સિદ્ધચોરાસીના બેસણા સમા ગિરનાર પાસે સામી ન સમાય એટલી, હજારો વરસની આવી કથનીઓનો મોટો અંબાર છે…! દામોદરકુંડના શીતલ પાણીમાં આગમનના આરાધકોનાં ખંખોળિયાં ખવાતાં હોય. બરાબર એવી વેળાએ દામોદરકુંડના કાંઠા ઉપર ડરતો, અચકાતો, ખચકાતો, જૂનાગઢનો નીચલી વરણનો ગોવો ભગત, કાંઠા ઉપર બેસીને જળની છાલકો પંડ્યે ઉપર નાખતો નાખતો પોતાના ઇષ્ટદેવને સ્મરતો સંભળાય: ‘હે મહારાજ! હે ગોપીનાથ ભગવાન!’ સ્નાન થઇ રહે કે ગોવો ભગત કુંડને પ્રણામ કરે. પછી ગિરનારને વંદે અને ટપકતે ધોતિયે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિર તરફ ચાલવા માંડે… અને ડગલેપગલે ઉજળિયાત લોકોની, આમન્યા જાળવતો જાય, હરિસ્મરણ કરતો કરતો ડગલાં ભરતો જાય…
ગોવા ભગતનું ખોળિયું નીચી વરણનું પણ કર્મે અને ધર્મે તો નાગર નરસૈયાની કંડારેલી ‘પરમતા’ની કેડીનો એ પ્રવાસી…! મહેતા નરસિંહની વિદાય પછી ઘણાં બધાં વરસ સુધી ગિરનારે નિહાહા મૂકેલા કે ‘અરેરે, બીજું તો કાંઇ નૈ પણ નરસિંહની ખોટ વણપુરાયેલી જ રહેશે? આવડા મોટા નગરના આટલાં બધાં ખોરડાંમાંથી ક્યાંય નરસિંહની ઝલક ઊઠશે જ નૈ! કવિતા તો કાંઇ નૈ પણ નરસિંહના ભોળપણ અને દાસપણા લઇનેય કોઇ આવતરશે નૈ?’ ગિરનારની આ આકાંક્ષા તરત તો ન ફળી, પણ ત્રણેક સદીઓ વીત્યા પછી એની ગમગીની દૂર થઇ.
ગરીબ અને રાંકજનમાં જેની ગણતરી થાય એવા છેવાડાના વાસના જાહલ ઝૂંપડે ગોવા ભગતે ભક્તિપંથનો દીવડો પ્રગટાવ્યો…સમજણ શીખ્યો ત્યારથી આ ગોવો ભગત દામાકુંડે સ્નાન કરે. ભગવાન સ્વામિનારાયણ એના આરાધ્યદેવ, એટલે દામાકુંડનું સ્નાન કરીને ભીના પંચિયે સ્વામિનારાયણના મંદિરે આવે. મંદિરમાં પ્રવેશ કરીને કોઇનો જીવ ન દુભાવવા ગોવો ભગત મંદિર અને એની આસપાસના આખા વિસ્તારની અરધા ગાઉની પ્રદક્ષિણા કરે, પછી ઘરે આવે. કપડાં કોરાં કરીને હાથમાં સાવરણો ઝાલે અને સરદાર બાગનું મેદાન વાળવા ઊપડી જાય.
ઉગમણા આકાશે સૂરજ મહોરવાનો સંદેશ લખાય, એ પહેલાં સરદાર બાગનું આખુંય મેદાન વાળીને છીંકો આવે એવું ચોખ્ખું ચણાક બનાવી દે! સરદાર બાગના બંગલામાં એ વખતે જૂનાગઢ રાજ્યના દીવાન, મહમદભાઇનો નિવાસ. આથી શહેર સુધરાઇએ સારી સફાઇ થાય માટે બંગલાના મેદાનની સફાઇ ગોવા ભગતને સોંપેલી… ગોવો ભગત સાવરણા સાથે આંખની પાંપણો પણ વાપરે, રજ કે તજ ક્યાંય ઊભાં શાનાં રહે? મેદાન વાળીને ભગત ઘરે આવે અને ઘરજોગ ‘ટાંકા ટેભા’ જેવું કામ કરે.
લગ્નસરા શરૂ થાય અને ભગતને ઢોલ વગાડવાની પ્રથમ વરદી મળે, એટલે ભગત તે દી ઢોલને શરગારે, સજાવે અને સ્વામિનારાયણ મંદિરનાં પગથિયાં પાસે આવીને ઢોલના બધાય તાલ એની ‘પડીએ’ વગાડે. આસપાસના લોકોને ખ્યાલ આવી જાય કે ગોવો ભગત હવે લગ્નમાં ઢોલ વગાડશે… નગરવાસીઓના અંતરે એક આસ્થા પણ બંધાઇ ગઇ હતી કે ગોવા ભગતનો ઢોલ જેના આંગણે વાગે એના મંગલ અવસર નિર્વિઘ્ને પાર પડે. ભગત પણ સંતોષનો છોડવો. જે કાંઇ દાપું મળે એ હરખેથી લઇ લે અને ઉપર જાતાં ઘરધણીને નિરાંત પણ આપે કે ‘મને ઘણું મળ્યું બાપા! સુધરઇ પણ મહિને વીસ રૂપિયાનો પગાર આપે છે હાંઉ…! આનાથી વધારે મારે શું જોઇએ!’
હર મહિનાની પહેલી તારીખે મંદિરના દર્શનાર્થીઓની આંખે કુતૂહલ જોવા મળે. સુધરાઇનો રૂપિયા વીસનો આખોય પગાર લઇને ગોવો ભગત સૌપ્રથમ મંદિર આવે. બબ્બે રૂપિયાની દસ ઢગલી કરે, પછી એક ઢગલી મંદિરના દર્શનાર્થીઓ સાથે મોકલી આપે: ‘મારો આ દસમો ભાગ ભગવાનને ધરી દેજયો, બાપા! હાંઉ…’ અને અઢાર રૂપિયા લઇને ગોવો ભગત ઘરના આંગણે આવે.
સરદાર બાગ વાળતાં વાળતાં એક દિવસ ગોવા ભગતનો સાવરણો ફરતો ફરતો એકાએક અટકી ગયો! જોયું તો સાવરણાની સળીઓમાં ‘લચકા’ જેવી ભારે ચીજ અટવાઇ ગઇ હતી. ભગતે સાવરણો ખંખેર્યો અને આછા રણકાર સાથે કોઇ ચીજ ‘ટપ’ દઇને ધૂળમાં પડી, થાળી જેટલી જગ્યાની ધૂળ ઝગમગી ઊઠી! નીચા નમીને ભગતે ઝગારા મારતી ચીજ હાથમાં લીધી… વીસેક તોલા વજનની, ઘૂઘરીઓ ટાંકેલી સોનાની ઝાંઝરી. ગોવા ભગતની તમામ ટેક અને નેકને ભાંગીને ભુકકો કરવાના ઇરાદે મર્મભર્યું મરક્તી હતી!
ગોવા ભગતે વટક વાળે એવું ઝાંઝરી સામે હસી લીધું અને હળવેક રહીને બોલ્યો: ‘મૂંઝા મા બાઇ ઝાંઝરી! ડગે એ ગોવા નૈ…! પણ મારી મૂંઝવણ ઇ વાતની છે કે તને હાથમાં લેવી પડે અને જ્યાંથી આવી છો ત્યાં મૂકવા જવું પડે અને મહમદભાઇ દીવાનને જગાડવા પડે. પ્રભાતના પહોર છે અને હું ભંગી વરણ આ બધું પાર કઇ રીતે પાડવું!’ અને ઇશ્વરને ટપારવા માટે ગોવા ભગતે આકાશ સામે જોયું ત્યાં તો બેગમ સાહેબા વહેલા જાગીને ઝરૂખામાં ઊભાં ઊભાં દાતણ કરતાં હતાં. ગોવો ભગત ચૂપચાપ મહેલના પગથિયા તરફ ચાલ્યા અને ઝાંઝરી પગથિયે મૂકી દીધી. પછી હાથ જોડીને ઉપર જોઇ રહ્યા.
‘અરે ગોવા!’ બેગમ સાહેબે ભગતને ટપાર્યા: ‘તેં શું મૂક્યું પગથિયે.’‘બા સાહેબ! આપ આવીને જુઓ અને સંભાળી લ્યો…’ બેગમ નીચે આવ્યાં. પગથિયે જોયું તો પોતાના જ પગની સોનાની ઝાંઝરી! બગીચામાં ફરતાં ફરતાં, પેંચ ઢીલો થયો હશે તે પગમાંથી નીકળી ગઇ હશે!‘લ્યા ગોવા! આ તો મારી ઝાંઝરી છે…’‘હા બા! આપની જ હોય એમાં શંકા ક્યાં છે? હવે આપ સંભાળી લો!’, ‘સંભાળી લીધી…’ બેગમ એવું આદર ભર્યું હસ્યાં કે આંખો ભીની થઇ આવી…’ગોવા!
તું લઇ ગયો હોત તો તારું દળદર ફીટી જાત… મને ક્યાં ખબર હતી કે ઝાંઝરી ગોવાને જડી છે.’, ‘અરેરે, બા સાહેબ!’ ગોવો કરુણાભર્યું હસ્યો. આપને ખબર ન હોય, પણ મારા ભગવાનને બધીય ખબર પડે. જડેલી ચીજ લેવાની મારા ધરમમાં મનાઇ છે, બા સાહેબ!’‘તારો ધરમ? કયો ધરમ ગોવા? તું ધરમ પાળે છે?’કપાળ પરના કોરા કંકુના ચાંલ્લા પર આંગળી અડાડીને ગોવાએ ગૌરવભર્યું સ્મિત કર્યું. ‘સ્વામિનારાયણ ધરમ બા! હું હરિભગત છું.’
‘તારો ધરમ તેં નિભાવ્યો અને દીપાવ્યો, ગોવા!’ ‘આપનો પ્રતાપ, બા! તમારા પુણ્યે મારી મતિ ભમી નૈ.’ અને આટલો સંવાદ સાંભળીને જાગેલા દીવાન મહમદભાઇ પણ નીચે આવ્યા… બેગમે બધી વાત કરી. મહમદભાઇ દીવાને સ્મિત ઝરતી નજરે ગોવા સામે જોયું. પછી નામઠેકાણું પૂછી લીધું અને ચૂપચાપ બંગલા ઉપર જતા રહ્યા. ‘ગોવો ભગત ક્યાં રહે છે?’ થોડા દિવસો પછી રાજનો સિપાઇ વાસના નાકે આવીને ઊભો રહ્યો. વાસ આખો ભય અને આશંકાથી ફફડી ઊઠ્યો!‘ભગત હજી ઘેર નથી આવ્યા, બાપા!’ ગોવા ભગતના પત્નીએ લાજનો ઘૂમટો તાણીને કંપતાં અવાજે પ્રત્યુત્તર વાળ્યો: ‘કાં તો ક્યાંક ભજન, કાં તો મંદિરે હશે.’
‘ભલે… આવે ત્યારે દીવાન સાહેબની કચેરીએ એને મોકલજો. દીવાન સાહેબનો હુકમ છે…’ભગત ઘરે આવ્યા ત્યારે પત્ની સહિત આખો વાસ કંપતો હતો: ‘ભગત! દીવાન સાહેબનો હુકમ હતો… શું હશે?’, ‘ચિંતા ન કરો… ભગવાન જેવો ભગવાન આપણો ધણી છે… હું જાઉં છું, નિરાંતવા રહેજો…’ કહીને ભગત સ્વસ્થ ચિત્તે કચેરીએ આવ્યા.‘લ્યો ભગત!’ કચેરીના અમલદારે ગોવા ભગતના હાથમાં એક લેખ મૂક્યો: ‘ભગત તમે જીવો ત્યાં સુધી કામ કરો કે ન કરો, પણ દર મહિને વીસ રૂપિયા તમને આપવાનો દીવાન સાહેબનો હુકમ છે…’ પ્રસન્ન ચિત્તે ભગત મંદિરે ગયા.
હુકમનો કાગળ હાથમાં રાખીને આંખો મીંચી ને વાંચી લેવા ભગવાનને એણે પ્રાર્થના કરી: ‘તમારી કૃપાનું આ ફળ છે મહારાજ!’ સંતોષભર્યા ચહેરે ભગત ઘરે આવ્યા અને વાસને વાત કરી ત્યારે ભક્તિનો પ્રતાપ સૌને ગદ્ગદ કરી ગયો. નરસૈયાના નગરમાં અજોડ ઘટના બની એથી ગરવો ગિરનાર હકાર સૂચક હસ્યો, ‘મને ખબર હતી કે એકાદ ભોળિયો આ નગરને ઉજાળશે.’
લેખક:- નાનાભાઈ જેબલિયા