ભક્ત કવિ હરદાસ

‘ચારણ! કંઈક કમાવાનો ઉધમ કરો.’ મોરબીના હરદાસ ગઢવીને તેનાં પત્નીને કહ્યું.

‘શું ઉધમ કરું ?’ હરદાસે ભાર્યાને પૂછયું.

‘ચારણના દીકરા છો, કાવ્યરચનાઓ કરી ક્યાંક દેશપરદેશ જાઓ! અને બે પૈસા રળી આવો. ઘરમાં કેવું દારિદ્રય છે એ તો તમે જાણો છો ને ? વળી ધન હોય તો દાનપુણ્ય થાય ને એનાથી પુણ્ય પમાય.’

‘ચારણ્ય! કાવ્યરચના તો આવડતી નથી. મા શારદા જિહ્‌વાગ્રે બેસતાં જ નથી.’

‘અરે, આપણે તો એનાં છોરુડાં છીએ. આપણને એ ન તરછોડે, માટે હિંમત કરી નીકળી પડો.’

‘ક્યાં જાઉં ? જ્યાં રાજદરબારમાં મોટા મોટા શીઘ્રકવિઓ બેઠા હોય ત્યાં મારી જોડકણાં જેવી ભાવવિહીન, શુષ્ક અને પીંગળના જ્ઞાન વિનાની કવિતાની કોણ કદર બૂઝશે ? કદર તો ઠીક, સાંભળશેય કોણ ?’

‘ઈડર જાઓ. ઈડરના રાવ કલ્યાણમલ કવિઓનો અને ગુણવાનોનો આદર કરે છે-વળી તે મોરબી પરણ્યા છે, એટલે ત્યાં કંઈક સત્કાર થશે જ.’

‘ભલે ચારણ્ય! કાલ સવારે નીકળીશ.’

ચારણ્ય રાજી થઈ, કે પતિ જો આમ કાવ્યરચના કરતા કરતા રાજદરબારે જાય તો કવિત્વશક્તિ આપોઆપ ખીલી ઊઠશે.

કવિ બીજે દિવસ રવાના થયા અને ઘણા દિવસે ઈડર પહોંચ્યા. ‘ચારણ છું’ની ઓળખ આપી રાવ કલ્યાણમલની સન્મુખ પહોંચ્યા. રાવના દરબારની રસમ પ્રમાણે અભિવાદન કર્યું કે રાવ તેમની સામે જોઈ બોલ્યા ઃ

‘ક્યાંથી પધારો છો ? શીદ પધારો છો, કેવા છો ?’

‘બાપુ ! સૌરાષ્ટ્રમાંના છેક મોરબીથી આવું છું. ચારણ છું. આપને મારી કાવ્યરચના સંભળાવવા આવ્યો છું.’

‘મોરબીથી છેક ઈડર આવવા હિંમત કરી ને તે પણ કાવ્યરચના સંભળાવવા ? કેટલી ભાષાનું જ્ઞાન છે ?’

‘ચારણ છું ને બાપુ ? બીજાને ભણવા જવું પડે. અમારે તો જીભે સરસ્વતી છે, તો પણ અહીં આવવા બીજી હિંમત એ દાવે કરી છે કે આપ મોરબીના સગા છો.’

‘હા. મોરબી મારું સાસરું છે. સારું. હવે તમે જે રચના રચી લાવ્યા છો તેનું ગાન થવા ધો. પણ તમારું નામ ?’

‘હરદાસ.’

‘અટક ?’

‘મિશણ.’

‘ઠીક, હવે બોલો…’

કવિએ એકવાર આંખની પાંપણ ઢાળી ઊંચી કરી. રચના હૈયાના ઊંડાણેથી ખેંચી જીભ પર મૂકી દીધી અને રેણંકી છંદમાં એક પ્રશસ્તિકાવ્ય લલકાર્યું.

રાવ, સભાના દરબારીઓ, અને ઉપસ્થિત બીજા કવિઓએ સાંભળ્યું. રચના સામાન્ય પ્રકારની હતી એટલે યુવાન હરદાસે ગાન પૂરું કર્યા બાદ વાહ વાહના પોકારોની અપેક્ષા રાખેલ તે પ્રશસ્તિબોલ સાંભળવા ન મળ્યા. કચેરીમાં ચોમેર આંખો ઘુમાવી તોય કોઈના મોં પર પ્રશસ્તિની આભા ન નિહાળી અને એને થયું ઃ‘મારી રચના નવી ને રોચક લાગી નથી, જોડકણું ઠર્યું લાગે છે.’

હરદાસને નિરાશા ઊપજી.

ત્યાં ઝળહળતા પોશાકવાળો એક દરબારી આવ્યો અને કવિના હાથમાં એક રૂપિયો મૂક્યો, પછી એક હજાર રૂપિયા ભરેલ થાળ આપ્યો.

હરદાસને આ પ્રકારના પુરસ્કાર વિતરણનું હાર્દ ન સમજાયું, એણે રાવ કલ્યાણમલ સામે જોયું, રાવ કવિનો દ્રષ્ટિભાવ પામી ગયા ને બોલ્યાઃ

‘કવિરાજ! શું શોચવા લાગી ગયા ?’

‘કંઈ શોચતો નથી બાપુ! પણ આ નથી સમજાતું કે આપે પ્રથમ એક રૂપિયાનું પારિતોષિક આપ્યું અને પછી એક હજાર રૂપિયાનું પારિતોષિક આપ્યું ?’

‘કહું ? પણ માઠું નહિ લાગે ને ?’

‘નહિ લગાડું.’

‘તો જુઓ, પ્રથમ એક રૂપિયો આપ્યો તે આપની કાવ્યરચનાનો પુરસ્કાર છે, ને પછી એક હજાર રૂપિયા આપ્યા તે તમે મોરબીના વતની છો અને મોરબી મારું સાસરું છે, એ સગપણદાવે, ચારણ ગણી તમને આપ્યા છે.’

હરદાસની કાયા સ્થિર બની ગઈ, તેના માથામાં કોઈએ હથોડો માર્યો હોય એવા પ્રહારાત્મક આ શબ્દો લાગ્યાઃ‘તમારી રચનાનો પુરસ્કાર એક રૂપિયો, બાકીની રકમ મોરબીના સગપણ દાવાની.’

એ કચેરી બહાર જ નીકળી ગયો. એને થયું ઃ‘અરરર ! ચારણના દીકરાઓને મા શારદાએ એની રચનાઓ આમ પ્રાકૃત માનવોની પ્રશંસા કાજે રચવા શક્તિ દઈ માગણવૃત્તિના કાં બનાવ્યા ? સાહિત્ય તો એક ઉત્કૃષ્ટ કલા છે. એ કલા પાસે શિલ્પ, ચિત્ર, નૃત્ય, ગાન અને સ્થાપત્ય આવી બધી કલાઓ ઊતરતી છે. કાવ્યકલા તો માનવીના આત્માને ઊર્ધ્વગામી બનાવવા સારુ છે. હું મારી રચના મોરબીથી છેક ઈડર સંભળાવવા આવ્યો એ કરતાં કોઈક શિવમંદિરમાં, કલ્યાણરૂપ ભગવાન પિનાકપાણિ સન્મુખ ગાયું હોત તો આત્માનું ભલું થાત. રાવ કલ્યાણમલે ઠીક જ પૃચ્છા કરી છેઃ‘કેટલી ભાષાનું જ્ઞાન છે.’ પ્રાકૃત, સંસ્કૃત, વ્રજ, માગધી, ડીંગળ, આવી કોઈ ભાષાનું મને જ્ઞાન નથી, ને હોત ને, જો માનવોની ખોરી ખુશામતની કવિતા રચી હોત તો મા શારદાના શાપ ઊતરત.’

ને એમણે, ઈડરની બજારમાં આ એક હજાર ને એક રૂપિયાનું દાન ગરીબોને કરી દીધું. રાવ કલ્યાણમલને કાને આ વાત ગઈ. એને સાંભળી થયું ઃ‘સારું થયું ઃ કવિનો આત્મા જાગી ગયો, આવા જાગૃત કવિઓ જ માનવતાના પુનરુત્થાનની કવિતા રચી શકશે.’

હરદાસ મીશણ એ જ હાલતમાં મોરબી પાછા આવ્યા.

પત્નીએ પાણી પાયું. ભોજન પીરસ્યું અને પછી પૂછયું ઃ

‘ઈડર જઈ આવ્યા ?’

‘હા….’

‘પુરસ્કાર ?’

‘આપ્યો….’

‘આપ્યો ને ?’ સંતોષથી ચારણ બોલી.

‘આપ્યો અને મેં ઈ બીજાને આપી દીધો.’

‘કાં-?’

‘જે દાન લઈ જાણે, એને બીજાને દાન દેતાં પણ આવડવું જોઈએ ને શીખવું જોઈએ.’

‘કેટલો પુરસ્કાર આપ્યો હતો ?’

‘કહું ?’

‘કહેવું તો પડશે જ ને ? મને નહિ કહો તો કેને કહેશો ?’

‘વાત સાચી છે. બીજાને કહીશ તો એ દાંત કાઢશે.’

‘આ તમે શું બોલો છો ?’

‘સત્ય ઃ સાંભળો. પછી જ તમને પતીજ પડશે. મને એક રૂપિયો જ પુરસ્કાર આપ્યો.’

‘એક જ રૂપિયો ?’ પતિના શબ્દો દોહરાવી ચારણ બોલી.

‘ઉપરાંત એક હજાર રૂપિયા…’

‘વળી આ શું બોલો છો ?’

‘સાચું બોલું છું. એક રૂપિયો પારિતોષિક મારી કાવ્યરચનાનું અને હજાર રૂપિયા રાવે આપ્યા, તે મોરબી પરણ્યા છે એ સગપણ દાવાના.’

‘પછી ?’

‘મને થયું. ચારણ્યનો દીકરો, જોગમાયાનો લાલ અને સાહિત્યનો સર્જક કવિ, આવાં પારિતોષિક ન લઈ શકે, ને લઈ શકે તો રાખી શકે નહિ.’

‘કાં-?’

‘કાવ્યરચના શ્રીહરિને રીઝવવા અને પ્રભુ-સ્વરૂપ માનવોના શ્રેય અર્થે હોય, પ્રાકૃત માનવોની ખુશામતનાં કાવ્યગાન કે કાવ્યરચના ન હોય. ને હોય તો મા શારદા કોપે, ને રિસાય. આથી મા શારદાના શાપથી બચવા આ પારિતોષિકનાં દાન કરી દીધાં છે.’

‘હવે-?’

‘હવે કદીક આવા રાજાઓ દાન આપશે તોય ઘરમાં નહિ રાખું.’

‘મને આ વિચારધારા ને ભાવના ગમ્યાં છે.’ પ્રસન્ન વદને ચારણ બોલી.

‘તો હવે આ તમને ગમે છે તેવા પ્રભુનાં યશોગાન ગાઈ એના મહિમાની જ કવિતા રચીશ, જેના શ્રવણ ને પઠને માનવનું કલ્યાણ થાય ને મનબુદ્વિ ભક્તિમાર્ગે વળે.’

‘પણ વચમાં તમે મારી એક વાત માનો.’

‘શી ? કહો. તમારી વાત માનવા યોગ્ય જ હશે.’

‘તમે જાણો છો, પત્ની પોતાની જાતનું અપમાન સહી શકે છે પણ પતિનું અપમાન કદીય સહી શક્તી નથી. રાવકલ્યાણમલના દરબારમાં એક રૂપિયાના પારિતોષિકે તમારું માનભંગ થયું છે, એ મટાડવા તમે કાવ્યશાસ્ત્રનો વધુ અભ્યાસ કરી, માત્ર એકવાર એ કચેરીમાં જઈ સભાજનો પાસે વાહવાહ પોકારાવડાવી આવતા રહો. બસ, પછી તમે કહ્યું તેમ ઈશ્વરભક્તિની જ રચનાઓ રચજો.’

‘હવે એકવાર પૂરતીયે એવી એષણા શા સારુ ?’

‘એમાં બધા કવિઓનું અને ચારણજાતિનું માનભંગ દેખાય છે કે, ચારણો આવા જ હોય છે. નામની કવિતાય રચતા આવડતી નથી. ને તમને કાવ્ય, અલંકાર, વ્યંગ, અન્યોક્તિ, ઉત્પ્રેક્ષા, રસ, શૃંગાર આવું જ્ઞાન નથી. વળી ભાષાજ્ઞાન પણ નથી. આ ચારણો માટે શરમજનક છે. એ મટાડવા બસ, એકવાર ઈડર જઈ આવો એટલે મારું નારીહૈયું પ્રસન્ન બને.’

‘ભલે….’

અને કવિએ ભાર્યાની પ્રસન્નતા ખાતર વ્રજ, માગધી, પ્રાકૃત, ડીંગળી, અવધિ (અયોધ્યા તરફની), સંસ્કૃત અને તે સમયની પ્રચલિત રાજભાષા યાવની પર પ્રભુત્વ મેળવવા માંડયું. અધ્યયન માટે ચારણ વારંવાર પ્રોત્સાહિત કરવા લાગી.

એ પછી હરદાસે કાવ્ય, રસ, અલંકાર, ઉત્પ્રેક્ષા, અન્યોક્તિ, ધ્વનિ, અવરોહ, વ્યંગ, નાયિકાભેદ, પ્રહેલિકાઓ, રસના, સ્થાયી સંસારીભાવ, આ બધું ચીવટથી જાણી લીધું અને સતત બાર બાર વરસ સુધી, આ બધું શીખી ઈડર જવા નીકળ્યા, ત્યારે બદલા માટે કાવ્યગાન ગાનાર કવિ ન હતા, પણ ભક્ત હરદાસ મીશણ હતા.

ઈડર આવ્યા, સભામાં ગયા અને‘એક કવિ આવ્યા છે’ આટલું જ રાવને કહેવડાવ્યું.

કવિઓ, કલાકારો, ગુણવાનો, સર્જકો અને સાહિત્યસ્વામીઓને રાવના દરબારમાં આવાવા-જવા સદૈવ છૂટ હતી. એટલે અનુમતિ મળતાં જ કવિ રાવની સભામાં ગયા અને અંદર પ્રવેશતાં જ ઈશ્વર, ન્યાય, નીતિ, સદાચાર, પરોપકાર, દયા, સત્ય, આ બધાના સાતત્ય વળુંભી કાવ્યરચના માત્ર દુહા. સોરઠામાં જ ગાઈ.

હતા તો દુહા અને સોરઠા, પણ રચના એવી તો દિલચશ્પ અને આત્માને ઊંચે ઊઠાવનારી અને નાવીન્યપૂર્ણ હતી કે રાવ સમેત સભાજનોનાં મનબુદ્વિ ઈશ્વર પ્રત્યે ઢળી રહ્યાં.

રચનાનું ગાનું પૂરું થયું કે રાવ બોલ્યાઃ

‘બહુ કૃપા કરી કવિરાજ! આવું અમરત્વ પ્રદાન કરે તેવી રચના સંભળાવીને.’

‘કલા અને સાહિત્યસર્જનમાત્ર માનવને ભગવદ્‌ભક્તિના પંથે ચડાવવા અને આત્મકલ્યાણ અર્થે જ છે. એમાં મેં કાંઈ નવીન નથી કહ્યું. આ તો એક ધર્મકાર્ય છે. ભગવાન સ્ફુરાવે છે ને ભગવાન અર્થે બોલું છું.’

‘ક્યાંથી પધારો છો ?’

‘મને ન ઓળખ્યો ?’

‘ના કવિરાજ! પિછાન પડતી નથી.’

‘હું મોરબીથી આવું છું. મારું નામ હરદાસ મીશણ.’

‘આવી ઉત્કૃષ્ટ રચના સંભળાવવા આપે અહીં અનુગ્રહ કર્યો હોય તેવું સ્મૃતિમાં કેમ નથી આવતું ?’

‘આજથી બાર વર્ષ પહેલાં એક ચારણ અહીં આવેલ અને આપે તેની રચના બદલ એક રૂપિયો પુરસ્કાર આપેલ ને મોરબી આપનું સાસરું હતું તે સગપણે રૂપિયા એક હજાર આપેલ તે યાદ આવે છે ?’

‘હા, હા. આવ્યું, એ જ તમે ?’

‘હા, એ જ હું.’

‘અરે ? પણ સાવ બદલી ગયા અને રચના અજોડ બની છે.’

‘કારણ કે, એ ઈશ્વરપ્રીત્યર્થેની છે.’

‘ભલે રહી. પણ હવે મારું પારિતોષિક સ્વીકારો.’

‘કોઈની પાસે હાથ લાંબો કરી કાંઈ લેવા સ્પૃહા રહી નથી. હવે તો જગદાધાર પાસે હાથ લાંબો કરું છું.’

‘લો કે ન લો, પણ ઈડરની રાજરીત પ્રમાણે મારે આપવું જ પડશે. અને ન આપું તો જગત કહેશે કે ઈડરના રાવને તો પોતાની પ્રશંસાનાં જ કાવ્ય ઘણાં ગમે છે ને એવી રચનાને જ પુરસ્કાર આપે છે. પ્રભુપ્રશસ્તિના કાવ્યનો એ આદર કરતા નથી કે પારિતોષિક આપતા નથી. તો તો મારા પર કાળું કલંક લાગી જાય. એ નહિ બને, કવિરાજ!’

રાવ કલ્યાણમલે હરદાસ મીશણને ‘લખપસાવ’ આપવા દરબારીઓને સંકેત કર્યો. તુરત એક લાખ ચાંદીના સિક્કા, એક હાથી, એક ગામ અને પોશાક આપ્યો.

મોરબી રહેલી પત્નીના સંતોષ ખાતર કવિએ આ ‘લખપસાવ’દાન સ્વીકારી તુરત બીજાને આપી દેવાના સંકલ્પ સહ બહાર નીકળ્યા કે કચેરીના દરવાજા પર ‘કલંગ’નામના કવિએ હરદાસ સામે જોઈ દુહો લલકાર્યો ઃ

દાન પાયકે દો બઢે, કાં હરિ કાં હરિનાથ,

ઉન બડ ઊંચો પગ કિયો, તેં બડ કિનો હાથ.

‘દાન લેવાથી ગમે તેવો મોટો ગુણવાન પણ નાનો લેખાય છે. જગતમાં બે જ એવા દાન લેનારા થયા કે જે દાન લેતાં મહાન બન્યા. એક હરિ ભગવાન, મૂળ વામન થઈને ગયા અને દાતાર બલિને ઘરે વિરાટ થઈ ગયા. બીજો તું હરદાસ કે ગયો ત્યારે નાનો યાચક હતો અને વળતાં કચેરીમાંથી હાથીએ બેસીને ચાલ્યો જાય છે.

હરિ અને હરદાસની મોટાઈમાં ફેર છે. હરિએ વિરાટ બની આકાશ માપવા પગ ઊંચો કર્યો, ત્યારે હરદાસ! તેં ઊંચી પદવી મેળવી દાન આપવા હાથ ઊંચો કર્યો. તું હરિથી વધે છે, કવિ ભક્ત હરદાસ!’

કવિ હરદાસ મીશણ આ દુહો ગાનાર કવિ ‘કલંગ’ને રાવે આપેલ ‘લખપસાવ’કચેરીના દરવાજામાં જ દાન આપી દઈ જેવા આવ્યા હતા તેવા જ અકિંચન બની મોરબી ભણી ચાલી નીકળ્યા.

ઘેર આવી ભાર્યાને બધી વાત કરી. ચારણી પ્રસન્ન બની ગઈ ને બોલીઃ

‘હું બહુ રાજી થઈ છું. શૂરવીર ને ગુણી પતિ તો મળે પણ દાની પતિ મળે એવું સદ્‌ભાગ્ય બહુ ઓછી લલનાઓના લલાટે લખાયું હોય છે. મારું આજ એવું સદ્‌ભાગ્ય છે.’

કવિને સૌરાષ્ટ્ર બહુ ગમતું અને સૌરાષ્ટ્રની અન્નદાનની પ્રણાલીઓ અત્યંત રુચતી. પછી જામનગર રાજ્યના મીઠાવેરા ગામે વસી, અહીં પોતાને ઘેરથી જ સાધુ, સંતો અને મહાત્માઓને અન્નદાન-દાળ, શાક, રોટલા આપવા માંડયા. જામનગરના જામને પોતાના રાજ્યમાં વહેતી થયેલી અન્નદાનની આ સેંજલ ગંગાની જાણ થઈ ને તેણે આખા મીઠાવેરા ગામની ઊપજ હરદાસ કવિને અન્નદાનમાં વાપરવા આપી દીધી અને અન્નદાનનો પ્રવાહ વેગીલો બન્યો.

ઉત્તરાવસ્થામાં એમણે ‘ભૃંગીપુરાણ’, ‘સભાપર્વ’ અને ‘જાલંધરપુરાણ’ આદિ ધાર્મિક ગ્રંથોની રચના કરી.

દાની અને ગુણવાન પતિ પામવાની ચારણીની મહેચ્છા પૂરી થઈ.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!