‘અદાલતનો બાયકોટ, અંગ્રેજી શિક્ષણનો બાયકોટ’

જેની વાણી સરસ્વતીથી પણ શાણી છે એવી સુંદરીને પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાલ જેવો ભાણ ઉગમણા આભને આંગણે ઝગારા મારી રહ્યો છે. પુરૂષના કઠોર જીવન પર સ્નેહનું સામ્રાજ્ય સર્જનારી ચતુર સુંદરીના સ્નેહાળ ચિત્ત જેવો ગુલાબી તડકો પથરાઇ રહ્યો છે. શિશિરનો શીળો સમીર આમ્રઘટામાં સંતાકૂકડી રમી રહ્યો છે. નવપલ્લવિત લતાઓ ઊગતાં રવિકિરણોને નમી રહી છે.

એવે વખતે અલ્હાબાદના આલ્ફેડ બાગમાં બે દોસ્તો મસલતો કરી રહ્યા છે. વાત એમ બની છે કે દોઢસો વરસથી દબાયેલા દેશમાં જનજાગૃતિનો જુવાળ ઊછળ્યો છે. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીના પગલે પરદેશી રાજસત્તાના પડેલા પડછાયા ભૂંસાતા ચાલ્યા છે. બેરિસ્ટર ગાંધીએ અસહકારનો આહલેક જગાવ્યો. શાળા છોડો, સરકારી નોકરી છોડો એ આહલેકની આગ જોતજોતામાં દેશને આંબી ગઇ.

તે વખતે કાશીમાં ભણતા એક કિશોરના કાને અસહકારનો અવાજ અથડાયો. પંદર વરસના આ નિશાળીઆએ આંદોલનમાં કૂદી પડવા પોતાના ભણતરને પડતું મૂકી કાશીની શાળાને છોડી દીધી. દેશભક્તિના રંગે રંગાવા લાગ્યો. કાશીમાં એક સરઘસ નીકળ્યું. સરઘસમાં તે ભેળો ભળી ગયો. પોકારો ઝીલવા લાગ્યો.

મહાત્મા ગાંધી કી જય
બ્રિટીશ શિક્ષા કા બાયકોટ

સરઘસમાં આબાલવૃદ્ધ સૌ હતાં. નિઃશસ્ત્ર નાગરિકોનું એ વિરાટ રૂપ હતું. સૌના દિલમાં આઝાદીની ઝંખના હતી. સરઘસ આગળ વધે એ પહેલાં તો બંદૂકધારી પોલીસે હુકમ કર્યો.

‘વિખરાઇ જાઓ.’
સૌ થંભી ગયા. વિખરાયા નહીં, તેથી બીજો હુકમ થયો.
‘ભાગો.’

પણ કોઇ ડગલું ય ખસ્યું નહિ. પોલીસ સામે ખડા થઇ રહ્યા.
ત્રીજો હુકમ છૂટયોઃ
‘પકડી લો બધાને!’ તે સાથે જ સિપાઇઓએ પકડાપકડી કરીને પોલીસની ખટારીઓ ભરવા માંડી. ન્યાયની અદાલત સામે સૌને ખડા કરવામાં આવ્યા. ન્યાયાધીશના તાકીદના ફેંસલા સૌ સાંભળવા લાગ્યા. કાશીના નિશાળીયાનો વારો આવ્યો. જોઇને ન્યાયાધીશ વેણ વદ્યા ઃ ‘આ તો બાળક ગણાય.’ એવો ગણગણાટ કરીને ન્યાય તોળવાનું પોતાનું કામ આરંભ્યું.

‘તારું નામ શું?’

છાતી કાઢીને ઊભા રહેલા કિશોરે જવાબ દીધો. ‘મારૂ નામ ‘આઝાદ’

‘બાપુનું નામ ?’ ધારદાર નજર ધ્રોબીને ન્યાયાધીશે બીજો પ્રશ્ન પૂછ્યો.

‘સ્વાધીન’ આવા જવાબો સાંભળીને ન્યાયાધીશની ભ્રમર ખેંચાઇને ભેળી થઇ ગઇ. ન્યાયાસન પરથી ત્રીજો સવાલ છૂટયો.

‘ક્યાં રહે છે?’

‘જેલમાં રહેવા જવાનો છું.’

‘અત્યાર સુધી ક્યાં રહેતો હતો?’ જવાબમાં તેણે નારો લગાવ્યો ‘અદાલતનો બાયકોટ, અંગ્રેજી શિક્ષણનો બોયકોટ’

ન્યાયાધીશ ન્યાયનો શિરસ્તો ચૂકી ગયા. તેણે સજા ફરમાવીઃ

‘બાર ફટકા મારીને છોડી મૂકો.’

કિશોરને કાજળકોટડીના ચોગાનમાં લઇ જવામાં આવ્યો. ન્યાયનો અમલ શરૂ થયો.

એક ફટકો વિંઝાયો!
છોકરાની ચામડી પર ભરોળ ઊઠી!
છોકરાએ નારો લગાવ્યો ઃ
‘મહાત્મા ગાંધીની જય’

બીજો ફટકો પડયો. લોહીની ટશરો ફૂટી.
બીજો નારો નીકળ્યો
વંદે માતરમ્

આમ એક પછી એક ફટકા પડતો રહ્યા. તે મહાત્મા ગાંધી કી જય પોકારતા જમીન પર ઢળી પડયો. એ પછીના વર્ષોમાં ક્રાંતિકારી થઇને તેણે રણગર્જના કરવા માંડેલી. આજે અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં મંત્રણાઓ કરી રહ્યો છે. તે દેશની આઝાદી માટેનો ઘાટ ઘડી રહ્યો છે. તેનું નામ ચંદ્રશેખર ‘આઝાદ’.

ક્રાંતિકારીઓમાં એનું નામ મોખરાનું છે. સુખદેવરાજ નામના બીજા ક્રાંતિકારીને તે કહી રહ્યો છેઃ રશિયા જવાનું સાથીઓ વિચારી રહ્યા છે. તેને માટે ગોઠવણ ચાલી રહી છે.

જેના માથા માટે અંગ્રેજ સરકારે ઇનામ જાહેર કર્યું છે એવો ચંદ્રશેખર આઝાદ આલ્ફ્રેડ બાગમાં છે એવી બાતમી પોલીસને મળી ગઇ કે તુરત જ ખાનગી લેબાસમાં બે અધિકારીઓ આવ્યા. એમાં એક હતો ડાલચંદ અને બીજો હતો વિશ્વેશ્વર. બંને આઝાદને ઓળખીને પાછા વળ્યા. પાછા વળીને તેણે છૂપી પોલીસના વડા બાવરને બાતમી આપી કે આઝાદ આલફ્રેડ બાગમાં બેઠો છે. છ વરસથી જેને જીવતો યા મૂવો પકડવા જગતની પોણી સત્તા ધરાવતી શહેનશાહતની પોલીસ આભ-જમીન એક કરતી હતી એવા ‘આઝાદ’ને જેર કરવા બાવર તાબડતોબ ઉપડયો. ચકોર આંખોએ મી. નોટ બાવરને આવતો જોતાં જ ‘આઝાદે’ પિસ્તોલ તાકી.

બાવરે પડકાર ફેંક્યો.
‘ખબરદાર’

જવાબમાં આઝાદની પિસ્તોલમાંથી ગોળી છૂટી. આઝાદની ગોળીએ બાવરનું બાવડું વીંધાણું. બાવરની ગોળીએ આઝાદના સાથળને ચીરી નાખ્યો.
નોટ બાવરે ઝાડના થડની ઓથ લીધી ત્યાં તો પોલીસની બીજી કુમક આવી પૂગી. આઝાદે મરણીયો જંગ માંડયો. નોટ બાવરનું બાવડું ખોટકાઇ ગયું હતું એટલે વિશ્વશ્વરે મોરચો સંભાળ્યો. આઝાદે વિશ્વેશ્વર સામે પિસ્તોલ તાકી. આઝાદની પિસ્તોલમાંથી છૂટેલી ગોળીએ વિશ્વેશ્વરનું જડબું તોડી નાખ્યું.
એટલીવારમાં તો અષાઢનો ગાંડો મે’ વરસે એમ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ માથે ગોળીઓની ત્રાપટ પડવા માંડી.

આઝાદની પિસ્તોલમાં છેલ્લી ગોળી બાકી રહી. તે તેણે નોટ બાવરને નિશાન બનાવવા નોંધી. છૂટેલી ગોળી વૃક્ષના થડમાં થીજી ગઇ! ચંદ્રશેખર આઝાદ વંદે માતરમ્ ના જયઘોષ સાથે ઢળી પડયો.

તવારીખઃ આ બનાવ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં તા. ૨૭-૨-૧૯૩૧ના રોજ બન્યો હતો.

શહીદના શબ પાસેનું વૃક્ષ અલ્હાબાદના સત્તાવાળાઓએ કપાવી નાંખેલું, કારણ કે પાછળથી લોકો આ વૃક્ષની પૂજા કરતાં હતાં. ઉપર આપેલી તસ્વીર ઘટના સમય પછીની થોડી પળો પછીની છે. જેમાં ક્રાંતિવીર દેશભક્ત ચંદ્રશેખર આઝાદના નિષ્પ્રાણ દેહના દર્શન થાય છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!