લોકવાણી અને લોકસાહિત્યમાં વરસાદના વરતારા આપતા ભડલી વાક્યો અને કહેવતો

રૂપકડી ૠતુઓનો ચકડોળ બારેય મહિના ચક્કર-ભમ્મર ફર્યો કરે છે. કાળઝાળ અગ્નિ વરસાવતો ઉનાળો ઉચાળા બાંધીને અલવિદા લે અને ત્યાં તો ચોમાસુ આવીને બેસી જાય છે. આકાશમાં વાદળિયું વિહાર કરવા નીકળે છે. સારું વરસ આવવાની આશાએ કણમાંથી મણ ઉગાડનારા ખેડૂતો આંખ્યું માથે હાથના નેજવાં કરી વરસાદની વાટુ જોતાં આકાશ ભણી મીટું માંડે છે. ગિરનારી (સૂરિયો વા) પવન વાયને વાદળિયું વરસ્યા વિના વઈ જાય. વેધશાળાઓ અને જ્યોતિષાચાર્યોના કાચા પાકા વર્તારા શરૂ થાય. વરસાદના કોઈ વાવડ ન મળે ત્યારે હૈયાંઉકલતવાળા આપણા અભણ ખેડૂતો ‘ભડલી’એ આપેલી વરસાદની આગાહી અંગેની સાખીઓને યાદ કરીને મોસમને મૂલવે છે. સાખીઓ પણ કેવી સચોટ છે! સાંભળો…

પૂરવ વાયુ બહુ વહે, વિધવા પાન ચવાય,
એ લઈને આવે નીરને, આ કોઈ સંગે જાય. 

અર્થાત્‌ ઃ પૂર્વ દિશાનો પવન બહુ વાય તો એ વરસાદને તણી લાવે. અને જો વિધવા નારી પાન ચાવીને હોઠ રાતાં કરતી જણાય તો નક્કી ઈ કોની સાથે (પરણી) જાય.

તીતરપંખી વાદળી, વિધવા કાજળરેખ,
એ વરસે આ ઘર કરે, તેમાં ન મીનમેખ. 

અર્થાત્‌ ઃ તેતર પંખીના રંગ જેવી વાદળિયું આકાશમાં દોટું દેતી હોય તો એ અવશ્ય વરસ્યા વિના ન રહે. અને જો વિધવા નારી આંખોમાં કાજલનાં આંજણ આંજી કામણ કરતી ફરતી ફરે તો નક્કી એ કોઈનું ઘર માંડે એમાં મીનમેખ નહીં.

રાતે બોલે કાગડા, દહાડે રુએ શિયાળ,
તો ભડલી એમ જ કહે, નિશ્ચે પડશે કાળ 

અર્થાત્‌ ઃ કુદરતના નિયમ વિરુદ્ધ જઈને કાળી રાતના કાગડા કળેળવા માંડે અને વગડામાં વસતાં શિયાળિયાં રાતને બદલે ધોળા દિવસે રોવા માંડે તો ભડલી કહે છે નક્કી દુકાળ પડશે એમ જાણજો.

ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે.

ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂતો અને ખેતીને વર્ષા સાથે પરાપૂર્વનો સંબંધ છે. વાદળ, વીજળી, વાયુ, હોળીનો પવન, મેઘગર્જના, મેઘધનુષ, વરસાદના ગર્ભના લક્ષણ, વૃષ્ટિના લક્ષણ, અનાવૃષ્ટિના લક્ષણ, મંગળ અને ગુરુની ચાલ, સંવત ઉપરથી સુકાળ-દુકાળ, સંક્રાંતિવિચાર, ગ્રહણ-વિચાર વગેરે પ્રાકૃતિક ચિહ્નો જોઈને ચાર છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો વરસે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. આ આગાહી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોઈ તેઓ તેમાં અપાર આસ્થા ધરાવે છે. આ વાક્યોના વરતારાને આધારે ખેડૂતો વર્ષમાં કયું ધનધાન્ય વાવવું તે અગાઉથી નક્કી કરે છે.

આપણે ત્યાં પોપાબાઈ, બાબરો ભૂત, ખોખરો કોડિયો, જેવાં લોકજીભે રમતાં ઐતિહાસિક, અર્ધઐતિહાસિક અને કિવદંતીરૂપે પાત્રોનો ઊંડો અભ્યાસ કે સંશોધન થયું નથી એવું ભડલીનું પણ છે. વાયુચક્રના વિશારદ મનાતા અભણ મહાપંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા, ક્યારે અને કયા પ્રદેશમાં થઈ ગયા તેની પ્રમાણભૂત માહિતી આજેય પ્રાપ્ત થતી નથી. એના અંગેની જુદા જુદા પ્રદેશોમાં કહેવાતી દંત કથાઓ પ્રાપ્ત થાય છે. ભગવદ્‌ ગોમંડલમાં ભડલી અંગેની હકીકત આ પ્રમાણે નોંધાઈ છે.

ભડલીએ હુદડ નામના સુપ્રસિદ્ધ ભવિષ્યવેત્તાની પુત્રી હતી. ૠતુ, વરસાદ વગેરે અંગે ભાખેલી તેની આગાહી આજેય લોકકંઠે પ્રચલિત છે. હુદડ જોષી સિદ્ધરાજ જયસિંહના સમયમાં અર્થાત્‌ સંવત ૧૨૦૦માં મારવાડ શહેરમાં રહેતો હતો. તેને પુત્ર ન હતો. સંતાનમાં માત્ર એક પુત્રી હતી. તેનું નામ ભડલી હતું. તેના ઉપર તેને ઘણી પ્રીતિ હતી. જોષીએ પોતાની વિદ્યા તેને ભણાવી હતી. આ ભડલીએ જ્યોતિષ સંબંધી વર્ષના વર્તારાની સાખીઓ દેશી ભાષામાં રચેલી છે. જે ભડલીવાક્યના નામે સુપ્રસિદ્ધ છે. સાખીઓ ઉપરાંત વર્ષાવિજ્ઞાન અંગેના દૂહા, ચોપાઈ, શુકન અપશુકન, દિશાશૂલ વગેરે વિષયો ઉપર કહેવતો પણ આપી છે. કેટલીક સામાજિક અને નીતિવિષક કહેવતો ભડલીનાં નામે પણ ચકી ગઈ છે.

નક્ષત્રો વિશેનું ભડલીનું જ્ઞાન અગાધ હતું. તેના કહેલાં વાક્યો સદીઓ જૂનાં અનુભવ વાક્યો છે. આવાં વાક્યો ભડલીના પિતા હુદડ જોષી પાસેથી મળ્યાં છે. તેનું બીજું નામ વાઘ પંડિત હતું. તે મહાન જ્યોતિષી હતો, પણ ધંધો ઘેટા-બકરાં ચરાવવાનો હતો. ઘેટા-બકરાં ચારતાં તે દિનરાત ખેતર, પહાડ અને જંગલ ઝાડિયોમાં પડ્યો રહેતો અને વાયુ, વાદળ, વીજળી, વરસાદ અને આકાશી નક્ષત્રો સાથે અહર્નિશ મૈત્રી સાઘ્યા કરતો. વર્ષોના એના નિરીક્ષણ ઉપરથી તેણે સૃષ્ટિના જે નિયમો જોયાં તે તેણે ભડલી પાસે મૂક્યા અને ભડલીએ તે સાદી લોકભાષામાં રજૂ કર્યાં. તેના ઉપરથી લોકો ચાલુ અને આવનારા વર્ષના વરસાદના વરતારા કાઢી શકે છે.

‘જય રુદ્રમાળ’ કૃતિના સર્જક શિહોરી (ઉ.ગુજરાત)ના કો. શંકર ભગવાન સોલંકીએ ભડલીના પિતા પંડિતની દંતકથા આ પ્રમાણે નોંધી છે. સિદ્ધરાજ જયસિંહે અન્ય પંડિતો પાસેથી પંડિતની વિદ્વતાના વખાણ સાંભળી એમને રુદ્રમાળનો અવિચળ પાયો નાખવા માટે બોલાવ્યા હતા. તેમણે વાર, તિથી, ચોધડિયું, ઘડી, પળ વગેરે વિચારીને પોતે બતાવેલી જગ્યાએ મેખ મારવા કહ્યું, ખીલી મરાઈ ગઈ પણ સિદ્ધરાજને આ રૂખડિયા જેવા લઘરવઘર લાગતા જોશીના કથનમાં કંઈક શંકા જન્મી. એણે જમીન માથે મારેલી ખીલી પાછી ખેંચી લીધી. એમાંથી લોહીની ધારા પ્રગટી, ને સિદ્ધરાજના વસ્ત્રો લોહીભીનાં થયાં. ત્યારે હુદડ ઉર્ફે માર્કન્ડ જોષીએ કહ્યું, ‘આ લોહી તો શેષનાગની ફેણનું છે.’ ફરીથી એ જગ્યાએ ખીલી મારી. શેષનાગ સરકી ગયો પણ ખીલી એની પૂંછળી પર વાગી. ત્યારે જોષી કહે, ‘રાજન્‌! તમે લોહીભીના થયા છો તેથી અજેય રહેશો, પણ તમે જેની રચના કરી રહ્યા છો એ રુદ્રમાળ અવિયળ નહીં રહે. વિધર્મીઓને હાથે એ નાશ પામશે.’’

આજે રુદ્રમાળનાં ભગ્ન ખંડિયરો આ દંતકથાની સાક્ષી પુરતા ઊંભા છે. આ દંતકથા પરથી ભડલી અંગેનો સાચો ઈતિહાસ મળતો નથી. ‘રાજસ્થાની કૃષિ કહેવતો’માં જગદીશસિંહ ગોહલોત ભડલીને વિક્રમની ૧૫મી સદીની આસપાસ મૂકે છે. ભડલીની જન્મભૂમિ મારવાડ મનાય છે. ભડલી વાક્યની ભાષા બહુ પ્રાચીન જાણાતી નથી. અલબત્ત તે વાક્યો સદીઓથી લોકમુખે રમતાં રહ્યાં છે. મારવાડી રાજસ્થાનની મીરાં બાઈનાં પદ જેમ શબ્દ અને લઢણ બદલી ગુજરાત તથા ઉત્તર પ્રદેશ બેઉ સ્થળે તળપદાં બની ગયાં છે તેવું જ ભડલી વાક્યોનું થયું છે. ભડલી વાક્યોની મૂળભાષા સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યથી આગલા સ્તરની સંભવતી નથી એટલે તેમની પહેલાં ભડલીને મૂકવા કોઈ કારણ જણાતું નથી. ભડલી વાક્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેની ભાષા ચૌદમા પંદરમાં સૈકાથી બહુ જૂની જણાતી નથી એમ શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે. ભડલીવાક્યોની પ્રાચીન હસ્તપ્રતો પણ મળી આવે છે.

મારવાડી જનશ્રુતિ મુજબ ભડલી ભંગી જાતિની હતી. તે શુકનવિદ્યામાં પારંગત હતી. ડંક નામે બ્રાહ્મણ જ્યોતિષી સાથે વિચાર વિનિમય કરતાં કરતાં બેઉ પતિ પત્ની તરીકે રહેવા લાગ્યાં. તેમને જે સંતાનો થયા તે આજે ‘ડાકોત’ નામથી ઓળખાય છે. રાજપૂતાનામાં ડાકોતની વસ્તી વઘુ જોવા મળે છે. બંગાળમાં ભડલી જેવું વર્ષા સાહિત્ય પીરસનાર ડાક થઈ ગયા. ઉત્તર પ્રદેશમાં ભડલી (ભડ્ડરી) નામથી ભડ્ડરિયા નામે ઓળખાતી જાતિ છે. તે જૂની કહેવતો પરથી વરસાદની આગાહી કરે છે. આ જાતિના લોક ગોરખપુર જિલ્લામાં વઘુ જોવા મળે છે, એમ ‘ગ્રામ સાહિત્ય’ની નોંધ બોલે છે.

ગામડા ગામના કોઠાસૂઝવાળા અનુભવીઓ ભડલી વાક્યોને આધારે વરસાદ કેવો અને કેટલો થશે વરસ સુકાળ આવશે, કરવયુ આવશે કે દુકાળ પડશે તેના વરતારા આજેય કાઢે છે. આ રહ્યાં ભડલીએ ભાખેલા વૃષ્ટિના અને અનાવૃષ્ટિનાં લક્ષણો ઃ

શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ચર છાય,
ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા

શુક્રવારનાં વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલાં રહે તો ભડલી કહે છે વરસ્યા વગર ન રહે.

ઉત્તર ચમકે વીજળી, પૂરબ વાયુ વાય,
હું કહુ તુજને ભડલી, બરધા ભીતર લાય. 

ઉત્તરમાં વીજળી સળાવા લેવા માંડે અને પૂર્વ દિશાનો વાયરો વાય તો ભડલી કહે છે બળદોને કોઢમાં બાંધો તુરત જ સારો વરસાદ થશે એની એ એંધાણી છે.

પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય,
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય. 

પિત્તળ અને કાંસના વાસણો કાળાં પડવા માંડે, લોઢું કટાવા માંડે ત્યારે જાણવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે.

જળચર જળ ઉપર ભમે, ગો નભભણી જોવંત,
ભડલી તો એમ જ ભણે, જળઘર જળ મેલંત. 

જળચર પક્ષીઓ જળ ઉપર ભમતાં (ઉડતા) જણાય, ગાયો ઉંચા મોઢાં કરી ને આકાશભણી જોતી જણાય તો નક્કી માનવું કે મેઘરાજા પધરામણી કરી રહ્યા છે.

હોય પાણી કળશ્યે ગરમ 
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય. 

પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે.

પવન થાક્યો તેતર લવે, ગુડ રસીદે નેહ,
ભડલી તો એમ જ ભણે, એ દિન વરસે મેહ.

વહેતો પવન પડી જાય, તેતર પક્ષીઓ ટોળે મળી કળાહોળ કરી મૂકે. ઘરમાં મૂકેલા માટલાના ગોળમાં ચીકણી રસી થાય એ વરસાદ આવવાની એંધાણી ગણાય.

બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ,
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ. 

ઝાડ માથે બેસેલા મોરલા આકાશી વાદળાં ભાળીને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મે…આવ મે…આવ મે…આવ કરતાં બોલવા માંડે. દોણાંમાં પડેલી મોળી છાશ ખાટી તૂર થઈ જાય એ એવી આશા આપે છે કે હવે મેધરાજાના મંડાણ થઈ રહ્યા છે.

સ્વ. શ્રી દુલેરાય કારાણીએ કચ્છી બોલીનું એક ભડલી વાક્ય આ મુજબ નોંઘ્યું છે ઃ-

કારી ક્કરમેં આથમે, રતી પ્રો વિહાય,
ભડલી એ સંસારમેં પાની ન સમાય. 

અર્થાત્‌ ઃ કાળાડિબાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના રતુંબળા આભમાંથી સૂરજ કોર કાઢે તો પૂર આવે કે પ્રલય થાય એટલો ભારે વરસાદ વરસે.

રવિ આથમતે ભડ્ડલી જો જલબુંદ પડંત,
દિવસ ચોથે પંચમે, ઘન ગાજી બરસંત. 

દિવસ આથમવાની વેળાએ જો છાંટા શરૂ થાય તો ચોથે કે પાંચમે દિવસે વરસાદ થાય.

ભડલી, ઉપરના લક્ષણો વૃષ્ટિ-વરસાદ થવાના જણાવે છે એમ એણે અનાવૃષ્ટિની પણ વરતારા આપ્યા છે. જુઓ ઃ

સાવન વહે પૂરબિયા, ભાદર પશ્ચિમ જોર,
હળ-બળદ વેચીને કંથ ચલો કઈ મેર. 

જો શ્રાવણ મહિનામાં પૂર્વનો વાયુ અને ભાદરવામાં પશ્ચિમનો વાયુ જોરથી વાય છે. હે કંથ! હળ-બળદ વેચીને પેટિયું રળવા દૂર દેશાવર જતાં રહીએ. અહીં આ વરસે કાળઝાળ દુકાળ પડશે.

ઊગે સૂર્ય પશ્ચિમ દિશા, ધનુષ ઊગતો જાણ,
તો દિન ચોથે પાંચમે રુંડમુંડ મહિ માન. 

સૂર્ય ઊગતાં જ પશ્ચિમ દિશામાં મેઘધનુષ રચાય તો થોડા સમયમાં ધરતી રુંડમૂંડથી ભરાઈ જાય. ભયંકર દુષ્કાળ અને ભૂખમરાની આગાહી આ સાખી આપે છે.

પ્રાતઃ સમે ઠર ડબરા, રાત્રી ઊજળી હોય,
સૂર્ય તપે બે પહોરમાં, દુકાળ તો તું જોય. 

સવારના પહોરમાં વાદળ ઘેરાય. રાતવરતના તારા કાઢે અને બપોર પછી સૂર્ય તપે એને દુકાળની નિશાની ગણવી.

ભડલી વાક્યોની સાખીઓ ઉપરાંત વર્ષાના વરતારા આપતી કહેવતો પણ લોકસાહિત્યમાં અને લોકકંઠેથી સાંપડે છે ઉ.ત.

દિવસે કરે વાદળાં, રાતે કાઢે તારા,
ખરા બપોરે છાંટા ને અગનોતરાના ચાળા. 

સંવત ૧૮૬૯માં દુકાળ ટાણે આવા લક્ષણ જોવા મળેલા તેના પરથી આ કહેવત આવી હોવાનું મનાય છે. નક્ષત્રો સાથે વરસાદ જોડાયેલો છે તેવું અનુભવીઓ કહે છે. આ રહી એનું પ્રમાણ આપતી કહેવતો ઃ

જો વરસે આદ્રા (નક્ષત્ર) તો બારે માસ પાધરા.
જો વરસે ઉત્તરા તો ધાન ખાય કૂતરાં.
જો વરસે મધા તો થાય ધનનના ઢગા.
જો વરસે પૂર્વા તો લોક બેસે ઝૂરવા.
જો વરસે હસ્ત તો પાકે અઢારે વસ્ત.
હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર.
જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથિયો.

હાથિયો એટલે હસ્ત નક્ષત્ર, ગુજરાત સૌરાષ્ટ્રમાં હાથિયાની વૃષ્ટિ ખૂબ જ મહત્વની મનાય છે.

દિવસે ગરમી રાતે ઓસ,
કહે ધાધ વર્ષા સો કોસ.

આજે પૃથ્વી પરનું વાતાવરણ – પર્યાવરણ બદલાયું હોવા છતાંય આટલાં વર્ષો પછી પણ ભડલી વાક્યો પરનો લોક વિશ્વાસ જરીકેય બદલાયો નથી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!