અરવલ્લીની ડુંગરગાળીઓમાં રાજસ્થાનમાં જ્યાં પવિત્ર પુષ્કરતીર્થ આવેલું છે, ત્યાં થોડી સદી પૂર્વે એક રાજપૂત કિશોર બકરાં ચારતો હતો. મૂછનો દોરો હજી ફૂટી રહ્યો હતો. પ્રચંડ દેહકાઠી, વિશાળ ભાલ અને તેજસ્વી આંખો ચમકી રહી હતી.
આ ચૌહાણ કિશોર બકરાં ચારતો ચારતો પથ્થરના ગઢકિલ્લા ગોઠવ્યા કરતો અને સાધુસંતોને બકરાનું દૂધ પાઇ પ્રસન્નતા અનુભવતો.
પુષ્કરતીર્થની એ ડુંગરગાળીમાં એક સંન્યાસીની નાની મઢૂલી હતી. થાક્યોપાક્યો આ ગોપ કિશોર મઢૂલીએ આવીને વિરામ લે, સંન્યાસીનું નાનું-મોટું કામ કરે અને તેમની પાસેથી જ્ઞાનનું અમૃત પીએ. સાધુએ કિશોરની હૈયાસૂઝ જોઇ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જોઇ, એ શ્રદ્ધા માટે ઝૂઝવાની આંતરિક તાકાત જોઇ અને સાધુ એક દિવસ પ્રસન્ન થઇને બોલી ઊઠ્યા :
‘તું બકરાના પાલન માટે નથી જન્મ્યો, બચ્ચા! પણ દેશના અને ધર્મના રક્ષણ માટે જન્મ્યો છો. આર્યાવર્ત માથે યવનોનાં ધાડાં ઊતરી રહ્યાં છે. તારું સ્થાન ધર્મરક્ષામાં મોખરે હોેવું જોઇએ. બકરાં ચારવાનો આ ડંગોરો છોડ ને તલવાર ઉઠાવ ઇશ્ર્વરના તારા પર આશીર્વાદ રહેશે.’
સાધુના આશીર્વાદ પામી જુવાને બકરી છોડી માણસોને કેળવવાનું શરૂ કર્યું. દળ, નદિયું અને દુશ્મનોથી રક્ષણ મેળવવા સર્પગિરિ ઉપર ગઢનું બાંધકામ કર્યું. આ ગઢ ફાવ્યો નહીં ત્યારે એ જ પહાડની બીજી બાજુ ગામ વસાવ્યું. આ ધર્મપ્રેમી શૂરવીર રાજપૂતની બાલ્યાવસ્થા બકરાંપાલનમાં ગયેલી, એટલે બકરી (અજ)ના પાળનાર-અજપાળ તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે જે શહેર વસાવ્યું તે આજનું અજમેર.
પ્રજાનું પાલન, સ્વધર્મની રક્ષા અને જોગી તરીકે જીવન જીવનારા અજપાળને સંતતિ ન હતી, તેથી પોતાના નાના ભાઇ પૃથ્વીપાળને ગાદી સોંપી પોતે સાધુજીવન જીવવા લાગ્યા. અજપાળ જેટલા શૂરવીર હતા તેટલા જ રાજકાજમાં કુશળ અને ચકોર હતા. આરબોનાં ધાડાં ત્યારે ભારતભૂમિ ઉપર ઊતરી ચૂકેલાં અને લોકોનું ઇસ્લામમાં ધર્માંતર થઇ રહ્યું હતું. યોગી અજપાળને એના દૂતો દ્વારા સંદેશા મળતા રહ્યા કે અજમેર સુધીના પંથકને ઇસ્લામધર્મી બનાવવા યવનો કચ્છના દરિયામાર્ગેથી ઊતરીને આક્રમણ લઇ આવવા માગે છે.
અજપાળે લાવ-લશ્કર લઇને દરિયો ઊતરતાં જ યવનોનો સામનો કરવા તૈયારી કરી. દડમજલ કૂચ કરતાં અજમેરથી કચ્છ પહોંચ્યા અને વિવિધ નાકાં દબાવીને કચ્છમાં થાણાં નાંખ્યાં. અજમેર પોતાના ભાઇ પૃથ્વીપાળને સોંપ્યું. પોતે તો જોગીવેશે યોગસાધના કરતા. ધર્મરક્ષા માટે જોગીઓની એક પ્રચંડ જમાત ‘ધર્મસેના’પણ તૈયાર કરેલી.
અજમેરમાં રોશનઅલી નામનો એક ધર્મપ્રચારક બેકાબૂ થયેલો. કહે છે કે એણે રાજા પૃથ્વીપાળ માટે આવતા માખણને અભડાવ્યું. રાજા ક્રોધે ભરાયા અને તેને સજા કરી. રોશનઅલીએ આરબ સૈયદ મિરાનને આ કથની લખી મોકલી. સૈયદ મિરાને સોદાગરના વેશે પાંચસો ઘોડા અજમેરમાં ઉતાર્યા, પણ ઓળખાઇ ગયો. યુદ્ધ થયું અને તેમાં સૈયદ મિરાન મરાયો.
અજપાળને ખબર પડતાં તે કચ્છથી અજમેર પહોંચ્યા. અજમેરમાં યુદ્ધ ચાલુ હતું ત્યાં કચ્છને કાંઠે ભદ્રેશ્ર્વરમાં આરબો ઊતરી રહ્યાના સમાચાર મળ્યા. અજમેરનો મામલો પૃથ્વીપાળને ભળાવી અજપાળ આરબો સામે કચ્છમાં ચડ્યા.
અજપાળની આગેવાની નીચે જે સેના ઊભી કરવામાં આવી હતી, એ સેનાનું નામ ધર્મસેના રાખવામાં આવ્યું હતું. કચ્છમાં અંજાર નજીક આરબ અને ધર્મ (યોગી)સેનાનો ભેટો થયો. પરધર્મીઓની સેના ધર્મસેના કરતાં ઘણી મોટી હતી ધર્મરક્ષા કાજે ધર્મસેનાએ દુશ્મનો સામે ભયંકર યુદ્ધ ખેલ્યું. એ યુદ્ધમાં ધર્મસેનાના મોટા ભાગના સૈનિકો વીરગતિને પામ્યા. અજયપાળ પોતે પણ મરાણા. પરધર્મીઓની જીત થઇ, પણ એ વિજય ભારે આકરો હોવાથી કચ્છ જીતવાનું માંડી વાળી વિધર્મીઓ પોતાના વતન તરફ પાછા વળ્યા. મુસલમાનોનું કચ્છ ઉપરનું એ પહેલું આક્રમણ અજયપાળે મારી હઠાવ્યું.
અંજારના યુદ્ધમાં દેવસેનાના મોટા ભાગના સૈનિકો માર્યા ગયા, પણ બાકી રહેલ સૈનિકોએ નાની નાની દેવસેનાઓ રચી પરધર્મીઓને સિંધમાંથી હટાવી દેવા માટે પ્રયત્નો કર્યા. અજયપાળે સ્થાપેલ દેવસેનાનું કાર્ય ચાલુ રહ્યું અને વર્ષો સુધી એ સેનાના સૈનિકોએ પરધર્મીઓની સામે નાનાં-મોટાં યુદ્ધો ખેલ્યાં.
અજયપાળ જે સ્થળે મૃત્યુ પામ્યો હતો તે સ્થળે દેવસેનાના સેનાનીઓએ એક શિવમંદિર બંધાવ્યું અને તેની બહાર ભૂંડનો શિકાર કરનાર ઘોડેસવાર અજયપાળનો પાળિયો મૂકવામાં આવ્યો. અજયપાળના સમય પછી દેવસેનાના જે સેનાનીઓ પરધર્મીઓની સાથેના યુદ્ધમાં વીરગતિ પામતા તેની ખાંભીઓ મૂકવામાં આવતી. એ ખાંભી અજયપાળની ખાંભી જેવી જ બનાવવામાં આવતી. આવી ઘણી ખાંભીઓ રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. એ ખાંભીઓ મહેસાણા જિલ્લાના દેલમાલ, ખેરાળુ, વડનગર અને પિઠાઇ ગામમાં મુકાયેલી છે. આ બધી ખાંભીઓની હાલમાં પણ પૂજા થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ પ્રકારની બે ખાંભી મુકાયેલી છે.
અજપાળ (અજયપાળ)ના જીવન અંગેની લગભગ એકસરખી લોકોક્તિઓ મેવાડ, દક્ષિણ મારવાડ અને ઉત્તર ગુજરાતમાં સાંભળવા મળે છે. અજયપાળની આ શૂરવીરતાને લીધે કચ્છમાં તો તે પીર તરીકે પૂજાયા. સંત તરીકેની તેમની નામના હતી જ. સ્વધર્મ માટે યુદ્ધ ખેલીને ખપી જનાર વીરનું શૌર્યપૂજક પ્રજા તરફથી સ્થાનક બંધાણું. જતે દિવસે આ સ્થાનકની આસપાસ વસતિ વધતાં ગામ વસી ગયું. અજપાળ ઉપરથી તે ગામનું નામ પડ્યું. તેમાંથી નામ અપભ્રંશ થયું તે કચ્છનું આજનું અંજાર શહેર.
કચ્છની ધરા ઉપર સ્વધર્મ ખાતર મુસલમાનોનાં સૌથી પહેલાં ધાડાંને ખાળનાર અજપાળ પ્રથમ જોગી જતિ રાજવી હતો. એનું ઉજ્જવળ બલિદાન આજે ઢંકાઇ ગયું છે, પરંતુ જનતામાં શૂરવીરાઇના સંસ્કારો પેદા કરવા જોઇએ તેવી પ્રેરણા યોગરાજ અજપાળ આપી રહ્યા છે.
અંજાર શહેર સતી તોરલ અને જેસલ જાડેજા તથા અજપાળના નામ થકી ગુજરાતમાં મુલ્ક પ્રખ્યાત છે. કામણગારી ધરતીની આવી વાતું છે, બાપા!
તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ,
નર પટાધર નીપજે, કોડીલો કચ્છ દેશ.
📌 લેખક :- જયમલ્લ પરમાર
📌 સંદર્ભ:- ભાગુ તો ભોમકા લાજે