વરુણ દેવ અને સાગરપૂજનની પ્રાચીન પરંપરા

વર્ષાૠતુમાં આકાશમાંથી અનરાધાર વરસતું જળ જ જગતના જીવમાત્રને જીવાડે છે. આ જળના દેવતા વરુણ ગણાય છે. વરુણના અનેક અર્થો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. વરુણ એટલે અથર્વવેદનો એક ૠષિ, રાત્રીનો અભિમાની દેવ, કલ્પનારંભનો પશ્ચિમી જલાધિપતિ દિક્‌પાલ, પાણી-જળ, દરિયો, પાશ જેવું આયુધ, સૂર્યના ૧૦૮ પૈકીનું એક નામ. વિષ્ણુના ૧૦૦૦ નામો પૈકીનું એક નામ. શુકલ યજુર્વેદનો એક ૠષિ, બધાને ઢાંકી દેનાર વગેરે. મારે અહીં વાત કરવી છે નદી, સમુદ્ર પાણી અને પશ્ચિમ દિશાના અધિષ્ઠાતા વૈદિક દેવ વરુણની. મેઘરાજા રૂઠે ત્યારે વરસાદ માટે આજેય લોક વરુણદેવને પ્રાર્થના કરે છે. આમ પાંચેક હજાર વર્ષ પુરાણી પરંપરા આજેય લોકજીવનમાં પ્રચલિત છે. લોકપ્રિય છે.

આર્યો અનાર્યો સાથે યુધ્ધ કરવા રોકાયેલા હતા ત્યારે પણ તેઓ જળમાર્ગે પ્રવાસ કરતા હતા. એવા ઉલ્લેખો ૠગવેદમાંથી મળે છે. સમુદ્ર ઉપર સત્તા ચલાવનારા દેવને ‘ભગો વરુણો મિત્રઃ’ એટલે ‘ભાગ્યદાતા લોકમિત્ર વરુણ’ એમ કહેલું છે. તેઓ સંપત્તિ મેળવવાની ઈચ્છા રાખનારા વહાણિયાઓ માટે સમુદ્રનો માર્ગ ખૂલ્લો કરે છે. વરુણદેવની સત્તા સમુદ્ર ઉપર છે. ‘વેદ નાવઃ સમુદ્રિયઃ’ એટલે સમુદ્રનિવાસી હોવાને લીધે વહાણનો માર્ગ તે જાણે છે એમ કહેલું છે. શ્રાવણ મહિનાની પૂનમે વરુણદેવતા પ્રીત્યર્થે સમુદ્રની પૂજા કરી તેને નાળિયેર અર્પણ કરવું એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે ઉપરથી એ દિવસ નાળિયેરી પૂર્ણિમા તરીકે જાણીતો થયો છે. દરિયાકિનારે વસતા અને સાગરની ખેપ કરવા જતા ખલાસી, ખારવાઓ અને વહાણિયા વેપારીઓ વરુણદેવનો ઉત્સવ સાગરપૂજન કરીને જ ઉજવે છે. તેઓ આ દિવસે દરિયાદેવના દર્શને જાય છે. જળમાં નાળિયેર અર્પણ કરે છે. આની પાછળની લોકમાન્યતા એવી છે કે આ વિધિ કરવાથી સમુદ્ર ઉપર સત્તા ચલાવનારો વરુણદેવ તૃપ્ત થઇને માલ લઇ આવનારા અને લઇ જનારાં વહાણોનું બારેમાસ રક્ષણ કરે છે.

વરુણ વર્ષાના દેવ ગણાતા હોવાથી ૠગવેદમાં એના ઘણાં મંત્રો પણ મળે છે. ‘નીચીનવારં વરુણઃ કબન્ધં પ્રસસર્પ રોદસી અન્તરિક્ષમ્‌’ (ૠગવેદ ૫/૮૫/૩,૪) અર્થાત્‌ વરુણ પોતાની મશક ઊંધી કરીને પૃથ્વી પર પાણી વરસાવે છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં વરુણને દેવતાઓના રાજા તરીકે ઓળખાવાયા છે. એમ કહેવાય છે કે વરુણે જ ચક્રવર્તી રાજા બનવા માટે સૌપ્રથમ રાજસૂય યજ્ઞ કરેલો તેથી તેઓ દેવોના પણ રાજા બન્યા. ઓમ વરુણદેવ, દાનવ, માનવ બધાના રાજા છે.

ભગવદ્‌ગોમંડલ મુજબ વરુણ અદિતિના આઠ પુત્રો માહેના એક કહેવાય છે. નિરુક્તકાર તેને બાર આદિત્યોમાં ગણાવે છે. અને કહે છે કે જે રાત્રે અદ્રશ્ય સૂર્યના રૂપમાં તે પ્રકાશ આપે છે. ૠગવેદમાં અનેક ઠેકાણે સૂર્યનો વરુણના નેત્ર તરીકે વર્ણવ્યા છે. સૂર્યરૂપી નેત્રને કારણે વરુણ ખૂબ દૂર સુધી જુએ છે. શ્રીમદ્‌ ભાગવત અનુસાર મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓના ભોજન કરવા યોગ્ય અમૃતમય અન્ન દરેક પ્રકારના રસ અને રસેન્દ્રિય તથા તેના અધિપતિ દેવતા વરુણ વિરાટ પુરુષની જીભમાંથી ઉત્પન્ન થયા છે. સાહિત્યમાં વરુણદેવને કરુણરસના અધિષ્ઠાતા માનવામાં આવ્યા છે ઃ

‘વરુણ પ્રચેતા પાશપતિ, અપપતિજ અચર ઈશ;
યાદ સાંપતિ તુજપતિ, ઘસત ચરણ નીજ શીશ.’

(પીંગળ લઘુકોશ)

મત્સ્યપુરાણ વરુણના સ્વરૂપનું વર્ણન આ મુજબ આપે છે. ‘વરુણના શરીરમાં મોઢું, આંખ, ચાર હાથ અને પગની કલ્પના કરવામાં આવી છે. તેઓ પોતાના હાથ હલાવે છે, અને રથ પણ ચલાવે છે. તેમનો રથ સૂર્ય જેવો છે. તેમનું વાહન મત્સ્ય છે. એક હાથ વરમુદ્રામાં અને બીજા ત્રણ હાથમાં પાશ, કમળ અને કમંડળ હોય છે. ઓરિસ્સામાં ભૂવનેશ્વરમાંથી વરુણની બાર જેટલી મૂર્તિઓ મળી છે. ખજુરાહોમાંથી મળેલી મૂર્તિમાં વરુણ માછલીના વાહન પર બિરાજમાન થયેલા છે. બિહારમાં પાલકાલીન વિષ્ણુ મંદિરના પટાંગણમાં વરુણની પ્રતિમા છે તેનો અર્ધોભાગ મનુષ્યનો અને ઉપરનો ભાગ માછલીનો છે. સીંધી પ્રજા માને છે કે વરુણદેવતાએ જ ભગવાન ઝૂલેલાલના રૂપમાં જન્મ લીધો છે.

શ્રાવણી પુનમે થતું સાગરપૂજન એ વરુણદેવની પૂજાનો અનોખો પ્રાચીન લોકઉત્સવ છે. ભારતીય સંસ્કૃતિની મશાલ હાથમાં લઇને ઘૂમ વળનાર ધર્મવીરો અને લોકયાત્રીઓનું સ્મરણ કરવાનો દિવસ શ્રાવણી પૂર્ણિમા છે. સાગરપૂજનની લોકપરંપરાને પૂ. પાંડુરંગ આથવલેજી સુંદર રીતે સમજાવતા કહે છે કે ‘સાગરે સર્વ તીર્થાનિ’.. સરિતા કરતા સંગમ અને સંગમ કરતાં સાગર વધુ પવિત્ર છે એમ આપણા ૠષિઓએ કહ્યું છે. ગીતાકારે સ્થિતપ્રજ્ઞને સાગરની સાથે સરખાવ્યો છે. જેમ પોતાના સર્વ કાંપ-કચરા સહિત નદીઓ સમુદ્રને આવીને મળે છે તો પણ અચલ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાંથી ચલિત થતો નથી, તેમ સ્થિતપ્રજ્ઞ પણ સર્વ કામનાઓ પોતાનામાં પ્રવેશ થવા છતાં પોતાની શાંતિ અને સ્થિરતા ગુમાવતો નથી. સાગરમાં ગંગાનું પવિત્ર જળ આવે છે અને ગામનું ગંદુ પાણી પણ આવે છે. સંતોની પાસે સજ્જનો અને દુર્જનો બંને આવે છે.

સજ્જનોને એ પ્રગતિનો પથ ચીંધે છે, તો દુર્જનોને આંગળી આપી અધોગતિથી બચાવે છે. દુનિયાના લોકો જેમની પાસે આવી પોતાના પાપ, વિકૃતિ કે દોષો ઠાલવી નાખે છે તેવા મહાપુરુષોનું પેટ સાગર જેવું વિશાળ હોય છે. જગત આખાના રહસ્યોને સાચવી શકે તે જ વિશ્વનો સાચો માર્ગદર્શક બની શકે. સર્વ સરિતાઓની સંપત્તિ મળ્યા પછી પણ સાગર છકી જતો નથી. ઉન્મત્ત બનતો નથી. પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. પૈસા આવતાં ઉન્મત્ત બનીને કુળની, સમાજની, રાષ્ટ્રની, ધર્મની કે સંસ્કૃતિની મર્યાદાને ઉડાવી દેવા પ્રવૃત્ત થનાર છીછરા માનવો માટે સાગરની નમ્રતા અનોખું જીવનદર્શન પૂરું પાડે છે. જેમ મિત્રની પરીક્ષા આપત્તિમાં થાય છે. વીરની પરીક્ષા રણાંગણમાં થાય છે તેમ વેપારીની પરીક્ષા સંપત્તિમાં થાય છે. વૈભવ વધતાં તે વિશ્વથી વિમુખ થતો નથી. વૈભવને જે પ્રભુનો પ્રસાદ ગણે છે. તે વેપારી સંપત્તિની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે.

ધરતી પર અફાટ વિસ્તરેલા મહાસાગર ભરતી અને ઓટમાં એકસરખો પ્રસન્ન હોય છે. પ્રસન્ન મનુષ્ય જ બીજાને પ્રસન્નતા આપી શકે. માનસિક વ્યથા અનુભવતો સંતપ્ત માનવ સાગરકિનારે ફરવા જાય તો તેને તત્કાળપૂરતી શાંતિનો અનુભવ થાય છે. સ્થિતપ્રજ્ઞ પણ સુખદુઃખના દ્વંદ્વોમાં એકસરખો આનંદ માણતો હોય છે.

જેમનું પૂજનઅર્ચન થાય છે એ મહાસાગરને આઠવેલીજી મહાપુરુષ સાથે સરખાવતાં કહે છે કે પોતાની વ્યથાને અંતરમાં છૂપાવી, મહાપુરુષો ચહેરા પર પ્રસન્ન સ્મિત ધારણ કરીને, તેમની પાસે આવનાર મનુષ્યના સંતાપને હરી લે છે. આવા મહાપુરુષના જીવનગીતને કોઇ સમજે કે ન સમજે પરંતુ તેઓ સાગરની માફક મસ્ત બનીને ગીત ગાતાં જ જાય છે. ફૂલોની ભાષાને કોણ સમજે છે? કોકિલના ટહૂકાર કે મોરના કેકારવના અર્થને કોણ પામ્યું છે? તિમિરની પાટી પર તેજલિસોટો તાણતી વીજળીના અક્ષરોને કોણે વાંચ્યા છે. મેઘની ગંભીર ગર્જનાની ગહનતાને કોણ પામ્યું છે? અને છતાંય ફૂલો મહેંકે છે, કોકિલ ટહૂકે છે, મયૂર નાચે છે, વીજળી ચમકે છે અને મેઘ સર્જે છે, કારણ એ એમનો સ્વભાવ છે.

સમુદ્ર મૂંગો દાની છે. એનું ગુપ્તદાન ધ્યાનમાં ન આવવાથી કેટલાક વિચારકોએ સાગરને અન્યાયકર્તા ઉક્તિઓ ઉચ્ચારી છે. ‘વાદળ આપનાર છે તેથી તેનું સ્થાન ઉપર છે, જ્યારે સમુદ્ર મોટો હોવા છતાં પણ લેનાર છે. તેથી તેનું સ્થાન નીચું છે.’ એમ કહીને સાગર કરતાં વાદળને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. પરંતુ વાદળને પાણી કોણે આપ્યું? તેનો વિચાર અહીં વીસરી જવાયો છે. સાગરદેવનો આ ગુપ્તદાનનો મહિમા સાગરપૂજન કરનાર સૌને સમજાય તો કેવું સારું? કીર્તિ કે પ્રસિધ્ધિ વગર ડગલું ન ભરનાર માનવી સાગરનો ઉપાસક હોઇ શકતો નથી.

દરિયાનું પાણી ખારું ઉશ જેવું છે એમ કહી એનો મહિમા ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. ‘‘એ જળના ખાબોચિયાને ધન્ય છે, જેનું પાણી પીને નાના જીવજંતુઓ તૃપ્ત થાય છે. એવા સાગરની મહત્તા શું ગાવી કે જેની પાસેથી આખું જગત તરસ્યું જાય છે’’ ત્યારે આ વાત ભૂલાઇ જાય છે કે સાગર ખારું પાણી સૂર્યાર્પણ કરેછે તેથી તેની ખારાશ ચાલી જાય છે. પરિણામે વરસતા વરસાદનું પાણી અમૃત જેવું લાગે છે.

સમુદ્રએ પોતાનામાં અનંત જીવજંતુઓ સમાવ્યાં છે જેમનું અસ્તિત્વ ખારા પાણીને આભારી છે. દરિયાનું પાણી ખારું ન હોત ખોરાકને મીઠો બનાવનાર ‘સબરસ’ મીઠું ક્યાંથી મળત? એવો જ એક બીજો આક્ષેપ કવિએ સાગર પર કર્યો છે ઃ ‘હે સમુદ્ર, એ તારો જ દોષ છે કે, તું રત્નોને નીચે રાખે છે ને તૃણ (ઘાસ)ને મસ્તક પર ધારણ કરે છે. આખરે તો રત્ન એ રત્ન છે અને ઘાસ એ ઘાસ છે.’ સારા માણસોને નીચા પાડનાર અને હલકા લોકોનું મહત્વ વધારનાર રાજા કે સમુદ્ર તરફની અન્યોક્તિ તરીકે આ શ્લોકમાં ભાષા અને વિચારનું સૌંદર્ય પણ સાંપડે છે.

સાગરપૂજનનો આ ઉત્સવ વહાણવટીઓ, સાગરખેડૂ વેપારીઓ માટે મહત્વનો મનાયો છેે. ખારવા ખલાસી ઉપરાંત લોહાણા જ્ઞાતિના લોકો પણ સિંધીઓની જેમ દરિયાલાલને પોતાના ઈષ્ટદેવ માનીને આખું વર્ષ તેમની પૂજા કરે છે. આવા સાગરના મહિમાને જગત જાણે કે નજાણે પણ ભગવાન શ્રીકૃષ્ણએ સ્વમુખે એના ગુણગાન ગાતાં ગીતામાં કહ્યું છે ઃ

‘સાગર નદીઓને શોધવા નીકળતો નથી. નદીઓ સ્વયં બનીને સાગરને મળે છે. એ રીતે સ્થિતપ્રજ્ઞ કામનાઓ પાછળ દોડતો નથી, કામનાઓ સ્વયં તેને શોધતી આવે છે.’ આ રીતે વેદનિષ્ઠા અને વેદરક્ષણની પ્રતિજ્ઞાની યાદ આપતો, ભાવજીવનને પુષ્ટ બનાવતો શ્રાવણી પૂર્ણિમાનો ઉત્સવ ગૌરવ લેવા જેવો છે. ૠગ્વેદના સમયમાં વરુણ સર્વપરિ દેવ રહ્યા પણ પછી કાળક્રમે એમની મહત્તા ઘટતી ગઈ, અને ઈન્દ્રને પ્રધાનતા પ્રાપ્ત થઈ. ત્યારબાદ મહાભારત કાળમાં ઈન્દ્રની સર્વોપરિતાને ભગવાન શ્રીકૃષ્ણએ પડકારી અને ગોવર્ધન પર્વતની પૂજાનો આરંભ કરાવ્યો. આમ વરુણદેવ વિસરાયા ને અનેક દેવો લોકહૃદય પર ધીરે ધીરે છવાતા ગયા.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!