વીર એભલ પટગીર

(સોરઠા)

બહારવટામાં બંધુઓ, અણનમા એકવીસ
ભારે કરિયલ ભીંસ, અફસરો પર એભલા (૧)

ઓયકારા અંગ્રેજના, ગડબડ ગાયકવાડ
પેટીમાં થ્યા પા’ડ, એફઆયઆરના એભલા (૨)

પેર્યા ત્રોડા પગ મહીં, ભડ તે ભારે ખમ્મ
જટ દઇ આવે જમ્મ, એકજ વારે એભલા (૩)

નર સાચવવા ન્યાયને, રાખી ભારે રીંસ
પટગીર પિસ્તાલીસ, ઉંર વખતે એભલા (૪)

બસ આપીદ્યે બાતમી, ગ્યો તું કેવે ગામ
અઢીસોનું ઈનામ, આપે તારુ એભલા (૫)

અંગ્રેજોને આથડ્યો, નોલીનો નરવીર
પત રાખી પટગીર, આઘી પોલિસ એભલા (૬)

ગર્યો ગોળીબારમાં, પટગીર અડખમ પાવ
ઘણા ઝીલિયા ઘાવ, આરેપારે એભલા (૭)

ન્યાય કાજનો નોતર્યો, વધાર્યો નઇ વંશ
કેશવ મારે કંસ, એવા માર્યા એભલા (૮)

(રાહડો)

ભેળા ગીગા સરીખા ભાઈ છે રે લોલ..
નબળા નથી નોલી કેરા નીર રે હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૧)

ત્રણસો તારા તણું ઈનામ રાખ્યું લોલ..
બીજા અઢીસો જામ તણા તમ શિરના હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૨)

આપો અરજણ હજી નર એકવીસ લોલ..
ગાયકવાડને ઘાવ દીધા ગંભીર રે હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૩)

કાઠીયાવાડમાં કિર્તી આભે આંબતી રે લોલ..
કર્યા રે પાલરવભા એ તમ પીર રે હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૪)

ગોળીબારે નડાળા સીમમાં રે લોલ..
ભાગ્યો નહીં લડમર્યો ભડવીર રે હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૫)

શરણે અંગ્રેજ કેરી વણગયો રે લોલ..
ધર્યું ધીંગાણાની માંય શરીર રે હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૬)

ખાંભી ખોડાણી ધરા માય તારી લોલ..
રંગે રંગાણો નિજ કેરા રુધીર રે હો..
એભલ પટગીર ભારે આથડ્યો રે લોલ.. (૭)

(છંદ ઝુલણો)

ભાંગિયા ગામડા લાખ સરકારના હાંફળા ફાંફળા હાર જાતા
હલબલે હાકથી ધ્રુજતા ધાકથી રોવતા રાંક સમ માર ખાતા
વીર નોલી તણો અફસરો ચીરતો એકલો ખદડતો ભલ ઘણા દલ
નામ કાઠી તણું અમર જગમાં કિયું આજ રંગ દઉ ભડવીર એભલ

-કવિ ધાર્મિકભા ગઢવી રચિત

…………………………………..
ઇતિહાસ મા ઘણા વિરલાઓ પર જાજો પ્રકાશ પડ્યો નથી હોતો,તેવા એક વિર બહાવટીયા એભલ પટગીર (નોલી) જેના કુંવારી કલ્પના ના કવિ પાલરવભા પાલિયા એ ૧૨૦ દુહા બનાવેલ, અને જેથી કવિ સામે પણ વોરંટ નીકળેલુ અને નાસવુ ફરતુ પણ તેમણે ચારણ ધર્મ ત્યજ્યો નહિ અને દુહા બનાવાનુ ચાલુ રાખેલ,

જે અંગે ‘સ્વર્ગ ભુલાવુ શામળા’ પુસ્તક મા પ્રકાશ પડે છે,તે પરથી અહિ લોકવાર્તા પણ જોડી છે, જેનાથી આપણી આગળ વધુ જાણવાની જીજીવીશા બંધાશે

ઇ.સ. ૧૯૧૫ મા અંગ્રેજ એજન્સી અને ગાયકવાડ સરકાર સામે બહારવટે ચડેલ જેમા તેમની સાથે ભાઇ ગીગા પટગીર, ભાણ પટગીર (ગુંદા),દાહા ધાધલ (રાતડકી),કાળા ખાચર(ડોળીયા),આપા ચારણ(લાઠી) વિગેરે થઇ ૨૧ માણસો હતા, તેમણે વડોદરા,ભાવનગર,જામનગર ના ગામો ભાંગ્યા, અંગ્રેજો અને એના ફોજદારો ને ગોળીયે દેતા, તેમની ધાક થી સુદામડા,ધાંધલપુર વિગેરે ઠેકાણે થાણાઓ બેસાડવા પડ્યા,સમય જતા અમુક સાથી પકડાયા અને વિરગતી પામ્યા આખરે એભલ પટગીર પણ

તા. ૦૮/૦૮/૧૯૨૧ નડાળા ની સીમ મા અંગ્રેજો એ ઘેરો ઘાલ્યો ને સાપટા મા આવ્યા,વધુ ગીસત અને દારુગોળો અંગ્રેજો એ તેમના પાળીયાદ થાણે થી મંગાવ્યો,પણ તોય પોતાની ‘હોલેન્ડ એન્ડ સન્સ’ કંપની ની જાટો બંદુક થી સતત ત્રણ કલાક સુધી યુધ્ધ આપી આખરે તેઓ પણ વિરગતી પામ્યા.

એભલ પટગીર ના વિરતા પ્રેમી કવિ પાલરવભા પાલીયા

:- પાળિયાદથી નજીકની ભોમકા માથે બેઠેલા લાખાવડ નામના ગામે પોરહીલા કાઠી દરબાર વીરાભાઈ ખવડની ડેલીએ દી’ઊગતાં પહેલાં ડાયરો જામ્યો છે. વૈશાખી વાયરામાં ઓળઘોળ થઈને આવતા કોયલના મીઠા ટહુકા જુવાન હૈયાંના દિલના દરવાજા મોકળા કરે છે. ડાયરામાં ઠંડી લહેરો લાવતો મધરો મધરો વાયુ ઉલ્લાસનાં કૂંડાં ઠાલવે છે. સૂરજનારાયણે આભના ડુંગરેથી ડોકિયું કર્યું એવે ટાણે પાલરવભા પાલિયાએ સૂરજને અંજલિ આપી અને ભગવાન શામળાને સાદ દીધો.

કાઠિયાવાડમાં કોક’દી, ભૂલો પડય ભગવાન,
(તો) મોળા (મારા) કરું મેમાન, સરગ ભુલાવું શામળા

ત્યાં તો ડાયરામાંથી ભણકારા ઊઠયા, ‘‘વાહ પાલરવભા વાહ! જણે દુહો તો બનાવી જાણ્યો છે.’’ ‘‘બનાવ્યો નથી મારા અંતરની મોજમાંથી એના શબ્દો આપોઆપ બહાર આવ્યા છે.’’ બેઠી દડીનું શરીર, ચારકસનું કેડિયું, ડોરણાવાળી ચોરણી, માથે સફેદ રંગની ચારણ શૈલીની પાઘડી,જાળી બાંધેલી દાઢી, બગસરાની પછેડીની ભેટ બાંધેલ પાલરવભાએ ખોંખારો ખાઈને કહ્યું.

‘ભા આગળ થવા દો, મોજ આવે છે.’ એક જણ બોલ્યો.

‘સાંભળો તંઈ.’

ગાતાં આવડે ગરબીયું, સાધુ વડા સમરાય,
(તો) દંડવત્ દીનાનાથ, અમે સામા કરીએ શામળા.

અભણ પાલરવાભા દરબારીઓના ચહેરા વાંચતા જતા હતા ને ત્રીજો દુહો ઉપાડયો.

ભૂધર જાતો ભણવા, ઠાકર તું બહુ ઠોઠ,
(તે દી’) નટવર લખતો નોટ, (ઈ) સુદામો હું શામળા.

ભલે પાલુભા ભલે! લલકારા થવા માંડયા ને ચોથો દુહો છૂટયો.

માન કાંઉ દેશે મને, દેશે દીનો નાથ,
હરિવર આડા હાથ, વપત્ય પડે વિઠલા.

લાખાવડના વીરાભાઈ સાથે પાલરવભાને ભારે મહોબત. વીરાભાઈએ ચોરણો, કેડિયું ને પાઘડી બાંધી છે. એક દી રેશમિયાના કાઠી દરબાર અમરાભાઈની હાજરીમાં પાલુભાએ દુહો સંભળાવ્યો.

ભેંસુ આપતા’તા ભૂપતિ, જમીયું ચીંધતા જે,
(ઈ) નર ગયા નાકારે, (એની) વાટયે ન રહી વીરડા.

દુહો સાંભળીને અમરાભાઈએ વીરા ખવડ સામે નજર નોંધીને વેણ કાઢયાં, ‘હેં વીરા ખવડ, તમે પાલભાને એક ઠુમર ભેંસ આપી તેમાં આ તમારો દુહો કીધો છે?’

‘હા બાપા.’ વીરાભાઈએ ટૂંકો જવાબ દીધો.

‘પાલાભાને અબઘડી હું બાર ભેંસો ને એક પાડો દઉં છું. બોલાવો તેમને’ અમરાભાઈએ ઉમંગમાં આવીને શબ્દો ઉચ્ચાર્યા.

પાલરવભાના કાને શબ્દો સંભળાણા ને બોલ્યા, ‘અમરાભાઈ, મને વીરાભાઈએ ભેંસ આપી તેથી દુહો કીધો નથી તેઓ વાત છુપાવે છે.’

‘તો શું કારણ છે?’
‘સાંભળો ત્યારે…’ પાલરવભાએ ઘટનાનાં એક પછી એક પાનાં ખુલ્લાં કરવાનું શરૃ કર્યું.

એક’દિ વીરા ખવડની ડેલીએ આવીને પાલરવભાએ વાત મૂકી, ‘મારે એભલ પટગીરને મળવું છે.’

‘કાં?’

‘એની મર્દાનગી, વીરતાનાં વારિ મારા હૈયામાં હોંકારા દઈ રહ્યાં છે. એના દુહા મારે મોઢામોઢ સંભળાવવા છે. એની તલવાર ફરે છે ને બંદૂકોના અવાજે અંગ્રેજ હાકેમો ઊંચાનીચા થાય છે તેથી મારું હૈયું હાથ રહેતું નથી. ગાયકવાડી પલટન પણ એને વશ કરી શકી નથી.’

‘કંઈ ઈનામ મેળવવાની લાલસા છે?’

‘અરે, વીરા ખવડ આવી આશા તો મેં શામળા સિવાય કોઈ પાસે કરી નથી. લીંબડી રાજવીના ત્યાં રાજકવિ શંકરદાન દેથાએ મારાં એક મહિના સુધી બેસણાં કરાવ્યાં તોયે મારા હૈયામાંથી તેમનો એક દુહો પણ બહાર આવેલો નહીં. છેવટે દરબાર સાહેબે તેમની ઉદારતાએ ભેટ આપવાનું કર્યું. મેં તેનો અસ્વીકાર કર્યો ત્યારે દુહો બહાર આવેલો કેવો હતો એ દુહો સાંભળો :

ઉંમર બધી ઓડેલ નહીં, અમે અમાણો હાથ,
(આજે) જાચે કાં જાંબુનાથ, પચાસ વર્ષે પાલરવ.

વીરાભાઈ, વાત તો એવી છે કે અમ ચારણોનાં હૈયાં મોર જેવાં છે. મોજ આવે તો જ ગહેકાટ કરે. કંઈક વિશિષ્ટ જોઈએ છીએ ત્યારે અમારાં હૈયાં હાથ રહેતાં નથી. વીરતા, નેક, ટેક, ઔદાર્ય,મર્દાનગી ને મહોબતનાં અમે ઓવારણાં લઈએ છીએ. તેમ ન કરીએ તો અમારાં હૈયાં ફાટી જાય! તેથી એભલ પટગીરની વીરતાને રંગ દેવા જાવું છે.’

‘ત્યાં જવા જેવું નથી.’ વીરા ખવડ સામે વાસ્તવિકતા દેખાતાં કહ્યું.
‘કાં?’

‘અંગ્રેજ સરકાર અને ગાયકવાડી પલટન તમને પાતાળમાંથી પકડી લેશે.’

વીરાભાઈનાં વેણ સાંભળતાં તો પાલરવભાની આંખોની ભ્રુકૂટિ ખેંચાણી, મોં ઉપર લોહીના ટસિયા આડાઅવળા થવા માંડયા. વીરા ખવડ સામે ત્રાંબાવરણી આંખો કરતાં બોલ્યા, ‘ભણે, વીરા તેં અમારા દરબારોનાં ગામ જોયાં છે? રેશમિયાને છ ગામ, આણંદપરને બાર ગામ એટલું જ નહીં,ભણે ગર્યમાં બાર બાર મહિના રહી આવું તોય સરકાર બચારી શું કરે?’

‘સરકારને આપણાથી ન પુગાય’ ડાહ્યા દરબારે પાલુભાને સમજાવવા પાસા નાખ્યા.

આ પાલુભા એટલે ચોટીલા પાસે આવેલા રેશમિયા ગામના પરજિયા ચારણ. એ ગામે તેમના વડવાઓનો વસવાટ. ત્યાંથી રૃપાવટી ને છેવટે જસદણથી બાર કિમીના અંતરે આવેલા લાલકા ગામે વસવાટ કરેલો. પિતા દેવાણંદ વિજાભા અને માતા સોનબાઈની કૂખે પાલરવનો જન્મ થયેલો. બે ભાઈઓ અને ચાર બહેનો હતી. તેમનાં પત્ની જીવણીબાઈનું પિયર પાંચાળમાં આવેલા રાજપરામાં થતું. (કોઈક ભોંયરા ગામનું નામ જણાવે છે.) તેમને સંતાનમાં એકની એક છોકરી અગિયાર વરસે ધરતી ઢંક થઈ ગયેલી.

તદ્દન અભણ પાલરવભાના કોઠામાં મા સરસ્વતીએ માળો બાંધ્યો હતો. મોજ આવે ત્યારે દૂહાઓ એકધારા વહેવા માંડે. એમના દુહાઓમાં શાસ્ત્રજ્ઞાનના શબ્દો સાંભળવા મળે. જીવનની વાસ્તવિક્તામાં ઝબોળાઈને આવતાએ દુહાઓ ડાયરો ડોલાવી નાખતા. પચાસ-સાઠ ભેંસનું એમનું ખાંડુ, એમના બોલ પ્રમાણે ભેંસો પગ માંડે. રાણ નામની ભેંસ જસદણ દરબારે માગેલ હોવા છતાં દીધી ન હતી. કાઠી દરબારો એમને અદકેરો આદર દેતા.

આ એ જ પાલરવ જે ઝવેરચંદ મેઘાણીના ચિત્તપ્રદેશમાં ચોંટી ગયેલા. મેઘાણી કહેતા કે પાલરવભા દુઃખનાં કૂંડાં પીને કવિતાનો ઓડકાર ખાતો. વીરા ખવડે સમજાવવા છતાં પાલુભા માન્યો નહીં અને એભલ પટગીરના નોલી ગામે જઈ દુહાઓ સંભળાવેલા. ગાયકવાડ દ્વારા ચોથ ઉઘરાવવામાં પ્રતીકાર કરતાં એભલ પટગીરનાં ગામ ગરાસ જપ્ત થયેલાં એ અન્યાય સામે બહારવટે ચડેલ. એભલ પટગીરને નીચેના જેવા વીસ દુહા સંભળાવ્યા.

કડાબીડના કોઈ, સો પટ ગોળા સોસરાં,
તેગ ન છોડી તોય, અંગ્રેજ આગળ એભલા.

દુહા સાંભળ્યા ને એભલ પટગીર ગામ ભાંગવા માંડયો. અંગ્રેજ અને ગાયકવાડી હાકેમોમાં હાહાકાર મચી ગયો. પાલરવભાએ એને રંગ દેતાં એ વિફર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું ને પાલુભાની ધરપકડનું વોરંટ છૂટયું! સરકારે તેમને આશરો આપનારને ચેતવણી આપી દીધી. આવા કારણે પાંચાળના કેટલાય કાઠી દરબારોએ પાલરવભાને જોતાં જ ડેલીએ કમાડ દીધા! પાલરવભાની આશાના મિનારા તૂટી પડતાં તેઓ વીરા ખવડની ડેલીએ આવી પહોંચ્યા. આવતાંની સાથે દુહાથી ડેલીને ગજવી મૂકી. તેમણે માંડીને વાત કરી ત્યારે વીરાભાઈએ પાલરવને બથમાં લઈ ભેટી પડતાં કહ્યું, ‘પાલુભા, મારા અને મારા બે દીકરા સાદુળભાઈ અને આપાભાઈના પંડયમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો નહીં થાય? આ ડેલીને તમારું રેશમિયા ગામ માનજો.’

પાલરવભાએ વાત પૂરી કરીને અમરાભાઈની પ્રારંભની વાતની ચોખવટ કરતાં કહ્યું, ‘અમરાભાઈ, ભેંસ માટે મેં ઓલ્યો દુહો કહ્યો ન હતો એ કાઠી દરબારે મને સત્તર સત્તર વર્ષ સુધી સાચવ્યો ને મારું સમન્સ રદ કરાવેલું તે માટે વીરાભાઈ જેવા મર્દ માનવીને મેં રંગ દીધા છે,સમજ્યા!’

એભલ પટગીર સામી છાતીએ લડતાં લડતાં ગોળીએથી વીંધાયેલ તે પછી તેમની દીકરી માકબાઈએ ખાંભી ખોડી ત્યારે પાલરવે એની વીરતાના દુહા ત્યાં વહેતા કરેલા.

અમરાભાઈ વીરા ખવડની રખાવટ અને પાલરવભાની કવિતાને ક્યાંય સુધી વંદી રહ્યા.

સહાયક:- કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

error: Content is protected !!