માથું મુકીને લડવા જનાર વીર પુરૂષની અદભુત શૌર્યગાથા

માથું મુક્યું સતીના હાથમાં અને ઇ ધડ ધીંગાણે જાય,
આવાં નરબંકા પુરુષો પાક્યા અમ ધીંગી ધરાની માય.

સૌરાષ્ટ્રમાં તળજા નજીક જ્યાં શેત્રુંજી ઉતાવળી અને દાંત્રડી નદિઓનો સંગમ રચાય છે તેને કાંઠે આવેલું ટીમાણા ગામ ઐતિહાસિક અવશેષો જાળવી બેઠેલું છે. ટીમાણા જવામર્દૉ અને શુરવીરોની ભુમિ છે. ગૌબ્રાહમણ પ્રતિપાલ મુઠ્ઠીમાં મોતને લઇને ભમનારા રાજપુતોએ પોતાના લીલુડાં માથાં ઓળઘોળ કર્યા છે એની યાદ આપતા શુરવીરોના અનેક પાળીયા ઉભા છે. એવો જ એક પાળીયો આજે પણ ટીમાણાને સીમાડે વીરતાની વાત વાગોળતો ઊભો છે.

આ વાતને આજે અઢીસો વરસ થયાં તળાવની પાળે ગામનો ગોંદરો છે. ગોંદરે ગાયુનુ ધણ ભેગું થાય છે. રાશવા દિ માથે આવ્યો, ગોર સીમના ભાઠા ભણી આઢયુ ત્યાં તો ખેતરમાં આડફેટા આવતા ચાળીસ પચાશ હથિયારધારી એ ગોર આતર્યુ, ગાયો વાળી. લુંટારુ ની સામે ટક્કર લેવાનું ગજું ન જોતાં ગોવળીયા ગામ ભણી લપાટી કાઢી, ગામમાં દેકારો થયો બુગીયો ઢોલ શરૂ કર્યો. દોડો લુંટારા એ આપડુ ધણ વાળી જાય છે. લુંટારૂ નું નામ સાંભળતા રાજપુતોના હાથમાં હથિયાર રમવા માડયા, ગામલોકો હાથ પડયું હથીયાર લઇ વારે ચડયા.

એ વખતે ટીમાણા મા પોપટ નામનો જુવાન રહે. ઘી દુધ ખાધેલો નરવી કાયા, જુવાની ભરડો લઇ ગયેલી, તલવાર ફેરવવામા એની તોલે કોઈ ના આવે એને કાને વાત પહોચતા ભીતે લટકતી તલવાર લેતાં ઘોડીને ચોકડુ ચડાવ્યું, તંગ તાણી પેગડામા પગ ઘાલી સવાર થયો. ખડકીમાં ઊભેલા રજપુતાણી એ ચોકડુ ઝાલ્યું, હ.. હહ.. આ શુ? વીરને મોતનો ડર નથી લાગતો મને જવા દો દુશ્મનો ને મારે છેટું પડી જાય છે. તમે અબોલ પશુની વહારે ચડો એનાથી વધારે શુ? તમે દુશ્મનનો દાટ વાળીને વિજય થશો તો હું ઉન્નત મસ્તકે મારા સ્વામીની વીરતાને વધામણાં આપીશ, સત્યને ખાતર તમે લડતાં વીરગતિ ને વરશો તો હું પાછળ સતી થઇશ સ્વામીનો કેડો સ્વર્ગેયે નહીં મુકું નાથ પણ…..

પણ શું પણ નો કર્યુ ને તમે વીરગતિ ને પામો તો હુ તમારૂં માથું ક્યાં ગોતુ દુશ્મનો સાથે લઇ જાયતો સતી કેવી રીતે થાવ મારી પ્રતિજ્ઞા અધુરી રહી જાય સ્વામી?,

અરે તું માથાંની ચિંતા શીદને કરે છે સાધુને સંપતીની અને વીરને વળી માથાની શી ચિંતા કેહતાં પોપટે ઘોડી પરથી હેઠાં ઊતરી રમતાં ચાકડા પરથી માટીનો પિંડ ઊતારે તેમ તલવારના એકજ ઝાટકે પોતાનું માથું ઊતારી દીધું ને રાજપુતાણી ને સોંપી દીધું. સતી અવાચક બનીને જોતાં રહ્યાં અરેરે મને આ કમત ક્યાથી સુઝી. પોપટના માથાં વિનાનાં ધડે હાથમાં તલવાર સાથે સીમ ભણી હાલી નિકળે છે.

સિંધુ રાગ સોહામણા શુર મન હરખ ન માય
શિર પડે ને ધડ લડે એનાં વધામણાં વૈકુંઠ જાય

સીમમાં ધાડપાડુઓનો ભેટો થતાં વેંત પોપટના ધડે માંડી તલવાર વીંઝવા એક ઘા ને બે કટકા શુકન જોયાં વિના નિકળેલા લુંટારાના ગામલોકો એ ઢીમ ઢાળવા માડયા લોહીની શેડ્યો વછુટી… પણ પોપટનુ ધડ લૂંટારૂઓનો કેડો મૂકતું નથીં. એક જણને યાદ આવતાં ગળીનો દોરો ઘડ પર ફેંકયો શૌર્યના ધોધ વહાવતુ ધડ ધરતી માથે પડયું, લુંટારા ભાગ્યા ગામનાં લોકો ધણ ભેગું કરી ગામ ભણી હાલી નિકળે છે. પોપટના ખોળીયામા જીવ રૂંધાયા કરતો હતો, કેમે કરીને જીવ જાય નહીં માથાં વગર જીવ જાય નહીં એનું માથું મંગાવો ગામનાં અનુભવી એ ઊપાય બતાવ્યો. ધડને ઊંચુ કરી એનાં પર માથું મુકતાં પોપટનો દેહ નિશ્ચેતન થઇને ધરણી પર ઢળી પડ્યો. રજપુતાણી એ સતી થવાની તૈયારી કરી સૌ સગાવહાલા ને ભાવભીની વિદાય લીધી. વીરગતિ ને વેરેલા સ્વામીનું માથું ખોળામાં લઇને રજપુતાણી ચિતા પર ચડી સ્વામિ ની પાછળ સ્વર્ગ સંચરી

નોધ:- આ નરવીર બલિદાનની સ્મૃતિને તાજી કરાવતો પોપટનો પાળીયો આજે પણ ટીમાણાની સીમમાં ઊભો છે. આ વાત જોરાવરસિહ જાદવે પણ લખી છે. થોડી માહીતી એકઠી કરીને માહિતી મેળવી એક દુહાની રચના મે કરી છે ને ફોટા ટીમાણા નિવાસી જીતુભાઈ પનોતે મોકલેલ છે તેથી તેમનો આભર વ્યક્ત કરું છું

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!