દરબાર જગાવાળા

એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે અને સામા ભાંગીતૂટી હિન્દીમાં ઉત્તર વાળે છે.

‘‘ક્યાં કિયા ટુમને ?’’

‘‘સાબ્ય, કિંઘુ ને આખું કાઠિયાવાડ તમને નમ્યું હશે, હજીયે ભલભલા ભૂપ નમશે પણ….’’
‘‘બોલો, બોલો, મેં સમજટા.’’

‘‘આ એક જગાવાળો નો નમે. લાખ વાતે ય નો નમે.’’

‘‘ઉસકા ગરસા કીટના ?’’

‘‘ગરાસ તો એક ગામડીનો શિરામણ જેટલો, પણ દરબારની બહુ ફાટ્ય.’’

‘‘હમ ઉસકુ નમાયગા.’’

‘‘પણ સાબ્ય, એની જોરાવરી કાંઈ જેવી તેવી નથી. વા હારે વડછડ કરે એવો છે.’’

‘‘હમ ટ્રીકસે કામ લેનેવાલા.’’

‘‘અરે રામ ભજો. ઈ વાતમાં કંઈ માલ નથી.’’

‘‘ટુમ દેખના.’’

‘‘ભલે સાબ્ય, દેખશું.’’

ચાડી કરનારો મનમાં મરકતો હતો. કાં તો જગવાળો આકરો થઈને બાખડી પડશે તો આ ગોરો કેદ કરશે ને નમશે તો મલકમાં મોઢું બતાવવા જેવો નઈ રે’. બેમાંથી એક તો થાશે જ ને ?’

તે દિ’ કાઠિયાવાડની ભોમકા માથે ગોરી રિયાસતની જામતી સત્તા હતી. અજાણ્યા મુલક માથે મોતને મુઠીમાં લઈને અંગ્રેજ હાકેમો ધમપછાડા મારતા હતા. કવાયતી લશ્કરી તાકાતના જોરે હૈયામાં હામ ભરી રાજકોટની કોઠીમાં બેઠા બેઠા કાઠિયાવાડનું કારભારૂં કરતા હતા. વંકા ડુંગરા ને ઊંડી ગાળીઓ, અજાજૂડ ઝાડીઓ ને ગેબી ભોંયરા. આમ કાઠિયાવાડના તમામ ઠામઠેકાણાં ઢુંઢી વળેલા ગોરા અમલદારની આંખમાં જગાવાળાની જોરાવરી અંજાઈ ગઈ હતી. કોઈપણ હિસાબે ગળકોટડીના જગાવાળાને નમાવવો જ જોઈએ એવો પાક્કો નિર્ધાર રાજકોટના ગોરા હાકેમના હૈયામાં ધરબાઈ ગયો હતો.

જગાવાળો એટલે ? મુઠી જેવડા ગળકોટડી ગામના દરબાર, ગામ ઉપર એનો સુવાંગ ભોગવટો. ગરાસ તો વાટકીનો પણ જગાવાળાનું મન વિશાળ. ગરાસ ટુંકો પણ રોટલો પહોળો. આવો જગાવાળો ગામથી છેટો ચીપટા ડુંગરમાં વસે. માણસ હાલતાંય ભીંસાય મરે એવી ગાળીઓ વિસ્તારીને પચાસેક વિઘામાં પથરાઈને પડેલા ડુંગરાની માથે જગાવાળાએ ઓસરી-ઉતાર રેણાંક ગઢ બાંઘ્યો હતો. આવા ડુંગર માથે જગાવાળાના બેસણાં. આંગણેથી એક મે’માન જાય ને બે આવે. બે જાય ને બાર આવે. દરબાર જગાવાળાને આંગણે ત્રણસેક નાગપદમણી જેવી ભેંસુ સાવઝની સામે શિંગ ભરાવે, ડુંગરાની ટુંક તોડે એવી. આખું ખાડુ જ્યારે ચીપટા ડુંગર સાથે બટક બટક ખડની કોળીયું બટકાવતું હોય ત્યારે સાત આરબ ભરી બંદૂકે આખા ખાડાનું રક્ષણ કરતા હોય.

આવી દોમ દોમ સાહ્યબી જેને આંગણે આળોટે છે, જેના દરબારગઢ ઉપર ચીપટો ડુંગર આંકડા ભીડીને અહોનીશ અડીખમ ઉભો છે, જેનું ભુજબળ પાંચાળમાં પંકાયેલું છે, જેની જોરાવરીનો આખા પંથકમાં જોટો નથી, પણ જગાવાળાની આંખમાં કોઈ દિ’ નિરાંતની નિંદર નથી.

દિ’ ઉગે છે ને વાવડ આવે છે ઃ આજ ફલાણું ગામ ભંગાણું. રાત પડે છે ને અડખે પડખેના ગામમાંથી બહારવટીઆની બંદૂકોનાં ભડાકા સંભળાય છે. ત્યારે જગાવાળાની ડેલીએ સામાન માંડેલી ઘોડી ઉભી હોય છે. સવારે બાંધેલી ઘોડી બપોરે બદલે છે. બપોરે બાંધેલી ઘોડી સાંજે ને સાંજે બાંધેલી ઘોડી રાતે એમ જેમ પ્રહર બદલે એમ ઘોડી બદલાય છે. કોટડીના ચારેય સિમાડે એની ચોંપ નજર ફરે છે. હરામ હલાલીના વાવડ મળતાં જ બાંધેલી ઘોડી ઉપર પલાણ નાંખીને દરબાર આંખના પલકારામાં ઘોડીને ચાંપી પોતાના સિમાડામાં બહારવટીઆનાં કાં તો ઢીમ ઢાળી નાખે છે કાં તો તગડી મુકે છે. પોતાની રૈયતના રક્ષણ માટે રાત દિ’ આવું અઘોર તપ તપનાર દરબારને એક દિ’ કે’ણ મળ્યું.

‘‘તમારે આવતી કાલે બાબરાના થાણામાં હાજર થાવાનું ફરમાન છે.’’

‘‘કોનું ફરમાન ?’’

‘‘ગોરા અમલદારનું.’’

‘‘કાંઈ કારણ ?’’
પૂછતાં જગાવાળાની આંખ કરડી બને છે. આવનાર ખેપીઓ ઉત્તર વાળે છેઃ

‘‘બાપુ, કારણની તો મને કોઈ ખબર્ય નથી, પણ હોલસોલ દરબારૂંને ગોરા સાબ્યે તેડું મોકલ્યું છે.’’
સવાર થાતાં તો જગાવાળાએ બાબરાના થાણે હાજર થાવા સાબદાઈ કરી. ચુડીદાર સુરવાળ, માથે પાસાબંધી અંગરખું, ભેટમાં બેધારો સોનાની મુઠવાળો જમૈયો. ખંભે ગીનીએ ઝળકતા પટાવાળી, મખમલના મ્યાને ઢબુરાયેલી, વીજળીના લિસોટા જેવી તલવાર ભેરવી જે ‘સુરજદેવ’ બોલીને ઘોડી માથે રાંગ વાળી વે’તી કરી બાબરાના મારગે.

રૂમઝુમ રૂમઝુમ કરતી ઘોડી અસવારના પેટનું પાણી પણ હાલે નહિ એવી રેવાલ ચાલે વેતી થઈ. આંખના ત્રણ પલકારામાં તો બે ગાઉના પંથને પછવાડે મૂકીને ઘોડી બાબરાના ઝાંપામાં પૂગી. કાળુ ભારનો કાંઠો ઠેકાવીને ઘોડીએ થાણાના દરવાજે ડાબા ભટકાડયા કે જગાવાળાએ પેગડું છાંડી નીચે ઉતરી નજર કરી તો થાણાના મોટા ચોકમાં ગરૂડના ઇંડા જેવો ગોરા હાકેમનો તંબૂ તણાઈ ગયો છે. તંબૂની ફરતા દેશી-પરદેશી સિપાઈઓનો ભરી બંદૂકે પે’રો લાગી ગયો છે. તંબૂ ઉપરથી પંખીડુંય પાંખ ફફડાવે નહિ એવી ફરતી ચોકી મુકાઈ ગઈ છે. ઘડીવાર થંભીને કાઠી ગલઢેરો તંબૂનો તાલ જોઈ રહ્યો છે. ત્યાં તો પાંચાળનાં ગામેગામથી દરબાર ડાયરાના એક પછી એક ઘોડાની હાળવ્યું સંભળાવા માંડી. એકબીજાને રામ રામ કરીને સૌ તંબૂમાં દાખલ થાવા ડગ ભરવા માંડ્યા. તંબૂમાં દાખલ થવાનું દ્વાર કાંઠાળા કાઠી દરબારોને છાતી સમાણું થાય છે એટલે માથું નમાવીને દાખલ થવું પડે છે. જગાવાળાનો પગ થંભી ગયો.

અંદર બેઠેલો ગોરો અમલદાર અકળાય છે. જેને માટે આ ખેલ માંડ્યો છે ઈ દરબાર તો દેખાતો નથી. એટલે વારે વારે થાણદાર ઉપર રાતોપીળો થાતો પૂછે છેઃ

‘‘જગાવાલા, ક્યું નહિ આયા ?’’

થાણદાર ફફડતા હૈયે ઉત્તર આપે છેઃ ‘‘આવશે. સમાચાર મોકલ્યા જ છે. આપનું ફરમાન થાય અને ન આવે એવું બને જ નહિ.’’ પણ ગોરાની અધિરાઈ વધે છે. એની નજર તંબૂના દરવાજા ઉપર જ ચોંટેલી છે, જેવા દરબારો દાખલ થાય છે કે તરત જ પૂછે છે ઃ

‘‘ટુમ કોન ?’’

આખરે અંગ્રેજ અમલદારે છેલ્લે આવનાર દરબારને જ પૂછ્યું,

‘‘જગાવાલા કોન ?’’

‘‘પછવાડે જ આવે છે.’’ ને ગોરાની નજર બંદૂકના નિશાન જેમ તંબૂના દ્વાર ઉપર ચોંટી રહી.

તંબૂને દરવાજે જગાવાળાનો પગ ભારે થઈ ગયો છે. એના ચિત્તમાં વિચારનું ધમસાણ ચાલે છે. માથું નમે તો એક ધોળી ધજાવાળાને, બાકી કોઇને નહિ. ગોરાની કરામત જાણી ગયેલા જગાવાળાએ પળ બે પળ વિચાર કરી પગ ઉપાડ્યો. તંબૂ પાસે પહોંચતાં જ મ્યાનમાંથી તલવાર તાણી સબાક કરતો તંબૂ ઉપર ઉભો ઘા કર્યો. તંબૂના લુગડાના બે ભાગ થઈ ગયા. શું થયું ? શું થશે ? સૌ ફાટી આંખે જોઈ રહ્યા. બે ભાગમાં વહેંચાયેલા તંબૂના લુગડા વચ્ચેથી માથું નમાવ્યા વગર જગાવાળાએ તંબૂમાં પગ મૂક્યો કે, તરત જ ગોરો અમલદાર બોલી ઊઠ્યો,

‘‘ટુમ જગાવાલા ?’’

‘‘હા સાબ્ય, હું પોતે જ જગાવાળો.’’

‘‘ટુમને હમારા ટંબૂકો નુકસાન કિયા. હમ તુમારા ગરાસ ખાલસા કરેંગે.’’
સાંભળતાં જ દરબારની આંખમાં આગના ભડકા ઊઠ્યા ઃ

‘‘તો સાંબ્ય. સાગર જેવડી સત્તા સામે હું ય ચપટી વગાડી લેશ. કોઠીમાં પડ્યા પડ્યા ય ફફડશો.’’

‘‘હમ કુછ નહીં સમજા.’’

‘‘થાણદાર સાબ્ય સમજાવશે.’’

કહે છે કે થાણદારે ગોરા અમલદારને જગાવાળાની તાકાતનો ખ્યાલ આપી એના ગરાસને ખાલસા થતો અટકાવ્યો હતો.

લેખક: દોલત ભટ્ટ
સંકલન:- કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન

error: Content is protected !!