જ્યારે વિક્રમસિંહે સિંહ સામે બાથ ભીડી

ગરવા ગોહિલવાડની ભોમકા માથે શેત્રુજો ડુંગર જેની માટે ચોવીસ તીર્થકરના બેસણાં હજારો યાત્રાળુઓનો વિસામો દિન દુખીયાનો આશરો.

આવા પુનિત પહાડની તળેટીમાં આવેલા પાલીતાણા ગામે ભગવાન સુરજના તાતા તેજ પથરાઈ ગયા છે. ધરતીમાંથી વરાળના જાણે ગુંચળા ઉડે છે. મુઠ્ઠી ભરીને જારના દાણા છાંટયા હોય તો તડો તડ ધાણી ફુટી જાય એવી ભોમકા ભડકે બળેે છે.

બરાબર આવા સમયે ભાવસાર કોમનો વિક્રમસિંહ નામનો જુવાન નદીએથી કપડાં રંગીને ઘરે પાછો વળ્યો છે. એકધારી દિવસ ઉગ્યાની મહેનત પછી પેટના ભુખના ભડકા બળે છે.  વિક્રમસિંહે રાંધણીઆમાં આંટો માર્યો હજુ રોટલાને વાર હતી શેત્રુંજો પહાડની ટુંક જેવો જુવાન પણ ભુખને જાજીવાર જીરવી શક્યો નહી. એણે ભાભીને ઉધડી લેતા વેણ કાઢયા. બપોરા થયા તોય રાંધ્યું નથ. તમારાથી આટલુંય ટાણાસર થાતું નથી.

દિયરના આવાં આકરા વેણ સાંભળી સિંદુરીયા મરચા જેવા મિજાજવાળી ભાભીએ લહેંકો કરતાં વળતા વેણ કાઢ્યાં

ઓ હોહો.. રાંધવામાં જરાકવાર લાગી એમાં તે શું થઈ ગયું. એમાં આટલો બધો રોફ શેના મારો છો હજી તો તમારા ભાઈની કમાણી ખાઉં છું. તમારી નઈ સમજ્યા.

કમાણી તો મારા ભાઈની ખાવ છોને?

હવે છાનામાના બેસો મારી ઉપર શું બહાદુરી કરવા આવ્યા છો બહાદુર હો તો સિધ્ધાચળની જાત્રા બંધ છે તે છોડાવોને? સિંહની બીકે જાત્રા બંધ થઈ છે તે મારી ને આવો તો બહાદુર કઉં.

ભાભીનું મેણું સાંભળતા જ વિક્રમસિંહે હાથમાં કડીઆળી લીધી. જોરાવર ભૂજાઓમાં જામોકામી જોમ હતું. કળીઆળી લઈ ઉપડયો સિધ્ધચળની ટુંક તરફ જતાં જતાં ભાઈબંધોને કહેતો ગયો કે સિધ્ધાચળની ટુંક ઉપરનો દાટ વગાડ તો જાણજો કે સિંહને માર્યો છે ઘંટ ન વાગે તો જાણજો કે હું મર્યો છું.

જુવાને હિંમતભેર ડગલા દીધા. રાતનું મારણ કરીને સિંહને સૂતેલો જોયો. સૂતેલા માથે ઘા કરવો ઈતો નામરદનું કામ તેણે પડકારો કર્યો એ પડકારાને શેત્રુંજાના કોતરોએ સામા પડછંદા પાડયા.,

સિંહ પૂછનો ઝંડો ઉંચો કરી ઘે.. ઘે.. કરતો સામો આવ્યો. વિક્રમસિંહે કળીઆળી તોળી સામ સામું ધીંગાણું મંડાયું ઘણીક સિંહ બે ડગલા પાછોહઠ છે. તો ઘડીક વિક્રમસિંહ. આખરે લાગ જોઈને વિક્રમસિંહે કડીઆળી સિંહની ખોપરી માથે ફટકારી. પળવાર સિંહ વિક્રમના વસમાં ઘાથી તમ્મર ખાઈને પડી ગયો. પણ બીજીજ પળે સિંહે છલાંગ મારી વિક્રમસિંહને ડાબા પડખેથી ઉતરડી લીધલ. બીજો પંજો ઉંચો કરવાનું સિંહમાં બળ રહયું નહોતું. ખોપરીમાંથી લોહી ત્રબકતું હતું. ગોળ ચક્કર ખાઈને સિંહ પડયો.

વિક્રમસિહે લોહી નીતરતી કાયાને ઢસરડતો ઢસરડો ટુંકની ઉપર લઈ ગયો. ટુંકનો ઘંટનાદ કર્યો. તળેટીમાં ઉતરવા હજારો યાત્રાળુઓએ ઘંટનાદ સાંભળી વિક્રમસિંહનો જયનાદ ગજાવી મુક્યો. એક સાથે હજારો હરખઘેલા માણસોના જયનાદથી શેત્રુજો મંદિરના ગુબજો ગુંજી ઉઠયા.

આમ સિધ્ધાચળની યાત્રા ખોલાવવા  જતાં પ્રાણની આહુતિ આપનાર આ વિર વિક્રમસિંહની ખાંભી કુમારપાળના મંદિર સામે લીંલુડા લીમડાની ગવાહી પુરતી ઉભી છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!