વરસાદના વરતારાની રસપ્રદ વાતો

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં હજારો વર્ષથી મેઘનો મહિમા ગવાતો આવ્યો છે. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની અર્થાત્‌ ૠતુ આવે ત્યારે વરસાદ થજો, પૃથ્વી ધનધાન્યથી છવાઇ રહેજો. વેદમાં આર્યોએ પરજન્ય- વરસાદને દેવ કહ્યો છે. ઇન્દ્ર અને વરુણને પણ વર્ષાના દેવ માન્યા છે. પ્રાચીન કાળમાં વરસાદનું રહસ્ય ઘણું મોટું હતું. એનો ભેદ ઉકેલવા આજેય વાયુશાસ્ત્રીઓ મથી રહ્યા છે. ચોમાસું ક્યારે નબળું પડશે અને ક્યારે જોર પકડશે તે આજેય કહી શકાતું નથી. કહેવાય છે કે ૠતુચક્રનો આધાર વાયુ- પવન છે. ઉત્તર અને દક્ષિણ ધૃવપ્રદેશોમાંથી નીકળતા પવન ઉપર વરસાદનો ઘણો આધાર છે. પ્રાચીન આર્યોએ પ્રકાશ અને વાયુનું ગણિત રચ્યું હતું, પરંતુ કાળે કરીને નાશ પામ્યું હોવાનું કહેવાય છે.

આમ પ્રાચીન ભારતમાં વિવિધ પ્રકારની વિધાઓ વિકાસ પામી હતી. એમાંની એક વિધા વર્ષા અંગેની હતી. વર્ષાવિજ્ઞાનનું જ્ઞાન લોકજીવનમાં પરાપૂર્વથી પરંપરાગત રીતે ચાલ્યું આવે છે. પ્રકૃતિના ખોળે વિહરતા અનુભવી ૠષિમુનિએ અને હૈયાંઉકલતવાળા માનવીઓએ હવા, હવાની દિશા, ઠંડી, ગરમી, વાદળાં, વાદળાંની ગતિ, પશુપક્ષી અને જીવજંતુઓની ચેષ્ટા પરથી વરસાદના વરતારા આપ્યા છે. કુદરતના મિજાજને જાણવા માટે જે પ્રયાસો થયેલા તેને ગામડાંના અનુભવી જનોએ જીંદગીના અનુભવના નીચોડરૂપ કહેવતો, ટૂંકા ટૂંકા સૂત્રો, દૂહાઓ રચીને એ વાણીને લોકો વચ્ચે વહેતી મૂકેલી જે ભડલી વાક્યોના નામે લોકસાહિત્યમાં પ્રલચિત છે. કચ્છ- સૌરાષ્ટ્રના લોકજીવનમાં નાગજી મહારાજ રચિત સાઠ સંવત્સરી, કુંડળિયા અને લોકકવિઓ રચિત વર્ષાના વરતારા આપતા દોહરા ખૂબ જાણીતા છે.

જૂના કાળે જ્યારે આજની જેમ વેધશાળાઓ નહોતી ત્યારે આ વરતારા ખેડૂતોને માટે આશીર્વાદરૂપ બની રહેતા, વરસાદના આ વરતારા કોઇ તરંગી માનવીના ભેજાની પેદાશ નહોતી પણ એની પાછળ વિજ્ઞાનની ચોક્કસ દ્રષ્ટિ હતી. એ વરતારાના આધારે ખેડૂતો વિવિધ અનાજ વાવતાં, ધનધાન્ય સંઘરતાં, દુષ્કાળની પૂર્વતૈયારીઓ કરતા. ગામડાગામના અભણ અનુભવી અને કોઠાસૂઝવાળા લોકવિધાના માલમીઓ પંખીઓના માળા, પક્ષીઓની બોલી, જીવજંતુઓની હરફૂર, પશુપક્ષીઓના ચાળા તથા ધાતુપાત્રો અને ખાધ પદાર્થોમાં થતાં પરિવર્તન પરથી વરસાદની સચોટ આગાહીઓ આપે છે. મારા પ્રવાસ દરમ્યાન આવા અનેક જાણકારો પાસેથી મને ઘણી માહિતી પ્રાપ્ત થઇ છે; જેમકે ઃ

જળચર જળ ઉપર ભમે,

ગો નમ ભણી જોવંત;

ભડલી તો એમજ ભણે,

જળધર જળ મેલંત.

અર્થાત્‌ ઃ પાણીમાં રહેનારા જળચર પક્ષીઓ નદી, સરોવર કે તળાવના પાણી ઉપર ભમવા માંડે, ગાયો આકાશભણી તાકવા લાગે તો ભડલી એમ કહે છે કે તુરતમાં જ વરસાદ આવે.

‘બોલે મોર મહાતુરો, ખાટી હોય છાશ;

પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ.’

અર્થાત્‌ ઃ અષાઢ મહિનામાં આકાશમાં મેઘાડમ્મર ચડી આવે. મોરલો ડોકની સાંકળના ત્રણ ત્રણ કટકા કરી ‘મે,વાવ…મેં’આવ’ કરીને બોલતો હોય, સવારની છાશ પતરાડામાં પડી પડી બપોર નમતા સુધીમાં ખાટી તોડ થઇ જાય તો ભડલી ભણે છે કે સારો વરસાદ થાય. વાતાવરણમાં ગરમી ખૂબ હોય ત્યારે રસાયણિક પ્રક્રિયા ઝડપી બનતાં છાશ જલ્દી ખાટી થઇ જાય છે. હવામાં વધુ ભેજ અને ગરમી હોય ત્યારે વરસાદ જલ્દી આવે છે. વરસાદના આગમનની એંધાણી મોરલો સૌથી પહેલો પારખી લે છે.

‘શ્રાવણ પહેલી પંચમી, જોરે ટહૂકે મોર;

ચાર માસ વરસે સહી કહે એ સહદેવ.’

અર્થાત્‌ ઃ શ્રાવણ મહિનાની પહેલી (સુદ) પંચમીએ મેઘરાજાની સવારી વાજતેગાજતે આવે અને મોરલા મલ્હાર રાગ ગાવા માંડે તો સહદેવ જોશી એમ કહે છે વરસાદ સારો થાય અને આખું વરસ સારું જાય.

‘હોય પાણી કળશે ગરમ;

ચલ્લીઓ ધૂળે ન્હાય;

ઇંડાળી કીડી દીસે,

તો વરસા બહુ થાય.’

અર્થાત્‌ ઃ હવામાનમાં થતાં ફેરફારોને પશુપંખીઓ અને જીવજંતુઓ સૌ પ્રથમ પારખી જાય છે. વરસાદ થવાનો હોય ત્યારે હવાના દબાણમાં વધઘટ થવા માંડે છે. ભડલી કહે છે કે એને પરિણામે પિત્તળના લોટામાં રહેલું પાણી ગરમ થઇ જાય છે. ચકલીઓ પાંખો ફફડાવીને ધૂળમાં નહાય છે. કીડીઓ દરમાંથી ઇંડા ઉપાડીને ઉભરાવા માંડે છે. આવું જોવા મળે ત્યારે અનુભવીઓ એમ કહે છે કે વરસાદ તુરત જ આવે. વરસાદ આવવાનો હોય ત્યારે માછલીઓ પાણીની સપાટી પર આવવા માંડે છે. પવન પડી જાય છે. બફારો વધી જાય છે. આકાશમાં પક્ષીઓ ચકરાવા લેવા માંડે છે. જાણકારો એને વરસાદના આગમની એંધાણીઓ માને છે.

‘રાતે બોલે કાગડા,

દહાડે રૂએ શિયાળ,

તો ભડલી એમ જ ભણે,

નિશ્ચે પડશે કાળ.’

અર્થાત્‌ ઃ પશુપક્ષીના અવાજનો અભ્યાસ કરનારાઓ કહે છે કે કાગડા કુદરતી રીતે દિવસના ને સાંજના બોલે. સીમશેઢે રખડતા શિયાળિયાં રાતના લાળી (અવાજ) કરે પણ એથી ઉલટું બને, કાગડા રાતવરતના બોલવા માંડે અને શિયાળિયાં ધોળે દહાડે રોતાં સંભળાય તો સમજવું કે નક્કી દુષ્કાળ પડશે.

નવાઇની વાત એ છે કે આપણા વર્ષા વિજ્ઞાનના ગામડિયા અનુભવીઓએ ઘરવપરાશની ચીજજણસોમાં થતાં ફેરફારોને આધારે પણ વરસાદના અદ્‌ભૂત વરતારા આપ્યા છે, જે વર્તમાનકાળના વિજ્ઞાનીઓને પણ આશ્ચર્યચક્તિ કરે છે.

‘પિત્તળ, કાંસા લોહને

જે દિન કાળપ હોય;

ભડલી તો તો જાણજે,

જળધર આવે સોય.’

અર્થાત્‌ ઃ જૂના કાળે લોકઘરોમાં તાંબા, પિત્તળ, કાંસા અને લોખંડના વાસણોનો વપરાશ હતો. આ વાસણો વરસાદના ઝીલેલા પાણીથી ઉટકીને આભલા જેવા ચકચકિત કરવામાં આવતાં. ચોમાસામાં હવામાં ભેજ વધે ત્યારે આ વાસણો કાળાશ પકડવા માંડતાં. આના માટે વેધશાળામાં ભેજમાપક યંત્ર વપરાય છે પણ ગામડાંના અનુભવી માણસોએ, મીઠું ભીંજાયેલું જણાય કે ગોળ રબડિયો થઇ જાય એના અવલોકન પરથી ભેજ અને ભેજના અવલોકન પરથી વરસાદના વરતારા આપ્યા છે, જેમાં ભડલીનું નામ સૌથી મોખરે છે.

વર્તમાનકાળનો માનવી ભલે મગજમાં હોંશિયારીની ગમે તેટલી ખુમારી લઇને ફરતો હોય પણ ઇશ્વરે મરણ અને મેઘ એ બે વસ્તુઓ ગહન રાખી છે. પરિણામે આપણે ત્યાં મેઘરાજાના મંડાણ થશે કે નહીં તેની આગાહી માટેની અનોખી રીતો પ્રચલિત બની છે. વર્ષના નક્ષત્રયોગ, ચઇતરની ગાલ્લી, અખાત્રીજનો વાયુ, અષાઢનો હાંડો, શ્રાવણના બળેવિયા, ભાદરવાની ગાંઠ, અષાઢી પાંચમની વીજળી, હુતાશણીના ધૂમાડાની દિશા અને દેવપોઢી એકાદશીના વાર યોગ, પશુપક્ષી અને જીવજંતુના માળા, ચાળા, અવાજ અને વર્તન જેવા લોકજ્યોતિષથી વરસાદની આગાહી મેળવાય છે.

પરમ કૃપાળુ પરમાત્માએ જેને વૈખરીવાણી આપી નથી, પણ ગળામાં માત્ર સ્વર આપ્યો છે એવા પશુપક્ષીઓમાં ૠતુપરિવર્તનના સંકેતો પકડવાની શક્તિ વિસ્મયજનક રીતે છૂપાયેલી જોવા મળે છે. પરિણામે કેટલાક પ્રાણીઓ વાયુશાસ્ત્રીની ગરજ સારે છે. પક્ષીઓમાં કાગડો, ચીબરી, ઘૂવડ, તેતર, ટીટોડી, હોલાં, સમડી, ચકલી, જળકૂકડી, બતક, જીવજંતુઓમાં કીડી-મંકોડી, કરોળિયા, તમરાં, દેડકાં, અને પ્રાણીઓમાં ઘેટાં, બકરાં, શિયાળ-કૂતરાં, ગાયો, ભેંસોના સાંકેતિક અવાજ પર ભવિષ્યવેત્તાઓએ સંશોધન કર્યું છે, જે અત્યંત રસપ્રદ છે.

‘જેઠ ઉતરતે બોલે દાદર;

કહે ભડ્ડટી બરસે બાદર.’

કરોળિયો વાયુની દિશા જાણવાની શક્તિ ધરાવે છે. વર્ષાૠતુના આગમન સમયે કરોળિયો પોતાનું જાળું બાંધીને બેઠો હોવા છતાં એ જાળાની ડબલ ગૂંથણી કરવા માંડે તો માનવું કે ધોધમાર વરસાદ પડશે, હોલું પ્રહરસૂચક એટલે સમય જાણનાર પક્ષી છે. મોર અંતરિક્ષમાં થતાં ગહન અવાજ અને ૠતુઓના ફેરફારને જાણી શકે છે. અમારા આકરૂ ગામના અભણ માલધારી ભરવાડ કુંવરો મેવાડો કહેતા કે ‘શિયાળની ટાઢ ને ઉનાળાનો તડકો અમે ખમી ખાઇએ પણ અમે વગડામાં પશુપંખી મારફત ચોમાહાની રૂખ જાણી લઇએ. હવાના વહનમાં ચોક્કસ પ્રકારના સંકેત આપતા ગંધ અને અવાજ હોય છે. મોરલો અવાજ પકડી પાડે, કૂતરો ગંધ પારખી જાય, શાહુડી ભયનો સંકેત આપે. હવામાં આવી રહેલ તોફાનનો સંકેત જણાતાની સાથે જ અમે માલધારીઓ ઓથ લઇ લઇએ. ઓથ (આશ્રય) ન લઇએ તો વરસાદ ને વાવાઝોડું અમારા ઘેટાંબકરાંનો કહૂડલો વાળી દે. સોથ વાળી નાખે.’

ચોમાસામાં કયા મહિનામાં કેટલો વરસાદ થશે એ જાણવા માલધારીઓ વગડામાં ટિટોડીના ઇંડાનું સ્થળ જુએ છે. જો ટિટોડી નદીના તળમાં કે કાંઠાની નજીક ઇંડાં મૂકે તો વરસાદ મોડો આવે, કારણ ટિટોડીનાં ઇંડામાંથી બચ્ચાં બહાર ન આવે ત્યાં સુધી નદીમાં પૂર આવતું નથી. ટિટોડીનાં ઇંડા મૂકવાનો સમય જેઠ-અષાઢનો ગણાય. મોટેભાગે એ ચાર ઇંડા મૂકે છે. તેને ચાર માસની સંજ્ઞા પણ અપાય છે. તેમાં જેટલાં ઇંડા ઉભાં હોય એટલા માસમાં વધુ વરસાદ પડે, ઉંચે માળો બાંધે તો પણ વરસાદ વધુ આવે એવી લોકમાન્યતા જાણીતી છે.

વગડામાં રહેતા માલધારીઓ વરસાદ અચાનક ક્યારે આવશે તેનો સંકેત ઘેટાંબકરાંની રાત્રીચર્યા પરથી મેળવે છે. ચોમાસા દિવસોમાં ઉધાડ હોય છતાં રાતવેળાએ ઘેટાં ભાગદોડ કરે, ઝાડમાં માથાં ભેરવવા માંડે તો ભારે વરસાદ આવે. રાતે દેડકાંને તમરાં સમૂહમાં બોલવા માંડે તો માલધારીઓ નદીનાળાથી દૂર જતાં રહે છે અથવા ઝોકમાં પાછા આવી જાય છે.

સવારના પહોરમાં પશુપક્ષીઓ શાંત થઇ જાય એ વરસાદની અછતનો સંકેત છે. પરોઢિયે હોલાંનો સમૂહ ઘૂઘવાટ કરતો સંભાળય તો સુકાળની આગાહી લેખાય છે. એ જ રીતે પરોઢિયે ચકલીનો આનંદભર્યો અવાજ સંભાળય તો મુશળધાર વરસાદ વરસવાની આગાહીરૂપ ગણાય છે. માલધારીઓ એને ‘મેઘરાજાની ચકલી’ તરીકે ઓળખે છે.

પૌરાણિક વર્ષાવિધાના જાણકારો કહે છે કે મીઠાના અગરમાંથી કોકો પક્ષી, સમડી, કાગડા મીઠાના ગાંગડા ચાંચમાં લઇને ઉડે તો જાણવું કે ત્રણ જ દિવસમાં વરસાદ થાય. સમુદ્ર ઉપર ઉડનારા પક્ષીઓ એકાએક કિનારા તરફ ટોળેવળીને ભાગતાં દેખાય તો વરસાદ થાય. જળકૂકડી, બતકો નદી,નાળાં કે તળાવમાં પોતાની ચાંચ વડે માથા પર પાણી ઉછાળે, ઢોર પોતાની ડોક ઉંચી કરે, પૂંછડાનો ઝંડો કરે અને નાકોરાં ફૂલાવે તો વરસાદની આગાહી જાણવી. કશા કારણ વગર ઘોડા નાકના ફરડકાં બોલાવે, તીતીઘોડા અવની પર આંટા મારે તો માનવું વરસાદ નજીકમાં જ છે. કાચીંડાનો રંગ પ્રથમ પીળો થઇને પછી લાલ થાય ને વારંવાર રંગ બદલે ને ગોળ ગોળ ફરવા માંડે તો વરસાદ આવે જ. ચકલીઓ ઉંચે ઉડવાનું બંધ કરે, કાગડા માળામાં ભરાઇ જાય, ઘરમાં ને દરમાં કીડી-મકોડા ઉભરાય, ડુંગર તેમજ દૂરના પદાર્થ હંમેશ કરતાં પાસે દેખાવા માંડે, દૂરના અવાજ નજીક સંભળાય તેમજ વનસ્પતિમાંથી હંમેશ કરતાં વધુ સુગંધ આવવા માંડે તો માનવું કે મેઘરાજાની સવારી વાજતેગાજતે આવી રહી છે.

બિલાડી ચૂલાની રાખમાં બેસવા પ્રયત્ન કરે તો વરસાદ આવે. દિવસે પતંગિયાં ઉડે તો વરસાદ ન આવવાની એંધાણી ગણાય છે. વરસાદની ૠતુમાં દરિયાના પાણીમાં લીલા રંગની છાંટ દેખાય તો ઘણા જોરથી વરસાદ આવે. મેઘઘનુષનો રંગ લીલાશ પડતો જણાય તો લાગલગાટ વરસાદ આવે. જમીન પરનાં પક્ષીઓ ઘોંઘાટ કરે, માળા તરફ જવા માંડે, કાગડા અદ્રશ્ય થઇ જાય ચકલીઓ નીચે નીચે ઊડે, કૂકડો એકધારો બોલતો રહે, કૂતરા જમીનમાં ખાડા ગાળવા માંડે, ખેતરમાં પાળેલા જનાવરો કૂદાકૂદ કરવા માંડે તો સારા વરસાદની નિશાની જાણવી એમ જાણકારો કહે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!