લોકવાણીમાં ગાય સાથે જોડાયેલી કહેવતો

કૃષિ સંસ્કૃતિમાં આ ચાર ચીજો અત્યંત આદરણીય ગણાઈ છે. એની એક લોકોકિત કહેવાય છે ઃ

દૂધ તો ગાયકા ઓર દૂધ કાયકા
પૂત (પુત્ર) તો ગાય કા ઓર પૂત કાયકા

ફલ તો કપાસ કા ઓર ફલ કાયકા ?
રાજા તો મેઘરાજા ઓર રાજા કાયકા ?

ગાયનું દૂધ માતાના ધાવણ જેટલું મૂલ્યવાન અને તંદુરસ્તી દેનારું છે. ગાયના પુત્ર બળદો ધરતી ખેડીને કણમાંથી મણ ધાન્ય પેદા કરે છે. બકરાં, ગધેડાં, ઘેટાંથી ખેતી થતી નથી. કપાસના ફળ કાલામાંથી રૂ નીકળે છે એમાંથી વસ્ત્રો બને છે. આ વસ્ત્રો માનવીનું અંગ, એની એબ ઢાંકે છે. રાજા તો ઘણા છે પણ બધા મેઘરાજા-વરસાદથી હેઠા. વરસાદ વરસે તો ધરતી પર અનાજ પેદા થાય. જળ એ તો માનવીનું જીવન છે. આમ મેઘરાજા વરસે તો તારે ને રૂઠે તો મારે.

કાઠિયાવાડની કોડભરી કુંવારી કન્યાઓ વ્રત કરે છે ત્યારે બીજના ચંદ્રમા પાસે શું માગે છે ?

બીજ માવડી ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.

આ નાનકડા લોકવ્રતમાંથી કૃષિ જીવન અને ગોપજીવનનો કેવો મોટો સંદેશો સાંપડે છે ? કૃષિ કન્યા પ્રાર્થે છે ઃ ‘હે બીજ માવડી, બીજું તો કંઈ નથી માગતી પણ હું પરણીને સાસરે જાઉં ને ત્યારે સાસરિયે આટલું સુખ આપજે. અમારે ઘેર ગવરી ગાય હોય, બે રૂપાળા વઢિયારા બળદની જોડ્ય હોય. અમારું આંગણું નીત નીત મહેમાનોથી ઉભરાતું હોય જેથી તાવડી કાયમ ચુલા ઉપર રહે. મહેમાનોને રાત દિ’ રોટલો મળી રહે એટલી ખેડયવાડય, ગાયનું દુઝાણું અને ખેતી માટે બે વઢિયારા બળદિયા દેજે. લોકજીવનમાં આતિથ્યનો પણ કેવો આદર છે !

ભારતમાં પશુપાલનનો પ્રારંભ ક્યારે થયો હશે એ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પણ એવું માનવામાં આવે છે કે પશુપાલનનો પ્રારંભ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં પથ્થરયુગમાં થયો હશે. એશિયા ખંડમાં ભૂમધ્ય સમુદ્ર કિનારે આદિ પશુપાલન શરૂ થયા હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. ત્યાં થયેલા પુરાતત્તવીય સંશોધનમાં પાંચ હજાર વર્ષ પહેલાંનાં ગાયોના અને તેને દોહતા માણસોનાં ચિત્રો મળ્યાં છે. બેબિલોન અસિરિયા અને ઇજિપ્તમાં પશુપાલન કરવામાં આવતું. એ યુગમાં મોટે ભાગે ગાયોને પાળવામાં આવતી.

ગાય ધરતીમાતા જેટલી જ પૂજનીય હોવાથી હિંદુઓ તેને વધુ માને છે. ધર્મશાસ્ત્રો કહે છે કે બ્રહ્માએ બ્રાહ્મણ અને ગાયને એકી સાથે પેદા કર્યાનું, તેમાં બધા દેવોનો વાસ હોવાનું અને વૈતરણી નદી ઓળંગવામાં તે સાધનરૂપ હોવાનું મનાય છે. તેનાં પંચગવ્ય પવિત્ર મનાય છે, એમ ભગવદ્‌ગોમંડલમાં નોંધાયું છે.

સમુદ્રમંથનમાંથી નીકળેલાં ચૌદ રત્નો પૈકીની એક ગાય ગણાય છે. સંસ્કૃત ‘ગૌ’ એ શબ્દમાં પૃથ્વી, ગાય, કિરણ તથા વૃત્તિઓ એ ચારેયની વ્યંજના રહેલી છે. ‘અમરકોશ’ માં ગાયને માટે પૃથ્વી, આદિત્ય, ચંદ્ર, સ્વર્ગ, દિશા, જળ, વૃષભ, માતા, ઇન્દ્ર, કામદૂઘા, વિશ્વાયુ, વિશ્વધાયા, વિશ્વકર્મા, ઇડા, સરસ્વતી, અદિતિ ઇત્યાદિ ચોવીસ જેટલાં નામો મળે છે.

ભારત પ્રાચીનકાળથી કૃષિપ્રધાન અને પશુપાલક દેશ રહ્યો છે. વેદકાળમાં ગાય આર્યોની સંપત્તિ ગણાતી. આવી ગાયોની રક્ષા માટે આર્યોએ ઇન્દ્રની સ્તુતિ કરેલી જોવા મળે છે. આર્યસંસ્કૃતિના આઠ પ્રકારના વિવાહમાં આર્ષવિવાહમાં અમુક ગાયોના બદલામાં કન્યા આપવાનો ૠષિકુલોનો આચાર નોંધેલો છે. ગાયોને દોહનારી દીકરીઓ ‘દુહિતા’ ના નામે ઓળખાઈ છે.

મહાભારતકાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપાલનનો મહિમા ખૂબ વધાર્યો હતો. પરિણામે શ્રીકૃષ્ણ, ‘ગોપાલ કૃષ્ણ’ને નામે પૂજાય છે. કહેવાય છે કે નંદજીના ઘેર નવ લાખ ગાયોનું ધણ હતું ઃ પણ લોકગીતમાં આમ ગવાય છે ઃ

‘મારા તે નંદજીને પાંનસો પાંકડાં,
ને નવસો ગાયું દુઝે રે લોલ.’

ગૌમાતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી ગણાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય રૂપોનું વર્ણન કરતાં કહ્યું છે કે ‘ધેનૂનામસ્મિ કામધૂક’ કામધેનુ ગાય સ્વરૂપ હું છું, તેથી ગાયની પૂજા કરનાર સ્વયં ભગવાનની પૂજા કરે છે. ગૌપૂજનથી તેના શરીરમાં વસનારા તેત્રીસ કરોડ દેવીદેવતા પ્રસન્ન થાય છે એમ શાસ્ત્રો કહે છે.

વિશ્વમાં ૪૦૦ ઉપરાંત ગાયોની જાતોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાં નવી નવી જાતો ઉમેરાતી જાય છે. ભારતમાં ગાયોની ૩૦ ઉપરાંત જાતો જોવા મળે છે. જેમાં સૌરાષ્ટ્રની ગીર, સિંધની સિંધી, નર્મદા તરફની નિમારી ઉપરાંત શાહીવાલ, ગૌલવ, અમૃતમહાલ, નાગોરી, મેહવની, કિલ્લરી, અલમબાદી, ખીલ્લારી, હલ્લીસકર, કૃષ્ણાવેલી, નિમાડી, કાંકરેજ, માલવી થરપારકર, બચૌર, પંવાર, અંગોલ, કેનવારિયા, ખેરીગઢ, ધન્ની, સીરી અંગોર, રાત, હાંસી, ડાંગી, મેવાતી અને હરિયાણાનો સમાવેશ થાય છે.

લોકવાણીમાં ગાયોની કહેવતો પણ કેટકેટલી !

(૧) ગાય લેવી દુઝતી ને વહુ લેવી ઝુલતી.

(૨) દીકરી ને ગાય દોરે ત્યાં જાય. (નવી કહેવત ઃ દીકરી ને ગાય માથું મારીને ખાય)

(૩) ગાયને દોહીને ગધેડીને પાવું- કુપાત્રને આપવું

(૪) ગાય જેવું ગરીબ ઃ ગરીબ સ્વભાવનું ત્યા ગાયના બકરી હેઠ અને બકરીના ગાય હેઠ ઊંધાચત્તાં કરવાં.

(૫) દુબળી ગાયને બગાઈ ઘણી ઃ દુઃખમાં દુઃખ ઉમેરાવું.

(૬) ધરમની ગાયના દાંત ન જોવાય ઃ બક્ષિસ મળેલી ચીજની ટીકા ન કરાય.

(૭) ગાયું વાળે તે ગોવાળ ઃ ધંધો તેવું નામ.

(૮) ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે ઃ વ્યવસ્થા વિનાનું- અગડંબગડં.

(૯) ગાયના ભાઈ જેવું ઃ મૂર્ખ

(૧૦) ગાય વગરનું વાછડું, મા વગરનું છોકરું.

(૧૧) ગાય ઉપર પલાણ નહીં ઃ ગાય માથે જીન ન મંડાય એમ ગરીબ માણસો પર કર ન નંખાય.

(૧૨) ગાયો વાળે તે અર્જુન.

(૧૩) ગાયે ગળ્યું રતન ઃ ધર્મ સંકટમાં મૂકાવું. ગાય ગમે તેટલું કિંમતી રતન ગળી જાય તોપણ એને મારી ન નંખાય. પાપ લાગે.

(૧૪) જે ખેડૂત ગાય રાખે તે કદી ડકે નહીં.

(૧૫) ગૉર ને આપો ઘરડી ગાય, પાપ મટે ને પૂણ્ય થાય ઃ બળતું ઘર કૃષ્ણાર્પણ

(૧૬) એક કાગડો મરે ને સો ગાયનાં શીંગ ઠરે ઃ માથાભારે માણસ માટે કહેવાય છે.

(૧૭) ગોમુખો વાઘ ઃ બહારથી ગરીબ અંદરથી ક્રૂર માણસ માટે વપરાય છે.

(૧૮) ઘેર ગાય બાંધવી ઃ દુઝાણું લાવવું

(૧૯) ગાય વાંહે વાછડી ઃ દાન ઉપર દક્ષિણા.

(૨૦) પારકી ગાય પારકું ખાય, જે હાંકે ઈનું નખ્ખોદ જાય.

પ્રાચીનકાળમાં ગાયોના માહેયી, સૌરભેયી, ગૌ, ઉસ્ત્રા, માતા, શૃંગિણી, અર્જુની, અદન્યા અને રોહિણી જેવા પ્રકારો જાણીતા હતા. ઉત્તમ ગાય નૈચિકી કહેવાતી. શરીરના રંગ પ્રમાણે તે શખલી, ધવલા, ઇત્યાદિ નામે ઓળખાતી. એક વર્ષની ગાય ‘એકહાયની’, બે વર્ષની ગાય દ્વિહાયની, ત્રણ વર્ષની ત્રિહાયની અને ચાર વર્ષની ગાય ચતુર્હાયની તરીકે ઓળખાતી. આ ઉપરાંત ગાય ગુણ પ્રમાણે વશા, વંધ્યા, અવતોડા (ગર્ભપાતવાળી) સંધિની (ગરમીમાં આવેલી) વિહંતી (નંદીના હૂમલાથી ગર્ભવતી) પ્રષ્ઠોહી (નાની વયમાં ગર્ભવતી બનેલી) અચંડી, સૂકરી, બહુ સૂતી, પરેષ્ટુકા (લાંબા સમયે ગર્ભ ધારણ કરનારી) દ્રોણદુગ્ધા (થોડું દૂધ દેનારી) ધેનુષ્યા (માંદી ગાય) સમાંસતીના (દર વર્ષે વિયાનારી) કકી-સફેદ રંગની. ગૃષ્ટિ (બચ્ચાં આપનારી ગાય. ધેનું (દૂધ દેતી ગાય) સ્તરી ધેનુષ્ટરી (વંધ્યા). સૂતવશા (વાછરડું આપીને પછી ન વિંયાતી) બહેત ઃ (અકાળે ગર્ભપાતવાળી – ભરોવાઈ ગયેલી ગાય. નિયાન્યાઃ (પોતાનું વાછરડું મરી જવાથી બીજા વાછરડાને ધરાવનારી) તરીકે ઓળખાતી.

‘ગાય જ્ઞાન વિજ્ઞાન’માં વાછરડા વાછરડીના વય પ્રમાણે નામો મળે છે. દોઢ વરસનો વાછરડો ઃ ત્રયવી, વાછરડી ઃ દિત્રયવી. બે વર્ષનો વાછરડો ઃ દિવ્યાહ, વાછરડી – દિવ્યોહા. અઢી વરસનો વાછરડો ઃ પંચાવી- વાછરડી પંચાવી. ત્રણ વર્ષનો વાછરડો ઃ ત્રિવત્સ – વાછરડી ત્રિવત્સી. સાડા ત્રણ વર્ષનો વાછરડો ઃ તુર્યવાહ – વાછરડી – તુર્યાહા અને ચાર વર્ષનો વાછરડો ઃ ષષ્ઠવાહ- વાછરડી ષષ્ઠોણના નામે ઓળખાતાં.

ગુજરાતમાં રબારી, ભરવાડ, ચારણ, મતવા, આયર અને બન્ની (કચ્છ)ના મુસલમાન માલધારીઓ ગાયોનું સવિશેષ લાલનપાલન કરે છે. કચ્છના બન્ની વિસ્તારમાં દસ હજાર જેટલા માલધારીઓ રહે છે. તેઓ ગાયો પાળે છે અને વઢિયારા વાછરડાં ઉછેરે છે. આ માલધારીઓ ‘બનિહારુ’ નામે પણ ઓળખાય છે.

પોતાની જાતને મુસલમાન તરીકે ઓળખાવતા બનિહારાઓ ગૌપાલન કરે છે એટલું ભાગ્યે જ કોઈ બીજો હિંદુ કરતો હશે. એક એક બનિહારા પાસે પાંચથી માંડીને સવા સો જેટલી ગાયો હોય છે. આ મુસલમાનો ગાયને વેચવી એ દીકરીને વેચવી સરખી ગણે છે. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં દૂધ વેચાતું નહીં. મફત અપાતું. દેવદેવલાને ચડાવાતું. આ બનિહાર ય દૂધ વેચતા નહીં. ગાયને વાછરડો આવે એટલે પૂરેપૂરું દૂધ એને ધવરાવી દેતા. ગાય ઘરડી થાય, વસૂકી જાય એટલે કસાઈવાડે કે મહાજનમાં ન મૂકતાં એનો બુઢાપો પાળે છે.

લોકજીવનમાં ગાયોનાં છત્રીસ નામો મળે છે. આ નામો ય કેવાં ? હીરાળ, પાંડેરી, ભટેરૂ, બાહોળ, પારેવ, હરણ્ય, શામળિયું, ધમળ, સરજુ, લાખેણ, માણેક, ઢેલ, ભાંડેર, મની, ગડેડ, ઝુઝાળ, ઘેડ, બાલ્ય, જીંબલ, રૂપેણ, ઝુમખિયું, પબલિયું, લીલડીઉં, શણધેર્યું, પીછોરું, ઉજળિયું, મુંઝીઉં, ધુમડિયું, ધારણિયું. આવી ગાયો લોકજીવનમાં પાળવામાં આવતી. આ ગાયોને તેના માલિકો જુદાં જુદાં નામે ઓળખતા ને સંબોધતા. શ્રી નાગજીભાઈ ભટ્ટી એમની પ્રવાસ નોંધમાં લખે છે કે ‘કચ્છી રબારીઓ વિયાતી ન હોય એવી ગાયને ‘કાન કુંવર’ કહે છે. ફળતી હોય પણ વિયાતી ન હોય એવી ગાયને ‘મંડાણ’ કે ‘વરોળ’ કહે છે. જેને વિયાયે ચાર પાંચ મહિના થઈ ગયા હોય તેને ‘બાખડ’ કહે છે. જે ગાય દૂધ ન દેતી હોય તેને ‘પાંકડ’ કહે છે. જે એકેય વેતર વિયાયી ન હોય તેને ‘અવિયાળ’ તરીકે અને જે ગાય એકેય વાર ફળી ન હોય, ઝાભણી (ગર્ભવતી) ન થઈ હોય તેને ‘ઠાલી’ કહે છે.

રંગ અને ખાસિયત પરથી ગાયોની ઓળખ લોકવાણીમાં આમ મળે છે. ધોળી અને કાળી ગાયને મૂંઝડી, સાવ સફેદ રૂવાંટી વાળીને ધોળી, રાતી કે રાતડી ગાય ને ‘માકડી’, અર્ધા સફેદ કે અર્ધા રાતા વાળવાળીને જાંબુડી, માથામાં રાતા વાળ હોય અને ‘શેરામી’ કાળી રૂવાંટીમાં, ધોળા આઠા હોય તેને ‘કાળી કાબરી’ તરીકે ઓળખે છે. ‘સોરઠ સરવાણી’માં શ્રી પીંગળશીભાઈ ગઢવી ગાય માતાને બિરદાવતાં કાવ્યમાં લખે છે ઃ

‘‘સૂણી વાંભ ને હીંદ દેતી હિલોળા, વળે વાછરું ઉપરે સાંજ વેળા, ખળેળે નથી આઉમાં દૂધ મા’તાં, સદા સમૃદ્ધિ રેલતી સુખદાતા. દહીં દૂધ ને ઘી મીઠી ફોર્યવાળાં, સુધાના સમા એ સ્વાદ વાળાં. ધરા ખેડવા આપતી પુત્ર સારાં, કહો કેમ ભૂલાય ગુણ તારાં.’

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!