ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજકોટનું વોટસન સંગ્રહાલય

સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે. કોઈ પણ મહાનગરની સંસ્કૃતિ અને સંસ્કારિતાની સાચી ઓળખ ત્યાં આવેલા પુસ્તકાલયો અને મ્યુઝિયમો અર્થાત્ સંગ્રહસ્થાનોની સંખ્યા પરથી મળી શકે. આજે સંગ્રહસ્થાનોનું જે સ્વરૃપ છે તેનો પ્રારંભ ૬ઠ્ઠી સદીની આસપાસ યુરોપમાં થયો હતો. ખ્રિસ્તી પાદરીઓ પોતાના ધર્મગુરુઓના અવશેષો એમાં સાવચતા. રોમન રાજાઓ, પૂર્વજોના સ્મૃતિ ચિહ્નો સાચવવા આવા સંગ્રહસ્થાનો ઊભા કરતાં. જગતમાં સૌથી વધારે સંગ્રહાલયો ધરાવતો દેશ ફ્રાંસ છે. ભારતમાં સંગ્રહસ્થાનોની પ્રવૃત્તિનો વિકાસ અઢારમી સદીથી શરુ થયો.

ભારતનું સૌ પ્રથમ સંગ્રહાલય સન ૧૭૯૬માં સર વિલિયમ્સ જોન દ્વારા કલકત્તામાં સ્થપાયું. મુંબઈનું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ સને ૧૮૫૧માં ડો. અર્સ્ટને સ્થાપ્યું. જ્યારે ગુજરાતનું સૌ પ્રથમ સંગ્રહસ્થાન કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજાના હસ્તે ભૂજમાં સન ૧૮૭૭માં આરંભાયું. એ પછી ગુજરાતમાં જે સંગ્રહાલયો શરુ થયા તેમાં ભૂજનું આયના મહેલ સંગ્રહાલય, જૂનાગઢનું દરબારા હોલ અને સક્કરબાગ, જામનગરનું લાખોટા, ધરમપુરનું લેડી વિલ્સન, પ્રભાસપાટણનું પ્રાચીન અવશેષોનું સંગ્રહાલય ઉપરાંત એકલું અમદાવાદ મહાનગર જ ૧૩ સંગ્રહાલયો સાચવીને બેઠું છે.

આજે અહીં વાત ઉઘાડવી છે સને ૧૮૮૮માં રાજકોટમાં સ્થપાયેલા વોટસન સંગ્રહાલયની. વોટસનનું પૂરું નામ કર્નલ જ્હોન વોટસન. ઇ.સ. ૧૮૭૮થી ૧૮૮૭ સુધી તેઓ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે આવ્યા હતા. ઇતિહાસ અને પુરાતત્ત્વમાં ઊંડી અભિરુચિ હોવાને કારણે તેમણે ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’નામે ઐતિહાસિક ગ્રંથ પણ ગુજરાતને સંપડાવ્યો છે. તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમણે કાઠિયાવાડની વિવિધ ક્ષેત્રે કરેલી સેવાઓની સ્મૃતિ કાયમ કરવા માટે લોકફાળો એકત્ર કરવામાં આવ્યો. આ ફાળાનો ઉપયોગ કરવા કેટલાક રસપ્રદ પ્રસ્તાવો રજૂ થયા તેમાં એક સૂચન એમના નામે સંગ્રહાલય માટેની ઇમારત ઊભી કરવાનું હતું. વોટસનને ઇતિહાસ અને પુરાતત્ત્વમાં અપાર રસ હતો એટલે આ સૂચન સ્વીકારાયું. એને માટે કર્નલ વોટસને પોતાની પાસે રહેલી પુરાતત્ત્વીય વસ્તુઓ અને કલાકૃતિઓ ભેટ આપી. રોબર્ટ બુ્રસ ફૂટે ભૂસ્તરશાસ્ત્રના અલભ્ય નમૂનાઓ આપ્યા. કેટલાક રાજવીઓએ પણ આ સંગ્રહસ્થાનને સમૃદ્ધ બનાવવા માટે પોતાની પાસે રહેલી કલાકૃતિઓ ભેટ આપી. આમ ઇ.સ. ૧૮૮૮માં રાજકોટ નગરના આંગણે વોટસન સંગ્રહાલય સ્થપાયું.

ઇ.સ. ૧૮૯૩માં આ ઇમારતની ઉદ્ઘાટન વિધિ મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસના હસ્તે કરવામાં આવી. એ પ્રસંગે એક પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનમાંથી આ પ્રાંતની ઐતિહાસિક તથા જૂની કલાકારીગરીવાળી વસ્તુઓનો સંગ્રહ એમાં ઉમેરાયો. એ પછી ભૂતપૂર્વ ક્યુરેટરોએ પ્રાચીન સ્થળોની મુલાકાત લઈ તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ ચર્મપત્ર વગેરે નમૂના મેળવીને સંગ્રહસ્થાનોમાં પ્રદર્શિત કર્યા સને ૧૯૬૮માં સંગ્રહસ્થાનોની પુનઃરચનાનું કાર્ય કેન્દ્ર સરકારની સહાયથી કરવામાં આવ્યું.

થોડાં પગથિયાં ચડીને વોટસન સંગ્રહસ્થાનમાં પ્રવેશ કરતાં જ બ્રહ્માનું વિશાળકદ શિલ્પ આવનાર સૌનું ધ્યાન ખેંચે છે. અહીંથી મધ્યવર્તી વિશાળ ખંડમાં પ્રવેશ કરી શકાય છે. રાજવી ઠાઠમાઠ ધરાવતો આ વિશાળ ખંડ કાઠિયાવાડના કોઈ રાજવીના દરબાર હોલની ઝાંખી કરાવે છે અને રાજવી યુગનો સાંસ્કૃતિક ઇતિહાસ રજૂ કર છે. આ હોલમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રાજવીઓના વિદેશી ચિત્રકારોનાં હાથે તૈયાર કરાયેલા ઉત્તમ કોટિના તૈલચિત્રો, વિવિધ રજવાડાઓના રાજ્યના રાજચિહ્નોની પ્રતિકૃતિઓ તેમજ રાજવીઓના માલિકીના આકર્ષક રીતે ગોઠવેલા શસ્ત્રાસ્ત્રો, રૃપાના પતરાથી મઢેલું રૃડું રાજાશાહી ફર્નિચર વગેરે સૌરાષ્ટ્રના રાજવીઓના રોનકભર્યા જીવનનો અને કલાપ્રેમનો સુપેરે ખ્યાલ આપે છે.

અહીંના પ્રાગૈતિહાસિક વિભાગમાં દોરી જતા ક્યુરેટર શ્રી વિરેશભાઈ દેસાઈ અહીં પ્રદર્શિત થયેલા પાષાણયુગના ઓજારો, પ્રાગૈતિહાસિક તથા આદ્ય ઐતિહાસિક યુગની કેટલીક પુરાતતત્ત્વીય વસ્તુઓ, માટીના તૂટેલા પણ ચિતરેલા વાસણો, આભૂષણો અને મણકા બતાવી ૫ હજાર વર્ષ પૂર્વેની મોહેંજોદડો હડપ્પા અને ધોળાવીરાની પુરાતન સંસ્કૃતિની વાત કરે છે, એની પ્રતિકૃતિઓ અને તસવીરો બતાવે છે.

સંગ્રહસ્થાનમાં બીજો મહત્ત્વનો વિભાગ શિલ્પ સ્થાપત્યનો છે. આ વિભાગમાં જેઠવાઓની રાજધાની ધૂમલીના દસમી સદીના શિલ્પોની કમનીય કમાન દર્શકોને ઊડીને આંખે વળગે છે. આ વિભાગમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ શૈલીના શિલ્પોનો સંગ્રહ પ્રદર્શિત કરાયો છે. એમાં ધૂમલીના શિલ્પો ઉપરાંત માંગરોળના ૭મી સદીના ગુપ્ત શૈલીના સૂર્ય, સિદ્ધપુરના સૂર્ય- સૂર્યાણી, ચોબારીના ૧૨મી સદીના કાળા પથ્થરના શેષશાયી વિષ્ણુ, ઝીંઝુવાડાની ભવ્ય માતૃકાઓ, શિવપાર્વતીની સુખાસન મૂર્તિ, બારમી સદીના ખોલડીઆદની કાળા પથ્થરની વરાહની મૂર્તિ, પીઠડિયાનો રેતિયા પથ્થરમાં કંડારાયેલો માતૃકાપટ, સિદ્ધપુરની શ્વેત આરસની વિષ્ણુ (ત્રિલોક્ય મોહન)ની ૧૩મી સદીની મૂર્તિ આ વિભાગનું આકર્ષણ છે.

ભારતની હસ્તકલા કારીગરીના કેટલાક ઉત્કૃષ્ટ નમૂનાઓ સારી એવી સંખ્યામાં પ્રદર્શિત થયા છે. તેમા સૌરાષ્ટ્રની વિવિધ જાતિઓ- કણબી, આયર, રબારી, હરિજન, કારડીઆ સ્ત્રીઓના હીરભરત, કચ્છીભરત અને મોતી પરોવણાં, પેચવર્ક, આરીભરત, સાંકળી ટાંકાનું ભરત, તોરણ, પછીતપાટી, ચાકળા, ચંદરવા ઉપરાંત બનારસ, ત્રાવણકોર, દિલ્હી, મૈસુર, કટક, લખનૌની કલાકારીગરીવાળા નમૂના ઉપરાંત ગુજરાતના વિવિધ પ્રદેશોના ચાંદીકામ, હાથીદાંત, સુખડકામ, જડતર કામ, વિવિધ ઘાટઘૂટવાળા ધાતુપાત્રો, પાનદાનીઓ, લોકવરણના વસ્ત્રો અને અલંકારો ઉપરાંત પાઘડીઓ, પાનપેટીઓનો અજોડ સંગ્રહ વ્યવસ્થિત રીતે પ્રદર્શિત થયો છે.

અન્ય એક વિભાગ ધાતુના શિલ્પો અને પ્રાચીન ભારતીય સિક્કાઓનો છે. શિલ્પોમાં ગુજરાતથી શરુ કરીને ભારતના અન્ય પ્રાંતોની વિવિધ શૈલીના ૧૬થી ૧૯મી સદીના શિલ્પોનો અહીં સંગ્રહ છે. જેમાં દક્ષિણ ભારતની ગરુડની મૂર્તિ, મૂષકારૃઢ ગણેશ, મહિષમર્દિની, સરસ્વતી તથા બોધિસત્ત્વના શિલ્પો ઉલ્લેખનીય છે. જ્યારે સિક્કાઓમાં પ્રાચીન સમયથી શરુ કરીને છેક દેશી રાજ્યોના સમય સુધી ચાલેલા ચલણી સિક્કાઓ અહીંના સંગ્રહમાં મૂકાયા છે. જેમાં પ્રાચીન પંચમાર્ક, ઇન્ડોપાર્થીયન, ક્ષત્રપ, કુશાન, આંધ્ર, ગુપ્ત તથા મૈત્રક રાજાઓના સિક્કાઓ, ગધૈયા, દિલ્હી સલ્તનત તથા ગુજરાત સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજવીઓના સિક્કા સારી એવી સંખ્યામા સંગ્રહાયા છે.

ઇતિહાસવિદોને રસ પડે એવો એક વિભાગ જૂના શિલાલેખો અને તામ્રપત્રોનો છે. શિલાલેખો વિભાગમાં ત્રીજી સદીના મૌર્યકાલ પછીના સમયનો લેખ, રૃદ્રસેન તથા રૃદ્રસિંહના ક્ષત્રપ  શિલાલેખો, સોલંકી તથા વાઘેલા રાજાઓના વખતના ઉત્કીર્ણ શિલાલેખો સંગ્રહમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એ જ રીતે અહીં જૂના રાજવીઓ ધરસેન, શિલાદિત્ય ધરણીવરાહ તથા જાઇકદેવના તામ્રપત્રો અતિમૂલ્યવાન અને મહત્ત્વના બની રહ્યા છે.

નૃવંશશાસ્ત્રને માટે અગત્યનો ગણાય એવો એક વિભાગ માનવ જાતિની ઓળખ આપતો છે. અહીં સૌરાષ્ટ્રના રબારી, આહિર, સથવારા, વાઘેર અને ચારણની ઓળખ આપતા એમના વસ્ત્રાલંકારો સાથે નાના કદમાં દર્શાવ્યા છે. જ્યારે મેર કુટુંબની પૂરા કદની પ્રતિકૃતિઓમાં તેમના ઘર અસલી વસ્ત્રો, ઘરેણાં અને ઉપસ્કરણો સાથે ડાયોરામા સ્વરૃપે દર્શાવેલ છે.

ભારતીય વસ્ત્રવણાટની પ્રાચીન પરંપરાને તાદ્રશ્ય કરતા વસ્ત્રકલા વિભાગમાં ગુજરાતના પાટણના રંગબેરંગી ભાતોના પટોળાં, કચ્છ અને જામનગરની બાંધણી, બનારસી સેલા, કિનખાબ, અટલસ, કારચોળી, સાટીન તથા બાલુચર સાડીઓ ઉલ્લેખનીય છે.

ગુજરાત જૂનાકાળથી ગીત, સંગીત અને નૃત્યની ધરતી ગણાય છે. અહીં ગુજરાતના પારંપારિક પ્રાચીન વાદ્યો ઢોલ, શરણાઈ, ભૂંગળ, જોડિયા પાવા, મોરચંગ, બંસરી, સારંગી, દિલરૃબા, સિતાર, સુરંદો, રણશિંગું, સૂરસોટા, દોકડ, ઝાંઝ, ડાકલું અને ઢોલક જેવા વાદ્યો સંગ્રહસ્થાનની શોભા બની રહ્યા છે.

ગુર્જર સુથારોની કાષ્ટકલા જૂના કાળે દેશવિદેશમાં વિખ્યાત હતી. ગુજરાતના જનજીવનમાં અને ગૃહસ્થાપત્યમાં આગવું સ્થાન ધરાવતી કાષ્ટશિલ્પ સ્થાપત્ય અને કાષ્ટ કોતરણીની કલાના ૧૬મી સદીથી લઈને આજ સુધીના કલાપૂર્ણ નમૂના તબક્કાવાર પ્રદર્શિત કરાયા છે. સુંદર નકશીથી મઢેલ બ્રેકેટ- નેજવા, કમાનો, પૂતળીઓ, ઝરૃખા, કમાડ, ટોડલા વગેરે ધ્યાનાકર્ષક બની રહ્યા છે.

ચિત્રકારોને રસ પડે એવો નાનકડો વિભાગ લઘુચિત્રોનો છે. તેમાં અજંતાના ચિત્રોથી માંડીને આધુનિક ચિત્રકારો સુધીના સુંદર ચિત્રો અહીં જોવા મળે છે. પ્રાચીન તાડપત્રો, જૈન કલ્પસૂત્રો, પોથીના રંગીન પૂંઠાઓ, મોગલ- રાજસ્થાની તથા પહાડી શૈલીના લઘુચિત્રોના મનોહર અને મૂલ્યવાન અસલ નમૂના અહીં દર્શાવાયા છે.

આ કોલમ માટે ખાસ ફોટોગ્રાફી કરવા જામનગરથી આવેલ ઉત્સાહી તસવીરકાર કિશોર પીઠડિયાએ યુરોપિયન આર્ટ વિભાગમાં શ્વેત આરસમાં કંડારાયેલી ‘રાણી વિક્ટોરિયા’ની પ્રતિમા તરફ અમારું ધ્યાન ખેંચ્યું. રાણીની આ મૂર્તિ લંડનના શિલ્પી આલ્ફ્રેડ ગિલ્બર્ટે સને ૧૮૯૯માં બનાવી હતી. અહીં પ્રાચીન રોમન સામ્રાજ્યની પ્રેમ અને સૌંદર્યની દેવી વિનસની પ્લાસ્ટર કાષ્ટ પ્રતિમા તથા ગ્લેડેટિયટરની પ્રતિકૃતિ પણ નજરે પડે છે. આ ઉપરાંત અહીં વિવિધ અધિકારીઓના યુરોપિયન ચિત્રકારોના હાથે તૈયાર કરાયેલ વિશાળ કદના તૈલચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Watson_Museum_Queen_Victoria_Statue

પ્રકૃતિના ખોળે ખેલનારા રંગબેરંગી પક્ષીઓ પણ એક વિભાગમાં મૂંગામંતર બનીને બેઠાં છે. એમાં જલપક્ષીઓ, કલગીવાળો સકરો બાજ, કચ્છમાં શિયાળો ગાળવા આવતા સૂરખાબ તથા બતક, બગલો, પોપટ, કોયલ, કાંકણસાર પક્ષીઓ ઉપરાંત કરોડરજ્જુવાળા પ્રાણીઓ, શિયાળ, સસલાં, ખીસકોલી, વનિયર, વાંદરા, કીડીખાઉ, બિલાડી, મગર, દીપડા વગેરેના સ્ટફ્ડ નમૂનાઓ ટૂંકી વારતાના દ્રષ્ટાંતરૃપે કલામય રીતે રજૂ થયા છે.

છેલ્લો વિભાગ ભૂસ્તર શાસ્ત્રનો છે. અહીં મૂકાયેલાં ભૂસ્તર તથા ખનિજોના નમૂના રોબર્ટ બુ્રસક્રુટ તરફથી પ્રાપ્ત થયેલા છે. આ ઉપરાંત કાલાનુક્રમે જુદી જુદી જાતના પથ્થરો તથા ખનિજના પ્રાચીન નમૂના પ્રદર્શિત કરાયા છે. ખડકો અને ખનિજોના અકીક, જીપ્સમ, બોક્સાઇટ, કેલ્સાઇટ, લિગ્નાઇટ, ચુનાના પથ્થર અને અબરખ ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો (ફોસિલ્સ) ભૂસ્તર શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રીતે ઘણાં મહત્ત્વના છે.

આમ સંગ્રહાલયો આપણી સંસ્કૃતિ અને કલાવારસાને પ્રદર્શિત કરી તેના જાજરમાન ઇતિહાસને સાચવી- જાણકારી આપતું માનવ સંસ્કૃતિનું સર્વોત્તમ કેન્દ્રસ્થાન બની રહ્યાં છે. ડો. આર. ટી. સાવલિયા કહે છે કે સંગ્રહાલય એ માત્ર ઇતિહાસના ગ્રંથોને ધ્યાનમાં રાખી ખોદકામમાંથી નીકળેલી કે એકઠી કરેલી વસ્તુઓનું પ્રદર્શન જ નથી હોતું, પણ ઇતિહાસ સાથે માનવ સંસ્કૃતિના અન્ય પાસાઓનું જતન કરી તે અંગેનું જ્ઞાન આપતી વિદ્યાપીઠ પણ છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!