ધનુર્વેદ અને ભર્તૃહરિનું નીતિશતક

પ્રાચીન ભારતીય ગ્રંથ ‘શિલ્પ સંહિતા’માં પ્રાચીન ભારતની બત્રીસ વિદ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિદ્યાઓમાં મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યકૃતિ, વ્રવ્યાધિનિરાકરણ નામની કળાઓનો સમાવેશ થાય છે. આજે મારે પ્રાચીન ભારત વર્ષની ધનુર્વિદ્યાની વાત માંડવી છે. ધનુષ (ચાપ) + વિદ્યા (જ્ઞાન) અર્થાત્ ધનુષ્ય- બાણ વાપરવાની વિદ્યા કામઠી અને પણછ પર ભાલોડિયું તીર ચડાવીને મારવાની કળા. ભગવદ્ ગોમંડલ નોંધે છે કે, શંકર ભગવાન ધનુવિદ્યામાં પ્રવીણ હોવાને કારણે તેમની એક ઓળખ ‘ધનુર્વિદ્યાપટુ’ તરીકેની પણ છે.

પ્રાચીન વૈદિક સાહિત્યમાં ધનુર્વેદ અથવા ધનુર્વિદ્યાની વાત આવે છે. ધનુર્વેદ એ યજુર્વેદનો ઉપવેદ ગણાય છે. ધનુર્વિદ્યા એટલે શાસ્ત્રવિદ્યા, ધનુષ્ય અથવા શસ્ત્ર સંબંધી વિદ્યા જાણવાનું એક શાસ્ત્ર અથર્વવેદની માફક એ પણ બ્રહ્મદેવના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાનું મનાય છે. રથ, ગજ, અશ્વ અને પદાતિ એ યોદ્ધાના ચાર પ્રકારને લઈને ધનુર્વેદને ચતુષ્પાદ પણ કહેવાય છે. ધનુર્વેદમાં શસ્ત્ર, અસ્ત્ર, યુદ્ધ કરવાના ચાર પ્રકાર, વાહનો ઇત્યાદિ અનેક વિષયોના વર્ણન આવે છે.

ધનુર્વેદના પાંચ અંગ છે ૧ યંત્રમુક્ત, ૨ પાણિમુક્ત, ૩. મુક્ત સંધારિત, ૪. અમુક્ત અને ૫. બાહુયુદ્ધ આ સિવાય શસ્ત્ર સંપત્તિ અને અસ્ત્રસંપત્તિ એને બે ભેદને લઈને યુદ્ધના બે પ્રકાર થાય છે. ઋજુત્વ એટલે સરળપણું, માયાચિત્ર એટલે શત્રુના કારસ્તાન એને લઈને યુદ્ધના અનેક પ્રકાર થાય છે. રાજકારોબાર સંબંધી ભાગમાં રાજ્ય કારોબાર, દેશની સંપત્તિનો વધારો, ન્યાય વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. યુદ્વવિદ્યામાં લશ્કરની વ્યૂહરચના, આયુધ કવાયત વ્યૂહ વગેરે આવે છે.

પ્રાચીન કાળ પર ઉડતી નજર નોંધીશું તો જણાશે કે એ કાળે બધા સભ્ય દેશોમાં આ વિદ્યાનો પ્રચાર હતો. હિન્દુસ્તાન ઉપરાંત ઇરાન, મિસર, ગ્રીસ, રોમ વગેરે દેશોના પ્રાચીન ઇતિહાસો અને ચિત્રો વગેરે જોવાથી એ બધા દેશોમાં ધનુર્વિદ્યાના પ્રચલનનો પત્તો મળે છે. હિંદુસ્તાનમાં તો આ વિદ્યાના મોટા ગ્રંથો હતા. જેને ક્ષત્રિય કુમારો અભ્યાસપૂર્વક ભણતા.

મધુસૂદન સરસ્વતીએ પોતાના ‘પ્રસ્થાનભેદ’ નામના ગ્રંથમાં ધનુર્વેદને યજુર્વેદનો ઉપવેદ લખેલ છે. આજકાલ આ વિદ્યાનું વર્ણન શુક્રનીતિ, કામંદકી, નીતિ, અગ્નિપુરાણ, વીર ચિંતામણિ, વૃદ્ધ શાર્ઙ્ગધર, યુદ્ધજ્યાવર્ણ, યુક્તિકલ્પતરુ, નીતિમયૂખ વગેરે ગ્રંથ પણ છે. તેની પ્રાચીનતા અને પ્રામાણિકતામા શંકા રહે છે એમ ભગવદ્ગોમંડલકાર નોંધે છે.

‘અગ્નિપુરાણ’માં બ્રહ્મા અને મહેશ્વરને આ વેદના આદિ પ્રગટકર્તા કહેલા છે. પણ મધુસૂદન સરસ્વતી લખે છે કે વિશ્વામિત્રે જે ધનુર્વેદનો પ્રકાશ કર્યો છે તે યજુર્વેદનો ઉપવેદ છે તેણે પોતાના પ્રસ્થાન ભેદમાં વિશ્વામિત્ર કૃત આ ઉપવેદનું થોડું સંક્ષિપ્ત વિવરણ આપેલ છે તેમાં ચાર પાદ છે. દિક્ષાપાદ, સંગ્રહપાદ, સિદ્ધપાદ અને પ્રયોગપાદ. પ્રથમ દિક્ષા પાદમાં ધનુર્લક્ષણ એટલે ધનુષ્યની અંતર્ગત બધા હથિયારો લેવાયા છે અને અધિકારીઓનું નિરૂપણ છે. અયુધ ચાર પ્રકારના કહ્યા છે ૧. મુક્ત, ૨. અમુક્ત મુરક્તામુક્ત અને યંત્રામુક્ત. મુક્ત આયુધ જેવા કે ચક્ર વગેરે. અમુક્ત આયુધ ખડગ વગેરે. મુક્તામુક્ત એટલે કે ભાલો, બરછી વગેરે મુક્તને અસ્ત્ર અને અમુક્તને શસ્ત્ર કહે છે. તેમાં અધિકારીઓના લક્ષણ જણાવીને ફરી દીક્ષા, અભિષેક, શકુન વગેરેનું વર્ણન છે. ‘સંગ્રહપાદ’માં આચાર્યના લક્ષણ તથા અસ્ત્રશસ્ત્રાદિના સંગ્રહનું વર્ણન છે. તૃતીય પાદમાં સંપ્રદાયસિદ્ધ વિશેષ શસ્ત્રોનો અભ્યાસ, મંત્ર, દેવતા અને સિદ્ધિ વગેરે વિષયો છે. પ્રયોગ નામના ચોથા પાદમાં દેવાર્ચન, સિદ્ધિ, અસ્ત્રાશસ્ત્રાદિના પ્રયોગનું નિરૂપણ છે.

વૈશંપાયન પ્રમાણે શાર્ઙ્ગ ધનુષ્યમાં ત્રણ ઠેકાણે ઝુકાવ હોય છે પણ વૈષ્ણવ અર્થાત્ વાંસના ધનુષ્યનો ઝુકાવ બરાબરના ક્રમ પ્રમાણે હોય છે. શાર્ઙ ધનુષ્ય સાડા છ હાથનું અને અશ્વારૂઢ તથા ગજારૂઢના કામનું હોય છે. રથી અને પાયદળને માટે વાંસનું ધનુષ્ય ઠીક છે. અગ્નિપુરાણ પ્રમાણે ચારલક્ષનું ધનુષ્ય ઉત્તમ, સાડા ત્રણ હાથનું મધ્યમ અને ત્રણ હાથનું અધમ માનેલ છે. જે ધનુષ્યના વાંસમાં નવ ગાંઠ હોય તેને કોદંડ કહેવાય છે. પ્રાચીન કાળમાં બે દોરીઓની ગુલેલ પણ થતી હતી જેને ઉપલક્ષેપક કહેતા હતા. દોરી શણની અને કનિષ્ઠિકા આંગળીની બરાબર જાડી હોવી જોઈએ. વાંસને છોલીને પણ દોરી બનાવવામાં આવે છે. હરણ અને ભેંસની તાંતની દોરી- પણછ પણ બહુ મજબૂત બનતી. બાણ બે હાથથી વધારે લાંબુ અને નાની આંગળીથી વધારે જાડું ન હોવું જોઈએ. બાણ ત્રણ પ્રકારના ગણાવ્યા છે. જેનો આગલો ભાગ જાડો હોય તે સ્ત્રી જાતીય અને જેનો પાછળનો ભાગ જાડો હોય તેને પુરુષ જાતીય અને જે સર્વત્ર બરાબર હોય તે નપુંસકજાતીય કહેવાય. સ્ત્રી જાતીય બાણ ઘણે દૂર સુધી જાય છે. પુરુષ જાતીય ખૂબ ઉતરી જાય છે જ્યારે નપુંસકજાતીય નિશાન લેવામાં સારું હોય છે.

બાણનું ફળું ઘણાં પ્રકારનું હોય છે, જેમ કે – આરામુખ, ક્ષુરપ્ર, ગોપુચ્છ, અર્ધચંદ્ર, સૂચિમુખ, ભલ્લ, વત્સદંત, દ્વિભલ્લ, કાર્ણિક, કાક્રતુંડ વગેરે તીરમાં ગતિ સીધી રાખવાને માટે પાછળ પાંખ લગાવવી પણ આવશ્યક હોવાનું જણાવાયું છે. જે બાણ ઉત્તમ લોઢામાંથી બને છે તેને નારાચ કહે છે. આ ગ્રંથમાં લક્ષ્યભેદ, શરાકર્ષણ આદિના સંબંધમાં ઘણાં નિયમો બતાવેલા છે. રામાયણ, મહાભારત વગેરેમાં શબ્દભેદી બાણ મારવા સુધીનો ઉલ્લેખ છે. અર્જુન ત્રિનેત્રેશ્વરના મંદિરના મંદિર કુંડમાં પાણીમાં પ્રતિબિંબ નિહાળીને મત્સ્યવેધ કર્યાની વાત જાણીતી છે. છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજના સંબંધમાં પણ કહેવાય છે કે તે શબ્દભેદી બાણ મારવાની વિદ્યામાં પારંગત હતા. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભીલ પ્રજા શિકાર માટે ધનુષ્ય- બાણનો ઉપયોગ કરે છે. દુશ્મનને મારવા માટે ફણા પર ઝેર પાયેલા તીરનો ઉપયોગ કરે છે. જૂના કાળે બંદૂકો નહોતી આવી ત્યારે તલવાર, ભાલાં, બરછી, કટારી અને તીરકામઠાનો ઉપયોગ લડાઈમાં ભરપેટે કરવામાં આવતો. આમ શસ્ત્રાસ્ત્રોની સાથે સાથે એના શાસ્ત્રો- ગ્રંથો પણ રચાયા હતા આજે આપણે તો એ ભૂતકાળને વાગોળવાનો રહ્યો.

ભારતીય સંસ્કૃતિની અનુપમ ભેટસમા આવો જ બીજો એક ગ્રંથ ભર્તૃહરિ રચિત ‘નીતિશતક’ છે. ભગવદ્ ગોમંડલની નોંધ મુજબ ભર્તૃહરિ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહારાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા. પહેલા તે ઉજ્જૈનના રાજા હતા. તેને પિંગલા અને પદ્માક્ષી નામની રાણીઓ હતી. પિંગલા ઉપર તેમને અનહદ પ્રેમ હતો. એમ કહેવાય છે કે એક દિવસ તે વિક્રમાદિત્યથી નારાજ થઈને મહેલની બહાર ચાલ્યા ગયા. પાછળથી તેમને પોતાની માનીતી રાણી પિંગલાના દુશ્ચારિત્ર્યની વાતની ખબર પડતાં તે સંસાર છોડી સંન્યાસી થઈ ગયા. અમરફળ ખાધા પછી ફરતા ફરતા આ યોગીરાજા ચુનારના ડુંગરી કિલ્લામાં આવીને રહેતા હતા. હજી પણ એ કિલ્લાનો અમુક ભાગ ભર્તૃહરિના મહેલના નામે ઓળખાય છે. કહેવાય છે કે ભર્તૃહરિએ કાશીમાં આવી ગુરુ ગોરખનાથ પાસે દીક્ષા લીધી હતી અને તેમાં આગળ વધીને એક મહાન સિદ્ધ યોગી થયા હતા. તેમના ‘શૃંગાર શતક’, ‘વૈરાગ્ય શતક’ અને ‘નીતિ શતક’ નામના સો- સો શ્લોકના ત્રણ ગ્રંથ પ્રસિદ્ધ છે. આવો જ એક ચોથો ‘વિજ્ઞાનશતક’ ગ્રંથ પણ છે. આજે આપણને જે ગ્રંથોની ખબર નથી એ આ ઉપરના ત્રણ સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ, ફ્રેંચ, લેટિન, જર્મની અને અંગ્રેજી ભાષામાં પણ થઈ ચૂક્યો છે. ભર્તૃહરિ વ્યાકરણના પણ મોટા પંડિત હતા. ‘વાક્ય પદીય’ અને ‘હરિકારિકા સૂત્ર’ ગ્રંથો ઉપરાંત ‘મહાભાષ્ય દીપિકા’ અને ‘મહાભાષ્ય ત્રિપદી વ્યાખ્યા’ નામના બે ગ્રંથ પણ તેમના હોવાનું કહેવાય છે.

અબ્રાહમ રોજરને હિન્દુસ્તાનના ગ્રંથોની પ્રથમ માહિતી આપવાનું માન ભર્તૃહરિને ફાળે જાય છે એમ ઉપનિષદ વિચારણામાં લખ્યું છે. સન ૧૬૩૦માં પ્રસિદ્ધ કરેલા એક મોટા અંગ્રેજી ગ્રંથનું જર્મન ભાષાન્તર સને ૧૬૬૩માં ન્યુરેનબર્ગમાં પ્રગટ થયું હતું તે ગ્રંથના અંત ભાગમાં તેણે કવિ ભર્તૃહરિના લગભગ ૨૦૦ શ્લોકોનું ગદ્યમાં ભાષાન્તર આપ્યું છે. આ ભાષાન્તર કરવામાં બ્રાહ્મણ પદ્મનાભે મદદ કર્યાનું જણાય છે. પંચતંત્ર પછી ભર્તૃહરિના શતકનો આ ભાષાન્તરથી પશ્ચિમને પ્રથમવાર જ લાભ મળ્યો છે. રોજરનો ગ્રંથ ઘણાં વર્ષો સુધી હિન્દુસ્તાનની વિદ્યાનો આધારગ્રંથ રહ્યો છે. ગેટે અને હર્ડર ઉપર આ ગ્રંથની અસર છે. ભર્તૃહરિનું મૃત્યુ ઈ.સ. ૬૫૧-૫૨માં થયું હતું કેટલાક આજે એમને યોગબળથી અમર હોવાનું માને છે.

સંસ્કૃત શતકકાવ્યોમાં ભર્તૃહરિના ત્રણ શતકો શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક જનસમાજમાં સૌથી વધુ આવકાર અને આદર પામ્યા છે. શ્રી સુરેશ ઉપાધ્યાય લખે છે કે, આ શતક ત્રિપૂટીમાં નીતિશતકનું સ્થાન ખરેખર આગવું ગણી શકાય. શૃંગાર સર્વભોગ્ય છતાં ય અલ્પકાલીન છે. વૈરાગ્યની ભાવના તો કોઈ વિરલ સંતને જ સાંપડે. જ્યારે નીતિનું જ્ઞાન સૌ કોઈ માટે જીવનયાત્રાનું આવશ્યક ભાથું બની રહે છે. સંસ્કૃતમાં રચાયેલા નીતિશાસ્ત્રના ગ્રંથમાં સંસારના વાંકાચુકા માર્ગમાં ચાલતા ચાલતા થયેલા વિશાળ તેમજ ઊંડા અનુભવનો નિચોડ ભર્તૃહરિએ એક સો શ્લોકો ઉપર મર્મસ્પર્શી ઢબે રજૂ કર્યો છે એનો ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે.

* જ્યારે હું થોડું જાણતો હતો ત્યારે મદોન્મત હાથીની જેમ જ હું વિવેકહીન હતો. ત્યારે ‘હું સર્વજ્ઞા છું’ એમ માનીને મારું મન અભિમાનમાં તરબોળ રહેતું, પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસેથી મેં થોડું જ્ઞાન મેળવ્યું ત્યારે ‘હું મૂર્ખ છું’ એ મને સમજાયું, અને જેમ તાવ ઉતરી જાય તેમ મારું અભિમાન ઓગળી ગયું.

* જીવનમા સજ્જનનો સંગ મેળવવો એ અપૂર્વ લાભ છે. સત્સંગ દ્વારા જ ઉત્કૃષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય છે. તપેલા લોખંડ ઉપર પડેલું જળનું ટીપું તત્કાળ નાશ પામે છે, જ્યારે એ જ ટીપું કમળના પત્ર ઉપર મોતીના દાણા જેવું શોભે છે. આ જ ટીપું જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપમાં પડયું હોય તો મોતીનું સ્વરૂપ પામે છે. આમ સત્સંગની કોટિ અનુસાર લાભ સાંપડે છે.

* સત્સંગનો મહિમા ગાતા કહે છે કે : સત્સંગ બુદ્ધિની જડતા હરે છે. વાણીમાં સત્ય સીંચે છે. માન વધારે છે. પાપ દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે. ચારેય દિશાઓમાં કીર્તિને લહેરાવે છે. કહો, સત્સંગતિ માણસો માટે શું શું નથી કરતી ?

* દુર્જન વ્યક્તિ વિદ્વાન હોય તો પણ તેનો સંગ ઇચ્છનીય નથી. વિદ્યાથી સુશોભિત હોય તો પણ દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. સર્પ મણિથી શોભતો હોય છે છતાં ય શું તે ભયંકર નથી ? ક્રૂરતા, કજિયો, પારકા ધન અને સ્ત્રીની ઇચ્છા, સજ્જનોની ઇર્ષા- આ સઘળું દુર્જનોના સ્વભાવથી જ સિદ્ધ હોય છે. આવા દુર્જનો ક્યારેય સુધરી શકતા નથી. દુર્જનને સુધારવા એટલે મધના એક ટીપા વડે ખારા સમુદ્રને મીઠો બનાવવાનો પ્રય્તન કરવો અથવા કોમળ શિરીષફૂલની ધાર વડે હીરાને છેદવાનો પ્રયાસ કરવો. આમ મૂર્ખ મનુષ્યનો સહવાસ પણ દુઃખદાયી છે.

* ગાઢ જંગલમાં ભટકવું સારું પણ ઇન્દ્રના મહેલમાં પણ મુર્ખનો સંગ સારો નહીં. મૂર્ખતાના નિવારણ માટે કોઈ ઉપાય નથી. અગ્નિને પાણીથી ઠારી શકાય, સૂર્યના તાપને છત્રી વડે દૂર કરી શકાય, ઉન્મત હાથીને અંકુશ વડે કાબૂમાં લાવી શકાય, ઝેરને મંત્રો વડે ઉતારી શકાય. આ રીતે શાસ્ત્રોમાં સૌનું ઓસડ છે પણ મુર્ખાઓને સુધારવાનું એકે ય ઓસડ બતાવ્યું નથી.

* ભર્તૃહરિને મન વિદ્યા એ જ સાચું ધન છે. વિદ્યા કીર્તિ અને સુખ આપે છે. વિદ્યા ગુરુઓની ગુરુ છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓ પણ વિદ્યાની જ પૂજા કરે છે. વિદ્યાહીન નર મનુષ્યના રૂપમાં પશુ સમાન જ છે.

* ધનના પ્રભાવને ભર્તૃહરિ સારી પેઠે જાણે છે. ધન આવતા એનો સ્પર્શ થતાં જ પુરુષ એક ક્ષણમાં બદલાઈ જાય છે. પૈસાદાર માણસ જ કુલીન તથા પંડિત ગણાય છે. તેને જ સુંદર વક્તા તથા શાસ્ત્ર પારંગત માનવામાં આવે છે. આમ બધા ગુણો સુવર્ણ અર્થાત્ ધનમાં રહેલા છે. ધનની ગતિ વર્ણવતા કવિ કહે છે. ધનની ત્રણ ગતિ છે. દાન, ઉપભોગ અથવા નાશ. દાન આપતો નથી કે ઉપભોગ કરતો નથી તેનું ધન કાળબળે નાશ પામે છે.

* ગૃહસ્થાશ્રમનું સૌભાગ્ય ઇશ્વરકૃપા હોય તો જ મળે છે. ભર્તૃહરિ કહે છે : ‘ભક્તોના મનોરથ પૂર્ણ કરનાર તથા સ્વર્ગમાં રહેનાર ભગવાન નારાયણ જ્યારે પ્રસન્ન થાય ત્યારે જ સદાચારણી પુત્ર, સતી પત્ની, ઉપકારી શેઠ, સ્નેહી મિત્ર, પ્રમાણિક નોકરો, ક્લેશરહિત મન, સુંદર મજાનું શરીર સૌષ્ઠવ, સ્થિર વૈભવ અને વિદ્યા વડે પવિત્ર થયેલી વાણી પ્રાપ્ત થાય છે.’

* સ્વાર્થ પરાયણ સંસારમાં યોગ્ય પુત્ર, પત્ની અને મિત્ર ક્યારેક જ મળે છે. જે પોતાના સારા આચરણથી પિતાને પ્રસન્ન કરે તે જ ખરો પુત્ર, જે માત્ર પતિનું જ હિત ઇચ્છે છે તે ખરી પત્ની અને જે સુખ-દુઃખમાં સરખો વ્યવહાર કરે તે જ ખરો મિત્ર. આ જગતમાં પુણ્યશાળીઓને આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય છે.

* માનવીનું પ્રારબ્ધ સૌથી વધુ બળવાન છે. પ્રારબ્ધ આગળ આપણું કંઈ જ ચાલતું નથી. સૂર્ય અને ચંદ્રને પણ ગ્રહપીડા ભોગવવી પડે છે. હાથી અને સાપને પણ બંધનમાં સપડાવું પડે છે. વિદ્વાન પુરુષો ગરીબાઈમાં જ ડૂબેલા રહે છે. આ વિધિની અકળ વિષમતા છે. ખરેખર વિધિ જ બળવાન છે.

* વિધાતાના લેખ પ્રમાણે આપણને સંપત્તિ સાંપડે છે. ઘડાને કૂવામાં નાખો કે સમુદ્રમાં – એ તો પોતાના કદ જેટલું જ પાણી મેળવે છે. વિધિની વિષમતાનો અનુભવ સૌ કોઈને થાય છે. ઘૂવડ દિવસે નથી જોઈ શકતું તેમાં સૂર્યનો દોષ ન ગણાય. આ તો નિયતિનો નિયમ છે વિધિએ લલાટે જે લેખ લખ્યા છે તેને કોણ મિથ્યા કરી શકે ?

* કર્મયોગનો ઉપદેશ આપતા ભર્તૃહરિ કહે છે કે : ‘ફળ કર્મને આધિન છે તો પછી દેવો અને પ્રારબ્ધનું શું કામ છે ? એ કર્મને જ મારા નમસ્કાર હો તેના પર ખુદ બ્રહ્માની પણ સત્તા ચાલતી નથી. આળસને કવિ સૌથી મોટો દુશ્મન ગણે છે. ઉદ્યમ સમાન કોઈ મિત્ર નથી.

* સંસારમાં સફળ થવું હોય તો સ્વજનો પ્રત્યે ઉદારતા, નોકરો તરફ દયા, દુર્જનો પ્રત્યે શઠતા, સજ્જનો માટે પ્રેમ, રાજાઓ સાથે નીતિમત્તા, વિદ્વાનો સાથે સરળતા, શત્રુઓ પ્રત્યે શૌર્ય, વડીલજન તરફ ક્ષમાભાવ અને સ્ત્રીઓ સાથે ધૂર્તતા આવા ગુણો હોય તો જ સંસારનો વ્યવહાર સફળતાથી પાર પાડી શકાય છે.

* જીવનમાં કલ્યાણ પથ પર પ્રવાસ કરવો હોય તો પ્રાણ હત્યાથી નિવૃત્ત રહેવું, પારકાના ધન વિશે સંયમ રાખવો, સત્ય બોલવું, યથાશક્તિ દાન દેવું, પરસ્ત્રીની વાતમાં ચૂપ રહેવું, તૃષ્ણાને ત્યજવી, વડીલો સાથે વિનયથી વર્તવું અને પ્રાણીમાત્ર તરફ દયા દર્શાવવી. આ મોહમય સંસારમાં સંત પુરુષોનું વ્રત ધારણ કરવું ખરેખર કઠિન છે.

* છેલ્લે સંતોના પરમ વ્રતને વર્ણવતા કવિ કહે છે : ગુપ્ત રીતે દાન કરવું, અતિથિનું સન્માન કરવું, પોતે કરેલા ઉપકારને જાહેર ન કરવો, લક્ષ્મી મળે ત્યારે ગર્વ ન કરવો, પારકાઓનું અપમાન ન કરવું એ તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન છે વ્રત સંતોને કોણે શીખવાડયું હશે ?

* સંત થવા માટે કવિ કહે છે : ‘તૃષ્ણાને તોડો, ક્ષમાભાવ અપનાવો, મદને હણો, પાપનો સંગ ન કરો, સાચું બોલો સજ્જનોને અનુસરો, વિદ્વાનોની સેવા કરો, યોગ્ય જનોને માન આપો, શત્રુને પણ રાજી રાખો પોતાના ગુણને ઢાંકી રાખો, કીર્તિનું સતત રક્ષણ કરો અને દુઃખીજન પર દયાભાવ રાખો.’

ભર્તૃહરિના શતકના શ્લોકોનું છંદ વૈવિધ્ય નોંધપાત્ર છે તેમના શબ્દોમાં તેમજ કથનરીતિમાં ભાષાનો જીવંત ધબકાર છે. હીરા સમા સો શ્લોકોમાં આર્યસંસ્કૃતિનું તેજ ઝળહળતું દેખાય છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!