દેહુમલ જાડેજાના બલિદાની કથા

(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે. ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે. જેમા કુંવારીકાઓ દેદાની પરીવાર નુ કોઇ સભ્ય બની વિંટળાય કુટતી મરશીયા ગાય છે.

દેદાને દસ આંગળીએ વેઢ રે
દેદો મરાણો લાઠી ના ચોકમાં
દેદાને પગ પીળી મોજડી રે
દેદા ને જમણે હાથે મીંઢોળ રે.. દેદો…
દેદાના માથે છે કેસરી પાઘડી રે
દેદા ના ખંભે ખંતીલો ખેસ રે… દેદો..……

રાજપુત દેદા જાડેજા ની બલિદાની કથા નુ સાહિત્ય શ્રી નાનાભાઇ જેબલીયા દ્વારા એમની કથા શ્રેણી મા થયુ હતુ જે અહિ પ્રસ્તુત છે.)

ઉગમણા આભની ઝાંયલીએ હેમંતઋતુ ના સોહાગી સૂરજ નારાયણ અજવાળા ની ગાડી જોડી ને આવ્યા કે ગઢાળી ગામ ની બજારમાં જાન ઉઘલવાનો ઢોલ વાગ્યો. શરણાઇઓએ રાજપૂતી લગ્નગીતો ની તરજ છોડી. ઉંમરે વરસ અઢાર નો આંબા ના રોપ જેવો રુપાળો વરરાજો દેહુમલ જાડેજો છલાંગ મારી ને ઘોડે ચડ્યો. ગઢાળી ના ગોહિલો અને દેહુમલ ના મામાઓ બાંધ્યા હથીયારે ઘોડે ચડ્યા. ગઢાળી ના ગોહિલો આજ પોતાના ભાણેજ દેહુમલ ને પરણાવા કેરીઆના સોલંકિ ના માંડવે જાન જોડી ને સાબદા થયા હતા. ડાયરો ભારે ઉમંગ મા છે.

કેસરી, લીલી,પીળી અને ગુલાબી પાઘડીઓ ના તોરણ બંધાયા છે. સાફાઓ, સીગરામો, ડમણીઆં અને બળદગાડીઓ મી હેડ્ય લાગી છે. ગરાસણીઓ ના તીણા મધુર કંઠે ભાણુભા નાં લગ્નગીતો ગવાયાં છે.પાછળના ભાગે ઘોડા ના મોવડ અને ઉંટ ના ફંદા ઝૂલે છે.ગઢાળી દાયરા ને આજ પોતાનુ આયખું લેખે લાગે છે. કચ્છ ના જાડેજા સાસરા માથી દુખાઇને, દુભાઇ ને આવેલી એક ની એક વિધવા બહેન નો લાડકો દિકરો અાજ પીઠી ચોળી ને પરણવા જાય છે. કુદરત ની ગતી ન્યારી છે. કચ્છ મા જાડેજા કુળ મા પરણાવેલી સજુબાનો સંસારરથ સુખ ની વાડીના છાયડાં મા મહાલતો હતો. ઉપરવાળા એ કારમી થપાટ મારી બહેન સજુબાના સેથાનુ સિંદુર ભુંસાઇ ગયુ.

સજુબા ની નણંદે ગુસપુસ કરી જાણી લિધુ કે ભોજાઇ સજુબા ને ચોથો મહિનો જાય છે, આખા પરિવારમાં કૂડ-કોળ નો વાયરો વાઇ ગયો કે પુત્ર જનમશે તો ગિરાસ માં ફાડિયું માંગશે અને પુત્રી જન્મશે તો ઘરમાંથી ખીલી ખેંચી ને પણ કરીયાવર માં લઇ જશે. પરિવારે આકંડા ભીડીને સંતાપ ની કૂડી ચોપાટ પાથરી દિધી. સજુબા કુવો હવાડો કરે તો ગિરાસમાંથી ડાભોળીયું જાય અને સજુબા માથે જુલમ ના ઝાડ ઊગ્યાં, બાઇ નાં અન્નપાણી અગરાજ થઇ ગયાં.

સજુબા એ પિયર ગઢાળી છાનો છપનો માણસ અવદશા ના સંદેશા સાથે મોકલ્યો કે ,’વીરા ને માલુમ થાય કે બહેનનું મોઢુ જોવુ હોય તો છેલ્લી વેળા ના આવી જાઓ. બાકિ મારે તો ઉંચે આભ અમે નીચે ધરતી સીવાય કોઇ આધાર નથી. ભાઇઓ પોતાની દુખીયારી બહેન ને પીયર તેડી આવ્યા. સજુબાને ફુલ ની જેમ સાચવી ને હૈયાળી આપી. પિયર ના આંગણે લાડકિ બહેનના ભાણા ના પારણા બંધાણા. બહેન ના રુપાળા ભાણા ને નજર ના લાગે માટે મામાઓ એ ઉડસડ નામ ‘દેદો’ પાડ્યુ. મોસાળ મા રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છ ના જાડેજા કુળ ની ઓળખાણ આપવામાં આવી, જનેતા ના અન્યાય ને કાનસ્થ કરી દેદો અઢાર ની ઉમરે પહોંચ્યો ત્યારે કચ્છ મા જઇ પોતાની જાગીર સંભાળવા તૈયારી કરી.

જનેતા ના દુખ ને ત્રાજવે તોળી તલવાર સજાવી,મોસાળ ને પોરસ થયો પણ કુંવારા ભાણેજ ને રણમેદાને ના મોકલવાના ઇરાદા સાથે અમરેલી ના કેરીઆ ગામની સોંલકી રાજપુતની દિકરી જોડ્યે ભાણા ના વેવીશાળ નક્કિ કર્યા, જાન હરખ ના મોજા છલકાવતી કેરીઆ જવા રવાના થઇ. વરરાજા ની ઘોડી સૌથી આગળ છે અને પાછળ જાનૈયા. લાઠી ગામનો સીમાડો આવતા વરરાજા ના કાને વા વળોટ ઝીણી ઝીણી ચીસો ના, હિબકા ના ,રુદનના ટુકડા અથડાયા.
દેહુમલે આથમણી દિશા મા આંખો નાખી. ધૂળની ડમરીઓ ઉડાડતા સીગરામો દોડતા દેખાયા આગળ પાછળ હથીયારધારી સિપાઇઓ ના લશ્કરી ખાખી ફેંટા જોયા. વાતની વસમાણને પામીને વરરાજે ઘોડી ધૂળ ની ડમરીઓ તરફ મારી મુકિ.

સિપાહિઓ ની લગોલગ થઇને જમાદાર ને પુછ્યુ

‘આ સિગરામ માં કોણ છે?!’

‘ભાઇ,!બાપા! ,સીગરામમાંથી બાળા ના સાદના બોકાસા ઉઠ્યા ‘અમને બચાવો! આ કાણીઓ જમાદાર અમને વટલાવા જુનાગઢ લઇ જાય છે.’

વાત એમ હતી કે લાઠી લુંટવા આવેલ આ સેનાએ લાઠી ને એ દિવસે નધણીયાતી ભાળી ગામમાંથી કુંવારી કન્યાઓ ને પકડી સિગરામ મા પુરી દિધી એનો વિરોધ કરનાર ને કત્લ કરી નાંખ્યા.કુલ ચાલીસેક કન્યાઓ ને પકડી હતી.

રકઝક મા જાનૈયાઓ પણ પહોંચી ગયા, ‘મારો, મારો’ નો ગોકિરો થયો, સમશેરો થી જંગ મંડાણો. સિપાહિઓ મર્યા અને અમુક ભાગી છુટ્યા. પાંચ સીગરામ માંથી ચાલીસેક કન્યાઓ મુક્ત થઇ,

‘વીરા,મારા ભાઇ’! અમારા પરિવાર મા કોઇ નથી અમને જાન મા તેડી જાઓ.’ કન્યાઓ એ હાથ જોડતા કહ્યુ.

‘હાલો! હવે તમે જ મારી બહેનો, અને અપહરણ ના સીગરામ જાન ના વાહન બન્યા, જાન આગળ ચાલી. લાઠી ના પાદર પહોંચતા દેહમલ ઘોડીએ થી નીચે પડ્યો, નાસી ગયેલ કાણીઓ રાજપુતી પોશાક પાઘડી ધારણ કરી જાન મા ભળી ગયો તો અને લાગ મળતા વરરાજા પાસે જઇ પેડુ મા તલવાર હુલાવી દિધી. જાનૈયાઓ એ કાણીઆ ના ટુકડા કરી નાખ્યા પણ દેદો શહિદ થઇ ગયો. લગ્નગીતો કારમા રુદન ના મરશીયા મા ફેરવાઇ ગયા. ચાલિસે કન્યાઓ એ દેહમલ ની મૈયત ફરતે કુંડાળે વળી છાજીયા લિધા. સદિઓ થી ચાલી આવેલી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લિધો. કુંવારી કન્યાઓએ તે દિ છાતી કુંટી બહેનપણા નો ચિલો પાડ્યો! લાઠી મા એની દેરી પુજાય છે.

વિગતઃ વાઘજીભાઇ પરમાર(ભોરીંગડા)
લેખકઃ નાનાભાઇ જેબલિયા
?સંકલન:-પ્રેષીતઃ કાઠીયાવાડ ગ્લોરી
जय काठीयावाड

error: Content is protected !!