હોળી પ્રસંગે સળગતા અંગારા પર ચાલવું એ ચમત્કાર નથી

કહેવતમાં સાચું જ કહ્યું છે કે, ‘સળગતો અગ્નિ અને વહેતું પાણી કોઈનીય શરમ ભરતાં નથી.’ ઊંડા પાણીમાં ઊતરો ને તરતા ન આવડતું હોય તો એ ડુબાડી જ દે. સળગતું લાકડું હાથમાં ઝાલો તો દાઝી જ જવાય. એમાં મીનમેખ નથી. બાજંદા તરવૈયા પોતાની તરણવિદ્યા દ્વારા નદી કે સમુંદર તરી જાય છે. પણ સળગતા લાલચોળ અંગારા પર ચાલો છતાં તમારાં પગનાં તળિયાં દાઝે નહીં એવી કોઈ વિદ્યા કે કળા ન આવડતી હોય એવા ભોળું અભણ શ્રદ્ધાલુઓ રોગ, દોગ કે મોટી માંદગીથી બચવા માટે રાખેલી બાધા પૂરી કરવા માટે આગ પર હિંમતભેર ચાલે છે. આને આપણે શ્રદ્ધા કહીશું ? વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો આને કઈ રીતે મૂલવે છે એની વાત કરીએ.

અગ્નિ એ તેજ તત્વનો દેવ છે. અગ્નિખૂણાનો દેવ છે. ગાયત્રીના ૨૪ દેવતામાંનો એક દેવ છે. મુંડકોપનિષદમાં જણાવ્યા મુજબ અગ્નિદેવતાને ૭ જીભ છે. ૧ કાલી, ૨ કરાલી, ૩ મનોજવા, ૪ સુલોહિતા, ૫ ઘુમ્રવરણા ૬ સ્ફુલિંગિની, ૭ વિશ્વરૂપી. બૃહતસંહિતામાં ૨ નામ ઉષા અને પ્રદીપ્તા છે. આનંદશંકર ઘુ્રવ કહે છે કે દેવધરીમાં પ્રાચીનમાં પ્રાચીન અગ્નિપૂજા અને સૂર્યપૂજા છે.

વૈદિક મત મુજબ અગ્નિ ૩ પ્રકારનો છે. ૧ ભૌમ, જે ઘાંસ, લાકડાં વગેરે બળવાથી ઉત્પન્ન થાય છે. ૨ દિવ્ય, જે આકાશમાંથી વીજળીથી ઉત્પન્ન થાય છે ૩ ઉદર, અથવા જઠરમાં પિત્તરૂપે રહીને અન્નને પચાવે છે. કર્મકાંડમાં અગ્નિના છ પ્રકાર ગણાવ્યા છે. ૧ ગાર્હપત્ય ૨ આહવનીય ૩ દક્ષિણાગ્નિ ૪ સભ્યાગ્નિ ૫ આળસઘ્ય અને ૬ ઓપાસનાગ્નિ. ભારતના ૧૮ પુરાણોમાંનું એક ‘અગ્નિપુરાણ’ છે. કહેવાય છે કે સૌથી પહેલું અગ્નિએ વશિષ્ટ ૠષિને તે સંભળાવેલું. એ ઉપરથી એનું નામ ‘અગ્નિપુરાણ’ પડ્યું. અગ્નિહોત્ર કરનાર બ્રાહ્મણ અગ્નિહોત્રી કહેવાય છે. વેદવિધિથી સવારે અને સાંજે અગ્નિમાં હોમ કરનાર અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘેર ચોવીસે કલાક અગ્નિ બળતો રાખી તેમાં નિત્ય કર્મ તરીકે વૈદિકયજ્ઞ કરવામાં આવે છે. બ્રાહ્મણ માટે ધર્મશાસ્ત્રમાં કહેલું છે કે બ્રહ્મચર્ય આશ્રમ પુરો કરી વિવાહ કરવો અને જે અગ્નિ આગળ વિવાહ થયો હોય તેને પતિપત્નીએ પોતાના ઘરમાં એક અગ્નિશાળા રાખી હંમેશા તેનું સવાર સાંજ પૂજન અને હોમ કરવાં તથા એ જ અગ્નિએ છેવટ બળવું.

અગ્નિકલા ૧૦ છે. ૧ ઘૂમ્રર્ચિસ, ૨ ઉષ્મા, ૩ જ્વલિની, ૪ જ્વાલિની, ૫ વિસ્ફુલિંગી ૬ સુશ્રી, ૭ સુરૂપા, ૮ કપિલા, ૯ હવ્યવાહા અને ૧૦ કવ્યવાહા. અગ્નિ સાથે જોડાયેલા અગ્નિકાષ્ઠ, અગ્નિકુંડ, અગ્નિકુમાર જેવા શબ્દો અને ‘અગ્નિને ઉધઈ ન લાગે’, ‘અગ્નિ આગળ ઘી’ જેવી કહેવતો ય મળે છે.

હોળી-ઘૂળેટીના દિવસોમાં અંગારા પર ચાલવાની ક્રિયા ગુજરાતના ગામોમાં અને આદિવાસી વિસ્તારોમાં જ છે એવું નથી. ભારત ઉપરાંત શ્રીલંકા, બર્મા અને દ.આફ્રિકા જેવા દેશોમાં આવી ધાર્મિક ક્રિયાઓ આજે ય થાય છે. ‘અગ્નિક્રીડા’ આગ સાથેની રમત ભારતમાં પ્રાચીન કાળમાં પણ થતી. ધગધગતા અંગારા પર ચાલવું, બળતા કાકડા ચૂસવા, સળગતા કાકડા બાવડા પર અને પેટ પર ઘસવા, મોંમાં ગ્યાસતેલ ભરીને આગની જ્વાળાઓ પ્રગટાવવી. ગરમ થવાને લીધે ફૂલ ઊડતાં હોય એવી લોઢાની સાંકળ પકડવી. (જૂના ભવાઈવેશમાં આવા અગનખેલ આ લેખકે અનેકવાર જોયા છે. આ કરનારા ભવાઈ કલાકારો આજે ય હયાત છે.)

જૂના જમાનામાં સાચજૂઠના પારખાં લેવા માટે અગ્નિપરીક્ષા અર્થાત્‌ આકરી કસોટી પણ કરવામાં આવતી. એ ‘અગ્નિદિવ્ય’ નામે ઓળખાતી. અગાઉના વખતમાં ગુનો નક્કી કરવા માટે તહોમતદાર દોષિત છે કે નિર્દોષ જાણવા માટે એને બળતા અગ્નિમાંથી પસાર કરવો, ઉકળતા પાણી કે તેલમાંથી તેની પાસે વીંટી કઢાવવી, તપેલો લોઢાનો ગોળો ઉપડાવવો, તપાવેલો થાંભલો, સાંકળ કે દેવતા પકડાવવા, ઉપર કકડતું તેલ નાખવું વગેરે ક્રિયા કરવામાં આવતી. માન્યતા એવી હતી કે નિર્દોષ હોય તો કંઈ ઇજા થાય નહીં. આજે તો એને અંધશ્રદ્ધામાં ખપાવવામાં આવે છે. સત્યયુગમાં સતી સીતાજીએ અગ્નિપરીક્ષા નહોતી આપી ? ભક્ત પ્રહ્‌લાદે ભક્તિથી પોતાની અગ્નિપરીક્ષા પસાર નહોતી કરી ? સત્યયુગ અને કળિયુગમાં આ રિવાજ સમાન જ છે.

અગ્નિ અંગેની આ ‘ચમત્કારિક’ પ્રવૃત્તિ વિશેની સૌ પ્રથમ વૈજ્ઞાનિક નોંધ સને ૧૯૩૫માં જોવા મળી છે. ખુદાબક્ષ નામનો એક કાશ્મીરી જાદૂગર ઇંગ્લેન્ડમાં ગયો હતો. ત્યાં તેણે યુનિવર્સિટીના અઘ્યાપકો, બુદ્ધિજીવીઓ અને બીજા કેટલાક વિજ્ઞાનીઓની હાજરીમાં આગ પર ઉઘાડા પગે ચાલવાનો કરતબ કરી બતાવ્યો હતો.

આ પ્રયોગ દરમિયાન એક વિજ્ઞાનીએ ખુદાબક્ષના પગનાં તળિયાનું આગ ઉપર ચાલતા પહેલાં ઉષ્ણતામાન માપ્યું. ઓક્સફર્ડના એક તબીબે ઝીણવટપૂર્વક એનાં પગનાં તળિયાં તપાસ્યાં. તળિયાનું ઉષ્ણતામાન ઘણું નીચું હતું. ખુદાબક્ષના તળિયાની ચામડી પ્રમાણમાં જાડી હતી. એ પગ ધોયા પછી તરત જ આગની પથારી પર બે વખત પસાર થઈ ગયો. એ પછી એના પગનાં તળિયાં તપાસવામાં આવ્યાં. ન તો કોઈ દાઝ્‌યાનો ડાઘ, ફોલ્લો કે ઇજાનાં નિશાન હતાં. સૌ આશ્ચર્ય પામી ગયા, પણ કારણ જાણી શક્યા નહીં.

આગ પર ચાલવાની પ્રક્રિયાને વઘુ વ્યવસ્થિત રીતે સમજાવવાનો સફળ પ્રયાસ શ્રીલંકાની કોલંબો મેડીકલ કોલેજના શરીર શાસ્ત્ર વિભાગના વિજ્ઞાની ડૉ. કાર્લો ફોન્સેકાએ કર્યો. એના કહેવા પ્રમાણે આગ પર ચાલનાર વ્યક્તિના પગનાં તળિયાને આગ સાથે ખૂબ ઓછો વાસ્તવિક સંપર્ક હોય છે. વળી આવા વખતે આગ પર ચાલનારના પગ હંમેશા ભીના હોય છે કે કાદવથી ખરડાયેલાં હોય છે. આથી ઈજા પહોંચે એટલી ઉષ્ણતાનો અનુભવ થતો નથી. ડૉ. કાર્લો ફોન્સેકાનું આ મંતવ્ય કંઈ સાવ આડેધડ નહોતું. એણે પ્રયોગશાળાની બહાર આગની પથારી તૈયાર કરાવી પાંચ હિંમતવાન યુવકોને તેના ઉપર ચલાવ્યા. આ પ્રયોગ દરમિયાન તેણે ધાર્મિક અગ્રણીઓ, વિજ્ઞાનીઓ, સામાજિક કાર્યકરો અને રાજપુરૂષોને નોતર્યા હતા.

ઉપસ્થિત પ્રેક્ષકોને પણ આગ ઉપર ચલાવ્યા હતા. આવા સંખ્યાબંધ પ્રયોગો પછી એણે તારણ કાઢ્‌યું કે અંગારા અને પગનો સંપર્ક ૦.૨ સેકન્ડથી માંડીને ૦.૬ સેકન્ડ સુધીનો હતો. ડૉ. ફોન્સેકાએ નોંઘ્યું કે આ દરમિયાન ૩૦૦ અંશ સેન્ટિગ્રેડથી ૪૫૦ સેન્ટિગ્રેડ જેટલી ગરમીનો પગનાં તળિયાને સામનો કરવો પડતો હતો. ઉલ્લેખનીય બાબત એ પણ હતી કે આગનો સામનો કરનાર પગનાં તળિયાની ચામડી ખૂબ જ જાડી હતી. (ભાલપંથકમાં ઉનાળાના ધગધગતા તાપમાં કાયમી ઉઘાડા પગે ચાલનાર લોકો આજે ય મળી આવે છે. એમનો પગ પડે તો બાવળની શૂળો જ ભાંગી જાય છે.)

શરીરશાસ્ત્રનો નિયમ એવું કહે છે કે કોઈ પણ પ્રકારની અસર થવા માટે ઉદ્દીપક સાથે ચામડીનો સંપર્ક અમુક ચોક્કસ સમય સુધી સતત રીતે ચાલુ રહેવો જોઈએ. એ સિવાય ગમે એટલો શક્તિશાળી ઉદ્દીપક હોય તો પણ એની અસર થવાની સંભાવનાઓ એકદમ ઓછી થઈ જાય છે. આગ ઉપર ચાલવાના ખેલમાં આ એક બહુ પાયાનો ભાગ ભજવે છે. ડૉ. ફોન્સેકાએ આ બતાવ્યું છે.

હૈદરાબાદની ગાંધી મેડીકલ કોલેજના શરીરવિજ્ઞાની ડૉ. શંકરરાવે ડૉ. ફોન્સેકાની વાતને સમર્થન આપતાં નોંઘ્યું છે કે આગ ઉપર ચાલવાનો ખેલ કરી બતાવનારા ૯૯ ટકા સાહસિકો કાં તો પહેલાં ઠંડા પાણીએ પગ ધોતા હોય છે અથવા તો એમના પગ ભીના કાદવથી ખરડાયેલા હોય છે. પગ ભીના હોય ત્યારે આગનો સંપર્ક થતાં શરૂઆતમાં તો ગરમી એના પગની ઠંડક ઉડાડે છે અને પછી જ એ ભેજનું નિર્મૂલન થતાં ગરમીની અસર ચામડી પર થાય છે. આ સંજોગોમાં અંદર સુધી ગરમી પહોંચવાનો છેદ સાવ ઊડી જાય છે.

આગ પર ચાલનારાઓ ૯૯ ટકા સાહસિકો પુખ્ત વયના જ હોય છે. ભાગ્યે જ કોઈ બાળકને આ પ્રયોગમાં સામેલ કરાય છે. એનું કારણ એ છે કે બાળકના પગના તળિયાંની ચામડી ખૂબ જ કોમળ હોય છે. આથી બાળક માટે આ પ્રયોગ જોખમી પુરવાર થાય છે. દાઝવાના સિદ્ધાંતની વ્યવહારમાં વાત કરીએ તો ઘણી ગૃહિણીઓ સાણસી હાથવગી ન હોય ત્યારે ઉભરાતા દૂધની તપેલી હાથ વડે પકડીને ચૂલા ઉપરથી નીચે મૂકી દે છે. ગરમ રોટલી કે ભાખરી તવી કે તાવડીમાંથી લઈને થાળીમાં મૂકી દે છે. ગામડામાં હુક્કો ગગડાવતા બંધાણીઓ સગડીમાંથી હાથ વડે અંગારા લઈને હુક્કામાં મૂકી દે છે. માતાનો માંડવો નંખાય ને ભૂવા ઘૂણે ત્યારે ‘માતાનો તવો’ કરવામાં આવે છે. એમાં ઉકળતા ગરમ તેલમાંથી હાથ વડે પૂરીઓ કે પાપડ કાઢવામાં આવે છે. અહીં પેલો સાદો નિયમ જ કામ કરતો હોય છે. એમના હાથનો અને ગરમ ચીજનો સંપર્ક કદી ૦.૩ સેકન્ડથી વધતો નથી. આથી તેમના હાથે ફોલ્લા ઉઠતા નથી.

ઇલેન્ટ્રોસ્ટેટિક ફિલ્ડ એટલે કે ઘર્ષણ વિદ્યુત ક્ષેત્રના નામે ઓળખાતા આ અંગેના એક ખુલાસા મુજબ અંગારા પર ચાલવાની પ્રક્રિયા દરમિયાન માનવ શરીરનું વિદ્યુત ક્ષેત્ર અગ્નિને ઠંડો પાડવાની ભૂમિકા ભજવે છે. આપણા શરીરમાંથી વહેતા અસરકારક વિદ્યુત તરંગ ક્ષેત્રને લીધે ઉત્પન્ન થતી ઠંડક અંગારા પર ચાલવાનું સહ્ય બનાવે છે. ‘કન્વેન્શનલ એન્ડ ઓલ્ટરનેટિવ મેડીસીન’ પુસ્તકના લેખક વેઈલ નોંધે છે કે દરેક માનવીમાં સુપરનેચરલ (અસાધારણ કહી શકાય તેવી) શક્તિઓ સુષુપ્તાવસ્થામાં રહેલી હોય છે. આપણું શરીર તથા મન આ શક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પ્રશ્ન અંગે તબીબી વિજ્ઞાન સંશોધનને આરે આવીને ઉભેલું છે.

અંગારા પર ચાલવાની વાતને કોઠાસૂઝવાળા અનુભવીઓ આ રીતે મૂલવે છે. અગ્નિ પર વખતોવખત ચાલવાની ટેવ પાડીએ તો સ્વાભાવિક રીતે આગ સામેની પ્રતિકાર શક્તિ ક્રમશઃ વધતી જાય. તળિયા રીઢા થઈ જાય પછી આરામથી આગમાં ચાલી શકાય છે.

મનોવિજ્ઞાનની રીતે જોવા જઈએ તો આસ્થા, વિશ્વાસ અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગ પર પગ મૂકનાર વ્યક્તિ એક પ્રકારના સેલ્ફ-હિપ્નોટિઝમ હેઠળ આવી જાય છે, આથી થોડીક ગરમી કે થોડીક ઇજાનો એને અનુભવ જ નથી થતો. ખૂબ ઠંડી હોય તો ય સાઘુ-બાવા ઉઘાડા શરીરે ફરે જ છે ને ! ઠંડીને પી જાય છે. જ્યારે નબળા મનનાં ઘણાં માણસો થોડીક ઠંડીથી ય થરથરવા માંડે છે. મહત્વની વાત તો એ છે કે આગનું ઉષ્ણતામાન એક સરખું હોવા છતાં જુદી જુદી વ્યક્તિઓને એની જુદી જુદી અનુભૂતિ થતી હોય છે. ગરમ ચા એક વ્યક્તિ સબડકા બોલાવીને પી જાય છે જ્યારે એ જ ચા બીજી વ્યક્તિની જીભને દઝાડે છે. કુદરતી પ્રતિકાર-શક્તિનો તફાવત અહીં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.

અગાઉ આપણે જોયું તેમ ગાંધીનગર જિલ્લાના પાલજ, પ્રાંતીજ પાસેના મજરા અને સાબરકાંઠાના આગિયા ગામમાં હોળીના દિવસે ધગધગતા અંગારા પર શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ ખુલ્લા પગે ચાલે છે, અને માતાજીના સતનો અહેસાસ કરે છે. અંગારા પર ચાલવાની ગ્રામપ્રજાની શ્રદ્ધાનો છેડ ઉડાડતા વિજ્ઞાનીઓ એવું કહે છે કે બેઠી દડીવાળા, પાતળા અને ઓછું વજન ધરાવતી વ્યક્તિઓના પગ જ્યારે ધગધગતા અંગારા પર મૂકાય ત્યારે પગ બળી જાય તેટલું દબાણ થતું નથી. એટલે તેઓ સંપૂર્ણપણે સળગતા અંગારાના સંપર્કમાં આવતા નથી, એટલે તેમના પગ દાઝતા નથી.

થોડાં વર્ષો પૂર્વે મઘ્યપ્રદેશના રાજેન્દ્રનગરથી કલાકાર રાજેન્દ્ર જૈન ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં આવેલા. એ કહે ઃ ‘હું અગ્નિ કુમાર છું. સળગતા અંગારા પર ઉઘાડા પગે નૃત્ય કરું છું.’ કાર્યક્રમ કરતાં પહેલા એમણે પ્રેક્ષકોમાંથી બે ડોક્ટરોને બોલાવ્યા. પગનાં તળિયાં ચેક કરાવ્યાં. તળિયે કોઈ રસાયણ નથી લગાવ્યું એ જોવા માટે સાબુ અને પાણીથી પણ ધોયા. પછી સળગતા અંગારા પર એમણે નૃત્ય કર્યું. ત્યારબાદ ડોક્ટરોએ પગ તપાસ્યા. એમનાં પગના તળિયા જરાયે દાઝ્‌યા નહોતાં. તે દિવસે ડોક્ટરો એમના આ ભીના પગનું રહસ્ય ઉકેલી શક્યા નહોતા અને માત્ર આશ્ચર્ય વ્યક્ત કરીને અટકી ગયા હતા. એમણે ઉકળતા તાવડામાં હાથ નાખીને પાપડ તળી બતાવ્યા હતા. ઉદયપુરના ભવાઈનર્તક રાજેશ સાળવીએ અમારા વેસ્ટ ઇન્ડીઝના દેશો ટ્રીનીદાદ એન્ડ ટોબેગો, સુરિનામ અને શિકાગોના પ્રવાસમાં માથા પર આગ સળગાવીને નૃત્ય કરતાં કરતાં ચા બનાવીને કાર્યક્રમના યજમાનોને પિવડાવી ત્યારે જોનારા દર્શકો દંગ થઈ ગયા હતા. જાદૂગરો તો અમુક રસાયણોનો પ્રયોગ કરે છે. પગના તળિયાં પર આગપ્રતિરોધક રસાયણનું પડ ચોપડીને પછી અંગારા પર ચાલે છે. ભવાઈ કલાકારો લાબરાના રસ જેવા કોઈ દેશી-રસાયણોવાળું કપડું માથા પર ઢાંકી તેના પર ગ્યાસતેલવાળી ઇંઢોણી મૂકી, સળગાવીને તેના ઉપર ચા બનાવે છે. જોનારા દર્શકના રૂંવાડાં બેઠાં થઈ જાય છે. અગ્નિ, શ્રદ્ધા, ચાલાકી અને વિજ્ઞાનની આવી વાતું છે ભાઈ..

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!