ગુજરાતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર સયાજી નગરી વડોદરા  

ગુજરાતના ગણ્યાં ગાંઠ્યા સુંદર અને ઐતિહાસિક શહેર એટલે  ——- વડોદરા.. માત્ર 25 લાખ વસ્તીવાળુ જ શહેર છે, છતાં એણે ઐતીહાસીક્તાને સાચવી રાખીને આધુનિકતા અપનાવી છે. સતત જીવંતતા અનુભવતું અને અનેક લોકોને એનો અહેસાસ કરાવતું શહેર એટલે વડોદરા. મિત્રોને મળવાં માટેનું ઉત્તમ સ્થળ એટલે વડોદરા. ભાવ અને રખડવા માટેનું ઉત્તમ સ્થળ એટલે વડોદરા. ભણવાની એક અદ્યતન સગવડ ધરાવતું શહેર એટલે વડોદરા. સાહિત્યના અને ધાર્મિક અનેક કાર્યક્રમો કરતું અને અનેકોએ સાહિત્યમાં રસ લેતું કરતુ શહેર એટલે વડોદરા. અનેક પરીસંવાદો યોજી અનેક સાહિત્યકારોને બોલાવી એમની મહેમાનગતિ કરતુ શહેર એટલે વડોદરા. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર અને કોયલી રીફાઈનરી જેવાં ઉદ્યોગોથી દીપી ઉઠતું શહેર એટલે વડોદરા. અનેક વૃક્ષો અને લીલોતરી ભર્યા બાગ બગીચાઓથી સુશોભિત નગર એટલે વડોદરા. ગરબાની મજા તો અલકાપુરીના ગરબા જોવાંમાં જ આવે !!!! આવું છે ભાઈ આપણું સાંસ્કૃતિક શહેર વડોદરા !!!!!

વિશ્વામિત્રી નદીને કાંઠે વસેલું આ શહેર છે . વડોદરાનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કાળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

વડોદરાનો ઈતિહાસ  ——

વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વઘ્યું. ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.

ઇ. સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ – ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.

બાબી નવાબ પાસેથી ઇસ ૧૭૨૬માં મરાઠા જનરલ પાલાજી ગાયકવાડે વડોદરા જીતી લીધું હતું સોનગઢના યુધ્ધમાં બસ ત્યારથી મરાઠાઓ એ વડોદરાને રાજધાની બનાવ્યું અને આમ ગાયકવાડી સામ્રાજ્યની સ્થાપના થઇ. આ ગાયકવાડી સમ્રાજ્ય દક્ષીણ ગુજારતમાં નવસારી અને ડાંગ જીલ્લા સુધી વિકસેલા હતાં. ઈસ્વીસન ૧૭૬૧માં પાણીપતના ત્રીજા યુધ્ધ માં મરાઠાઓના પાયા હચમચી ગયાં હતાં. ત્યાર પછી બ્રિટીશકાળ દરમિયાન ગાયો ચરાવનાર માંથી રાજા બનેલાં સયાજીરાવ ગાયકવાડનો સમય એ ત્યાર પછીના મરાઠાઓનો સુવર્ણકાળ.

ઇસ ૧૮૭૫માં …….સયાજીરાવ ગાયકવાડનો શાસનકાળ હતો ઇસ ૧૮૭૫ થી ૧૯૩૯ સુધીનો !!!! આમેય આ જ સમય ગાયકવાડી સામ્રાજ્યનો સુવર્ણકાળ ગણાય છે. વડોદરા સમૃધ્ધ અને સુશોભિત બન્યું સયાજીરાવ ગાયકવાડના સમયમાં જ. બ્રિટીશકાળ સમાપ્ત થઇ ગયાં પછી પણ ગાયકવાડી જાહોજલાલી ઓછી નથી થઇ.

લક્ષ્‍મી નિવાસ પૅલેસ

ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ લક્ષ્‍મી નિવાસ પૅલેસ બનાવ્‍યો હતો.. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્‍સ મંટ હતા. તે ૧૯ મી સદીના સ્‍થાપત્‍યના એક સુંદર નમૂનો છે. તે લંડનના બકિંગહામ પૅલેસથી ચાર ગણો મોટો છે. આ શાહી પરિવારનું નિવાસ સ્‍થાન હતું. જે બરોડા પર શાસન કરતું હતું. અહીં ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ થતા હતાં. અહિના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દિવાલો અને બારીઓ બેલ્‍જીયમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી. જે કોતરણી કામ અને સ્‍થાપત્‍યનો એક અદ્દભુત નમૂનો છે. અહીંનો બગીચો વિલિયમ ગોલ્‍ડરીંગ દ્વારા સજાવવામાં આવ્‍યો હતો. જે મહેલની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલ હવે મુલાકાતીઓ માટે ખુલ્‍લું છે.

આ મહેલ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારત મહારાજા શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીંના સંગ્રહાલયમાં આવેલા છે. જેમાં નોંધનીય રાજા રવી વર્માના ચિત્રો જે વડોદરાના મહારાજા દ્વારા અનુલક્ષિત કરવામાં આવ્‍યા હતાં.

નઝરબાગ પૅલેસ
નઝરબાગ પૅલેસ વડોદરાના શાહી પરિવારનું જુનું નિવાસ સ્‍થાન છે. જેનું નિર્માણ મલ્‍હાર રાવ ગાયકવાડે ૧૯ મી સદીમાં કર્યું હતું. આજે તે શાહી પરિવારના વારસદારોનું નિવાસ સ્‍થાન છે.

મકરપુરા પૅલેસ 
મકરપુરા પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૮૭૦ માં મહારાજા ખંડેરાવ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેનો જીર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરેલ હતો. આ મહેલમાં ઇટાલીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મહેલ અત્‍યારે ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે.

મકરપુરા પૅલેસ

પ્રતાપ વિલાસ પૅલેસ
ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ કરાવ્‍યું હતું. જે યુરોપીય સ્‍થાપત્‍યો તથા ભારતીય કોતરણી કામનું સુંદર નમૂનો છે. અહીંના પ્રવેશદ્વારા બે વાઘોના શિલ્‍પ સાથે શણગારવામાં આવ્‍યો છે. દરબાર હોલ મોઝેક ફલોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્‍કની દ્વારા સજાવવામાં આવેલ છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે તેમાં બગીચો અને ગોલ્‍ફ કોર્સ પણ સામેલ છે. મહેલની દિવારોં પર પશુ, પક્ષી, ફૂલો, પાંદડાઓની કોતરણી કરવામાં આવી છે. અહીંના સ્‍થાપત્‍યના ઉત્તર ભારત, મધ્‍ય ભારત, દક્ષિણ ભારત, ઇસ્‍લામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. વર્તમાન સમયે આ ભારતીય રેલ્‍વેના કર્મચારીઓનો નિવાસ સ્‍થાન છે.

પ્રતાપ વિલાસ પૅલેસ

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

ઇતિહાસ
મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને મહારાજા સયાજીરાવ ત્રીજા યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો.

સયાજી બાગ (કમાટી બાગ)
સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં ફક્ત એક બાગ સિવાય બીજા પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), ટોય ટ્રેન (ફક્ત ૨ ફુટ ઉંચાઇ ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન) આકર્ષણ છે. સયાજીબાગમાં ઘણાં દુર્લભ એવા ફુલ, છોડ અને ઝાડ છે, જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ).

કમાટી બાગ

સરદાર પટેલ પ્લેનેટેરીયમ
સરદાર પટેલ પ્લેનેટેરીયમ એ વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ છે, જેમાં રોજ સાંજે (ગુરુવાર સિવાય) ત્રણ ભાષા માં ગુજરાતી , અંગ્રેજી તેમજ હિન્દી ભાષામાં આપણા સુર્ય મંડળ તેમજ વિવિધ ગ્રહો વિશે સુંદર માહિતી આપવામાં આવે છે. સરદાર પટેલ પ્લેનેટેરીયમમાં સૂર્ય તેમજ ચંદ્રના ગ્રહણના દિવસે તેમ જ ખાસ અવકાશી ઘટનાઓને દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.

કીર્તિ મંદિર, વડોદરા
કીર્તિ મંદિર (વડોદરા) એ મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્વામીત્રી નદીના કિનારે પોતાના પુર્વજોની યાદમાં બનાવેલ સ્મારક છે. કીર્તિ મંદિર અંગ્રેજીના અક્ષર “E” ના આકારમાં પથ્થરથી બનેલ ઝરુખા સભર ઇમારત છે. ઇમારતમાં વચ્ચે શિખરબંધ મંદિર જેવો આકાર છે જેના ટોચ પર સુર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગોળા પર આઝાદી પહેલાનાં અખંડ ભારતનો નક્શો બનેલો છે. ઇમારતમાં અંદર અનેક ખંડ છે, જેમાં ભોય પર સુંદર સફેદ આરસ પહાણના પથ્થર જડવામાં આવેલ છે. આ મંદિર એસ.એસ.જી. જનરલ અસ્પતાલ અને કમાટીબાગની એકદમ નજીક જ છે.

કીર્તિ મંદિર

લહેરીપુરા દરવાજા
જુનું વડોદરા ચાર દરવાજા વચ્ચે આવેલું હતું. લહેરીપુરા દરવાજો શહેરના પશ્ચિમ તરફ આવેલ છે. વડોદરા શહેરના ચારે દિશાના દરવાજામાં લહેરીપુરા દરવાજો સૌથી ભવ્ય બનાવટ ધરાવે છે. મહારાજા શાસનકાળ દરમિયાન દરવાજાના નગારા ખાનામાંથી પ્રસંગોપાત સુમધુર સંગીત સુરાવલી રેલાવાતી હતી. આજે પણ જાહેર તહેવાર ટાણે આ દરવાજાને નવોઢાની માફક સજાવવામાં આવે છે.

લાલબાગ
લાલબાગ વડોદરા શહેરમાં આવેલ એક સુંદર બગીચો છે જે પ્રતાપ વિલાસ મહેલ ની નજીકમાં આવેલ છે. આ બગીચા પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત એક સ્નાનાગાર પણ છે. આ બગીચા ને બિલકુલ અડીને ગાયકવાડી જમાનાથી ચાલી આવતી ડભોઇ થી જંબુસર જતી નેરોગેજ રેલ્વેના પાટા છે. જ્યાંથી હજુપણ સવારે તેમજ સાંજે નિયમિત રીતે ટ્રેન પસાર થાય છે. હાલમાં અહી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે.

માંડવી દરવાજા
માંડવી દરવાજા વડોદરા શહેરના જુના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે.

પ્રાચીન વડોદરા આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ ની વચ્ચે વસેલું હતુ. માંડવી દરવાજો મુઘલ યુગમાં બનાવવામાં આવ્યો હતો. જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ ની સાલમાં કરવામાં આવ્યુ હતુ. લહેરીપુરા દરવાજાની જેમ જ તહેવાર ના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.

ખંડેરાવ માર્કેટ
ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર ના પોલોગ્રાઉન્ડ મેદાનથી ન્યાયમંદિર તરફ જતાં વચ્ચે આવતી ઇમારત છે. આ ઇમારત મહારાજા સયાજીરાવ ત્રીજાએ ૧૯૦૭ની સાલમાં બનાવી હતી. જેનો એ સમય નો ખર્ચ રુપિયા ૫ લાખ થયો હતો. હાલમા આ ઇમારત ની આસપાસ મોટાપાયે શાકભાજી અને ફળફળાદિ નું જથ્થાબંધ વેચાણ થાય છે. તેમજ ઇમારત પરિસર નો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાર્યાલય તરીકે થાય છે. હકીકતમા મહારાજા સયાજીરાવે આ ઇમારત એક સોગાદ તરીકે વડોદરા મહાનગર પાલિકાને તેના રજત જયંતિ પર્વે અર્પણ કરી હતી. આ ઇમારત સામે એક નાનક્ડો બાગ પણ બનાવવામા આવ્યો છે. જેમાં મહારાજા સયાજીરાવનુ સફેદ આરસપહાણના પથ્થરથી બનેલ પુતળુ મુકેલ છે.

મકબરા (હજીરા)
વડોદરા ના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ મકબરા (હજીરા) એ દિલ્હીના રાજા અકબર દ્વારા નિમાયેલ ગુજરાતના રાજ્યપાલ એવા કુતુબુદ્દીન ની યાદમાં બનાવેલ મકબરો છે. આ મકબરો ભારતીય પુરાતત્વખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવેલ છે જેને જાહેર જનતા માટે પણ ખુલ્લો મુકેલ છે. મકબરાની આસપાસ નાનકડો બાગ બનાવવામાં આવેલ છે.

સુર સાગર
સુરસાગર વડોદરા શહેર ના મધ્યમાં આવેલ તળાવ છે જે હરહંમેશ પાણી થી ભરપુર રહે છે. ચંદન તળાવના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદી માં બન્યું હતું. જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝીક કોલેજને કારણે મળેલ છે. સુરસાગરના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકુવા બનાવેલ છે જેનાં કારણે અતિશય ગરમીનાં દિવસોમા પણ સુરસાગર પાણી વિહોણું થતું નથી. સુરસાગરના મધ્યમાં આશરે ૧૨૦ ફુટ ઉંચી ભગવાન શંકરની પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. જેની દર મહાશિવરાત્રી પર્વે મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખુબ જ જાણીતું સ્થળ છે. આખા વડોદરાનાં વિશાળ ગણપતિ ખાસ મોટી ક્રેનની મદદથી અહીં વિસર્જિત કરાય છે. સુરસાગરનું વિશ્વામિત્રી નદી સાથે પણ જોડાણ કરવામાં આવેલ છે જેથી અતિવૃષ્ટિ સમયે વધારાનું પાણી નદીમાં વહી જાય છે અને શહેર સુરક્ષિત રહે છે. હાલમાં અહીં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નૌકાવિહાર પણ શરુ કરવામાં આવેલ છે.

સુર સાગર

અરવિંદ આશ્રમ ——–
મહર્ષિ અરવિંદ ઘોષ – જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ – આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.

મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે. આ મ્યુઝિયમમાં વડોદરા શહેરના પુર્વકાલિન મહારાજા તેમજ શાહી પરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલ વિવિધ કલાના ઉત્તમ નમુના સંગ્રહિત કરવામાં આવેલ છે.
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારો ની કલાકૃતિ સાચવવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમને જાહેર જનતા નજીવા શુલ્કની ચુકવણી કરી જોઇ શકે છે.

સયાજી સરોવર
સયાજી સરોવર અથવા આજવા સરોવર વડોદરા શહેરથી આશરે ૨૫ કિલોમીટર દુર આવેલું એક રમણીય સ્થળ છે. આજવા સરોવરના બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ – ત્રીજાને જાય છે, જેમણે શહેરની પાણીની જરુરિયાતને ધ્યાનમાં રાખી આજવા સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું. હાલના સમયમાં પણ મહારાજાની દુરંદેશીને પ્રતાપે વડોદરા શહેરની વસ્તી પહેલાં કરતાં આશરે ત્રણથી ચાર ગણી થવા છતાં વડોદરાના આખા પુર્વીય વિસ્તારને જીવન જરુરી એવું પાણી આજવા સરોવરમાંથી જ મળે છે. આજવા સરોવરને કિનારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વૃંદાવન બાગનું પણ આયોજન કરાયેલ છે.

આજવા બાગ

આ બાગ મેસુરના વૃંદાવન બાગની છાયા સમાન છે. વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે તેમ જ અહીં દર શનિ, રવિ અને સોમવારે યોજવામાં આવતા સંગીતમય ફુવારા (મ્યુજીકલ ફાઉન્ટેન)નો કાર્યક્રમ છે. આજવા સરોવરનું પાણી શુદ્ધ કરવા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજવાથી વડોદરા તરફ આવતા રસ્તામાં નિમેટા ગામ પાસે પાણી શુદ્ધીકરણનો પ્લાન્ટ નાખેલ છે. આ પ્લાન્ટની આસપાસ પણ એક સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. આજવા સરોવર અઠવાડીક રજા માણવા માટેનું એક ખુબ જ પ્રખ્યાત તેમજ આહલાદક સ્થળ છે. વડોદરાથી આજવા પહોંચવા માટે ખાનગી વાહન વ્યવસ્થા સહેલાઇથી ઉપલબ્ધ છે. હાલમાં વડોદરાથી આજવા વચ્ચે બીજા ઘણાં આનંદ પ્રમાદના પર્યટન સ્થળ વિકસી ગયાં છે જેમકે ગુજરાત ફન વર્લ્ડ ઍન્ડ રીસોર્ટ, આજવા ફન વર્લ્ડ વિગેરે વિગેરે.

વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ એ વડોદરાનું આભુષણ છે તો મહારાજા સયાજી રાવ વિશ્વવિદ્યાલય અને સયાજીબાગ એટલે કે કમાટીબાગ જેણે નથી જોયો એણે વડોદરા નથી જોયું આ કમાટી બાગનું મ્યુઝીયમ પણ જોવા જેવું છે હોં. અનેક વૃક્ષો અને છોડો એમાં છે જે જોવાં લાયક છે. ભારતની સૌથી પહેલી રમકડાં ટ્રેન પણ કમાટીબાગમાં જ શરુ થયેલી
આજે પણ એ ચાલુ છે. ભારતના ગણ્યાં ગાંઠ્યા પ્લેનેટોરીયમમાનું એક આ કમાટીબાગમાં જ આવેલું છે. જે જોવાં જેવુ છે હો !!!! આ ઉપરાંત નઝરબાગ પેલેસ, મકરપુરા પેલેસ, કીર્તિ મંદિર, કીર્તિ સ્તંભ, ન્યાય મંદિર, અરવિંદ આશ્રમ ( મહર્ષિ અરવિંદ થોડો સમય અહીં રહેલા ) સુરસાગર તળાવ અને એમા સ્થિત ઉંચી શંકર ભગવાનની ઉંચી મૂર્તિ
ખંડેરાવ માર્કેટ, માંડવીનો દરવાજો, કાલાઘોડા સ્ટેચ્યુ, વગેરે એના જોવાં લાયક સ્થળો છે.

અત્યારે અનેક મોલો , અદ્યતન હોટેલો અને ખાણીપીણીના બજારો અને લોકોથી ઉભરાતું શહેર એટલે આજનું વડોદરા. મોટાં-મોટાં સર્કલો, નિર્વ શાંતિ અને ચારેબાજુથી લીલોતરીથી હર્યા ભર્યા આલીશાન મકાનો અને ફ્લેટો, ખાણીપીણીનાં અદ્ભુત બજારો અને અત્યંત આધુનિક એવું નવું જ બનેલું એનું બસસ્ટેન્ડ. આ ઉપરાંત અનેક ઇમારતો ,હોટલો અને રેસ્ટોરરંટો તથા ઢગલાબંધ રિસોર્ટ એ વડોદરાની આગવી પહેચાન બની ગઈ છે. હવે જાઓ તો કદાચ તમને વિશ્વામિત્રીનાં રીવરફ્રન્ટ ઉપર મ્હાલવા મળે પણ ખરું. અલ્કાપુરીના ગરબા જોવાંએ પણ એક લ્હાવો જ છે હોં !! સંગીત, નુત્ય, નાટક અને સાહીત્યનો સુભગ સમન્વય એટલે મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી !!!!

વડોદરા, તારી ગેરહાજરી, મારું મારી જાત ને શોધવું, કમાટીબાગમાં જવું પાદંડે પાદંડે તારી શોધખોળ, ધોમધખતો તાપ શરીર ને બાળે છે; અને તારી યાદ મન અને દિલ ને, કીડીઓ ને પૂછી લીધું, એમ્ફી થીયેટર માં બેઠેલા પ્રેમીયુગલ ને સહેજ હેરાન કર્યા, જાણ એમને પણ નહતી… પેલી મોટી ઘડિયાળએ સમય ને પણ મોટ્ટો કરી મુક્યો, સતત વાગતા ગીતો વધુ ને વધુ અકળાવી મુકતા હતા, હોટલ રિવાયવલ માં સંગીત નો જલસો, ”એક તું હી ધનવાન હૈ ગોરી….” યાદો એ સમયને પૂર્ણ પણે બાહોપાશ માં લઇ ને થંભી દીધો હતો, જેમ તું મને રોકી રાખતી હતી એમ… છેવટે હારી થાકી ને કમાટીબાગના દ્વારે બેઠેલા હનુમાન દાદા જોડે થોડી વાતો કરી વાતો નહિ ફરિયાદો… દાદા એ કહ્યું બેટા, તારું દિલ તપાસ્યું??? અને….હેય આનંદ જ આનંદ…
આનંદોહમ આનંદોહમ આનંદમ પરમાંનંદમ…..
——મનન ભટ્ટ

ઈતિહાસ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે સંસ્કાર નગરી વડોદરા !!!!! ઐતિહાસિકતા સાથે આધુનિકતાને અપનાવતું શહેર એટલે વડોદરા !!!

આ બધું જોવું અને માણવું હોય તો વડોદરા એક વાર તો જવું જ જોઈએ કોઈએ પણ !!!!!

——- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!