દીકરો ! – સૌરાષ્ટ્રની રસધાર

“આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.”

એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.

ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : “આપા દેવાત ! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા !”

થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.
“– ને આ ઊનની દળી.” એમ કહેતા ત્રીજા ભાઈ આાગળ આવે છે. “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ છેલાય. ખાસ બનાવીને આણી છે હો !”

ચલાળા ગામના ચોરા ઉપર દરબાર એાઘડ વાળાનાં આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને.

આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે : “કાઠીએામાં આ કઢીચટ્ટાપણું કયારથી પેઠું, ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?”

“ ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડયું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.”

“ હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.”

બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયેા. એના બોલ ડાયરાને કાને પડયા, અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : “ ઈ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને,

બાપા ! ”

“આપા દેવાત વાંક !” આદમીએ થડક્યા વિના જવાબ દીધો : “ઈતો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુ:ખ થાવું જોવે, હરખાવું નો જોવે.“ આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !”

તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીને કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.”

“લે ત્યારે, લાખા વાળા !” એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસૂબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો, ને કહ્યું : “લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર…”

“હાં-હાં-હાં–ગજબ કરો મા, બા !” એમ કરતો આખો ડાયરો આડો પડયો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : “આપા, લાખા વાળો તો બાળક છે, એને બેાલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.”

“ના ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે ! ” એમ કહીને લાખોવાળે તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય, પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.”

એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો.

ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેંકાર ઉચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઈ ભૂતાવળનાં છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યાં છે.

એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું, લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાએા પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ધૂનામાં મગરે શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ, બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે ! એવે સ્થળે જન્મનારાં માનવી પણ એક વખત એવાં જ કોમળ અને વિકરાળ હતાં : શૂરવીર ને પ્રેમી હતાં. એ ગામનાં તોરણ બાંધનારો જ આ લાખોવાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો.

લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા.

તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહેાંચે.

એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો કહે : “આપા, આજની રાત તે નહિ જાવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે?” લાખા વાળો કચવાતે મને રોકાયો.

આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે : “દેવાત કટક લઈને આવે છે.” ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા.

દેવાતનું કટક પડયું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા, ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડયું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડયા.

ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડયો : “કાઠી ! બા’રો નીકળ, બા’રો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો’તો !”

એારડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : “આપા દેવાત ! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.”

ઉંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલધૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ, એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકાર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે:

ઉગમણી ધરતીના દાદા, કોરા કાગળ અાવ્યા રે
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે
શીદને રોવો છો દાદા; શું છે અમને કે’જો રે
દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે !
હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.

દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈ ને હાલશે !’

પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છેાડવા મંડયો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો.

એારડામાંથી મા કહે , ” બેટા હીરબાઈ, આંહીં આવતી ૨હે.” પણ હીરાબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂકયો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.

નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂકયા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બેાલાવી : “માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.”

દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી.

ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે.

દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે : “ગઢવા, ચલાળે જાઓ; ને બાપુને કહો કે પરબારા કયાંય ન જાય. અાંહીં આવીને એક વાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”

ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડયાં ! ‘ હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ… પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જાઉં તો ખરો.’

દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું: “બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું, એક જણને તો મેં આંહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ.

દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂકયો : “ બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે!!

“અને મૂરખા દેવાત ! વછેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો ! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડયું ? પણ તારાં અભેમાન ક્યાં એાછાં હતાં ! ”

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

– આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

– સાંઈ નેહડી – સૌરાષ્ટ્રની રસધાર

– સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

– દુશ્મનોની ખાનદાની – સૌરાષ્ટ્રની રસધાર

– આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

– એક અબળાને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!