જીવા ઠાકોર અને ગરબડદાસ પટેલે અંગ્રેજો સામે બાથ ભીડી

ખેડાનું ખાનપુર ગામ તો ખોબા જેવડું, પણ એનો ધણી જીવો ઠાકોર ભડભાદર માણસ, રોટલે મોટો, સવાર-સાંજ સો-બસો થાળી પડે. રોજ ડેલીએ ડાયરાની જમાવટ. મેમાનુથી આંગણું અરઘી ઊઠે.

આંગણામાં હાથણી જેવીયું સો સો ભેંશુ ટલ્લા દે. બાપ બેટાને રાંગ વાળવા ન દે એવી જાતવાન ઘોડિયુંની રાત-દિ’ હણહણાટી સંભળાય.

આવા જીવા ઠાકોરની ડેલીએ આણંદનો પટેલ ગરબડદાસ મેમાન છે. પચીસીને આંબુ આંબુ થતા પડછંદ જુવાનના મોં ઉપર ગુલાબી પથરાઇ ગઈ છે. ગાલ ઉપર હેતપ્રીત ને કરડાકીની ત્રિવિધ તાપણી તપે છે. દુશ્મનનું દિલ ઠરી જાય એવી જુવાનીવાળા ગરબડદાસને ઠાકોરે પોતાની પડખે બેસાર્યા છે. બેય વચાળે જામોકામી ભાઈબંધી જામી ગઈ છે.

રોંઢા દિ’નો વાતુંએ વળગેલો ડાયરો વાળુ કરવા ઊઠયો. ગઢની ઊંચી ઓસરી ઉપર ભાતીગળ ગાદલીયું નંખાઇ ગઈ. પડખે બશેરીઆ પાણીના લોટા મુકાઈ ગયા. બાજઠ માથેં કાંસાની થાળિયુંમાં ફળફળતા રોટલા ને તાંસળિયુંમાં ભગરી ભેંશુનાં શેડકઢાં દૂધ પીરસાઇ ગયાં છે.

ડાયરો આવી જમણ ઉપર ઝપટ બોલાવા માંડયો, પણ ઠાકોરના ભાણામાં મુકાયેલા રોટલાની કોર પણ ભંગાણી નથી. ગરબડદાસની નજર પડતાં જ મોંમાં કોળિયો મૂકવા જાતા હાથને થંભાવીને બોલ્યો ઃ

”કાં ઠાકોર, ખાતા નથી ?”
અતળ ઊંડાણમાં અથડાતા ઠાકોર ઝબકી ગયા. ઝબકેલા ઠાકોરને પટેલે ઝકડયા.
”કાંય અજંપો છે ?”

”ના રે , પટેલ! આપણને જે અજંપાને બાર ગાઉનું અળગું.”
”હું માનું નંઈ.”
”ના, કાંઈ નથી.”

”ઠાકોર, વાત કરો.”
વાતની વડછડ કરતા પટેલ અને ઠાકોર ઉપર વાળુ કરવા બેઠેલાઓની નજર ચંદનઘોની જેમ ચોંટી રહી.
”પટેલ, કયે સખે કોળિયો ગળે ઊતરે ?”

ઠાકોરના વેણમાંથી ભારોભાર વેદના વછૂટી.
”તંઈ અમે ઘસીને ગાલે ચોપડવાના ? બોલો, વાત શું છે ?”
ધગીને તાંબા જેવા બનેલા ગરબડદાસને ટાઢો પાડતાં જીવો ઠાકોર બોલ્યો.

”નિરાંતની વાતું છે. અટાણે તો વાળુ કરી લ્યો.”
”ના, ઠાકોર ! હવે પળનુંય મોડું કર્યું પાલવે નંઇ. વાતને સંઘરો તો તમને ગળાના સમ છે.”
પટેલ હઠે ચડયો. વાળુ કરવા બેઠેલા ડાયરાના હાથમાં રોટલાના બટકા ઠઠયા રહ્યાં.

પટેલનાં આકરાં વેણે ઠાકોરને વાત કરવાની ફરજ પાડી.

”વાત તો બીજી કાંઈ નંઈ. આ ગોરાઓને ગેબ કરવા આખો દેશ હુકળી ઊઠયો છે. હું કેમ કરીને કોળીઆ ભરું ?”

ઠાકોરની વાતનો મરમ ગરબડદાસ પામી ગયો. આખા દેશમાં વિપ્લવનો વંટોળ ઊઠયો હતો. નાનાસાહેબ અને તાતીઆની તલવાર તાશીરો બોલાવતી હતી. સત્તાવનની આગ સૂસવતા સમીરની જેમ આંટો લેવા માંડી હતી. પળ વાર મૂંગા બનેલા પટેલે ઠાકોરને કહ્યું ઃ

”વાત આટલી જ ને ?”

”હા.”

”નિરાંતે વાળુ કરો, પછે તમે કેશો એમ કરશું.”

વાત માથે પડદો પાડી ડાયરો વાળુ કરીને ઊઠયો. હોકાની ઘૂંટયું લેતા ડાયરા વચ્ચે પટેલે વાળુ વખતની વાતને ઉખેળી.

”ઠાકોર, આપણેય ઘોડા પલાણીએ. ભલે આવે ગોરાની ફોજું. મરી ફીટશું.”

બોલતાં તો ગરબડદાસની આંખના ખૂણામાં સિંદુરિયા શેરડા તણાયા. ઘટમાં ઘોડા થનગનવા લાગ્યા. આખા ડાયરાની નજર ફાંફડા જુવાન સાથે તોળાઈ ગઈ. કરવતેય કપાય નહિ એવું ગરેડી જેવું જેનું કાંધ છે. હાથીના દંતશૂળ મરડી નાખે એવું જેની ભૂજામાં જોમ છે એવા ગરબડદાસ પટેલ માથે ડાયરાની મીટ મંડાઈ ગઈ.

”આપણે કેટલા ?”

ઠાકોરે ગરબડદાસને ચકાસવા સવાલ કર્યો.

”તમે, હું ને મારા ચાર ભાઈબંધ પછવાડે આખો મહી કાંઠો.”

”કબૂલ છે.”

ગરબડદાસે તાબડતોબ ઘોડો વેતો કરાવ્યો આણંદને માર્ગે. પોતાના ભેરૃબંધ મૂળજી જોષી, બાપુજી પટેલ, કરશન દવે અને આહજી પગીને કેણ મોકલ્યું કે ઘરવાળીનું મોઢું જોવા જેટલોય ખોટીપો કરશો મા. દેખત પગલે ઘોડે રાંગ વાળજો. વાવડાની જેમ ઝપટ બોલાવતો ખેપીઓ આણંદ પૂગ્યો. આણંદ જઈને વાવડ દીધા.

ગરબડદાસના બોલે આભના થંભ થઈને ઊભા રહે એવા ચારેય ભાઈબંધોએ ઉગમણા આભને છેડે પ્રાગટયનો દોરો ફૂટે ઈ પેલાં ખાનપુરની ડેલીએ ઘોડીના ડાબલા ભટકાળ્યાં.

જેના ભુજબળ પંકાયેલા છે, જેની જોરવારીનો ચરોતરના સિમાડામાં જોટો નથી. પાંચેય ભાઈબંધોના એક જ ભાણામાં હાથ છે.

એવા બે આંગળીના વેઢા જેટલા ભાઈબંધોએ ખાનપુરના દરબારગઢની ડેલીમાં ઘાટ ઘડયો. આખી રાત મસલતું હાલી ને બીજા દિ’ના પ્રભાતે છએ જણાએ ઘોડા પલાણ્યા. જોતજોતામાં આખા મહીકાંઠાને ખૂંદી વળ્યા. બે હજાર જુવાનોને જંગે ચડવા સાબદા કર્યા. ગામડે ગામડે બળવાની બાંગ ઊઠી. મહી કાંઠો મોતની સામે મેદાને પડયો. મહીની વંકી ભેખડો ઊંડી ગાળીઓ સામા હોંકારા દેવા માંડી છે. ગરૃડના ઇંડા જેવી ઘોડીઓ દિ’રાત જોયા વગર આડબીડ પંથ કાપે છે. છએના હાથથી કાળઝાળ બંદૂકોની ગોળિયું છૂટે છે.

કંપની સરકારના કાને વાત પુગી. વળતા દિ’એ ગોરાઓના નેજા ફરુક્યા. ગોરી ફોજ બાજ પંખીની જેમ ઘરેરાટ કરતી મહીને માથે ઊતરી. ચરોતરની સીમ સળગી ઊઠી. ઠામ ઠામ મુકાબલા મંડાણા. ગોરી ફોજે સોના જેવી વાડી, ખેતરોની સીમ ઉજ્જડ કરી. ગામડાં-શેરીયુમાં બંદુકોની ધાણી ફોડી. સાત દિ’માં તો માથે ધાક બેસારી સોપો પાડી દીધો. ચુંકારોય કરવાનું કોઈને વેળુ રેવા દીધું નંઈ

પણ છ ભાઈબંધો એકબીજાના આંકડા ભીડી ગોરાઓની સામે ચડયે ઘોડે આથડવા માંડયા. ગોરાઓને ક્યાંય ઠરીઠામ બેસવાનું ટાણું રેવા દેતા નથી. કંપની સરકારની છાવણીઓ લૂંટી. હાથતાળી દઈને ગેબ બનતા બળવાખોરોને ઝબે કરવા સરકારના ફરમાન માથે ફરમાન છૂટે છે. છમાંથી એકેયનું રૃંવાડું ગોત્યું જડતું નથી. જંગે ચડેલા મહીના મર્દો અને ગોરાઓ વચ્ચે સંતાકકૂડી રમાવા માંડી.

ચરોતરની સીમ ઉપરથી સોળે કળાઓ સંકેલી ગયેલા સૂરજ પાછળ ભેંકાર રાતનું રૃપ મહીનાં ત્રણ ત્રણ માથોડાં ઊંડા કોતરોમાં ઊતરી પડયું છે. મહીનાં નીર જંપી ગયાં છે.

એવો ટાણે પાંચેય ભાઈબંધો સાથે જીવો ઠાકોર મહીંનાં કોતરોમાં પડયો છે. પાંચેયના ઓશીકે જામગરીવાળી બંદૂકો પડી છે. નદીના પટમાં ઘોડીઓ ઊભી ઊભી પૂંછની ચમરીઓ વીઝે છે.

”બાપ ગરબડ, આજની રાત કોરી જાશે કે શું ?”

આભ સામે મીટ માંડીને બેઠેલા ગરબડદાસના કાન ચમક્યા, જીવા ઠાકોરને જવાબ દેતો બોલ્યો ઃ

”કાંઈ વાવડ નથી. આપણી બીકે ગોરાઓ ઠામઠેકાણાની જાણ થવા દેતા નથી. અંધારું ઓઢીને જ રાતનો પડાવ નાખે છે.”

ધરતી ફાડીને નીકળતા હોય એમ બે ઓળાઓ કોતરોમાં ઊતર્યા કે તરત જ મૂળજીએ પડકાર કર્યો.

”કોણ ?”

”ગુલાબ કમળ.”

”હાલ્યા આવો.”

આવનારાઓએ વાવડ દીધા કે ઃ

”લોટીઆ ભાગોળે ગોરાઓનો પડાવ છે.”

સાંભળતાં જ ગરબડદાસની આંખ ચમકી. સમાચાર આપીને જાણે કે બન્ને ઓળા અંધારામાં ઓગળી ગયા.

”શું કરશું બાપુ ?”

”ખાબકિયે. પણ તારે અસોજ પુગવું પડે હોં. જાન વાટ જોતી હશે.”

”બાપુ, તોરણ તો સવારે ચડવાનું છે. અટાણે તો લોટીઆ ભાગોળ માથે.”

છએ ભાઈબંધો ઊઠયા.

લોટીઆ ભાગોળ માથે રાત ઝૂકી ગઈ છે. ઉઘાડા આભમાં તારોડિયાના સનકારા સિવાય નીરવ શાંતિ ફરી વળી છે. ધરતી ઉપર સૂનકાર સોડ તાણીને સૂતો છે. ભાગોળમાં ગોરાની છાવણીના તંબુ તણાયા છે. ચરોતરના ચારેય છેડા ફરી વળીને કડપ બેસારવા મથતું કટક આડે પડખે થઈને પોરો ખાવા પડયું છે. એકધારી આડબીડ અથડામણથી હથિયારધારી હવાલદારના અંગ ઉપર થાકના થર જામી ગયા છે.

રાત પોતાના કાળજામાં કાજળ ઘૂંટી રહી છે. શીળા સમીરની લેરખીયું રમતે ચડી છે. ગોરાઓની આંખમાં ઊંઘના દોરા ગૂંથાવા માંડયા છે.

બરાબર આવા મોકે ગરબડદાસના ઘોડા છાવણી પાસે થંભ્યા. પગેરું દબાવતા રાતદિ’ ગોરાઓને અજંપે રાખતા છયે ભાઈબંધો ઘોડા ઉપરથી સાપોલીઆની જેમ સરક્યા, છાવણીમાં હાથફેરો કરી તમામ હથિયારના ભારા બાંધી લીધા. ચરોતરની ચંદી ખાઈને ખીલે બંધાયેલ ઘોડાનાં પૂછડાં કાપી, બાંડા બનાવી મહીનાં કોતરોમાં ગારદ બની ગયા.

દિ’ ઊગતાં ગોરાઓ બહાવરા બની ગયા. ખેડાની છાવણીમાં ઉપરી અમલદારો પગ પછાડવા માંડયા.

છાવણી લૂંટીને છએ ભાઈબંધોએ મહીનાં વખંભર કોતરોમાં હથિયાર દાટીને અસોજનો મારગ લીધો.

મોટે ભળકડે મોં સૂજણું થાતાં પેલા ઘોડા અસોજના પાદરમાં પુગ્યા.

આણંદથી ગરબડદાસની જાૂતેલી જાન અસોજના પાદરમાં વરરાજાની વાટ જોતી બેઠી હતી. અસોજના પાદરમાં ગરબડદાસને જોતાં ઊંચા જીવે બેઠેલા જાનૈયાના જીવ હેઠા બેઠા. ગરબડદાસે બુકાની છોડી નાખી. ખાખી દરવેશ ઉતારી નાખ્યો. જરીઅન સાફો ને રેશમી અચકન ધારણ કર્યું. ભાઈબંધને વરારજાના રૃમમાં નેહભરી નજરે જોઈને પાંચેય મર્દો મહીનાં કોતરોમાં ઊતરી ગયા. ઘડી પહેલાં કાળઝાળ લાગતા ગરબડદાસના મોં ઉપર ઉમંગના ઓઘ ઊછળતા હતા. કનૈયા કુંવર જેવા વરલાડાને અસોજની સ્ત્રીઓ ત્રાંસી આંખે જોઈને હરખાતી હતી.

ઢોલ ઢબૂકવા માંડયા, શરણાઈયું ગહેંકી ઊઠી, જાનડીયુંના સરવા સાદે ગીતના સૂર ઘૂંટાવા માંડયા. ગરબડદાસ ઘોડે ચડયો. માંડવે પગ દેતાં પેલાં પોખણાં થયાં.

ગરબડદાસની નજર આજ માંડવામાં બેઠેલી કંકુની લોળ્ય જેવી પટલાણી માથે નોતી. એનું મન તો ભૂતની જેમ ગોરાની ઘીસત પછવાડે ભમતું હતું. ચાર ફેરા ફરી એને ઝટ પાછું વળવું હતું. એક વાર પોતાની પરણેતરને આણંદને ઓરડે પોગાડી દેવાનો જ ઉરમાં ઉચાટ હતો.

હથેવાળે પરણીને ગરબડદાસની જાન આઠમે દિ’એ આણંદ પૂગી. ભલી ભાત્યે પરણી ઊતરેલા વરઘોડીઆએ ગણેશસ્થાપન આગળ માથાં નમાવ્યાં.

ત્યાં તો વાવડ મળ્યા કે મૂળજી જોષી, કરશન દવે, બાપુજી પટેલ અને આહજી પગી અને જીવો ઠાકોર મહીનાં કોતરોમાંથી જીવતા ઝલાણા. સમાચાર સાંભળતાં જ મીંઢળબંધા જાુવાનના ઉરમાં આગ ઊઠી ગઈ. પીઠીયાળી પરણેતર ઉપરથી નજર ઊઠી ગઈ. પાંચેયને છોડાવવા કટ કટ માઢ મેડીનાં પગથિયાં ઊતરી ગયો. હેમના ખંભ જેવી નમણાયે નીતરતી પટલાણી જાતા પિયુને પ્રીતભરી નજરે નીરખી રહી. ડેલીનો ભોગળ ઊઘાડી ગરબડદાસ દબાતા પગલે શેરી છોડી ગયો.

ગરબડદાસ આણંદમાંથી ઊઠીને મહીને ખોળે બેસે એ પહેલાં ગોરાઓને બાતમી મળી ચૂકી હતી.

બાતમીના આધારે આણંદની માથે જામોકામી જાપ્તો મુકાઈ ગયો હતો. ચકલુંય ફરકે નહિ એવી ચોગરદમ ચોકી બેસી ગઈ હતી.

આખા આણંદને ભરડો લઈને ગોરાઓ ગોઠવાઈ ગયા હતા. ગરબડદાસને સલામત રીતે આણંદની બહાર નીકળી ભાઈબંધોને છોડાવવા હતા.

આણંદ ઉપર રાતનો ભાતીગળ ચંદરવો ઝૂલી રહ્યો હતો. નવલખ તારલાએ મઢાયેલ રાતનો રૃઆબ અનોખો હતો. આખું આણંદ ગોરાઓની ધાકથી ધરબાઈને ઘરમાં ભરાઈ બેઠું હતું ત્યારે ગરબડદાસ બુકાની બાંધીને ચૂપચાપ આણંદની બહાર સરી જવા ભાગોળે પુગ્યો.

પુગતાં જ પડકાર થયો.

”રૃક જાવ.”

સિંહ શિકારીનું નિશાન ચૂકવવા લોંકી ખાય એમ ગરબડદાસ આડે પડખે મરડાયો તો ત્યાંથી પડકાર ઊઠયો.

”રૃક જાવ.”

આંખના પલકારામાં ગરબડદાસ જંગી ગોરી ફોજની વચ્ચે ઘેરાઈ ગયો. કેદ થયેલા છએ ભાઈબંધો સામે અદાલતી રાહે કંપની સરકારે કામ ચલાવ્યું.

મૂળજી જોષી, જીવા ઠાકોર, કરશન દવે, બાપુજી પટેલ અને આહજી પગીને તોપને મોઢે બાંધી ઉડાવી દેવામાં આવ્યા ને આણંદમાંથી કેદ થયેલા જુવાન ગરબડદાસને કાળા પાણીની કેદ ફરમાવવામાં આવી.

આજે પણ વીર ગરબડદાસના કુટુંબીજનો આણંદમાં વસે છે.

લેખક – દોલત ભટ્ટ, ધરતીનો ધબકાર

error: Content is protected !!