12. ચાણક્યની સ્વગત વિચારણા – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ગત પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે એક રાજપુત્રને લઈને ચાણક્ય પુનઃ પાટલિપુત્રમાં આવી પહોંચ્યો. આ વેળાએ ક્યાં જવું અને શું ; કરવું, એની ચાણક્યના મનમાં ચિંતા હતી નહિ. તે તો તત્કાળ મુરાદેવીના મહાલયમાં જ ચાલ્યો ગયો અને ચન્દ્રગુપ્તને તેની સમક્ષ ઊભો કરીને કહેવા લાગ્યો કે, “તારા બંધુ પ્રદ્યુમ્નદેવ અને તારી માતા માયાદેવીએ આશીર્વાદપૂર્વક તારા કુશલ સમાચાર પૂછાવ્યા છે અને કહેલું છે કે, તારા આમંત્રણ પ્રમાણે તારા ભત્રીજાને ચાણક્ય સંગે તારે ત્યાં મોકલ્યો છે, તેને ચાર દિવસ તારી ઇચ્છા અનુસાર ત્યાં રાખજે. અમારાથી આવી શકાય તેમ ન હોવાથી જો કે ઘણો જ ખેદ થાય છે; પરંતુ એ ખેદને ટાળવાનો કોઈ ઉપાય નથી. તારા ભત્રીજાને જ અમારા તુલ્ય માની લેજે. જો કે એને અને તારે પૂર્વનો પરિચય નથી, તો પણ તારા આમંત્રણને માન આપીને એને અમે મોકલ્યો છે, માટે એની સારી સંભાળ રાખજે. જો એને અહીંનું સ્મરણ થશે નહિ, તો એ ઘણો જ આનંદમાં રહેશે. અમારું સ્મરણ એને ન થવા દેવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે, અમારા વિશે કદાપિ એને કાંઈપણ પૂછવું નહિ. તેણે તને આપવા માટે એક પત્ર પણ મને લખી આપ્યું છે.” એમ કહીને ચાણક્યે તે પત્ર મુરાદેવીના કરકમળમાં મૂક્યું.

ચન્દ્રગુપ્તને જોતાં જ મુરાદેવીની મુખમુદ્રામાં એક પ્રકારનું વિચિત્ર પરિવર્તન થઈ ગયું – પરંતુ તે કાંઈપણ બોલી નહિ. ઘણીવાર સૂધી તે સ્તબ્ધ બની બેસી રહી. પછી તેણે તે પત્ર વાંચ્યું અને ચાણક્યને કહ્યું કે, “આર્ય ચાણક્ય ! આ બાળકને જોઈને મને ઘણો જ સંતોષ થાય છે. હવે હું એને મહારાજાની મુલાકાત કરાવીશ. આપ પણ મહારાજાના દર્શન માટે પધારો.”

મુરાદેવીનું એ આમંત્રણ સાંભળતાં જ ચાણક્યના મનમાં ભયનો અચાનક નિવાસ થયો, પણ તેનું કોઈપણ ચિન્હ પ્રકટ ન થવા દેતાં તે હસિત મુદ્રાથી કહેવા લાગ્યો કે, “મારા જેવા એક સર્વથા નિઃસ્પૃહી બ્રાહ્મણને રાજાનું દર્શન કરીને શું કરવાનું છે? હાલ તો તું મને જવા દે, જ્યાં સૂધી ચન્દ્રગુપ્ત અહીં છે, ત્યાં સુધી તો હું પણ પાટલિપુત્રમાં રહેવાનો જ છું. અહીં ચાર દિવસ રહીને પાછા ફરવાને પ્રદ્યુમ્નદેવ અને માયાદેવીએ મને ઘણો જ આગ્રહ કરેલો છે. હવે હું મારા સ્થાને જઈશ.” “તમારા સ્થાને? પાટલિપુત્રમાં તે વળી તમારું સ્થાન ક્યાં આવેલું છે? જો કોઈ સ્થાનના શોધમાટે જ આપ જતા હો, તો વ્યર્થ તેવો શ્રમ લેશો નહિ. અમારી યજ્ઞશાળામાં આપ સુખેથી રહો. આપની તપશ્ચર્યા અથવા તો અન્ય ધર્મ કર્મોમાં ત્યાં કોઈ પણ પ્રત્યવાય આવશે નહિ. આ મારો ભત્રીજો અને હું એક બીજાને સારીરીતે ઓળખીએ ત્યાં સૂધી આપ જો પાસે જ રહેશો, તો વધારે સારું થશે. અમારી યજ્ઞશાળા આપના જેવા પવિત્ર બ્રાહ્મણોની ત૫શ્ચર્યાથી પુનિત થાય, એવાં તે અમારાં ભાગ્ય ક્યાંથી ? બહાર આપ ક્યાં રહેશો વારુ?” મુરાદેવીએ પાછો આગ્રહ કર્યો.

“મુરાદેવિ !” ચાણક્ય તત્કાળ તેને કહેવા લાગ્યો. “તારા મનમાં મારા માટે આટલા બધા સારા ભાવો છે, તે જોઇને મને ઘણો જ આનંદ થાય છે; પરંતુ મારાથી અહીં રહી શકાય તેમ નથી. પાટલિપુત્રના બહારના ભાગમાં ગંગા નદીના તીરે મેં એક નાની પર્ણકુટી બંધાવી છે – આજથી ચાર દિવસ પહેલાં જ મારા શિષ્યોએ અહીં આવીને એ સઘળી તૈયારીઓ કરી રાખેલી છે. દેવિ ! હું સર્વથા નિરિચ્છ અને નિઃસ્પૃહી દીન બ્રાહ્મણ છું, મારે આ તારા રાજમંદિરનાં સુખોને શું કરવાનાં છે? પ્રદ્યુમ્નદેવે તે વારે ઘણો જ આગ્રહ કરીને વિનતિ કરી કે, તમારે કુમાર ચન્દ્રગુપ્ત સાથે જવું જ જોઇએ, તેથી અને કુમાર ચન્દ્રગુપ્તમાં પણ, એને બાલ્યાવસ્થાથી મેં જ ઉછેરીને મોટો કરેલો હોવાથી, મારે ઘણો જ સ્નેહ બંધાઈ ગયો છે અને બે દિવસ જો એને હું નથી જોતો તો મને ચેન નથી પડતું – એટલે મેં પણ તેની વિનતિનો સ્વીકાર કર્યો અને હું અહીં આવ્યો. દેવિ ! કુમાર ચન્દ્રગુપ્તના ગુણોનો જેમ જેમ તને વધારે અને વધારે પરિચય થતો જશે, તેમ તેમ તું એને વધારે અને વધારે વાત્સલ્યની દૃષ્ટિથી જોતી જઈશ. વળી હું તને ગુપ્ત રીતે કહી રાખું છું કે, એની હસ્તરેષામાં ચક્રવર્તિ થવાનાં બધાં ચિન્હો સ્પષ્ટ છે. ભગવાન્ કૈલાસનાથ માત્ર એને ચિરાયુ કરે, એટલી જ મારી પ્રાર્થના છે. વત્સ ચન્દ્રગુપ્ત, ત્યારે હવે હું જઈશ.- આ તારી ફોઈ મુરાદેવી તારી સારી સંભાળ રાખશે. હું એક બે દિવસના અન્તરે અને બની શકશે તો દરરોજ તને મળવાને આવીશ. તું કોઇ પણ જાતિની ચિંતા ફિકર કરીશ નહિ.”

એમ કહીને ચાણક્ય તો ચાલતો જ થયો. મુરાદેવીના આગ્રહનો કાંઈપણ ઉપયોગ થયો નહિ. ચાણક્યે ખરેખર રાજમહાલયમાંથી જવા પહેલાં ગંગાતીરે એક શાંત, સ્થિર અને રમણીય સ્થાનમાં પોતામાટે એક પર્ણકુટી બંધાવાની સર્વ વ્યવસ્થા કરી રાખી હતી અને પેાતાને જોઇતી સર્વ સામગ્રીઓની તૈયારી માટે તેણે સિદ્ધાર્થકને કહી રાખ્યું હતું. વસુભૂતિ ભિક્ષુકના વિહારમાં ચાણક્ય અને સિદ્ધાર્થકને સારો મેળ મળી ગયો હતો અને તેથી પહેલાં જ તેણે ચાણક્યને પોતાથી બનતી સઘળી સહાયતા કરવાનું વચન આપેલું હતું. તે પ્રમાણે ચાર દિવસ પહેલાં ચાણક્યના શિષ્યો આવ્યા, તેમને પર્ણકુટી બાંધવા અને જોઇતી વસ્તુઓ લાવી આપવાના કાર્યમાં તેણે ઘણી જ સહાયતા આપી હતી.

પોતે આટલો બધો આગ્રહ કરવા છતાં પણ એ નિરિચ્છ અને નિ:સ્પૃહી બ્રાહ્મણ કશાપણ આદરાતિથ્યને સ્વીકાર કરતો નથી, એવા વિચારથી પ્રથમ તો મુરાદેવીના મનમાં કોપનો કિંચિદ્ ભાવ થયો; પરંતુ ત્વરિત જ રાજાની પ્રેમભાગિની રાણી આટલો આગ્રહ કરે અને તેનો જે સ્વીકાર ન કરે, તે બ્રાહ્મણ ખરેખરો જ નિર્લોભ અને નિઃસ્પૃહ હોવો જોઇએ, એવો તેનો નિશ્ચય થતાં ચાણક્ય માટે તેના મનમાં વધારે માનની લાગણી થવા લાગી.

ચાણક્ય ત્યાંથી નીકળ્યો. તે સીધો ગંગાતીરે આવેલી પોતાની નવીન પર્ણકુટીમાં ગયો. ત્યાં પોતાની ઇચ્છા અનુસાર સર્વ વ્યવસ્થા થએલી જોઇને તેને ઘણો જ હર્ષ થયો. તે શાંતિથી બેસીને પોતાના સદાના સ્વભાવ પ્રમાણે અનેક પ્રકારના વિચારો કરવા લાગ્યો. “મેં જે પ્રતિજ્ઞા કરેલી છે, તેનું હવે જેવું જોઇએ તેવું પરિણામ લાવવામાં કોઇપણ પ્રકારનો બાધ આવવાનો નથી. હવે મારા ચાતુર્યના પ્રયોગો કરીને જૂદા જૂદા પ્રસંગોથી નંદરાજાના વિધ્વંસનો આરંભ કરવો જોઇએ.” એવી પોતાના મનમાં યેાજના કરી. જે દિવસે ચન્દ્રગુપ્તને મુરાદેવીના સ્વાધીનમાં આપ્યો, તે જ દિવસે રાત્રે સર્વ શિષ્યો નિદ્રાવશ થએલા હોવાથી પર્ણકુટીમાં શાંતિ વ્યાપેલી હતી, એટલે ચાણક્ય પોતાના મન સાથે જ હવે પછી શું શું કરવું અને અત્યાર સૂધીમાં જે જે કાર્યો થએલાં છે, તેમાંથી કયું કાર્ય વિશેષ ઉપયોગી થઈ શકવાનો સંભવ છે, એ વિશે વિચાર કરતો બેઠો. “મારી પ્રતિજ્ઞા એ છે કે, નવ નંદોનો ઉચ્છેદ કરીને મારા હાથે જ મહત્તા પામેલા કોઈ પુરુષને તેના સિંહાસનનો અધિકારી બનાવવો. અત્યાર સુધી મારા ચાતુર્યથી નહિ, કિન્તુ દૈવની ગતિથી જ મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાનાં અનેક સાધનો સ્વાભાવિક રીતે જ મને પ્રાપ્ત થએલાં છે. નંદરાજાએ મારું અપમાન કરવાથી ખિન્ન અને સંતપ્ત થઇને તેની સભામાં જ તેના નાશની પ્રતિજ્ઞા કરી, હું પાટલિપુત્રમાંથી બહાર નીકળ્યો કે, તરત જ મહાન પદને યોગ્ય અને ચક્રવર્ત્તીનાં ચિન્હોવાળો બાળક મારા જોવામાં આવ્યો, અને તે થોડા જ પ્રયત્ને મારા તાબામાં પણ સોંપાયો. તેને ક્ષત્રિયોને જોઇએ તેવી વિદ્યા અને કળાનું શિક્ષણ પણ મેં આપ્યું. એને ભવિષ્યમાં કામના થઈ પડે, તેટલા માટે કિરાત, વ્યાધ અને ખાસ ઇત્યાદિ લેાકેાના તરુણ બાળકોને અને તેમના રાજપુત્રોને પણ તેવું જ શિક્ષણ આપીને તેમના મનમાં ચન્દ્રગુપ્તવિશે પૂજ્યભાવ ઉત્પન્ન થાય, તેવો પ્રયત્ન કર્યો.

એ બધું તો ઠીક થયું, પણ હવે એક પગલું આગળ ભરવું જોઇએ, એવા હેતુથી ચન્દ્રગુપ્તને આશ્રમમાં રાખીને હું અહીં પાટલિપુત્રની ચર્ચા જોવાને આવ્યો અને અહીં મને અનુકૂલ થાય એવી આંતરિક દશા મેં જોઈ. મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં જાણે પરમેશ્વર પણ સહાય થતો હોય, તે પ્રમાણે રાજાના મનમાં પ્રવેશ કરીને તેણે મુરાદેવીને બંધનમુક્ત કરાવી અને મુરાદેવીના મનમાં મત્સરનો સંચાર કરીને મારી પ્રતિજ્ઞાની સિદ્ધિ માટે મને એક ઉત્તમ સાધન મેળવી આપ્યું. એને મળીને એના મત્સર-અગ્નિને મેં વધારે જ પ્રજ્વળિત કર્યો છે અને હવે ચંદ્રગુપ્તને પણ તેના જ ઘરમાં લાવીને રાખેલો છે. જેવી રીતે કોઇ સિંહણ પોતાના નાના બચ્ચાનું ઘણી જ જાગૃતતાથી અને સાવધતાથી સંરક્ષણ કરે છે, તેવી જ રીતે મુરાદેવી હવે ચન્દ્રગુપ્તનું રક્ષણ કરશે, એમાં જરા જેટલી પણ શંકા નથી. સિંહણ કદાચિત પોતાના બચ્ચાને વીલું મૂકે પણ ખરીઃ પણ મુરાદેવી હવે ચન્દ્રગુપ્તને પળમાત્ર પણ વીલો છોડનારી નથી. તથાપિ હજી જે ધડાકો કરવાનો છે, તે તો મેં કર્યો જ નથી. મુરાદેવી ચન્દ્રગુપ્તને સંભાળીને જ બેસી રહે, એટલાથી જ કાંઈ મારા કાર્યની ઇતિકર્તવ્યતા થઈ નથી રહેતી. મારે પણ હવે મારા કાર્યમાં અધિક ચપળતા ધારણ કરવી જોઇએ. મારી સઘળી મહત્ત્વાકાંક્ષાઓનું કેન્દ્રસ્થાન તે ચન્દ્રગુપ્ત છે. એટલે જો એના જીવને કાંઈ પણ જોખમ થયું, તો મારી સઘળી આશાઓ ત્યાંની ત્યાં જ મરી જવાની. માટે એની નિર્ભયતાના મજબૂત ઉપાય પ્રથમ કરી રાખવા જોઇએ. મંગળાચરણમાં એ કાર્ય કરવું કે, મ્લેચ્છ રાજા પર્વતેશ્વરનો જે પ્રતિનિધિ અહીં રહે છે, તેની મુલાકાત લઇને તેને એમ કહેવું કે, જો પર્વતેશ્વર આ વેળાએ મસ્તક ઊંચું કરે, તો હાલમાં પ્રસંગ ઘણો જ સારો અને અનુકૂલ છે. અને વધારામાં તેને કિરાતરાજા અને પોતાના ભિલ્લ ઇત્યાદિ સૈન્યની તેને સહાયતા અપાવવાનું પણ જણાવી દેવું. મૃત્યુંજય કાંઈ ઓછો ચતુર નથી. આ પ્રસંગ નંદરાજાના વિધ્વંસ માટે ઘણો જ ઉત્તમ છે, એ તો તે ક્યારનોએ જાણી ચૂકયો હશે, અને તેવામાં મારા તરફથી આવી સહાયતા મળવાની અને હું રાજાના ગૃહમાં કેવું ભંગાણ પાડી શકું છું, એની ખાત્રી મળી એટલે લોભથી તે પાણી પાણી થઈ જશે, અને નંદરાજાએ આજસુધીમાં તેના ઉપર જે બળાત્કાર કરેલો છે, એ વૈરનો બદલો લેવાની તત્કાળ તેના મનમાં ઇચ્છા થશે. એકવાર તેની એવી ઇચ્છા થઈ, એટલે પર્વતેશ્વરને જોઇએ તેટલી સહાયતા આપીને તેના હસ્તે હું નંદરાજાનું મારી ઇચ્છા પ્રમાણે નિકંદન કઢાવીશ.

પરંતુ એવી રીતે નંદરાજાનો પરાજય કરીને પર્વતેશ્વરે મગધમાં પ્રવેશ કર્યો, એટલે સિંહાસનપર તો પોતાનો અધિકાર બતાવવાનો, અને તે જો સિંહાસનારૂઢ થયો, તો પાછા તેને પદભ્રષ્ટ કરતાં ઘણો જ શ્રમ પડવાનો, કિંબહુના, એ કાર્ય અશક્ય જ થઈ પડવાનું. જો એમ થાય તો શું કરવું? જોઈ લઈશું. પ્રથમ તો નંદરાજાની હયાતીમાં જ નિશ્ચય પ્રમાણે સુમાલ્યનો વધ કરાવવો, અને એ વધ થયો, એટલે પર્વતેશ્વર મગધદેશ પર આક્રમણ કરીને જેટલા નંદ હશે, તે સર્વેનો ઘાત કરશે. નંદનો નાશ થતાં જ ચન્દ્રગુપ્તનો ભેદ ખુલ્લો કરી નાંખવો – એટલે નંદના પ્રથમ પુત્ર અને નંદના વંશમાંથી એ એક જ બચેલા રાજકુમાર તરીકે લોકોને એનામાં પૂજ્ય ભાવ થાય અને લોકો પર્વતેશ્વરથી પ્રતિકૂલ થઈ જાય, એવા ઉપાયો યોજવા. જો એમ ન બની શકે, તો વિશ્વાસધાતથી પર્વતેશ્વરનો ઘાત પણ કરવો. પર્વતેશ્વરનો પુત્ર મલયકેતુ હજી નાનો છે, એટલે લોકો તેના પક્ષમાં બહુધા જશે નહિ, તેને બને તો પટાવી ફોસલાવી લેવો અથવા તો તેને ત્યાંથી કાઢી મૂકીને ત્યાં પણ ચન્દ્રગુપ્તના નામની દોહાઈ ફેરવી દેવી. તેના પિતાને – પર્વતેશ્વરનો ઘાત, જો અગત્ય હોય, તો આપણે કરવો, અને તેનો દોષ ચતુરતાથી નંદરાજાના પક્ષપાતી રાક્ષસ આદિને શિરે ઢોળી દેવો. જો કે એકંદર રીતે આ કાર્ય ઘણું જ વિકટ છે, વ્યૂહ ઘણી જ કુશળતાથી રચવો જોઈએ – પરંતુ બધી વાતોની અત્યારથી જ ગોઠવણ કરી રાખવાથી કાંઈ પણ લાભ થવાનો નથી. હાલ તો માત્ર ત્રણ બાબતો જ હાથમાં લેવાની છે. એક તો સુમાલ્યનો વધ, ભાગુરાયણ સેનાપતિનો સ્નેહ મેળવવો, અને પર્વતેશ્વરના પ્રતિનિધિ મૃત્યુંજયને મળીને તેની પરીક્ષા કરવી.

સુમાલ્યના મરણનું કાર્ય જે રીતે સાધવાનો સંકલ્પ કરેલો છે, તે યુક્તિ જો પાર પડી, તો તેના વધની કોઈને પણ જાણ થશે નહિ, પરંતુ કદાચિત્ પ્રથમના પ્રયત્ને એ કાર્ય સિદ્ધ ન થયું, તો બીજીવારના પ્રયત્નમાં તો અવશ્ય સિદ્ધિ મળવાની જ. હાલમાં જો પોતાના પ્રતિપક્ષીઓ માટે રાજાના મનમાં શંકા પણ ઉપજશે, તો એ પણ એક મહાન કાર્ય થએલું સમજવાનું છે. ભાગુરાયણ સાથે સ્નેહસબંધ સાંધવામાં વધારે મહેનત પડવાની નથી, મારા શેાધ પછી મને એમ જ જણાયું છે કે, સેનાપતિ ભાગુરાયણનું મન રાજા પ્રતિ સર્વથા શુદ્ધ તો નથી જ. વૃષલકન્યાને ક્ષત્રિયકન્યાના રૂપમાં રાજાને અર્પણ કરવા માટે અને તે વૃષલીના ઉદરથી અવતરેલા પુત્રને નંદના પવિત્ર સિંહાસને બેસાડવાનો પ્રયત્ન કરવા માટેનો બીજા મંત્રીઓએ એના શિરે આરોપ મૂક્યો હતો અને એનાપર રાજાની અપ્રીતિ થાય, એવો વ્યૂહ રચ્યો હતો. માટે જો પોતાના પ્રતિપક્ષીઓનો પરાભવ થતો હોય, તો તે કાર્ય એને તો ઇષ્ટ જ થવાનું. જો એ બીજી સરળ યુક્તિઓથી આપણા પક્ષમાં આવ્યો, તો તો ઠીક જ છે – નહિ તો પછી તેને ચન્દ્રગુપ્તનો સત્ય વૃત્તાંત જણાવીને આપણા પક્ષમાં લેવાનો તો ખરો જ. પણ એ ઉપાય તો અંતે જ કરવાનો – બીજા ઉપાયોથી કાર્ય થઈ શકતું હોય, તો એ ઉપાયને યોજવાની કાંઈ પણ આવશ્યકતા નથી. ભાગુરાયણ જો આપણા પક્ષમાં આવ્યો, તો નવાણું ટકા કામ થયું જ જાણવું, કારણ કે, સઘળું સૈન્ય એની આજ્ઞામાં છે અને તે પોતે સેનાપતિ છે. તે અને બીજા કેટલાક લોકો અનુકૂલ થયા, એટલે રાક્ષસ જેવો અમાત્ય આપણા પક્ષમાં ન આવે, તો કાંઇ અડચણ જેવું નથી. રાક્ષસ આપણને અનુકૂલ થાય એવી આશા પણ નથી. તે નંદનો સર્વથી વધારે વિશ્વાસપાત્ર અધિકારી છે અને તેથી સર્વથા નંદનું નિકંદન ન નીકળે, ત્યાં સુધી કોઈ કાળે પણ અન્યપક્ષમાં મળવાનો નથી. અને નંદનો નાશ થયો એટલે મારી પ્રતિજ્ઞા પ્રમાણે આ પૃથ્વી નિર્નન્દ થઈ! નંદનું કિંવા નંદવંશનું એક બચ્ચું પણ આ પૃથ્વી તલપર રહેશે નહિ, એટલે તેમના નાશનું વૈર વાળવા માટે તો પોતાના સઘળા સામર્થ્ય, ચાતુર્ય અને અધિકારનો ઉપયોગ કરશે – પ્રજામાંના જેટલા મનુષ્યોને કરી શકાશે તેટલાને અમારાથી વિરુદ્ધ કરશે. જો લાગ મળે, તો બીજા કોઈ રાજાની મિત્રતા કરીને તેની સહાયતાથી અમારા નાશનો ઉદ્યોગ પણ કરશે. પરંતુ હું તેને સારી રીતે પૂરો પડીશ. જે જે યુક્તિઓ તે અમારા પરાજય માટે યેાજશે, તે સઘળી હું તોડી પાડીશ. અને છેવટે જો બની શક્યું તો તેને પણ પોતાના પક્ષમાં લઇને ચન્દ્રગુપ્તનો પ્રધાન બનાવીશ. હું તે કોણ? એક દીન બ્રહ્મનિષ્ટ બ્રાહ્મણ ! મને રાજ્યની, ધનની, અધિકારની કે બીજા કોઈ પદાર્થની કાંઇપણ લાલસા નથી. લાલસા માત્ર એટલી જ કે, લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીને મારા આશ્રયમાં લીધેલા એ બાળકને મગધદેશના સામ્રાજ્યનો ચક્રવર્તી મહારાજા બનાવવો. એને આ પુષ્પપુરીના સિંહાસને બેસાડવામાં કોઈપણ પ્રકારનો અન્યાય થવાનો નથી, ઉલટો એક પ્રકારનો ન્યાય જ થશે. વસ્તુતઃ જોતાં એ જ બાળકનો બીજા બધા કરતાં આ સિંહાસનપર વધારે અધિકાર છે. જે યૌવરાજ્યાભિષેક સુમાલ્યનો થયો, તે આનો થવો જોઇતો હતો, પરંતુ તે ન થયો. એને જગતમાંથી નષ્ટ કરી નાંખવાની ધારણાથી આજે જે જનો આનંદમાં મહાલી રહ્યા છે, તેમની આંખોમાં આંજણ આંજવું જ જોઇએ. એમાં અન્યાય શો થવાનો હતો? જાણી જોઇને કરેલા તેમના અપરાધ માટે જો તેમને કઠિન શિક્ષા આપવામાં આવે, તો તેમાં અન્યાય કર્યો, એમ કેમ કહેવાય? તેમ જ મારાજેવો એક સર્વથા પવિત્ર, વિદ્વાન અને ચતુર તેમ જ રાજાનો હિતૈષી બ્રાહ્મણ દ્વારપર આવીને આશીર્વાદ આપે, તેને પ્રથમ આશ્રય આપવાનું વચન આપીને પછી પોતાના ખુશામદીયા અને ભૂખે મરતા નીચ પંડિતોની વાતો સાંભળીને અપમાનપૂર્વક કાઢી મૂકે એવા નાલાયક રાજાને જો તે કર્મનિષ્ઠ, તપોનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ શાપથી કે શર (બાણ) થી નષ્ટ કરવાને ઉદ્યકૃત થાય, તો તેમાં અન્યાય શો છે ?”

એવા નાના પ્રકારના વિચારો આર્ય ચાણક્યના મનમાં સમુદ્રલહરી પ્રમાણે ઊંચા ઊપડતા હતા અને પાછા નીચે પડતા હતા. જ્યારે એક છેવટનો વિચાર – પોતાવિશેનો વિચાર તેના મનમાં આવ્યો, ત્યારે તેની ચિત્તવૃત્તિ અને મુખચર્યા ઉભય અત્યંત ક્ષુબ્ધ મહાસાગર પ્રમાણે દેખાવા લાગી. જે દિવસે રાજસભામાં તેનું અપમાન થએલું હતું, તે દિવસનો વિલક્ષણ આદર્શ તેનાં નેત્રો સમક્ષ પ્રત્યક્ષ દેખાવ આપીને ઊભો રહ્યો. જાણે તે પોતે ઉદ્ધતતાથી રાજાની સભામાં પ્રવેશ કરીને રાજાને આશીર્વાદ આપતો ઊભો છે, અને તેની તે ઉદ્ધત મૂર્તિને જોઈને ચકિત, ક્રુદ્ધ અને ઉદ્વિગ્ન થએલા સર્વ પંડિતો તેની તરફ અાંખો કાઢી કાઢીને જોયા કરે છે – રાજાએ તેનો સત્કાર કરતાં જ તેમના કોપરુપી અગ્નિની જવાળા આકાશ પર્યન્ત પહોંચી ગએલી છે. એટલું જ નહિ પણ તે કોપે મત્સરનું સ્વરૂપ ધારણ કરેલું છે. એથી તેને ઘણો જ આનંદ થએલો છે અને રાજાની ગુણગ્રાહકતાની તે પ્રશંસા કરવાની ઇચ્છા કરે છે, એટલામાં સભામાંનો એક પંડિત ઉભો થાય છે અને પોતાની ચર્પટપંજરીનો આરંભ કરે છે. એ સાંભળીને તેના મનમાં પણ કોપનો અગ્નિ સળગી ઊઠે છે –

એટલામાં તે સભા પંડિતના બોલવાને માન આપી રાજા તેનું અપમાન કરે છે, એથી તેના કોપની સીમા જ રહેતી નથી અને તેથી તેના મુખમાંથી શાપના શબ્દો જ નહિ, કિન્તુ કોપાગ્નિની જવાળા જ બહાર નીકળવા માંડે છે. તે ઘણા જ ઉદ્વિગ્ન મનથી રાજસભામાંથી જવા માંડે છે અને જતાં જતાં પોતાની ઘોર પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતો જ જાય છે. એવો એ વિલક્ષણ આદર્શ અને પોતાની તે સમયની ભયંકર મૂર્તિ તેની દૃષ્ટિસમક્ષ સ્વરૂપ ધારીને ઉભાં રહ્યાં અને તે પોતે આ વેળાએ ક્યાં છે, શું કરે છે ઇત્યાદિનું ભાન ન રહેતાં તે કોપાવિષ્ટ બ્રાહ્મણ ઊઠીને એકદમ ઉભેા થયો અને ઘણા જ વેગથી ચાલતો મુખમાંથી “અરે મૂર્ખ ધનાનન્દ! તેં મારું અપમાન કર્યું છે કેમ ! તેં મારું અપમાન કર્યું તે એક દીર્ધદ્વેષી કાલસર્પના ફણા ઉપર જાણી જોઈને જ પગ દબાવ્યો છે, એમજ સમજજે! તે કાલસર્પ હવે તને તો શું, પણ તારા સઘળા કુળને અને સઘળા પરિવારને દંશીને સર્વનો સંપૂર્ણ રીતે નાશ કરશે, ત્યારે જ જંપીને બેસશે ! આ વિષ્ણુશર્મા નથી પણ ચાણક્ય છે ! પરંતુ આ વિષ્ણુશર્મા નામ હવે અત્યારે મુખમાં શામાટે આવે છે? મને થએલા અપમાનનું જ્યારે આ ધનાનન્દના શોણિતથી ૫રિમાર્જન થશે, ત્યારે જ આ દેહ પુનઃ તે નામનો સ્વીકાર કરશે ! તેથી પહેલાં એ નામનો ઉલ્લેખ થવાનો નથી!” એવા અને એ જ અર્થના બીજા અનેક ઉદ્દગારો મોટે સાદે તેના મુખમાંથી બહાર પડ્યા. એ વેળાનો પોતાનો જ ધ્વનિ સાંભળીને અને પોતે ઉતાવળો ચાલતો હતો, એટલે પોતાનાં જ ભારી પગલાંનો અવાજ સાંભળીને તે પોતે જ અચકાઈ ગયો અને કાંઈક શુદ્ધિમાં આવ્યો. હવે તેના મનમાં બીજી જ ચિન્તા થવા માંડી, “હું જે કાંઈ બબડ્યો તે મારા શિષ્યોમાંથી કોઈએ સાંભળ્યું તો નહિ હોય ! જો સાંભળ્યું હશે, તો તેઓ શું કહેશે? તેઓ એમ જ કહેવાના કે, આપણા ગુરુજીનું માથું ફરી ગયું છે અને તેઓ ગાંડા થઈ ગયા છે; અથવા તો પોતાના મનની કોઈ ઇચ્છા પૂરી ન થવાથી એમને સંતાપવાયુ તો નહિ થયો હોય, એમ તેઓ ધારશે. ત્યારે હવે સ્વસ્થ પડી રહીને મારે અત્યારે તો નિદ્રા લેવી જોઈએ.” એવો ચાણક્યે વિચાર કર્યો. પરંતુ મનમાં આટલો બધો ક્ષોભ થએલો હોય, એટલે નિદ્રા તો ક્યાંથી આવે ? અરુણોદય થતાં સુધી પણ નિદ્રાદેવીએ તેનાપર કૃપા કરી નહિ. એથી તેનાં નેત્રો એવાં તો લાલ થઈ ગયાં કે, જાણે પ્રાતઃકાલીન સૂર્ય પોતાના રક્તવર્ણ તેજનો એનાં નેત્રોમાં જ પ્રતિબિંબ રૂપે નિવાસ કરાવ્યો હોયની ! એવો ભાસ થવા લાગ્યો. એમાં ભેદ માત્ર એટલો જ હતો કે, પ્રાત:કાલીન પ્રભાકર સૌમ્ય હોય છે અને ચાણક્યનાં નેત્રો રૌદ્ર હતાં.

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!