ઐતિહાસિક શહેર વઢવાણ નો ઇતિહાસ

આ ભોગાવો !?!
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થઈ પ્હાણ…
સૂસવતી…ભમે સતીની આણ…
[રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા,
પથ્થર પથ્થર પર વરતાતી કોક આસૂરી છાયા!]

કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઊભો ગઢ,
ભેંકાર મહીં માતાના મઢ
વિધવાની વણઝાર સમાં સૌ મકાન…
…વચ્ચે ભમતી ભૂખી ગલીઓ…
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં
-ચૂંદડિયાળાં ચીર!]

પથ્થર-ચીતર્યાં ઘોડા ઘૂમે,
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…

આ ભોગાવો!
કોરી  રેતી…… કોરા પ્હાણ……
કાંઠે–
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!
-વિનોદ અધ્વર્યુ.

વઢવાણ ભોગાવા નદી ના કિનારે આવેલુ એક વિકસીત તાલુકો અને રજવાડુ છે. વઢવાણ ની માત્ર આંખ નહી , અતરની પણ ઓળખાણ કરવા જેવુ નગર છે. ભગવાન મહાવીર સ્વામી ના પગલા થી વર્ધમાનપુર બનેલુ આ નગર બે-અઢી હજાર વર્ષ પુરાણુ છે. અહીનો ગઢ ,અહીંના પ્રાચીન સ્મારક, આ નગર નો ઇતિહાસ, અહીંની માટી ન જન્મેલા રત્નો ,અહીંના રાજવીઓ આ બધા વિષે જે જાણવા મળ્યુ છે તે ખરેખર આંખ ને આંજી નાખે અને અંતર ને ભીંજવી દે એવુ છે.

વઢવાણ નો મુળ ઇતિહાસ એવો છે કે કોઇ ધનદેવ નામનો વેપરી પાંચસો ગાડા સહિત ભોગાવો ઉતરી રહ્યો હતો. એ વખતે એક બળદ થાકી ગયો. ધનદેવે ગામમાંથી બે સારા માણસો ને બોલાવી ,બળદની સાર સંભાળ માટે પૈસા આપીને એ બળદ સોંપી દીધો. ધનદેવ તો ચાલ્યો ગયો પણ એ બંન્ને માણસ લાલચુ હોવાથી બળદ ની દરકાર ન કરી. બળદ ભુખે-તરસે મરી ગયો અને “શુલપાણદેવ” થયો….એણે ગામ ઉપર મરકીનો કોપ મુક્યો …માણસો અને જનાવર ટપોટપ મરવા લાગ્યા..હાડકાંના ઢગલાં થઇ ગયા. શુલપાણદેવને શાંત કરવા લોકોએ ભોગાવાના કાંઠે પોઠિયોના નામથી ત્યા તેની મુર્તિની સ્થાપના કરી. લોકો એની પુજા કરવા લાગ્યા. તેથી મરકી શાંત થઇ.

એ દરમિયાન જૈનોનાં ચોવીસ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. રાત્રે શુલપાણદેવે એમનુ પારાવાર કષ્ટ આપ્યું. પર્ંતુ સહનશીલતાના ના સમ્રાટ એવા મહાવીર સ્વામી જરા પણ ચલીત થયા નહી. આ જોઇ શુલપાણદેવ ભગવંતના પગ માં પડી ગયો. એમનો ભક્ત બની ગયો. શુલપાણદેવના હુકમથી એની જ દેરીમાં મહાવીર સ્વામીનાં વાજતે-ગાજતે પગલાં કરાવાયા. જે આજે પણ હયાત છે. હાડ્કા પર શહેર વસેલ હોવાથી “અસ્તિતગ્રામ” નામ પડેલ પણ મહાવીર સ્વામીનાં પધારતા તેમના નામ પરથી “વર્ધમાન પુર ” નામ પડયુ. કાળે કરીને આ નામનો અપભ્ર્ર્શ થતા “વઢવાણ” થયુ.

ઉજ્જૈન નગરના રાજા વીર વિક્રમનાં પિતા ગંધર્વસેન ત્ર્ંબાવતટી(ખંભાત)માં રાજ કરતા હતા. એણે અમુક વખત વઢવાણ માં રાજ કર્યુ હતુ. એની સાબિતી રૂપે “ગધેપીર” નામનુ તળાવ અને ગધૈયા હજુ પણ નીકળે છે.. શહેર વચ્ચે એક મસ્જીદ છે. તેને પાડા મસ્જીદ કહે છે પણ એનો મુળ ઇતિહાસ એવો છે કે “પાજા” નામનો વણિક ત્યાં રહેતો હ્તો. એ ઘી-તેલ નો પરચુરન વેપાર કરતો હતો એક વખત “વસી” નામની ભરવાડણ ઘી વેચવા આવી. ઘીની તાવણ અને એંઢોણી પાજાની દુકાને મુકીને હટાણું કરવા ગઇ. પાજાએ તાવણમાંથી ઘી તોળીને તાવણ એઢોંણી પર મુકતા એ ભરાઇ ગઇ. વણિક સમજી ગયો કે આ ચમત્કાર એંઢોણીનો જ છે. વસી હટાણુ કરીને આવી ત્યારે પાજાએ પૈસા અને તાવણ આપી દિધા પણ એંઢોણી ખોવાઇ ગઇ છે

એમ કહિને પોતાની પાસે રાખી લીધી. પછી તો એ ચમત્કારીક એંઢોણી પર તાવણ મુકીને રાત ને દિવસ ઘી કાઢવા માંડ્યું. દેવ પ્રભાવે એ ખુટયુ નહિ. પાજા પાસે ધનનો ઢગલો થઇ ગયો. એણે પોતાનુ નામ રાખવા પોતાના ધર્મના ૫૦૦ દેરા બંધાવ્યા. સારા પ્રતાપ વસી ભરવાડણનાં માની એનુ નામ “પાજા વશી” નાં દેરા રાખ્યુ. આ પાડા મસ્જીદ મુળ ઉપર મુજબ જૈનનું “પાજા વસી” નામનુ દેહરું હ્તુ. પર્ંતુ મુસલમાન સમયમાં એને તોડી, એમાં ફેરફાર કરી પાજાને બદલે પાડા અને વસી ને બદલે મસ્જીદ. એમ અપભ્રંશ થવાથી”પાડા મસ્જીદ” નામ પડ્યું.

આ મસ્જીદ પાસેની શેરી ભોંયરા પાનાં નામે ઓળખાય છે. ત્યાં ભોયરું હોવાનું કહેવાય છે. આ મસ્જીદ વિક્રમ સંવત ૧૫૦૪ માં અમદાવાદનાં બાદશાહ સુલતાન અહમદશાહનાં વખતમાં બાંધવામાં આવેલ છે.

વઢવાણની સ્થાપના આશરે ૧૬૩૦માં થઇ હતી. તે ૧૮૦૭માં બ્રિટિશ શાસનની હેઠળ આવ્યું. વઢવાણ પર ઝાલા વંશના રાજપૂતો રાજ્ય કરતા હતા. રાજ્યના રાજવીઓને ‘ઠાકુર સાહેબ’ કહેવાતા હતા.

ધરતી પર રહેલા અનેક શહેરો અને ગામડાઓનો એક ઈતિહાસ હોય છે. જેને જાણીને એક નવી વાત પર જાણકારીનો રસ ઉતરે છે. ત્યારે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જેની સ્થાપના આમતો 2500 વર્ષ પહેલા થઈ હતી. આ સ્થાપના ઋષિપંચમીના રોજ થઈ હોવાથી વઢવાણનો જન્મ દિવસ આ દિવસે ઉજવાય છે. ભોગાવા નદી કાંઠે 2500 વર્ષ પહેલા વસેલા વર્ધમાનપુરી ઐતિહાસિક દરજ્જો ધરાવે છે. ત્યારે વઢવાણ નગરનું નામકરણ ઋષિપંચમીએ થયેલ હોવાનું માની વઢવાણ હેપી બર્થ-ડેની ઉજવણી કરાય છે. વઢવાણ જન્મ દિવસે શહેરનો ગઢ, દરવાજા અને નદી ઐતિહાસિક સાક્ષી પુરી વર્તમાન સાથે સંઘર્ષ કરી રહી છે.

સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણની આ પવિત્ર ભોમકા છેલ્લા ૧૫૦૦ વર્ષથી વઢવાણ નગરનો દરજ્જો ધરાવે છે. વઢવાણ શહેરની ફરતે ઇ.સ. ૧૦૮૪માં ગઢ (કિલ્લો) બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રવેશ દ્વાર શિયાણીની પોળ, ખારવાની પોળ, લાખુપોળ, ખાંડીપોળ, ધોળીપોળ અને છ દરવાજા અને એક બારી છે. વઢવાણ શહેરમાં માધાવાવ, રાણકદેવી મંદિર, ગંગાવાવ સહિત ઐતિહાસિક સ્થળો આવેલા છે. વઢવાણ રાજયમાં પૃથ્વીરાજસિંહજી, ચંદ્રસિંહજી, દાજીરાજ, બાલાસિંહજી, રાજાઓએ રાજ કર્યુ હતું. જેમાં રાજવી જોરાવરસિંહજી પરથી જોરાવરનગર અને સુરેન્દ્રસિંહજી પરથી સુરેન્દ્રનગર નામ પડયુ છે.

આઝાદી સમયે 1948માં વઢવાણ રાજધાનીનું શહેર હોવાથી યશોભૂષણં સર્વદા વર્ધમાનમ્ સૂત્ર ગૂંજતુ હતુ., પરંતુ ત્યારબાદ વઢવાણ તાલુકો મળનાર લાભ રાજકીય રીતે પ્રાપ્ત ન થયો. આથી વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડી રહ્યું છે. કલ્પસૂત્ર નામના જૈનશાસ્ત્રમાં જણાવાયુ છે કે, ભોગાવા નદી કાંઠે અસ્થિ ગ્રામ ખાતે ભગવાન મહાવીર પધાર્યા હતાં. રાતભેર શરણપાળ યક્ષને ઝઝૂમતો રહેવા દઇ મહાવીરે તેના પર કૃપા કરી ઉદ્ધાર કર્યો હતો. ત્યારબાદ આ સ્થળે વર્ધમાનપુર તરીકે ઓળખ સ્થાપિત થઇ છે.

સોરઠની એક રૂપાળી અને તેજીલી સ્ત્રીની દાસ્તાં
સિંહને જોવો અને જાણવો…આમાં કેટલો બધો ફરક છે એ વાત પુસ્તકોમાં તો વાંચી હતી પણ વનરાજ-પ્રેમી ભવાનીસિંહ મોરીના વિશાળ દિવાનખાનામાં ચારેતરફ ટીંગાતો સિંહ-છબીઓની સાથોસાથ તેમની અનુભવકથા જાણી ત્યારે જ ખ્યાલ આવ્યો કે આપણા દિલદિમાગમાં બેઠેલો સિંહ અને જંગલમાં રહેતો સિંહ-બે વચ્ચે તો આકાશપાતાળનું અંતર છે!

ભવાનીસિંહ મોરીને મળવાનું તો અચાનક થયું. ઇતિહાસપ્રેમી મિત્ર ભૂપેન્દ્ર દવેએ તો ઘણા સમયથી કહી રાખ્યું હતું કે વઢવાણમાં એક માણસ મળવા જેવો છે; મળ્યા પછી તમને ય એવું લાગશે. સુરેન્દ્રનગરની સાવ નજીક-કહો કે ટ્વિન સિટી-જેવું વઢવાણ હજાર વર્ષ જૂનું છે.

‘ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદથી’ એવું આજનાં, ભીડભાડિયાં, સાંકડી ગલી અને ગંદકીભર્યા વઢવાણ પરથી લાગે. એક સમય એવો હતો કે સમગ્ર સૌરાષ્ટ્ર માટેનું આ પ્રવેશદ્વાર હતું. વઢવાણ જેના અંકુશમાં હોય તે જ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ને જીતી શકે. એટલે અહીં મોટો ગઢ હતો (હવે થોડાક જ અવશેષ બાકી છે). આઠમી સદીમાં તેનું નામ ‘વર્ધમાન ભુક્તિ’ હતું.

અણહિલપુર પાટણ (આજના મહેસાણાનું નગર પાટનગર)થી જૂનાગઢ સુધીનો સૈન્યનો રસ્તો અહીંથી પસાર થતો. પરંતુ વઢવાણની સાથે જૈનોની આસ્થા એક રસપ્રદ કહાણીથી શરૂ થાય છે. કહે છે કે અહીં ચોવીસમાં તીર્થંકર વર્ધમાન સ્વામી આવ્યા ત્યારે ‘માણસ ગંધાય, માણસ ખાંઉ’નો ત્રાસ વર્તાવતો શૂલપાણિ યક્ષનો હાહાકાર હતો. તીર્થંકરે તેને ‘અહિંસક મનુષ્ય’ બનાવ્યો, ને ગામને નામ મળ્યું ‘વર્ધમાનપુરી!’

ભવાનીસિંહના સિંહોની વાત કરતાં પહેલાં અહીંની બે ‘સિંહણો’ની યે વાત કરી લઇએ. હવે જેને સુરેન્દ્રનગર જિલ્લો કહે છે તેનું અસ્સલ નામ ઝાલાવડ. ભોગાવો, કંકાવટી, ડોકોમરડી, ગોમા તેની નદીઓના નામ! આમાં ભોગાવો વઢવાણ-સુરેન્દ્રનગર-જોરાવગરથી ‘ટ્રોઇકા-ટાઉન’વાળી નદી છે. નદી તો શું, કારખાનાનાં કાદવનું ગંધાતું પાણી! પણ, એક જમાનો હતો ભોગવો નદીનો. ઇ.સ. ૧૧૧૪માં પાટણના સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઇ કરી. કારણ? એક રૂપાળી તેજીલી સ્ત્રી. નામ રાણક.

સિંધમાં ત્યજાયેલી કન્યાને જૂનાગઢના મજેવડી ગામના કુંભારે પાળી-પોષીને મોટી કરી. સિદ્ધરાજ દરબારીઓ ફરવા નિકળ્યા ને આ કુંભારને ત્યાં રાત રોકાયા. (ઘણા બાંબા સમય સુધી સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પરંપરા હતી કે કોઇ અજાણ્યો વટેમાર્ગુ ગામમાંથી પસાર થાય અને રાતવાસો કરવો હોય,
ગામમાં કોઇ તેને જાણતું ના હોય તો કુંભારના ઘરમાં તો આશરો મળે જ મળે! )

યુવાન રાણક નજરે પડી. પાટણ જઇને સિદ્ધરાજને વાત કરી.
તુરંત ‘માગુ’ નાખવામાં આવ્યું. રાણકની મરજી નહોતી. દરમિયાન જૂનાગઢનો રાજા રા’ખેંગાર મજેવડી આવ્યો. ‘ પહેલી નજરે પ્રેમ’ થયો, રાણક સાથે રાતોરાત લગ્ન કર્યા.

થોડાંક મહિના પછી સિદ્ધરાજને ખબર પડી એટલે તેણે લશ્કર સાથે હુમલો કર્યો પણ, તેને શી ખબર કે પાછા ફરતાં આ વઢવાણમાં જ, તેની રાજકીય પ્રતિભાને કલંકનો ડાઘ સ્થાપિત થશે? રાણકને ખેંગાર સાથેની લડાઇ અને જીત મેળવ્યા પછીયે પામવી સરળ નહોતી. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસના પંડિતો તો એવું જ કહે છે કે સિદ્ધરાજ-રાણક જેવી કોઇ ઘટના જ થઇ નથી. આ તો સિદ્ધરાજના દ્વેષીઓએ નીપજાવી કાઢેલી વાત છે. સિદ્ધરાજ મહિલા શોખીન હતો એવું જણાવતી બીજી વારતા જસમા-ઓડણની યે છે. મહારાજ સિદ્ધરાજ જયસિંહ’ આવો હશે ? કોણ જાણે! આપણને તો એટલું જ ભણાવવામાં આવ્યું છે કે તે ભારે વિદ્યાપ્રેમી હતો, સંસ્કારી હતો, હેમચંદ્રાચાર્યને વ્યાકરણ માટે પ્રેર્યા અને તેમનું પુસ્તક ‘સિદ્ધહેમ અનુશાસન’ હાથીની અંબાડી પર ફેરવીને ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા કરી હતી.

…પણ, સોરઠવાસી (જેને માટે એક દૂહો છે: ‘સાચ્ચું સોરઠિયો ભણે!’) આનાથી વિપરીત રાણકના વખાણ કરે છે. અનેક દિવસ સુધીની ખેંગાર-સિદ્ધરાજ વચ્ચેની લડાઇ, દેશળ-વિશળની દગાબાજીથી ગઢનું પતન, ખેંગારની હત્યા, તેના એક પુત્રનું બલિદાન અને સિદ્ધરાજ દ્વારા રાણકદેવીને વિનંતી અને પછી દમનપૂર્વક અપહરણ: આ કથામાં એક પ્રસંગ શબ્દની તાકાતનો યે આવે છે. સિદ્ધરાજ રાણકને બળજબરીથી ખેંચવા લાગ્યો, એટલે રાણકે ગિરનાર પર્વતને સંબોધન કર્યું :

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે
મરતા રા’ખેંગાર રંડાયો રાણકદેવીને,
ગોઝારા ગિરનાર વળામણ વેરીને થયો,
મરતાં રા’ખેંગાર ખરેડી ખાંગો નવ થિયો?

ભાષાનો અગ્નિ આનું નામ! કહે છે કે તુરત ગિરનાર ખળભળવા લાગ્યો. શિલાઓ નીચે ધસમસી. રાણકને થયું કે આવો વિનાશ કેમ નોતરી શકાય? એટલે કહ્યું,

મા પડ મારા આધાર
ચોસલાં કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર,
જીવતાં જાતર આવશે!

…અને ગિરનારનો ખળભળાટ બંધ થઇ ગયો! આજે પણ ગિરનાર પર્વતારોહણમાં એક જગ્યા એવી આવે છે કે જ્યાં વિશાળ શિલા અધ્ધર માંડમાંડ લટકેલી છે! ‘રાણકનો થાપો’ નામે તે જાણીતી છે.

લોકસાહિત્યમાં તેજસ્વિની તરીકે અમર થઇ ગયેલી રાણકદેવી ઉત્તમ કવયિત્રી હોવી જોઇએ! કે પછી તેનાં પાત્રથી પ્રભાવિત થઇને કવિ-લોકકવિઓએ તેનાં મોંમાં પ્રભાવી કાવ્ય સ્થાપિત કર્યું હશે? સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ તેને બળજબરીથી લઇ જઇ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું. સિદ્ધરાજને તેણે કહ્યું,’મને પામવાની લાલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે.’ સ્ત્રીનાં ‘સતિ’ થવાની સાથે પુરુષના ‘સતા’ થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણકદેવી!

અગ્નિચિતા પર તે ચઢી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું : ‘ ‘જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે; તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે: આપણે બન્ને એક સરખા છીએં!”

વઢવાણની ગલીઓ અને ભોગાવાકાંઠે રાણકમંદિરની આ દાસ્તાં ગુજરાતના વર્તમાનને દૂર સુધી દોરી જતો એક ભાગ છે;

માધાવાવ

વઢવાણ શહેર કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો, મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે. ક્વી શ્રી દલપત રામ તેમના દીકરા કવિ શ્રી નાન્હાલાલ, બચુદાન ગઢવી- જગ વિખ્યાત લોકસાહિત્યકાર , સી.યુ.શાહ- અનેક શૈક્ષણીક સંસ્થા નું નિર્માણ કરનાર દાનવીર
બાબુ ભાઇ રાણપુરા-લોક સાહિત્યકાર, જગદીશ ત્રિવેદી-હાસ્ય કલાકાર,
સંત શ્રી વજાભગત-કોઠારિયા-, જેવા ખ્યાતનામ કલાકર કે જેમને આખી દુનિયા માં ઝાલાવાડ નુ નામ રોશન કર્યુ છે આ ઇ ઝાલાવાડ !!!! આ સોરાષ્ટ્ર નો ગેટ છે કે જ્યાં થી સોરાષ્ટ્ર ની હદ શરૂ થાય છે. ગુજરાત ની વચે આવેલુ આ વઢવાણ ગુજરાત નુ હાર્ટ્ કેહવાય છે. ભારત મા વઢવાણ એક જૈંન સ્થાનક્વાસી માટે નુ મેઇન સેન્ટર છે જેથી આ શહેર ને વાણીક ઓનુ સીટી પણ કહેવામા આવે છે. વઢવાણ ના જોવાલાયક સ્થળો વિન્ટેજ કાર, માધાવાવ અને સાત દરવાજા , હવા મહેલ ,સતી રાણક દેવી નું મંદિર, સ્વામી નારાયણ મંદિર વગેરે ઘણા ખ્યાતનામ સ્થળો છે

વઢવાણનો હવામહેલ: સ્વર્ગિય રાજા દાજીરાજજીનું અધુરૂ રહી ગયેલું સપનું- મહારાણી વિક્ટોરિયાના સ્વાગત માટે રાજાએ હવામહેલ બનાવવાનું સપનું જોયું હતું

વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લાનું એક પૌરાણિક શહેર ગણાય છે. વઢવાણમાં રાણકદેવીનું મંદિર અને માધાવાવ જેવી ઘણી પૌરાણિક જગ્યાઓ આવેલી છે. અહીં મૌર્ય, ગુપ્તવંશ, ચાવડા, સોલંકી, વાઘેલા, ખીલજી, તાગલખ, મુગલ, મરાઠા અને ઝાલાના વંશજો રાજ કરી ચુક્યા છે.

વઢવાણમાં હવામહેલ બનાવવાનું સપનું સ્વર્ગિય રાજા દાજીરાજજીનું હતું. પરંતુ આ રાજાનું હવામહેલ બનાવવાનું સપનું અધુરૂ જ રહી ગયું. દાજીરાજીએ ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસ વઢવાણ પર રાજ કર્યું હતું. અને તેમણે લોકોમાં પોતાની એક અલગ જ છાપ ઉભી કરી હતી. દાજીરાજજીના હવામહેલના સપના પાછળ પણ ઘટના હતી. દાજીરાજજી દેશ-વિદેશમાં ફરવાના ખુબ જ શોખીન હતા. એક વખતે મહારાણી વિક્ટોરિયાએ ભારતના ઘણા રાજાઓને સમુહ ભોજન માટે બ્રિટન આવવા આમંત્રણ આપ્યું હતું.

મહારાણીના આમંત્રણનો સ્વીકાર કરીને જ્યારે વઢવાણના રાજા દાજીરાજજી બ્રિટન પહોંચ્યા તો એમણે જોયું કે મહારાણીએ પ્રવેશદ્વાર કંઈક એવી રીતે બનાવ્યો હતો કે બધા રાજાએ નીચે નમીને પ્રવેશ કરવો પડતો હતો. અને પ્રવેશદ્વારની સામે જ મહારણી વિક્ટોરિયાનું સિંહાસન હતું. રાજા દાજીરાજજી ખુબ જ હોંશિયાર હતા. તેમણે તરત જ પોતાની તલવાર કાઢી અને પ્રવેશદ્વારને ચીરીને અંદર પ્રવેશ કર્યો. આ જોઈને તરત જ મહારાણી વિક્ટોરિયા ઉભા થઈ ગયા અને રાજાની ચતુરાઈને જોઈને મહારાણીએ હસીને દાજીરાજજીનું સ્વાગત કર્યું. અને કહ્યું કે તેઓ ભારતમાં આવશે અને ખાસ કરીને વઢવાણની મુલાકાત જરૂર લેશે. ત્યારે રાજા દાજીરાજજીએ નિશ્ચય કર્યો કે તેઓ વઢવાણમાં એક અનોખો હવામહેલ બનાવશે અને મહારાણી વિક્ટોરિયાનું સ્વાગત કરશે.

રાજા દાજીરાજજીએ વઢવાણના પશ્ચિમ છેડા પર સ્થિત ઘર્મતળાવની વચ્ચોવચ હવામહેલ બનાવવાનો નિર્ણય કર્યો. મહારાજાએ હવામહેલ તલઘરની સાથે બે માળ જોડીને ત્રણ માળનો બનાવવા આદેશ કર્યો હતો. હવામહેલ બનાવવા માટે સંગેમરમરના લાલ પથ્થર છેક ઈટલીથી મંગાવવામાં આવ્યા હતા. જેને સફેદ પથ્થરોની વચ્ચે લગાવીને અદભુત નકશીકામ કરવાનો વિચાર હતો. હવામહેલના ચારેય ખુણાઓમાં અદભુત નકશીકામ કરેલા ઝરૂખાઓ છે. જેનો આકાર અર્ધગોળાકાર છે. હવામહેલની વચ્ચોવચ એક વિશાળ હોલ પણ છે. હોલની ચારે તરફ ૨૪ કમાન છે અને ૪૮ નક્શીદાર સ્તંભો બનેલા છે. હવામહેલનો પ્રથમ માળ તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ બીજા માળના નિર્માણનું કામ ક્યારેય આગળ વધી ન શક્યું. અને તે આજે પણ અધુરૂ જ છે. એટલું જ નહીં આજે લોકો હવામહેલના ઝરૂખાઓને ઉખાડીને લઈ જવા લાગ્યા છે.

આમ, વઢવાણના મહારાજા દાજીરાજજીએ વઢવાણમાં એક હવામહેલનું સપનું જોયું હતું પણ તેમનું આ સપનું અધુરૂ જ રહી ગયું. અને આજે વઢવાણમાં સ્થિત આ અધુરો હવામહેલ પુરાતત્વીય વિભાગની બેદરકારીના કારણે ખંડેર હાલતમાં જોવા મળે છે…

આવું મહાસતી રાણકદેવીની ગાથા સુણાવતું સ્થળ અને ખાસ તો એનો મહેલ અને જર્જરિત અવસ્થામાં પણ ગુજરાતની ભવ્ય સાખ પુરતો હવામહેલ જોવાં તો એકવાર વઢવાણ જવું જ રહ્યું !!!

——– જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!