શ્રી ઝંડ હનુમાન મંદિર- જાંબુઘોડા અભયારણ્ય

ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા નિહાળી પ્રભાવિત થાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, ભાવવિભોર બની તેમના કાયમી ભક્ત બની જાય છે, અને ભારતમાં જ રહી જાય છે. મારી વાતમાં વિશ્વાસ ન પડતો હોય તો પોરબંદર-માધવપુર (ઘેડ) વચ્ચે માધવપુરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા મોઆ હનુમાનની જગ્યાની કોઈવાર મુલાકાત લેજો. અહીં ફ્રાંસનાં એક મહિલા મોઆ હનુમાનની ૩૨ વર્ષથી સેવા-પૂજા ને આરતી કરે છે. મલક એમને સંતોષગિરી માતાજીના નામે ઓળખે છે, ને હવે તો તેઓ કાઠિયાવાડી ભાષામાં વાતો પણ કરે છે.

રામાયણનાં પાનાં બોલે છે કે રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાન તેમની સાથે જ રહ્યા. તેમણે સેવાથી રામને પ્રસન્ન કર્યા. રામે તેમને બ્રહ્મવિદ્યા શીખવી. રામચંદ્રજી નિજધામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા. ત્યારે રામે ‘આ કલ્પ ના અંત સુધી તારે આ ભૂમિ પર રહેવું’ એવી આજ્ઞા કરી. હનુમાન બહુધા હિમાલયના ગંધમાદન શિખર ઉપર રહે છે. કોઈ કોઈ વખત કંિપુરુષ વનમાં વસે છે, તો કોઈવાર ડુંગર માથે જઈને આસન માંડે છે. એવું એક મંદિર હનુમાનધારાના નામે જાણીતું છે. મંદાકિની નદીના સામે કિનારે હનુમાનધારા નામનો ડુંગર છે. આ ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલ આવેલું છે. તેમાં વાઘ, ચિત્તા જેવા ભયંકર જનાવરો રહે છે. ટેકરીની પાછળ સાઘુસંતોની ગુફાઓ આવેલી છે. ત્યાં રસ્તાઓ એટલા તો ભૂલભૂલામણીવાળા અને અટપટા છે કે અજાણ્યા માણસો તેમાં અચૂક અટવાઈ જાય છે. હનુમાનધારાનો ડુંગર ચડતાં બસોથી ત્રણસો પગથિયાં માથે હનુમાનજીનું મંદિર આવે છે. એની દંતકથા એવી છે કે જ્યારે સીતાજી ચિત્રકૂટ તરફ પ્રયાણ કરતાં હતાં ત્યારે તેઓએ ભોજન બનાવીને વિશ્રામ કરેલ. આ વાતના સ્મરણમાં ત્યાં નાની સુંદર પર્ણકૂટિ બંધાવેલ છે.

અરણ્યદેવ હનુમાનજીનું બીજું એક મંદિર વન અને ડુંગરની વચમાં ગિરનાર પર આવેલું છે. તે પણ હનુમાનધારાના નામે જાણીતું છે. અહીં હનુમાનજીના મોંમાંથી અખંડ પાણીની ધારા વહે છે. આજે અરણ્ય વિસ્તારમાં વસનારા આદિવાસીઓના આરાઘ્ય વાનરદેવ ઝંડબાપજી અર્થાત્‌ ઝંડ હનુમાનજીના દેહાણ્ય સ્થાનકની વાત કરવી છે.

વાહન અને વસ્તીથી હાંફતા નગરજીવનના ધાંધલ-ધમાલ અને ઘૂળ-ઘૂમાડાથી તમે થાક્યા હો ને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળે જઈ તમારો થાકોડો ઊતારવો હોય તો દ.ગુજરાતમાં આવેલા ઝંડ હનુમાનજીના સ્થાનકની એકવાર મુલાકાત લેવા જેવી ખરી. મને ખબર છે કે તમે તુરત જ બોલી ઉઠવાના કે ‘ભૈ, આ સ્થાનક આવ્યું ક્યાં ? દાદાના દર્શન કરવા હોય તો ક્યાં થઈને જવાય ?’

તો સાંભળો, વડોદરાથી ૯૦ અને પાવાગઢથી ૩૨ કિ.મીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે. ગામની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પંચમહાલ જિલ્લાની અને દક્ષિણે વડોદરા જિલ્લાની સરહદો અડે છે. જાંબુઘોડાથી ૧૧ કિ.મીટરનો રસ્તો કાચોપાકો છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન ૧૧ કિ.મી.નું પાટિયું આવે છે. ત્યાંથી ચાલતા, વાહન કે બાઈક ઉપર તલાવિયા, રાસ્કા અને લાંભિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે. પાંચેક કિ.મીટરના પાકા રસ્તા પછી ઓબડધોબડ કાચો રસ્તો આવે છે. અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે. ચારે બાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મદમસ્ત વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુપક્ષીના મઘુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી. ચોતરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય. શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ-માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે. અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી. મારગ માથે કોઈ લારી-ગલ્લા કે હાટડીઓ નથી. કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું અફાટ સામ્રાજ્ય એમ શ્રી વિજય રોહિત નોંધે છે.

ઝંડબાપજીના દર્શને જતાં ૧૧ કિ.મીટરના અંતરમાં તમને તળાવ, નાના નાના ઝરણાં જોવા મળશે. તેને ઓળંગીને જવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને અપાર આનંદની અનુભૂતિ થાય છે. ઝંડ હનુમાન જતા સુધીમાં નવ નવ વાર ખળખળ વહેતાં ઝરણાં આવે. ઝરણાં જોતાં જોતાં, ઝરણાંમાં હાથમોં ધોઈ એ પાણીમાં છબછબિયાં કરતાં કરતાં, વૃક્ષ, વનરાજિ અને લીલાછમ જંગલ ઝાડિયું અને પ્રકૃતિને પામતાં પામતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જાવ છો એની યે ખબર પડતી નથી.

અહીં હરિયાળી વનરાજિ વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજાુએ પચાસ સાઈઠ ફૂટ ઊંચા ડુંગરાના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ઝંડ હનુમાનજીની નયનમનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિના ખભા પાછળ મોટું પૂંછડું દેખાય છે. આ પૂંછડાને ત્યાં વસતા આદિવાસીઓ ‘ઝંડ’ કહે છે. આવું ઝંડ-ઝૂંડવાળું પૂછડું ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડબાપજી તરીકે પૂજે છે. આ ગામનું નામ ‘ઝંડ’ પણ ઝંડબાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે. ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડક કોતરીને એક જ પથ્થરમાંથી બનાવેલી ૧૮ ફૂટ ઊંચી આ મૂર્તિ છે. આવી મૂર્તિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દેવમૂર્તિના ડાબા પગ નીચે છએક ફૂટની ઉંચાઈ ધરાવતી પનોતીને દાદાએ દબાવેલી છે. આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવળના સમય પહેલાની છે. ખરેખર તો પાંચસો વર્ષ પૂર્વે હનુમાનજીની આવી મૂર્તિઓ ભાગ્યે જ બનાવવામાં આવતી. ઝંડદેવની મૂર્તિ પરનું તક્ષ્ણકામ જોતાં આ પ્રતિમા બસો અઢીસો વર્ષથી વઘુ જુની હોવાનું પુરાતત્ત્વવિદો માનતા નથી.

ઝંડદેવની મૂર્તિ ભલે બે અઢી દાયકાથી વઘુ પુરાણી ન હોય પણ આ સ્થળ-આ વન મહાભારતના સમય જેટલું પ્રાચીન છે. દંતકથા કહે છે, કે પાંડવો વનવાસ દરમ્યાન અહીં આવેલા. પૌરાણિક સમયમાં આ વન હેડંબાવન તરીકે વિખ્યાત હતું, અને છેક રાજપીપળા સુધી વિસ્તરેલું હતું. હાલ તે જાંબુઘોડાના અભયારણ્ય તરીકે ઓળખાય છે. ઝંડ હનુમાનજીના મંદિરથી થોડે દૂર જંગલમાં આગળ જાવ તો અર્જુને દ્રૌપદી માટે તીર મારીને જમીનમાંથી પાણી કાઢ્‌યું હતું તે જગા આજેય મોજુદ છે. ત્યાંથી નીકળતું પાણીનું ઝરણું બારેમાસ વહેતું રહે છે. અહીંથી થોડા આગળ જાવ એટલે મોટા પથ્થરમાંથી કંડારેલી ઘંટી આવે છે. એ ભીમની ઘંટી તરીકે જાણીતી છે. ૨૫-૫૦ માણસો ફેરવે તોય ન હલે એ ઘંટી ભીમ એકલા હાથે ફેરવતો એવી દંતકથા છે. બળુકા ભીમની શક્તિ માટેની ઘણી વાતો મહાભારતમાંથી મળે છે.

આપણે દેવદર્શને જઈએ ત્યારે રસ્તામાં ચગા (પથ્થરની ડેગમાળ) આવે છે. અહીં પડેલા નાના નાના ગોળ પથ્થરો એક ઉપર એક શ્રદ્ધાળુઓ ચડાવે છે. લોકવાયકા એવી છે કે આ પથ્થર એક ઉપર એક એમ ચડાવો એટલે જેટલા પથ્થર ચડે એટલા માળનું તમારું ઘર બને. આવા ચગા અહીં ઠેરઠેર જોવા મળે છે. અહીં ઠેર ઠેર પ્રાચીન શિલ્પો મળે છે. પગથિયાં ઉતરતાં નાગના ત્રણ પ્રતીકો કોતરેલી નાગદાદાની મૂર્તિ, સપ્તમાતૃકાનો પથ્થરનો પટ, મહિષાસુરમર્દિની, ભગવાન ભોળાનાથનું શિવલિંગ અને રામના પગલાં જોવા મળે છે.

દર વરસે ફાગણ સુદ અગિયારસની આસપાસ ઝંડબાપજીના સ્થાનકે જાતર મેળો ભરાય છે. હજારો આદિવાસીઓ અહીં શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે. એક ડબા તેલમાં અઢી શેર સિંદૂર ભેળવીને ઝંડદેવની મૂર્તિને સિંદૂરિયા રંગે રંગી નાખે છે. બાધા-માનતાવાળા લોકો અહીં આવીને દેવને પારે બાધા-આખડી છોડે છે. શ્રદ્ધા હોય તો તમારા તમામ મનોરથ અહીં પૂર્ણ થાય છે.

હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને કારણે બારેમાસ ભક્તોનો પ્રવાહ વહેતો રહે છે. શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ઝંડ હનુમાનના સ્થાનેક માનવ મહેરામણ ઉમટે છે. મંદિર ભક્તોની ભીડથી હાંફવા માંડે છે. ઝંડદેવને વિશિષ્ટ વાઘાના શણગારો, કેસર, તેલ અને આંકડાની માળા ચડે છે ત્યારે સાક્ષાત્‌ હનુમાનજી હાજરાહજુર હોય એવી અનુભૂતિ થાય છે. શનિની પનોતીવાળા અહીં આવી શાંતિની અનુભૂતિ કરે છે. હનુમાજીને ગદા પ્રિય હોવાથી ભક્તો ૧૦૮ લવિંગની માળા ચડાવે છે. વડોદરાની જૂની કાછીયાવાડના હનુમાન ભક્તોએ દાદાને ૫૧ કિલો પંચધાતુની ગદા અને ૧૧ કિલોનો મુગટ ભેટ ચડાવ્યો છે. બાધા- માનતાવાળા ભક્તો શનિવારે મનવાંચ્છિત ફળ મેળવવા માથે તેલનો ડબો ઉચકીને દાદાને તેલ ચડાવવા આવે છે.

દાદાના દર્શન કરીને પરવારેલા ભક્તો કુટુંબ પરિવાર સાથે મંદિરની સામે ખુલ્લા મેદાનમાં વનકુટિર અને વિશ્રામ સ્થળ છે ત્યાં બેસીને નાસ્તો પાણી કે ભોજન જમે છે. બાળકો રમતો રમે છે. આમ દર્શનના દર્શન, પિકનીકની પિકનીક પ્રકૃતિ સૌંદર્ય અને માનસિક શાંતિની અનુભૂતિ ! એક સામટા કેટલા બધા લાભો પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે. ઝંડ હનુમાન જાવ એટલે તમને જાંબુઘોડાના અભયારણ્યમાં વિહરતાં કેટકેટલા જાનવરો, પશુપક્ષીઓ અને વૃક્ષવનરાજિ જોવા મળે ! પ્રકૃતિપ્રેમીઓને માટે ઘેર બેઠા ગંગા જેવું છે ભાઈ.

– જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!