કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતભરમાં મંદિરો તો પારાવાર છે ને સૌનો અજબ મહિમા પણ છે પરંતુ જ્યાં લાખો ભાવિકજનો પોતાની શ્રદ્ધાનાં ફૂલ ચઢાવતાં હોય એવાં શીધ્ર ફલ આપનારાં તીર્થો કે મંદિરો તો માંડ આંગળીને વેઢે ગણાવી શકાય એટલાં છે. અમદાવાદમાં મણિનગર (પૂર્વ)માં દક્ષિણી ક્રોસીંગથી જશોદા ચોકડી જતા માર્ગ પર ગોરના કુવાનો અતિવિખ્યાત વિસ્તાર આવેલો છે. ને ત્યાં ગોરના કુવાવાળી આધશક્તિ ભગવતીય ચેહરનું અતિ દિવ્ય મંદિર આવેલું છે. ધોર કલિકાળમાં જાગતી જ્યોત સમાન જગતજનની મા ચેહરના મંદિરે દર રવિવારે અને પૂનમે હજારો નહિ, લાખો ભાવિકો પોતાની મનોકામનીની પૂર્તિ માટે અહીં આવીને હૈયામાં રચતી શ્રદ્ધાનાં ફૂલ ચઢાવે છે. માત્ર ગુજરાતમાં જ નહિ, ભારત ભરમાં અનેવિદેશમાં પણ જેના લાખો ભક્તો અને સેવકો વસે છે તે ગોરના કુવાવાળી મા ચેહરનો મહિમા અપરંપાર છે. જે સાચી શ્રદ્ધાથી અહીં આવે છે ને મા ચેહરને સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. તેનાં ઈચ્છિત કાર્યો ફટાફટ થયાં હોય એવાં અનેક ઉદાહરણો મોજુદ છે, શરત એક જ છે, પવિત્ર ભાવના સાથે આવો સાચી શ્રદ્ધાથી આવો અને આર્તસ્વરે એની સમક્ષ પોકાર કરો.
આજથી નવસો વર્ષ પહેલાં હાલના પાકિસ્તાનના (એ સમયે ભારત-પાકિસ્તાન અલગ નહોતાં.) હાલડી ગામે વસંતપંચમીના શુભ દિવસે મા ચેહરનું પ્રાગટ્ય થયું હતું. અને માના પ્રાગટ્ય સાથેજ આસપાસના પંથકમાં ચમત્કારો સર્જાવા લાગ્યા હતા. અને એ પછી તો મા ચેહર હાલડી ગામેથી નીકળી નગરતેરવાડા શોભાસણ વગેરે સ્થળે થઈ માર્ગમાં અનેકાનેક પરચા પૂરતાં પૂરતાં અમદાવાદમાં મણિનગર (પૂર્વ)માં આવેલ ગોરના કુવે સ્થિર થયાં પરમ માઈભક્ત તથા આઠે પ્રહર માના ધ્યાનમાં મગ્ન રહેતા માઈભક્ત રમેશભાઈ ભટ્ટની સાધના-આરાધના-પૂજાભક્તિથી પ્રસન્ન થઈ ‘ગોરના કુવાવાળી મા ચેહર’ તરીકે જગપ્રસિધ્ધ થયાં.
ભાવ અને ભક્તિથી મા ચેહરનું નામ પુકારનાર પર અસીમ કૃપાનો વરસાદ વરસાવી દે છે. મા ચેહર સંખ્યાબંધ દુઃખી માણસોના ત્રિવિધતાપ હરી લેનાર અને જેનું જગતમાં કોઈ ન હોય એનો હાથ પકડી એના ભવરોગનું શમન કરનારમા ચેહરનું આ અતિદિવ્ય મંદિર છે. કમાનાકાર નયનરમ્ય પ્રવેશ દ્વારમાં દાખલ થતાં જ હૈયું ગદ્ગદ્ બની જાય છે. એટલું જ નહિ પણ હૃદય અપૂર્વ શ્રદ્ધાથી ભરાઈ જાય છે. બહાર છે સંગેમરમરની વિશાળ ફર્શ અને ગર્ભગૃહમાં બિરાજે છે. વિશાલનેત્રી સ્મિતવદની જગતજનની આધશક્તિ મા ચેહર. મા ચેહરનું સ્વરૂપ એટલું સૌમ્ય છે ને નેત્રો એટલાં તેજસ્વી છે કે જોતાંજ દર્શનાર્થીના મનમાં ભાવોની ભરતી ચઢે છે. આ ધોર કલિકાલમાં પ્રત્યક્ષ પરચા પૂરનારી હાજરા હજુર છે. મા ચેહર દુઃખી, પીડાગ્રસ્ત, જાતજાતની ઉપાધિઓથી ઘેરાયેલાં અશ્રુસારતાં માણસો હૃદયમાં શ્રધ્ધાની જ્યોત જલતી રાખીને અહીં આવે છે, મસ્તક નમાવી ભાવભીના સ્વરે કહે છે ઃ ‘મારાં દુઃખ હરો મા….’ ‘મારી વહારે ચઢો મા!’ ને અબજ વાત બની જાય છે. અલ્પસમયમાં દુઃખ હસય છે, પીડા ટળે છે, મન શાંત અને સંતૃપ્ત બને છે, દુઃખિયાં સુખીયાં થાય છે, તનના મનના અને ધનના પ્રશ્નો દૂર થઈ જાય છે ને માના નામનો જયજયકાર બુલંદ થવા માંડે છે. માઈભક્ત મહંતની અપૂર્વ ભક્તિને કારણે શીધ્ર ફલદાયિની મા ચેહર અમદાવાદના મણિનગર (પૂર્વ)માં આવેલ ગોરના કુવાવાળા સ્થાનકે સ્થિર થયાં છે. અને સાંભળીને આશ્ચર્ય પામી જવાદે એવા પરચા પૂરી રહ્યાં છે. મા ચેહર અહીં હાજર હજર બિરાજે છે. છેલ્લાં ઘણા વર્ષથી ગોરના કુવાના સ્થાનક સ્થિર થયેલાં મા ચેહર ‘ગોરના કુવાવાળી મા ચેહર’ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે.
માએ દર્શનાર્થીઓને શીધ્ર ફળ આપવાને કારણે અહીં દર્શનાર્થીઓનો ધસારો એકદમ વધી ગયો. ભક્તોની ભીડ વધી. પરિણામે માત્ર એક દેરીમાંથી આજે તો જોઈને આંખ ઠરે એવું ચિત્તકર્ષક મંદિર બની ગયું છે મા ચેહરનું નારોલ-નરોડા રોડ પર આવેલ જશોધા ચોકડીથી મણિનગર તરફ જતા રસ્તે થઈને માત્ર દસ જ મિનિટમાં મા ચહેરના મંદિરે આવી શકાય છે. મણિનગર (પૂર્વ)ના દક્ષિણી ક્રોસીંગથી પણ અહીં આવવા માટે ટૂંકો રસ્તો છે. માતાજીની પ્રગટ પ્રભાવી હાજરી એ લોકોમાં અબજ અભૂતપૂર્વ શ્રદ્ધાનું સિંચન કર્યું છે. દર રવિવારે અને પૂનમે હજારો-લાખો દર્શનાર્થીઓ માના દર્શનાર્થે ઉમટી પડે છે. આ બંને દિવસોએ અહીં એટલો તો માનવ મહેરામણ હિલોળાલે છે કે ક્યારેક તો ટ્રાફિક પણ જામ થઈ જાય છે. ગુજરાતના ગામડે ગામડેથી લોકો અહીં આવે છે, કચ્છ-કાઠિયાવાડનાં ગામોમાંથી લોકો અહીં આવે છે, પૂના, મુંબઈ, મદ્રાસ, બેંગલોર જેવાં દૂરના શહેરોમાંથી લોકો આવે છે, લંડન-અમેરિકા-ઓસ્ટ્રેલીયાથી લોકો આવે છે, માનાં દર્શન કરે છે, પોતાના હૈયાની વાત માને કહે છે, માના નામના પોકાર પાડે છે ને માની કૃપા પામીને પાછાં જાય છે. ફરી આવે છે ત્યારે એમનાં મુખ મલકતાં હોય છે, કારણ કે એમનાં ધારેલાં કાર્યો માએ પૂર્ણ કરી દીધાં હોય છે.
ગર્ભગૃહમાં આરસપહાણના ઉચ્ચાસને ગણેશજી અને મા બહુચરાજીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. વચ્ચે બિરાજે છે આધશક્તિ મા ચેહર અખંડ જ્યોત જલે છે ને મા ચેહરની કૃપાનો વરસાદ વરસે છે. સમસ્ત જગતમાં આ એક જ એવું ચેહરમંદિર હશે કે જ્યાં સંગેમરમરી ઉંચી પાટ પર મા ચેહર, ગણેશજી અને બહુચરાજીની ત્રિમૂર્તિ બિરાજમાન હોય! ગર્ભગૃહની બહાર જમણી બાજુએ સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બહારના ધૂણામાં માના નામના જાપ જપાતા હોય છે.
સુખડીનો પ્રસાદ એતો મા ચેહરનો પ્રિય પ્રસાદ છે. દર્શનાર્થીઓ અહીં આવીને માને સુખડી ચઢાવે છે. દરરોજ સાંજે સાડા સાત વાગે થતી મહાઆરતીમાં ભાગ લેવો એ પણ જીવનનો એક મહામૂલો લહાવો છે. દર મંગળવારે સાંજે ચારથી છ સુધી આસપાસની સોસાયટીઓની બહેનો મા ચેહરના પ્રાંગણમાં આનંદનો ગરબો ગાય છે.
આ માત્ર મંદિરજ નથી. માનવતાનું પણ મંદિર છે. દર દવિવારે અને પૂનમે દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મા ચેહર મંદિર તરફથી વિનામૂલ્યે ભોજન અપાય છે. કોઈપણ જ્ઞાતિના સમૂહલગ્નમાં જો અગાઉથી મંદિરના વહીવટકર્તાઓને જાણ કરાય તો સમૂહલગ્નની તમામ કન્યાઓને મંદિર તરફથી એક-એક સાડી ભેટ અપાય છે. કોઈગરીબ નિરાધાર વિધવાની દીકરી લગ્ન લાયક થઈ હોયને માત્ર નાણાંના અભાવે લગ્નન થઈ શકતાં હોય તો ચકાસણી પછી લગ્ન માટે જરૂરી સહાય પણ અપાય છે. કોઈ ગંભીર રોગ માટે દવાની સહાય, ગરીબ તેજસ્વી વિધાર્થી માટે શિક્ષણ સહાય જેવાં માનવતાવાદી કાર્યો પણ કરવામાં આવે છે. અહીં છેલ્લાં અગિયાર વર્ષથી મા ચેહરની અખંડ જ્યોત જલી રહી છે. રવિવાર અને પૂનમે આરતી પછી બુંદી-મગજ-લાડુનો પ્રસાદ અપાય છે. ખીરના નૈવેધનો પ્રસાદ પણ અપાય છે.
ગોરના કુવાવાળી મા ચેહરનો મહિમા અપાર છે. ભારત ઉપરાંત અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન વગેરે દેશોમાં પણ ગોરના કુવાવાળી મા ચેહરનાં સંલગ્ન મંદિરો બનાવવાનું કાર્ય હાલ ચાલું છે. રવિવાર અને પૂનમે કામપૂર્ણ થતાં લોકો માને સંખ્યાબંધ ચુંદડીઓ ચઢાવે છે.
ચેહરના અગિયાર રવિવારવાળા વ્રતનો મહિમા અજબ છે. કામ થયા વગર રહેતું નથી. ગોરના કુવાવાળી મા મેહરની વ્રતકથા દ્વારા આ વ્રત કરનારાં સંખ્યાબંધ લોકોની મનોકામના માત્ર અગિયાર રવિવાર સુધીમાં પૂર્ણ થયા વગર રહેતી નથી.
અજબ છે ગોરના કુવાવાળી મા ચેહરનો મહિમા! અજબ છે દર્શનાર્થીઓની શ્રધ્ધા! વસંત પંચમીના દિવસે એવોજ અજબ મહામહોત્સવ મંદિરના પ્રાંગણમાં ઉલ્લાસભેર ઉજવાય છે.
ગરીબો માટે એક સુવિધાયુક્ત હોસ્પીટલ, વૃધ્ધાશ્રમ તથા મંદબુદ્ધિના બાળકો માટેની સંસ્થાનું નિર્માણ કરવાનું પણ મંદિરના વહીવટ કર્તાઓ દ્વારા ત્વચારાયું છે. એ માટેની જમીનની પણ ઓફરો આવે છે. ગુજરાતમાં આવી બેનમૂન સંસ્થાઓ બને તેવી ધારણા છે.
જશોદા ચોકડી થી પશ્ચિમે જતાં તથા મણિનગર દક્ષિણી ક્રોસીંગથી પૂર્વ તરફ જતા માર્ગ પર ગોરના કુવાવાળી મા ચેહરનું આ મંદિર આવેલું છે. અહીં જે આવે છે તે પામે છે. મા સમક્ષ જે માગે છે, તે મેળવે છે. જાગતી જ્યોત છે આતો અહીં હાજરા હજુર છે આધશક્તિ મા ચેહર.
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રી ચેહર માતાજીનું પ્રાગટ્ય અને ઇતિહાસ
– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા
– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન
– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો