સાત ખોટ ના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણ નું કાળજુ વાંસ ફાટે એમ ફાટી પડ્યું
‘મારા બાપ ! મારા આધાર !’
અને મરેલા દીકરાને જનેતા વળગી પડી. આખા ત્રાપજમાં અરેરાટી થઇ ગઇ !
તળાજા ત્રાપજના મેપા મોભના ત્રણસો વીઘાના આલીશાન ખેતરમાં ચીભડાંના વેલા જામ્યા છે. એટલે મેપાભાઇ મોભનાં છોકરાઓ સાથે કુંભણ ગામનો બારોટનો દસ વર્ષ ની ઉંમરનો અભો પણ ચીભડાં ગોતે છે. હેડી-હેડીનાં છોકરાઓ વચ્ચે પાકેલાં ચીભડાં ગોતવાની હરીફાઇ જામી છે. અચાનક બારોટના છોકરા અભાના મોંમાં થી કાળી ચીસ નીકળી ગઇ ‘ઓઇ માડી’ !
છોકરાં દોડીને અભા પાસે આવ્યાં , જોયું તો અભાની આંગળીએ કાળોતરો નાગ વળગી પડ્યો છે ! કિશોર અવસ્થાનાં છોકરાઓ મુઢ્ઢીઓ વાળીને ચીસો દેતાં ભાગ્યાં , ‘અભાને એરું કરડ્યો’ સીમા આખી સ્તબ્ધ બની ગઇ !
વિધવા માનો એકનો એક લાડકો અભો દોડતો-દોડતો ગામના ઝાંપામાં આવ્યો અને ત્યાં તો ઝેર એને ગ્રસી ગયું. સાત ખોટના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું
‘મારા બાપ ! મારા આધાર !’
અને મરેલા દીકરાને જનેતા વળગી પડી !
આખા ત્રાપજ ગામમાં અરેરાટી થઇ ગઇ ! પરગજું અને દયાળુ એવા મેપા મોભને માથે ધરમ કરતાં ધાડ ઊભી થઇ. ‘કેવી અણધારી થઇ!
બારોટ કોમની એક વિધવા નોંધારી, દુકાળગ્રસ્ત બાઇને મેપા મોભે ધરમની બહેન કરીને આશરો દીધો હતો. આજ એ જ બાઇનો દીકરો અભો પોતાના આંગણે ફાટી પડ્યો હતો , મેપો એટલે મુઠી ઊંચેરો માનવી , મેપાને ઘરેથી આહીરાણી પણ અમીરાતનો અવતાર , ધણીની આબરૂ માથે છોગાં ચડાવે એવી આહીરાણી !
મેપા મોભને અને કુંભણ ગામના મોભ આહીરોના બારોટને ભારે મન-મેળ. બારોટજી મેપાને આંગણે આવે, મેપો મોભ એની મોંઘી મહેમાનગતિ કરે. ડેલીનાં ખાનામાં ડાયરા જામે. દુહા અને છંદની અને વાર્તાઓની ઝકોળ બોલે. મેપો મોભ બારોટને બાર માસનાં નાણાં અને દાણા કુંભણ મોકલી આપે. પણ આ બંને માનવીઓનાં હેત-પ્રીત અને લેણા-દેણી ઉપર જાણે કોઇની નજર લાગી !
બારોટ જુવાન અવસ્થામાં જ માંદા પડ્યા અને બે-ચાર દિવસની માંદગીમાં જ ‘ગામતરું’ કરી ગયા ! બારોટનો દસ વરસનો એક જ દીકરો અભો નબાપો , અને નોધારો થઇ ગયો !
અભાની જનેતા ઉપર આફતનો દરિયો ફરી વળ્યો. ધણીના પ્રતાપે આંગણા બહાર પગ ન મૂકનાર બાઇ ભાંગી પડી. ઓછામાં પૂરું હતું તે એ જ વરસે દુકાળ પડ્યો
‘બહેન! તું ત્રાપજ જા !’ બારોટ પત્નીને કોઇકે સંભારી દીધું
‘બારોટજી અને મેપા મોભને સારી ભાઇબંધી હતી. તારા દુ:ખનો ત્યાં નીવેડો આવશે બહેન !’
અને બારોટ પત્ની દસ વરસના પુત્ર અભાને આંગળીએ વળગાડીને ચાલી નીકળી. ત્રાપજના પાદરે આવતાં બાઇએ મનસૂબો કરી લીધો કે જો મેપાભાઇના મોઢા પર હેત નય દેખાય તો પછી ગોપનાથના દરિયામાં સમાઇ જવું. ગામના ઝાંપે મેપા મોભનું ઘર પૂછીને બાઇ મેપાની ડેલીએ આવી , આંગણામાં ગાય ભેંસોનાં ટોળાં અને આવળ-ગોવળ ‘અરે રામ ! આવું સુખી ખોરડું મારા જેવી દુખિયારીનો ભાવ પૂછશે ?
‘વયા આવો બહેન’
ઉમળકાથી બાઇ પગથિયાં ઊતરીને ફળીયા માં આવી અને છોકરાના માથા પર સગી માસી હાથ ફેરવે એમ હેતાળવો હાથ ફેરવીને હસી: ‘ભલે આવ્યાં મારાં બહેન ! વયાં આવો ઓરડામાં, હમણાં આહીર આવશે હોં ’
અણધાર્યો આદર મળતા બારોટ પત્નીની આંખમાં આભારવશતા ઊભરી. શિરામણનો વખત થયે મેપો મોભ બજારેથી ઘેર આવ્યા ઘરવાળીએ બધી વાત કરી ‘અરેરે મારા બાપ! મને એકા’દ સંદેશો પણ મોકલ્યો હોત. બારોટ દેવ તો મારા કાળજાનો કટકો હતો બોન ! તારા માથે આવાં સંકટ પડ્યાં અને મેં મારા આંગણે સુખથી રોટલો ખાધો ? મારા રોટલામાં ધૂળ પડી , મારી ભાઇબંધી લાજી’ મેપાની આંખો પણ ભીની બની !
‘સાંભળ બોન ! આ પળેથી તું મારી ધરમની બોન! અરે માજણી બોન! હવે રોકાઇ જા બાપ! તારા દીકરાને મોટો કર્ય, મારે તો મોરલીધરનો પ્રતાપ છે બોન! આખી જિંદગી તારો રોટલો મળી રહેશે’
‘ભાઇ ! આખી જિંદગી ?’
‘હા બોન! ભાઇને ઘેર બોન રોકાય, જિંદગી ગાળે એમાં કાંઇ નવાઇ નથી. ભાઇનાં સુખમાં બોનનો વણ લખ્યો ભાગ છે. માટે બોન ! કોઇ જાતની ઓછપ વગર રહી જા , તારો અભો કાલ સવારે મોટો થઇ જાશે અને તારા સંકટનો નિસ્તાર થાશે.
અને મેપા મોભના ઘરેથી આહીરાણી બારોટ પત્નીને પોતાની સગી નણંદની જેમ સાચવે છે. દિવસો સુખિયામાં વીતે છે. મેપા મોભનાં તેવતેવડાં છોકરાં સાથે બારોટનો છોકરો અભો પણ ચીભડાં ખાવા ખેતર ગયો. અભાએ પાકેલું ચીભડું લેવા વેલામાં હાથ નાખ્યો અને એ જ વેળાએ વેલાના છાંયામાં પડેલો કાળતરો અભાની આંગળીએ વળગી પડ્યો. અભાના વાંકડિયા વાળને ચૂમીઓ ભરતાં-ભરતાં નિષ્પ્રાણ અભા પાસે માએ જે રુદન આદર્યાં એનાથી આખું ત્રાપજ હીબકે ચડ્યું.
બાઇ છોકરાની મૈયતને છોડતી નથી.
મેપાભાઇ મોતીની આંખો વરસી: ‘હે મોરલીધર ! મારે જ આંગણે એક નોધારી દુખિયારી બાઇનો એકનો એક બેટડો વધેરાઇ ગયો ? મારા ક્યા પાપ ?
આહીરાણી !
મેપા મોભે ધણિયાણીને એકાંત ખૂણે બોલાવી:‘આ બાઇનાં દુ:ખ મારા થી નથી જોવાતાં !
અરર એની ઉપર કેવી થઇ, બાઇ , હુંય સમજું છું આહીર ! પણ કુદરતનો કોપ ! રંડવાળ્ય બાઇનો બચ્ચારીનો આયખો ધૂળ થઇ ગયો હો !
આ બાઇનું દુ:ખ ભાંગવાનો મને વિચાર આવે છે. પણ !
બોલો અટકી કેમ ગયા ?
ધણિયાણીએ ધણી સામે જોયું. ‘એને એક જ દીકરો હતો કાં ?
હા બચ્ચારીને એક જ હતો , આપડા નાનેરા દીકરા વાઘા જેવડો નહીં ?
હા, વાઘો અને અભો તેવતેવડા હતા, પણ અભો તો બચારો ગામતરું કરી ગયો.
બાઇની આંખો ઊભરી , ‘બાઇનું રોણું મારાથી નથી સંભળાતું આહીર!’ ‘એનું રોણું બંધ થાય એવો ઇલાજ મને સૂઝે છે આહીરાણી !’
‘બોલો શો ઇલાજ છે ?’
‘પણ તારો જીવ ચાલશે ?’
‘કેમ પૂછવું પડ્યું ?’
‘વાત બહુ અઘરી છે એટલે’
‘અઘરી હશે તો તમારી ઓથ છે, પડતો ડુંગર પણ ઝીલી લઇશ ! બોલો, અચકાવ મા’
‘તો આપણો દીકરો વાઘો ઇ બાઇને દાનમાં દઇએ’
પહાડની ટૂક સમી અડીખમ દેખાતી આહીરાણી ક્ષણાર્ધ માટે ખળભળી ગઇ. કાળજાના કટકા સમો વાઘો એક યાચક વરણને આપવો?
દીકરાને હૈયેથી કેમ વછોડવો ?
પણ વળતી પળે વીરાંગના થઇને ઊભી રહી. દરિયા જેવડી આબરૂ ધરાવતા પતિનું વેણ કેમ લોપવું ?
ધસી આવેલાં આંસુ આડે પાળ બાંધીને આહીરાણી હસતે મોઢે બોલી: ‘ભલે આહીર ! તમારી ઉદારતાને શગ ચડશે અને દીકરાના દાન કર્યાની વાત દુનિયામાં અમર રહેશે’
‘તું ખુશીથી હા પાડછ બાઇ ?’
‘હા, હસી ખુશીથી , જાવ બાઇને છાની રાખો’
‘રંગ તને આહીરાણી !’
ઊપડતા પગે મેપો મોભ ઓસરીમાં આવ્યા. દીકરા વાઘાને બોલાવ્યો અને રડતી કકળતી બારોટાણીના ખોળામાં વાઘાને મૂકીને કહ્યું ‘છાની રહે બોન ! આ તારો બીજો અભો !’
‘ભાઇ’ બહેનની આંખો વધારે વરસી ‘તમારો લાડકો દીકરો છે. ભગવાન એને કરોડ વરહનો કરે વીરા !’
‘તોય ઇ તારો ગણી લે બાપા ! ’ મેપાએ ગૌરવથી કહ્યું ‘હું તને મારો દીકરો દઇ ચૂકયો’
‘અરર મારા વીરા ! દીકરો કાંઇ દેવાય?’
‘સાંભળ બેન ! દેવાત આહીરે નવઘણ માટે થઇને દીકરાને વધેર્યો હતો , જ્યારે હું તો મારો દીકરો હસતો-રમતો આપું છું , મેપાની છાતી ફૂલતી હતી ‘મેં બીજાં દાન તો ઘણાં કર્યા પણ દીકરાનું દાન નહોતું કર્યું , આજ દીકરાનું દાન કરું છું , તું મારા વાઘાને ખોળામાં લઇ લે બેન !’
‘પણ મેપાભાઇ અમે તો યાચક વરણ ! દાન દક્ષિણા લેવાનો અમારો અવતાર અને તમે તો દાતાર , દાતારનો દીકરો અમારે ખોરડે ?’
‘ઠાકરને ગમ્યું ઇ ખરું બોન, દીધેલું દાન હવે મેપો મોભ પાછું નહીં લે’
આખા પંથકમાં મેપા મોભની દાતારીનો ડંકો વાગી ગયો. દીકરો મોટો થયો ત્યાં સુધી ત્રાપજથી કુંભણ નાણાં અને દાણા મેપા મોભે પહોંચતાં કર્યા. વાત ઉપરથી ત્રણસો વરસનાં ટાણાં પસાર થઇ ગયાં છે પણ મલકમાં નામ રહ્યું મેપા મોભનું !
નોંધ : વાઘા બારોટના વંશમાં કવિ ગીગા ભાઈ બારોટ થય ગયા અને બીજા પ્રખ્યાત વાર્તાકાર જેઠા સુરદેવ પણ થયા જે થોડાં વર્ષો પહેલાં જ અવસાન પામ્યા , અને વાઘા બારોટ ના વંશજો આજે મહુવા ના કુંભણ ગામે રહે છે !
તોરણ- નાનાભાઈ જેબલિયા
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો