“મુંજાસરને પાદર થઈને નીકળીએં અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?”
“આપા, રામ ખાચર! કસુંબો રખડી પડશે, હો! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ મામૈયા વાળાની લોથ ઢાળીને હાલ્યા આવો છો.”
“અરે ફિકર નહિ. ભોકાનેય ક્યાં મામૈયા હારે સારાસારી હતી! એ તો ઊલટો રાજી થશે. બોલાવો એને.”
સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે. એ પચીસ અસવારોનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે. ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલીકાર લઈને માલશીકું ગામ ભાંગવા ચડ્યો હતો. માલશીકાંનો માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે.
પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલ્લીનાં તેલ જેવાં નીરમાં પોતાના રજેભર્યાં મોઢાં ધુએ છે અને ગળાં ફુલાવીને ઘોરતા નાદે ઊગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે
ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીઅણ લગ માણ, રાખો કાશ્યપરાઉત.
[હે ભાનુ, તમે ભલે ઊગ્યા, તમારાં ઓવારણાં લઈએ છીએ; હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો.]
સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.
[સામસામા જ્યારે શૂરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાયે બહાદુરોની આબરૂ ધૂળમાં મળતી હોય, તે ટાણે, કશ્યપના કુમાર, અમારી ઈજ્જત રાખજો.]
કોઈ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે, કોઈ પાળિયાદના આપા વિસામણને સંભારે છે, કોઈ એકલ પગે ઊભા સૂરજદેવળનાં નામ રટે છે.
ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાઈ. અને બીજાં બધાં દેવસ્થાનના જાપ છોડીને સહુ લલકાર કરી ઊઠ્યા: “એ ભણેં દૂધની તાંબડિયું ઝબકી! એ ગોરસનાં દોણાં આદાં [આવ્યાં]! એ ભણેં રોટલાની થાળિયું આદી! ભણેં ચોખાનાં હાંડલાં આદાં! સાકરના ખૂમચા આદા!”
મુંજાસરનો કાઠી ગલઢેરો ભોકો વાળો રામા ખાચરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી મહેમાનોને છાશ્યું પાવા હાલ્યો આવે છે. સાથે પચીસ-ત્રીસ કાઠીઓનો દાયરો લીધો છે. દૂધ-દહીંનાં દોણાં લેવરાવ્યાં છે. સાકર, ચોખા, રોટલા અને માખણના પિંડા લેવરાવ્યા છે. હજી માલશીકું ભાંગ્યાના એને ખબર નથી પડ્યા.
ચાલ્યા આવે છે. એમાં એક માનવી આઘેથી આડો ઊતરતો ભાળ્યો. “એલા! ગઢવી નાજભાઈ દાંતી તો નહિ? હા, હા, એ જ; એલા! બોલાવો — બોલાવો. એ ઊભા રો’, નાજભાઈ, ઊભા રો’!”
પણ એ પુરુષ થંભતો નથી. ફરી વાર સાદ પાડ્યા. “એ નાજભાઈ! રામદુવાઈ છે તમને.” રામદુવાઈ દેવાયાથી નાજભાઈ ચારણ થંભી ગયો. પણ જેમ ભોકો વાળો નજીક આવ્યો, તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને ઘૂમટો તાણી લીધો. વાંસો વાળીને ઊભો રહ્યો.
“અરે નાજભાઈ! લાજ કેની કરી?
“લાજ તો કરી જેઠની!” ચારણ બોલ્યો.
“જેઠ વળી કોણ?”
“ભોકો વાળો!”
“ગઢવી! કેમ અવળું બોલો છો? કાંઈ અપરાધ?”
“ભોકા વાળા, મામૈયા વાળાના લોહીનો કસુંબો પીવા જાઓ છો?’
“મામૈયાના લોહીનો?”
“હા, મામૈયાને મારી, માલશીકાંનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે.”
“નાજભાઈ,” ભોકા વાળાએ ઘોડો વાળ્યો: “મને ખબર નહોતી; હવે તો —
ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,
તે દી મુંજાસરનું પાણી પીઉં.
ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,
તે દી પલંગ પથારી કરું.
“રોટલા પાછા લઈ જાઓ. કૂતરાં-કાગડાને ખવરાવી દિયો,” એમ કહીને ભોકા વાળાએ ઘોડો પાછો લઈ લીધો.
સાતલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ-રોટલા અને સાકર-ચોખાની વાટ જોતાં જોતાં પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી. ત્યાં તો રોટલાને સાટે અસવાર આવીને ઊભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો: “ભોકે વાળે કેવાર્યું છે કે તમારી તૈયારીમાં રે’જો. અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ.”
“ભણેં આપા રામા!’ બીજા કાઠીઓ બોલી ઊઠ્યા: “અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઉ જાશે?”
રામો ખાચર કાસદ તરફ ફર્યા: “ભાઈ અસવાર! ભોકાભાઈને કહેજે કે કાંઈ ફિકર નહિ. આવજે — ખુશીથી આવજે. ચોટીલે નો આવે એને દેવળ વાળાની દુહાઈ છે!”
***********
ચોટીલાની ડેલીએ રકઝક થઈ રહી છે. રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી. બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે આજ માથાં ઝીંકવા માંડ્યાં છે કે “ના, મોટા બાપુ! આજ હું એકલો જ વાર લઈને ચડીશ. આજ તમેયે નહિ. બાપુયે નહિ. હું એકલો. મારે ભોકાકાકાને જોવા છે.”
“બાપ! બાપ! એવી હઠ ન હોય. તારું ગજું નહિ અને ભોકોકાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી. બાપ! હઠ કર મા.” પણ કુંવરે ન માન્યું.
બસો તેવતેવડી હેડીના અસવારોને લઈને એ ચોટીલાની બહાર નીકળ્યો.
લાંબાધારની ટોચે મુંજાસરનાં પાંચસો ભાલાં ઝબકારા મારે છે. આપો ભોકો ચોટીલાના સામૈયાની વાટ જોતા બેઠા છે, ત્યાં ઘોડાં આવતાં ભાળ્યાં. આગલા અસવારે જાણે ભાલે આભ ઉપાડી લીધો છે. મૂછનો દોરોય ફૂટ્યો નથી. એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછ્યું: “બા, આ મોવડી કોણ?”
“આપા, એ રામા ખાચરનો ભત્રીજો. પરણીને મીંઢળ હજુ છૂટ્યું નથી, હો! બે ભાઈ વચ્ચે એક જ છે. વીણી લ્યો, એટલે રામા ખાચરના વંશનો દીવડો જ સંચોડો ઓલવાઈ જાય.”
ત્યાં તો ચોટીલાની વાર લગોલગ આવી પહોંચી.
ધાર ઉપરથી ભોકો ઊતર્યો. જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે. પોપટના ઘેરા ઉપર બાજ ઝાપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા.
રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો.
ધીંગાણું પૂરું થયે રામો ખાચર આવી પહોંચ્યો. જુએ ત્યાં તો લોથોના ઢગલા પડેલા. માથે ગરજાં ઊડે છે. પાંચ-પાંચ દસ-દસને ભેળાં ખડકીને સામટા અગ્નિદાહ દીધા.
દાયરો ઝંખવાણો પડી ગયો હતો. રામો ખાચર બોલે છે: “એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમેય આવીએ છીએ. એક તારો કાઠી ને એક મારો કાઠી: એમ સામસામા સરખો રણસંગ્રામ રમે. છેવટે તું અને હું: બેમાંથી જે મરે એના દેન બેય દાયરા ભેળા બેસીને દે. સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે.”
ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યો: “ભા, તમે ઘડપણના રે’વા દેજો. ફેરવણીમાં ઘસાઈ જાશો. અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ.”
**********
“કાઠિયાણી!” રામા ખાચરે આઈને બોલાવ્યાં: “કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની સાથે મૉતનો મામલો મચવાનો છે. પાછા વળાશે નહિ.”
“તે તમારી શી મરજી છે?”
“બીજી તો કાંઈ નહિ, પણ ગીગીનો વિવા પતાવી લેવાની. તમે જાણો છો? મરણ પરણને ઠેલતું આવે છે.”
“બહુ સારું, કાઠી, જેવી તમારી મરજી.” કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી. માંડછાંડ, ગારગોરમટી અને ભરતગૂંથણના આદર કરી દીધા.
ગીગીનાં બલોયાં ઉતરાવવાં છે. તે દિવસમાં હળવદ શહેરની દોમદોમ સાયબી. હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચાળનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહિ. “હળવદમાં આપણા ગામના શેઠ છે, ત્યાં પરમાણું મોકલી આપો. અસલ હાથીદાંતના બલોયાં ઉતરાવીને મોકલાવી દેશે.”
મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણિયો; પણ હળવદમાં એનો વેપાર ચાલે છે. બે પૈસાનો જીવ થઈ ગયેલો. રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે. પરમાણા પ્રમાણે બલોયાંની જોડ ઉતરાવીને એણે મોકલી. બહેન પહેરવા માંડ્યાં, પણ બલોયાં હાથે ચડ્યાં નહિ. દોરા-વા સાંકડાં પડ્યાં. બીજે દિવસે માણસો જઈને બે બીજાં બલોયાં ઉતરાવી લાવ્યાં, પણ ત્યાં તો વળી દોરા-વા મોટાં થયાં.
હળવદથી શેઠે કહેવરાવ્યું: “બેનને જ અહીં તેડી લાવો. ઢાંઢા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપનાં બલોયાં ચડાવી લેવાશે. સાંજ ટાણે પાછાં ચોટીલા ભેળાં થઈ જાશે.”
વેલડું જોડીને કન્યા હળવદ ચાલી. સાથે પાંચ હથિયારબંધ કાઠીઓ લીધા છે.
મોતીચંદ શેઠને ફળિયે વેલડું છોડીને બાઈ સામી જ બજારે મણિયારાનું હાટડું હતું, ત્યાં બેસીને બલોયાં ઉતરાવવા મંડ્યાં.
હાટડાનીની દીવાલે દીવાલે હાથીદાંતના ચૂડલા લટકે છે. કસુંબલ રંગની ઝાંય આખા ઓરડામાં છવાઈ રહી છે. એની વચ્ચે બેઠી જુવાન કાઠી-કન્યા. એના દેહની ચંપકવરણી કાન્તિ જાણે રંગની છોળોમાં નાહી રહી છે. તૈયાર થયેલાં બલોયાં પહેરીને ઊઠવા જાય છે, ત્યાં તો ઓચિંતી કન્યા ઝબકી ઊઠી. એના ઉપર જાણે કોઈ ઓછાયો પડ્યો. મુખ રાતુંચોળ થઈ ગયું: “ઊઠો ઊઠો!” એનાથી બોલાઈ ગયું.
“શું થયું? બાને શું થયું? કેમ ગભરાઈ ગયાં?” માણસો પૂછપરછ કરવા મંડ્યા. બાઈ બોલી: “ઝટ ઊઠો. વેલડું જોડાવો.”
લોકોએ હાટમાંથી બહાર નીકળીને જોયું, સમજ પડી ગઈ. હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યો જાય છે. ડોક ફેરવીને પાછું વાળીને જોતો જાય છે.
“શેઠ, ઓરા આવજો!” દરબારે મોતીચંદને હાટડે ઘોડા થંભાવીને હસતે મુખે શેઠને એકાંતે બોલાવ્યા.
હાથ જોડીને મોતીચંદ શાએ હડી કાઢી. જઈને કહ્યું: “ફરમાવો, અન્નદાતા!”
“મોતીચંદ શેઠ!” દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ દીધો: “મે’માન અમારાં છે. ગઢમાં માંડ્યું કરાવવી છે. માટે રોકવાં છે, જાશે તો તમારી પાસેથી લેશું! રેઢાં મેલશો મા!”
એટલું બોલીને દરબારે ઘોડો હાંક્યો.
મોતીચંદ શેઠ બાઘોલા જેવા ઘેર ગયા.
“મોતીચંદ મામા!” કાઠીની દીકરી બોલી: “હવે અમને ઝટ ઘર ભેળાં થાવા દો. મને આંહીં અસુખ થાય છે.”
“બોન બા! ભાણી બા! બેટા! હવે કાઠિયાણી બની જાવ. હવે વેલડું બહાર નીકળે નહિ. કાળ ઊભો થયો છે. અને એમ થાય તે દી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સવાદ રહે. માટે હવે તો આ ડેલીમાં બેસી રહો, બાપ! આ બાયડી, છોકરાં અને છેલ્લો હું — એટલાં જીવતાં બેઠેલ છીએ ત્યાં સુધી તમારું રૂંવાડુંય ન ફરકે.”
દરવાનોને એણે આજ્ઞા દીધી: “ડેલી બંધ કરો, તાળાં મારી દ્યો.”
ડેલીનાં બારણાં બંધ થયાં, અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો.
**********
“આ તે શું કહેવાય? રામની મઢીએ કાગડા ઊડે એમ ચોટીલું ઉજ્જડ કાં કળાય?”
“આપા ભોકા, રામા ખાચરને ગઢપણ છે ખરું ને, એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સવાદ લેવાનું મન થઈ ગયું હશે!”
“હોય નહિ. રામાને હું ઓળખું છું. આજ રામો જીવ ન બગાડે. નક્કી કાંઈક ભેદ છે. નાજભાઈ! ગામમાં ડોકાઈ તો આવો. દાયરો શું કરે છે?”
નાજભાઈ ગઢવી ગામમાં ગયા. ગામને જાણે ચુડેલ ભરખી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે.
ડેલીએ આવે ત્યાં ઠાંસોઠાંસ દાયરો બેઠો છે, પણ કોઈના મોં પર નૂરનો છાંટોય નથી રહ્યો.
“આવો, નાજભાઈ!” એમ કહીને કાઠીઓ ઊભા થયા. ચારણને બાથમાં ઘાલીને મળ્યા, બેસાડ્યા, કસુંબો લેવરાવ્યો. પણ કોઈ કશો ભેદ કહેતું નથી. ચારણે કહ્યું:
“રામા ખાચર, બાપ, ભોકો વાળો ક્યારુના તમારી વાટ જોઈને બેઠા છે.”
“હા, ગઢવી, આ હવે ઘડી-બે ઘડીમાં જ અમારાં બાકીના જુવાનો આવી પહોંચે એટલે ચડીએ છીએ. હવે ઝાઝી વાર નથી. ભોકાભાઈને વાટ જોવરાવવી પડી એનો અમનેય અફસોસ થાય છે.”
નાજભાઈ ગઢવીને કશું ન સમજાયું: આ ખાચર દાયરો આજ મરવા ટાણે કાં કાળાંમેશ મોઢાં લઈને બેઠો છે?
નાજભાઈ બાઈઓને ઓરડે ગયા, ત્યાંયે ઉદાસીના ઓછાયા.
“આઈ! આજ આ શું થઈ રહ્યું છે?” એણે બાઈને પૂછ્યું.
“બે’ન હળવદ બલોયાં ઉતરાવવા ગયાં છે. એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકાવી છે. હવે ઘડિયું જાય છે; કાં દીકરીએ પેટમાં કટાર નાખી હશે ને કાં એને એક ભવમાં બે ભવ થયા હશે. અને વાણિયાના તે શા ભરોસા! દોરીને દઈ દે એવા લાલચુડા.” એમ કહેતાં બાઈ રડી પડ્યાં.
“એમાં ખાચર દાયરો મૂંઝાઈને બેઠો છે?”
“હા, માડી, એક કોર ભોકાભાઈ ને બીજી કોર હળવદનો રાજ — બેમાંથી પહેલું ક્યાં પહોંચવું?”
ચારણ ચાલી નીકળ્યો. સડેડાટ સીધો ડુંગરાની ધારે આવ્યો, આવીને આખી વાત કહી.
સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પડ્યો. પછી એણે ગઢવીને કહ્યું: “નાજભાઈ, વેર કાંઈ જૂનાં થઈ જાય છે?”
નાજભાઈ કહે: “ના, આપા!’
“તો પછી ચોટીલાના દાયરાને ખબર દ્યો કે અમે મળવા આવીએ છીએ.”
જઈને ભોકા વાળાએ કહ્યું: “આપા રામા, ઊઠ ભાઈ! ગીગીને ઊનો વાયે ન વાય. ઊઠ, પછી આપણો હિસાબ આપણે સમજી લેશું.”
પાંચસો ઘોડાની હાવળે આભને ચીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.
************
હળવદમાં સાંજ પડી ગઈ છે. મોતીચંદ વાણિયો પોતાની પાછલી બારીએથી નદીમાં આંટા ખાય છે. ત્યાં તો નદીકાંઠે ભૂરિયાં લટૂરિયાં, રાખમાં રોળેલી પહાડી કાયાઓ, તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજ્યો હોય તેવી રાતીચોળ આંખોવાળા નાગડા બાવાની જમાતના પડાવ થાતા જોયા. સાથે ડંકા, નિશાન, હથિયાર અને ઘોડાં દેખ્યાં. વાણિયાએ પૂછ્યું: “બાવાજી, ક્યાં રહેવું?”
“ચિત્તોડ!”
“કેની કોર જાશો?”
“ચાકરી મિલે વહાં!”
“મારે ઘેર રહેશો?”
“તું બનિયા ક્યા દેગા?”
“બીજે શું મળશે?”
“પંદરા-પંદરા રૂપૈયા.”
“આપણા સોળ-સોળ!”
નાગડાઓ ગામમાં દાખલ થયા. એ જ ટાણે તાતી ઘડીમાં વાણિયાએ નાગડાઓને પગાર ગણી દીધો. ચારસો નાગડાઓની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઈ.
દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ. અમીરો વીખરાઈ ગયા, અને દરબારનો માનીતો જમાદાર વેલડું જોડીને કાઠિયાણીને બોલાવવા ચાલ્યો.
એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓને સાચા ભેદની ખબર પડી. નાગડાઓ રંગમાં આવી ગયા. એમણે જમાદારને મારી પાડ્યો.
ઝાલા રાજાએ જમાદારનું ખૂન સાંભળ્યું, અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાઓની પલટન બેસાડેલી છે એવા સમાચાર સાંભળ્યાં. નગારે ઘાવ દઈને એણે ફોજ સજ્જ કરી.
“એકેય બાવો જીવતો ન રહેવા પામે!” એમ હાકલ થઈ. એવામાં તો ‘દોડજો! કાઠી! કાઠી! કાઠી!’ એવા અવાજ થયા. દરવાજે નગારાં વાગ્યાં.
પોણા ભાગની ફોજ લઈને રાજા દરવાજે દોડ્યો. જોયું ત્યાં તો દરવાનોની લોથો પડી છે. નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે. રાજાએ ફોજને કાઠીઓના કટક ઉપર હાંકી મૂકી. કાઠીઓ ભાગ્યા. પાછળ દરબારે ફોજનાં ઘોડાં લંબાવ્યાં. હળવદનો સીમાડો વળોટી ગયા. દરબાર જાણે છે કે હું કાઠીઓને તગડ્યે જાઉં છું, હમણાં ઘેરી લઈશ, હમણાં પોંખી નાખીશ.
ત્યાં તો તળાવડીમાંથી પાંચસેં ભાલાં ઝબક્યાં.
હળવદની સેના દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું. આવીને જોયું ત્યાં તો બાકીનું કામ બાવાઓએ પતાવ્યું હતું.
“આપા ભોકા, આપા રામા, હળવદનો દરબારગઢ રેઢો છે. આડો દેવા એકેય માટી નથી રહ્યો.” કાઠીઓ બોલી ઊઠ્યા.
“ના,” રામા ખાચરે ને ભોકા વાળાએ બેય જણે કહ્યું: “કાઠીનો દી માઠો બેઠો નથી. હળવદનો રાણીવાસ લૂંટાય નહિ — મર લાખુંની રિદ્ધિ ભરી હોય. હાલો, પે’લી તો મોતીચંદ શેઠની ખબર કાઢીએ.”
ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે. ઘાયલ થયેલો મોતીચંદ પડ્યો પડ્યો કણકે છે.
રામા ખાચરે મોતીચંદના પગની રજ લઈને માથે ચડાવી. બોલ્યા: “ભાઈ! વાણિયાની ખાનદાનીનાં આજ દર્શન થયાં. મોતીચંદ, તું ન હોત તો મારું મૉત બગડત.”
મોતીચંદે આભ સામે આંગળી ચીંધીને કહ્યું: “ધણીની મરજી, આપા!”
દીકરીને લઈને બેય મેલીકાર ચાલી નીકળ્યા. સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે ચોટીલાને સીમાડે ભોકા વાળાનું કટક નોખું તરીને ઊભું રહ્યું.
“રામા ખાચર! હવે બે’નને ફેરા ફેરવીને વે’લા પધારજો, અમે વાટ જોઈને બેઠા છીએ.”
“વેલડું થંભાવો!” બાઈએ અંદર બેઠાં બેઠાં અવાજ દીધો.
“કાં બાપ! કેમ ઊભું રાખ્યું?” બાપુએ પૂછ્યું.
“બાપુ! હું ડાકણ છું?”
“કેમ, દીકરી?”
“તમને સહુને કપાવી નાખીને મારે શો સવાદ લેવો છે?”
“શું કરીએં, દીકરી? બોલે બંધાણા છીએ.”
પડદો ઊંચો કરીને બાઈએ સાદ દીધો: “ભોકાકાકા!”
“કાં બાપ?” ભોકો વાળો પાસે આવ્યો.
“તો પછી મને શીદ ઉગારી?”
“રામા ખાચર!” ભોકો વાળો બોલ્યો: “આ લે તરવાર. તારા ભત્રીજાના માથા સાટે ઉતારી લે મારું માથું!”
“આપા ભોકા, એવા સાત ભત્રીજાનાં માથાં તેં વાઢ્યાં હોત, તોય આજ તેં એનો હિસાબ ચૂકવી દીધો છે, ભાઈ!”
બેય શત્રુઓ ભેટ્યા, સાથે કસુંબા પીધા. રામા ખાચરની દીકરીને પરણાવી ભોકો વાળો મુંજાસર ગયો.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– રાણજી ગોહિલ – સૌરાષ્ટ્રની રસધાર
– ભીમોરાની લડાઈ -સૌરાષ્ટ્રની રસધાર
– ઓઢો ખુમાણ – સૌરાષ્ટ્રની રસધાર
– વાળાની હરણપૂજા – સૌરાષ્ટ્રની રસધાર
– આંચળ તાણનારા! – સૌરાષ્ટ્રની રસધાર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો