વૃક્ષ, વનસ્પતિ અને પશુપક્ષીઓ દ્વારા મળતી વરસાદના વરતારાની રસપ્રદ વાતો

ભારતમાં વર્ષાવિજ્ઞાનનો વિકાસ તો થોડાં વરસોથી થયો. એના પૂર્વે પ્રકૃતિનું પરિવર્તન, વૃક્ષ, વનસ્પતિ, વાદળ,પવન, પશુપક્ષીઓ અને જીવજંતુઓની ચેષ્ટાઓ પરથી વરસાદના વરતારા કરવાની વિદ્યા પ્રકૃતિના ખોળે વસનારા ૠષિમુનિઓ અને કોઠાસૂઝવાળા અભણ લોકે અનુભવજ્ઞાનના આધારે વિકસાવી હતી. જેનો સહારો આજે વેધશાળાઓ, કૃષિ યુનિવર્સિટીઓ અને ગામડા ગામના ખેડૂતો પણ લે છે. ૠતુજ્ઞાનને પામવાની આ વિદ્યાથી આપણી કહેવતો હાંફતી પડી છે. અહીં મારો ઉપક્રમ આજે વર્ષાવિદ્યાની વાત કરવાનો છે. આ રહી આપણી વચ્ચે ફરતી તરતી એ કહેવતોઃ

આભ (વરસાદ) અને ગાભ (ગર્ભ) એનું કંઇ નક્કી કહેવાય નહીં..૧
ગાજ્યા મેહ વરસે નઇં ને ભસ્યા કૂતરાં કરડે નંઇ..૨
જો ગાજે ભડ તો કૂવા કાંઠે ખડ.. ૩.

અર્થાત્‌ ઃ જેઠ વદ અમાસ અને અષાઢ સુદ પડવાને દિવસે (મેઘ) ગાજે તો કૂવાકાંઠે જ્યાં પાણી વેરાય એટલામાં જ ખડ ઊગે. બાકી ધોમચક દુકાળ પડે.

ઉત્તર ભરે તળાવડાં દક્ષિણ કોરાં જાય,
પશ્ચિમ પલાળે પાઘડી, પૂર્વે તોડે પાળ…૪

જો ઓતરાદિ દિશાનાં વાદળાં ચડી આવે તો તળાવડાં ભરી દે. દક્ષિણમાંથી આવે તો પછેડીભીન છાંટા જ નાખીને વહ્યાં જાય. પશ્ચિમમાંથી આવે તો પાઘડી પલાળે એટલાં જ વરસે અને જો પૂર્વ દિશામાંથી આવે તો બઘડાટી બોલાવે. તળાવડાંની પાળો તોડી નાખે. સરોવરો છલકાવી દે.

વા વાયા સૂરિયા
તો ભાત ક્યૂં પુરિયા?…૫

પશ્ચિમ અને દક્ષિણનો સૂરિયો- ગિરનારી પવન વાય છે. તેં ખેતર લઇ જવા ભાત કેમ ભર્યું ? આ વાયરો દારૂણ દુકાળની એંધાણી છે.

દિનકા વાદળ
સુમકા આદર… ૬.

દિવસનું ભૂરૂં વાદળ કંજૂસ માનવીની મહેમાનગતિ જેવું હોય છે. મન મૂકીને વરસતું નથી. મારા સસરાના ગામ દાંતા- અંબાજી તરફ મજાની રાજસ્થાની કહેવત જાણીતી છે. લોકોનું વ્યવહાર જ્ઞાન તો જુઓઃ

સાસુ જિતરો સાસરો,
આસૂ જિતરો મેહ… ૭.

સાસુ જીવતી હોય ત્યાં સુધી જ સાસરીમાં જવાનો સ્વાદ. એમ આસો માસ સુધી જ મેઘની મજા. પછી જમાઇ અને મેઘની મજા પૂરી થઇ જાય છે.

વર્ષાવિદ્યા જાણવામાં પશુપક્ષીઓ અને જીવજંતુઓના વર્તન પણ મહત્વના પુરવાર થયાં છે. વર્ષાવિદ્યાના માલમીઓ નિસર્ગ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા અને પ્રકૃતિના પરિવર્તનને સૌ પ્રથમ પામતાં પશુપક્ષીઓની ચેષ્ટાઓનો પણ અભ્યાસ કરે છે. આ રહ્યા એમના અભ્યાસના તારણો અને વરતારાઓ..

૧. જમીન પરનાં પક્ષીઓ ઘોંઘાટ કરતાં આકાશમાં ઉડવા માંડે અને કળાહોળ કરતાં માળાભણી વહેવા માંડે. કાગડા એકદમ અદ્રશ્ય થાય. ચકલાં નીચે ઉડતાં રહે. કૂકડા ઊંચા સ્વરે બોલવા માંડે, કૂતરાં જમીનમાં ખાડા ગાળે, પાળેલાં જાનવર કૂદાકૂદ કરે તો વરસાદના ચિહ્નો જાણવા એમ દાસબહાદૂર વાઇવાલા નોંધે છે.

૨. સમુદ્ર ઉપર ઉડતાં પક્ષીઓ ટોળે વળીને કિનારા તરફ ભાગતા જણાય, ચકલીઓ ઊંચે ઉડવાનું બંધ કરે ને પાંખો ફફડાવતી ઘૂળમાં રમવા માંડે, કાગડાં વૃક્ષ ઉપરથી ખસે નહીં, સમડી અને કાગડા મીઠાના અગરમાંથી મીઠાના ગાંગડા ચાંચમાં લઇને ઉડવા માટે તો જાણવું કે ભારે વરસાદ તૂટી પડશે.

૩. કીડીઓ રાફડા પાસે ઇંડા અને અનાજના કણ મોંમાં લઇ ફરતી જણાય, ઘરમાં એકાએક કીડીઓ અને મકોડા ઉભરાય. ઘરના અગોચર ખૂણામાં કરોળિયાનું ઝાળું હોય ને કરોળિયો એની ડબલ ગુંથણી કરવા લાગી જાય તો નક્કી માનવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે. મોરલા ટહૂકા કરતા સમૂહમાં કળા કરીને નાચવા માંડે તો વૃષ્ટિ થાય.

૪. ખેતરમાં ફરતા કાચબા ઊંચી ડોક કરીને ચાલવા માંડે, કાચીંડા ને સરડાનો રંગ પીળો ને લાલ થાય અર્થાત્‌ તે રંગ બદલવા માંડે, જળકૂકડી, બતકો નદી કે તળાવમાં પોતાની ચાંચ વડે માથા ઉપર પાણી ઉછાળે, ટીટોડી ખૂબ ઊંચી જગ્યાએ ઇંડા મૂકે એ ધોધમાર વરસાદ આવવાની એંધાણી છે.

૫. દિવસે પતંગિયા ઉડવા માંડે તો માનવું કે વરસાદ વહ્યો ગયો છે. પણ જો ઉડતાં પતંગિયા આંખથી ઓઝલ થઇ જાય તો તે વરસાદ આવવાનું ચિહ્‌ન ગણવું.

૬. વનવગડામાં ચરતાં ઘેટાં એકાએક બેસી જાય. સૂઇ જાય કે ઝાડીમાં માથાં ભરાવવા માંડે તો થોડીવારમાં વરસાદ આવશે એમ ચોક્કસ મનાય છે. બિલાડી ચૂલામાં બેસે તો વરસાદ આવે જ.-

સિદ્ધાંત, સંહિતા અને હોરા એમ ત્રણેય સ્કંધમાં, ભારતને અપૂર્વ જ્ઞાન આપનાર મહર્ષિ વરાહમિહિરે બૃહત્સંહિતા અર્થાત્‌ વારાહી સંહિતામાં વરસાદનું ફળકથન ૨૮મા અઘ્યાયમાં આ મુજબ આપ્યું છે.

૧. જો ઘરની છત પર ચડીને આકાશ સામું જોતા કૂતરાં ભસે અને ઇશાની વીજળી દેખાય તો પુષ્કળ વરસાદ થાય.

૨. ખીલે બાંધેલી ગાય કારણ વિના કૂદકા મારે, સાપ ઝાડ ઉપર ચડે કે ધરતી પર મૈથુન કરતાં માલુમ પડે તો જલ્દી વરસાદ થશે એમ જાણવું.

૩. જો ઢોરઢાંખર ઘરની બહાર જવાની આનાકાની કરે, કાન અને પગ હલાવ્યા કરે. કૂતરાં પણ પશુઓના જેવું વર્તન કરે તો વરસાદ જાણવો.

૪. બિલાડી પોતાના પંજાથી જમીન ખોતરે, લોખંડમાં વાસવાળો કાટ લાગે, મારગ માથે બાળકો પુલ બનાવતા દેખાય તો વરાહમિહિર કહે છે કે જલ્દી વરસાદ આવશે.

૫. રાતવેળાએ આગિયા આકાશમાં વાદળ સુધી ઉડતા જણાય તો વરસાદ વરસીને ખેતરો છલકાવી દે.

૭. જો વૈશાખ માસમાં કાગડો ઉપદ્રવ વગરના વૃક્ષ માથે માળો બાંધે તો સુકાળ (સારૂં વર્ષ) થાય. નિન્દિત અને કાંટાવાળા વૃક્ષ પર માળો બનાવે તો દુકાળ પડવાનો ભય સતાવે. શરદૠતુમાં કાગડાનો માળો પૂર્વ દિશામાં રહેલી ડાળી ઉપર બનાવેલ હોય તો પશ્ચિમ દિશામાં પહેલો વરસાદ પડે છે. દક્ષિણ કે ઉત્તર દિશામાં માળો હોય તો મઘ્યમ વૃષ્ટિ થાય છે અને જો ઝાડની ટોચ ઉપર માળો હોય તો અનરાધાર, સાંબેલાધારે વૃષ્ટિ થાય છે.

૮. કાગડો વૃક્ષ પર અગ્નિખૂણામાં માળો બાંધે તો મંડલવૃષ્ટિ થાય. અને જો નૈૠત્યખૂણામાં બાંધે તો શરદૠતુની ખેતી ખૂબ સારી થાય એવો વરસાદ પડે. અને જો બાકીની દિશાઓમાં માળો બાંધે તો વરસ એકંદરે સારું પાકે. પ્રાસાદ અને ઘરની નીચે માળો બાંધે તો અનાવૃષ્ટિ થતાં દુકાળના ડાકલાં વાગવા માંડે અને ચોર-લુંટારુંનો ભય રાજ્યમાં વધે.

૯. કાગડા કારણ વગર ભેગા થઇને કાગારોળ મચાવતા ગામ માથે ઉડવા માંડે એ દુકાળનો ભય દર્શાવે છે. કાગડીના માળામાં બે-ત્રણ અથવા ચાર બચ્ચાં જોવા મળે એ ખેડૂવરણ માટે સારા વરસની એંધાણી આપે છે.

આમ પશુપક્ષીઓ અને જીવજંતુઓ ઉપરાંત વૃક્ષ, વનરાજિમાં થતા પ્રાકૃતિક ફેરફારોના અભ્યાસને આધારે પણ અનુભવીઓ વર્ષના વરતારા આપે છે. ઉ.ત. વૃક્ષના ફૂલો અને વનસ્પતિમાંથી હંમેશ કરતાં વઘુ સુગંધ છૂટવા માંડે. ગુલમોરને ઢગલો ફૂલ આવે, આંબે ભરપૂર મોર આવે એ સારા વરસ અને વરસાદની એંધાણી ગણવામાં આવે છે.

ગરમાળો ફૂલથી લચી જાય એ પછી દોઢમહિને વરસાદ આવે છે. ઉનાળામાં બોગનવેલ ફૂલોથી લચી પડે, ધતૂરાના ફુલ એકદમ ઉઘડવા માંડે. પીપળાના પાન વઘુ લીલા લાગે અને લીંબડો, લીંબોળી વઘુ પ્રમાણમાં ખેરવવા માંડે. વેલાઓને ઉપર તરફ વળેલાં નવા પાન દેખાય. લતાઓના પાન ચીકણાં અને છિદ્ર વગરના દેખાય એ બધી વરસાદ આવવાની નિશાનીઓ છે એમ કુદરતનું નિરીક્ષણ કરનારા અનુભવશાસ્ત્રીઓ જણાવે છે.

પશુપ્રાણી અને વનસ્પતિના નિરીક્ષણ – અવલોકન પછી પ્રકૃતિના ફેરફારોનું નિરીક્ષણ પણ વરસાદ માટે ખૂબજ મહત્વનું મનાય છે.

૧. આકાશમાં ચંદ્ર ઉપર પીળો રંગ જણાય તો ચોક્કસ વરસાદ આવવાની આગાહી ગણાય. દિવસે સૂર્ય વાદળાં જેવો ઝાંખો જણાય અને રાત્રે ચંદ્ર વાદળ વડે વીંટાઇ જાય એ વરસાદ આવવાના લક્ષણ ગણાય.

૨. ડુંગરા અને દૂરના પદાર્થો હંમેશા હોય તેના કરતાં વઘુ નજીક જણાય તેમ વરસાદની એંધાણી સૂચવે છે.

૩. ચોમાસામાં દરિયાના પાણીમાં લીલા રંગની છાંટ જણાય તેમ ભારે વરસાદની અને ઘેરા વાદળી રંગની છાંટ અનાવૃષ્ટિના લક્ષણ આપનારી ગણાય છે.

૪. સફેદ પીંજેલા રૂ જેવા વાદળો દેખાય અને તે જે દિશામાં જાય ત્યાં વરસાદ થાય.

૫. સમીસાંજના પશ્ચિમનું આકાશ રાતું રતુંબલ અને પ્રભાતના પહોરે પણ એવું જ લાલ જણાય તો તેને વરસાદની આગાહી જાણવી.

૬. સીરસ (સફેદ પીંજેલા રૂ) જેવા વાદળાં દક્ષિણ અથવા નૈૠત્ય ખૂણામાંથી ઝડપે આવતાં હોય ત્યારે ઉનાળેય માવઠું થાય.

૭. ચંદ્ર કે સૂર્યની આસપાસ ચકરડું સ્પષ્ટ દેખાય, નૈૠત્ય ખૂણાનો વાયરો વાય અને ઇશાની વીજળી થાય તો ભરપુર વરસાદ વરસે.

૮. વરાહમિહિર નોંધે છે કે જો રાતના સમયમાં વરસાદ ગાજે અને દિવસે લાલધૂમ જેવી અગ્નિ રંગની વીજળી સળાવા લેતી જણાય તથા પૂર્વ દિશામાંથી એકદમ ઠંડો વાયુ વાય તો અવશ્ય વરસાદ થાય.

૯. મોર, પોપટ, ચાતક, જુઇ અથવા કમળ જેવી કાંતિવાળા, પર્વત, કાચબો, સુવ્વર અથવા માછલી જેવા આકારવાળો મેઘ જણાય તો એકદમ જલ્દી વરસાદ વરસે.

૧૦. પર્વત કાજળસમો કાળો જણાય અથવા કોઇ ગુફામાંથી વરાળ નીકળતી જણાય અથવા તો પાણીમાં રહેનાર મગરની આંખો જેવા રંગના ચંદ્રના કિરણો જણાય તો તત્કાળ વર્ષા થાય.

૧૧. જો સૂર્યોદય સમયે ઇન્દ્રધનુષ, પરિઘ, રોહિત અથવા સૂર્ય-ચંદ્રનો પરિવેશ દેખાય તો પુષ્કળ વરસાદ થાય.

૧૨. સૂર્યના ઉદય સમયે તેતરની પાંખો સમાન આકાશ જણાય અને પક્ષીઓ આનંદથી કિલ્લોલ કરવા માંડે તો દિએ અને અસ્ત સમયે દેખાય તો રાતના વરસાદ પડે છે.

૧૩. લીંમડો અને નાગકેસર સુકાળ લાવે છે. કપિત્થથી પવન, નિચુલથી અવૃષ્ટિ તથા ફુટજથી અવૃષ્ટિનો ભય અને રોગચાળો આવે છે એમ બૃહત્સંહિતા કહે છે.

૧૪. સંઘ્યાકાળે સૂર્યભણી મોં રાખીને હરણાંનું ટોળું ડાબે કે જમણે ઉભું હોય તો વરસાદ પડે.

૧૫. સૂર્યના પીળા કિરણો વાવાઝોડાવાળો વરસાદ લાવે છે. ભસ્મ જેવા કિરણો અનાવૃષ્ટિ કરે છે. સફેદ, કાળા, પીળા અને ભૂરા બધા જ ભેગા કરેલા રંગવાળા કિરણો સારો વરસાદ વરસાવે છે.

૧૬. કાળું કમળ, વૈદૂર્યમણિ અથવા કમળના, કેસરના સમાન કાંતિવાળો, પવન વગરનો અને સૂર્યના કિરણોથી પ્રકાશમાન થયેલો સંઘ્યાકાળ હોય એ વરસાદ વરસાવનારો ગણાય છે.

૧૭. જો સૂર્યની બંને બાજુ પ્રતિસૂર્ય દેખાય તો પુષ્કળ વરસાદ થાય.પરંતુ ચારે દિશાઓને ઘેરતી પરિધિ હોય તો ટીપુંય વરસાદ ન પડે અર્થાત્‌ દુકાળ પડે. પ્રજાને પીડા થાય.

પ્રકૃતિના નિરીક્ષણમાંથી નીપજેલાં ભડલી વાક્યો પણ વરસાદની વિદ્યાની આ જ વાત કરે છે.

અષાઢ સુધી પંચમી, જો ઝબૂકે વીજ,
દાણાવેચી ઘર કરો, રાખો બળદને બીજ…
*
અષાઢી પૂનમ દિને, વાદળભીનો ચંદ,
તો ભડલી જોશી કહે, સઘળા નર આનંદ…
*
અષાઢી પૂનમ દિને, ગાજવીજ વરસંત
હોય ન લક્ષણ કાળનાં, આનંદે સૌ સંત…

રોહિણી સૂવા તો બળદિયા મૂવા
રોહિણી ગાજે તો બેહોંતેરુ બાળે…

અર્થાત્‌ ઃ રોહિણી નક્ષત્રમાં પવન બહુ હોય તો વરસાદ ઓછો પડે. કરવટું વરસ આવે. ઘાસ-ચારો ન થાય. બળદો ભૂખ્યા મરે. રોહિણીમાં મેઘ ગાજે તો ૭૨ દિવસ સુધી વરસાદ ન વરસે. બોંતેરું કાઢે.

ગુજરાતમાં ધાર્મિક સ્થળો ઃ પાલોદર, ભાખર, ઐઠોર, વાલમ, કુણઘેર અને ગમાનપુરામાં યોજાતા લોકમેળામાં પ્રતિવર્ષ વરસાદનાં વરતારા કાઢવામાં આવે છે. આવી છે ભાઇ વરસાદની પ્રાચીન વિદ્યા.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!