લોકસંસ્કૃતિમાંથી લુપ્ત થતાં ઉપસ્કરણો

ગુજરાતમાં, વિશેષતઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી લોકજાતિઓ કેટલી ખુશનશીબ છે ? એમની પાસે લોકસંસ્કૃતિની ભાતીગળ અને ભવ્યાતિભવ્ય વિરાસતનો વૈભવવંતો વારસો છે. એનો જોટો જગતભરમાં આજેય જડવો મુશ્કેલ છે. પ્રકૃતિની ગોદમાં પાંગરેલી લોકસંસ્કૃતિ અને લોકજીવન પાસે લોકબોલીનો ય એવો સમૃધ્ધ વારસો છે. ગ્રામ્યજીવનમાં વપરાતી ચીજજણસો ને ઉપસ્કરણોનાં તળપદાં નામો લોકસંસ્કૃતિના પરિચાયક છે એટલું જ નહીં પણ એ શબ્દોમાં સામર્થ્ય અને નીજી સૌંદર્ય પણ છે. યંત્રયુગની આંધિમાં ઉડઉડ કરતાં વિકાસની હરણફાળ ભરવા માંડેલા લોકજીવને લોકસંસ્કૃતિના કિંમતી કણસમાં કેટકેટલાં ઉપસ્કરણો આજે ખોઈ નાખ્યાં છે ? આવો હું તમને પચાસ પંચાવન વર્ષે પૂર્વેના અતીતમાં આંટો મારવા લઈ જાઉં.

એ કાળે મારા બાપુનું આકરુ ગામનું વભાવાળું ખોરડું. એમનો રોટલો મોટો. આબરૂ મોટી એટલે અમારી ડેલી કાયમ ડાયરામલો અને મહેમાનોથી હાંફતી રહેતી. મને બરોબર યાદ છે. રોંઢા (બપોરનું ભોજન) ટાણે અમારી ઓંશરીમાં જમવાની પંગતો પડેલી. મારા બાપુના એક સંબંધી સરકારી અધિકારી મુંબઇથી આવેલા ને અમારા મહેમાન થયેલા એ પણ ભાણે જમવા બેઠેલા. ભાણાં પીરસાઈ ગયાં. ત્યારે અમારા આનંદી કાકા ખોડુભાઈ મુખી મે’માન તરફ ફરી, ઠાવકું મોં કરી, હળવેક રહીને કહે ઃ

‘‘ઢીંચણિયું આપે ?’’

મહેમાન ઘડીક મૂંઝાયા. મીઠાઈ હશે એવું માની મરકીને બોલ્યા ઃ

‘‘અડધું આપો. પછી ભાવશે તો વધુ લઈશ.’’

તે દિ’ડાયરો આખો ખખડીને અવળો થઇ ગયેલો. હજુય એમનું ઓઠું દેવાય છે. આ ઢીંચણિયાને આજે તો લોકજીવનેય સાવ વીસરી ગયું છે. મારે અહીં એની અને એવાં થોડાં ઉપસ્કરણોની વાત માંડવી છે.

આપણા જાજરમાન લોકજીવનમાં જમવાનો પણ એક આગવો સંસ્કાર છે. એની સાથે આયુર્વેદની ઊંડી સમજણ પણ સંકળાયેલી છે. જૂના કાળે રાજપૂતો અને કાઠીદરબારોનો એક આગવો ઠાઠ અને ઠસ્સો હતો. તેઓ જમવા બેસે ત્યારે ‘ઢીંચણિયું’ આપવામાં આવતું. આ ઢીંચણિયું એટલે જમવા બેસતાં ઢીંચણ તળે રાખવામાં આવતું ટેકણ. ટેકણિયું, ઘૂંટણિયું લાકડાનું કે ધાતુનું બને છે. એના પરથી એક કહેવત પણ પ્રચલિત બની છે. ‘ઢીંચણિયાં ઢાળવાં’ અર્થાત્‌ કોઈને પોતાની રમતમાં ફસાવીને ખાડામાં ઉતારી દેવા.

કાઠીદરબારો અને રાજરજવાડામાં જમવા બેસે ત્યારે આંકોલિયા (શીમળા)ના રૂની ચાકળીઓ નંખાય. વાઘનખના પાયાવાળા બાજોઠિયા ઢળાય. પડખે કાંસાની તાંસળિયો રાખવાની પાંદડિયાળી પડઘી (સ્ટેન્ડ) મૂકાય. બાજઠ ફરતા ચાર જણ જમવા બેસે. એમને ઢીંચણિયાં અપાય. રૂપાની ઘૂઘરિયું ટાંકેલો, રેશમી રૂમાલિયો ઢાંકેલો બાજરાના રોટલા સહિતનો ભર્યા ભોજનનો થાળ આવે. પછી જમનાર મહેમાનો પગ નીચે ઢીંચણિયું દબાવી જમવાનું શરૂ કરે. આ ઢીંચણિયાં આપણા વડવાઓની કોઠાસૂઝની વાત કહી જાય છે. ઢીંચણિયા માથે વાળેલા પગનો ઢીંચણ ટેકાવો એટલે હોજરીનો થોડોક ભાગ દબાયેલો રહેવાથી ઉણોદર રહી શકાય. ભરપેટને બદલે ઉણોદર રહેનારને ત્યાં માંદગી ને રોગો આવીને ભાગ્યે જ મુકામ માંડે છે.

અમારા કાઠીદરબાર જીલુભાઈ ખાચર એનાથી આગળ જઈ વધુ રસપ્રદ વાત માંડે છે ઃ ભોજન વેળાએ ઢીંચણિયું વાપરવા પાછળ લોકજીવનની વૈજ્ઞાનિક સૂઝ પડેલી જોઈ શકાય છે. ઢીંચણિયું જમણા પગના ઢીંચણ નીચે દબાવો તો ડાબી નાડી ચાલે અને ડાબે દબાવો તો જમણી નાડી ચાલે. આ નાડી સૂર્ય અને ચંદ્રની નાડી કહેવાય છે. લાડવા, રોટલા, ભાખરી ખાઈએ ત્યારે સૂર્યનાડી ચાલતી હોય તો જલ્દી પાચન થાય છે. જ્યારે પેય પદાર્થો લઇએ ત્યારે ચંદ્રનાડી ચાલે તે જરૂરી છે એટલે ખોરાકને ધ્યાનમાં લઇ ઢીંચણિયું ડાબા જમણા પગ નીચે મૂકાય છે. કેવી અદ્‌ભૂત આ વાત છે ? વૈજ્ઞાનિક પધ્ધતિને જાણનાર માણસ ભાગ્યે જ માંદો પડે છે. લોકજીવનની આ દેણગી છે.

ગુજરાતી લોકગીતોમાં ઘરવપરાશના ઉપસ્કરણોને પણ કેવા લાડ લડાવ્યાં છે ! વગરતેડી સાસરેથી આવેલી દીકરીના એની માતા લેખાં લે છે ઃ

‘‘સાંગામાંચીએ બેઠાં માતાજી બોલ્યાં,

કાંરે ધીડી વગર તેડ્યાં આવ્યાં જો.’’

લોકગીતમાંથી ‘સાંગામાચી’ શબ્દ સાંપડે છે. માતાને ઉંચા આસને બેસવા માટે તૈયાર કરેલ માચી. તે સાવ સાદી તો ન જ હોય. તે શણગારેલ હોય. આવી અલંકૃત લોકકલ્પના સમાણી છે સાંગામાચી શબ્દમાં. સાંગામાચી શબ્દના વહેણ ઘણાં પ્રાચીન છે. ‘સાંગામાચી’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘સાંગમંચિકા’માંથી ઉદ્‌ભવ્યો છે. જેથી કહી શકાય કે સાંગમંચિકા નામની જણસ પ્રાચીન તેમજ મધ્યકાલીન લોકસંસ્કૃતિમાં જરૂર વપરાશમાં હશે ! આ સાંગમંચિકામાંથી આપણો સાંગામાચી શબ્દ આવ્યો. ગુજરાત વિધાપીઠના શબ્દકોશમાં સમાસયુક્ત શબ્દનો અર્થ આપ્યો છે ‘અઢેલીને બેસાય તેવી પાટી ભરેલી ખુરશી ઘાટની માંચી.’ ભગવદ્‌ગોમંડલકાર એને માટે કહે છે કે સીંદરી ભરેલી ખુરશી, ઢોલણી, નાનો માંચો, નાનો પલંગ. સામાન મૂકવા ગાડીમાં મૂકેલી ચામડાની પેટી.

સાંગામાંચી પાટી ભરેલી પાછળ અટેકણ દઈને બેસી શકાય તેવી હોય છે. મોટેભાગે ઘરની વડીલ બાઈ અર્થાત્‌ સાસુજી એના પર બેસે. જૂના કાળે આમન્યાવાળી બાઈઓથી ખાટલે બેસાતું નહીં. વડીલ નારી વહુ જોડે ભોંય બેસે એમાં એનું મા’તમ નહીં. આથી કોઠાસૂઝવાળા સૂત્રધારો, સુથારોએ સાસુજીનો માભો જળવાય એ માટે આ સાધન શોધી કાઢ્‌યું. લોકહૈયાં ઉકલત તો જુઓ !

ચાર પાયાની ભરેલી માંચી એ વપરાશનું ‘રાચ’ હતી. ગ્રામ્ય ઘરોમાં પરોઢિયે જ્યારે ઘંટીઓ મંડાતી ત્યારે વહુઓ લાંબા પગ કરીને માંચી માથે બેસી અનાજ દળતી. આ માંચી એટલે બટકા અને ચાર નાના પાયાની બેસી શકાય તેવી ભરેલી ખાટલી. આ નાનકડી માચી માથે ગોદડી. તે પર બાળોતિયું ને તેના પર કિલકિલાટ કરતું શિશુ આળોટે છે સીસમના લાકડામાંથી ઘડી કાઢેલ માચીમાં. લગ્ન પ્રસંગે નવા ખાટલા ખરીદો ને એને વાણ ભરવા હરિજનભાઈને બોલાવો ત્યારે તે ય માંચી માથે બેસીને ખાટલા ભરી આપે છે.

પ્રદેશે પ્રદેશે માંચીના ઠાઠ પણ અલગ અલગ જોવા મળે છે. કોઈ ઘરમાં સંઘાડે ઉતારેલ માંચી હોય, ક્યાંક લાખના રંગ ચડાવેલી માચી હોય. ક્યાંક સીસમના લાકડાની માંચી હોય. ભારતીય લોકજીવનમાં કાષ્ટકોતરણી ઓતપ્રોત હતી. પોહરાપુષ્કરો કોષ્ટ કોતરણીમાં રત હતા. બારશાખોમાં કાષ્ટકોતરણી, તેના પડખે દીવા રાખવાનાં ચાડાં પણ કોતરણીદાર. આમ બારણાં, જાળી જાળિયાંથી લઈને માંચી સુધી આ કળા પહોંચી હતી. આજના સંખેડાના સોફાસેટની ડિઝાઈનના મૂળમાં જોવા જાવ તો સાંગામાંચી જ પડેલી છે. એક શુધ્ધ ભારતીય ‘રાચ’ હવે વિદેશોમાં એટલું જ લોકપ્રિય થયું છે. આજે આપણે ત્યાં કોઈને પૂછો તો કહેશે ઃ ‘ઘરમાં ઘંટીઓ રહી છે તે માંચી હોય ! માંચી ભલે ન રહી હોય પણ માંચી ઘાટનું દેશી ફરનીચર શહેરમાં સારું લોકપ્રિય થતું જાય છે.

પ્રાચીનકાળમાં આપણે ત્યાં રોટલા, દૂધ, દહીં વગેરે લટકાવેલા છીંકામાં મૂકવામાં આવતાં. પણ મારે વાત કરવી છે યુધ્ધ – ધીંગાણા પ્રસંગે કાઠી દરબારોમાં જૂના કાળે વપરાતા શીંકાની. આજે નથી રહ્યાં યુધ્ધધીંગાણાં,નથી રહ્યાં એ શૂરવીરો. નથી રહ્યાં એ શીંકાં ને નથી રહ્યા એના જાણતલો. આવા શીંકાની એક રસપ્રદ વાત આણંદપર ભાડલાના તાલુકદાર શ્રી રામબાપુ ખાચર અને શ્રી કાંથડભાઈ ખાચર પાસેથી વર્ષો પૂર્વે શ્રી પુષ્કર ચંદરવાકરે નોંધી છે.

સોએક વર્ષ પૂર્વે કાઠી દરબારો જાતવંત ઘોડીઓ માથે પાખર (સામાન) નાખી પાળ લઇે ગાઉના ગાઉ ધીંગણે જતા. આ ધીંગાણામાં ઘોડીઓ લઇને ઘેરથી નીકળતા. આ ઘોડીઓ પણ ભારે સમજદાર, ઘેરથી નીકળે ત્યારે ખોંખારી લે. પછી વાટમાં ક્યાંય નહીં. આવી તો શરમની ભરનારીયું. આ ઘોડીઓને એક ધારા ને એક હાર્યે પગ પડે તેવી કેળવણી અપાતી. ધીંગાણામાં પાળનો માણસ ઘવાય કે વીંધાય તો એને ત્યાં પડ્યો ન મૂક્તા, પણ શીંકે નાખીને ઘેર લઇ આવતા.

અચરજ પમાડે તેવું કાઠીદરબારોનું યુધ્ધ ધીંગાણાનું આ શીંકું છે. શીંકું હીરની દોરીનું હોય. માછલાં ઝાલવાની મોટી જાળ રોપડું. આમ તો ઝોળી જેવું. બે છેડે બે ઇંઢોણીઓ હોય. તેના ફરતી ઝાળ. તેમાં સાચી અટલસની ધડકલી (રજાઈ) કે રેશમી ધડકલી હોય. આ ધડકલીમાં રૂનો પોચો પોચો પૉલ મૂકી તેમાં ઘવાયેલા આદમીને સુવાડી શીંકે નાખી બે ઘોડિયુંના પાખરના જીનની મુંડકીમાં તેના છેડાની બેય ઇંઢોણીઓ ભરાવી દેવામાં આવતી. આવી ભલી તો એમની કરામત. પછી ડચકારો કરતાં અસવારો સાથેની બેય ઘોડિયું ગામભણી ઉપડતી. શીંકા સહિત બેય ઘોડિયું એકધારી ચાલે ચાલી જાય. બેમાંથી એકેય ન મોર્ય જાય કે ન વાંહે રહે. શીંકે સૂતેલ આદમીને અણસારે ય ન આવે કે તે શીંકે સૂતો છે ! આ ઘોડીઓ તેને ઘરકોર્યલઇ જાય ત્યારે શીંકામાં સૂતેલા આદમીના પેટનું પાણીએ ન હાલે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન અમે જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી ખાચરને ત્યાં મહેમાન થયેલા. ત્યારે એક ઘલઢેરા અને એન એન અવસ્થાદાર કાઠી-દરબારને અમે આ શીંકા અંગે પૃચ્છા કરી ત્યારે તેમણે એટલી માહિતી આપી કે વર્ષો પૂર્વે એક જણ પાસે આવું બાપદાદાવારીનું શીંકું હતું. મેં બદલામાં એના ધણીને પાંચ દૂઝણી ભેંસો દેવાની વાત કરી તોય એ નહોતા માન્યા. આજ તો હવે કાઠિયાવાડ આખું ફેંદો ને ગમે તેટલું નાણું ખર્ચો તોય તમને એ શીંકુ કે એને બનાવનાર કોઈનો પત્તો નહીં પડે. એ બધું કાળની કંદરામાં વિલીન થૈ ગ્યું. વખત વખતનું કામ કરે છે.

* * *

લોકજીવનમાં લાજમલાજાને ઘૂમટાની પ્રથા મોગલકાળ જેટલી જૂની ગણાય છે. લોકસમાજમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રના દરબારી કે તાલુકદારી ગામડાંઓમાં વસતા દરબાર ગિરરાસદારોમાં ઓઝલ-પડદા માટે ‘કનાત’ની પ્રથા જાણીતી હતી. આમ કનાત એ મોગલસમયની પડદાપ્રથાની યાદ આપતો સાપના લીસોટા સમ અવશેષ છે.

આ કનાતની રચના એટલી સીધી સાદી ને સરળ રહેતી જેને માટે કોઈ સુથાર કારીગરની જરૂર ન રહેતી. ‘કનાત’ ઘરગથ્થુ સગવડિયું સાધન હોવાથી ૧૬ સળિયાની છત્રી લઈ તેના પર દરજીએ સીવેલી કનાત ઢાંકી દેવાતી. એનાથી નાનકડા તંબુ જેવું આવરણ થઇ જતું. આગળના ભાગે રંગભૂમિના પડદાની જેમ બે છેડા એકબીજા પર દોઢે વળેલા રહેતા. તેમાં થઈને કનાતમાં પ્રવેશી શકાતું. લગ્ન પ્રસંગે ગામડાગામમાં શેરી વચાળે થઇને કોઈને ત્યાં જવું હોય ત્યારે દરબારોની વહુ – દીકરીઓ કનાતમાં ઓઝલપડદો કરીને નીકળતાં. એક કામવાળી છોકરી છત્રીનો હાથો પકડીને અંદર ચાલતી. કનાત જમીન સુધી ઘસડાતી હોવાથી અંદર ચાલનારના પગની પાનીય દેખાતી નહીં.આ ‘કનાત’ ઓઝલની સાથોસાથ જ્ઞાતિના મોભાનું પ્રતીક ગણાતી. આવી ભરત ભરેલી કે પેચવર્ક કરેલી કનાત કન્યાને કરિયાવરમાંયે અપાતી. આજે ‘કનાત’ શબ્દ દરબારો માટે ય અજાણ્યો બની ગયો છે.

* * *

કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણી મને સો વરસ પૂર્વેના કચ્છી ચલણ ‘ઢીંગલા’ની વાત કરતા. આ ઢીંગલો તાંબાના દોકડાથી મોટો જાડો અને બે પૈસાની કિંમતનો એક સિક્કો હતો. ત્રણ તાંબિયાનો એક ઢીંગલો તે દિ’ આવતો. આમ નાણાંરૂપે વપરાતા ઢીંગલાની કહેવતો ય લોકજીભે રમતી થઈ ઃ

‘ઢીંગલાની ડોશી ને ઢબૂ મૂંડામણ’

‘તાંબિયાની ડોશીને ઢીંગલો મૂંડામણ.’

અર્થાત્‌ ઃ થોડી આવક ને ખરચ ઝાઝું હોવું. વસ્તુની મૂળ કિંમત કરતાં તેની પાછળ બીજું ખર્ચ વધી જવું. બીજી કહેવત ઃ

‘ભૂખની છોડી ભસમાં પડી;

ઢીંગલો દેખી ને ઢળી પડી.’

અર્થાત્‌ ઃ ભૂખે મરતા માબાપની દીકરી ભસમાં એટલે છતવાળી સ્થિતિમાં સાસરે જાય ત્યારે ત્યાં ઢીંગલો એટલે પૈસો દેખીને રાજી રાજી થઈ જાય એની આ કહેવત છે. આ આપણી લોકસાંસ્કૃતિક વિરાસત છે. આ વિરાસત વારસો લોકજીવનમાંથી ઝડપથી વિલુપ્ત થઇ રહ્યો છે. ઘરેણાંમાંથી કાંબી-કડલાં, દરશનિયાં-ગુજરિયાં, અણવટ-વીંછિયાં ને રમઝોળ ગયાં. પહેરવેશમાંથી પાઘડી, સાફા, ફેંટા ને મંદિલ ગયાં. બંધાણીના હોકા, ચલમ ને અફીણની ખરલું ગઈ. ઘરમાંથી ઘંટી, માંચી, મૂશળ ને વલોણાં ગયાં. ઢોલિયા, ધડકી ને ગાલમશૂરિયાં ગયાં. વાહનનાં રથબેલડાં, સીગરામ ને એકા ગયા. લગ્ન પ્રસંગનાં વરમાંચી, બાજોઠ ને શણગારેલાં વેલડાં ગયાં. ટ્રેકટરો આવતાં ગાડાં, બળદ ને ગમાણો ગયાં. બળદોની સાથે તેમના શણગારો ગયાં. તે સાથે તેમના અંગે વપરાતાં ઉપસ્કરણો ને લોકબોલીના સોનામહોર સરખાં મૂલ્યવાન શબ્દો ય ગયા. લુપ્ત થઇ રહેલી સમૃધ્ધ લોકસંસ્કૃતિ બીજા મેઘાણી જન્મે તેની આતુરતાપૂર્વક વાટ જોઈ રહી છે. ગુજરાતી લોકસંસ્કૃતિમાંના આ શબ્દો લોકજીવનમાંથી આવતીકાલે અદ્રશ્ય થઇ જાય તે પહેલાં આ બધા ઉપસ્કરણોનો શબ્દકોશ તૈયાર કરવાના દા’ડા હવે છેટા રહ્યા નથી.કોણ ઝીલશે આ પડકાર ???

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!