આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ – પોષી પૂનમ

પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ-પંખીઓ ભૂખે ટળવળતાં હતાં. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યાં. માતાજીની કૃપા ઊતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયાં. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાતા આ મંગલ દિવસે પૂર્ણિમાનો ચંદ્ર ૧૬ કળાએ ખીલશે અને ભાવિક ભક્તો મંત્રો દ્વારા મા અંબાની આરાધના, ઉપાસના કરીને અનેક પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મેળવશે. આસો માસની અને ચૈત્રી નવરાત્રિની સાથે અષ્ટમીથી પોષી પૂનમ સુધીના દિવસો પણ માતાજીના ઉપાસકો નવરાત્રિ તરીકે ઊજવે છે અને આ નવ દિવસો દરમિયાન તેઓ શાક સિવાય કંઈ ખાતાં નથી. તેથી આ શાકંભરી પૂનમે અંબાજીમાં શાકોત્સવ પણ મનાવવામાં આવે છે, જેમાં વિવિધ શાકભાજી, ફળો સહિત અનેક પકવાનોનો થાળ માને ધરાવવામાં આવે છે.

માં અંબાનું ધામ 1000 થી 1200 વર્ષ જુનુ હોવાની માન્યતાં છે. માં અંબાનાં નિજ મંદિરમાં કોઇ જ પ્રકારની મુર્તીપુજા થતી નથી પણ યંત્ર પુજાય છે જેને માતાજી તરીકે શણગાર કરીને માં અંબાનું અનોખુ સ્વરૂપ અપાય છે. સવારમાં બાલ્યાવસ્થા, બપોરે યોવન અવસ્થા અને સાંજે ને રાત્રે વૃદ્ધાવસ્થામાં માતાજીનાં રૂપ માનવામાં આવે છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ અંબાજીમાં પોષ સુદ પૂનમના રોજ મહાશક્તિ યજ્ઞનું ભવ્ય આયોજન થાય છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. લાખો ભક્તો માનાં દર્શન કરી ચમત્કારિક રીતે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ મેળવે છે.

અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન માં જગદંબાનો પ્રાગટય દિવસ માઇભકત્તો માટે કંઇક ખાસ બની જાય છે. આ દિવસે ગુજરાત જ નહીં દૂર-દૂરનાં રાજ્યોમાંથી ભાવિકો માં જગત જનનીનાં દર્શને ઊમટી પડે છે. ત્યારે અંબાજીમાં મિની કુંભ મેળા જેવો માહોલ સર્જાય છે અને લોકો પરિક્રમા માટે નીકળતી માતાજીની ભવ્ય શોભાયાત્રામાં ‘માં’ નાં ગુણગાન ગાય છે.

પોષી પૂનમે આદ્યશક્તિ અંબાજી માતાના પ્રાગટય દિનની ભજવ્ય ઊજવણી થાય છે. શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સમિતિ સમગ્ર આયોજન થાય છે. જેમાં સવારે સાત વાગે ધજા અને માતાજીનાં શસ્ત્રો સાથે માઇભક્તો માતાજીના મૂળ સ્થાન ગબ્બર સ્થાનકે અખંડ દીવાની જ્યોતમાંથી દીવા સ્વરૂપે શક્તિ જ્યોતને ધામધૂમથી લઈ આવે છે. જ્યાં ઉપસ્થિત હજારો ભાવિકો મા અંબાના જયઘોષ સાથે તેને વધાવી લે છે. આ પછી મા અંબાની નગરયાત્રા શરૂ થાય છે. શક્તિદ્વારથી શણગારેલી બગીમાં માતાજીની છબી સાથે જ્યોત અને હાથી ઉપર માતાજીની પ્રતિમાને બિરાજમાન કરીને ધામધૂમથી ગામના રાજમાર્ગો ઉપર પરિક્રમા કરાવાય છે. આમ માતાજી સાક્ષાત્ ભક્તોને દર્શન આપવા નીકળે છે.

આ દિવસે શણગારેલી અંબાડી ઉપર બિરાજમાન થયેલા માતાજી જ્યારે ભાવિકોને દર્શન આપવા નીકળે છે ત્યારે માઇભક્તોના હૃદયમાં અપાર ઉલ્લાસ વર્તાય છે. ભવ્ય શોભાયાત્રાના તૈયારીઓ સ્વરૂપે સમગ્ર ગામમાં પહેલા પ્રક્ષાલન એટલે કે ટેન્કર દ્વારા પાણીથી પરિક્રમા પથને ધોવામાં આવે છે. ત્યારબાદમાં ગ્રામજનો દુકાનો અને ઘરોની આગળ કલરફૂલ રંગોળીઓ પુરે છે જે બતાવે છે, કે માઇભક્તોના હૃદયમા માતાજીના સ્વાગત માટે ઊર્મિઓ છલકાય છે. એટલું જ નહી દીપાવલીની જેમ ઘરે ઘરે દીવડા પ્રગટાવાય છે.

આ દિવસે માતાજીના મંદિરમાં વિધિ-વિધાન મુજબ યજ્ઞ પણ કરવામાં આવે છે. માતાજીને સોનાના થાળમાં છપ્પનભોગ ધરાવવામાં આવે છે અને સમગ્ર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. આ દિવસની વિશેષ ઉજવણી માટે શ્રી અંબાજી ધાર્મિક સેવા ઉત્સવ સમિતિ વિશેષ આયોજન કરતી હોય છે. સમગ્ર અંબાજી મંદિરને ધજા-પતાકાઓ થી શણગારાય છે. શક્તિદ્વારથી શોભાયાત્રા શરૂ થાય છે ત્યારે માં અંબા શાહી ઠાઠથી નગરની પરિક્રમાએ નીકળી માઇભક્તોને દર્શન આપે છે.

સોનાથી સુશોભિત બનેલા માતાજીના મંદિરને આ દિવસે રોશનીથી ઝગમગાવાય છે. રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવે છે. ઢોલ-નગારા, બેન્ડવાજા, રાજસ્થાનના ઘૂમર નૃત્ય સાથે માતાજીની શાહી સવારી ભક્તોના માનસમાં યાદગાર સંભારણા તરીકે અંકિત થઈ જાય છે અને માતાજીના પ્રસાદ સ્વરૂપે સુખડીનો પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવે છે.

શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે માં જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ અને આ હતી પોષ સુદ પૂનમ એટલે માં અંબાજીના પ્રાગટય દિવસ ની વિશેષ માહિતી.

માતાજીના પ્રાગટ્ય દિવસે માં અંબાજીના ચરણોમાં વંદન અને નમન.
જય માં અંબે..જય જગદંબે

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– બાબા અમરનાથની સંપૂર્ણ કથા 

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!