ધરતીનાં છોરું

‘કેમ લાગે છે?’

‘કંઇ સમજાતું નથી.’,‘છતાંય, તમારા અંતરમાં શું છે?’

‘વિષાદ! ઘેરો વિષાદ! આખી સંસ્થામાં આવો તાવ કોઇ છોકરાને નથી આવ્યો.’, ‘હા… છોકરોય સંસ્થાનો હાથવાટકો પાછો.’

‘એનાથી કંઇક વિશેષ કહું તો આરૂણી.’,‘હા આપણી આરૂણી જ છે, મગન…’

‘ચાલ્યા કરે. છોકરાં બીમાર પણ પડે…’

‘એ તો છે જ… પણ એ બીમાર છોકરાઓ પાસે એનાં માવતર હોય, એનું રમેલું-ખૂંદેલું આંગણું હોય, ત્યારે અહીં તો.’

‘રમેલા આંગણાને બાદ કરો તો આપણે એના માટે બધું જ છીએ.’

‘ખરી વાત. એનાં માવતર હોવાનો કાયદેસરનો હકક આપણી પાસે નથી પણ માવતર આનાથી વધારે કશું જ ન કરી શકે એની આપણને પ્રતીતિ… આત્મ પ્રતીતિ છે.’

ભાંગતી રાતનો પૌઢપ્રહર… મુઠ્ઠી જેવડું આંબલા ગામ. વાટકી જેવડી સાવ નાનકડી સંસ્થા ગ્રામ દક્ષિણામૂર્તિ… વેદકાલીન સમયની યાદ અપાવે એવું જીવનલક્ષી શિક્ષણ… નાનાભાઇ ભટ્ટ, મનુભાઇ પંચોળી, વિજ્યાબહેન, બચુભાઇ જેવા અધ્યાપકો, વત્તા સાહિત્યકારો વત્તા માયાળુતાના માંડવાઓ! રાતનો બીજો પ્રહર વીતી ગયો હતો… હાથે કાંતેલી, વણેલી, ખાદીનાં વસ્ત્રોની ફૂલસમી સ્વચ્છ પથારીમાં ગ્રામ દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરતો બાર, ચૌદ વરસનો મગન નામનો છોકરો તાવમાં ધીખે છે અને સંસ્થાના સંચાલકો વિષાદઘેર્યા અંતરે છોકરા માટે ઝૂરે છે. તલખે છે. પવનના એકાદ લેરખાએ સંસ્થાનાં વૃક્ષોનાં પાન ખખડે એના કરતાંય આ બધાનાં હૈયાં વધારે ફફડે છે…

મગન જરાક આંખ ઉઘાડે, પડખું ફરે, શ્વાસ લે કે ઉધરસ ખાય. ‘શું થયું ભાઇ?’ કહીને મગનની પથારી ઉપર બધાં ઝળુંબે છે. મગનનો તાવ અણઉતાર છે. છેય પાછો બ્રિટિશ વાઇસરોય સમો ઘમંડી, ફડકાળવો. કોઇને ન ગાંઠે ગણે એવો ટાઇફોઇડ!

ઘણાં બધાં વર્ષો પહેલાંની આ વાત… આંબલા સાવ નાનકડું ગામ. નહીં ડોક્ટર કે નહીં આ તાવની શોધનાં ઇન્જેકશનો, આળાં ભોળાં હાથવગાં ઓસડિયાં… પરહેજી પાળવાની, બાકી રામનું નામ. મુદતિયો તાવ એટલે રાહ જોવાની. સાતના આંકડાને એનાં પગથિયાં: સાત, ચૌદ, એકવીસ, અઠ્યાવીસ અને છેલ્લું પગથિયું બેતાલીસનું. મગન નામનો કળી સમો છોકરો ચોથું પગથિયું પૂરું કરવામાં હતો. હવે તો પથારીમાંય કળાતો નહોતો! ‘અરેરે…’ આશ્રમના ઝાડ, ઝાડી, ખેતીવાડી, વેલા, પાંદડાં સામે પેલા મહાનુભાવોની આંખો મંડાઇ હતી. સંસ્થાનો કહ્યાગરો મગન વેલે વેલે, પાંદડે પાંદડે ટહુકતો હતો. મગન સંસ્થામાં દાખલ થયો ત્યારથી એને મન સંસ્થાની ધરતી અને એની ભણવાની સ્લેટ બંને સરખાં હતાં. સ્લેટમાં એ વિદ્યાના આંકડા પાડતો અને ધરતીમાં લીલીછમ રિળયાત ચીતરતો મગન, મનુભાઇ, નાનાભાઇ, વિજયાબહેન, બચુભાઇ અને મગનના મા જાણ્યા હોય એવા સંસ્થાના ચાલીસ વિદ્યાર્થીઓ… ભાંગતી રાતેય ઝૂરતાં હતાં…!

‘એના બાપાને મોટી મારડથી તાર કરીને તેડાવીએ ભાઇ!’

મનુભાઇ સામે જોઇને નાનાભાઇ ભટ્ટ બોલ્યા: ‘આપણને ગમે કે ન ગમે દુનિયાદારીની રીતે આપણે એનાં માવતર નથી.’

‘વાત સૌને સમજાઇ ગઇ. તાર થયો: ‘મોટી મારડ… રામભાઇ ચાંગેલા…! તમારો મગન બીમાર છે. જલદી આવો.’ ‘તાર મોટી મારડના સીધા સાદા ભલાભોળા ખેડૂત રામભાઇ ચાંગેલાને ઘેર પહોંચે છે. તૈયાર થઇને મળ્યા વાહનમાં રામજીભાઇ આંબલા પહોંચે છે.’હૃદયના એકાદ ખાના જેટલા વહાલા પુત્રના કપાળે મમતાભર્યો હાથ મૂકવા રામજીભાઇ ચાંગેલા આંબલાના પાદરમાં પગ મૂકે છે અને મગન… નાનાભાઇ, મનુભાઇ, બચુભાઇ, વિજયાબહેન અને ચાલીસ જેટલા છોકરાની આંખમાંથી આંસુ થઇને વહે છે… સંસ્થાના ઉદ્ગમકાળથી આવો નાનકડો શિશુ સાવ આમ કાળને હવાલે થયો એટલે ઝાડવાં પણ રડે છે. ‘અરેરે, એનાં માબાપનો મેળો પણ ન થયો!’

‘મા શારદાની છબીનાં ફૂલો પણ તે દી’ શ્યામ બની ગયાં…!’

‘મગનના બાપા આવે છે ભાઇ!’ સંસ્થાના છોકરાએ નાનાભાઇને ખબર દીધા.

‘ઓહ! એનો દીકરો આપણે ખોઇ બેઠા છીએ.’ ધુરંધરો કમકમી ગયા: ‘શું મોઢું દેખાડશું આપણે?મગનના બાપા શું બોલશે એની કલ્પના આ સર્જકોના કાનના પડદા ધ્રૂજવતી હતી.’ ‘મારો દીકરો મરણ પથારીએ હતો અને મને ખબર પણ ન કરી. ભલા માણસો? મારા દીકરાને ભણવા મોકલ્યો હતો. ખોઇ દેવા નહીં?’

મહાભારત અને રામાયણનાં પાત્રોની સમર્થતા, ધૈર્યતિતિક્ષા અને શૌર્ય શહુર આલેખનાર નાનાભાઇ ભટ્ટ પણ ગળી પડ્યા: ‘અરે રામ આવા સંકટ? મારી જ સંસ્થામાં?’ અને ત્યાં તો, હાથે પરોણાનો ટેકો, આંટાળી પાઘડી અને ખડેધડે એવું એ ખેડૂત ખોળિયું સંસ્થાનું પ્રાગણ વટાવીને ઓરું આવી ગયું: વિદ્યાર્થીઓ કતારબંધ બેસીને આંસુ વહાવતાં હતાં. નાનાભાઇ, મનુભાઇ કશુંક મૂલ્યવાન ખોઇ દીધાના ઊંડા વિષદભર્યા ચહેરે મગનના પાર્થિવ નિર્જીવ શરીર પાસે બેઠા હતા. રામજીભાઇ ચાંગેલાએ પુત્રના શબ પાસે પહોંચવા જેટલા ડગલાં ભર્યાં. એટલા જ ધરતીકંપના આંચકા નાનાભાઇ અને મનુભાઇના હૈયાએ અનુભવ્યા…

સંવેદનાના શિલ્પીસમા આ સર્જકો, મૃતપુત્ર અને જીવંત પિતાના હૃદય વિદારક ચિત્રને અવલોકતા હતા! દીકરાના શબ પાસે બાપ બેઠો. કેડિયાની બાય ચડાવી અને દીકરાનું કરમાઇને ચીમળાઇ ગયેલું કપાળ હથેળીવગું કર્યું… એક પળ હથેળી ઊંચકી, પછી દીકરાની જનેતાને એ બેસાડી… હથેળી છોકરાના ગાલે ફેરવી. અધખૂલા રહેલા બંને હોઠ પર આંગળીનાં ટેરવાં ફેરવ્યાં…! નાનાભાઇ, મનુભાઇ અને અધ્યાપકો, વિદ્યાર્થીઓ સૌ… જાણે અત્યારે ધરતી પર નહોતા વિજયાબહેનના કંઠેથી એક જનેતા ડૂસકી ગઇ અને પછી તો આખો વિદ્યાર્થી સમૂહ ડૂસકે ચડ્યો. ‘રોવોમા બાપ!’ રામજીભાઇ ચાંગેલા પોતાની આંખના ભીના ખૂણાને પંચિયાના છેડે કોરા કરીને બોલ્યા: ‘અમારો બાપ-દીકરાનો ઋણાનુબંધ પૂરો થયો નાનાભાઇ…!’ મનુભાઇ! તમે તો વિદ્વાન છો બાપ…! અમે તમારી ભાગવત કથાઓ સાંભળી છે. હું તો અભણ ખેડૂત છું. બીજું શું જાણું? પણ કલ્પાંત શા માટે કરો છો? મારા મગનને તમારા હાથે જે સારવાર મળી, મમતા મળી ઇ મારે આંગણે તો ન જ મળત. હું જોઇ શકું છું બાપા! મારો મગન કેવો ભાગ્યશાળી? નાનાભાઇ અને મનુભાઇ જેવા વિદ્વાન પુરુષોના હાથની છાયા પામ્યો.

નાનાભાઇને થયું કે: મહાભારતનો મારો ભીષ્મ પિતામહ બોલે છે. મનુભાઇ પંચોળીએ અનુભવ્યું: ‘ઝેર તો પીધાં જાણી જાણીનો મારો ગોપાળ બાપા બોલે છે…’ ‘હું તો નમૂડિયો માણાંહ ભાઇ! તમારું આ ઋણ ક્યા ભવે ચૂકવીશ? મગન મારો હતો. એના કરતાં તમારો સૌનો વધારે હતો. તમે ઇ સાબિત કર્યું છે. ધન છે તમને…’ છાના રાખવા પડે એવા મગનના પિતા રામજીભાઇ ચાંગેલાએ ઊલટાના સૌને છાનાં રાખ્યાં અને સાવ સ્વચ્છ થઇને મોટી મારડ ગયા. મોટી મારડ જઇને દીકરા દેવરાજ અને ગોરધનને વાત કરીને ઘરની ખેતીવાડીની ભલભલામણ કરીને એ આંબલા આવી પહોંચ્યા. ‘હું તો અહીં આવી ગયો છું. હોં ભાઇ!’ નાનાભાઇ અને મનુભાઇને એમ કે રામજી બાપાનો મગન અહીં રોકાયો હતો. માટે એને યાદ આવતો હશે. થોડો સમય રહેશે. ભલે રહે. ‘લાવો કામ.’ રામજીભાઇ ચાંગેલાએ ઉઘરાણી કરી: ‘વગર વેતને સંસ્થાની ખેડ્યા વાડ્યા કરીને ઋણ ચૂકવવા આવ્યો છું. બાપા! મારા મગનને તમે કેવો સાચવેલો? બસ, માટે તો મારા મગનને અહીં લીલપથી લહેરાતો જોવો છે. ધરતીને રીઝવીશ હું…’ અને આંબલાની સંસ્થાની ખેતીવાડીમાં રામજી આતા ચાંગેલાની કોદાણી, દાતરડી, ખંપાળી ફરતા થયા…

આંબલાની સંસ્થાએ મણાર જમીન લીધી. જમીન તો પાંચસો વીઘા જેટલી બહોળી પણ ભારે કહોબી-બોરડી-ખીજડા અને દાભના થર જામેલા વોંકળા અને ધારોળિયા, ખાડા અને ટેકરા, ધ્યાન ન રહે તો ચાલતા પગનાં હાડકાં ભાંગે, પણ રામજીભાઇ ચાંગેલાની કોદાળી, પાવડો શરૂ થયાં. સાંતિઓ જુત્યાં. રાત-દિવસ ઊંઘ આરામ હરામ! ભાંગતી રાતના તારોડિયા ખરે કે પછી બપોરનો સૂરજ તપે… રામજી બાપા ધરતી સાથે એકાકાર! અને ચૂડેલના વાહાં જેવી મણારની ધરતી માએ સીવેલી બાળકની ગોદડી સમી પોચી, રૂપાળી, મુલાયમ બની ગઇ! માથું વાવ્યું હોય તો ઊગી નીકળે એવી એની ફળદ્રુપતા સાકાર બની…! રામજીબાપા મથતા જ રહ્યા… સંસ્થાને રસોડે જમવું, ચૌદ કલાક ધરતી કેળવવી… વહેલી પ્રભાતે ઊઠવું. રેંટિયો કાંતવો, તૈયાર થયેલ કાંતેલ સૂતરનાં કપડાં, પાઘડી અને પંચિયું. સાંજે પ્રાર્થનામાં હાજરી આપવી, વાળુ કરીને ગાંધીજીનાં લખાણો ભણેલાં છોકરા પાસે વંચાવવાં. ગીતાનાં પ્રવચનો પણ વાંચનાર પાસેથી સાંભળીને હૃદયસ્થ કરે. પછી આવતીકાલનાં ખેતકામોને યાદ કરે… રાતે દસ વાગે માળા ફેરવતાં સૂઇ જવાનું. આમ મણારની પાંચસો વીઘા જમીનમાં આંબા, ચીકુડીઓ, નાળિયેરીના વન લહેરાતાં થયાં. ફાલ, વેલાનાં ઘેઘૂર વૃક્ષો મઘમઘે… પાંદડાં હવાનું સંગીત છેડે અને રામજી બાપાને હૈયે ટાઢક થાય. ક્યારેક આંબાના થડે, ક્યારેક નાળિયેરીની પ્રલંબ લુંબો વચ્ચે, ક્યારેક ઝૂમખામાં જઇને છાનામાના ઊભા રહી અને સાવ હળવે સાદે એને સંદેશો આપે: ‘મારા વાલીડાવ! મારો મગન જ્યાં હોય ત્યાં એને તમારી આ લીલપ અને સુવાસ પોગાડજો, ભૂલતા નૈ હોં. ભૂલો તો રામજી બાપાના સમ છે. તમને વૃક્ષો, પાંદડાં હલાવીને હકાર ભણે…’ અને એક નહીં બે નહીં એકધારાં ચોવીસ વરસ લગી રામજીભાઇ ચાંગેલાએ સંસ્થાની ધરતીને દીધાં જ કર્યું. લીધું તો એકાદ રોટલાનું મુઢ્ઢી ધાન… અને બાર મહિને ખાદીના કપડાં માટે પાંચશેર કપાસ…! ‘ભાઇ!’

ચોવીસ વરસના પછીના એક દિવસે રામજીભાઇ ચાંગેલા નાનાભાઇ અને મનુભાઇ પાસે હાથ જોડીને બોલ્યા: ‘હું હવે જઇશ… ભાઇ!’ ‘ક્યાં?’ મહાનુભાવો આશ્ચર્ય પામ્યા. ચોવીસ ચોવીસ વરસ લગી સંસ્થાની ધરતી માટે જેણે હાડ નિચોવી નાખ્યું. એ રામજીબાપા ક્યાં જવાની વાત કરે છે? ‘મારે મારા ઘેર જવું છે… ભાઇ! ગોરધન પાસે… દેવરાજ પાસે.’ ‘પણ શું કામે બાપા?’, ‘લ્યો કરો વાત!’ બોખા મોંએ એ હસ્યા. ‘હવે દેહ કીધું નથી કરતો કાયા ખળભળી છે. ઘેર જતો રહું.’ ‘દેહ કામ ન આપે તો ઘેર જતું રહેવું? નારે બાપા! અમે તમારી સેવા કરીશું. અમને એવું પુણ્ય લેવા દો. સંસ્થામાં જ શાંતિથી શેષ જીવન વિતાવો. અમે તમારા પુત્રોની ખાદ્ય વર્તાવા દેશું કાંઇ?’ ‘નૈ હોં… સંસ્થા તો તીરથ ગણાય ભાઇ! તીરથ સ્થળે કામ કર્યા વગર રોટલો ન ખવાય… ગીતા શું કહે છે?’ ‘ફોગટ ખાવે ચોર કહાવે.’ માટે ભાઇ, જરીકેય તાણ્ય કરો તો તમને મારા સમ છે. હાંઉ બસ હવે ઘેર જઇશ. અહીંથી રૂડું ભાથું બાંધ્યું છે જ્ઞાનનું, સમજણનું, સમતાનું. ગામમાં જઇને વહેંચીશ… છોકરાનાં છોકરાંને સંસ્કારીશ અને માળા ફેરવતાં… અને સાવ હળવાફૂલ હસીને કહી દીધું: ‘એવું જીવ્યો છું કે મારો પરભૂડો મને આવકારશે…’ અને આંબલા મણારની ધરતીને લીલા સપનાની સોગાદ ભેટ આપીને રામજીબાપા ચાંગેલા ચાલી નીકળ્યા.

તીરથે જતા હોય એવી શ્રદ્ધા અને ઉમળકા સાથે! બંને સંસ્થાના સેંકડો વિદ્યાર્થીઓ આંબલા મણારની આંબા, ચીકૂડી અને નાળિયેરી, કેળનાં ઘાટાં વનો વચ્ચે આજે સંતાકૂકડી રમે છે ત્યારે ઘણાં બધાં વૃક્ષો, રામજીભાઇ ચાંગેલા જ્યાં હશે, ત્યાંથી આંખે નેજવાં કરીને પોતાના આ હજારો મગનોને જોઇને ધરાઇ ધરાઇને આનંદ પામતા હશે હા પામતા જ હશે.‘

નોંધ: આજે પણ આંબલાની સંસ્થામાં મગનની યાદમાં ‘મગન ચોક’ અને મગન ચોતરો છે. જ્યાં નિયમિત સાંજની પ્રાર્થના થાય છે. છાત્રાલયના એક મકાનને પણ ‘મગન છાત્રાલય’ નામ આપવામાં આવ્યું છે.

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!