ઝંડુ ભટ્ટજી સ્વભાવે ઉદાર, દયાળુ, ઉત્સાહી, હિંમતવાન, શાંત અને ટેકીલા હતા. તેમના પુત્ર શ્રી શંકરપ્રસાદ ભટ્ટે ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર વર્ષો પૂર્વે પ્રગટ કર્યું હતું. તેમાં એમના જીવનના અનેક પ્રસંગોનું આલેખન કર્યું છે તેમાં તેમની ટેક, સેવા અને ખુમારીના ઘણા પ્રસંગો જાણવા મળે છે.
જસદણ દરબાર આલા ખાચરના કુટુંબમાં એક કુંવરી બીમાર હતાં. તેમની દવા કરવા ભટ્ટજીને બોલાવ્યા. દરદ અસાધ્ય હતું પણ ભટ્ટજી ઉપર આસ્થા હતી એટલે ભટ્ટજી ત્યાં ગયા. અઢી માસ લગી લગાતાર ઔષધિઓ આપવા છતાં કુંવરીને સુવાણ્ય આવી નહીં, કુંવરીનો દેહ છૂટી ગયો. બીજે દિવસે ભટ્ટજીએ સારવારનું બિલ ન આપતા આલા ખાચરે દોઢ હજાર રૂપિયા આપવા માંડયા. ત્યારે ભટ્ટજીએ દરબાર સાહેબને બે હાથ જોડીને વિનમ્રભાવે એટલું જ કહ્યું : ”બાપુ, કુંવરીબા સાજાં થયા હોત તો આપજે આપેત તે લઈ લેત, પણ હવે મારાથી કંઈ જ ન લેવાય.”
ભટ્ટજી જેવા માણસને નોકરીધંધો છોડાવી અઢી ત્રણ માસ રાખ્યા ને એ કંઈપણ લીધા વગર ખાલી હાથે જાય તો રાજ્યનું ખોટું દેખાય. આથી દરબાર સાહેબે પોતાના કારભારી તથા લહેરીપ્રસાદ નામના સ્વામીજીને ભટ્ટજીને સમજાવવા માટે મોકલ્યા. તેમણે ઘણી દલીલો કરી ત્યારે સ્વામીજીએ કહ્યું : ”ભટ્ટજી, જમાનાની તમને ખબર નથી. આટલા બધા રૂપિયા શીદને ઠુકરાવો છો ? રાજ્ય ક્યાં ગરીબ છે. તમારો તો વૈદક ઉપર રોટલો છે. દરબારના ખજાને ખોટ નહીં આવે. ઘરમાં બચાવ્યું હશે તે ગુણ કરશે.” ત્યારે ભટ્ટજી રાતાપીળા થતાં એટલું જ બોલ્યા :
‘સ્વામી ! તમે મને શું કસાઈ સમજો છો ? એક તો દરબાર સાહેબે સ્વજન ગુમાવ્યું અને હું પૈસા લઉં ? હા. એ જીવી ગયા હોત તો હું રાજી થઈને લઈ લેત. પણ સ્વામીજી, ઈશ્વરને એમની પાસેથી મને કંઈ જ નહીં અપાવવું હોય. નહીંતર જસદણના ૧૭૦૦ ગરીબ દર્દીઓને મેં સાજા કર્યા ત્યારે એક કુંવરી જ કેમ સાજાં ન થયાં ? સ્વામીજી, મને શરમાવો નહીં. દરદી ગરીબ હોય કે તવંગર, દર્દી સાજો ન થાય તો હું પૈસા લેતો નથી. હવે હું કેટલુંક જીવીશ ? ઘડપણમાં મારી ટેક છોડાવો મા. વઢવાણ દરબારના કેસમાં આવી જ હકીકત બની હતી. દાકતર આવ્યો ને તપાસ કરીને તરત જ ગયો. એણે પોતાની ફી માગી લીધી. ત્યારે મારું અંતર વલોવાઈ ગયું. આ દાક્તરમાં માનવતા જેવી કોઈ વસ્તુ છે કે નહીં ? એ કામ હું નઈં કરું. આપ આ બાબતમાં એક પણ શબ્દ હવે મને ન કહેશો. પછી સ્વામીએ આલા ખાચર અને એમના દીકરાને સમજાવ્યા કે ”ભટ્ટજીને વધારે કહેવામાં સાર નથી. એ પોતાની ટેક નહીં છોડે. ભગવાં તો મેં પહેર્યાં છે પણ અંતરથી ખરા ત્યાગી તો ભટ્ટજી છે.”
ઝંડુ ભટ્ટજી જેમ ગામના દર્દીઓ પાસે ફી ન લેતા તેમ પરગામ જાય ત્યારે પણ ફીનું નામ નહીં પાડતા. પદરનું ગાડીભાડું ખર્ચીને જતા. કોઈ સ્ટેટના રાજવીએ તેડાવ્યા હોય તો પણ એમની પાસે ફી માગતા નહીં. દર્દીને સારું થાય તો એ આપે તે લઈ લેતા. કેસ બગડી જાય તો રાજા-મહારાજા પાસેથી પણ ફી લેતા નહીં એવા તો અનેક દાખલા છે.
વઢવાણના ઠાકોર શ્રી દાજીરાજજી સખ્ત બીમારીમાં પટકાતાં ભટજીને બોલાવ્યા. બીજા પણ ઘણા નામાંકિત વૈદ્ય અને દાક્તરો હતા, પણ બાપુનો રોગ અસાધ્ય હતો. સૌ બીલનાં નાણાં લઈને ચાલતા થયા ત્યારે, એક વૈદ્યે ભટ્ટજીને પૂછ્યું : ‘તમારી ફી લઈને કેમ પ્રયાણ નથી કરતાં ?’ ત્યારે ઝંડુ ભટ્ટજી બોલ્યાઃ મારે ફી પણ લેવી નથી અને અહીંથી જવું પણ નથી. એનું કારણ એ છે કે ‘રાજવીને એવું ન થાય કે મોટા મોટા દાક્તરો અને વૈદ્યો મને છોડીને જતા રહ્યા એટલે હવે મારું શરીર નહીં ટકે.’ દર્દી નિરાશ ન થઈ જાય માટે જ હું એમની સારવાર માટે રોકાયો છું. ત્રણ મહિના ભટ્ટજી વઢવાણમાં રોકાયા ત્યારે કદરદાન રાજવીએ ઝંડુ ભટ્ટજીને બોલાવી ૧૦,૦૦૦ રૂપિયા આપવા માંડયા. એમને થયું કે હું હવે ઝાઝા દિ’નો મહેમાન નથી. ભટ્ટજીનું ઋણ મારા માથે રહી ન જાય. ત્યારે રૂપિયાને હાથ અડાડયા વિના ઠાકોરસાહેબને હિંમત બંધાવતાં ભટ્ટજી એટલું જ બોલ્યા કે ‘આપની તબિયત સારી થઈ જશે. માથે પાણી નાખશું ત્યારે આપ આપશો તે હું જરૂર લઈશ.’
ત્યારે ઠાકોર સાહેબ કહે : ‘આ તો હું તમારી નોકરીના આપું છું. સાજો થઈશ ત્યારે રૂપિયા બે લાખ આપીશ.’ પરંતુ ભટ્ટજીએ રૂપિયા લીધા નહીં. આ વાતચિત વેળાએ એક દાક્તર ત્યાં બેઠા હતા. પાછળથી એમણે ભટ્ટજીને પૂછ્યું : ‘આવડી મોટી રકમ જતી કરાતી હશે ?’ ત્યારે ભટ્ટજીએ એમને કહ્યું : ‘હું ધારું છું કે દરબાર સાહેબનું શરીર બે ત્રણ દિવસમાં છૂટી જશે. એમને હું સાજા ન કરાવી શક્યો તો એના રૂપિયા હું મફતમાં કેમ લઉં ?’ દાક્તરસાહેબ આ હકીકત જાણ્યા પછી બીલની રકમ લઈને બીજે દિવસે જ વઢવાણ છોડીને નીકળી ગયા. ત્રીજે દિવસે દરબારે દેહ છોડી દીધો. એટલે સ્મશાનેથી પાછા આવીને ભટ્ટજી કોઈની ય રજા લીધા વિના પરબાર્યા જામનગર જવા નીકળી ગયા. એ વાતની રાજમાં જાણ થતાં કારભારીએ રૃા. ૨૦૦૦ની હૂંડી ભટ્ટજીને મોકલી આપી. ભટ્ટજીએ એ હૂંડી પાછી વાળીને એટલું જ લખ્યું કે દરબારશ્રીને આરામ થયો હોત તો આ રકમ જરૂર સ્વીકારત. હવે મને એક પાઈ પણ ન ખપે. પરિણામ મારા જાણમાં હતું એટલે તેઓ શાંતિથી દેહ છોડી શકે એ માટે જ એમની પાસે એમના સંતોષ માટે જ રોકાયો હતો. આવી ખાનદાની અને ખુમારી ઝંડુજીએ જીવનભર જાળવી રાખી હતી.
ઝંડુ ભટ્ટનું વૈદું કેવળ અર્થલાભ માટે નહીં પણ પારમાર્થિક, દર્દીઓ ઉપર દયાવાળું અને નિઃસ્પૃહાવાળું હતું. તેમને મન શ્રીમંત, ગરીબ, ભિખારી, બ્રાહ્મણ, શૂદ્ર સહુ સરખા હતા. એક દિવસ જામનગરના નાગનાથ નાકા બહાર નાગમતિ નદીના કિનારે રહેતા એક અંત્યાજ-હરિજને ભટ્ટજી આગળ આવી રોતા સળતા કહ્યું : ‘બાપજી ! મારી ઘરવાળી મઈનાથી મંદવાડના ખાટલે પડી છે. કોઈ દવાકારી કરતી નથી. એ કહે છે કે ભટ્ટજી આવીને જોઈ જાય એવું વેન લઈને બેઠી છે. મહેરબાની કરીને એકવાર આપશ્રી આવીને જોઈ જાવ તો ઈનો જીવ હેઠો બેહે.’ એ પછી ભટ્ટજી દુર્લભદાસને સાથે લઈ હરિજનવાસમાં જવા નીકળ્યા. એ વખતે અસ્પૃશ્યતા તો ખૂબ જ હતી. હરિજનને ભૂલમાં અડી જવાય તો ય છાંટ લેવી પડતી. એ જમાનો હતો. નાગમતી નદી આવતા ભટ્ટજીએ પોતાનાં કપડાં ઉતારી દુર્લભદાસને આપ્યાં. દુર્લભદાસને એમ કે ભટ્ટજીને સ્નાન કરવું હશે ! તેઓ ધોતિયાભેર નદીના સામે કિનારે ‘વાહ’માં ગયા. હરિજનની તૂટેલ ઝૂંપડીમાં બાઈને તપાસી ધીરજ આપી દવા મોકલવાનું કહીને નદીમાં સ્નાન કરી કપડાં પહેરી ઘેર આવ્યા. રસ્તામાં દુર્લભદાસ સાથે વાત કરતાં કરતાં ભટ્ટજીએ કહ્યું : ‘દર્દીનો જીવ વૈદ્યમાં વળગી રહ્યો હોય ત્યારે વૈદે તો પોતાના સંતાન જાણી તેની સારસંભાળ લેવી જોઈએ.’ આવી તો કંઈક ઘટનાઓ ભટ્ટજીના જીવનની આસપાસ વીંટળાયેલી છે.
એક દિવસની વાત છે. જામનગરની રસશાળાની વાડીએ ન્યાતનું ભોજન રાખ્યું હતું. સહુ નાહીને ભટ્ટજીની વાટ જોતાં બેઠા હતા ત્યાં ભટ્ટજી જામસાહેબને મળીને ગામના દર્દીઓને તપાસતાં તપાસતાં પાંચેક માઈલ પગે ચાલીને વાડીએ આવ્યા. જમવા માટે નાહીને અબોટિયું પહેરતા હતા એવામાં એક વહોરાજીએ આવીને બે હાથ જોડી કહ્યું : ‘વૈદ્યબાપા, મારા દીકરાને કોલેરા થઈ ગ્યું છે. ઝાડા ઊલટી બેસુમાર છે. આપને તેડવા આવ્યો છું. ભલા થઈને ગરીબના દીકરા ઉપર રહેમ કરો.’ ભટ્ટજીએ તુરત જ અબોળીયું ઉતારી કપડાં પહેરી લીધાં. સહુના પતરાવળાં પીરસાઈ ગયાં હતાં. ભટ્ટજી નાતીલાને કહે : ‘આપ બધા જમી લેજો. મારી વાટ જોતાં નહીં. હું આવીને જમીશ.’ ઈ ટાણે એમના જિગરી દોસ્ત પ્રેમશંકર કહેવા લાગ્યા : ‘તમે જમીને જ જાઓ. કેટલો વખત લાગશે ?’ ત્યારે ભટ્ટજી કહે : ‘હું આવીને વાત સમજાવીશ. આપ સહુ જમી લ્યો.’ રસશાળાની વાડીથી વહોરાવાડ બે માઈલ દૂર છે. ખરો બપોર હતો. ‘તડકો કહે મારું કામ.’ ઈ તાપમાં તપતાં તપતાં ભટ્ટજી વહોરાવાડમાં ગયા. દર્દીને જોઈ તપાસી ઘેર આવીને ઓસડિયાં આપી પાછા રસશાળાએ આવ્યા ત્યારે પ્રેમશંકરે ફરી કહ્યું : ‘જમવાનું ટાઢુંબોળ થઈ ગયું છે. ગરમ રસોઈ જમી લીધી હોત તો ?’ ત્યારે ભટ્ટજી ગંભીર થઈને એટલું જ બોલ્યા : ‘ભાઈ પ્રેમશંકર ! દર્દીને કોલેરાએ ભરડો લીધો હતો. કોલેરામાં જલદી ઉપચાર ન થાય તો દર્દી રામશરણ થઈ જાય. જમવામાં વખત બગાડું તો જમવાના લોભમાં દર્દીનો જીવ ખોવરાવ્યો ગણાય. એનો ડંખ મને જીવનભર સાલ્યા કરે. ગાડી આવતાં વાર લાગે એમ માનીને હું પગપાળા જ ગયો. માનો કે આપણા પંડના દીકરાને કોગળિયું થઈ ગ્યું હોય ને દાક્તર કે વૈદ્ય આવતા વાર લગાડે તો આપણને કેટલી ચિંતા થાય ? એવું જ અન્યનું છે.’
ઝંડુ ભટ્ટે ગરીબ, લાચાર અને અસહાય દર્દીઓના અંતરમાં આદરણીય સ્થાન મેળવ્યું હતું. એમની વૈદ્યકિય સારવારની કીર્તિ સૌરાષ્ટ્રનાં રાજરજવાડાંઓ સુધી પહોંચી હોવાને કારણે રાજ દરબારોમાં એમણે સારાં માનપાન અને આદર પ્રાપ્ત કર્યા હતા. એક દિવસની ઢળતી બપોરે એક જુવાન ચારણ અને એની વૃધ્ધમા જાંબુડા ગામેથી ભટ્ટજીને આંગણે આવ્યાં. ૨૦ વર્ષનો જુવાન એટલો બધો નબળાઈમાં લેવાઈ ગયો હતો કે ચાલી શકવાના હોંશકોશ રહ્યા નહોતા. એની બુઢ્ઢી મા ભટ્ટજી આગળ રોઈ પડી, અને કાળજાના કટકા જેવા દીકરાને સાજો નરવો કરવા કાકલૂદી કરવા માંડી. ભટ્ટજીને ગરીબ નિરાધાર ડોશી ઉપર દયા આવી. ભટ્ટજીએ પોતાના મકાનમાંથી એક ઓરડી એને રહેવા કાઢી આપી અને એની દવા શરૂ કરી. બે-ત્રણ દિવસ જુદા જુદા ઓસડિયાં આપ્યા પછી ઉષ્ણવીર્ય રસાયન શરૂ કરી. હંમેશા સવાર-સાંજ એકેક ગોળી વધારવા માંડી. થોડા દિવસ તો દવાની કોઈ અસર દેખાઈ નહીં, પણ જ્યારે ગોળીઓનો આંકડો ૧૨૦ ગોળી ઉપર પહોંચ્યો ત્યારે દવાની અસર દેખાવા માંડી. શરીરમાં શક્તિનો સંચાર થતાં અકાળે વૃધ્ધ જેવા દેખાતા છોકરાના મોં પર નૂર આવ્યું. એણે એક દિવસ કહ્યું : ‘હવે મને ચાલવાથી થાક લાગતો નથી.’ પછી તો દિવસે દિવસે એના શરીરમાં શક્તિ વધવા લાગી. પુરુષાતન પ્રગટયું. શરીરમાં લોહી ભરાયું. ગાલ ઉપર ગુલાબી રંગની ઝાંય આવી ગઈ. દીકરાને જીવતદાન મળતાં ચારણ માજીએ ઝંડુ ભટ્ટજીને અંતરના આશિષ આપ્યા.
અસાધ્ય રોગોમાં મરણપથારીએ પડેલા દર્દીઓને ભટ્ટજીએ આશ્ચર્યકારક ઔષધો દ્વારા જીવતદાન આપ્યાની હકીકત આપણને હેરત પમાડે છે. જામનગરના રણછોડજીના મંદિરના પૂજારી વલ્લભરામને મોઢામાં કંઇક એવું દરદ ઊપડયું કે ત્રણ દિ’ની લાંઘણો (ઉપવાસ) થઈ. બોલી શકાય નહીં. એ વખતે ઝંડુ ભટ્ટજી મંદિરે દર્શન કરવા આવેલા. બોલવાની સ્થિતિ રહી ન હોવાથી પૂજારીએ લખીને ભટ્ટજીને સઘળી હકીકત જણાવી. ભટ્ટજીએ ઔષધાલયમાંથી મંગાવીને કંઇક ઔષધ આપ્યું. એનાથી એમની સઘળી પીડા એક કલાકમાં ગાયબ થઇ ગઈ, અને ત્રણ દિ’ના ભૂખ્યા પૂજારી ભરપેટ ભોજન જમી શક્યા.
એ પછી જોગાનુજોગ એવી ઘટના બની કે પૂજારીના પિતાને રાત વરતના પથારીમાં ઉંદર કરડી ગયો. એમને ઊંદરવા (પ્લેગ) થયો. ત્રણ મોટા ગડા (ગાંઠો) ઊપસી આવી. અસહ્ય પીડા થવા માંડી. ભટ્ટજીએ લગાતાર છ મહિના લગી ઔષધિઓ આપી. પણ કોઈ ફેર પડયો નહીં. પછી બાવાભાઈ તથા શંભુભાઈ કરીને વૈદ્યને ભટ્ટજી તેડી લાવ્યા. તેમણે એક માસ સુધી ઔષધો આપ્યાં તોય દરદે મચક ન આપી. એ પછી ઝંડુ ભટ્ટજીએ ફરીદાણ આ કેસ હાથમાં લીધો. પછી સુધારા ખાતાના ઉપરીને કહીને બિલાડીની દાઢ મંગાવી. ગડા-ગાંઠો ઉપર ચોપડવાની શરૂઆત કરી. બિલાડીની દાઢે એવો ચમત્કાર કર્યો કે બે જ કલાકમાં ત્રણેય ગડાં ફૂટી જતાં તેઓ ધીમે ધીમે સાવ દરદમુક્ત થઇ ગયા. (આ રીતે મીંદડીના હાડકાનો લેપ કરવાનું વાગ્ભટ્ટ ઉ.અ. ૩૯ શ્લોક ૩૨માં કહ્યું છે.)
ઝંડુ ભટ્ટજી મહાકુષ્ટ, રક્તપિત્ત જેવા અસાધ્ય અને ભયંકર દરદ ઉપર ‘વિહંગ તંદુલ’નો પ્રયોગ કરાવતા. આ પ્રયોગ ભટ્ટજીના ખાસ પ્રિય ઉપાયોમાંનો એક ગણાય છે. તેઓ ખાત્રીપૂર્વક કહેતા. આ પ્રયોગ ઓછામાં ઓછું દસ વર્ષ સુધી માણસને જીવન આપે છે. વિહંગ તંદુલ માનસિક અને શારીરિક બે ય રોગને મટાડે છે.
માનવીને થતો ઊંદર રોગ-જલોદરમાં જૂના કાળે હજારમાંથી માંડ એકાદ દરદી જ બચવા પામતો એમ શાસ્ત્રો કહે છે. આવાએક રોગીને ભટ્ટજીએ ચંદ્રપ્રભા (જે ઘણાંખરા રોગોમાં વાપરવામાં આવે છે.) આપવી શરૂ કરી. જુલાબ માટે એમાં નેપાળાના શોધેલા બીનોપટ આપી ચણાના દાણા જેવડી ચંદ્રપ્રભાની ગોળીઓ સવારમાં આપતા અને સાંજે નેપાળા વગરની ચંદ્રપ્રભા આપતા. એનાથી દર્દી રાતભર નિરાંતે સૂઈ રહેતો અને દિવસે જુલાબ થતો. આ એક જ દવાની ચમત્કારિક ચિકિત્સાથી એ દરદી ધીમેધીમે સ્વસ્થ થઇ ગયો અને લાંબું જીવ્યો.
આવી જ બીજી ઘટનામાં જામનગરનો એક શ્રીમાળી બ્રાહ્મણ જે તુરતમાં જ પરણ્યો તેને ઉદરરોગ (જલોદર) થયો. એના અસાધ્ય વ્યાધિથી હિંમત હારી ગયેલી એની બહેન રોતી રોતી ભટ્ટજી પાસે આવીને બે હાથ જોડીને રવરવતી બોલી : ‘વૈદ્યબાપા, મારા ભઈલાને જોઇને એની દવા કરો ને ! અમે ગરીબ છીએ. તમને કંઇ ફી આપી શકીએ એવી હાલત નથી. સાંજે ખાવાના ય ફાંફા પડે છે, બાપા, તમારું ઋણ જિંદગીભર નહીં ભૂલું. હું ગરીબ બ્રાહ્મણબાઈ તમને જીવનભર આશીર્વાદ આપતી રહીશ.’
ભટ્ટજીએ નિ:સ્પૃહભાવે એની સેવા શરૂ કરી ખાવાપીવાની ચરી રખાવીને માત્ર દૂધવટી જ કરવાનું કહ્યું. ઔષધિમાં ”નારસિંહ ચૂર્ણ” જ આપવું શરૂ કર્યું. પંદર દિવસ તો આ ઔષધે કંઇ જ અસર બતાવી નહીં પણ સોળમે દહાડે રાતમાં તેના પેટમાં અવાજ થવા લાગ્યો. તે સાંભળી તેની બહેને પડોશણને પૂછ્યું : ‘કેમ આજે વહેલા ઘંટી માંડી ?’ ત્યારે પડોશણે સાચું કીધું કે ‘બ્હેન, હજી તો અમે સૂતાં છીએ પણ ઘંટીનો અવાજ સાંભળી તમે ઘંટી ફેરવતાં હશો એવું અમે માન્યું : આ સાંભળીને ઓસરીમાં સૂતેલા ભાઈએ કહ્યું : ”બહેન, એ તો મારા પેટમાં ઘંટી ફરતી હોય એવો અવાજ આવે છે. આ જાણીને બહેન ઓસરીમાં આવીને બોલી : ‘ભઈલા તને શું થાય છે ?’ ત્યાં એને ખરચુ (જાજરૂ) જવાની ઇચ્છા થઈ. બહેને બાવડું ઝાલીને ફળિયામાં ખરચું જવા બેસાડયો. દર્દીને જુલાબ લાગી એટલો બધો ઝાડો થયો કે પીળા ઝાડાથી કુંડું ભરાઈ ગયું.
દર્દીને શાંતિ થતાં ગાઢ નીંદર આવી ગઈ. સવારે બહેને ઝંડુ ભટ્ટજીને રાત વાળી વાત કરીને પીળો ઝાડો બતાવ્યો. ઝાડો જોઇને ભટ્ટજીએ કહ્યું : ‘બહેન જા, તારા ભાઈનું દરદ મટી ગયું જાણજે. તારી મહેનત સફળ થઇ.’ એ પછી તે દર્દીને હંમેશા ઝાડા થવા લાગ્યા. અને ધીમે ધીમે આરામ થઇ ગયો. અને તે જ નારસિંહ ચૂર્ણથી શરીરમાં પુન: ચેતનાનો સંચાર થયો. તે ગરીબ બ્રાહ્મણને દૂધ પીવા માટેના પૈસા પણ ઉદાર જીવના ભટ્ટજીએ જ આપ્યા. દવાની અસરનો ઘણો ખરો આધાર તેની માત્રા ઉપર રહે છે. એકની એક ચીજ માત્રામાં વધારો ઘટાડો કરીને જુદા જુદા રોગો ઉપર વાપરી શકાય એવો ભટ્ટજીનો સિધ્ધાંત હતો. ઉ.ત. શંસમની, શીતવીર્ય, ઉષ્ણવીર્ય વગેરે એક વખતે ૧ થી ૬૦ જેટલી વાપરતા.
જામનગરના પ્રખ્યાત મહામહોપાધ્યાય શાસ્ત્રીજી, હાથીભાઈ હરિશંકરની પ્રકૃતિ પહેલેથી નબળી રહ્યા કરતી. ભટ્ટજીએ તેમને ‘વિડંગતંદુલ’ પ્રયોગ કરાવ્યો હતો. શાસ્ત્રીજીને હાડમાંથી જવર-તાવ ખસતો નહોતો. એટલે વૈદ્ય બાવાભાઈ અને ઝંડુ ભટ્ટજીએ ઔષધોપચાર શરૂ કર્યો. છઠ્ઠે દિવસે તાવ ઊતરી ગયો. એ પછી બાવાભાઈ વૈદ્યે એક ચાટણ નિત્ય સેવન કરવા આપ્યું. આ ચાટણ માઘ સુદ ૧૫ સુધી ખવરાવીને બંધ કર્યું પછી ઝંડુ ભટ્ટજીએ ફાગણ સુદ એકમથી એક માસનું ‘વસંતવ્રત’ કરાવ્યું. જેમાં નિત્ય ”વિડંગતંદુલ ચૂર્ણ’ ગળોના ક્વાથ સાથે સૂર્યોદય સમયે નિયમિત લઇને બપોરે એક વાગે ભાત, ઘી તથા મગનું મોળું ઓસામણ આંબળા નાખીને લેવાતું.
શરૂઆત એક રૂપિયાભારથી કરી હતી. પછી ચાર રૂપિયા ભાર લેવાતો. સવારમાં ગળોનો ક્વાથ વાટકો ભરીને તેમાં ચાર તોલા વિડંગતંદુલ ચૂર્ણ નાખીને દર્દીને પિવરાવામાં આવતું. સાતમે દિવસે ઝાડામાંથી કરમિયાં નીકળવાનું શરૂ થયું. તે તેરમા દિવસ સુધી નીકળ્યાં. પછી ઝાડામાં જોવા ન મળ્યાં. પણ શરીર ઋક્ષ જેવું લાગતું હતું અને ખોરાક બપોરે ૨ વાગે લેવાતો એ શરીરમાં ધીમે ધીમે સ્ફૂર્તિ આવવા માંડી. એક મહિનો પૂરો થતાંમાં તો શરીરનું વજન સાડા ચાર રતલ વધ્યું. ચૈત્ર સુદી એકમથી ધીરે ધીરે બીજો ખોરાક શરૂ કર્યો. પછી બાવાભાઈ વૈદ્યે પહેલા આપતા હતા તે રસાયણ આપવા માંડયું. વૈશાખ સુદ પાંચમે બાવાભાઈને ત્યાં ઝંડુ ભટ્ટજી ગયા ત્યારે પેલા દર્દી ત્યાં હાજર હતા. દર્દીને જોઇને બાવાભાઈ બોલ્યા : ‘ગયા શ્રાવણ વદ નોમના દિવસે અમને બંનેને બીક લાગી ગઇ હતી કે આ દર્દી પંદર વીસ દિવસના જ મહેમાન છે.
પછી એમનો દેહ પડી જશે. પણ જ્યારે ભટ્ટજીએ મને કહ્યું કે ફાગણ માસ મહિના સુધી આને બચાવો તો પછી હું મરવા નહીં દઉં. ત્યારે ફાગણ મહિના સુધી દર્દીને બચાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો. પછી આ દર્દીએ પણ બરાબર ‘વસંતવૃત’ કર્યું. હવે બીજા પચ્ચીસ વર્ષ જીવવાની અમે એમને ગેરંટી આપીએ છીએ. પછી પાછું, સંવત ૧૯૪૭ના ફાગણ માસમાં ઝંડુ ભટ્ટજીએ એ જ વસંતવૃત કરાવ્યું. સંવત ૧૯૫૬માં એ જ પ્રમાણે વસંતવૃત કરાવતા દર્દીની જઠર શક્તિ ખુબ જ સારી થઇ ગઇ જેથી દાળભાત જેવો ખોરાક પચવાને પ્રથમ ૧૬ કલાક લાગતા તે વસંતવૃત કર્યા પછી ઢોસા ઉપર ઘીનું ચુરમું સહેલાઇથી પચી જવા લાગ્યું. એ પછીથી હાથીભાઈએ પોતાના પુત્રોને પણ વસંતવૃત કરાવ્યાં.’
ઝંડુ ભટ્ટજીના નિદાન અંગેની બીજી એક ઘટના ઉપર નજર કરીએ. દ્વારકાની શ્રીમાન શંકરાચાર્યની ગાદીના સદ્ગત શ્રી મન્માધવતીર્થ પહેલાના આચાર્ય શ્રી મદ્રાજ રાજેશ્વરાશ્રમ સ્વામીના પૂર્વાશ્રમમાં બ્રહ્મચારી હતા ત્યારે જામનગરમાં આવ્યા હતા અને હાટકેશ્વરના મંદિરમાં ઊતર્યા હતા. તેમને નાભીમાં એક વ્રણ-ગૂમડું થયું હતું. તેમાં સોજો અને પીડા ઘણી હતી. પોટીસ લગાડવાથી બહુ સૂક્ષ્મ છિદ્ર થઇને તેમાંથી જરા જરા પરુ નીકળવા માંડયું. બ્રહ્મચારીને અત્યંત કષ્ટ થતું હતું. તેઓ બીજાના હાથનું રાંધેલું ખાતા નહીં. આવી હાલતમાં નીચે બેસીને રસોઈ કરી શક્તા નહીં. એ વખતે જામનગરમાં માધવરાવ નામના દક્ષિણી દાક્તર હતા. આ બ્રહ્મચારી પણ દક્ષિણી હતા. તેથી દાક્તર સાહેબ બ્રહ્મચારીજીને પોતાના ઘેર તેડી ગયા. બે ચાર દિવસ પોટીસ બાંધ્યા પછી એ ગૂમડા પર નસ્તર મૂક્યું.આથી જરા વધારે પરુ નીકળી ગયું. પીડા શાંત થઇ, પણ ગૂમડું રૂઝાયું નહીં. તેમાંથી પરુ આવતું હતું. ઝંડુ ભટ્ટજી સાધુ, સંન્યાસી વિદ્વાન વગેરેને મળવાના શોખને કારણે આ બ્રહ્મચારી પાસે જતા તેઓ શ્રીએ ચીરાયેલા વ્રણને જોઇને ઉપર હાથ મૂક્યા પછી કહ્યું :
‘હજી આ વ્રણ રૂઝાશે નહીં. એમાંથી પરુનો જામી ગયેલો ધોળો કટકો નીકળશે, ત્યાર પછી જ રૂઝાશે’ થોડા દિવસ પછી એ જગ્યાએ સોજો આવ્યો ને ફરી પીડા થવા માંડી. તેથી ડોક્ટર સાહેબે ફરી ચીરો મૂકવાનું કહ્યું. બ્રહ્મચારીજી ત્રાસી ગયા હોવાથી ચીરફાડ કરવાની ના પાડી. અને ભટ્ટજીની સલાહ લઈ દોષઘ્ર લેપ બાંધવા માંડયો. પછી બ્રહ્મચારીજી ભટ્ટજીની વાડીએ જ રહેવા ગયા. દોષઘ્ર લેપથી પ્રારંભમાં પીડા વધવા માંડી. બીજે દિવસે બપોરે બ્રહ્મચારીને પીડા ખૂબ જ વધી ગઈ. ભટ્ટજી એમને જોવા ગયા. ત્યાં બ્રહ્મચારીજીના વ્રણમાંથી પોતે કહ્યો હતો એવો પરુનો બંધાઈ ગયેલો કટકો બહાર નીકળ્યો. તે પછી પીડા શાંત થઇ. ઝંડુ ભટ્ટજીએ વ્રણના ઘા માં ‘જાત્યાદિ ધૃ્રત’ ભરી તેના ઉપર પાટો બાંધવાથી થોડા વખતમાં વ્રણ રૂઝાઈ જતાં આરામ થયો. બ્રહ્મચારીજીને ઘણું દહીં ખાવાની ટેવ હતી અને દહીં અભિષ્યંદી હોવાથી આ પ્રકારનું વ્રણ થયું હતું. એમ ભટ્ટજીએ તેમના શિષ્યોને સમજાવ્યું. જામ વિભાજીના અતિ માનીતા ટકા જોશીને વાંસામાં ગૂમડું થયું હતું. દાક્તરે બીને નસ્તર મૂકવાની ના પાડી ત્યારે ભટ્ટજીએ વાળંદને બોલાવી અસ્ત્રાથી ગૂમડા પર મોઢું કરાવી પુષ્કળ પરૂ કાઢ્યું. એ પછી વ્રણને હંમેશા ‘પંચવલ્કલ’ના ક્વાથથી ધોઈ અંદર ‘જાત્યાદિ ધૃ્રત’ ભરી ઉપર દોષઘ્ર લેપ બાંધી સારવાર કરતા વ્રણ થોડા સમયમાં રૂઝાઈ ગયું.
વિ.સં. ૧૯૫૪ના વૈશાખ વદિ ૫ ને મંગળવારે ભટ્ટજી નડિયાદમાં બિહારીદાસ દેસાઈના કુટુંબમાં દવા કરવા ગયા હતા. ત્યાં અચાનક જ એમણે દેહત્યાગ કર્યો. આમ ઝંડુ ભટ્ટજી પોતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી દર્દીઓને દવા આપવાનાં પરમાર્થિક કાર્યોમાં જ મગ્ન રહ્યા. ભટ્ટજીની આવી ઉદારતા પાછળ એક લાખ અને બાંસઠ હજારનું કરજ દેવું મૂકી ગયા હતા. આ મોટી રકમનું કરજ કેટલુંક રાજ્યની મદદથી, કેટલુંક ઉદાર શ્રીમંતોની મદદથી અને બાકીનું તેમની ફાર્મસીમાંથી ચૂકવી આપવામાં આવ્યું હતું એમ શ્રી માવદાનજી રત્નુ નોંધે છે. પ્રાત: સ્મરણીય ઝંડુ ભટ્ટજીના અવસાન પ્રસંગે જામનગરમાં પ્રજાજનોએ શોકસભા ભરી ત્યારે વાંકાનેરના રાજકવિ નથુરામ સુંદરજી શુક્લએ તેમને શ્રધ્ધાંજલિ આપતાં કેટલાંક કાવ્યો રચેલાં.
‘કાં તો ફૂટયા અવનમુનિના ચક્ષુઓ બીજીવાર,
થાક્યા લાગે કરી કરી ક્રિયા અશ્વનિના કુમાર;
એથી ઇશે નીજ ભક્તની આપદા ઉર આણી,
બોલાવ્યા છે બહુ જ વિનયે ઝંડુ સદ્ વૈદ્ય જાણી.’
* *
આપી નીત નીત નવાં ઔષધો ધર્મ બાંને;
એ તો કાં તો અમર કરશે જગત જીવો બધાને,
ત્યારે મારે ફરી શું ઘડવું, ધારીને એમ ધાતા,
લીધો ખેંચી નીજ ભૂવનમાં ઝંડુ દેવાંશી દાતા.
માત્ર જામનગર જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર જેમને માટે ગૌરવ લઇ શકે એ ઝંડુ ભટ્ટ આજે આપણી વચ્ચે નથી પણ લોકસ્મૃતિમાં એમનાં અનેક સ્મરણો હજુ સચવાઈ રહ્યાં છે જે આધુનિક વૈદ્યોને પ્રેરણા આપી રહ્યા છે. (પૂર્ણ).
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ