જવાંમર્દ જેઠીજી ઝાલા અને વણઝારીઓના અદ્ભુત બલીદાનની ગાથા

સવારનો પહોર છે. વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે. એટલામાં પાદરેથી સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા? રામ રામ ઘોડા થંભાવી અસ્વારે જવાબ દીધો. હું નાગડવાસનો કાંથડજી જાડેજા. જેઠીજીએ ઘોડા ની વાઘ ઝાલી ઓહ હો તમ જેવાં મહેમાન ક્યાંથી ઊતરો છાશું પીને જજો. આજ નહીં ક્યારેક આવશું. અરે આજથી રૂડો દિવસ વળી કે દી ? ઊતરો હેઠાં. કાંથડજી ને પરાણે ઊતારીને કહ્યુ ભાઇયુ ઊતરી જાવ ઝાલાનુ વેણ રાખવું પડશે.

ઘોડા બાંધ્યા અને ઘોડેસ્વાર બધાય ઝાલાની ડેલીએ આવ્યાં હાથ મોં ધોઈને ડાયરો બેઠો, કાવા કસુંબા ઘુટવા લાગ્યા. બપોર થયા બપોરાની તૈયારી થવાં લાગી કાંથડજી ને જેઠીજી હારોહાર જમવા બેઠા. જમણમાં ગળવન ખાંડ ચોખા, શાક, સંભાર, પાપડ, અથાણાં હતા. જમણ શરૂ થયું કાંથડજી મનમાં રસોઈ વખાણતા જાય ને કોળિયા ભરતાં જાય.. એવામાં એક ઓરડામાંથી જતી દીવાની સગ જેવી જાજરમાન કન્યાને કાંથડજીએ જોઈ. એનાં તેજે કાંથડજીની આંખો અંજાઈ ગઈ એનાથી પુછાઇ જવાયું હમણાં ગયાં ઇ કોનાં દિકરી?

એ તો મારાં બહેન છે. તંઇ ખાંડ ચોખા શકનના છે કાંથડજી મરમમા બોલ્યા પણ જેઠીજીને કાળજે સબાકો નીકળી ગયો. આંખે લોહી ઊતરી આવ્યું. કરડા અવાજે બોલ્યાં કાંથડજી જીભ સંભાળની બોલજે ગરાસિયાની દિકરી કાંઇ રસ્તામાં નથીં કે ગમે તે સગાઇ કરવાં હાલી નીકળે.

જેઠીજી હું નાગડવાસનો ધણી હાલતો જાય ને સગાઇ કરતો જાય. તમે હવે મરજાદ લોપો છો તમને આ વેણ નથીં શોભતા. મોભાને શોભતી વાત કરી હોતતો હું વિચારત. કાંથડજી મુંગો થઇ જાય છે બોલવા જેવું રહ્યું નથી ઝાલાએ નાક વાઢીને એનાં હાથમાં દીધું હતું

આ વાતને બેએક મહિનાં વીત્યા હશે એક દિ ખરા બપોરે દળકટક રાતીદેવળીને પાદર આવીને હમચી ખુંદી રહ્યુ છે સોએક મીયાણા ને સંધીઓને લઇ કાંથડજી આવી પૂગ્યા. એણે ગામધણી ઝાલાને કેહરાવ્યુ કે નાગડવાસનો ઘણી તેગ બાધીને તોરણે આવ્યો છે એને કે કા બેન દે કા લડાઇ. કાંથડજીની નાગડદાઇ જોઈને ઝાલાને રોમરાઇ અવળી થઈ. જેઠજી સટોસટ દરબાર ગઢમાં જઇ સાદ દિધો બહેન ને કીધું અબઘડી એજ માણકી પલાણી વાંકાનેર ભેળા થઇ જાવ, કાંથડજી તારું હેરુ કરવા આયો છે અટાણે ઝાલા કુળની આબરૂ નો સવાલ છે. સતરેક વરસની જુવાનજોધ ગરાસણી સવાર થઈ વાંકાનેર ગયાં. જેઠીજી એ હથિયાર પડિયાર બાંધ્યા અને તોરણે ચડવાના કોડ લઇ આવેલાં કાંથડજી ને પોખવા તૈયાર થયા.

જા તારા કાંથડજી ને કેહજે કે ચોરીએ આવી જાય નાગડવાસનો ઘણી ખાલી હાથે પાછો નઇ જાય એના અદકા આદરમાન કરીશું. આ કેહણ સાંભળી કાંથડજી રાજી થઈ ગયા જોયુ ઝાલાનુ પાણી હામ ભીડવાનુ ગજુ નહીં એટલે લગ્નનું કેહણ મોકલ્યું હાલો કંકુના કરીએ. જેવો કાંથડજી સામો આવ્યો કે કાળઝાળ જેઠીજી ઝાલો ઉઘાડી તલવારે દળને પોખવા દોડયા.

માટી થાજો જેઠીજીએ હાક મારી તલવાર વીંઝી કાંથડજી ઝાલાની દિકરીના માંગા રેઢાં નથીં પડયા. આંખના પલકારામાં તલવારૂની તાળીઓ પડી વેરીના માથાં વાઢતો જેઠીજી ઉભો મોલ લણતો હોય એમ સોંસરવા નીકળી ગયાં. એમાં એક વેરીનો જનોઈવાઢ ઘા જેઠીજીના માથે પડ્યો માથું દડી પડયું પણ ધડને શુરાતન ચડયું. હાથમાં બે તલવારે ધીંગાણું કરવાં લાગ્યું. ગામને પાદર વણઝારાનો દંગો પડયો હતો. વણઝારા પુરૂષો પોઠીયા લઇને સીમમાં ગયાં હતાં. દંગે બધી વણઝારીઓ જ હતી. ગામમાં ગોકીરો સાભળીને વણઝારીઓ ના કાન ચમક્યા બધી ભેગી થઇ. ત્યાં હાકલા પડકારા કરતું ધીંગાણું પાદર ભણી આવતું દિઠુ. માથાં વિનાનું ધડનુ શુરાતન જોઇ વણઝારીઓના અંગ ધ્રુજી ઉઠયા.

વણઝારીઓ દંગા મા કુહાડી, ધારીયા, ખરપીયા, લાકડી, સાબેલા, કોશો, કોદાળીયુ જે હાથ આવ્યું તે લઇ સામે દોટ મુકીને કુદી પડે છે. વણઝારીઓ પ્રાછટ બોલાવી સંધીઓ ઘડીક હેબક થયા પણ પછી વણઝારીઓ માથે ભાલાને તલવારે તાળી પાડી, ઘા ઝીલતી સામે એવાં ઘા કરતી વણઝારીઓ રકતભીની ચુદડીઓમા જણે રણચંડી બની ઘુમી વળી. ગામને પાદર જુદ્ધ જોઈ કોળીઓ, ભરવાડો ધીંગાણું જોઈ બોલી ગયાં બાઇ માણસ ઝુઝે છે તો અમથી કેમ ઊભાં રેવાય આમને પણ હાકલ કરી કાપો મારો

બંધુકોમાથી ગોળીઓ છોડી ભરવાડો કોળીઓ વેરી પર તુટી પડે છે. જેઠીજી નુ ધડ લડતું લડતું પાદરના નાળાને સામે કાંઠે વિસામો લઇ ગયું. થોડી વાર મા વાંકાનેર નું કટક માર માર કરતું આવ્યુ પણ ધીંગાણું તો પતી ગયું એટલે ખપી ગયેલા ને શબોને સંભાળી કટક પાછું વળી ગયું. ચારણે જેઠીજીના સમાચાર આપ્યા. ભાઇના સમાચાર જાણવાં ઊભેલી બેને પડતું મુક્યુ તેનાં પ્રાણ ઊડી ગયાં.

મિત્રો આ એજ બહાદુર જેઠીજી ભરવાડો કોળીઓ અને વણઝારીઓના પાળીયા કાળની સામે ટક્કર લેતા ઊભાં છે …

નોધ :વિ.સં :૧૮૪૮ની સાલ અને વૈશાખ માસ હતો. આજેય એ રાતી દેવળીના ચોરા સામે જ્યાં જેઠીજીનુ માથું પડેલું ત્યાં માથાંનો પાળીયો છે અને પાદરમા જ્યાં ધડ પડેલું ત્યાં વણઝારણો, કોળીઓ અને ભરવાડોના પાળીયા ભેળો જેઠીજીના ધડનો પાળીયો જવાંમર્દીની ગાથા ગાતો ઉભો છે. રાતી દેવળી નિવાસી મિત્ર રૂતરાજસિહ ઝાલાએ ફોટા મોકલ્યા છે તેમનો હું આભરી છું.

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……..卐……..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!