બુધેલા (વણાર) આહિર પરિવારની શૌર્ય સમર્પણની કથા

સંવત ૧૬૫૦ ના આળાગાળા માં, બાલા બુધેલા કરી ને એક વણાર આહિરે બુધેલ ગામનુ તોરણ બાંધી ગામ વસાવ્યુ અને પરિવાર સાથે આનંદ થી રહે છે, તે સમયે કોળીયાક ગામ ની અંદર મેળો ભરાય છે, લોકજીવન મા મેળા નુ મહત્વ ઘણુ છે.

આ મેળા માં કળાસર ગામ નુ પટેલ નુ કુંટુબ આવેલુ. ત્યાં મેળાની ભીડ માં બુકાનીબંધ સાંઢણી સવાર પટેલ ની દિકરી નુ અપહરણ કરી ઉપાડી ભાગવા લાગ્યો, આનંદ ની મોજુ માણવા આવેલા કુંટુબે ગોકિરો ચાલુ કર્યો, મદદ માટે બુમરાણ મચાવી અને રડીયારમણ થઇ, ત્યાં એક જુવાન પોતાની માણકી ઘોડી લઇ સાંઢડી સવાર નો પીછો કર્યો, અને સાંઢડી સવાર ઉપર પોતાનો જતરડો લઇ દોઢેક શેર નો પાણો નિશાન તાકિ છોડ્યો જે સાંઢડી સવાર ની કાંધ પર વાગતા ઢળી પડ્યો અને સાંઢડી રોકાઇ ગઇ, જીવ બચાવવા ના હવાતીયા માં તે સવાર પગપાળો દોડી ને વહેતો થયો અને બાલા બુધેલાએ દિકરી ને બચાવી પટેલ પરીવાર ને સુપરત કરી.

પટેલ અને એના પરિવાર નો જીવ અધ્ધર થઇ ગયો હતો, જોતજોતા મા બનેલી ઘટના મા અને આફત માંથી ઉગારી લેવા બદલ પટેલ એ જુવાન પર ઓળઘોળ હતા, એમણે નામઠામ અને ગામ પુછ્યા તે વ્યક્તિ બાલા બુધેલા હતી.

પટેલે કહ્યુ વાહ બાલા બુધેલા ભાઇ! તમે મરદ છો. પટેલ ની મીટ બાલા બુધેલા પર મંડાણી, ફાગણ ના ફુલેલા કેસુડા જેવી જુવાની અને ત્રણ ત્રણ આંટે વળે ચડાવેલી વાંકડી મુછો ના આંકડા, પટેલે વિચાર્યુ કે આણે જેમ વસમી વેળા એ મને સહાય કરી એમ મારા ગામ કળસાર ની પણ કરે તો? પટેલે પોતાનો મન નો વિચાર કિધો અને કહ્યુ કે મારે તમને કળસાર લઇ જવા છે.

બુધેલા એ કહ્યુ કે પટેલ તમારી એવી ઇચ્છા છે તો ભલે, એનાથી રુડુ બિજુ શું હોઇ, અને બીજે દિવસે કોળીયાક ના ત્રણ ગાડા બુધેલા ના કુંટબ અને ઘરવખરી લઇ આવ્યા અને બાલા બુધેલા પરિવાર સાથે કળસાર આવી વસ્યા. પટેલે પચ્ચીસ સાંતી ની જમીન આપી.આયરાણી અને દહિં દુધ નો નાનકડો સંસાર, બુધેલા ગામ નુ રખેવાળુ કરે અને વિવાહ-વાજમ માં વળાવીયા તરીકે જાય, આમ ગામ નિર્ભય બન્યુ.

સમય જાતા ક્યાં વાર લાગે છે બુધેલા ની દિકરી શેણી અને દિકરો સુમરો મોટા થઇ ગયા છે આયરાણી ભેંસુ ના દુધ ના વલોણા વલોવે છે અને ઘી ના હાંડલા ભરીને મહુવા મોકલે છે, સુમરો પશુ ને સીમ ચરાવી સાંજ પડે પાછો ના વળે ત્યાં સુધી બહેન શેણી સીમ વગી જોયા કરે છે.

એક વખત સાંજ ને ટાણે ફળીયા માં ખાટલો ઢાળી બેઠેલા ને હવે પચાસેક વર્ષ ની અવસ્થાએ પહોંચેલા બાલા બુધેલા કાંઇક વિચાર મગ્ન હતા, ત્યાં આયરાણી એ કિધુ, એ સાંભળ્યુ? બુધેલા એ હોકારો ભણ્યો ને આયરાણી એ વાત માંડી !

હવે આ શેણી નુ ઠેકાણુ ગોતો, આયરાણી એ તો મારા ધ્યાન મા છે. ત્યાં તો શેણી ના કાન ચમક્યા, એ માની સોડ્ય મા સંતાઇને બોલી, માં મારુ સંસાર મા મન નથી. ભાઇ સુમરા ને પરણાવો,હું તો ભાભી નો ટેલ ટપોરો કરીશ, ભાઇ જો ભાભી ને કનડશે તો હું ભાભી ની ભેર તાણીશ, દિકરી ની વાત છોકરમત સમજી બધા એ હસી ને ઉડાવી દિધી. પણ શેણી નુ મન એક માં જણ્યા ભાઇ સુમરા અને મોરલીધર મા જડાઇ ગયુ હતુ.

ભોકરવા ગામ ના આહિર ના પાલા કામળીયા સાથે શેણી ની સગાઇ થઇ, દિકરી ના લગન આવ્યા, બાલા બુધેલા ભવ નો ભાર ઉતારવા બધી તૈયારી આરંભી. ભોકરવા થી બીજે દિ જાન આવવાની છે, સાંજ ને ટાણે કળાસર ની ચારસો ગાયુ નુ ધણ ગોરીને ફોજે ઘેરી લીધુ. જોત જોતા મા દેકીરો અને પડકારા થવા લાગ્યા કે દોડો દોડો ગાયો વાળી જાય, ઢોલી એ ધ્રિબાંગ ધ્રિબાંગ એમ ઢોલ મા ઘોર પાડવા લાગ્યો.

બુધેલા ને આંગણે ગહેંકતી રુડા અવસર ની શરણાયુ ચુપ થઇ. બુધેલા એ બરછી હાથ માં લીધી અને ત્રણસો સવારો ઉપર ત્રાટક્યો અને સારી પટ ટક્કર લિધી પણ ઝાઝા જણ સામુ કેટલુક જુજે અને આખરે બાલો બુધેલો કામ આવી ગયા !

આયરાણી એ દિકરા સુમરા ને ભલકારો કર્યો કે જા દિકરા, તારા બાપ ની આત્મા ને ટાઢક થાય એવુ કામ કરી આવજે હુ તારી વાટ જોઇશ જે માતાજી બેટા.

સુમરો મારતે ઘોડે કળસાર ની ઉગમણી દશે આવ્યો, જીકાજીક બોલી, ગોરી ની ફોજ મા હાહાકાર થવા લાગ્યો, કંઈક ને હતા ન હતા કરી નાખ્યા,બાપ તેવો બેટો, એકલો સુમરો આખી ફૌજ ને ઝપટે ચડાવે છે, એવા મા પાછળથી આવી ને એક અસવારે સુમરા નુ માથુ વાઢી નાખ્યુ, ગામેડુ સુમરાનુ માથુ અને શબ તથા ધણ લઇ કળસાર પાછુ આવ્યુ, રો કકળ થઇ, પણ આયરાણી એ કિધુ રો કકળ બંધ કરો જાન આવવાની તૈયારી છે કામળીયા ની આગતા સ્વાગતા મા લાગી જાવ.

સુમરા નુ માથુ જોઇ શેણી થી ના રહેવાયુ ચિતા ખડકાવી તે પોતાના ભાઇ પાછળ સતી થયા, ગામ આખા એ શેણી ને સમજાવા ની કોશીશ કરેલી પણ તે એક ની બે ના થઇ. અગ્નીદાહ દેવાની ના પાડી અને અંગુઠા થી અગ્નીદેવ પ્રગટ કર્યા અને ચિતા પર ભાઇ નુ માથુ ખોળા માં રાખી સતી થયા.

ઘર ના મોભી પોતાનો ધણી છોડી ને ચાલ્યો ગયો, દિકરો પણ ના રહ્યો અને દિકરી પણ સતી થઇ. વિવાહ નો અવસર ત્રણ ત્રણ જીવ ને ભરખી ગયો તોય આયરાણી અડગ રહિ,કાળજુ કઠણ કરી બોલી મારા નાના દેર ની દિકરી શણગારો. બુધેલા ના આંગણે થી જાન પાછી જાય તો દુનીયા દાંત કાઢે, ઉતાવળે પગે દિકરી ને તૈયાર કરી ત્યાં જાન આવી પુગી.

આયરાણી તથા દેરીયા જેઠીયા એ દિકરી ના હાથ પીળા કર્યા અને જાન ને ખબર ના પડવા દિધી, બાલા બુધેલા નુ પુછાતા આડા અવળા ગોટા જવાબ આપી દેવાયા.

જાન ને વળાવી આયરાણીએ પોતાના બેઉ દેર ને બોલાવી કીધુ કે હવે આપડે કળસાર નુ પાણી હરામ છે.

(આજે પણ બુધેલા આહિરો કળસાર નુ પાણી પીતા નથી.) પચ્ચીસ સાંતી ની જમીન કુળગોર ને આપી દ્યો અને આહિ થી નીકળી જાજો.

દિકરી નો માંડવો હજુ ઉભો હતો આયરાણી માંડવા વચ્ચે આવી ગામજનો ની હાજરી મા કટાર ખાધી આંતરડા નો ઢગલો થઇ ગયો, મરતા મરતા સરાપ દિધો કે કળસાર ની ઉગમણી દશ ક્યારેય નહિ ઉકળે.

(હાલ માં પણ કળસાર ની ઉગમણી દશે કશુ ઉગતુ નથી.)

બાકી કુંટબીજનો જમીન કુળગોર ને આપી માતાજી ના ફળા સુંડલા મા લઇ કળસાર થી નીકળી ગયા અને રસ્તા મા વાઘનગર પાસે વડાળા ની વાવે પોરો ખાધો જ્યાં માતાજી રોકાઇ ગયા ત્યાંથી તલગાજરડા આવ્યા અને ત્યાંથી દાતરડી, ભાણવડ, ગોવિંદડી થઇ ખારી ગામ મા વસવાટ કર્યો, હાલ મા બીજા ભાઇઓ નો ખારી, ઘોઘા, ભુંભલી, ભંડારીયા, મઢડા, ભાવરડી, ચતુરી, પીપળવા (ગીર), ખાંભા, ભાદરા સ્થળો એ વસવાટ છે.

38457986_316082595604409_4996975109211160576_n

હાલ મા કળસાર ના પાદરમાં ભાઇ બહેન શેણી અને સુમરા ની ખાંભીયો છે જેની માનતાયુ રખાય છે અને તલગાજરડા માં માણસુર બુધેલા ની ખાંભી છે,

આમ હ્રદય કંપાવનારી ગામ માટે શહાદત, ભાઇ માટે સતી થનાર અને આહિરાણી ની ખાનદાનીની ઘટના લોકો યાદ કરે છે. આ વિરલ ઘટના જે કાળ ની કસોટી થઇ રહે ત્યારે પણ અડિખમ આહિરો ના ઉજ્જવળ કિર્તિ ઇતિહાસ ની યશગાથા છે.

બાપ અને દિકરા ની ગામ રક્ષા અને મા અને દિકરી ની કુરબાની આ ઘટના જોઇ પાનખર ના સુકા ઝાડ પણ કંપી ગયા હશે, ભાઇ ની પાછળ સતી થયા એ ઘટના પણ ભારતખંડ મા જુજ હશે, તેમના વંશજો હાલ ખેતી સંભાળે છે અને સુખ શાંતી થી જીવે છે.

શત શત નમન. જય માતાજી. જય મુરલીધર.

error: Content is protected !!