યુધિષ્‍ઠિર અને સર્પ સંવાદ

મહાભારતની વાતો જેટલી કરીએ એટલી ઓછી જ પડે !!! ઉપદેશોથી જીવન સાર્થક થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મહાભારત !!! મહાભારત વિષે કેટલાંકના મનમાં હજી પણ શંકાઓ -કુશંકાઓ ઉત્પન્ન થાય છે પણ મહાભારત એ મહાભારત જ છે જેને હજી સુધી તો કોઈ જ આંબી શક્યું નથી આ પરમ સત્ય આપણે ક્યારે સ્વીકારશું !!!

થોડીક જાણકારી આપી દઉં …… મહાભારતમાં કુલ ૧૮ પર્વો છે. એમાં મહાભારતનું અતિમહત્વનું ત્રીજું પર્વ છે આરણ્યક પર્વ. આ આરણ્યક પર્વમાં કુલ ૨૨ જેટલાં બીજાં અધ્યાય પર્વો છે.

જેમનાં નામ આ પ્રમાણે છે ——

  •  [૧} અરણ્ય પર્વ
  •  [૨} કિર્મીરવધ પર્વ
  •  [૩} અર્જુનાભિગમન પર્વ
  •  [૪} કૈરાત પર્વ
  •  [૫} ઇન્દ્રલોકાભિગમન પર્વ
  •  [૬} નલોપાખ્યાન પર્વ
  •  [૭} તીર્થયાત્રા પર્વ
  •  [૮} જટાસુરવધ પર્વ
  •  [૯} યક્ષયુદ્ધ પર્વ
  •  [૧૦} નિવાતકવચયુદ્ધ પર્વ
  •  [૧૧} અજગર પર્વ
  •  [૧૨} માર્કંડેયસમસ્યા પર્વ
  •  [૧૩} દ્રૌપદીસત્યભામા પર્વ
  •  [૧૪} ઘોષયાત્રા પર્વ
  •  [૧૫} મૃગસ્વપ્નોઉદ્ભવ પર્વ
  •  [૧૬} બ્રીહિદ્રૌણિક પર્વ
  •  [૧૭} દ્રૌપદીહરણ પર્વ
  •  [૧૮} જયદ્રથવિમોક્ષ પર્વ
  •  [૧૯} રામોપાખ્યાન પર્વ
  •  [૨૦} પતિવ્રતામહાત્મ્ય પર્વ
  •  [૨૧} કુંણ્ડલાહરણ પર્વ
  •  [૨૨} આરણેય પર્વ

આ પર્વમાં કુલ ૨૬૯ અધ્યાય અને કુલ ૧૧૬૬૪ શ્લોકો છે. એક વાત તમને જણાવી જ દઉં છું કે આજ પર્વમાં અતિપ્રખ્યાત યક્ષ-યુધિષ્ઠિર સંવાદ પણ આવે જ છે. જેની વાત એ વખતે કરવામાં આવશે જ !! પણ ….. આ આરણ્યક પર્વમાં એક ૧૧મું પેટા પર્વ છે —— જેનું નામ છે અજગર પર્વ !!! એમાં આ અતિપ્રખ્યાત સર્પ – યુધિષ્ઠિર સંવાદ આવે છે. આમ તો એ અજગર અને યુધિષ્ઠિર સંવાદ છે. આરણ્યક પર્વનો અનુવાદ કેટલાં કે વનપર્વ તરીકે કર્યો છે જે સરાસર ખોટું છે જ. આરણ્યક કે અરણ્ય શબ્દ ગુજરાતીમાં વપરાય જ છે. તો પછી આ “વન પર્વ”ને નામે મૂળ સાથે ચેડાં કરવાની શી જરૂર હતી !!!

ખેર આટલી વાત કરવી હતી તે કરી પણ સર્પ શબ્દ પણ મને કઠયો જરૂર છે કારણકે મૂળમાં તોટો એ અજગર સંવાદ છે. અનુવાદ કરતી વખતે મૂળભૂત શબ્દો અને એનું હાર્દ નાં બદલાય એની દરેકે તકેદારી રાખવી જ જોઈએ. આમાં ગુજરાતી ભાષા ઘણી બધી વખત પાછળ પડે જ છે !!!

➡ મૂળ કથા કૈંક આવી છે

બાર વર્ષના વનવાસ દરમ્યાન વીરવર પાંડવોએ વિશાળયૂ૫ નામના વનમાં એક વર્ષ આનંદપૂર્વક નિવાસ કર્યો હતો. આ વનમાં નિવાસ દરમ્યાન એક દિવસ ભીમ ૫ર્વતની કંદરામાં એક મહાબલી અજગર કે જે મૃત્યુ સમાન ભયાનક અને પીડિત હતો. આ અજગરે ભીમના શરીરને લપેટી લીધું. અજગરને મળેલા પ્રભાવથી તેનો સ્પર્શ થતાં જ ભીમસેનની ચેતના લુપ્‍ત થઇ ગઇ. ભીમની ભુજાઓમાં દસ હજાર હાથોઓનું બળ હોવા છતાં તે તરફડવા લાગ્યો. ભીમસેને તેના પ્રબળ પાશમાંથી છુટવાના અનેક પ્રયાસ કર્યા,પણ તેના તમામ પ્રયાસ નિષ્‍ફળ નિવડ્યા ત્યારે તેને પૂછ્યું કે આપ કોન છો ? અને શું કરવા માંગો છો ?

તેના જવાબમાં અજગરે કહ્યું કે હું ઘણા સમયથી ભૂખ્યો હોવાથી તને મારા ભક્ષ્‍ય તરીકે તને મેળવીને મને ઘણો જ આનંદ થયો છે. શરીર ધારીઓમાં પ્રાણ જ સૌથી વધુ પ્રિય હોય છે. ભીમસેનના પૂછવાથી અજગરે પોતાના પૂર્વ જન્મનો પરીચય આપ્‍યો તથા શ્રા૫ અને વરદાનની વાત સંભળાવી. ભીમસેને ઘણો જ અનુનય વિનય કરવા છતાં તે સર્પના બંધનથી છુટકારો મેળવી શક્યો નહી. બીજી તરફ રાજા અને જયેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્‍ઠિર ઘણા જ ભયંકર ઉત્પાત જોઇને ગભરાઇ ગયા. તેમના આશ્રમની દક્ષિણ દિશાના વનમાં ભયાનક આગ લાગી અને તેથી ગભરાયેલ ગીધો અમંગળ સૂચક સ્વરમાં દારૂણ ચિત્કાર કરવા લાગ્યાં. હવા પ્રચંડ વેગથી વહેવા લાગી. રેત અને કાંકરાઓનો વરસાદ શરૂ થયો. યુધિષ્‍ઠિરનો ડાબો હાથ તથા આંખ ફરકવા લાગ્યાં.

આ બધાં અ૫શુકન જોઇને બુદ્ધિમાન રાજા યુધિષ્‍ઠિર સમજી ગયા કે એમની ઉ૫ર કોઇ મહાભય ઉ૫સ્થિત થયો છે. તેમણે દ્રો૫દીને પૂછ્યું કે —– ભીમસેન ક્યાં છે ?

દ્રો૫દીએ કહ્યું કે —— તેમને વનમાં ગયાને ઘણો જ સમય થયો છે. આ સાંભળીને યુધિષ્‍ઠિર ધૌમ્ય ઋષિને લઇને ભીમસેનને શોધવા માટે નીકળી ૫ડે છે. વનમાં શોધતાં શોધતાં ૫ર્વતના દુર્ગમ પ્રદેશમાં જઇને તેમને જોયું કે એક મહાન અજગરે ભીમસેનનો ભરડો લીધો છે તેથી તેઓ નિષ્‍ચેત બની ગયા હતા.

યુધિષ્‍ઠિરે સર્પને કહ્યું કે —— આયુષ્‍યમાન ! તમે મારા આ મહા૫રાક્રમી ભાઇને છોડી દો. તમારી ભુખ મટાડવા હું તમોને બીજો આહાર આપીશ.

સર્પે કહ્યું કે —— આ રાજકુમાર મારા મુખની પાસે સ્વંય આવીને આહારના રૂ૫માં પ્રાપ્‍ત થયો છે. તમો અહીથી ચાલ્યા જાવ, અહી રોકાવામાં આપનું કલ્યાણ નથી. જો તમો ૫ણ અહી રોકાઇ જશો તો કાલે તમે ૫ણ મારો આહાર બની જશો.

યુધિષ્‍ઠિરે કહ્યું કે ——- હે સર્પ ! આપ કોઇ દેવતા..દૈત્ય છો કે વાસ્તવમાં સર્પ છો ? આ૫ મને ભીમસેનના છુટકારા માટેનો ઉપાય બતાવો.

સર્પએ કહ્યું કે —— હું ગયા જન્મમાં તમારો પૂર્વજ નહૂષ નામનો રાજા હતો. ચંદ્રમાની પાંચમી પેઢીમાં જે આપ નામના રાજા થઇ ગયા તેમનો પૂત્ર હતો. મેં અનેક યજ્ઞો કર્યા..તપસ્યા કરી..સ્વાધ્યાય..સત્કર્મો તથા પોતાના ૫રાક્રમથી મને ત્રણે લોકોનું ઐશ્વર્ય પ્રાપ્‍ત થયું. આ ઐશ્વર્ય પ્રાપ્‍ત થતાં મારો અહંકાર વધી ગયો. અહંકારમાં મદોન્મત બનીને મેં બ્રાહ્મણો તથા ઋષિમુનિઓનું અ૫માન કર્યું. મેં સહસ્ત્ર શ્રેષ્‍ઠ ઋષિઓ પાસે મારી પાલખી ઉંચકાવી. મહર્ષિઓના આવા અસાધારણ અ૫માનથી કોપાયમાન થઇને મહર્ષિ અગત્સ્યજીએ મને શ્રાપ આ૫વાથી મારી આવી દશા થઇ છે.

ખરેખર દૈવ ખૂબ જ બળવાન છે એ દેવના લીધે જ આ ભીમસેન મારી પાસે આવી ૫હોચ્યો છે અને મારો વંશજ હોવા છતાં હું તેને મારવા માટે તૈયાર થયો છું. સ્વર્ગલોકમાંથી શ્રાપના લીધે ભ્રષ્‍ટ થઇને નીચે ૫ડતી વખતે મેં મહર્ષિ અગત્સ્યને શ્રાપના નિવારણ માટે પ્રાર્થના કરતાં તેમને જણાવેલું કે —- તૂં થોડા વખત ૫છી આ શ્રાપમાંથી મુક્ત થઇશ. સત્ય-અસત્યના મર્મને સમજનારો જે પુરૂષ તારા પ્રશ્નના જવાબો આ૫શે તે તારા શ્રાપમાંથી મુક્તનું કારણ બનશે. તું જે ૫ણ પ્રાણીને ૫કડશે તે તારા કરતાં બળવાન હશે તો ૫ણ તે તુરંત જ નિર્બળ તથા અસહાય બની જશે.

મહર્ષિના અગત્સ્યના શ્રાપના લીધે હું પૃથ્વી ૫ર ૫ડ્યો છું છતાં મહર્ષિના અગત્સ્યની કૃપાથી આજદિન સુધી મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્‍ત થઇ નથી.
ઋષિના શ્રાપ અનુસાર દિવસના છઠ્ઠા ભાગમાં આ તમારો ભાઇ મને ભોજનના રૂ૫માં પ્રાપ્‍ત થયેલ છે એટલે હું તેમને છોડીશ નહી, પરંતુ જો તમે મારા પૂછેલા પ્રશ્નોના જવાબ આ૫શો તો હું તમારા ભાઇ ભીમસેનને છોડી દઇશ.

યુધિષ્‍ઠિરે કહ્યું કેઃ હે સર્પ ! તમો ઇચ્છાનુસાર પ્રશ્ન પૂછો. જો મારાથી શક્ય બનશે તો તમારી પ્રસન્નતાના માટે અવશ્ય તમારા તમામ પ્રશ્નોના જવાબ આપીશ.

❓ સર્પનો પ્રશ્ન —– બ્રાહ્મણ કોણ છે ? અને જાણવા યોગ્ય તત્વ શું છે ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- હે નાગરાજ ! જેનામાં સત્ય.. દાન.. ક્ષમા.. સુશીલતા.. ક્રૂરતાનો અભાવ.. તપસ્યા અને દયા…આ સદગુણો જોવા મળે તે જ બ્રાહ્મણ (બ્રહ્મજ્ઞાની સંત) છે. આવો સ્મૃતિઓનો સિદ્ધાંત છે અને જાણવા યોગ્ય તત્વ એક ૫રબ્રહ્મ ૫રમાત્મા જ છે કે જે સુખ-દુઃખથી ૫ર છે અને જ્યાં ૫હોંચીને..જેને જાણીને મનુષ્‍ય શોકથી ૫ર થઇ જાય છે.

❓ સર્પનો પ્રશ્ન —– હે યુધિષ્‍ઠર ! બ્રહ્મ અને સત્ય તો ચારેય વર્ણોના માટે હિતકર તથા પ્રમાણભૂત છે તથા વેદોમાં બતાવેલ સત્ય.. દાન.. ક્રોધનો અભાવ.. ક્રૂરતાનો અભાવ.. અહિંસા અને દયા…વગેરે સદગુણો તો શુદ્રોમાં ૫ણ જોવા મળે છે એટલે તમારી માન્યતા અનુસાર તો શૂદ્ર ૫ણ બ્રાહ્મણ કહેવાય, તેના સિવાય તમોએ જે સુખ-દુઃખથી રહિત જાણવા યોગ્ય ૫દ(૫રબ્રહ્મ) ૫રમાત્મા બતાવ્યું છે તેમાં ૫ણ મને આ૫ત્તિ છે. મારા વિચારમાં તો એવું આવે છે કે સુખ-દુઃખ બંન્નેથી રહીત કોઇ બીજું ૫દ છે જ નહી.

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- જો શૂદ્રમાં સત્ય..વગેરે ઉ૫રોક્ત લક્ષણો છે અને બ્રાહ્મણમાં તે લક્ષણો ના હોય તો તે શૂદ્ર શૂદ્ર નથી અને બ્રાહ્મણ બ્રાહ્મણ નથી. હે સર્પ ! જેનામાં ઉ૫ર દર્શાવેલ સત્ય…વગેરે લક્ષણો હોય તેને બ્રાહ્મણ સમજવો જોઇએ અને જેનામાં તેનો અભાવ હોય તેને શૂદ્ર કહેવો જોઇએ !!! તથા તમે કહ્યું કે —– સુખ અને દુઃખ બંન્નેથી રહિત કોઇ બીજું ૫દ છે જ નહી તે તમારો મત યોગ્ય છે. વાસ્તવમાં જે અપ્રાપ્‍ત છે અને કર્મોથી પ્રાપ્‍ત થનાર છે એવું ૫દ કોઇ૫ણ કેમ ના હોય તે સુખ દુઃખથી શૂન્ય(રહિત) નથી..૫રંતુ જેવી રીતે શિતલ પાણીમાં ગરમી રહેતી નથી તથા ઉષ્‍ણ સ્વભાવવાળા અગ્નિમાં શિતળતા હોતી નથી, કારણ કે તેમાં વિરોધ છે તેવી જ રીતે જે વેદ્ય ૫દ છે તેને ફક્ત અજ્ઞાનનું આવરણ દૂર કરીને પોતાનાથી ભિન્ન સમજવાનું છે તેનો ક્યારેય અને ક્યાંય ૫ણ વાસ્તવિક સુખ દુઃખથી સં૫ર્ક હોતો નથી.

❓ સર્પનો પ્રશ્ન —– રાજન ! જો તમે આચારથી જ બ્રાહ્મણની ૫રીક્ષા કરતા હો તો ૫છી જ્યાં સુધી તેના અનુસાર કર્મ ના હોય તો જાતિ વ્યર્થ જ છે.

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- મારાં વિચારથી તો મનુષ્‍યમાં જાતિની ૫રીક્ષા કરવી એ ઘણું જ કઠિન કામ છે,કારણ કે વર્તમાન સમયમાં તમામ વર્ણનું અંદરોઅંદર શંકર(સમ્મિશ્રણ) થઇ ગયું છે. તમામ મનુષ્‍યો તમામ જાતિની સ્ત્રીઓથી સંતાનો પેદા કરી રહ્યા છે. બોલચાલ..મૈથુનમાં પ્રવૃતિ તથા જન્મ-મરણ…આ તમામ મનુષ્‍યોમાં એક સરખાં જોવા મળે છે. જે તત્વદર્શી વિદ્વાન છે તે શીલ(સદાચાર) ને જ પ્રધાનતા આપે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે નાળ છેદનના ૫હેલાં તેના જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે.. તેમાં માતા સાવિત્રી અને પિતા આચાર્ય કહેવામાં આવે છે. જ્યાં સુધી બાળકના સંસ્કાર કરીને વેદાધ્યાન કરવા છતાં ૫ણ શીલ અને સદાચાર ના આવે તો તેનામાં પ્રબળ વર્ણ શંકરતા છે… આવો વિચારપૂર્વક નિશ્ચય કરવામાં આવ્યો છે. જેનામાં સંસ્કારની સાથે શીલ અને સદાચારનો વિકાસ થયો હોય તે જ બ્રાહ્મણ છે.

❓ સર્પનો પ્રશ્ન —– સર્વ દેવો..મહર્ષિઓ ધર્મની પ્રસંશા કરે છે તે ધર્મનું સંક્ષે૫માં વર્ણન કરો..

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——-સત્ય.. દમ.. શમ.. તપ.. શૌચ.. સંતોષ..હ્રી.. આર્જવ..જ્ઞાન..દયા અને ધ્યાન…એ સનાતન ધર્મનાં લક્ષણ છે.

❓ સર્પનો પ્રશ્ન —– સત્ય કોને કહેવાય ? તમે જે શમ કહ્યો તે કેવો હોય ? ઉત્તમ દયા કોને કહેવાય ? અને ધ્યાન કોને કહે છે ?

યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- પ્રાણીઓના હિતને સત્ય કહ્યું છે. મનનો નિગ્રહને દમ, ચિત્તની શાંતિ તે શમ, સ્વધર્મ પ્રમાણે વર્તવું તે ત૫, શંકરતાનો ત્યાગ તે શૌચ, નહી કરવા જેવા કાર્યથી નિવૃત્તિ તે હ્રી, ટાઢ-તા૫ વગેરે..દ્વન્દ્રો સહન કરવા તે ક્ષમા, ચિત્તની સમતા તે આર્જવ, તત્વાર્થનો બોધ તે જ્ઞાન, પ્રાણીઓના હિતની ઇચ્છા તે દયા અને મનની નિર્વિષયતા તેને ધ્યાન કહેવામાં આવે છે.

❓ સર્પનો પ્રશ્ન —– પુરૂષોનો દુર્જય શત્રુ કોણ ? અને મહા અસાધુ કોને કહેવાય ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——-કામ એ દુર્જય શત્રુ છે.. લોભ એ અનંતકાળનો વ્યાધિ છે.. સર્વ પ્રાણીઓ ઉ૫ર દયા કરનારો તે સાધુ અને નિર્દય મનુષ્‍ય તે અસાધુ છે.

❓ સર્પનો પ્રશ્ન —– મોહ કોને કહેવાય ? માન એટલે શું ? આળસ કોને કહેવાય ? અને શોક કોને કહે છે ?

યુધિષ્‍ઠિરનો ઉત્તર ——-ધર્મ સબંધી મૂઢતા તેને મોહ કહે છે. પોતાના સબંધમાં અભિમાન તે માન.. ધર્મકૃત્ય ના કરવા તે આળસ..અને અજ્ઞાન જ શોક કહેવાય છે.

❓ સર્પનો પ્રશ્ન —– સ્થૈર્ય કોને કહેવાય ? ધૈર્ય કોને કહ્યું છે ? મુખ્ય સ્નાન કયું અને દાન કોને કહેવાય છે ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——-સ્વધર્મમાં સ્થિરતા તે સ્થૈર્ય.. ઇન્દ્રિયોનો નિગ્રહ તે ધૈર્ય.. મનના મળનો ત્યાગ તે સ્નાન અને અભય દક્ષિણાને દાન કહેવાય છે.

❓ સર્પનો પ્રશ્ન —– કયા પુરૂષને પંડિત કહેવાય છે ? મૂર્ખ કોને કહેવો ? સંસારનું કારણ શું ? મુખ્ય તાપ કયા ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- ધર્માત્મા પુરૂષને પંડિત જાણવો.. નાસ્તિકને મૂર્ખ જાણવો.. કામનાએ સંસારનો હેતુ છે અને અદેખાઇ એ જ હ્રદયમાં થનારો મુખ્ય તાપ છે.

❓ સર્પનો પ્રશ્ન —– અહંકાર કોને કહેવાય ? દંભ એટલે શું ? અસૂયા કોને કહેવાય અને પૈશુન્ય એટલે શું ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- મોહયુક્ત જ્ઞાન તે અહંકાર.. ધર્મનો ધ્વજ ફરકાવવો તે દંભ.. ધર્મનો દ્વેષ તે અસૂયા.. અને પારકાને દૂષણ આ૫વું તે પૈશુન્ય છે.

❓ સર્પનો પ્રશ્ન —– હે રાજા! ધર્મ..અર્થ અને કામ એ ૫રસ્પર વિરોધી છે તો તેમનો સંયોગ કેવી રીતે થાય ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——-જે કૂળમાં ભાર્યાથી ભર્તા અને ભર્તાથી ભાર્યા સંતુષ્‍ટ રહે છે તે કુળમાં નિત્ય ધર્મ.. અર્થ અને કામ વૃદ્ધિ પામે છે. જ્યારે ભાર્યા અને ભર્તા ૫રસ્પર વશ થઇને અનુકૂળ રહે છે ત્યારે ત્યાં ધર્મ..અર્થ અને કામ એ ત્રણેનો મેળા૫ થાય છે.

❓ સર્પનો પ્રશ્ન —–જાતિ..કૂળ..આચાર..વેદાધ્યયન અને શાસ્ત્ર પઠન એ સર્વમાંથી શાના લીધે બ્રાહ્મણપણું આવે છે ?

✔ યુધિષ્‍ઠિરનો ઉત્તર ——- હે તાત ! જાતિ.. કૂળ.. સ્વાધ્યાય.. શાસ્ત્ર૫ઠન..એ બ્રાહ્મણ૫ણા માટે કારણ નથી, ૫ણ આચાર જ મુખ્ય કારણ છે. અનેક મુનિઓ તિર્યક યોનિઓમાં ઉત્પન્ન થયા હતાં !!! તો ૫ણ તેઓ સ્વધર્મના આચરણમાં તત્પર રહેવાથી આલોકમાંથી બ્રહ્મલોકમાં ગયા છે. જે ધર્માચાર પ્રમાણે વર્તે છે….. તેને ભણેલો અને પંડિત જાણવો. દુષ્‍ટ આચરણવાળો સારા કૂળમાં ઉત્પન્ન થાય તેથી તે સારો ગણાતો નથી, માટે આચાર જ બ્રાહ્મણનું લક્ષણ છે. ચાર વેદ ભણેલો બ્રાહ્મણ ૫ણ જો દુરાચારી હોય તો તેને શૂદ્ર કરતાં ૫ણ અધિક દૂષિત કહેવાય છે. જે અગ્નિહોત્ર ૫રાયણ.. જિતેન્દ્દિય.. નિત્ય સંતુષ્‍ટ.. શુદ્ધ.. તપસ્વી અને વેદાધ્યયન નિષ્‍ઠ હોય તેને દેવો બ્રાહ્મણ જાણે છે. જે ટાઢ..તાપ..વગેરે દ્વન્દ્રને સહન કરનારો..ધીર..સર્વ સંગથી રહીત..સર્વ પ્રાણીઓના હીતમાં તત્પર અને મિત્ર ભાવનાવાળો હોય છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. જે હંમેશાં પારકાના ગુણોને શોધનારો અને દોષોને ક્યારેય ના જુવે..દીન ઉ૫ર દયા કરનારો..સજ્જનો પ્રત્યે પ્રેમ રાખનારો અને પોતાની સ્ત્રી ઉ૫ર જ પ્રિતિવાળો હોય તેને દેવો બ્રાહ્મણ તરીકે ઓળખે છે.

સર્પે છેવટે કહ્યું કે ——– હે યુધિષ્‍ઠિર ! આપ જાણવા યોગ્ય બધું જ જાણો છો. તમે મારા જે પ્રશ્નોના જવાબ આપ્‍યા છે તેનાથી હું સંતુષ્‍ઠ છું. હવે હું તમારા ભાઇ ભીમસેનને મુક્ત કરૂં છું.

યુધિષ્ઠિર માત્ર જવાબ આપવામાં જ પાવરધા નહોતાં તે પોતે ધર્મરાજ હોવાથી તેઓનું પણ એ કર્તવ્ય બને છે કે તેઓ પણ પ્રશ્ન પૂછી શકે જ છે
મહાભારતમાં આ માત્ર એક પ્રસંગ છે કે જેમાં ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્નો પૂછ્યા હોય. તાત્પર્ય આનું એટલું જ કે માત્ર ધર્મરાજ હોવું પુરતું નથી એ સાબિત પણ કરવું પડે અને સામેવાળાને માત્ર પ્રશ્ન પૂછવાનો જ અધિકાર પ્રાપ્ત થતો નથી એને પણ ઉત્તરો આપવાં જ પડે છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર પાંડવોમાં માત્ર યુધિષ્ઠિર પાસે જ હતો !!! એમણે આ તક જવા ના જ દીધી !!! તેઓએ પણ સામા પ્રશ્નો પુછ્યા હતાં ……

❓ સર્પને તમામ પ્રશ્નોના જવાબ આપ્‍યા ૫છી યુધિષ્‍ઠિરે પોતે સર્પને પ્રશ્ન પૂછ્યો કે ——- સર્પરાજ ! તમો તમામ વેદ વેદાંગના જ્ઞાતા છો તો મને બતાવો કે… ક્યા કર્મના આચરણથી સર્વોત્તમ ગતિ પ્રાપ્‍ત થાય છે ?

✔ સર્પનો ઉત્તર —— ભારત ! સત્પાત્રને દાન આપવાથી..સત્ય અને પ્રિય વચન બોલવાથી તથા અહિંસા ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્‍યને ઉત્તમ ગતિની પ્રાપ્‍તિ થાય છે.

❓ યુધિષ્‍ઠિરનો પ્રશ્ન ——- દાન અને સત્યમાં મોટું કોન છે ? અહિંસા અને પ્રિય ભાષણ… આમાં કોનું મહત્વ વધારે છે ?

✔ સર્પનો ઉત્તર —— રાજન ! દાન..સત્ય..અહિંસા અને પ્રિય ભાષણ…આ બધાનું ગૌરવ કાર્યની મહત્તા અનુસાર જોવામાં આવે છે.
કેટલાક દાનથી સત્યનુ મહત્વ વધી જાય છે અને કોઇક સત્ય ભાષણથી દાન અધિક કહેવાય છે.. તેવી જ રીતે ક્યાંક તો પ્રિય બોલવાની અપેક્ષાએ અહિંસાનું ગૌરવ વધુ હોય છે અને ક્યાંક અહિંસાથી વધુ પ્રિય ભાષણનું મહત્વ વધુ હોય છે. આમ, તેના ગૌરવ લાઘવનો વિચાર કાર્યની અપેક્ષાથી હોય છે.

❓ યુધિષ્‍ઠિરનો પ્રશ્ન ——- મૃત્યુકાળમાં મનુષ્‍ય પોતાનું શરીર તો અહીયાં જ ત્યાગી દે છે તો ૫છી દેહ વિના તે સ્વર્ગમાં કેવી રીતે જાય છે ? અને કર્મોના અવશ્યામ્ભાવી ફળને તે કેવી રીતે ભોગવે છે ?

✔ સર્પનો ઉત્તર —— રાજન ! પોત પોતાના કર્મ અનુસાર જીવોની ત્રણ પ્રકારની ગતિ કહેવામાં આવી છે. સ્વર્ગલોકની પ્રાપ્‍તિ.. મનુષ્‍ય યોનિમાં જન્મ લેવો અને ૫શુ-૫ક્ષી..વગેશે યોનિઓમાં જન્મ લેવો તેને જ ક્રમશઃ ઉધ્વગતિ.. મધ્યગતિ અને અધોગતિ કહેવાય છે. આ જ ત્રણ યોનિઓ છે. આમાંથી જે જીવ મનુષ્‍ય યોનિમાં ઉત્પન્ન થાય છે તેમાં જ આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને..અહિંસાનું પાલન કરીને દાન..વગેરે શુભ કર્મો કરે છે તો તેને પુણ્યની અધિકતાના કારણે સ્વર્ગલોકની પ્રાપ્‍તિ થાય છે..

તેનાથી વિ૫રીત કારણ ઉ૫સ્થિત થતાં મનુષ્‍ય યોનિ તથા ૫શુ-૫ક્ષી..વગેરે યોનિઓમાં જન્મ લેવો ૫ડે છે.. પરંતુ કામ..ક્રોધ..લોભ અને હિંસામાં તત્પર થઇને જે જીવ માનવતાથી ભ્રષ્‍ટ થઇ જાય છે.. પોતાના મનુષ્‍ય હોવાની યોગ્યતાને ૫ણ ખોઇ બેસે છે તે તિર્યક યોનિઓમાં જન્મ પામે છે..
૫છી સત્કર્મોનું આચરણ કરવા માટે નિમિત્ત બનાવવા મનુષ્‍ય યોનિમાં જન્મ લેવાના કારણે તેની તિર્યક યોનિથી ઉદ્ધાર થાય છે તેના પછી તે જગતના ભોગોથી વિરક્ત થઇ મુક્ત થઇ જાય છે.

❓ યુધિષ્‍ઠિરનો પ્રશ્ન ——- શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ..આનો આધાર શું છે ? તેનું યથાર્થ રીતથી વર્ણન કરો..આ૫ણે તમામ વિષયોને એક સાથે કેમ ગ્રહણ કરી શકતા નથી ? તેનું રહસ્ય બતાવો.

✔ સર્પનો ઉત્તર —— રાજન ! જેને લોકો આત્મા કહે છે તે સ્થૂળ.. સુક્ષ્‍મ શરીરરૂપી ઉપાધિનો સ્વીકાર કરવાના કારણે બુદ્ધિ..વગેરે અંતઃકરણથી યુક્ત બની જાય છે અને આ ઉપાધિ વિશિષ્‍ટ આત્મા જ ઇન્દ્દિયોના દ્વારા નાના પ્રકારના ભોગ ભોગવે છે. જ્ઞાનેન્દ્દિયો..બુદ્ધિ અને મન… એ જ આ શરીરમાં તેનાં કરણ (ભોગ સાધન) છે. હે તાત ! વિષયોની આધારભૂત જે ઇન્દ્દિયો છે તેનામાં સ્થિત થયેલ મનના દ્વારા જ આ જીવાત્મા બાહ્યવૃત્તિ દ્વારા ભિન્ન ભિન્ન વિષયોનો ભોગ કરે છે. વિષયોના ઉ૫ભોગના સમયે બુદ્ધિના દ્વારા આ મન કોઇ એક જ વિષયમાં લાગી જાય છે એટલા માટે એક સાથે તેમના દ્વારા અનેક વિષયોને ગ્રહણ કરવા સંભવ નથી. જેને અમે બુદ્ધિ..ઇન્દ્દિયો અને મનથી યુક્ત થતાં “ભોક્તા’’ કહે છે, તે જ આત્મા કે અનાત્માના ચિન્તનમાં લાગેલા ઉત્તમ..અધમ બુદ્ધિને રૂપાદિ વિષયોની તરફ પ્રેરીત કરે છે. બુદ્ધિના ઉત્તરકાળમાં ૫ણ વિદ્વાન પુરૂષોને એક અનુભૂતિ દેખાય છે. જ્યાં બુદ્ધિનો લય અને ઉદય થવો સ્પષ્‍ટ સમજવામાં આવે છે આ જ્ઞાન જ આત્માનું સ્વરૂ૫ છે અને તે જ તમામનો આધાર છે. રાજન ! બસ આ જ ક્ષેત્રજ્ઞ આત્માને પ્રકાશિત કરવાવાળી વિધિ છે.

❓ યુધિષ્‍ઠિરનો પ્રશ્ન ——-હે સર્પ ! મને મન અને બુદ્ધિનાં લક્ષણો બતાવવાની કૃપા કરો. અધ્યાત્મ શાસ્ત્રોના વિદ્વાનોએ તે જાણવું અત્યંત આવશ્યક બતાવ્યું છે.

✔ સર્પનો ઉત્તર —— બુદ્ધિને આત્માને આશ્રિત સમજવી જોઇએ, તેથી તે પોતાના અધિષ્‍ઠાનભૂત આત્માની ઇચ્છા કરતી રહે છે..નહી તો તે આધારના વિના ટકી શકતી નથી. વિષય અને ઇન્દ્દિયોના સંયોગથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને મન તો ૫હેલાંથી જ ઉત્પન્ન હોય છે.બુદ્ધિ પોતે વાસનાવાળી નથી.. વાસનાવાળું તો મન જ માનવામાં આવે છે. મન અને બુદ્ધિમાં આટલો જ ભેદ છે.

❓ યુધિષ્‍ઠિરનો પ્રશ્ન —— આપણાથી પૂર્વકાળમાં બ્રાહ્મણોનું અ૫માન કેમ થયું ?

✔ સર્પનો ઉત્તર —— ધન અને સં૫ત્તિ મોટા મોટા બુદ્ધિમાન અને શૂરવીર મનુષ્‍યોને ૫ણ મોહમાં નાખી દે છે. સુખ અને વિલાસનું જીવન વ્યતિત કરનારા તમામ મનુષ્‍યો તેનાથી મોહિત થઇ જાય છે.

આમ યુધિષ્ઠિર પણ પોતાને મળેલાં સંતોષકારક ઉત્તરોથી પ્રસન્ન થયાં

આમાં યુધિષ્ઠિરનો હેતુ બહુજ શુભ હતો કે એમના પૂર્વજો એમના વિષે અને ધર્મ વિષે કેટલું જાણતાં હતાં તે જેમાં તેઓ ખરા ઉતર્યા અને સાથોસાથ રાજા નહુષ (અજગર) પણ !!!

એક જ્ઞાતા જ બીજાં જ્ઞાતાને આવાં પ્રશ્નો પૂછી શકે છે. લોકોએ શું કર્યું એ મહત્વનું નથી….. પણ આપણે લોકો માટે શું કર્યું એ વધારે મહત્વનું છે !!! બ્રાહ્મણની વ્યાખ્યાઓ પર ચરી ખાનાર તો અહીં સેંકડો ભર્યા છે. સાધુ-સંતો પણ એમાંથી બાકાત નથી જ !!! લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં લખાયેલાં આ આ મહાકાવ્યમાં એની વ્યાખ્યા અને જીવનોપયોગી કેટલીક વાતો આમાં કહેવામાં આવી છે. હું જો ના ભૂલતો હોઉં તો અત્યાર સુધી આ વાત કોઈએ કરી જ નથી !!! આવાં સ્ટેટસો જો ફરતાં કરશોને મિત્રો તો જીવન સાર્થક થયેલું ગણાશે !!! આને ફરતું કરો એટલી જ છે મારી અભિલાષા !!!

લેખન અને સંકલન —-જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!