ગોંડલ તાબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેરે બે દીકરીઓ ને એક દીકરો છે.
એક દિવસ આ ખેડુ ઉપર ભા કુંભાજીની અાંખ બદલી.
“ભીમા મલેક !” મેરવદરના ફોજદારે ધીરે ધીરે ડારા દેવા શરૂ કર્યા, “ભા કુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે, ”
“ શું કહેવરાવ્યું છે સાહેબ ?” ભીમા જતે સલામ. કરીને પૂછ્યું. “કહેવરાવ્યું છે કે બે સાંતીની જમીન ખેડો છો તે છૂટી જશે.”
“પણ કાંઈ વાંક ગુન્હો ? ”
“બારવટીયાને તમે રોટલા આપો છો. ”
“ ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા. આપવા પડે છે. કાલે ઉઠીને કાકાઓ મેરવદરને ફુંકી મારશે, જાણો છો ? અને ખેડુનાં સાંતી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા. વસ્તીને માથે એક કોરથી બારવટીયા આદુ વાવે, ને બીજી કોરથી તમે.”
ભીમા જતનો જવાબ ફોજદારે ગેાંડળ પહોંચાડ્યો. એ વાંચીને ભા કુંભાજીને રૂંવે રૂંવે ઝાળ લાગી. એક સો મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલાવી દીધું અને હુકમ લખ્યો કે “બહારવટીયાને આશરો દેવાના ગુન્હા બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે સાંતી જમીન ખાલસા કરવામાં આવે છે.”
સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો.
“અમારો ચાર ભાઈઓનો જુવાર બાજરીનો આછો જાડો જે રોટલો હતો, તે પડાવીને ભા કુંભાજી ગોંડળના રાજ મો’લમાં હવે દૂધ ચોખા શે દાવે જમશે ?”
એટલું બોલીને એણે ચારે ગમ અાંખા ફેરવી.
“અને ભીમા મલેક !” ગામલોકોએ ભેળા થઈને પોકાર કર્યો, “મેરવદરને માથે સો મકરાણીનું થાણું બેઠું – તારે એકને પાપે આખા ગામની બેડલી બુડી !”
ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો. ચારે ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પરિયાણ કર્યું. પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે. જઈને પોતે એને પૂછ્યું “તારી શી મરજી છે જતાણી ?” “મરજી બીજી શી હોય ?” જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો, “ભા કુંભાજીની હારે ભરી પીઓ.”
“અને તું ? ”
“હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરાં મોટાં કરીશ.”
“ગોંડળની ફોજ કનડશે તો ?”
“તો મને ય હથીઆર વાપરતાં ક્યાં નથી આવડતાં ? ”
“ઠીક ત્યારે અલ્લાબેલી !”
“અલ્લાબેલી ! અમારી ચિંતા મ કરજો. સાહેબ ધણી તમને ઝાઝા જશ દેવરાવે !”
ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો. ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઉંચેરી દેખાય, માથું જાણે આભમાં રમતું હતું. ભવાં જાડાં : અાંખો કાળી, ચમકતી ને ઠરેલી: અને એ ગોરવરણા ચહેરાને ફરતી કાજળઘેરી દાઢી મૂછ એક વાર જોયા પછી કદિ ન ભૂલાય તેવો મ્હોરો બતાવતી હતી. એવા જવાંમર્દ ભાયડાને ‘અલ્લાબેલી’ કરતી નાથીબાઈ પણ જતની દીકરી હતી, એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું.
ચારે ભાઈઓએ સુરજ આથમવા ટાણે ભાદર કાંઠે જઈને નમાજ પઢ્યા. ભાદર માતાનાં ભરપૂર વહેતાં નીરમાંથી ખોબો ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું. પોતાની બે સાંતીની સીમ હતી તેમાંથી ચપટી ચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બેાલ્યો કે
“ માતાજી, તેં આજ સુધી અન્ન દીધાં ને ભાદર માતાએ પાણી આપ્યાં. એ અન્ન પાણીથી બંધાયેલી આ કાયા જો ઉપર ને ભીતરથી પાક રહી હોય, તો તો બારવટામાં ભેરે રહેજો, ને જો તમારૂં કણ સરખું યે કૂડી કરણીમાં વપરાણું હોય તો અમારૂ ધનોત પનોત નીકળી જાજો.” એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારે ભાઈએાએ એક સાથે વગડાની વાટ લીધી. અને જતોનાં ગામડાંમાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેળા કરવા લાગ્યા, પચાસ ઘોડેસવાર. અને બાર પેદલ સિપાઈ: ચાર ભાઈઓ પોતે પણ છાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું. શું કરવું, તેના વિચાર ભીમાને મુંઝવે છે. તેટલામાં એક સહાય મળી.
કુતીયાણા તાબાનું રોઘડા ગામ; અને ગામમાં તૈયબ સંધી નામનો ગામેતી રહે. તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે “પ્રથમ આપણે બે ય જણ એક ગામતરૂં કરીએ. પછી મોટે બારવટે નીકળીએ. માટે તું અાંહી આવ.”
બાસઠ માણસોની ફોજ સાથે ભીમો રોઘડે ગયો. સામે તૈયબ ગામેતીએ પણ એટલાં જ માણસો પોતાનાં લીધાં. ભાદર- કાંઠે બેસીને પરિયાણ કર્યું . ભીમાએ વાત છેડી કે
“તૈયબ ગામેતી ! હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કળકળતો નીકળ્યો છું. મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માગું છું. પણ તમે ખાનદાન રે’જો, એટલું કહી મેલું છું.”
એવા સોગંદ ઉપર કસુંબા લઈને બન્નેની ફોજે જુનાગઢની ગીરનું દોણ ગામ ભાગ્યું ભાંગી, લૂટની ગાંસડીઓ બાંધી, તૈયબ કહે કે “ભીમા મલેક, હવે ભાગીને ઝટ ઠેકાણે થઇ જાઈએ.”
“તૈયબ ગામેતી !” ભીમાએ મલકીને કહ્યું, “ભીમાથી. કાંઈ એમ ભગાશે ? તો તો જુનાગઢવાળા કહેશે કે ભીમાની જનેતા જતાણી નહિ હોય.”
“ત્યારે ?”
“જુનેગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે. અને વાર આવવાની વાટ જોઈએ. ”
એ રીતે જુનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા. ત્રણ દિવસ સુધી ધજા ચડાવીને રોજની અક્કેક ચોરાસી જમાડી. રોજ રાત બધી ડાંડીયા રાસ રમ્યા. ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા, ત્યાં જુનાગઢની વારનાં ભાલાં ઝબકયાં. તૈયબ ગામેતીએ કહ્યું,
“ભીમા મલેક ! તમારે વાંકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રઝળાવશે. હવે શું કરવું ? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે.”
“મારો વાંક હોય તો તમે ‘કહો તેમ કરૂં, તૈયબ ગામેતી.”
“ત્યારે તમે ઉભા રહીને વારને ઠોઈ રાખો, ત્યાં હું માલનો ઉવાડ કરી નાખું.”
ભોળે ભીમડે કહ્યું “ભલે !”
ઘરેણે લૂગડે લાદેલ સાંઢીયા અને ઘોડા હાંકીને તૈયબ રોઘડે આવ્યો. રોધડામાં માલ સંતાડી પોતે જુનાગઢમાં બેસી ગયો, અને નવાબના કાનમાં વાત ફુંકી દીધી કે “દોણ ગામ તો ભીમડે ભાંગ્યું છે.”
આ બાજુ ભીમો જુનાગઢની વાર સામે ધીંગાણાં કરતો કરતો, તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે. આગળ પોતે છે, ને પાછળ જુનાગઢની ફોજ છે. એમ કરતાં ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા, અને બન્ને ફોજની ભેટંભેટા થઈ ગઈ.
“ભીમાભાઈ !” નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માગી, “આજ હવે મારો વારો છે.”
એમ બોલીને ત્રણસો જુનાગઢીયા જોદ્ધાની સામે પોતે એકલો ઉતર્યો, ને પંદર શત્રુઓને ઠાર કરી પોતે મરાયો.
મીં ગજે ન કેસરી મરે
૨ણમેં ધંધુકે ૨ત
હસન મલેક પડકારે મરે
જાઓ ચોજાં જત
[જેમ વર્ષાની ગર્જના સાંભળી કેસરી સિંહ માથાં પછાડી મરે, તેમ હસન મલેક પણ શત્રુના, પડકારા સાંભળતાંની વારે જ સામો ત્રાટકી મર્યો, એટલે જ હું એને સાચો જત કહું છું.]
શત્રુની ફોજને રોકતો રોકતો ભીમો તેરમે દિવસે ભાદર- કાંઠા ભેળો થઈ ગયો. પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો. રોઘડે પોતાના આવવાની જાણ દેતાં એને જવાબ મળ્યો કે તૈયબ ગામેતી એ લૂંટના માલમાંથી રતિ માત્ર પણ ભીમાને આપવાનો નથી. અને જુનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે.
“ઇમાનને માથે થુંકનાર આદમીને હજારૂં લ્યાનત હજો !” એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો. ગોંડળની સીમોમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહારવટીયાના પડછાયા ઉતરવા લાગ્યા. સાપની ફુંકે ચોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ.
ચાય ચાડિકે આવીયા
એતાં દળ, અહરાણ
ગલોલીનાં ધમાસાણ
ભા૨થ રચાવ્યો તેં ભીમડા
“અલા સળગાવી મેલો આ ઢાંક ગામને; આ ગામની વસ્તી ભીમા જતને રોટલા પોગાડે છે.”
એવી હાકલ દેતી, ગોંડળ, જુનાગઢ ને જામનગર એ ત્રણે રાજની ફોજ, પાંચ હજાર માણસોથી ઢાંક ગામને પાદર આવીને ઉભી રહી.
વસ્તીએ આવીને હાથ જોડ્યા : “એ માબાપ ! અમારો ઇલાજ નથી. અમે જાણી બુઝીને રોટલા આપતા નથી, પણ અમારાં ભાત જોરાવરીથી ઝુંટવી લ્યે છે.”
“બોલાવો એ બારવટીયાને ભાત દેનાર ભતવારીઓને.” પંદર વીસ કણબણોને કોરડા સારી મારી, એનાં બાળબચ્ચાં રોતાં મેલાવીને, લોહીને આંસુડે રોતી હાજર કરી. ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ વછૂટી જાય એવી ત્રાડ દઇ ધમધમાવવા મંડ્યા કે “બેાલો રાંડો, કોણે કોણે ને ક્યારે ક્યારે ભાત દીધાં ?”
“મારા પીટ્યા ! તારાં વાલાંમાં વિજોડ પડે ! તને ભગવાનનો ય ભો’ નથી ? અમે તે શું વ્હાલપના રોટલા દઈ આવીએ છીએ ? તારા કાકાએ બબ્બે જોટાળીયું બંદુકું સામી નોંધીને ઉભા રહે છે. અને ધરાર અમારાં ભાત ઉપાડી જાય છે.” કણબણો ફાટતે મ્હોંયે સાચી વાત બોલવા માંડી.
“બોલો ક્યાં ક્યાં છે બારવટીયા ? નીકર જીભ ખેંચી કાઢીશ.”
“આ પડ્યા ચાડિકે તારા કાકા ! પાંચ હજારની ફોજ ફેરવછ, તે જાને એને મારવા ! સીતેર જ માણસે પડ્યો છે ભાદરનો સાવઝ ભીમડો.”
ચાડિકાના ડુંગર માથે થોડા થોડા પત્થરોની ઓથ લઈને બહારવટીયો લપાણો છે. ભેળાં ફક્ત સીત્તેર માણસો છે. દારૂગોળાનો તોટો નથી. એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે. ઉંચા પત્થર ઉપર ચાડિકો બેઠો હતો તેણે વારનાં હથીયાર ચમકારા કરતાં દીઠાં. ચાડિકાએ ખબર દીધા કે “બંધુકું ધરબો.”
ડુંગર ઉપર સીતેર બરકંદાજ અને નીચે: પાંચ હજારની પલટનઃ સાંજોસાંજ સુધી ધીંગાણું ચાલ્યું. રાત પડી એટલે બહારવટીયા પ્રભુને ખેાળે બેસી ગયા. અંધારામાં બહારવટીયાને અદૃશ્ય થયા જોઈને હાથ ઘસતી ફોજ નિસ્તેજ મ્હોંયે પાછી વળી.
ગોંડળથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે “ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો ! એને કનડ્યા વગર ભીમો નમશે નહિ.” “નાથી ડોશી !” સિપાહીઓ દમદાટી દેવા લાગ્યા, “ભીમો ઘેર આવે છે કે નહિ !”
“ન આવે શા સારૂ ભાઈ ! મારા ઓઢણાનો ખાવંદ છે. મારા ચૂડલાનો પહેરાવતલ છે, ને મારી સંભાળ લેવા કેમ ન આવે ?” નાથીએ ગાવડીને ખંજવાળતાં ખંજવાળતાં નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો.
“ત્યારે તુ થાણામાં ખબર કેમ નથી દેતી ? ”
“હું શીદ ખબર દઉં !”
“ગેાંડળનો ચોર છે માટે.”
“ગોંડળનો ચોર હશે, પણ મારો તો લખેશરી ખાવંદ છે ને ! જેનો ચોર હોય એનાં બાવડાં ક્યાં ભાંગી ગયાં છે ? ગોતી લ્યે, જો મોઢે મૂછ હોય તો.”
“બરો કરછ, પણ હાથમાં બેડીયું પડશે ! બહુ ફાટ્ય આવી લાગે છે, ખરૂં ને ?”
“બસ ! ભા કુંભોજી ખડ ખાવા બેઠો ? મરદની ઝીંક ઝલાતી નથી એટલે અબળાને માથે જોર કરવું છે ? મારા કાંડામાં કડીયું જડવી છે ? તમે ખીચડીનાં ખાનારા, લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ ! નીકર ઘરવાળીયુંના ચૂડલા ખખડી જાશે. હું જતાણી છું, જાણો છો ?”
“એલા ઝાલીને બાંધી લ્યો એ શુરવીરની પુંછડીને.”
એમ હુકમ થાતાં તો નાથીબાઈએ કછોટો ભીડ્યો. ભેટમાં ઝમૈયો ધબ્યો અને તલવાર ઉપાડી. પોતાની બે નાની દીકરી અને એક દીકરાને લઈને ઓસરીએથી નીચે ઉતરી. જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો “જે દાતાર ! જે જમિયલશા ! ” એવા અવાજ કરતી જતાણી તલવાર વીંજતી પડમાં ઉતરી. ત્રણ મકરાણીઓને જખમી કર્યા. પોતાના કપાળમાં પણ તલવારને ઘા ઝીલ્યો.
અબળાના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું. જત બધા ઉશ્કેરાઈને તયાર થયા. મકરાણીઓએ તૂર્ત થાણાનો માર્ગ લીધો. પણ પછી તે મેરવદરમાં રહેવામાં આબરૂને અાંચ આવવાનું જેખમ જાણીને નાથીબાઈ બે દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ, અને ત્યાંથી ભા કુંભાને કહેવરાવ્યું કે
“રજપૂતનો બેટો આવી હલકાઈઓ ન દાખવે. અને છતાં મને પકડવી હોય તે હાલ્યા આવજો !”
બબીઆરાના ડુંગર ઉપર ગેબનશા પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બહારવટીયો ગામ ભાંગીને જ્યારે જ્યારે બબીઆરે આવતો ત્યારે પીરની કબર પર કીનખાપની નવી સોડ્ય અને નવી નીલી ધજા ચડાવતો. હવે તો ભીમે બબીઆરા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે. પીરના થાનક ઉપર ગુલમોરનાં ઝાડવાં લાલ ચુંદડી ઓઢીને ઉભાં હોય તેવાં ફુલડે ભાંગી પડે છે. સવાર સાંજ નળીયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તલવારને પણ ધુપ દે છે. તસ્બી ફેરવે છે, અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. ગણોદ ભાંગીને અને ભાણાજી દરબારને ઠાર મારીને ગઈ કાલે જ ભીમો આવ્યો છે. ત્યાં આજ એક દૂત દોડતો દોડતો બબીઆરે ચડ્યો આવે છે.
“કેમ, વલીમામદ ? શા સમાચાર ? ” ભીમે તસ્બી ફેરવતાં ફેરવતાં પૂછ્યું.
“ભાદર-કાંઠો તો આખો ય ઉજ્જડ ! ફક્ત વાઘરીઓ, તરબુચના વાડા વાવે છે.”
“ભલે વાવતા બચાડા ! પણ ખબરદાર, સાંતી નામ જૂતવા દેશો મા, હો કે ! ”
ત્યાં બીજે જાસૂસે ડોકું કાઢ્યું. મ્હોં શ્યામ થઈ ગયેલું છે.
“કેમ મોઢે મશ ઢળી છે સુલતાન ?” “ભીમા બાપુ, મકરાણીઓએ નાથી ડોશીને માથે હાથ કરી લીધો.”
“ઠીક. જતાણીએ કયાં ઘા ઝીલ્યા? ”
“બરાબર કપાળ ઉપર.”
“બસ ત્યારે. પારોઠના ખાધા હોત તો મને પસ્તાવો થાત.”
“ડોસી બહુ રૂડાં લાગ્યાં બાપુ ! ત્રણ મકરાણીને સૂવાર્યા અને બચ્ચાંને લઈ ભોગાટ ચાલ્યાં ગયાં.”
“ભીમ મલેક !” સંગાથીઓ મૂછે વળ દઈને તાડુક્યા, “ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો, અને હવે આપણે ઉપલેટા ધોરાજીને આગ જ લગાડવી જોશે ને ?”
“ ના ભા, આગ મેલે ઇ તો કોળી વાધરીનાં કે કાઠીનાં કામાં. ભીમાને એ ધંધો ભજે નહિ. ફરીવાર બોલશો મા, નીકર બોલનારની જુબાન કાપી નાખીશ.”
સાથીઓનાં શરીર એ શબ્દો સાંભળીને સંકોડાઈ ગયાં.
“અને જાનમામદ, તું જઈને ઉપલેટે રાજવાળાઓ ખબર કર, કે આજથી ત્રીજે દિ’ હું પડું છું. માટે સાબદાઈમાં રહે.”
“પણ બાપુ ! ચેતી જાશે હો !”
“ચેતાવવા સાટુ તો તને મોકલું છું. ચેતાવ્યા વગર કાંઈ આપણો ઘા હોય ભા?”
પચાસ અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો. ચોકીદારો હતા એટલાની કતલ કરી, હુકમ દીધો કે “હાં, ચલાવો હવે લૂંટ.” પોતે આગળ ચાલ્યો.
એક ઘરના ફળીમાં પગ મેલતાં જ અંદર તૂળસીનો ક્યારો અને કવલી ગાય દીઠાં.
“એલા પાછા વળો. ખબરદાર, કોઈ એક નળીયાને પણ હાથ લગાડશો મા !”
“કાં બાપુ ? પટારા ભર્યા છે.”
“ઇલાજ નથી, બ્રાહ્મણનું ઘર છે.”
બહારવટીયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી “કેવો છે એલા ?”
“વાણીયો છું.”
“ભાઈયું મારા ! પગરખાં બહાર કાઢીને ઘરમાં ગરજો હો કે !”
“કેમ બાપુ ?”
“વાણીયો ઉંચ વરણ લેખાય. એનું રસોડું અભડાય. પણ હમણાં ઉભા રે’જો.” એમ કહીને ભીમો વાણીયા તરફ ફર્યો. “ભાઈ વાણીયા, પટારામાં ઘરેણા હોય એટલાં આંહી આણીને મેલી દે. એટલે અમારે તારૂં ઘર અભડાવવું જ ન પડે.”
રસોડામાં ચુલે બાઈઓ રાંધતી હતી એની ડોકમાંથી દાગીના કાઢીને વાણીયે હાજર કર્યા. તૂર્ત ભીમે પૂછ્યું,
“ક્યાંથી લાવ્યો ? ”
“બાપુ ! મારી ઘરવાળીના અને દીકરાની વહુના અંગ માથેથી ઉતરાવ્યાં.”
“ઈ અમારે ન ખપે ભા, બાઈયુંનાં પહેરેલાં પાલવડાં કાંઈ ભીમો ઉતરાવે ?”
એટલું બોલી, ઘરેણાં પાછાં દઇ, ભીમે બજાર ફાડવાનું આદર્યું. દુકાને દુકાને ખંભાતી તાળાં ટીંગાતાં હતાં તે બંદુકને કંદે કંદે તોડી નાખી વેપારીઓના હડફા ઉઘાડ્યા. વેપારી પાઘડી ઉતારીને આડા ફરે એટલે પૂછે કે “વ્યાજ કેટલું ખાછ ?” “એ બાપુ તમારી ગૌ.”
“બોલ મા ભાઈ, નીકર ચોપડાને આગ લગાડી દઈશ.”
વાણીઅણો આવીને આડી પડે, એટલે પોતે વાંસો વાળી જોઈ જાય, અને કહે કે “ખસી જા બાપુ બેનડી ! ઘેર તારી ભોજાઈયુંને માથાં ઢાંકવા સાડલા નથી.”
લુંટી, માલ સાંઢીયા માથે લાદી, ડુંગરમાં રવાના કરી, રાત પડી એટલે ભીમે આખા ગામને ભેળું કરી ચોક વચ્ચે ‘જીંડારી’ નામની રાસને મળતી રમત લેવરાવીઃ
“જીંડારી લઇશ રે જીંડારી લઈશ
“કુંભાજીના રાજમાં જીંડારી લઈશ.”
એવાં ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઇ વાર આવી પહોંચી નહિ, એટલે જમીયલશાના જેજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો.
ઉપલેટું ઉંઘે નહિ
ગોંડળ થર થર થાય,
લીધી ઉંડળમાંય
ભલ ધોરાજી ભીમડા.
પાનેલી ગામના લખમણ સોનીના દીકરીની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળાં ત્રણ ગાડાં હતાં. ભાદર, માલણ અને એાઝત નદીની ઉંડી ઉંડી ભેખડોના પત્થર પર ખડ ખડ અવાજે રડતાં ગાડાંની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદ વાળી સોનારણ જાનડીઓ કાઠીઆણીઓના જેવા મીઠા સૂર કાઢી
મો૨ જાજે ઉગમણે દેશ
મો૨ જાશે આથમણે દેશ
વળતો જાજે રે વેવાયું ને માંડવડે હો રાજ !
એવાં લાંબાં ઢાળના ગીતોને સૂરે સીમાડા છલોછલ ભરતી, ગાડું ચડીને પછડાય તેની સાથે જ ઉચી ઉલળીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજીઆ ચારણોનાં નેસડાં આવે છે, અને પદ્મણી શી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઉભા ઉભા ટૌકા કરે છે કે “એલા આ ટાણે જાનું ક્યાં લઈ હાલ્યા ? ભીમડો કાકો ભાળ્યો છે ? તમારાં ડીલની ચામડી સોત ઉતારી લેશે.”
“એ……ભીમો કેાઈ દિ’ જાનુંને લૂંટે નહિ, લૂંટે.”
એમ બોલીને ગાડાખેડુઓ ગાડાં ધણધણાવ્યે જાય છે.
એમાં બરાબર વાવડી વાળી વાવ દેખાણી ને સુરજ આથમ્યો. અંધારા ઘેરાવા લાગ્યાં. પાછળ અને મોઢા આગળ, બેય દિશામાં ગામડાં છેટાં રહી ગયાં. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનનાં ગાડાં ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવનાં ઝાડની ઘટામાં દાખલ થયાં, કે તૂર્ત જ પાંચ બોકાનીદાર પડછંદ હથીઆરધારીઓએ છલાંગ મારીને વોળાવીયાની ગરદનો પકડી. એના જ ફેંટા ઉતારીને એને ઝકડી લઈ વાવના પગથીયાં ઉપર બેસાર્યા, અને પડકારો માર્યો કે “ઉભાં રાખો ગાડાં !”
ગાડાં ઉભાં રહ્યાં. માણસો ફફડી ઉઠ્યાં.
“નાખી દ્યો ઝટ ઘરેણાં, નીકર હમણાં વીંધી નાખીએ છીએ. ” એટલું કહીને બંદૂકો લાંબી કરી.
વરરાજાના અંગ ઉપર એના બાપે માગી માગીને ઘરેણાં ઠાંસ્યાં હતાં. ફાગણ મહિનાનો ખાખરો કેસૂડો ફાટી પડતો હોય એવાં લુંબઝુંબ ઘરેણાં વરરાજાએ પહેર્યા હતાં. એ તમામ ઉતારીને વરનો બાપ થરથરતો સામે આવ્યો. કાંપતે અવાજે બોલ્યો કે
“ભાઈ, આ બીજો બહારવટીયો વળી કોણ જાગ્યો ?”
“એાળખતો નથી ? ભીમડો કાકો !”
“હેં ! ભીમા બાપુનાં માણસ છો તમે ? ભીમો બાપુ જાનુંને તો લૂંટતો નથી ને ?”
“કોણ છે ઇ !” કરતો સામી ભેખડમાંથી સાવઝની ડણક જેવો અવાજ ગાજ્યો, “આંહી લાવો જે હોય એને.”
સોની જઈને પગમાં પડી ગયો “એ બાપુ ! આ પારકા ઘરેણાં : માગી માગીને આબરૂ રાખવા લીધાં છે.” “તે ભા, તારૂં હોય એટલું નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો હક વધુ પહોંચે છે.”
“ભીમા બાપુ ! મારી ઉમેદ ભાંગો મા, વેવાઈને માંડવે મારી આબરૂ રાખવા દો. અને વળતાં હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ.”
“આપી દ્યો એનાં ઘરેણાં પાછાં, અને ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને રૂપીઆ પાંચસોની પહેરામણી અમારે દેવી છે. કદિ’ વળશો ? ”
“પરમ દિ’ બપોરે.”
જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે, એ જ ભેખડે બેસીને ભીમો વાટ જોતેા હતેા.
“આ લે આ રૂપીઆ પાંચસો રોકડા. અને દીકરીને આ એક કાંઠલી.”
કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો. પણ મ્હોંયેથી બોલાયું નહિ.
“કેમ હાથ ચોર્યો ?” ભીમાએ ડોળા ફાડીને પૂછયું.
“બાપુ, આ કાંઠલી ચેારીની હશે તો હું માર્યો જઈશ.”
“સાચી વાત. આંહી તો ચોરીની જ ચીજ છે ભા. શાહુકારી વળી બારવટીયાને કેવી ? આપો એને રૂા. ૩૦૦ રોકડા.” એમ બોલીને ભીમો હસ્યો.
બહારવટીયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેડે ચાલી ગઈ.
“બાપુ દીકરી ઉમ્મર લાયક થઈ છે, એને કન્યાદાન દેવું છે.”
“તે મા’રાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એ શું ? પાનેલીમાં એટલા પટેલીયા ને શેઠીઆ પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરીઆત ન કરી ?” “પાનેલીના પટેલની પાસે હું ગયો’તો બાપુ, અને એણે જ મને કહ્યું કે તારા ભીમા કાકાની પાસે જા ! એ બ્રાહ્મણ બાવાને બહુ આપે છે !”
“એમ…? એવડું બધું કહી નાખ્યું ?” એટલું બોલીને ભીમે કહ્યું, “અબુમીયાં ! કાગળ લાવજો. અને એમાં આટલું જ લખો કે,
“પાનેલીના પટેલ, તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂા. ૧૦૦૦ અમે દીધા છે, ને બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત તમે ચુકવી દેજો. નીકર અમે આજથી ત્રીજે દિ’ પાનેલી ભાંગશુ.”
લી. ભીમા મલેક
ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી. “લ્યો મા’રાજ, પટેલને દેજો, ને રૂપીઆ ન આપે તો મને ખબર કરજો.”
“સારૂં, બાપુ !” કહીને બ્રાહ્મણ આશીર્વાદ – દઈને ઉપડ્યો.
“ઉભા રેા’ મહારાજ !”
બ્રાહ્મણને પાછા બોલાવીને ભલામણ દીધી, “તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નીમી છે ?”
“બાપુ, માગશર શુદ પાંચમ.”
બ્રાહ્મણ તો ચાલ્યો ગયો. અને ભીમાએ પણ ગોંડળની ધરતી ઉપર ઘોડાં ફેરવવા માંડ્યાં. ઉજ્જડ થયેલા નદીના કિનારા ઉપર એક વાર ભીમાએ એક જુવાન જોધ સંધીને વડલાને છાંયડે મીઠી નીંદરમાં સુતેલો દીઠો. નિર્દોષ, મધુર અને નમણી એ મુખમુદ્રા નિરાંતે ઝંપી ગઈ છેઃ જેને જગાડતાં પણ પાપ લાગે એવો રૂડો એ નૌજવાન છે. પાસે સંધીના વાછડા ચરી રહ્યા છે. ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો. ઘોડે બેઠાં બેઠાં ભાલાની અણી અડકાડી, ઉંઘતા જુવાનને ઉઠાડ્યો:
“ઉઠ એ ભા !” ઝબકીને સંધી જાગ્યો.
“કેવો છે તું ?”
“સંધી છું.”
સંધી નામ પડતાં જ ભીમાએ એ જુવાનને ભાલે વીંધ્યો. એના સંગાથીઓ આ ઘાતકીપણું જોઈને ‘અરર !’ ઉચ્ચારી ઉઠ્યા.
“ભીમા મલેક ! તું ઉઠીને આવો કાળો કેર કરછ ? ”
“બોલશો મા બેલી !” ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીધી. “સંધીનો વંશ નહિ રહેવા દઉ. ડુંડાં વાઢે એમ વાઢી નાખું. દીઠો ન મેલું. દગલબાજ તૈયબ ગામેતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે. ખુટલ કોમ સંધીની !”
સંધીની ઘોર કતલ કરતો કરતો ભીઓ આગળ વધ્યો. ત્રણ સો સંધીને ઠાર માર્યા. સંધીઓને ગામડે ગામડે હાહાકાર બોલી ગયો પછીતો સંધીઓ દાઢી મૂંડાવીને પોતાની જાત છુપાવવા લાગ્યા.
સંધીઓના વેરના મનસુબામાં ગરક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે, તે ટાણે, એણે આઘે આઘે જાનોનાં ગાડાંની ઘૂઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીતના સુર પહોંચ્યા. કાંઈક સાંભર્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું “એલા આજ કઈ તથ બેલીઓ ?”
“માગશર શુદ પાંચમ.”
“હેં ! શું બોલે છે ? ગઝબ થયો.”
“કાં ભા ?”
“પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ મારે હાથે કન્યાદાન દેવું છે.”
સાંજની રૂંઝયો કુઝયો વળી ગઈ હતી તે ટાણે ભીમે ઘોડાં હાંકયાં. રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી.
“કોણ છે ?” અંદરથી અવાજ આવ્યા.
“ખેાલો. ગોંડળથી અસવારો આવ્યા છીએ.”
“શું કામ છે ?”
ભીમા જતનું નામ પડતાં જ ઝોકાં ખાતા દરવાનના શરીરે પરસેવો આવી ગયો. દરવાજા ઉઘડ્યા. એટલે ત્રણ બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઉતરી, પોતાના બે ય અસવારોના હાથમાં ઘોડી સોંપી, બહારવટીયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો, ભાળતાં જ તેઓનાં કલેજા ફફડી ઉઠ્યાં. બ્રાહ્મણ દોડતો આવ્યો, અને હરખથી પુકારી ઉઠ્યો,
“કોણ, બાપુ ? ”….
“ હા મહારાજ, ડીકરીને કન્યાદાન દેવા.” એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી. બ્રાહ્મણને ચુપ રાખ્યો.
ઈસવરીયા ગામમાં સંધીઓ કારજને પ્રસંગે ભેળા થયા છે. ગામે ગામના સંધીઓ લમણે હાથ રાખીને એક બીજાની કરમાયલી સુરત સામે જોઈ રહ્યા છે. દાયરામાં હૈયે હૈયું દળાય છે. એમાં સહુનું ધ્યાન એક બાઈ ઉપર ગયું. એક જુવાન સંધીઆણી પોતાનું ઓઢણું ખભે નાખીને ઉઘાડા અંગે ચાલી આવે છે.
“આ કોણ છે પાગલી ?” કોઈએ પૂછ્યું.
“આ અલ્લા ! આ તો હાસમની એારત.” ”એના ધણીના અફસોસમાં શું ચિત્તભ્રમ તો નથી ઉપડ્યું ને ?”
મોટેરા બધા , મ્હોં ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડી બાઈને ટપારી, “એ વંઠેલ ! તારો દિ’ કેમ ફર્યો છે? આ દાયરો બેઠો છે, ને તું ખુલે મ્હોંયે હાલી આવ છ ? તારો જુવાન ધણી હજી કાલ્ય મરી ગયો તેની યે મરજાદ ચૂકી ? માથે ઓઢી લે કમજાત !”
“માથે ઓઢું ? મોઢું ઢાંકું ? ” દાંત ભીંસીને બાઈ બોલી. એના ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા. ડોળા ફાડ્યા: “આમાં હું કોની લાજ કરૂં ? ”
“કાં ?”
“હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ ! મારા ધણીને ઠાર મારી, ગામને ઝાંપે સંધી બચ્ચા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસારી. સાબાસ ભીમા જત ! સંધીઓની તેં દાઢીયું બોડવી. મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો !”
એટલું બોલી, ખભે ઓઢણું ઢળકતું મેલી, ઉઘાડે માથે, પોતાનો ચોટલો પીંખતી અને ખડ ! ખડ ! દાંત કાઢતી સંધીઆણી ચાલી ગઇ. ઘરમાં જઈને પછી બાઈએ છાતીફાટ વિલાપ આદર્યો. બાઇના કલ્પાંતે તમામનાં કલેજામાં કાણાં પાડી દીધાં. ત્રણસો સંધીઓ કારજનું બટકું પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડળના ગઢની દેવડીએ જઈ ઉભા રહ્યા. ભા કુંભાજીની પાસે સાગંદ લીધા કે ‘ભીમાને માર્યા વગર અમારે અમારાં ઘરનાં પાણી ન ખપે.’ કુંભાજીએ એક સો મકરાણી તેઓની મદદમાં દીધા અને ચારસોની ગીસ્ત બબીઆરાના ડુંગર ઉપર ચડવા લાગી.
પ્રભાતનો પહોર હતો. બબીઆરાનો જે એક ભાગ ભેરવા ડુંગરને નામે એાળખાય છે, તેના ઉપર ભીમો બેઠો બેઠો તસ્બી કરતો હતો. અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામીંયા બેઠો હતો. પડખે બીજા ત્રણ ચાર રક્ષકો હતા. છેટે પા ગાઉ ઉપર એક ધારડી હતી, તેની ખાપમાં બીજા પચાસ માણસો તમામ હથીયાર અને દારૂગોળાની ચોકી કરતા બેઠા હતા. ભીમાની અને અબામીંયાની પાસે ફક્ત બબ્બે તલવારો જ હતી. કોઈને દુશ્મનોનો ખયાલ પણ નથી.
ત્યાં તો જેમ ઝાડવાં ને પત્થરો સજીવન થાય તેમ ચારસો માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઉભો થઈને પાછો હટવા જાય છે ત્યાં એણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકારા સાંભળ્યા :
“હાં ભીમા ! આજ પાછો પગ ભીમાનો ન્હોય. પાછે પગલે થાતાં તો મોત બગડે હો ભીમા !”
ભીમો ભાગી જાય
(જો)કરનર કાંઢોરી કરી,
(તો તો)ધ૨તી ધાન ન ખાય
ક૨ણ્યું ઉગે કીં
[જો ભીમો હાથ જોડીને ભાગી જાય, તો તો પૃથ્વી પર વરસાદ કેમ વરસે ? અને સૂર્યના કિરણ કેમ ઉગે ?”]
સાંભળીને ભીમો થંભ્યો. અબામીયાંએ હાકલ કરી “અરે ભીમા ! ગાંડો મ થા. પાંચસે કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે. હાલ્ય, હમણાં ત્યાં પહોંચીએ એટલી વાર છે. એકાએકને ફુંકી નાખીએ.”
“બસ મીંયા સાહેબ ! ” ભીમાએ શાંત અવાજે ઉત્તર દીધો, “મારા પગમાં સોનાની બેડી પડી ગઈ. હવે તો એક ડગલું પણ નહિ હટાય. જીવતર તો ખૂબ બગાડ્યું છે, પણ હવે આખરની ઘડી શીદ બગાડું ?”
ફોજની મોખરે ભીમાએ સંધી બાવા ઝુણેજાને દીઠો અને ઘોર ત્રાડ દીધી.
“બાવા ઝુણેજા ! અમે પાંચ જ જણ છીએ. ને તમે ચારસો છો. હું કાંઇ તમને પહોચવાનો નથી. ખુશીથી મને મારી નાખજે. પણ મરતાં મરતાં યે જો મરદના ઘા જોવા હોય તો આવી જાવ તરવારની રમત રમવા.”
“ભલે ભીમા !” કહીને બાવા ઝુણેજાએ તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો. ભીમા અને અબામીયાં બને મંડાયા. ભીમા પાસે બે તરવાનો હતી. હડી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈ દઈને વાંસાના ચોકના ઘા કરવા માંડ્યા. એમ બોંતેર જણાને સુવાડ્યા. પણ પોતાને છોઇવઢ પણ ઘા થયો નહિ. બાવો ઝુણેજો ઉભો ઉભો પડકારા કરે છે, પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાનાં માણસોનું ખળું થતું જોયું, ત્યારે એણે ઇસારો કર્યો, અને તૂર્ત જ મકરાણીઓની બંદુકો, ધાણી ફુટતી હોય એમ ધડાધડ એક સામટી વછૂડી. ભીમો વીંધાઈને નવરાતના ગરબા જેવો થઈ ગયો.
પડતાં પડતાં ભીમે કહ્યું, “રંગ છે સંધીની ને મકરાણીની જનેતાને ! છેવટે દગો ! ”
ભીમો પડ્યો, પણ ચતોપાટ પડ્યો. એની મૂછોની શેડ્યો ઉભી થઈને આંખોમાં ખુતી ગઈ.
આભેથી અપસર ઉતરી
ન૨ વ૨વાનું નીમ
અબેામીયાં અણવ૨ થીયો.
ભાલે પોંખાણો ભીમ.
બાર બાર વરસના બારવટાનો, બબીઅારાના ડુંગર માથે આવી રીતે અંત આવ્યો. ભીમાનું માથુ કાપી લઈને ગીસ્ત ગોંડળ ચાલી. ધ્રાફા ગામને પાદર ગીસ્ત નીકળી છે. મોખરે ચાલનારા અસવારના ભાલાની અણીએ ભીમાનું માથુ પરોવાયેલું છે. એ દેખાવ નજરે પડતાં જ ધ્રાફાનો રજપૂત દાયરો ખળભળી ઉઠયો. પાંચસો રજપૂત પલકવારમાં જ તલવારે ખેંચી આડા ફર્યા.
“કેમ ભાઈ ? ” ગીસ્તના સરદારે પૂછયું.
“એ જમાદાર, જરાક શરમ રાખો. ભીમાનું માથુ ધ્રાફાને પાદરથી તમે લઈ જઈ શકો નહિ. અને લઈ જવું હોય તો ભેળાં અમારાં માથાં પણ સંગાથ કરશે !”
માથું ત્યાં જ મૂકવું પડયું. અને ગીસ્ત ખાલી હાથે ચાલતી થઈ.
બબીઆરાની નજીક સખપરની ડુંગરીમાં ગેબનશા પીરની જગ્યાએ ઝાળના ઝાડવાંની છાંયડીમાં ભીમાના સાથીઓ બેઠા બેઠાં કસુંબા ઘુંટે છે, ત્યાં અસવાર વિનાની બે ઘોડીઓ કારમી હાવળો દેતી, ડુંગરાના ગાળાને ગજવતી, જઈને ઉભી રહી. માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે. જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લા બળતી હોય, તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે.
“આ ઘોડીયું તો ભીમાની ને અબામીંયાની.” અભરામ મલેક બોલી ઉઠયો. “નક્કી એ બેયને કાંઈક આફત પડી.”
દોડીને અભરામની વાર બબીઆરે ચડી. જઈને જુવે ત્યાં બન્ને લાશો પડેલી હતી. હજી અબામીંયાનો જીવ ગયો નહોતો. અભરામે એના મ્હોંમાં પાણી મૂકીને કહ્યું કે,
“તારા જીવને ગત કરજે, તારા અને ભીમાના મારને અમે મારશું.”
તમામ લાશોને દફનાવી અભરામે પણ બહારવટું ખેડ્યું અને બાવા ઝુણેજાને માર્યો. ભીમાની કબર, બબીઆરાના ભાગ ભેરવા ડુંગરની આથમણી ભીંતે, સાલરડાના ઝાડ નીચે આજ પણ મોજુદ છે. લગભગ સને ૧૮૫૦ ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે.
ભીમો કેાઈનાં નાક કાન નહોતો કાપતો.
બાન નહોતો પકડતો.
ગામ નહોતો બાળતો.
આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલેક, ભીમાની દીકરીના જ દીકરા થાય છે. એનું વર્ણવેલુ વૃત્તાંત વિશ્વાસપાત્ર હોય, એવું એ ભાઇની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે. ભા.શ્રી. રાયચૂરાએ લખેલી ‘ભીમા જત’ની સુંદર કથામાં “નન્નુડી’ નામની જે માશુકનો ઉલ્લેખ છે. તેનો આ ભાઈ રાણા આલાએ સદંતર ઇન્કાર કર્યો છે. એ કહે છે કે ભીમો પરણેલો જ હતો અને એનો એક દીકરો ગો૨ખડી ગામે હજુ હયાત છે. પરણેલ સ્ત્રી ઉપરાંત છુપો પ્રેમ ભીમાને કદી સંભવે જ નહિ.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો