લોકજીવનમાં હાસ્યરસનો ટુચકો કહેવાય છે. ગામડાગામનો એક દુધમલિયો જુવાનિયો નવોસવો ભૂવો થયેલો. નવરો બળિદયો મોરચ ખૂંદેતે એમ અમથો અમથો ધૂણ્યા કરે. એક દી સવારના પહોરમાં ફળિયા વચાળે ખાટલો નાખીને માંડ્યો ધૂણવા. ભાગ્યશાળીને વગર ડાકલે પંડમાં માતા આવે. માથાની સવાક હાથની ચોટલી છૂટી મૂકીને હાંકલા-પડકારા કરવા મંડાણો ઃ
બાવન વીર બાંધું
ચોહઠ જોગણિયું બાંધુ… હાઉ…હાઉ…હાઉ…
ઇ વખતે મોઢામાં દાતણનો ડોયો લઈને ઓંશરીની ધારે બેઠેલા એના બાપા બોલ્યા ઃ
કૂદી કૂદીને ખાટલો સાવ ઝોળીરોખો કરી નાખ્યો છે. પહેલા ખાટલાનું પાંગત બાંધ્ય અભાગિયા ! પછી ચોહઠ જોગણીયું ને બાવન વીર બાંધજે. રાતે તારા ડોહાને સૂવા ખાટલો જોશે. બઉ કૂદ મા !
પારિભાષિક કોશમાં ચાર વીર ગણાવ્યા છે. (૧) વિદ્યાવીર, (૨) યુદ્ધવીર (૩) દાનવીર (૪) દયાવીર. શાસ્ત્રોમાં બાવનવીર અને ૬૪ જોગણિયું ગણાવાઈ છે. ભગવદ્ગોમંડલ અનુસાર વીર એટલે મહાન કાર્યમાં ઝંપલાવનાર મર્દ માણસ. હનુમાન, મહાવીર, શૂરવીર, પરાક્રમી, યોદ્ધો, સુભટ, લડવૈયો, તામસ મન્વન્તરમાંનો એક દેવ, બહેનનો ભાઈ, નવમાંનો એક રસ, હાથી, ભૂત, દરિયાની ભરતી એવા અર્થ થાય છે. વીરની એક કહેવત પણ જાણીતી છે. ‘ચાંદ માથે ને વીર સાથે’ અર્થાત્ દરરોજ રાત્રે કે દિવસે ચાંદ બરોબર માથે આવે ત્યારે વીર એટલે ભરતીની શરૂઆત થાય. વીર સાથે અનેક શબ્દો જોડાયેલાં છે. ઉ.ત. વીરબાહુ, એ નામના એક મુનિ જેમણે ઇન્દ્રજાલ નામનું જાદુનું શાસ્ત્ર રચ્યું. વીરભદ્ર-અગિયાર માંહેનો એક રુદ્ર. વીરક્રિયા-દુઃખિયાનું રક્ષણ કરવા સ્વાર્પણ કરવાની વૃત્તિ. વીરગતિ-બહાદુરને શોભે એવું મૃત્યુ. આજે ઉપક્રમ લોકસમાજમાં પ્રચલિત બાવન વીરોની વાત કરવાનો છે.
લોકકથાઓમાં પરદુઃખભંજક ઉજેણીના રાજવી વીરવિક્રમના પરાક્રમો વાંચવા મળે છે. એમાં ‘અગિયા વીર’ની વાત આવે છે. આગિયાર વીર જ્યાં પડે ત્યાં અગ્ન્યાસ્ત્રની જેમ બઘું બાળીને ભસ્મ કરી નાખતા. એની સાધના કરવાથી આ વીર ધાર્યું કામ કરી આપતા. એવી જ ‘મસાણિયા વીર’ની પણ વાતો મળે છે. ઉત્તર ગુજરાતમાં વીરપૂજા વિશેષરૂપે જાણીતી છે. મહુડીમાં ઘંટાકર્ણવીર શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. કાળીચૌદસના દિવસે ભક્તો મંત્રો દ્વારા વીરની સાધના-પૂજા કરે છે. ઉ.ગુજરાતના મોટા ભાગના ગામોમાં વીરના સ્થાનકો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પુનમિયા વીરની પૂજા પ્રચલિત છે. રાજસ્થાનમાં વીરબાવજી પૂજાય છે. ભારતના આ બધા વીરોની નામાવલિ વિદ્વાન સંશોધક સ્વ. શ્રી અગરચંદ નાહટાએ તૈયાર કરી હતી જે વાસુદેવ-શરણ અગ્રવાલના ગ્રંથ પ્રાચીન ભારતીય લોકધર્મમાં પરિશિષ્ટરૂપે મૂકી છે તે અનુસાર બાવન વીરો આ મુજબ ગણાય છે.
૧. ક્ષેત્રપાલવીર. ૨. કપિલ ૩. બટુક ૪. નારસિંહ ૫. ગોપાલ. ૬. ભૈરવ. ૭. ગરુડ. ૮. રક્તવર્ણ ૯. દેવસેન ૧૦. રુદ્ર. ૧૧. વરૂણ. ૧૨. ભદ્ર. ૧૩. વજ્ર. ૧૪. વજ્રજંધ ૧૫. સ્કંધ. ૧૬. કુટુ ૧૭. પ્રિયંકર ૧૮. પ્રિયમિત્ર ૧૯. વર્ણ. ૨૦. કંદર્પ, ૨૧. હંસ. ૨૨. એકગંધ. ૨૩. ઘટોપથ. ૨૪ દાયક ૨૫. કાલ ૨૬. મહાકાલ. ૨૭. મેઘનાદ ૨૮. ભીમ. ૨૯. મહાભીમ. ૩૦. તુંગભદ્ર. ૩૧. વિદ્યાધર. ૩૨. વસુમિત્ર ૩૩. વિશ્વસેન. ૩૪. નાગ. ૩૫. નાગહસ્ત. ૩૬. પ્રદ્યુમ્ન. ૩૭. કંપિલ ૩૮. બકુલ. ૩૯. ઉરદ્ધપદ. ૪૦. ત્રિમુખ. ૪૧. પિશાચ. ૪૨. ભૂતભૈરવ. ૪૩. મહાપિશાચ. ૪૪. કાલમુખ. ૪૫ કુનક ૪૬. અસ્તિમુખ. ૪૭. રેતોબેધસ. ૪૮. શ્મશાનાચાર ૪૯. કેલિકલ ૫૦. ભૃંગ. ૫૧. કટક ૫૨. વિભિષણ.
લોકજીવનમાં પ્રચલિત બાવનવીરોની નામાવલીઓની ચાર યાદીઓ સંશોધનમાં મને પ્રાપ્ત થઈ છે. બીજી યાદી રાજસ્થાનની પ્રાચીન હસ્તપ્રતમાંથી પ્રાપ્ત થઈ છે તે આ મુજબ છે.
૧. છાપિલો ૨. ઘુલિયોવીર. ૩. તલપઆહારી વીર. ૪. સૂલિ ભંજન વીર. ૫. નાડીતોડણ વીર. ૬. મસાંસ તોડણ વીર. ૭. ગડઉપઝણવીર. ૮. સમુદ્ર ઉતરાણ વીર. ૯. સમુદ્ર શોષણવીર. ૧૦. પર્વત ઉપાડણ વીર. ૧૧. લોહભંજન વીર. ૧૨. સાંતોડણ વીર. ૧૩. વિષપહારી વીર. ૧૪. રૂંડમાલ વીર. ૧૫. આગિષાઉ વીર. ૧૬. સાપષાઉ વીર. ૧૭. જમઘંટી વીર. ૧૮. અસલટીવિર. ૯. કાલો વીર. ૨૦ ગોરો વીર. ૨૧. અગ્નિકાન્ત વીર. ૨૨. વિષકાન્ત વીર. ૨૩. રગતિયો વીર. ૨૪. કાલિયો વીર. ૨૫. કાલવેલ વીર. ૨૬. કાલ ઘરટ વીર. ૨૭. ઈન્દ્ર વીર. ૨૮ જમવીર. ૨૯. દેવારિ વીર. ૩૦. દુરિતા વીર. ૩૧. દુરિપાવીર. ૩૨. હરિયા વીર. ૩૩. ઝાંપડો વીર. ૩૪. મણિભદ્ર વીર. ૩૫. કાપડી વીર. ૩૬. નારસિંહ વીર. ૩૭. ગોરિલો વીર. ૩૮. ધૂંટવીર. ૩૯. કુટક વીર. ૪૦. વક વીર. ૪૧. મહાવીર. ૪૨. સંતોષ વીર. ૪૩. ભ્રમર વીર. ૪૪. મહામર વીર. ૪૫. કેદાર વીર. ૪૬. સહસ્ત્રષાંણ વીર. ૪૭. સહસ્ત્રાક વીર. ૪૮. ભૂતષાંણ વીર. ૪૯. શાકની માર વીર. ૫૦. ડાકની માર વીર. ૫૧. સહસ્ત્રાષ્ય વીર. ૫૨. ઉત્તમાદિક વીર.
બાવન વીરોની ત્રીજી યાદી જૈન મુનિ શ્રી જયસાગરસૂરિ રચિત ‘જિનદત્ત-સૂરિચારિત’માંથી મળી છે. જેમાં બાવન વીરોની નામાવલિ આ મુજબ આપી છે. ૧. વાપિલ્લો. ૨. ખુદિયો. ૩. તલપહરી. ૪. નાડીતોડ. ૫. સૂલિભંજણ. ૬. મસાણલોટણ. ૭. ગઢપાડણ ૮. સમુદ્ર તારણ. ૯. સમુદ્ર શોષણ. ૧૦. લોહભંજણ. ૧૧. સંકલ તોડણ. ૧૨. વિસખાપરો. ૧૩. રૂંડમાલ. ૧૪. અગિયો. ૧૫. બાપવીર. ૧૬. જમઘંટ ૧૭. કાલ. ૧૮. અકાલ. ૧૯. અગ્નિકાંતિ. ૨૦. વિષકાંતિ. ૨૧. રગતિયો. ૨૨. કોઈલો. ૨૩. કાલિયાર. ૨૪. કાલબેલ ૨૫. કાલાઘરટ્ટ. ૨૬. ઈન્દ્રવીર. ૨૭. યમવીર. ૨૮. દેવારિ. ૨૯. દુરિતારી. ૩૦. હરાદિર. ૩૧. ઝાંપકો. ૩૨. માણિભાદ્ર. ૩૩. કાપડિયો. ૩૪. કંદારો. ૩૫. નહારસંિહ. ૩૬. ગોરો. ૩૭. ઘટ, ૩૮. કંટક. ૩૯. વગ. ૪૦. મહાવગ. ૪૧. સંતોષ. ૪૨. મહાસંતોષ. ૪૩. ભ્રમર. ૪૪. મહાભ્રમર. ૪૫. સહસ્ત્રાવ. ૪૬. સાહસાંગ. ૪૭. ક્ષેત્રપાલ. ૪૮. ભૂતખાણ. ૪૯. શાકનીમાર. ૫૦. દેવરથ ભંજણ. ૫૧. સાલવાહન ૫૨. આદ્રકુમાર
બિકાનેરના જૈનમુનિ પૂ. વિજયેન્દ્રસુરિજી પાસેથી શ્રી અગરચંદ નાહટાને બાવનવીરોની ત્રીજી એક યાદી આ મુજબ પ્રાપ્ત થઈ છે. ૧. કપિઉંવીર ૨. ખોડિયા વીર. ૩. લપહારી વીર. ૪. નાડીતોડ વીર. ૫. સુલી ભંજન વીર. ૬. મસાણ લોટણ વીર. ૭. ગઢપાચણ વીર. ૮. સમુદ્ર તીરણ વીર. ૯. સમુદ્ર શોષણ વીર. ૧૦. લોહભંજન વીર. ૧૧. સાંકલીતોડ વીર. ૧૨. વિશ્નપારબર વીર. ૧૩. રૂંડમાલ વીર. ૧૪. આગિયા વીર. ૧૫. વાપવીર. ૧૬. યમઘંટ વીર. ૧૭. કાલિ વીર. ૧૮. અકાલ વીર. ૧૯. અગ્નિકંત વીર. ૨૦. વિષક્રન્ત વીર. ૨૧. રગતિયા વીર. ૨૨. કોયલા વીર. ૨૩. કાલિયા વીર. ૨૪. કાલવેર વીર. ૨૫. કાલઘંટ. ૨૬. ઈન્દ્ર વીર. ૨૭. જમ વીર. ૨૮. દેવરારિ વીર. ૨૯. દુતરારિ વીર. ૩૦. હરારિ વીર. ૩૧. ઝાંપડા વીર. ૩૨. માણિભદ્ર વીર. ૩૩. કાપડિયો વીર. ૩૪. કેદારો વીર. ૩૫. નારસિંહ વીર. ૩૬. ગુરચલો વીર. ૩૭. ઘટ વીર. ૩૮. કાતર વીર. ૩૯. બાંગુવીર. ૪૦. મહતવીર. ૪૧. સંતોષ વીર. ૪૨. સંતોષ મહાવીર. ૪૩. ભમર વીર. ૪૪. મહાભમર વીર. ૪૫. ક્ષેત્રપાલ વીર. ૪૬. ભુતષાણ વીર. ૪૭. હંિડવખાન વીર. ૪૮. મહષાણ વીર. ૪૯. સાકિણી ભૂતવીર. ૫૦. દરુત ભંજન વીર. ૫૧. એરાજ ભાલવાહન વીર. ૫૨. આદ્રકવીર.
આ ચારેય યાદીઓમાં કેટલાક વીરોના નામો જુદી જુદી યાદીઓમાં બેવડાતા પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પણ વીરપૂજન જાણીતું છે. જનહિતાર્થે લીલુડાં માથાં કુરબાન કરનાર વીરો લોકજીવનમાં પૂજાય છે. કચ્છમાં જખદેવ પૂજાય છે. ગામડાગામની બહેન દીકરિયુંની લાજ લૂંટાતી બચાવનાર. ગામની ગાયોને લૂંટારાના હાથમાંથી છોડાવનાર. અલૌકિક વીરતા બતાવનાર વીરો લોકહૃદયમાં માનપાન ને સ્થાન મેળવે છે. એવા વીરોના પાળિયા આજેય પૂજાય છે.
વિક્રમાદિત્યને લોકો રાજા વીર વિક્રમ તરીકે પીછાને છે. એ પર દુ:ખભંજક હોવાથી લોકહૃદયના સ્વામી અને લોકવારતાઓના નાયક બની રહ્યા છે. શ્રી જયમલ્લ પરમાર લખે છે કે લોકહૃદય એને બાણું લાખ માળવાના ધણી તરીકે પીછાને છે. એણે કાળભૈરવને સાધ્યા, ચોસઠ જોગણીઓને સાધી, હરસિદ્ધિ માતાને સાધ્યાં. મહાકાળેશ્વરના ભક્ત વીર વિક્રમે વેતાળને સાધ્યાં, પંચ દંડ મેળવીને ખેચર અને ભૂચરમાં ગમન કરનાર ગણાયા. ભણેલા લોકો અશોકનું નામ ભૂલી ગયા છે પણ ગામડાંના અજ્ઞાન, અભણ અને ડુંગરાની ખોપમાં પડ્યા રહેનારા માણસો પરદુ:ખ ભંજન વીર વિક્રમનું નામ આજેય ભૂલ્યા નથી. રાજા, મહારાજા અને સમ્રાટો ઉપર અનેક કથાઓ લખાણી હશે પણ વીર વિક્રમ અંગે જેટલી લોકવાર્તાઓ, અને લોકગીતો રચાયાં છે એટલાં ભાગ્યે જ બીજા કોઈ માટે રચાયાં હશે !
વીર વિક્રમ લોકજીવનનો સંસ્કાર વારસો છે. સામાન્ય લોકો ઇતિહાસને નહીં ઓળખતા હોય પણ વીર વિક્રમને ઓળખે છે. સૌથી વિશેષ એની ન્યાયપ્રિયતા અને પરદુ:ખે દુ:ખી અને પરસુખે સુખી થવાના એના ત્યાગ ને બલિદાનની માન્યતાને આભારી છે.
લોકજીવનનાં મોતી- જોરાવરસિંહ જાદવ