લેખમાંથી પ્રમાણિત થાય છે. કાઠિયાવાડ, પૂર્વી પંજાબ, ઝાંસી તથા અવધમાંથી પણ એમના લેખો મળી આવ્યાં છે જે એમના સામ્રાજ્ય-વિસ્તારની સુચના આપે છે.
માલવાના પરમાર શાસક વાકપતિ પણ સંભવત: એમની આધિનતાનો સ્વીકાર કરતાં હતાં. કાઠિયાવાળના ચાલુક્ય શાસક પણ એમના સામંત હતાં એવું પ્રમાણ ઉણા લેખમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયાથી બીજાં બે લેખ પણ મળે છે જેમાં ચાલુક્ય બલવર્મા તથા એમના પુત્ર અવંતિવર્માનો ઉલ્લેખ સામંતોના રૂપમાં મળે છે.
રાષ્ટ્રકૂટ નરેશ ગોવિંદ ચતુર્થના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ દ્વિતીયે કોઈક મોટા શત્રુને પરાજિત કરીને ખેટકમંડલ(ખેડા- ગુજરાત)પોતાનાં તરફથી કોઈ વ્યક્તિને રાજા બનાવ્યો હતો. આનથી એ ધ્વનિત થાય છે કે એમનાં પૂર્વે કેટલાંક સમય માટે મહેન્દ્રપાલે ગુજરાત અંતર્ગત ખેટક ક્ષેત્રને પણ જીતી લીધું હતું પરંતુ પછીથી રાષ્ટ્રકૂટોનો સત્તા પર અધિકાર પ્રાપ્ત થઇ ગયો હતો.
આ પ્રકારે રાજા મહેન્દ્રપાલે ન માત્ર એક અત્યંત વિસ્તૃત સામ્રાજ્ય પર શાસન કર્યુ પણ એમને જીવનપર્યંત પોતાના શત્રુઓને દબાવીને પણ રાખ્યા. મહેન્દ્રપાલ ન કેવળ એક વિજેતા એવં સામ્રાજ્ય નિર્માતા હતાં, અપિતુ કુશળ પ્રશાસક એવં વિદ્યા અને સાહિત્યના મહાન સંરક્ષક પણ હતાં. એમની રાજસભામાં પ્રસિદ્ધ વિદ્વાન રાજશેખર નિવાસ કરતાં હતાં જે એમનાં રાજગુરુ હતાં.
રાજશેખરે કર્પૂરમંજરી, કાવ્યમીમાંસા, વિધ્યશાલભન્જિકા, બાલ રામાયણ, ભુવન કોશ, હરવિલાસ જેવાં પ્રસિદ્ધ ગ્રંથોની રચના કરીહતી. એમની રચનાઓમાંથી કન્નૌજ નગરના વૈભવ એવં સમૃદ્ધિની માહિતી પ્રાપ્ત થાય છે.આ પ્રકારે વિભિન્ન સ્રોતોના આધાર પર એ નિષ્કર્ષ નીકળે છે કે મહેન્દ્રપાલનાં શાસનકાળમાં રાજનૈતિક તથા સાંસ્કૃતિક એ બંને દ્રષ્ટિથી પ્રતિહાર સામ્રાજ્યની અભૂતપૂર્વ પ્રગતિ થઇ. કન્નૌજે એક વાર પુન: ત્યાં ગૌરવ એવં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી જે સમ્રાટ હર્ષવર્ધનના કાળમાં એને પ્રાપ્ત હતી. આ નાગર હિંદુ સભ્યતા એવં સંસ્કૃતિનું કેન્દ્ર બની ગયું તથા શક્તિ અને સૌંદર્યમાં એની બરોબરી કરવાવાળું બીજું કોઈ નાગર ન રહ્યું !
રાજા ભોજદેવ બીજો ———
મહેન્દ્રપાલ પછી તેમનો પુત્ર ભોજ (બીજો) ગાળે આવ્યોઇસવિસ્ન ૯૧૦માં. તેના કોઈ પરાક્રમનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ તેનો ઓરમાન ભાઈ મહિપાલ ચક્રવર્તિના સિંહાસન માટેનો હરીફ ઉમેદવાર હતો. એટલે રાજગાદી માટે વિગ્રહ ચાલ્યો. તેમાં ગુર્જરદેશ આખો મહિપાલના પક્ષે રહ્યો અને અંતે મહીપાલે ભોજને હરાવ્યો. તેનો રાજ્યકાળ લગભગ ઇસવીસન ૯૧૨ સુધી આંકી શકાય.
રાજા મહીપાલ ———-
મહેન્દ્રપાલ પછી પ્રતિહાર વંશના ઉત્તરાધિકારીનો પ્રશ્ન કેટલોક વિવાદાસ્પદ છે. એમને બે પત્નીઓ હતી જેનાથી તેમને બે પુત્ર – ભોજ દ્વિતીય તથા મહિપાલ હતાં. મહેન્દ્રપાલ પછી સંભવત: કેટલાંક સમય માત્ર ભોજ દ્વિતીયે શાસન કર્યું હતું. એમાં એમને પોતાના સામંત ચેદિનરેશ કોક્ક્લદેવ પ્રથમ દ્વારા સહાયતા પ્રાપ્ત થઇ હતી તથા સંભવત: એમની સહાયતાથી જ ભોજ્દેવ બીજાએ સિંહાસન પર પોતાનો અધિકાર જમાવી દીધો હતો. આનો સંકેત કોક્ક્લદેવના બિલ્હારી લેખમાં થયો છે જ્યાં બતાવવામાં આવ્યું છે કે સમસ્ત પૃથ્વીને જીતીને એમણે બે કીર્તિસ્તંભ સ્થાપિત કાર્ય દક્ષિણમાં કૃષ્ણરાજ અને ઉત્તરમાં ભોજ્દેવ ! બનારસ દાનપત્રમાં એવી કહેવામાં આવ્યું છે કે કોક્ક્લદેવે ભોજને અભયદાન આપ્યું હતું.
પરંતુ ભોજ માત્ર બે વર્ષ સુધી જ શાસન કરી શક્યો તથા શીઘ્ર જ એનો સાવકો ભાઈ મહીપાલ શાસક બન્યો. એમને ચંદેલ વંશના રાજા હર્ષદેવ દ્વારા ઘણી સહાયતા પ્રાપ્ત થઇ હતી. સંભવત: એમણે ભોજને પરાજિત કર્યો તથા સિંહાસન પર અધિકાર જમાવી લીધો. ખજુરાહો લેખથી એ જાણકારી મળે છે કે – “હર્ષદેવે ક્ષિતિપાલને સિંહાસન પર પુન:સ્થાપિત કર્યો હતો”અહીં ક્ષિતિપાલનું તાત્પર્ય મહીપાલ સાથે જ છે.
એમણે ઇસવીસન ૯૧૨થી ઇસવીસન ૯૪૪ સુધી શાસન કર્યું. એમનો શાસનકાલ શાંતિ એવં સમૃદ્ધિનો કાલ રહ્યો. એમને પોતાના સામ્રાજ્ય અક્ષુણ્ણ બનાવી રાખ્યું તથા એનો કેટલોક વિસ્તાર પણ કર્યો.ગુજરાત જેવા કેટલાંક દૂરવર્તી પ્રદેશ પર પણ પોતાનો અધિકાર બનાવી રાખ્યો જ્યાં એમનો જ સામંત ધરણિવરાહ રાજ્ય કરતો હતો.
પરંતુ પૂર્વની જેમ આ સમયમાં પણ રાષ્ટ્રકૂટોએ પણ પ્રતિહારોને શાંતિપૂર્વક શાસન ના જ કરવાં દીધું. આ સમયે રાષ્ટ્ર્કૂત વંશમાં ઇન્દ્ર ત્રીજાનું શાસન ચાલી રહ્યું હતું. એને એક સેના સાથે મહીપાલ પર આક્રમણ કર્યું. ખંભાતનાં દાનપત્ર અનુસાર એમણે માલવા પર આક્રમણ કરીને ઉજ્જૈન પર અધિકાર પ્રાપ્ત કરી લીધો તથા એમની સેનાએ યમુના નદી આર કરીને કુશસ્થલનામથી પ્રસિદ્ધ મહોદય નગર (કન્નૌજ)ને પણ નષ્ટ-ભ્રષ્ટ કરી નાંખ્યું !
ઇન્દ્રના અભિયાનમાં એમના ચાલુક્ય સામંત નરસિંહે પણ સહાયતા કરી હતી. એનો ઉલ્લેખ કન્નડ કવિ પમ્પ (ઇસવીસન ૯૪૧)માં પોતાનાં ગ્રંથ “પમ્પભારત”માં કર્યો છે જે નરસિંહનો આશ્રિત કવિ હતો. આ યુદ્ધમાં મહીપાલ પરાજિત થયો તથા જાન બચાવીને ભાગી ગયો. એવું પ્રતીત થાય છે કે એમની સ્થિતિનો લાભ ઉઠાવીને પાલોએ પણ બિહારના એ ક્ષેત્રો પર પુન: પોતાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો જેમણે પહેલાં મહેન્દ્રપાલણે વિજિત બનવ્યા હતાં.
પાલ નરેશ રાજ્યપાલ તથા ગોપાલ દ્વિતીયના લેખ ક્રમશ: નાલંદા તથા ગયાથી મળે છે. આ બંને પણ મહીપાલના સમકાલીન હતા. લેખોની પ્રાપ્તિસ્થાનો પરથી એ સૂચિત થાય છે કે બિહારનો મોટો ભાગ પાલોના અધિકારમાં ચાલ્યો ગયો હતો તથા કેટલાંક સમય માટે પ્રતિહારોની સ્થિતિ અત્યંત નિર્બળ પડી ગઈ હતી. આ બધુ રાષ્ટ્રકૂટોનાં આક્રમણોનું જ પરિણામ હતું. પરંતુ ઇન્દ્ર તૃતીય કન્નૌજમાં વધારે સુધી રોકાઈ- રહી શક્યો નહીં તથા એને શીઘ્ર જ દક્ષિણ ભારત પાછું ફરવું પડયું. રાષ્ટ્રકૂટોના પ્રત્યાવર્તન પશ્ચાત મહીપાલે પુન: પોતાની સ્થિતિ સુદ્રઢ કરવાનો પ્રારંભ કરી દીધો. ચંદેલ તથા ગુહિલોત વંશના પોતાના સામંત શાસકોની સહાયતા પ્રાપ્ત કરીને એને કન્નૌજ, ગંગા-યમુનાના દોઆબ, બનારસ, ગ્વાલિયર તથા પશ્ચિમમાં કાઠિયાવાડ સુધીના પ્રદેશો પર પુન: પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો.
રાજશેખર એમને “આર્યાવર્તના મહારાજ” કહે છે. એમનાં વિજયોનું વિવરણ આપતાં તેઓ લખે છે કે — ” આ જ મહીપાલે મરલોંનાં માથાના વાળોને ઝુકાવ્યા. મેકલોને અગ્નિસમાન જલાવી દીધા, કલિંગરાજને યુધ્ધમાંથી ભગાડી દીધા, કરલરાજની કે કેલીનો અંત કર્યો, કુલૂતોને જીત્ય, કુંતલો માટે પરશુનું કામ કર્યું તથા રમઠોંની લક્ષ્મીને બળપૂર્વક અધિગ્રહિત કરી દીધી.
આમાં મુરલ સંભવત: નર્મદા ઘાટીની કોઈ જાતિ હતી. રાજશેખરે એને કાવેરી તથા વનવાસીની મધ્યે સ્થિત બતાવી છે. મેકલ રાજ્ય નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં સ્થિત પ્રદેશ હતો. કલિંગ ઉડીસામાં તથા કેરળ તામિલ દેશમાં સ્થિત હતાં. કુલૂત તથા રમઠની સ્થિતિ પંજાબમાં પાણી થઇ ગઈ છે.
સંભવ છે કે રાજશેખરનું આ વિવરણ કાવ્યાત્મક હોય પણ એમાં સંદેહ નથી કે ઉપરોક્ત પ્રદેશોમાંથી અધિકતર પર પહેલેથી જ પ્રતિહારોનો અધિકાર હતો. એ પણ સંભવ છે કે મહિપાલની સંકટગ્રસ્ત સ્થિતિનો લાભ ઉઠાવીને કેટલાંક રાજ્યોએ પોતાની સ્વાધીનતા ઘોષિત કરી દીધી હોય તથા શક્તિશાળી થતા જ મહીપાલે પુન: આનાં પર પોતાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો હોય.
રાષ્ટ્રકૂટ પણ નિર્બળ સ્થિતિમાં જ હતાં. એમનો શાસક ગીવિંદ ચતુર્થ યોગ્ય એવં વિલાસી હતો. જો એમની સ્થિતિનો લાભ ઉઠાવીને મહીપાલે કેટલાંક દક્ષિણી પ્રદેશો પર ધાવા બોલ્યા હોય એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
ક્ષેમીશ્વરના નાટક “ચન્ડકૌશિકમ”માં મહીપાલને કર્નાટનો વિજેતા બતાવવામાં આવ્યો છે. તદઅનુસાર “ચંદ્રગુપ્તે ચાણક્ય નીતિનું પાલન કરતાં નન્દોણે પરાજિત કરીને પાટલીપુત્રને જીત્યું હતું. એ જ પુન:કર્નાટ રૂપમાં પુનાર્જાત નન્દોનો વધ કરવાં માટે મહીપાલ રૂપમાં અવતરિત થયો.”
અધિકાંશ વિદ્વાન આ મહિપાલની ઓળખાણ પ્રતિહારવંશી મહીપાલથી જ કરાવે છે. કર્નાટનું તાત્પર્ય રાષ્ટ્રકૂટ પ્રદેશ સાથે છે. એવું પ્રતીત થાય છે કે ઇન્દ્ર તૃતીય સાથે થયેલાં પ પોતાના પરાજયનો બદલો લેવા માટે મહીપાલે એમનાં ઉત્તરાધિકારીના સમયમાં રાષ્ટ્રકૂટો પર આક્રમણ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. એનું સમર્થન ચાટસુ લેખમાંથી પણ મળે છે.જેમાં એમ કહેવામાં આવ્યું છે કે મહીપાલના સામંત ભટ્ટે પોતાના સ્વામીની આશા રાખીને કોઈ દક્ષિણી શત્રુને જીત્યો હતો. અલ- મસૂદીએ પણ મહીપાલની અપાર શક્તિ એવં સાધનોની પ્રશંસા કરી છે.
એમનાં જણાવ્યા અનુસાર મહીપલના સૈનિકોની કુલ સંખ્યા સાતથી નવ લાખની વચ્ચે હતી જે એમણે સામ્રાજ્યની ચારે તરફ ફેલાવી રાખી હતી કારણકે એ બધી બાજુએથી શત્રુઓ દ્વારા ઘેરાયેલો હતો. એમનાં શત્રુઓમાં રાષ્ટ્રકૂટ તથા આરબ પ્રમુખ હતાં. આ વિવરણો પરથી એ સંકેત મળે છે કે મહીપાલે પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરી હતી. એવું પ્રતીત થાય છે કે મહીપાલની સફળતા પરપાટ કર્યા પછી પણ રાષ્ટ્રકૂટોનાં આક્રમણથી પ્રતિહારોણે જે નુકશાન પહોંચ્યું જે આઘાત સહન કરવો પડયો એમાંથી તેઓ બહર આવી જ શક્યા નહીં. રાજા મહિપાલના સમયમાં જ પ્રતિહાર-સામ્રાજ્યના વિઘટનનો પ્રારંભ થઇ ચુક્યો હતો. ચંદેલ, પરમાર તથા ચેદિ લોકોએ પોતાની સ્વતંત્રતા ઘોષિત કરી દીધી.
એવો સંકેત મળે છે કે એમના શાસનનાં અંતમાં કલંજર તથા ચિત્રકૂટના દુર્ગો પરથી મહિપાલનો અધિકાર જતો રહ્યો હતો. સંભવ છે કે આ ચિંતામાંને ચિતામાં એમનું મૃત્યુ ઇસવીસન ૯૪૫માં થઇ ગયું. તેમ છતાં નિસંદેહ એમની ગણના પ્રતિહાર વંશના મહાનતમ શાસકોમાં કરવામાં આવે છે.
પ્રતિહાર સામ્રાજ્યનું પતન ———
મહિપાલ પશ્ચાત એમનો પુત્ર મહેન્દ્રપાલ દ્વિતીય રાજા બન્યો જેણે ઇસવીસન ૯૪૫થી ઇસવીસન ૯૪૮ સુધી રાજ્ય કર્યું . આટલાં ઓછાં વરસમાં તો કોઈ કશું જ ના કરી શકે.
એટલે એમને શું કાર્ય કર્યું હતું તે વિષે તો ઈતિહાસ હજી પણ અજ્ઞાત જ છે.
પરંતુ મહેન્દ્રપાલનો એક લેખ દક્ષિણી રાજપુતાનાના પ્રતાપગઢ નામના સ્થળમાંથી મળી આવ્યો છે જેમાં દશપુર (મન્દસોર)માં સ્થિત એક ગામને દાનમાં આપ્યાનો ઉલ્લેખ થયો છે. એમાં સ્પષ્ટ છે કે મહેન્દ્રપાલના સમય સુધી પ્રતિહારોનું માલવા ક્ષેત્ર પર અધિકાર પૂર્વવત બની રહ્યો હતો.
પરંતુ એનો સમાંત ચાહમાનવંશી ઇન્દ્રરાજ શાસન કરતો હતો. એના પછી લગભગ ઇસવીસન ૯૬૦ સુધી પ્રતિહાર વંશમાં ચાર શાસક થયા
- દેવપાલ (ઇસવીસન ૯૪૮-૯૪૯)
- વિનાયકપાલ દ્વિતીય (ઇસવીસન ૯૫૩-૯૫૪ )
- મહીપાલ દ્વિતીય (ઇસવીસન ૯૫૫)
- વિજયપાલ (ઇસવીસન ૯૬૦)
આમાંથી બે એ એક વરસ કરતાં પણ ઓછું રાજ્ય કર્યું છે અને બાકીના બેએ માત્ર ૧ જ વરસ ! આ માત્ર દાનપત્રમાં પાયેલી માહિતી માત્ર જ છે જેનાથી કશું ફલિત થતું જ નથી . માત્ર નામો જ છે ખાલી જે આગળ વંશ ચાલ્યો હતો તેટલું જ જણાવે છે.
આ શાસકોના સમયમાં પ્રતિહાર સામ્રાજ્યની નિરંતર અવનતિ થતી રહી, વિજયપાલનો સમય આવતાં આવતાં પ્રતિહાર સામ્રાજ્ય કેટલાંય હિસાઓમાં વહેંચાઇ ગયું. પ્રત્યેક ક્ષેત્રમાં સ્વતંત્ર રાજવંશ શાસન કરવાં લાગ્યાં. આમાં કન્નૌજના ગહડવાલ, જેજાક-મુક્તિ (બુન્દેલખંડ)ના ચંદેલ, ગ્વાલિયરના કચ્ચ્ઘાત, શાકંભરીના ચાહમન, માલવાના પરમાર, દક્ષિણી રાજપુતાના ગુહિલોત, મધ્ય ભારતના કલચુરિચેદિ તથા ગુજરાતના ચૌલુક્ય પ્રમુખ છે.
દસમી સદીના મધ્યગમાં તો પ્રતિહાર સામ્રાજ્ય પૂર્ણત્યાં છિન્ન-ભિન્ન થઇ ગયું. હવે એ માત્ર કન્નૌજની આસપાસનું જ માર્યાદિત ક્ષેત્ર સુધી જ સીમિત રહ્યું હતું. રાજ્યપાલ જે વિજયપાલનો હતો એને ઇસવીસન ૧૦૧૮ સુધી કન્નૌજ પર શાસન કર્યું. એને મહમૂદ ગઝની સન્મુખ આત્મસમર્પણ કરી દીધું હતું થા એના પર મુસ્લિમોનો અધિકાર પણ થઇ ગયો હતો. જો કે ગઝનીએ ભારતમાં કોઈપણ સમય માટે રાજ્ય કર્યું જ નથી અને ભારતમાં મુસ્લિમ શાસનતો ગુલામ વંશ તો ઇસવીસન ૧૨૦૬માં અસ્તિત્વમાં આવ્યો હતો. એટલે એ કહેવું પણ જરા વધારે પડતું કહેવાય . સાચા અર્થમાં કન્નૌજ પ્રતિહાર પછી રાષ્ટ્રકૂટોના હાથમાં આવ્યું હતું !
પણ એક વાત એવી પણ જાણવા મળી છે કે મહમૂદ ગઝનવીએ ઇસવીસન ૧૦૧૮માં કન્નોજ કબજે કર્યું હતું પણ રાજ નહોતું કર્યું. અહીં કબજે કરવાનો અર્થ કદાચ લુંટવાનો નિહિત હોઈ શકે છે કારણકે ગઝની તો લુંટીને ચાલ્યો ગયો હતો અને ફરી પાછો પણ લૂંટવા આવ્યો હતો. એમ તો ગઝનીએ સોમનાથ પણ લૂંટયુ હતું ત્યારે ગુજરાત પર સોલંકીઓનું શાસન પ્રવર્તમાન હતું. એ વખતના સૌરાષ્ટ્રના રજવાડાઓનું શું થયું હતું તે પછી જોઈએ છીએ. પણ તે સમયે સૌરાષ્ટ પર પણ પ્રતિહારોની સત્તા હતી તેવું પણ ઇતિહાસમાં નોંધાયેલું જ છે. આ રાજ્યપાલ પોતની જાત છુપાવીને ભાગી ગયો અને મહમૂદ ગઝનીએ કન્નૌજને બહુ જ લૂંટ્યું.
મહીપાલના સમય પછી પણ ગુર્જર પ્રતીહારોનું આધિપત્ય સૌરાષ્ટ્ર પર ક્યાં સુધી ચાલુ રહ્યું એ જાણવા મળતું નથી. આ રીતે જોતાં લગભગ ઇસવીસન ૮૦૦થીઓછામાં ઓછું ઇસવીસન ૯૧૫ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચુક્યો અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ચાપો પર કન્નૌજના ચક્રવર્તી ગુર્જર પ્રતિહારોએ આધિપત્ય જમાવ્યું હતું. તે દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈન્ધવો જેઓ પણ સામંતો હતા તેઓ પ્રતિહારોના આધિપત્ય નીચે હશે એમ લાગે છે.
પૂર્વ સૌરાષ્ટ્રમાં આ સમયે વાળાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચુડાસમાઓ સત્તા ધરાવતા હતા એવું એમના રાજવંશોને લગતી અનુશ્રુતિઓ પરથી જણાય છે. પ્રતીહારોનું આધિપત્ય સૌરાષ્ટ્રના આ બીજાં રાજ્યો પર પ્રવર્તતું હતું કે કેમ તે વિષે કંઈ ઉલ્લેખ કે સૂચન મળતું નથી.
રાજ્યપાલની આ કાયરતા પર તત્કાલીન ભારતીય શાસક અત્યંત કુપિત થયાં. ચન્દેલ નરેશ વિદ્યાધરે રાજાઓનો એક સંઘ તૈયાર કરીને એને દંડિત કરવાનો નિશ્ચય કર્યો. દૂબકૂંડ લેખમાંથી એ જાણવા મળે છે કે વિદ્યાધરના સામંત કછવાહા વંશી અર્જુને રાજ્યપાલ પર આક્રમણ કરી એની હત્યા કરી દીધી હતી.
રાજ્યપાલના બે ઉત્તરાધિકારી – ત્રિલોચનપાલ તથા યશપાલનાં નામ મળે છે જેના વિષે આપણે કશું જાણતાં પણ નથી. પ્રતિહારવંશનો અંત ઇસવીસન ૧૦૩૬માં રાષ્ટ્રકૂટોના હાથે આવી ગયો. કોઈક તો એમ પણ કહે છે કે કોઈને કોઈ રીતે કન્નૌજ અથવા એનાં કોઈ ભાગ પર શાસન કરતાં રહ્યાં ઇસવીસન ૧૦૯૦ સુધી. ત્યાર બાદ ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય પૂર્ણરૂપે વિલુપ્ત થઇ ગયું તથા કન્નૌજમાં એના સ્થાન પર ગહડવાલ વંશની સ્થાપના થઈ.
ઉત્તર ભારતના ઇતિહાસમાં પ્રતિહારોના શાસનનું બહુ જ મહત્વપૂર્ણ સ્થાન છે. હર્ષવર્ધનના મૃત્યુ પછી પ્રતિહારોએ પ્રથમ વખત ઉત્તર ભારતમાં એક વિસ્તૃત સામ્રાજ્યની સ્થાપના કરી તથા લગભગ દોઢસો વર્ષ સુધી એ સામ્રાજ્યના અધિષ્ઠાતા બની રહ્યા. એમને આરબ આક્રમણકારીઓનો સફળતાપૂર્વક સામનો કર્યો અને દેશની રક્ષા કરી. મુસ્લિમ લેખકો પણ એમની સમૃદ્ધિની પ્રશંસા કરે છે. એ માતૃભૂમિના સજાગ પ્રહરી હતા અને આ રૂપમાં એમને પોતાનું પ્રતિહાર નામ સાર્થક કરી દીધું.
અનેક વિદેશી ઈતિહાસકારો આ પર આશ્ચર્ય પ્રકટ કરે છે કે જે ઇસ્લામ ધર્મ વિશ્વના અન્ય ભાગોમાં બહુ ઝડપથી પ્રસરી રહ્યો હતો તે ભારત ભૂમિ પર આસાનીથી અગ્રેસર ના જ થઇ શક્યો. જેટલા સમય સુધી પ્રતિહારોએ આરબોનો સફળતાપુર્વક સામનો કર્યો એટલાં સમયમાં તોકેટલાંક રાજવંશોનું અસ્તિત્વ પણ નહોતું રહ્યું.
શાંતિકાળમાં પણ એમની ઉપલબ્ધિઓ ઓછી સરાહનીય નહોતી. એમને કન્નૌજને એમનો પ્રાચીન વૈભવ ન માત્ર પાછો આપ્યો અપિતુ એમાં એ સીમાઓ સુધી અભિવૃદ્ધિ કરી દીધી કે આચાર -વિચાર, સુસંકાર એવં સભ્યતાની દ્રષ્ટિથી દેશના અન્ય ભાગોના લોકો અહીના નિવાસીઓનું પણ અનુકરણ કરવાં લાગ્યાં. શક્તિ તથા સૌન્દર્યમાં એમની બરોઅબરી કરવાંવાળું કોઈ બીજું નાગર નહોતું ! કેટલાંક વિદ્વાનો તો હર્ષના સ્થાન પર પ્રતિહાર શાસક મહેન્દ્રપાલ પ્રથમને જ હિંદુ ભારતનો અંતિમ શાસક માને છે.
સમ્રાટ હર્ષવર્ધનનાં મૃત્યુ પછી આ ગુર્જર પ્રતીહારોમાં સંપૂર્ણ ઉત્તર ભારતમાં એકછત્ર સામ્રાજ્ય સ્થાપિત કર્યું. પણ વિજયપાલ (ઇસવીસન ૯૬૦)ના સમય સુધી આવતાં આવતાં વિશાલ પ્રતિહાર સામ્રાજ્ય પૂર્ણતય છિન્ન-ભિન્ન થઇ ગયું તથા ઉત્તર ભારતમાં પુન: રાજનૈતિક અરાજકતા એવં અવ્યવસ્થા ઉત્પન્ન થઇ ગઈ !
આ વંશ આરબોને હંફાવનાર અને એમને તગેડી મુકનાર અને રાષ્ટ્રકૂટોને હરાવનાર તરીકે ઠા ગુર્જર સ્થાપત્યકલા જેમાં બટેશ્વર હિંદુ મંદિર , ગ્વાલિયરનું તૈલી મંદિર તથા મુરૈના જિલ્લામાં આવેલું ચોસઠ યોગીની મંદિર જેવાં સ્થાપત્યો માટે તથા સાહિત્ય અને કળા માટે સદૈવ યાદ રહેશે .
ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!
——— જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- ગુર્જર પ્રતિહાર વંશ ભાગ -૧
- ગુર્જર પ્રતિહાર વંશ ભાગ -2
- ગુર્જર પ્રતિહાર વંશ ભાગ – ૩
- મહારાજા મિહિર ભોજ- ગુર્જર પ્રતિહાર વંશ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..