પદ્મશ્રી દુલા ભાયા કાગ

ભગતબાપુના પ્યારા અને લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને આપવાનો હોય શું? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ ભગતબાપુના નામથી કોઈપણ અપરિચિત હોય?
પોતાની મૌલિકવાણીમાં ‘‘કાગવાણી‘ ને આઠ – ભાગની ભેટ ગુજરાતની જનતાને આપનાર કવિશ્રી ગુજરાતની વિરલ વિભૂતિ છે, એમના વિશે શું લખવું? ગુજરાતના સાક્ષર વર્ગ ધણું લખ્યું છે,ભગતબાપુનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા પાસેના સોડવદરી ગામે તુંબેલ (પરજિયા ચારણ) કુળમાં વિ.સં. ૧૯૫૮ના કારતક વદ અગીયારસ શનિવારે ઇ.સ. ૧૯૦૨માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભાયા કાગ અને માતાશ્રીનું નામ પાનબાઈ હતું. તેની શાખા કાગછે.

“કવિ જન્મે છે : થવાતું નથી “- એ વાતને ભગતબાપુએ સાર્થક કરી બતાવ્યું છે. બાળપણથી જ તેમના પંડમાં ભક્તિના સંસ્કાર રોપાયા, અંતરમાં આધ્યાત્મિક ભાવના જાગી. પોર્ટ વિક્ટરની શાળામાં પાંચ ગુજરાતી ભણી, ઉધાડે પગે ગાયો ચારવાનું અને સ્વહસ્તેકૂવામાંથી પાણી ખેંચી ગાયોને પાવાનું વ્રત લીધું. બાપુના બંધાણી અને દરબારી ડાયરા કરતાં સંતો- મહાત્માઓનો સંગ તેમને વધુ ગમતો. સાધુના સમાગમથી તેનું અંતર કોળી ઊઠવું. ખાનદાનીના રંગે રંગાઈ ગયેલા એવા નાનકડા દુલા માથે સ્વામી મુક્તાનંદજીનો પંજો પડ્યો અને કહ્યું, “બચ્ચા! કવિતા લિખના સિખલે.” મુક્તાનંદ મહારાજના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્વાર ખૂલી ગયાં અને કાવ્યરચનાના અને પછી તે લોકજીવનના વાલ્મિકી બન્યા.

મજાદરના મલક ફરતા વીસ – વીસ ગાઉ માથે હાક વગાડતા માથાના ફરેલ કરમી બાપને પોતાનો દીકરો ભગત થાય તે ક્યાંથી ગમે? ગજાનન ગણેશની પૂજા કરતા દીકરાને બાપ ઘણીવાર સમજાવતા –“દીકરા હવે આ સીંદરા ખેંચવા મૂકી દે, બાંધ્ય કેડ્યે તલવાર અને હાલ્ય મારા ભેળો, આમ કરતાં – કરતાં કોક દિ’ સાધુડો થઈ જઈશ તો મારું આ રજવાડું કેમ સચવાશે? હવે તારે છાંટો પાણી કરી આંખ લાલ, કરવી જોઈએ.” બાપુ ઇચ્છતા હતા કે પોતાનો દીકરો સોમાં સોંસરવો થાય, પણવિધાતાએ ભગતબાપુ માટે કાંઈક જુદું જ નિર્માણ કર્યું હતું. નહિ તો જયાં ગામના સીમાડામાં તકરારથી લોહી છંટાતાં હોય, જયાં ગામનાં વેરઝેર કંઈક અપૈયા પળાવે, જ્યાં અફીણ વગર ઇજજત ન હોય, જયાં કસુંબાની અંજળિયો હાથી જેવા જુવાનની ભુજા ઓભાંગીને ભુક્કો કરી નાંખતી હોય, જયાં મોડી રાત સુધી ચૂલો ઝાલીને બેસી રહેતી પત્નીઓ પરોણા સાથે દારૂની મહેફિલ ઉડાવતા ધણીની વાટ જોતી, ઝોલે ચડતી, પોતાના વાળની અસ્તવ્યસ્ત લટો ચૂલાની આંચમાં સળગાવતી હોય અને સ્ત્રીઓના આ જાતનાભોગે ચાલતી રહેલ પચ્ચીસ પચ્ચીસ મહેમાનોની પરોણા ચાકરી, પતિને ખમીર દિલનો દાનેશ્વરી અને રોટલે પહોળો લેખાવે, દાન આપનાર જમીનદાર પોતાને બિરદાવનાર ચારણ, બારોટને પોતાની પત્ની અને બાળકો સિવાય સર્વસ્વ આપવા તૈયાર થાય એવાસમયમાં ઉઘાડે પગે ગાયો ચારનાર છોકરો બાપને ભગતડો ભાસે એવા વ્રત-પરાયણ-પુત્રને જયાં પિતા તલવાર બંધાવી ત્રાસદાયક બનવા ભલામણ કરતા હોયઃ જયાં ગ્રામપ્રજાની નીતિ-રીતિ નાશ પામી ગઈ હોય, જીગીરદારોની કાયાનાં હાડકાં હરામનાં બની ગયાંહોય, જ્યાં જૂના જીવનના ખમીર ખૂટી ગયા હોય એવી દુનિયામાં દુલા ભગત સિવાય કોણ જીવી શકે? એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે,

“પર ધન પર ધરા મહીં, ભાયલ લેતો ભાગ
પણ ભાયા તારાં ભાગ્ય, દુલા જેવા દીકરા.”

સંસ્કાર કોઈના આપ્યા અપાતા નથી તે તો કુદરતી દેન છે. સંસ્કાર તો માણસ લઈને જ જન્મે છે, જન્મ સાથે લોહીમાં ઊતરે છે;આ વાત બાપુનાં જીવન-કવન પરથી સમજાશે. આવા વાતાવરણથી અલિપ્ત રહેવું મુશ્કેલ છે. છતાં ભગતબાપુ કોઈની શેહ-શરમ વગર જળ કમળ વત અલિપ્ત રહી શક્યા તે તેનાં જીવનનું ઉજજવળ પાસું છે. અને તેના જીવનને સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં કારણભુત છે. “કવિ દુલા ભાયા કાગ” – આ આઠ અક્ષરોમાં સૌરાષ્ટ્રના એક ખમીરવંતા માનવીનું નામ સમાયેલું છે, કાળ જૂના સૌરાષ્ટ્રની સબળ અને સુકોમળ, મીઠી અને બુલંદ,ભવ્ય અને ભાતીગળ કવિતા ને હૈયાને હલાવતો એક ગજબ રણકાર છે.

રામાયણ અને મહાભારત ઉપર તો અનેક કવિઓએ કવિતા લખી છે. પણ તેના ભાવોમાંથી સુક્ષ્મભાવ ઝીલી ભગતબાપુએ કવિતારૂપી દોરામાં પરોવી છે અને તે જ લોકહૈયાને ઢંઢોળે છે. પણ એમની કવિતામાં ફક્ત રામાયણ અને મહાભારત જ નથી પણમાનવજીવનમાં ડગલે ને પગલે ઉપયોગી એવું વહેવારુ જ્ઞાન પણ ભરપૂર છે, એમણે આખી. સમષ્ટિને આવરી લીધી છે. પહાડ, વૃક્ષ, વાડી, નદી, પશુ, પણી, પૃથ્વી, આકાશ, મોર અને વરસાદ વગેરેમાં કુદરતનો ગજબ સાકાર કરાવ્યો છે. એમની કવિતાનો ઝોક હંમેશા સમાજસુધારા તરફ રહ્યો છે. એમાં લોકજીવનની સમસ્યાનો પડધો છે. આ બધું એમણે લોકભોગ્ય અને લોકહૃદયને સીધી રીતે સ્પર્શે એવી લોકવાણીમાં વર્ણવેલ છે.

અત્યાર સુધી કવિઓમાં એક પ્રણાલિકા હતી કે વધારેમાં વધારે અધરી ભાષામાં કવિતા લખવી, ડિંગળ ભાષાના વધારે શબ્દપ્રયોગ કરવા, આમ વધારે અઘરી કવિતા લખે તે શ્રેષ્ઠ કવિ અને ત્યાં સુધી કે માત્ર પોતે જ પોતાની કવિતાનો અર્થ કરી શકે, પણ ભગતબાપુએ આ પ્રણાલિકાને તોડી કવિતા વધારે સરળ કેમ બને, સામાન્ય જનસમાજ તેને કેમ ઝીલી શકે, સમજી શકે અને ગાઈ શકે તે મુદ્દાને ભગતબાપુએ લક્ષ્યાંક બનાવ્યો છે. એટલે જ તેની કવિતા લોકહૃદય સુધી પહોંચી શકી. કવિતા કેટલી અઘરી છે તેમહત્ત્વનું નથી પણ તે લોકોને કેટલી ઉપયોગી છે તે મહત્ત્વનું છે. કવિની કવિતા અને ધનુષ્યનું બાણ સામાનાં હૃદયને ચોંટે નહિ તો તે કવિતા કે બાણ શા કામનાં? ભગતબાપુ ‘ભગત’ કહેવરાવે છે એવું નથીઃ તે સાચા અર્થમાં ભગત હતા. પણ તે પોતાને ભગત કહેરાવવા કરતાં ખેડૂત કહેરાવવાનું વધુ પસંદ કરતા. એમના જીવનમાં પ્રલોભનો પણ ઘણાં આવ્યાં. ધ્રાંગધ્રા રાજસાહેબનું તેડું આવ્યું પણ પોતે કહેવરાવ્યું, “અમે જીવનભર એજાચી રહ્યા છીએ.’

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સાથે તેને સ્નેહ બંધાણો. આમ તો રાજદરબારે ચડેલા ચારણો રાજદરબારી બની જાય. પણ ભગતબાપુ માટે એ ભ્રમ ખોટો ઠર્યો. પોતે માત્ર કવિ કે ભગત હતા એવું નથી તેમણે પોતાની જ્ઞાતિમાં અને સમાજમાં સુધારાનું કામ ઘણું કર્યું છે. અફીણ,દારૂ, કુરિવાજો, અજ્ઞાનતા અને જડતાને ઊખેડી નાખવા ભગીરથ પ્રયાસો કર્યા છે.બાબરિયાવાડમાંથી દારૂને નષ્ટ કરવા પાઘડી નહિ પહેરવાનું વ્રત લીધું હતું. એમનો સૂર્ય જયારે મધ્યાને તપતો હતો ત્યારે આઝાદીની ઉષ્મા પ્રગટી રહી હતી. તે વખતે પ. પૂ. ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, પૂ. વિનોબા ભાવે, પૂ. રવિશંકરદાદા જેવા ધૂરંધરોનાપરિચયમાં આવ્યા અને તેની કવિતા કરવટ બદલીને રાષ્ટ્ર ભાવનાના ભાવે રંગાણી, પોતે મહાત્માજીને તો મજાદર લાવવા ઇચ્છતા હતા ત્યાં અચાનક ગાંધીજીએ વિદાય લીધી. તેથી તે ઇચ્છા પૂરી થઈ શકી નહિ પણ પૂ. રવિશંકર દાદા ડુંગર પધાર્યા અને તેનો પરિચયથયો. પછી તે દાદાના ચાહક બની ગયા. ભૂદાન પ્રવૃત્તિના રંગે રંગાઈ ગયા. પોતાની જન્મભૂમિ સોડવદરી ગામે દાદા પધાર્યા ત્યારે પોતે પ૦ વીધા જમીન, ૧૦ હળ, ૧૦ બળદ, ૧0 મણ અનાજ, ૪૦૦ મણ ઘાસ અને હરિજનને એક મકાન, દાદાને ચરણે ધરી દીધાં. પછીતેની કલમ ભૂદાનનાં ગીતો લખવા તરફ વળી, પૂ. વિનોબા તરફ અહોભાવ થયો અને તેથી “ભૂદાનમાળા” પ્રગટ થઈ. પોતે સાવ ગાંધી રંગે રંગાઈ ગયા. તેથી કવિતાનું વહેણ એ બાજુ વહેવા લાગ્યું. આઝાદી વખતે જૂનાગઢના નવાબ સાહેબને સમજાવવા એક દૂતબનીને ગયા પણ તેમાં તે સફળ થયા નહિ.

ભગતબાપુ મેધાણીજીના ખૂબ સંપર્કમાં હતા. સાથે પ્રવાસો પણ કરેલા, એકવાર મેઘાણીજીએ ભગતબાપુને કહ્યું ,”પોરસાવાળાની વાત ખૂબ જામે છે. તેના થોડા દૂહા ગોતીને મોકલી આપો.” ભગતબાપુએ દુહા ગોતવાને બદલે પોતે જ સાતેક દુહા લખીને મોકલી દીધા. પણ મેધાણીજી તો ઘણા મર્મજ્ઞ હતા. તે સમજી ગયા આ દુહા પ્રાચીન નથી પણ તેના પોતાના જ રચેલા છે.એટલે તેણે જવાબ લખ્યો, – “આપે છે આ દુહા લખ્યા હોય તો થોડા વધારે મોકલજો.”

રવીન્દ્રનાથ ટાગોરને ‘ગીતાંજલી” માટે પારિતોષિક પ્રાપ્ત થયેલ. તેનાથી દેશની વિવિધ ભાષાના ઉત્તમ કાવ્યોને ઇનામો આપવા માટે એક યોજના આકાર પામેલી ત્યારે ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ કવિ કાગ રચિત પ્રકૃતિ વર્ણનનું આ ગીતનો અંગ્રેજીભાષાનુવાદ કરી મોકલી આપેલ. આ ગીત સર્વોત્તમ ઠરતાં કાગબાપુને બાવીસ તોલાની ચાંદીની ગાય પારિતોષિક રૂપે આપી. આ ગીત હતું….

“આવો આવો એકલધાર
સાગરના જાયા ક્યારે આવશો”

ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતાં રાખનાર કવિ કાગને ભારત સરકારે ઇ.સ. ૧૯૬૫ માં પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કરીને બહુમાન કર્યું.

રાજકોટમાં આકાશવાણીનું કેન્દ્ર શરૂ થતાં આકાશવાણીના અધિકારીઓએ સૌ પ્રથમ ભગતબાપુનો સહકાર માગ્યો. અને પછી તો તેની કવિતાના એમને જ કંઠે રેકોર્ડિંગ કર્યા જે આજ પર્યત આપણે સાંભળીએ છીએ. ભગતબાપુના મોઢે રામાયણના પ્રસંગ સાંભળવા તે પણ એક લહાવો છે. સાદી, સરળ, ગામઠી ભાષામાં જ્યારે ત્યારે વાતાવરણ બંધાઈ જાય તેવાં ગીતો એમને કંઠે રૂડા લાગ્યાં છે, તેવાં મેં કોઈ પાસેથી સાંભળ્યાં નથી,તેઓએ આપણી વચ્ચેથી વિ.સં. ૨૦૩૩ તા. ૧૨-૨૧૯૭૭ ના રોજ વિદાય લીધી. ભગતબાપુ માત્ર કવિ ન હતા. ઉત્તમ વકતા અને કલાકાર પણ હતા. આકાશવાણી રાજકોટે જૂનાગઢ લોકસાહિત્ય વિદ્યાલયમાં તેમનું અનેક કલાકોનું રેકોર્ડિંગ કર્યું છે. જેથી તેમનો ઘેઘુરકંઠ આપણી વચ્ચે અવારનવાર ગુંજતો રહે છે.

📌 પ્રેષિત-સંકલનઃ
મયુર. સિધ્ધપુરા-જામનગર

– ભક્તકવિ દુલા ભાયા કાગ રચિત ‘બાવન ફૂલડાંનો બાગ’

error: Content is protected !!