વેણ અને વચન માટે માથાં આપવાની વિરલ ઘટના

વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.

એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. ગામ ગિરાસ મેળવવા, પાલવવા અને સાચવવા અને વચને રહેવું એ વાત એક જમાનામાં માથા સાટેની ગણાતી. માથાં વધેરાય તો કબૂલ. બાકી વચન ન વધેરાય. વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.

એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. વાતની શરૂઆત જરા જુદી રીતે જુદી ઢબે રજૂ થઇ છે.

‘આ ખાંભીઓ જ છે ને ?’

‘હા ખાંભીઓ, માત્ર ખાંભીઓ છે.’

‘આ ગામનું નામ.’

‘દેવ ચરાડી’
‘આ ખાંભીઓ વિશે કંઇક વધારે જાણવું છે…

જણાવશો ?’
‘પૂછો’

‘આ બધું તાજું તાજું છે.’

‘બધું એટલે શું ?’

‘આ સિંદૂર, આ શ્રીફળનાં છાલાં, દીવાનાં કોડિયાંની બળેલી દિવેટ્યો.’

‘હોય જ ને ? હમણાં જ કાળી ચૌદસ ગઇ. કાળી ચૌદસ આ ખાંભીને નિવેદ જુવારવાનો, કસુંબો પાવાનો દિવસ છે.’

‘હેં કસુંબો ?’

‘હા કસુંબો. ગામ માટે, ગરીબ માટે, બહેન-બેટી માટે ધીંગાણે ચડીને ખપી ગયેલા શૂરવીરોનો કસુંબો.’

‘કોણ પાય ?’

‘શહીદોના વારસદારો’

‘કોણ છે વારસદારો આ ખાંભીઓના ?’

‘ગુજરાતના ગઢ ગાજણાના વાઘેલા રાજપૂતો એમના આ પૂર્વજને કાળી ચૌદસે કસુંબો પાવા આવે છે. આહીં છ દીકરાઓ અને એક બાપ એમ સાત જણા શહીદ થઇ ગયા.’

‘શું કારણ’

‘ગામનું રક્ષણ કરવાનું વચન આપેલું એટલે પ્રાણના ભોગે રક્ષણ કરી દેખાડ્યું. હવે વિગતે વાત સાંભળો.

ગુજરાતના ગઢ ગાજણાના ઠાકોર અખેરાજજીનાં દીકરી હળવદ સાસરે હતાં એટલે અખેરાજજી સુવાણે દીકરીને મળવા આવેલા. જમાઇ રાજસિંહે સસરાની માનપાનથી સરભરા કરી. વાતમાંથી વાત નીકળી એટલે જમાઇએ સસરાને પેટછુટી વાત કરી.

‘મારે કુટુંબ સાથે દ્વારકાની યાત્રા કરવાની માનતા છે, પણ જવાતું નથી.’

‘કાં ! શું કામે જતા નથી.’

‘તમે જાણો છો કે આ જમાનો મારે એની તલવાર અને જીતે એનું રાજનો છે. જો હું દ્વારકાની યાત્રાએ જાઉં અને હળવદ રેઢું પડે તો લૂંટારા હળવદને ખેદાનમેદાન કરી નાખે…’

‘કારભારી અને રાજના સપિાઇઓ શા કામના ? એની જવાબદારી નહીં ?’ સસરા હસતાં હસતાં ઊંડે ઊતર્યા.

‘જવાબદારી શાંતિના સમયમાં, બાકી પ્રાણના ભોગે લડે નહીં. બચવા ખાતર લડે એટલે હારી જાય કાં ભાગી જાય. પગારદારો કોને કહે.’

‘તો હળવદના રક્ષણની જવાબદારી હું સંભાળીશ. તમે ખુશીથી દ્વારકા જાઓ.’

‘પણ તમારે ગઢ ગાજણા પણ સંભાળવાનું ને ? સત્યાવીશ ગામની તાલુકાદારી તમારી.’

‘સંભાળી લેશ.’ સસરાએ ગર્વભેર કહ્યું. ‘મારે પ્રભુના પ્રતાપે પાંચ રાણીઓના બાર દીકરા છે. છ દીકરાને અહીં તેડાવી લઇશ અને બાકીના છ અમારાં સત્યાવીસ ગામને સંભાળશે. અને હળવદના ઠાકોર રાજસિંહ પરિવાર સાથે દ્વારકાની યાત્રાએ ઊપડી ગયા.

સસરા અખેરાજજીએ છ દીકરાને હળવદ તેડાવીને રાજ સંભાળ્યું. લૂંટારુઓને ખબર પડી કે ઠાકોર હાજર નથી અને હળવદ રેઢું છે… મોટી સંખ્યા લઇને હળવદ ઉપર ત્રાટક્યા. રાજસિંહને આપેલા વચન મુજબ અખેરાજજી અને છ દીકરા એમ સાત જણે મોરચો આપ્યો. પણ લૂંટારુ દુશ્મનોની સંખ્યા આગળ ટકી શક્યા નહીં. સાતેય લડતાં લડતાં ખપી ગયા.’

જમાઇ દ્વારકાની યાત્રાએથી આવ્યા ત્યારે ઊથલપાથલ થઇ ગઇ હતી. છ સાળા અને સસરાજીએ વચન ખાતર શહીદ થઇ હળવદનું રક્ષણ કર્યું. રાજસિંહે ગઢ ગાજણાથી છ સાળાઓને બોલાવીને દેવ ચરાડી નામનું ગામ બક્ષિસમાં આપ્યું. મોટા ભીમજી વાઘેલાએ દેવ ચરાડી સંભાળ્યું અને બાકીના પાંચ ભાઇઓ ગઢ ગાજણા ગયા.

દેવ ચરાડીના પાદરમાં સાતેય વીર શહીદોની ખાંભીઓ માંડી. દર વરસની કાળી ચૌદસે પૂર્વજોની ખાંભી આગળ ચોખા જુવારીને કસુંબો પાય છે એના વારસદારો. ખાંભીઓના ઈતિહાસથી અજાણ્યા પૃચ્છક ભાઇએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘પણ ખાંભીઓ કસુંબો પીએ ?’

‘હા જરૂર પીએ. શ્રદ્ધા અને પરંપરાની વાત છે…’

‘વાહ !’

‘અને સાંભળો… વારસદારોના વહુવારુઓ લાજના ઘૂંઘટા તાણીને ખાંભીઓને પગે લાગે છે.’

‘એટલી બધી વાત ?’

‘વાત નહીં વિશ્વાસ. એનો વિશ્વાસ છે કે ખાંભીના પથ્થરમાં એમના શ્ચસુરો સાક્ષાત્ છે. વહુવારુઓ આવી પરંપરા જાળવવા માટે પોતાના કુળનું ગૌરવ લે છે. કુળવાન રાજપૂતાણીઓ આવી હોય છે. હોં.’

‘શ્રદ્ધા અને પરંપરાને વંદન.’

પ્રજાના રક્ષણ માટે બહેન-બેટીઓના શિયળના રક્ષણ માટે ઘણા રાજપૂતો ખપી ગયા છે. ગામની બહેન-દીકરીઓ અને વહુવારુ આ ખાંભીઓના ભરોસે અંધારી રાતોએ પણ નિર્ભય થઇને આવ-જા કરે છે. એને અંતરે પૂરી શ્રદ્ધા છે કે અમારા રક્ષણહારો અહીં હાજરાહજૂર છે એટલે એકલાં હોઇએ કે રાત હોય કોઇ પણ હરામ હલાવી અમારી સામે આંખ ન માંડી શકે. દેવ ચરાડીના પાદરની આ ખાંભીઓ હળવદથી લાવીને એના વારસદારોએ અહીં માંડી છે. એમના આ વારસદારોનાં પચ્ચીસેક ઘર આજે પણ દેવ ચરાડીમાં વસે છે… અને ચારસો વરસની ઘટનાને દર કાળી ચૌદસે તાજી કરે છે.’

લેખક:- નાનાભાઈ જેબલિયા (તોરણ)
(વિગત : કિરીટભાઇ ગઢવી – સુરેન્દ્રનગર)

error: Content is protected !!