વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી સમગ્ર ગુજરાતમાં શાસન કરી રહ્યા હતા. રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકી બાંધકામના ઘણા શોખિન હતા. તેમણે પોતાના દાદાના વખતથી અધુરુ રહેલ “રુદ્રમહાલય” નુ બાંધકામ પુર્ણ કરી ભારેપ્રસિધ્ધિ મેળવેલ.
સૌરાષ્ટ્રમાં પણ તેમણે ઠેર-ઠેર ઘણા મંદિરો, પાણીની વાવો અને ગઢ બંધાવેલ, જેના અવશેષો આજે પણ આણંદપુર, ચોબારી, વઢવાણ વગેરે સ્થળોએ જોવા મળે છે.. સિધ્ધરાજ જયસિંહ સોલંકીની રાજ્યની રાજધાની પાટણ હતી જેના લિધે તેઓ પાટણ નરેશ કહેવાતા. પોતાના બાપ- દાદાના સમયની પાટણની રોનક બદલવા તેઓએ સુંદર બાંધકામો હાથ ધરેલ.
આવાજ એક પ્રયત્નોમાં દુર્લભરાજાએ બંધાવેલ પરંતુ પાણીના અભાવે સદાય સુકાયેલા રહેતા તળાવને ફરીથી ખોદાવવા તેમણે માલદેવથી ઓડો, બનાસકાંઠા અને રાજસ્થાનના મજુરો બોલાવેલા. આ મજુરોમાંની એક સ્વરુપવાન સ્ત્રી “જસમા ઓડણ” પર તેઓ મોહી પડેલા.
જસમાને પોતાની રાણી બનાવવા અનેક વિનવણીઓ તેમણે કરી પરંતુ પોતાના પતિને તન- મનથી સમર્પિત જસમા રાજા સિધ્ધરાજ જયસિંહની રાણી બનવા રાજી ન થયા અને પાટણ છોડી પોતાના ગામ જવા રવાના થયા જ્યાં રસ્તામાં સિધ્ધરાજ જયસિંહના સૈનિકોએ જસમાના પતિને મારી નાખ્યા અને જસમાને પકડી રાજા સામે રજુ કર્યા.
રાજા સામે હાજર થયેલ વિધવા જસમા ઓડણે પોતાના કપડામાં છુપાયેલ કટારી પોતાના પેટમા ઉતારી દીધી અને મારતાં મારતાં તેમણે રાજા સિધ્ધરાજ જયસિંહને શ્રાપ આપ્યો કે પાટણના દુર્લભ સરોવરમાં ક્યારેય પાણી નહિ આવે અને પાટણની પ્રજા પાણી વગર તરફડશે. સતી જસમા ઓડણના શ્રાપથી શિવભક્ત સિધ્ધરાજ જયસિંહ ઘણા વ્યથિત થઇ ગયાં અને પોતાના પાપના પ્રાયશ્ચિત રુપે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં શિવમંદિરો બંધાવ્યા.
તેવી જ રીતે દુર્લભ સરોવરને ખોદાવી ૧૦૦૦ શિવલિંગ ધરાવતુ અન ૫૦૦ માઇલના ઘેરાવાનુ “સહસ્ત્રલિંગ” તળાવ બનાવ્યુ અને તેમાં વચ્ચે મોટું રુદ્રેશ્વર મહાદેવનુ મંદિર પણ બંધાવ્યુ. વર્ષો સુધી આ મંદિર અને તળાવમાં દરરોજ સવાર સાંજ આરતી થાય ત્યારે ખુદ રાજા સિધ્ધરાજ જયસિંહ હાજર રહેતાં. પરંતુ સતિ જસમા ઓડાણના શ્રાપના પ્રભાવે સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ન રહ્યુ. જેના લીધે પાણીની સમસ્યા વિકટ બની અને પાટણમાં લોકો પાણી વગર તરફડવા લાગ્યા.
આ શ્રાપમાંથી મુકત થવા રાજા સિધ્ધરાજ જયસિંહએ પોતાના રાજ્યમંત્રી મુંજાલ દ્વારા અનેક ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણોની સભા બોલાવી. જ્યાં પોથીઓ વંચાઇ, ઘણી ચર્ચા વિચારણાઓ થઇ, શાસ્ત્રોનો અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાવાયો કે જસમા ઓડાણના શ્રાપથી મુકત થવા અને પાટણની પ્રજાને પાણીના વલખા મારતી અટકાવવા ઘરતી માતા બત્રીસ લક્ષણા જીવતા નરનુ બલિદાન માંગે છે! આ સાંભળી સભામાં સર્વે મહાનુભવો સ્તબ્ધ થઇ ગયા. રાજા સિધ્ધરાજ જયસિંહએ સભામાં હાજર લોકો સમક્ષ બલિદાન આપવા હાકલ કરી, પણ કોઇરાજી ના થયુ.
ત્યારબાદ બલિદાનની હાકલ કરવા ૭-૭ દિવસ રાજ્યભરમાં ઢંઢેરો પિટાવ્યો. પરંતુ બલિદાન આપવા કોઇ આગળ ન આવ્યુ કારણ કે સૌને પોતાનો જીવ વ્હાલો હતો. ત્યારે ઘોળકા પાસે રહેતો “વણકર” જ્ઞાતિનો વિરપુત્ર “માયો” પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો. નાનપણ માંજ પિતા ધરમશીના અવસાના બાદ દાદાની છત્રછાયામાં ઉછરેલ “માયો” માતા ગંગાબાઇ (ખેતીબાઇ) ના આશીર્વાદ સાથે પોતાના ઘર્મપત્ની હરખા (મરઘાબાઇ)ની રજા લઇ યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયો.
ધોળકા વિસ્તારના સર્વજનો વાજતેગાજતે માયાને પાટણ ખાતે રાજા સિધ્ધરાજ જયસિંહના દરબારમાં લાવ્યા. દરબારમાં બેઠેલા રાજવીઓ, બ્રાહ્મણો અને અન્ય નગરજનો “મેઘમાયા” ને જોઇ ઉભા થઇ ગયા અને બોલ્યા “આ મેઘમાયો તો વણકર જ્ઞાતિનો અછુત છે, તેનુ બલિદાન ધરતી માતા નહિ સ્વિકારે!” આ સાંભળી રાજાએ સભામાં ઉપસ્થિત જ્યોતિષિઓ સામે જોયુ, જ્યોતિષિઓએ મેઘમાયા સામે જોયુ અને એક સ્વરે સભામાં જણાવ્યુ કે “હે રાજા! બિજાના માટે પ્રાણ ન્યોછાવર કરનાર મેઘમાયો અછુત નથી! એતો બ્રાહ્મણોનો પણ ગુરુ છે! બત્રીસ લક્ષણો વિર છે! આવા વિર નરનુ બલિદાન ઘરતી માતા જરુરથી સ્વિકારશે!” સિધ્ધરાજ જયસિંહએ મેઘમાયાને બલિદાન માટે પુછ્યુ ત્યારે માયાએ નિર્ભય, નિડર પરંતુ નમ્રતાથી જવાબ આપ્યો.
“હે અન્નદાતા, મહારાજા, મારા બલિદાનથી જો પ્રજાજનોને પાણી મળે તો આ મસ્તક હાજર છે, પરંતુ આપને નત મસ્તકે એક અરજ છે.” રાજા બોલ્યા “બોલ વિર માયા બોલ, સંકોચ રાખ્યા વગર બોલ.” ત્યારે માયાએ શિશ ઝુકાવી અરજ કરી “મહારાજ! અમારી વણકર જ્ઞાતિ ભારે અધોગતિમાં છે. ગરીબ છે. પછાત છે. અસ્પૃશ્યતાનું કલંક લાગેલ છે તે દુર કરો. અમારા સમાજને જ્ઞાતિબંધનોમાંથી મુકત કરી નગર વચ્ચે નિવાસ, આંગણે તુલસીનો ક્યારો, પિપળાનો છાંયો, ઉત્તમ વસ્ત્રો પહેરવાની પરવાનગી, વેલ – વંશાવલી માટે વહિવંચા બારોટ સહિત સ્વાભીમાનથી જીવવા સમાન માનવીય અધિકારો આપો” જે સર્વ રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સ્વિકારી અને તેને પુર્ણ કરવાનુ વચન આપ્યુ. આમ ભારતના ઇતિહાસમાં દલિત સમાજને સમાન અધિકાર અપાવનાર વિર મેઘમાયા પ્રથમ મહામાનવ હતા.
પરંતુ ઇતિહાસકારોના ચોપડે તેની કોઇ નોંધ નથી !! વિક્રમ સંવત ૧૧૭૨, મહાસુદ સાતમને શુક્રવારે વહેલી સવારે ઢોલ, શરણાઇ, ત્રાંસાની રમઝટ સાથે નગરજનોના અબીલ- ગુલાલ, અને પુષ્પવર્ષા વચ્ચે વિર મેઘમાયાની બલિદાન શોભાયાત્રા નીકળી. જેમાં રાજા સિધ્ધરાજ જયસિંહ, નગર શેઠ, ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણો અને હજારો માનવ મેદનીના જય જય કાર સાથે, સતી જસમા ઓડાણના શ્રાપને મિટાવવા, પાટણના તરસ્યા માનવીઓના જીવ બચાવવા, શાસ્ત્ર મંત્રોચાર સાથે સહસ્ત્રલિંગ તળાવમાં પગ મુકતાવેંતજ આકાશમાંથી અમી છાંટણા થયા અને પાતાળમાથી ધસમસતા વેગથી જળધારાઓ ફુટી નિકળી અને પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધી લિધી.
આજે પણ પાટણમાં આ ઐતિહાસિક તળાવ વિર મેઘમાયાના પરોપકારી બલિદાનની સાક્ષી પુરે છે. આમ લોક જીવનની રગેરગમાં વિર મેઘમાયાએ ચિરંજીવ સ્થાન પ્રાપ્ય કર્યુ. તે સંત શિરોમણી “મેઘમાયા” ને મેઘવાળ – વણકર સમાજ અતુટ શ્રધ્ધાથી પુજે છે. વિર મેઘમાયાના બલિદાનની ગૌરવ ગાથા કાયમી સ્મૃતિ તરીકે જળવાય તે માટે સિધ્ધપુર પાટણના ગુજરાત વણકર સમાજ સંલગ્ન “વીર માયા સ્મારક સમિતિ” ના પ્રયત્નોથી વિર માયાના બલિદાન સ્થળે ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યુ છે. જેના બાંધકામ માટે થઇ ગુજરાત સરકાર તરફથી ત્રણ કરોડ રુપીયા પણ ફાળવવામાં આવેલ છે. આ પ્રસ્તાવિત સંકુલમાં વીર માયા સ્મૃતિ મંદિર, સંશોધન કેન્દ્ર, ગ્રંથાલય, અતિથિભવન, બાલ ક્રિડાંગણ, ગુરુકુળ અને શ્રી વિરમાયાની યશોગાતા ગાતુ “Light & Sound Show” નુ પણ આયોજન કરવામાં આવનાર છે.
**** લાખો સલામ સતી જસમા ઓડણ અને વીર મેઘમાયા ને !!!!
————- જનમેજય અધ્વર્યુ
???????????