રીક્ષા ડ્રાઈવરનો છોકરો બન્યો ભારતનો સૌથી યુવાન IAS ઓફિસર

મહારાષ્ટ્રના એક નાના એવા શહેરમાં રહેતો એક રિક્ષા ડ્રાઇવર માંડ માંડ કરીને એનું જીવન નિર્વાહ કરતો હતો. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે આ ઓટો રિક્ષા ચલાવનાર ભાઈએ એના મોટા દીકરાને ભણતો ઉઠાડી લેવાનો નિર્ણય કર્યો. મોટો દીકરો હજુ ચોથા ધોરણમાં ભણતો હતો એટલે બિચારો માંડ 10 વર્ષનો હશે.

શાળાએ જઈને દીકરાનું નામ કમી કરવાનું કહ્યું એટલે એક શિક્ષકે આમ કરવા પાછળનું કારણ પૂછ્યું. રિક્ષા ડ્રાઈવરે શિક્ષકને કહ્યું,”સાહેબ, ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય. આ ભણી ગણીને શું કરવાનો છે ? આમ પણ કોઈ નોકરી તો મળવાની નથી તો ભણાવાથી શું ફાયદો ? જો મને કામમાં મદદ કરે તો ઘર ચલાવવામાં અનુકૂળતા રહે.” શિક્ષકે આ ભાઈને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને છોકરાનો અભ્યાસ ચાલુ રાખવા માટે મનાવી લીધા.

એકદિવસ કોઈ પોલિસવાળાએ આ રિક્ષા ડ્રાઈવર પાસે લાંચ માંગી. રોજનું કમાઈને રોજ ખાતા હોય અને એમાં કોઈને લાંચ તરીકે મોટી રકમ ધરી દેવાની થાય તો કેવી તકલીફ પડે એતો જેને અનુભવ્યુ હોય એને સમજાય. રિક્ષા ડ્રાઈવર ઘરે આવ્યો અને બધી વાત કરી. પેલા છોકરાને આ વાતથી ખૂબ આઘાત લાગ્યો. એને ત્યારે જ નક્કી કર્યું કે મારે મોટા થઈને અધિકારી બનવું છે અને લોકોની સેવા કરવી છે. જ્યારે છોકરાએ પરિવારના બધા સભ્યોને એના સપના વિષે કહ્યું ત્યારે બધાને કદાચ હસવું આવ્યું હશે પણ છોકરો એના જીવનનું ધ્યેય નક્કી કરી ચુક્યો હતો.

એ છોકરાએ હવે પોતાની પૂરી શક્તિ સરકારી અધિકારી બનાવા માટે લગાવી. યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સીધા જ કલેકટર બનવા માટે તનતોડ મહેનત કરી. પોતાનો ખર્ચો કાઢવા માટે એ ભણતા ભણતા એક હોટેલમાં વેઈટર તરીકે કામ પણ કરતો હતો. જ્યારે એ કોલેજ કરતો ત્યારે ઘણીવખત તો બે-ત્રણ દિવસ સુધી કઈ જ ખાવાનું ના મળે તો માત્ર ચા પાણી પીને પણ ચલાવે કારણકે એને તો એની મંઝિલ જ દેખાતી હતી.

યુપીએસસીની પરીક્ષા માટે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર જરૂરી છે આ છોકરાએ 21વર્ષ અને 8 દિવસ પુરા કર્યા અને પરીક્ષા આપી. પ્રથમ પ્રયાસમાં જ વિશ્વની સૌથી અઘરી ગણાતી પરીક્ષા એણે પાસ પણ કરી લીધી અને એ છોકરો માત્ર 21 વર્ષની ઉંમરે ભારત દેશનો સૌથી યુવાન આઈએએસ ઓફિસર બની ગયો.

મહારાષ્ટ્રના જાલનના વતની આ છોકરાનું નામ છે અંસાર શેખ. અંસારે સખત પુરુષાર્થના સથવારે એના ધ્યેયને હાંસલ કર્યું અને માતાપિતાને ગૌરવ અપાવ્યું.

મિત્રો, જીવનમાં કંઈ જ અશક્ય નથી. ધ્યેય નક્કી કરીને એને પ્રાપ્ત કરવા માટેના પ્રામાણિક પ્રયાસો કરવામાં આવે તો ભગવાનની કૃપા થાય જ.

લેખક – શૈલેષ સગપરીયા

error: Content is protected !!